ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વનુ પાંધી/બારી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} શીલાએ બારી ખોલી… પરોઢનું ઠંડું, ધુમ્મસભર્યું આકાશ એની નજરને...")
(No difference)

Revision as of 07:15, 18 June 2021

શીલાએ બારી ખોલી…

પરોઢનું ઠંડું, ધુમ્મસભર્યું આકાશ એની નજરને ભેટી પડ્યું. વાતાવરણની આહ્લાદકતા એને સ્પર્શી ગઈ. નીચે કાળી. લીસી સડકો પર અવરજવર શરૂ થઈ હતી. સામે, બાજુમાં ચોતરફ વિશાળ ઇમારતો ખડી હતી. તેમાંથી કેટલીક બારીઓ ખૂલી ચૂકી હતી. બાકીની બંધ બારીઓ થોડી વારમાં ખૂલી જવાની હતી.

એની નજર પાછી ફરી. નાની મીના પરથી રજાઈ દૂર સરકી ગઈ હતી તેથી સંકોચાઈને, ટૂંટિયું વાળી તે પડી હતી. નીચા નમી ઓઢવાનું સરખું કર્યું અને મમતાથી એના ગાલે ચૂમી લીધી. બાજુમાં પ્રકાશ ઊંઘતો હતો. એના ચહેરા પરનો થાક હજુ ઓસર્યો ન હતો. પતિના થાકેલા ચહેરાને ક્ષણભર તે જોઈ રહી. એના કપાળ પર સરકી આવેલ વાળ સમાર્યા. પ્રકાશે પડખું ફેરવ્યું. પતિના હાથમાંથી પોતાનો હાથ સેરવી લેતી તે બોલી,

‘બા જાગ્યાં છે. હું ઊઠું.’

શીલા રસોડામાં આવી ત્યારે બા દાતણ કરતાં. તે સ્ટવ પેટાવવા બેસી ગઈ. બધાને ગરમ પાણીની જરૂરત રહેતી. દાંતે બજર ઘસતાં બા મોટેથી ઊબકા ખાતાં હતાં. ધુમાડામાંથી આગ પ્રગટી. પાણી ઊકળવા લાગ્યું. બા માટે કડક, મસાલાવાળી ચા મૂકી ત્યાં દરવાજે દૂધવાળાએ બૂમ પાડી. શીલા દોડી.

‘આજ પૈસા દોગી?’

‘હાં, ઠહરો, લાતી હૂં.’

શીલા ઘરમાં પાછી વળી. પોતાની પર્સમાંથી પૈસા લીધા. મહિનાના પંદર દિવસ બાકી હતા – પર્સમાં પાંચ રૂપિયા.

‘ભૈયાજી, દૂધ પાંખું આવે છે. બેબી મોંએ નથી માંડતી.’

‘ઐસા કૈસે હોગા? કોઈ ફરિયાદ નહીં કરતા ઔર તૂ ચિલ્લાતી હય.’

લગભગ દરરોજ બોલાતા એ સંવાદો બોલાયા. અવાજ સાથે બારણું બંધ થયું.

પ્રકાશ કહેતો હતો,

‘મારી ટૂથ પેસ્ટ?’

‘કાલે જ લાવ્યા હતા. ક્યાં રાખી?’

‘ખબર નહિ!’

દોડીને પતિના કોટના ગજવામાંથી ટૂથપેસ્ટ કાઢી. ગજવામાંથી ખારી સીંગનાં ફોતરાં બહાર ઊડી ગયાં. શીલા ચૂપ હતી. ટૂથપેસ્ટ પર હસતી યુવતીનો ચહેરો દેખાતો હતો.

જોયું તો સ્ટવ પરથી બાએ ચા નીચે ઉતારી લીધી હતી. બાની નજરના ઠપકાએ શીલાની નજરને નીચે ઢાળી દીધી. પતિને કડક ચા ન ફાવતી. ફરીથી બનાવેલ ચા પીને પ્રકાશ પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. બારણામાંથી સરકી આવેલ છાપું દેવા શીલા અંદર ગઈ.

