ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મધુ રાય/ધારો કે –: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} ધારો કે– તમારું નામ કેશવલાલ છે અને ધારો કે તમે ગુજરાતી પણ છો....")
(No difference)

Revision as of 07:04, 18 June 2021

ધારો કે–

તમારું નામ કેશવલાલ છે અને ધારો કે તમે ગુજરાતી પણ છો.

સવારે છ વાગ્યે ઊઠી તમે દાતણ શોધો છો. દાતણ કરતાં કરતાં શૌચ જવા માટે હાથમાં ડબલું લઈ સંડાસ પાસેની લાઇનમાં જોડાઓ છો.

પછી નીચે ઊતરો છો. નળની ચકલી નીચે બેસો છો. માથું ભટકાય નહીં એ જોવાનું છે, શેવાળમાં લપસી ન પડાય એ જોવાનું છે અને નાહવાનું છે, ગાવાની છૂટ છે.

નાહીને શરીર લૂછો છો. એક મહિના પહેલાં ધોબીને ત્યાંથી ટુવાલ ધોવાઈને આવ્યો છે અને અત્યાર સુધીમાં પર્યાપ્ત મેલો થઈ ગયો છે. તમે નાક બંધ કરી, શ્વાસ બંધ કરી શરીર લૂછો છો. પછી ભીના સાબુના ગોટાને બે આંગળાઓથી દબાવીને, પકડીને, ખભે ભીનો ટુવાલ અને ગઈ કાલે પહેરેલો અને અત્યારે નહાતાં ભીનો થયેલો લેંઘો ખભે નાખી, બીજા હાથમાં બાલટી પકડી, બંને હાથ ઊંચા રાખી ઉપર જવા માટે તૈયાર થાઓ છો.

તમારા વાળ શેળાની જેમ ઊંચા થઈ ગયા છે. એમાંથી પાણી નીતરે છે અને એ તમારા કપાળ અને ભમ્મર ઉપર થઈ ગાલ ઉપરથી ગરદન ઉપર સરી જાય છે. તમારી લાકડાની ચાખડી લાકડાની હલબલતી સીડી ઉપર રોજની જેમ ખટખટ કરે છે, મહિનાઓની આદતથી તમે ચડી જાઓ છો.

વાંકી વળેલી, કાટ ખાધેલી ચાવીથી કટ અવાજ કરતું તાળું ખોલો છો. બાલટી અંદર લઈ લો છો. ઉપર (વગર માંજેલી, પિત્તળની થાળી ઢાંકી દો છો અને એક ખૂણામાં મૂકી દો છો.)

પછી અરીસામાં જુઓ છો. એની નાનકડી ફ્રેમના ક્ષેત્રફળમાં તમારા ચહેરાનો અમુક અંશ દેખાય છે. તમારી દાઢી કૅપ્ટન નેમો તરીકે જેમ્સ મેસનની હતી એટલી વધી ગઈ છે. બે-ત્રણ વખત મોઢું જોઈ તમે ટુવાલ બદલો છો.

પછી વળગણી ઉપરથી, વળગણીના ડાઘવાળો, આજના દિવસ માટે ખાસ પેલી કપડાં ચમકતાં કરવાની દવામાં ધોયેલો લેંઘો ઉતારો છો, અને ગઈ કાલવાળું ગંજી પહેરો છો.

બગલ પાસેથી એ ફાટી ગયું છે અને પરસેવાની ગંધ આવતી હોય છે. તમે ચુપચાપ પહેરી લો છો.

યાદ રાખો, આજે ૧૦મી માર્ચ છે. તમારો જન્મદિન આજ, જોકે તમને રજા નથી, પણ વહેલા છુટ્ટી લેવાના છો.

બારીમાંથી બહાર તમે નજર નાખો છો. હૉલિવૂડના કોઈ ‘મમ્મોથ’ પિક્ચરની જાહેરાતનું જબ્બર બોર્ડ તમને દેખાય છે. બે સળિયા વચ્ચેથી ત્રીજો સળિયો તૂટી ગયો છે, એવી તમારી બારીમાંથી તમે ધ્યાનપૂર્વક કુશળતાથી ચીતરેલા બોર્ડને જુઓ છો.

