યોગેશ જોષીની કવિતા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 170: | Line 170: | ||
પીપળાનાં સૂક્કાં પાંદડાંનું ગીત! | પીપળાનાં સૂક્કાં પાંદડાંનું ગીત! | ||
કદાચ કાલે– | કદાચ કાલે– | ||
</poem> | |||
== સાલું આ આજુબાજુ == | |||
<poem> | |||
સાલું આ આજુબાજુ | |||
જંગલ ક્યાંથી ઊગી ગયું?! | |||
હમણાં તો અહીં તું હતી! | |||
જો, પેલી ગાય આવી. | |||
જે ખાવા ટાણે | |||
હજીયે પહેલાની જેમ જ નિયમિત આવે છે | |||
અને નિરાશ થઈને પાછી જાય છે | |||
પણ તને તો તેની ખબર પણ નહીં હોય, ખરું ને? | |||
તને ખબર છે હું જીવું છું? | |||
જો, ભીંત પર ચીતરેલું ‘લાભ-શુભ’ | |||
કેવું લાહીલુહાણ થઈ ગયું છે! | |||
ગણપતિએ પણ બે હાથો વડે મોં સંતાડી દીધું છે! | |||
પણ તને તો | |||
ખેતર વગરના ચાડિયા જેવો હું | |||
યાદ પણ નહીં આવતો હોઉં, નહીં? | |||
તારા ગામમાં સૂરજ ઊગે છે? મારા ગામમાં નથી ઊગતો. | |||
સાત ડગલાં સાથે ચાલ્યાનું | |||
તને યાદ છે? મને યાદ છે. | |||
સાત ફેરા સાથે ફર્યાનું | |||
તને યાદ છે? મને યાદ છે. | |||
ગમે તે હોય પણ તું | |||
મારી છેલ્લી ઇચ્છા પૂરી કરી જા ને! | |||
એકાદવાર માટે પણ આવીને | |||
‘હવે છાપું પછી વાંચજો, પહેલાં ચા પી લો.’ કહીને | |||
મારા હાથમાંથી છાપું ઝૂંટવી લે ને કલ્પના! | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
Revision as of 11:15, 26 March 2022
વૃક્ષ પણ...
પંખીઓ પાસેથી
પોતાની ડાળે રહેવા માટેનું
ભાડું માગે
કે
વાદળ પણ
દસ પૈસાના એક ગ્લાસ લેખે
ધરતીને પાણી આપે
કે
સૂરજ પણ
દર મહિનાની પહેલી તારીખે
ધરતીના સરનામે
લાઇટનું બીલ મોકલે
કે
ભગવાન પણ
જે પૈસા આપે તેને જ
શ્વાસ લેવા પૂરતી
હવા આપે
તે પહેલાં
પૃથ્વીના કાનમાં કહી દો
કે –
હું તો બસ...
હું તો બસ
રાહ જોયા કરીશ–
વૃક્ષને પાન ફૂટવાની.
દોસ્તો,
નદીને પૂછવું નથી પડતું
દરિયાનું સરનામું
કે
વાદળોને જળ પહોંચાડવા
જરૂર નથી પડતી
નળની.
ભલે હું
આકાશ વગરનો રહું
મારે નથી ચોંટાડવી
પીઠ પર પાંખો,
ભલે હું
શબ્દ વગરના રહું
મારે
નથી જન્માવવા
ટેસ્ટ-ટ્યૂબ શબ્દો.
હું તો બસ,
રાહ જોયા કરીશ....
પડછાયો
એક સાંજે
મારાથી અળગો થઈને
ચાલવા લાગ્યો, બસ ચાલવા લાગ્યો.
સામેની થોરની વાડ પર આળોટ્યો
ને લોહીઝાણ થઈ ગયો
પછી કોક સળગતી ચિતામાંથી આરપાર પસાર થઈને
સ્મશાન પાછળનાં લીમડાની નીચે
ખરી પડેલાં લીલાં પાંદડાંની પથારીમાં
આખીય રાત આળોટ્યો.
ને સવારે ઊઠીને
પાદરનું તળાવ એકીશ્વાસે તરી જઈને
પહોંચ્યા સામેના જૂના મંદિરે.
મંદિરની દીવાલ ઠેકીને પછી
ધીમે ધીમે સરતો સરતો
પહોંચ્યો શિખર પર
ને ફરફરી રહ્યો પવનમાં;
ફરફરતી મેલી ધજાના મેલમાં ભળી જઈને.
આખીય રાત...
આખીય રાત
મેં સાંભળ્યા કરી નીરવતા
ને જોયા કર્યું મારી ભીતર–
પેલા ખેતરની થોરની વાડ
અન્ધકારને ચીરતી ધી...મે ધી...મે સરકતી સરકતી
આવતી જાય છે મારી નજીક ને નજીક!