કંટાળાથી પ્રકાશે કહ્યું.

‘શું વાંચવું હતું! બધા સમાચાર જાણે પહેલાં વાંચી ચૂક્યા હોઈએ તેવા એકસરખા જ લાગે છે. મથાળે ગામનું નામ જ માત્ર બદલે છે.’

શીલાએ રેડિયાની ઑન સ્વીચ કરી. બેસુરા અવાજે કોઈ પુરુષ ભજન ગાતો હતો.

‘લોકસંગીતને ભલે પ્રોત્સાહન અપાય પણ અવાજ તો જરા કોઈ જોતા રહે તો?’

ચીડભર્યા એ અવાજ સાથે રેડિયો બંધ થઈ ગયો. બાની બૂમ સંભળાઈ.

‘મારા માટે નહાવાનું પાણી મૂક્યું?’

શીલા દોડી. ઊઠીને ઊભી થતી મીના એના પગમાં ભરાઈ.

‘મમ્મી… દૂધ…’

‘લાવું હો… મીઠું મીઠું દૂધ… મારી દીકરી માટે ઘણું ઘણું દૂધ…’

ફરીથી સ્ટવ પેટાવ્યો. ફરી પાછાં ધુમાડો… અગ્નિ… અને વરાળ.

‘મારી પૂજાને મોડું થાય છે તેની પણ તને પડી નથી.’ બા બોલતાં હતાં. બાલદીમાં રેડાતા ગરમ પાણીની વરાળ શીલાના ચહેરા પર ફેલાઈ ગઈ.

રસોઈગૃહમાં આવી ગયેલ મીનાને હાથમાં લઈ લીધી. દીકરીએ માના ગળે ફરતા પોતાના હાથ વીંટાળી દીધા.

‘મમ્મી, આજ હું તારા ભેગી જ ચાલીશ. સ્કૂલ નહીં જઉં.’

શીલાએ એને ખોળામાં લીધી.

‘ડાહ્યાં છોકરાં એમ ન કરે. એ તો ભણવા જાય.’

‘તારા જેટલી મોટી થઈશ ત્યારે હું પણ તારી જેમ જ ફરવા ચાલી જઈશ.’

બેબીની ઠેસથી વાડકાનું ગરમ દૂધ શીલાના પગ પર પડ્યું. એના મોંમાંથી આછો સિસકારો નીકળી ગયો. મીના રડવા લાગી. અંદરથી પ્રકાશ ચીસ જેવા અવાજે બોલ્યો.

‘તને કેટલી વખત કહ્યું કે એને સંતાપ નહીં.’

બાપના ખોળામાં બેસી મીના દૂધ પી રહી હતી.

‘ઘરનું ભાડું આપી દીધું?’

‘હા.’

‘દૂધના!’

‘આજે જ આપી દીધા.’

‘મોદી?’

‘લઈ ગયો.’

‘બેબીના ગયા મહિનાનું ડૉક્ટરનું બિલ બાકી છે. શું કરશું?’

‘આપી દઈશ.’

મીનાએ દૂધ હડસેલી દીધું. ‘મોળું છે.’

શીલા અંદર ચાલી ગઈ. કોલસાનો ધુમાડો પૂજા કરતાં બાને પરેશાન કરતો હતો, શીલાએ ફૂંક મારી. ભડકો થયો. ઉપર મૂકેલ કૂકરમાં અનાજ વરાળથી પાકતું હતું.

શીલાની નજર ઘડિયાળ પર ગઈ. નવ થવા આવ્યા હતા. ૧૦-૦૫ની લોકલ પ્રકાશને પકડવાની હતી. ૧૦-૩૦ વાગ્યે કન્વેન્ટ સ્કૂલની બસનું ભૂંગળું વાગવાનું હતું. પોતાને બસ પકડવાની હતી. શીલા રોટલીનો લોટ મસળવા લાગી. ધોબીને કપડાં આપી રહ્યાં હતાં. પ્રકાશ અંદર આવ્યો.