પેલી વિખ્યાત નટીનું શરીર દેખાય છે. હલકા લીલા રંગના નાયલૉન જેવું એકાદું કપડું સ્તનની આસપાસ અને થોડું કમરની ઉપર લટકાવ્યું છે. કોઈ પણ અભાગી ક્ષણે જે પડી જઈ શકે છે –  તમે વિચારો છો, એના ‘ચંપા જેવા વર્ણ’ના શરીરની માલિકી માટે એક-બે યોદ્ધાઓ બાજુમાં ખૂંખાર તલવારબાજી કરતા હોય છે. ફિલ્મ રંગીન છે. અને એના ક…લ…ર.. અક્ષરો જુદા જુદા રંગમાં ચીતરેલા છે. હીરોઇનની આંખમાં અંદાઝે-ઇશ્ક છે. પુરુષો બધા હર્ક્યૂલિસ જેવા હી-મૅન છે. બીજી બેત્રણ છોકરીઓનાં સ-અંગ-ઉપાંગ શરીરો પથરાયેલાં પડ્યાં છે. એક રાજાની ક્રૂર મુખાકૃતિ પિક્ચરના ભવ્ય હોવાની ખાતરી આપે છે.

બારી તમે બંધ કરો છો. એની જાડી તડોમાંથી પ્રકાશનાં કિરણો ત્રાંસાં તમારા રૂમની જમીન ઉપર પડે છે, જામેલી ધૂળ ઉપર ચળકતાં ધાબાં બનાવે છે. ખમીસ પહેરી લો છો તમે. લગભગ બધા ઍક્ટરો ઊભા ઊભા જ દાઢી કરે છે. તમે પણ ઊભા ઊભા કરો છો.

પછી ખોખાંનાં પાટિયાંમાંથી બનેલું તમારા ઘરનું બારણું બંધ કરો છો. કટ અવાજથી દબાવી તમારું એક રૂપિયો ને ચૌદ આનાનું તાળું બંધ કરો છો. પછી એક મિનિટ હિન્દી પિક્ચરના અતિ ભોળા નાયકની જેમ મૂર્ખ જેવું મોં બનાવી કંઈ વિચારતા ઊભા રહી જાઓ છો. પછી ખલનાયક જેવું મોં બનાવી ગંભીરતાથી સીડી ઊતરો છો.

થોડા વખત પહેલાં તમે જોયું હતું કે ‘નેતાજી જલપાન ગૃહ’માં ચા બનાવતી વખતે તેમાં લાકડાનું ભૂસું નાખવામાં આવે છે. અને મંકોડાવાળો ગોળ ખાંડને બદલે વપરાય છે. અને પછી એક આનામાં એક શકોરું ભરીને આપે છે.

તમે ઝાઝું વિચાર્યા વિના પી જાઓ છો. કોઈ વખત બિસ્કિટ પણ ખાઓ છો. બંગાળી ઢબની હોટલ છે. માખી-બાખીઓ ક્યારની તમારા વાળ, નાક ઉપર બેસી ગઈ હોય છે. હોટલનો માલિક કાળા લાલ રંગનો છે. અને એના લાંબા દાંત ઉપર તમાકુનું પીળું અને તાંબા જેવું લાલ પડ જામી ગયું છે. બાબા તારકેશ્વરની છબિ દીવાલ ઉપર ચોડેલી છે, અને સૂકાં આકડાનાં ફૂલની ટૂંકી માળા લટકે છે. તમે રોજની જેમ નિર્લિપ્તપણે બધું જુઓ છો. બહાર થાંભલામાં એક પાનવાળાએ સીંદરી લટકાવી રાખી છે. એનો એક છેડો સળગે છે, બીડી–સિગારેટ સળગાવવા માટે.

તમે બહાર નીકળી ચારમિનાર સળગાવો છો. ‘નેતાજી જલપાન ગૃહ’નું સાઇનબૉર્ડ કાટથી લાલ થઈ ગયું છે.

નેતાજી સુભાષનું અણઘડ રીતે ચીતરેલું મોં વિકૃત થઈ ગયું છે. જરીક નારાજ થઈ તમે ટ્રામસ્ટૉપ તરફ વધો છો.