સ્તબ્ધ થઈને ઊભું છે સામેનું ઝાડ
છતાંય એનું એક પાન કમ્પે છે સતત!
કોક આવીને
ક્યારનુંય બેઠું છે ચૂપચાપ, આંખને કિનારે!
થાકી ગયેલો દરિયો
કણસે છે મારા પડખામાં,
કોક શબના ફાટી ગયેલા ડોળા જેવી મારી આંખોમાંથી
ફૂટ્યા કરે છે ટ્રેનની તીણી ચીસો, ચૂપચાપ!
દીવો લઈને કશુંક ખોળવા માટે
મારા દેહની ભીતર ફર્યા કરે છે કો’ક!
છેક કાનના પડદા પાસે આવીને
ધબક્યા કરે છે હૃદય!
ભીંત પર ચોંટી રહેલું અજવાળું
ટપ્ દઈને ખરી પડ્યું, ચૂપચાપ!
હવે હું
મારી પથારીમાં નથી.
વૃક્ષોના પડછાયા
વૃક્ષોના પડછાયા
લંબાવાનો અવાજ સાંભળું છું
લોહીનો વેગ વધે છે
સારસીની શ્વેત પાંખોનો ફફડાટ
પડઘાયા કરે છે વારંવાર
કોઈ ગીતના સળગતા લય જેવો આ
કોનો હાથ ફરે છે મારા દેહ પર?
વેરવિખેર ઢોળાયેલી ચાંદની
અસંખ્ય સળગતાં પતંગિયાં થઈને
કેમ ઝંપલાવે છે મારી ભીતર?
અનંત લંબાઈની આ કાળીભમ્મર રાત
શું શોધવા માટે
ઉથલાવે છે મારી અંગત ડાયરીનાં પાનાં?
આ કોણ
આકાશને કાળી ચાદર માનીને
ઓઢાડી રહ્યું છે મને?
ભયંકર કડાકા સાથે
વીજળી ઝબકે છે મારા હાડકાંનાં પોલાણમાં.
આકાશ સળગે છે.
પંખીઓ
માળામાં આવી ગયાં કે?!
કદાચ કાલે
કદાચ કાલે
એકેય પાંદડું નહીં હોય પીપળા પર!
દરિયો ય એનાં મેાજાંઓથી
વિખૂટો થતો જાય છે
ને આ ડિસેમ્બરમાં તો
એકેય પંખી નથી આવ્યું નળસરોવરે
નિઃસ્તબ્ધ થઈને
તું છે સરોવરનું નિરભ્ર જળ
ને એકેય માછલી
સહેજે નથી સળવળતી!
જાણું છું, પીંછી લઈને
પીળાં પાંદડાં પર લીલો રંગ ચોપડવાથી
વસંત ન આવે.
સૂરજ જેવો સૂરજ પણ
વિખૂટો થતો જાય છે તડકાથી!
ને...હવે તો
નરી આંખે જોઈ શકું છું
વિખૂટા થતા જતા
ભગવા રંગથી ઝળહળતા મારા શ્વાસ!
કલ્પના,
બારી ખોલી નાખ
ને મને
ભરી ભરીને
સાંભળી લેવા દે
પીપળાનાં સૂક્કાં પાંદડાંનું ગીત!
કદાચ કાલે–
સાલું આ આજુબાજુ
સાલું આ આજુબાજુ
જંગલ ક્યાંથી ઊગી ગયું?!
હમણાં તો અહીં તું હતી!
જો, પેલી ગાય આવી.
જે ખાવા ટાણે
હજીયે પહેલાની જેમ જ નિયમિત આવે છે
અને નિરાશ થઈને પાછી જાય છે
પણ તને તો તેની ખબર પણ નહીં હોય, ખરું ને?
તને ખબર છે હું જીવું છું?
જો, ભીંત પર ચીતરેલું ‘લાભ-શુભ’
કેવું લાહીલુહાણ થઈ ગયું છે!
ગણપતિએ પણ બે હાથો વડે મોં સંતાડી દીધું છે!
પણ તને તો
ખેતર વગરના ચાડિયા જેવો હું
યાદ પણ નહીં આવતો હોઉં, નહીં?
તારા ગામમાં સૂરજ ઊગે છે? મારા ગામમાં નથી ઊગતો.
સાત ડગલાં સાથે ચાલ્યાનું
તને યાદ છે? મને યાદ છે.
સાત ફેરા સાથે ફર્યાનું
તને યાદ છે? મને યાદ છે.
ગમે તે હોય પણ તું
મારી છેલ્લી ઇચ્છા પૂરી કરી જા ને!
એકાદવાર માટે પણ આવીને
‘હવે છાપું પછી વાંચજો, પહેલાં ચા પી લો.’ કહીને
મારા હાથમાંથી છાપું ઝૂંટવી લે ને કલ્પના!