‘મારો કોટ આપવાનું ન ભૂલતી.’

‘લૉન્ડ્રીમાં આપવાનો છે?’

પ્રકાશ જમતો હતો. શીલા ગરમ રોટલી એની થાળીમાં મૂકતી જતી હતી.

‘બસ… બસ… હવે ન જોઈએ.’

‘આ એક. તમને કડક ગમે ને? મારા સમ…’

એકથી વધુ રોટલી ખાઈ પ્રકાશ ઊઠ્યો. બા ભેગી મીના જમવા બેસી ગઈ એથી શીલાને નિરાંત થઈ.

જવા તૈયાર થયેલ પ્રકાશે બૂમ મારી, જરા અહીં આવજે તો.’

પોતા માટે પીરસેલ થાળી એમ જ મૂકી તે અંદર ગઈ.

‘થોડાક પૈસા નીકળશે?’

‘કેટલા જોઈએ?’

‘પાંચેક રૂપિયા બસ થશે.’

શીલાએ અંદર જઈ પર્સ ખોલી. અંદર પાંચ રૂપિયાની એક નોટ અને થોડુંક પરચૂરણ હતું. રૂપિયા પતિના હાથમાં મૂક્યા. કોટના કૉલર પર ચઢી ગયેલ ખમીસનો કૉલર સરખો કર્યો. શીલા હસી. પ્રકાશના હોઠ પર આછું સ્મિત ફરક્યું. ધીમે પગલે તે ચાલતો થયો.

નીચે બસનું હોર્ન વાગ્યું. મીનાને લઈ તે ત્રણ દાદર ઊતરી.

‘મમ્મી, આજ મારા માટે શું લાવીશ?’

‘ચૉકલેટ… રમકડાં.’

‘જરૂર હોં.’

‘સાંજે હું તને લેવા આવીશ.’ મીનાના મસ્તક પર શીલાએ હાથ મૂકતાં કહ્યું.

ખુશ થતી મીના દોડીને બસમાં ચડી ગઈ. બસ કર્કશ અવાજ કરતી, ધુમાડા ઓકતી ચાલી ગઈ.

જમીને શીલા અરીસા સામે ઊભી. યૌવનના વળાંકો ખુલ્લા પાડવા વસ્ત્રો પહેરવા લાગી. સિલ્કની સાડી એના ભરાવદાર અંગો સાથે ચોંટી ગઈ. ટૂંકા બ્લાઉઝમાંથી સફેદ ઉરપ્રદેશ બહાર ઊડી જવા કબૂતર જેમ ડોકાઈ રહ્યો. આંખમાં આંજણની કિનાર દોરી. થોડું સેન્ટ બાકી રહ્યું હતું તે કપડાં પર ઢોળી દીધું.

‘બા, જઉં છું.’

‘હા જાવ. આવ ત્યારે પ્રસાદ લાવવાનું ન ભૂલતી.’

‘લાવીશ હો.’

ઝડપથી તે દાદર ઊતરી નીચે આવી. વિશાળ જનપથ રાહદારીઓથી ઊભરાતો હતો. માછલી જેમ ઑટોરિક્ષા લોકોના ટોળામાંથી માર્ગ કાઢતી સરકતી જતી હતી. ચોમેર બધું દોડતું હતું. ગતિની હૂંફ એને ગમી. કોલાહલમાં પોતાને ચૂપ રહેવાનું મળતાં ખુશ થઈ. પુલ પર બેઠેલ કોઈ આદમીએ ગલીચ ઇશારો કર્યો. અપંગ ભિખારીએ હાથ લંબાવ્યો. હસતી બાઈએ એના હાથમાં ગુલાબનું ફૂલ મૂકી દીધું.

બસની ક્યૂમાં કોઈ બોલ્યું.

‘આજ મોડું થયું?’

પાછળ કૉલેજ જતો મહેન્દ્ર ઊભો હતો. શીલાના ચહેરા પર મધુર હાસ્ય ફેલાઈ ગયું.