એક ટ્રામ આવે છે. તમારા કામની નથી. હીરોઇનને મળવા હીરો ઊભો હોય. અને પછી એને બદલે એની બુઢ્ઢી મા મળવા આવે ત્યારે હીરો જેવું મોં બનાવે એવું તમે પણ બનાવો છો. અને ટ્રામવાળાની માને ગાળ આપો છો. પિક્ચર્સની શરૂઆત છે. ટ્રામબસમાં બહુ ભીડ છે. બીજી ટ્રામ આવે છે. કૉમેડિયનની જેમ કૂદી તમે ચડી જાઓ છો. ટ્રામમાં બોલાચાલી રાબેતા મુજબ ચાલુ છે. તમે ફૂટબૉર્ડ એકૉમોડેશન લો છો. સેકંડ ક્લાસના ડબ્બામાં. બસોનાં બારણાં ઉપર ત્રીસ-ત્રીસ માણસો લટકે છે, અને બસ એમના ભારથી વાંકી વળી ગઈ છે. જાણે શૂન્ય ડિગ્રીનો ઍંગલ જમીન સાથે બનાવે છે. એના ડીઝલના કાર્બનવાળો ધુમાડો તમારા મોં ઉપર ઠલવાય છે, ધુમાડો ઉડાડતી બસ તમારી નજીકથી દોડી જાય છે.

વિક્ટૉરિયા મેમૉરિયલ, પાર્ક સ્ટ્રીટ, રિફ્યૂજી માર્કેટ અને એસ્પ્લેનેડ આવે છે.

જંગી મેદાન છે. ટ્રામબસનું ટર્મિનસ છે. ઉપર ટ્રામોના તારોનું ગૂંચવાયેલું જાળું છે. અહીં કૅલકટા ટ્રામવેઝ કમ્પનીનું બંધાવેલું મૂત્રાલય ગંધ મારતું ઊભું છે. સિનેમાનાં અસંખ્ય થિયેટરો ઊભાં છે. ભગવાનના ફોટો ટાંગી, મદારીના ખેલ કરી, રેસની ચોપડીઓ વેચી, પૉકેટ મારી… કોઈ પણ રીતે પેટ ભરતા લોકો અહીં રખડે છે. ટ્રામ-બસમાંથી નીકળેલા, છૂટેલા બદહવાસ બાબુલોક ઉતાવળમાં છે, દોડી દોડી ક્યાંક જવા માગે છે. ચીનાઓની ચામડાંથી ગંધાતી જોડાની દુકાનોવાળી બેન્ટિક સ્ટ્રીટ જાય છે, લાલબજાર જાય છે, અને કોલૂતલા આવે છે. ખાડાવાળી અને ખાબોચિયાંવાળી જમીન ઉપર ભરચક માણસોથી ઊભરાતા એ રસ્તાની એક મુતરડીવાળી ગલીમાં વળો છો. મીઠાઈની દુકાનો, દરજીની દુકાનો, સૂતર, રંગ, ઝાડુ, તેલની દુકાનો પાર કરી રિક્ષા, ઠેલાગાડી, હાથગાડી, સાઇકલ અને માલેતુજારોની મોટરોમાં અટવાતા આખરે અમરતલા આવી પહોંચો છો. ડાબી બાજુ વળો છો.

તેજાનાની ગૂણો ખડકેલી એક લૉરીની સામે હળદરથી ખરડાયેલી બીજી લૉરી ભિડાઈ ગઈ છે. રોજની જ જેમ ગાડાવાળાનાં પૈડાંની કીલમાંથી બચતા લૉરી ઉપર ચડી એકબીજાના હાથનો ટેકો લઈ બીજી બાજુ ઊતરો છો. કલકત્તાના પૈસાદારોની આ બસ્તી છે બડાબજાર. પૈસાદારોના છોકરા ખભા સુધી ખમીસ ચડાવી જાડાં શરીર ઊંચકતા સિનેમાની વાતો કરે છે. બ્લૅકમાં મળતી ટિકિટોની વાતો કરે છે.

તમારી જ જેમ દર રવિવારે પિક્ચર જોતા, છ ગુજરાતી ભણેલા, કોઈ શેઠિયાની કૃપાથી પેટ ભરતા સાંઠીકડા, ગાળો બોલી મર્દાનગીની હોંશ પૂરતા લાચાર યુવકો છે, અજગરની જેમ પડી રહેલા શેઠો છે અને કબૂતરખાનાંમાં રહેતા માણસો છે.

તમારી ગદ્દીએ આખરે આવી પહોંચો છો. ગાદીતકિયા પાથરી પ્રેમિકાના રૂઢિચુસ્ત બાપ જેવા ટાલિયા શેઠ કડકડતું કુર્તું અને ધોતિયું-ટોપી પહેરી બેઠા છે. એમના મેદથી લદબદતા સફેદ, અને વાળવાળા સાથળ મર્સરાઇઝ્ડ ધોતિયામાંથી દેખાય છે. અને મિનિટે મિનિટે એમનો હાથ ગાદી ઉપર માલિકીહક સૂચવતો ફરે છે. રસ્તે ચાલતા માણસને જોતા હોય એવી અલિપ્તતાથી તમારી તરફ જોઈ બચ્ બચ્ અવાજ કરી પાન ચાવતાં ટોપી નીચે મૂકે છે.

તમે તમારાં ટેબલખુરશી ઉપર ગોઠવાઓ છો.

બરાબર તમારા ટેબલની ઉપર શ્રીનાથજીબાવાની લાઇફસાઇઝ છબિ લટકે છે. ગોટા જેવાં પીળાં ફૂલોનો હાર એની સોનેરી ફ્રેમના ઉપલા બે છેડાથી લટકે છે, અને તમારી ઉપર જાણે ફાંસીનો ગાળિયો લટકતો હોય એવું તમને લાગે છે. દેવદાસ જેવું મોં રાખી તમે કામ હાથમાં લો છો.

તમે ઊંચે જુઓ છો.

બરાબર તમારી પાછળ બારી છે, અને એમાંથી આખી અમરતલા સ્ટ્રીટ દેખાય છે. ત્રાંસી લટકતી શ્રીનાથજીની છબિમાં એનું વિચિત્ર પ્રતિબિંબ પડે છે. સ્ટ્રીટનું આખું દૃશ્ય કંઈ સિનેમાસ્કોપની જેમ દેખાય છે.

હાથ લાંબા કરી કરી ઝઘડતા, દાતણવાળા સાથે ભાવની રકઝક કરતા ઘરડા માણસો, હાથમાં ડિટેક્ટિવ ચોપડી ખુલ્લી રાખી રસ્તામાં ચાલતા ચાલતા વાંચતા છોકરાઓ, સુવાવડોથી કંતાઈ ગયેલી મધ્યમવર્ગની ફિક્કી, શાક ખરીદતી સ્ત્રીઓ, ચરબીથી જાડી થયેલી, મોટરમાં બેસી મંદિરે દર્શન કરી પાછી આવેલી સ્ત્રીઓ, મજૂરો, કૂલીઓ, લૉરીઓ, ગાડાં, કીચડ અને ગંદકી.

જન્મદિવસને લીધે તમે આજે અસ્થિર છો. રોજ દેખાતાં દૃશ્યો આજે કંઈ વિચિત્ર લાગે છે.

ડાબી બાજુના રૂમમાં, રમણલાલ બેઠો બેઠો વાંચે છે. કોઈક પરીક્ષામાં બેસવાનો છે, અને આખો દિવસ બેઠો બેઠો વાંચ્યે રાખે છે. તમે આખો દિવસ લખ્યે રાખો છો, દેશી નામું. પણ આજે વિચાર કરો છો : રમણલાલ પાસ થશે, શેઠ બનશે, ક્યાંક ક્રિકેટર બની જશે, ક્રિકેટમાં એને સારો રસ છે.

શેઠ બીડી પીતા હોય છે અને ક્યારેક ટાલ ઉપર જામેલો પરસેવો લૂછે છે. શ્રી ધર્માદા ખર્ચ ખાતે રૂ. ૧૭૦–૭૫ ઉધારો છો.

પોર્ટુગીઝ-ચર્ચમાં બાર વાગ્યાના ડંકા પડે છે. તમે દીવાલ ઉપરનું ‘બુધવારે ચાવી દેવી’ ઘડિયાળ જુઓ છો. અને શ્રીનાથજીની છબિ, માળા અને એમાંથી ઇશારા કરતા લોકોને જુઓ છો.

શેઠજી ખાઈને આવી ગયા છે. રમણલાલ જમવા ગયો છે. તમે શેઠજી તરફ યાચનાપૂર્વક તાકી રહો છો. શેઠજી થોડી વાર પછી માથું હલાવે છે. તમે સલામી આપતા સૈનિકની જેમ એમની તરફ આંખો રાખી બહાર નીકળો છો.