‘હું મોડી નથી. તમે વહેલા છો.’ ક્યૂ આગળ સરકી.

આંખને ખૂણે હસતાં કંડક્ટરે કહ્યું.

‘આપ દોનો ઉપર જાઈએ.’

ડબલ ડેકર બસ આગળ ને આગળ દોડતી જતી હતી. એની બારીઓ ખુલ્લી હતી. શીલાને બસ ઇમારત જેવી લાગી. એની સિલ્કની સાડીને મહેન્દ્રના વુલન સુટની ગરમી લાગતી હતી. તે ઘણુંબધું એક શ્વાસે બોલ્યે જતો હતો. શીલાની નજર એના કુમાશભર્યા ચહેરા પર મંડાઈ હતી. બ્રેક લાગતાં બંનેનાં શરીર અથડાઈ પડતાં બંનેના હોઠ પર એક જ જાતનું સ્મિત રેલાઈ જતું. એના કોટમાં પણ ગુલાબનું ફૂલ ખોસેલું હતું. બારીમાંથી દેખાતા સિનેમા થિયેટર પરનાં ‘જબ જબ ફૂલ ખીલે’નું બોર્ડ વાંચીને તે હસી પડી. બસ અટકી. મહેન્દ્ર ઊઠ્યો.

‘અચ્છા ફરી કાલે મળીશું.’

‘કાલ તો સન્ડે છે. હું નથી જવાની.’

‘ઓહ.’

મહેન્દ્ર ચાલ્યો ગયો એટલે એની જગ્યા પર કોઈ આધેડ પુરુષ ગોઠવાયો. લીલાએ પોતાનો દેહ સિલ્કની સાડી સહિત સંકોરી લીધો.

લિફ્ટ શીલાને ઉપર લાવી. અડવાણી જોઈ આવેલ પિક્ચર ‘ક્લીઓપેટ્રા’ની વાત રસપૂર્વક કહી રહ્યો હતો અને ઑફિસનાં બધાં એને ઘેરો વાળી ઊભાં હતાં. ટાઇપના રોલર પર ચઢાવેલ ગઈ કાલનો કાગળ એમ જ પડ્યો હતો. એની નજરે બે-ત્રણ ભૂલો ચઢી. ચીડથી તેણે કાગળ કાઢી, મસળીને કચરા-ટોપલીમાં ફેંકી દીધો. ઑફિસરની લાદીઓ પર ઊઠતાં પગલાંનો અવાજ એણે ઓળખી લીધો. બૉસ આવી રહ્યા હતા. એની નજર બારણાને તાકી રહી. પહેલાં પડછાયો અને પછી અમરનો દેહ બારણાને ઢાંકી રહ્યાં.

‘હલ્લો બેબી.’

‘ગુડ મૉર્નિંગ.’

અમરે હેંગર પર બેપરવાઈથી હેટ ફેંકી. ખીંટી પર તે ટિંગાઈ ગઈ. અમરનું નિશાન અચૂક જ હોય છે. શીલા સામે ટગર નયને જોતો, એના ટેબલ પર હાથ ઉપર પોતાનું શરીર ટેકવતો તે બોલ્યો:

‘યુ લુક વંડરફુલ.’

શીલા હસી. ‘મશ્કરી છોડો.’

‘તને તો ખબર છે ને કે હું સ્પષ્ટવક્તા છું.’

નરમ ગાદીની ખુરશી પર તે ગોઠવાઈ ગયો. શીલા ઊઠી. ફ્લાવરવાઝમાં ફૂલ ગોઠવ્યાં. ફ્રીઝમાંથી બરફ કાઢી પાઇનૅપલના બે ગ્લાસ ટેબલ પર મૂક્યા. અમરની સામે તે ગોઠવાઈ.

‘બૉસ, સ્ટેટમેન્ટ જોયું?’

‘જો શીલા, મને બોસ કહેવાનું હવે બંધ કર. માત્ર અમર કહીશ તો મને ગમશે.’