બહાર રસ્તા ઉપર અત્યારે ગાડાં ભિડાઈ ગયાં છે. અને ગાડાંવાળાઓ એકબીજાને ગાળો આપે છે. આજુબાજુ તેજાનાનાં, કેમિકલ્સની, મસાલાઓનાં ગોડાઉનો છે, અને રસ્તાના કાળા કીચડ ઉપર કોઈ તીવ્ર ગંધવાળું સફેદ કેમિકલ ઢોળાયું છે. એના ઉપર પગ મૂકી તમે ચાલો છો. તમારાં ચંપલનાં નિશાન એમાં ઊઠે છે. તમે ચાલો છો, અને ચંપલ તૂટી જાય છે, આ અઠવાડિયામાં આઠમી વખત.

તમે ‘બાસા’–વીશી– પાસે આવી પહોંચો છો. એક ગલી છે, અને તમાકુની દુકાનો બંને બાજુ છે. એમાં એક મકાન છે, એની સીડી ઉપર કોઈના છોકરાએ ઝાડો કર્યો છે. તમે એક કિનારે થઈને ઉપર ચડો છો.

‘બાસા’માં એક બાજુ એક સાદડી પાથરેલી છે, અને એની ઉપર એક ભાઈ ઠાવકા થઈને છાપું વાંચે છે. વરિયાળીનો વાડકો પડ્યો છે, અને નીચે થોડીક વરિયાળી વેરાઈ છે. બે કૉલેજિયનો એકબીજાના ખભે હાથ ભરાવી પૅન્ટ ઊંચું રાખી ગોઠણ ભટકાવી કંઈક રસિક વાત ધીમે ધીમે કરી રહ્યા છે.

‘બાસા’ના માલિક… મહારાજ… પીરસતા જાય છે અને વાતો કરતા જાય છે. કોઈનાં લગ્નની વાત છેડાય છે, અને મહારાજ કહે છેઃ હા, હા. ચાર ટાંટિયા ભેગા થતા હોય તો આપણે તો રાજી જ છીએ. કોઈ મહારાજની બૈરી વિશે પણ તર્ક કરે છે. મહારાજ મારવાડના છે, પણ ગુજરાતી સારું બોલે છે. ખાલી પાટલો શોધી તમે બેસો છો. તમારી બાજુમાં એક ઘરડા કાકા દાંતમાં કાંઈ ભરાઈ ગયું છે, એને ‘ચિત્ ચિત્’ અવાજ કરી જીભ વડે કાઢવા મથે છે. બીજી બાજુ નહેરુની વિદેશનીતિની વિવેચના ચાલે છે. ચીન અને ભારતની ભેદી મૈત્રી છે, અને આ તો અમેરિકાને ઉલ્લુ બનાવવા ખોટો મતભેદ થાય છે, એવું કોઈ જાણભેદુ જણાવે છે.

સામે અગાશી છે, એમાં એક લાકડાનું ટબ છે. એમાં ગંગાનું માટીવાળું પાણી છે અને એમાં એંઠી થાળીઓ ઝબોળાય છે. એમાંના દાળશાકના કણ રેલાય છે, અને થાળીનું સ્ટેનલેસ સ્ટીલ જલકમલવત્ સ્વચ્છ બની બહાર નીકળે છે. એ થાળી તમારી સામે ખડકાય છે. અથાણાં, દાળ, શાક, રોટલા… ઝડપભેર ફેંકાતાં જાય છે.

તમે ખાધે જાઓ છો. પછી ભાત લો છો. ‘બિના મિરચી’ દાળ લો છો. તમારી બાજુવાળા કાકાને ગયા રવિવારે બનેલો દૂધપાક ‘વાયડો પડ્યો છે.’ અને ‘અમેરિકામાં તો ખાવાની ફુરસદ નથી મળતી માણસને, ડબ્બામાં જ ખાવાનું તૈયાર મળે છે! અને…’ તેમજ ‘મરચું ઝાઝું ખાવું નહીં હોં. રાતના હેરાન થશો. પરણ્યા પછી ખાજો ખાવું હોય એટલું…’ બધું રાબેતા મુજબ ચાલુ છે.

વરિયાળી ખાઓ છો તમે. કૉંગો વિશેના સનસનાટીભર્યા સમાચારની હેડલાઇન વાંચો છો અને તૂટેલાં ચંપલ લઈ નીચે ઊતરો છો.

છાંયડામાં, એક છતરી ટાંગી એક મોચી બેઠો છે. પૈસાની નજીવી ખેંચતાણ કરી તમે ચંપલ સંધાવવા આપો છો.

ગરમી–સુજાક–શીઘ્રપતન માટે અકસીર ઇલાજનાં, ‘રવીન્દ્ર જયન્તી’નાં, સિનેમાનાં, કૉર્પોરેશનની ચૂંટણીનાં, ગોહત્યાનિષેધનાં, ૧૯૬૫માં પે-કમિશને આપેલ રિપોર્ટો ઉપર હજી અમલ નથી થતો એવી ફરિયાદ કરતા કોઈ કંપનીના એમ્પ્લૉઇઝનાં પોસ્ટરો તમે વાંચો છો. ખુલ્લી ગટરો બેફામ દોડી રહી છે. એક ખૂણામાં ઘંટડીઓથી રણકતો શેરડીના રસનો કોલુ ચાલે છે. છોલેલા સાંઠા નીચે જમીનને અડકે છે, અને એક ભીના લૂગડાથી બગલનો પસીનો લૂછી શેરડીવાળો રસ એ જ લૂગડાથી ગાળી આપે છે.

તમે તમારાં કપડાં પાછળ કીચડ ઉછાળતા ચાલો છો.

પાછા ખુરશીમાં ગોઠવાઓ છો. શ્રીનાથજીની છબિ જુઓ છો. ફાંસીનો ગાળિયો જુઓ છો. શેઠની ચા પીવાની રીત જુઓ છો. તમારી ફાઉન્ટન પેન બનાવનાર કંપનીનું નામ જુઓ છો.

બડી મસ્જિદમાં રોજા છૂટ્યાની સાઇરન વાગી ઊઠે છે. તમે જરા અટકી જાઓ છો. ધીમે ધીમે તમારું કામ બંધ કરો છો. રમણલાલને ભણાવવા કોઈ માસ્તર આવ્યો છે. બધા એને એકવચનથી ઓળખે છે, અને દર દસમી તારીખે કૂલી ઘરના નોકર અને ઑફિસના નોકરો વારાફરતી શેઠની સામે શેતરંજીના દોરા જોતા જોતા પગાર લે છે. ચોપડામાં સહી કરે છે. એ બધાની સાથે રમણનો માસ્તર પણ બેસે છે. એના કાન પાસે ચામડીની ચપટી ભરી કોઈએ પિન લગાવી દીધી હોય એવું લાગે છે. પરસેવો હોતો નથી છતાં એ એની આકુળતા ટાળવા ગરદન ઉપર રૂમાલ ફેરવે છે. સહી કરીને પૈસા લે છે, અને જવા જાય છે, ત્યાં ‘કેમ માસ્તર, રમણનો અભ્યાસ…’ કરીને ગણિતમાં કેટલા માર્ક આવશે એમ શેઠજી પૂછે છે. એકાદ જવાબ આપી માસ્તર ચાલ્યો જાય છે. એના ધોતિયા પાછળ પણ કીચડના છાંટા ઊડ્યા છે.

તમે પગાર પહેલેથી લઈ લીધો છે. તમે ફાઉન્ટનપેન બનાવનાર કંપનીનું નામ ફરીથી જુઓ છો, અને ચોપડાની મજબૂતી તપાસો છો. છબિમાં જોઈ સહેજ અચકાતા ઊભા થાઓ છો. શેઠ પાસે, જવાની રજા માગો છો. રાતના આઠને બદલે અત્યારે પાંચ વાગ્યામાં ક્યાં? જમાનો બહુ બારીક ને – નહીં જાઓ તો નહીં ચાલે? શું કામ છે? પ્રશ્નો ધીમે પુછાતા જાય છે. દલાલો સાથે વાતો વચ્ચે વચ્ચે કરતા જાય છે. ‘ઉસ સાલે’ ત્રીજા વેપારીને ભાંડતા જાય છે, આખરે તમને રજા મળે છે. ઇન્ટરવલ પડતાં જ બીડી પીવા દોડી જતા લોકો જેટલી ઝડપથી તમે બહાર નીકળો છો. આજુબાજુ ધ્યાન આપવાનો વખત નથી.