કાચ પર ઠંડી ઝાકળનાં જામેલ બિંદુ શીલાની આંગળીના સ્પર્શથી સરી રહ્યાં. શીલા હસી.

‘હું ખુશ છું. આપણે ફાયદો મેળવ્યો છે. એક નવું ઇનવેસ્ટમેન્ટ કરવા વિચારી રહ્યો છું. મિ. રંગવાલા અત્યારે મળવા આવવાના છે.’

શીલા પોતાના ટેબલ પર ગોઠવાઈ ગઈ.

પ્યૂને ટેબલ પર કાર્ડ મૂક્યું.

‘અંદર ભેજ દો.’

રંગવાલા બારણામાં દાખલ થયા. શીલા એમની સામે મીઠું હસી. ગૂંચવાતા તે અમર સામે બેઠા. એમની વાતો પર શીલાએ ધ્યાન આપ્યું. અમર બહુ ઓછું બોલતો હતો. સામેની વ્યક્તિના મનના તાગ મેળવવા પોતાની વાત એવી રીતે અધૂરી છોડી દેતો કે પેલાને વધુ બોલવાનું રહેતું.

બન્ને જણ ઊઠ્યા. અમર એમની ફૅક્ટરી જોવા જતો હતો. તેમની પછવાડે શીલા શૂન્ય નજરે તાકી રહી. ત્યાં તો થોડી જ ક્ષણોમાં અમર પાછો વળ્યો.

‘લંચ સાથે લઈશું.’ કહી તે ચાલ્યો ગયો. શીલા ઝડપથી ટાઇપ કરવા લાગી. નવા ચઢાવેલ કાગળ પર કોઈ ભૂલો હવે થતી ન હતી, તેથી તે ખુશ હતી.

હોટલના વિશાળ પગથિયા પાસે શીલા ઊભી હતી. અમર હજુ આવ્યો ન હતો. ચોગાનમાં કીમતી કાર પર એની નજર અટકી ગઈ. કદાચ પોતે મોડી પડી હોય અને અમર ચાલ્યો ગયો હોય તે વિચાર એને પજવી રહ્યો. સામેના શો રૂમમાં નજરને લલચાવતી વસ્તુઓ જોવામાં ખોવાઈ ગઈ. અચાનક એના ખભા પર કોઈએ હાથ મૂક્યો.

‘સૉરી, આઈ કેપ્ટ યુ વેઇટિંગ.’ અમરને જોઈ શીલા હસી પડી.

‘હું પણ હમણાં જ આવી.’

બન્ને જણ ફૅમિલી રૂમમાં ગોઠવાયાં. ટેબલ પરની વાનગીઓની સુગંધ શીલાને સ્પર્શી ગઈ. ખુશમિજાજથી અમર વાતો કર્યે જતો હતો. એમાં અહમ્ હતો.

કમરામાં આવી અમરે કોટ કાઢીને ખીંટીએ ફેંક્યો. ટાઈ ઢીલી કરી અને નરમ પથારી પર લેટી પડ્યો.

‘શીલા, આ ઓરડામાં આવું છું ત્યારે બધું ભૂલી જઉં છું. થાક ઊતરી જાય છે.’

શીલા ખુલ્લી બારી પાસે ઊભી નીચે દેખાતી વામણી દુનિયાને જોઈ રહી હતી. એનું મન વિચારી રહ્યું હતું કે પોતે જ્યારે નીચે ઊભી હશે ત્યારે ઉપરથી જોનારને પોતે પણ એવી જ ભાસતી હશે.

અમરના શબ્દો એના કાન પર અથડાતા હતા.

‘ત્યાં શું ઊભી છો? અહીં આવ.’

શીલા અમર તરફ વળી. ખુલ્લી બારી બંધ કરવાની તેને ઇચ્છા ન થઈ.