કોલૂતલા પાસે ઇંચઇંચ જમીન ઉપર ખાવાનું સજાવી ફેરિયા બુમરાણ મચાવી રહ્યા છે. કાગડાની જેમ કકળાટ કરતા એમના ઉત્સાહી ગ્રાહકો રોજા છોડે છે. તમે છાતી સાથે છાતી ભીંસાય એવી ભીડમાં થઈ આગળ વધો છો.

તમારા મિત્રની દુકાન આવે છે. તમે એને ‘ચાલ’ કહો છો. હજી એ રકઝક કરશે. આજે તમારો જન્મદિવસ છે ને, એટલે તમે એને પિક્ચર દેખાડવાના છો. અને દર રવિવારે એ તમને લઈ જાય છે. એટલે આજે તો તમે કોઈ પણ હિસાબે લઈ જવાના છો.

ફરી પાછી એ જ ૮૦ ડિગ્રીના કોણમાં નમેલી બસો, ટર્ન લેતી વખતે હંમેશાં ‘ઊથલી તો નહીં પડે ને’ની ધાસ્તી થાય એવી. આગલા ગેટમાં લટકો છો, બંને મિત્રો. મહિલાઓ ચઢતી જાય છે, લેડીઝ સીટ ઉપર ઠાવકી થઈને બેસતી જાય છે, ઊતરતી જાય છે, દબાતી જાય છે… તમે આંખ મીંચી દો છો. એસ્પ્લેનેડ આવી પહોંચે છે. બસમાં વધુ ને વધુ માણસો ખડકાતા જાય છે. તમે ઊતરો છો, અને થિયેટર તરફ વધો છે.

સવારના બારીમાંથી જે પોસ્ટર જોયું હતું એ પિક્ચર છે. એ જ યુવતીઓનાં ઉઘાડાં શરીર પથરાયેલાં પડ્યાં છે. ખૂંખાર યુદ્ધ કરતા એ યોદ્ધાઓના માંસલ હાથના સ્નાયુઓ દેખાય છે. સી-ઓ-એલ-ઓ-આર અક્ષરોના જુદા જુદા રંગ દેખાય છે. હીરોને બાંધી એ પાણી માગે ત્યારે મોં પાસે પાણીનો પ્યાલો લઈ જઈ ઢોળી નાખનારો અત્યાચારી વિલન દેખાય છે. ઍરકંડિશનની ઠંડી હવા… અને તમે મૂડમાં આવી જાઓ છો.

‘એક્સ્ટ્રા ટિકટ’ માટે તપાસ આદરો છો. પિક્ચર નવું છે, અને ટિકિટ મળતી નથી. હબસીથી લઈને ચીના સુધી બધી અણસારના લોકો દેખાય છે. સિંધી-પંજાબી છોકરીઓ લિપસ્ટિક લગાડી ‘ઓ, વન્ડરફુલ’ બોલતી બોલતી પસાર થાય છે, અંદર જાય છે. તમે કોઈ પણ ભોગે પિક્ચર જોવા કટિબદ્ધ થાઓ છો. પણ કોઈની પાસે એક્સ્ટ્રા ટિકિટ નથી. એક છેડેથી બીજા છેડા સુધી બધાને પૂછી વળો છો. ‘ઍની એકસ્ટ્રા ટિકિટ પ્લીઝ?’ પણ વ્યર્થ. તમે પરેશાન થઈ ઊઠો છો.

ટિકિટ મળે છે. પણ એક જ.

શો ચાલુ થઈ ગયો છે. હૈદરાબાદના કોઈ નવાબે પોતાનું ખાનગી મ્યુઝિયમ બનાવ્યું હતું અને એમાં પૂર્વ અને પશ્ચિમના અદ્ભુત કલાનમૂના સંઘર્યા હતા. હવે સરકારે એને લઈ લીધું છે, અને બહુ સારી વ્યવસ્થા કરી રહી છે, એમ જાણકારી આપતી ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ ચાલુ થઈ ગઈ છે. શહીદની જેમ તમે તમારા દોસ્તને ટિકિટ પકડાવી અંદર ધકેલી દો છો. ‘હું, બીજી મળશે એટલે તરત આવી જઈશ.’ કહી તમે એને અંદર મોકલી આપો છો. એના અંદર ગયા પછી તમે બહાર નીકળો છો. ચૌરંગી ઉપર આવો છો. ચૌરંગીનો ચતુરંગી રાજમાર્ગ કલ્લોલ કરે છે.