કન્વેન્ટ સ્કૂલ પાસે શીલા આવી ત્યારે બાળકો બહાર નીકળી રહ્યાં હતાં. થોડાંક મધર સુપિરિયરને વીંટળાઈ ઊભાં હતાં. મીના ત્યાં ન હતી. બસમાં બાળકો ચઢી રહ્યાં હતાં. ત્યાં દરવાજા પાસે દીવાલને અઢેલીને ઊભેલ મીના પર તેની નજર પડી. દોડતી તે મીના પાસે ગઈ અને તેને પોતાના હાથમાં ઉઠાવી લીધી. મીના વહાલથી એને વળગી પડી.

‘મમ્મી, તેં કહ્યું હતું ને કે તું મને લેવા આવીશ એટલે બસમાં બેસતી ન હતી.’

‘અને બસ ચાલી જાત તો?’

‘તો હું અહીં જ ઊભી રહેત. તારી રાહ જોત.’

શીલાએ એના ગાલ, કપાળ, ગરદન પર ચુંબનો વરસાવ્યાં.

‘ચાલ, તારા માટે રમકડાં લેવાં છે ને?’

આનંદથી નાચતી તે માની આંગળી પકડી ચાલવા લાગી. મીનાએ આંગળી મૂકી તે વસ્તુ શીલાએ ખરીદી. પતિ માટે કરચલી ન પડે તેવું કાપડ ખરીદ્યું. નવું સેન્ટ ખરીદ્યું, બાએ મંગાવેલ વસ્તુ પણ લઈ લીધી. મીના કહેતી હતી:

‘મમ્મી, તું બહુ મઝાની છો. પપ્પા તો કોઈ દિવસ મને કંઈ પણ લઈ દેતા નથી.’

શીલા બોલી,

‘મારા કરતાં તને વધુ વહાલ તો પપ્પા કરે છે ને?’ મીના નિરુત્તર થઈ ગઈ.

ઘર પાસે આવી શીલાએ જોયું તો ઓરડાની બારી સવારે ખુલ્લી મૂકી હતી તે હજુ પણ ખુલ્લી જ હતી. મીનાને તેડી દાદર ચઢી ઉપર આવી ત્યારે તે હાંફી રહી હતી. બાએ દરવાજો ખોલ્યો અને તેના હાથમાંથી બાસ્કેટ લઈ લીધી.

અંદર ઓરડામાં જોયું તો ઇઝીચેર પર બેસી પ્રકાશ પુસ્તક વાંચી રહ્યો હતો. નિસ્તેજ નજરે એણે પત્ની સામે જોયું. પતિના હાથમાંથી પુસ્તક ખેંચી લઈ મીનાને એના ખોળામાં મૂકી દીધી.

‘બહુ થાકી ગયા છો નહિ? હમણાં જ ચા બનાવી લાવું છું.’

પ્રકાશ ફિક્કું હસ્યો. શીલા અંદર દોડી. થોડી વારે નાસ્તાની ડિશ અને ચા ટિપૉઈ પર મૂક્યાં. મીનાના મોંમાં પ્રકાશે મીઠાઈનો ટુકડો મૂક્યો. ખરીદી લાવેલ વસ્તુઓ શીલા પતિને બતાવવા લાગી.

બાની બૂમ સંભળાઈ.

‘હવે ચૂલો પેટાવશો કે બસ…’

શીલા અંદર દોડી જાય છે. કાળા હાથ કરતા કોલસા… ફરી ધુમાડો… ફૂંક અને જ્વાળા. કૂકરમાં વરાળથી દાણા પાકે છે. બેબી માટે દૂધ. બાની પૂજા. રોટલીની કણક.

શીલા ઓરડામાં આવે છે ત્યારે મીના ઊંઘી ગઈ હોય છે. પતિ આડે પડખે થઈ પુસ્તક વાંચતો દેખાય છે. મીના માટેનું દૂધ ટેબલ પર મૂકવા જાય છે ત્યારે ખુલ્લી બારીમાંથી એની નજર બહાર પડે છે. સામે દેખાતી વિશાળ ઇમારતોની બારીઓ એક પછી એક બંધ થઈ રહી હોય છે. પોતાની ખુલ્લી બારી બંધ કરી, પથારી પર જઈ તે પ્યારથી પતિને વળગી પડે છે.