પાગલ જેવાં પ્રેમી યુવક-યુવતીનાં યુગલો, ઑફિસથી છૂટેલા થાકેલા બાબુલોક, ઇવનિંગ વૉક લેતા યુરોપિયનો, રૂમાલ વેચતા, ‘ચોરી કા પેન’ વેચતા ફેરિયા, નવું ફિલ્મ સાપ્તાહિક સામે ધરતા, લેંગે બાબુજી પૂછતા ન્યૂઝ બૉય્ઝ… માણસો… માણસો… બદહવાસ માણસો… અને તમે.

ઘરે જવા માટે જન્મદિવસની ખુશાલીમાં બસમાં જવાની ઇચ્છા કરો છો. એ જ વળેલી સ્ટેટ ટ્રાન્સપૉર્ટની ‘કૃપા કરી ગેટમાં ઊભશો નહીં, અંદર જાઓ’ની વિનંતી કરતી બસો, ટ્રામલાઇન ઉપર સડસડ દોડી જતી ટ્રામો, અને અસંખ્ય અસંખ્ય ગાડીઓ… એક પગ ફૂટબૉર્ડ ઉપર જેમતેમ ટેકવી બીજો પગ હવામાં અધ્ધર ઝુલાવી તમે ઝૂલો છો. આગળ જતી ટ્રામને બસ ઓવરટેક કરે છે.

તમારી પાછળના માણસની છત્રીનો છેડો તમને ખૂંચે છે અને બીડી પીધેલા મોંનું એક બગાસું તમારી પાસે પસાર થાય છે. તમે ખિન્ન થઈને વિચારો છો. તમારી હેસિયત નથી બે ટિકિટ લેવાની. જાણીજોઈને તમે ક્યાંય એક્સ્ટ્રા ટિકિટ હતી તો પાછળ રહીને લેતા નહોતા. ત્રેવડ નથી તમારામાં એક સિનેમાની ટિકિટ લેવાની…

તમારી શૂન્ય આંખો આકાશને જુએ છે, ગરમીથી ઊખડેલા ડામરના રસ્તાઓ જુએ છે. ધુમાડા છોડતી બસો જુએ છે.

તમે ઉદાસ વાતો ઉખેડતા જાઓ છો. આ જ બધું તમારે માટે જીવન છે. આમાં તમારે જીવવાનું, પરણવાનું, બીજાં દેશી નામાં લખવાવાળાં છોકરાં પેદા કરવાનાં, અને મરી જવાનું છે. અને એમાં વળી ઓછું હોય તેમ તમારો જન્મદિવસ છે! કેવી મજાક છે, તમે વિચારો છો. તમે આ સાણસામાં ભરાઈ ગયા છો, અને કાલે ફરીથી છ વાગ્યે ઊઠવાના છો, ફરીથી અમરતલા જવાના છો, શ્રીનાથજીની છબિ જોવાના છો.

ધારો કે તમારું જ નામ કેશવલાલ છે, અને ધારો કે તમારું પોતાનું જ આ વર્ણન છે, તમારી જ લાચાર જિંદગીની ક્રૂર મજાકો છે. જન્મદિવસ છે!

અને ધારો કે એક ઑર મજાક થાય. વિધિની વક્ર નજર તમારાં ખિસ્સાં ઉપરથી ઊતરતી તમારા અધ્ધર લટકતા પગ ઉપર પડે. બીડી પીધેલા મોંનું ફરી એક બગાસું તમારા નાક પાસે આવે. તમે અકળાઓ, તમારું ચંપલ નીકળી રસ્તા ઉપર પડે, ટ્રામલાઇનની જ ઉપર. બસ ફુલ મોશનમાં હોય, ટ્રામ આવે, તમે ઊતરી આજે સંધાવેલું ચંપલ લેવાનો વિચાર કરી શકો, એ પહેલાં ટ્રામ ખડખડ કરતી આવી તમારા ચંપલ ઉપરથી પસાર થઈ જાય, તમારા ખુલ્લા પગ ઉપર ટ્રામના પસાર થવાથી હવાનો જથ્થો અથડાય, અને તમારા ચંપલના બે મચડાયેલા ભાગ તમને દેખાય, તો–?