ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/પ્રેમનાં આંસુ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્...") |
(No difference)
|
Revision as of 08:38, 18 June 2021
સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહીં. અનંત બીજવર હતો, પણ એની ઉંમર કાંઈ બહુ ન હતી; અને એના ઊંચા, પાતળા, કંઈક શ્યામ, પણ સોહામણા દેહને કારણે એ આકર્ષક કહી શકાય એવો લાગતો હતો. એના ઘરની પ્રતિષ્ઠા શહેરમાં સારી હતી અને ડૉક્ટર તરીકે એણે હમણાં જ પ્રૅક્ટિસ કરવાની શરૂઆત કરી હતી છતાંય એનું નામ શહેરમાં વિખ્યાત થઈ ગયું હતું. આવા વરને માટે સરયુને ના પાડવાનું કાંઈ જ કારણ નહોતું, પણ એને એક વાત ખૂંચ્યા કરતી અને તે અનંતની પહેલી પત્નીના પાંચ વરસના બાળકની. લગ્ન કરીને તરત જ પાંચ વરસના આ બાળકની માતા બનવું પડશે એ વિચાર એના ઉલ્લાસને, એના નવયૌવનનાં સ્વપ્નોને, એના આનંદભર્યા ફફડાટને જવાબદારીની દોરીથી બાંધી દેતો હતો. અને અધૂરામાં પૂરું એ બાળક અપંગ હતો.
આવા અપંગ બાળકની જઈને તરત કાળજી રાખવી પડશે, સવારથી રાત સુધીનાં એનાં બધાં કામ સંભાળવાં પડશે, એ ખ્યાલે એને જાણે પોતે આયા તરીકે અનંતને ઘરે જતી હોય એવું લાગતું હતું. અલબત્ત, ત્યાં સાસુ, નણંદ, દિયર વગેરે ઘણાં હતાં અને કુટુંબ મોટું હતું. પણ એમ છતાંય પોતે સંસ્કારી હતી એટલે પોતાના મનના સંતોષ ખાતર પણ મા તરીકેની ફરજમાંથી મુક્ત થઈ શકે એમ નહોતી. આ એક વાત એને મૂંઝવ્યા કરતી હતી, લગ્નના એના ઉત્સાહને મંદ પાડી દેતી હતી; પણ એને નક્કર વિરોધ તરીકે કોઈની સામે, કાંઈક સંકોચથી અને કાંઈક પોતાની સંસ્કારિતા હણાય એ દૃષ્ટિએ તે રજૂ કરી શકી નહીં; અને લગ્નનો દિવસ નક્કી પણ થઈ ગયો.
અનંતનો એ બાળક કાંઈ પહેલેથી અપંગ નહોતો. એનો જન્મ થયો ત્યારે તો એ ખૂબ જ તંદુરસ્ત અને સુંદર હતો. એનામાં એક વિશિષ્ટતા હતી. એ છોકરો એની માને ખૂબ ચાહતો. ગમે તેટલું રડતો હોય, કશાયથી માનતો ન હોય ત્યારે એની માને માત્ર આવતી જુએ કે રડવાનું ભૂલી જઈને એક એવું તો મધુર સ્મિત કરતો કે મા એને દોડીને ગોદમાં લઈ લેતી અને કપાળ પર ચુંબન કરતી. અને ત્યારે એને જાણે પોતે સ્વર્ગમાં બેઠો બેઠો આનંદની અનંત ધારામાં સ્નાન કરી રહ્યો હોય એવું લાગતું. બીજાં બાળકો શેરીમાં એકઠાં મળી તોફાન – મસ્તી કરતાં હોય ત્યારે કિરણ રસોડામાં એની માની આસપાસ વીંટળાઈ રહેતો. ક્યારેક પાછળથી અચાનક આવી કામકાજ કરતી માને હેરાન હેરાન કરી મૂકતો અને પછી માની સામે આવી ખિલખિલાટ હસી પડતો; અને એમ હસતાં એ મા સામે જોતો ત્યારે એની બે મધુર આંખોમાંથી એવો તો પ્રેમ નીતરી રહેતો કે બધાં મશ્કરીમાં સુશીલાને કહેતાં : ‘દીકરા તો ઘણાને હોય છે, પણ તારાની તો વાત જ નિરાળી!’ સુશીલા કશોય પ્રત્યુત્તર આપ્યા વિના મંદ હસતી અને છોકરો એટલો તો સરસ હતો કે એને એ પ્રભુનું ધન હોય એમ સાચવતી. એનાં તોફાનોથી ઘણી વાર ત્રાહિ પોકારી ઊઠતી છતાંય એને પોતાની નજરથી અળગો થવા દેતી નહીં. આમ પોતાનાં તોફાનો અને મસ્તી વડે એ માની આસપાસ ખૂબ વીંટળાઈ રહ્યો હતો અને એની છાયા જેવો બનતો જતો હતો.
પણ એક દિવસ મા-દીકરાના સુખની આ અવિચ્છિન્ન ધારામાં ભંગાણ પડ્યું. કિરણ ખૂબ સખત માંદો પડ્યો. પહેલા ચારેક દિવસ એને તાવ આવ્યો અને પાંચમે દિવસે એને આંચકી શરૂ થઈ. થોડા થોડા અંતરે એના હાથપગ તણાઈ જતા, મોંએ ફીણ વળી જતાં અને આંખો ઊંચે ચડી જતી. આંચકી શમી જતી ત્યારે છોકરો જાણે મૃત્યુના દ્વારે જઈને પાછો આવતો હોય એમ એનો ચહેરો ફિક્કો પડી જતો અને સહેજ ભાનમાં આવતો ત્યારે આર્દ્ર નજરે મા સામે જોઈ રહેતો.
સુશીલા આ પ્રસંગે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. અનંતે તરત જ શહેરના સારામાં સારા અનુભવી ડૉક્ટરને બોલાવ્યો પણ એ કશી ચોક્કસ દવા આપી શક્યો નહીં. દેખીતી રીતે સ્થિતિ ગંભીર લાગતી હતી, પણ એણે આશ્વાસન આપ્યું કે ગભરાવાની કશી જરૂર નથી, ને બધું ઠીક થઈ રહેશે. માત્ર જતાં જતાં અનંતને પાસે બોલાવી ધીમેથી એને કહ્યું : ‘જિંદગીને કશી મુશ્કેલી નહીં આવે, પણ સંભવ છે કે એકાદ અંગ ખોટું પડી જાય. ચોક્કસ કશું કહી શકાતું નથી, પણ આમ બને તો નવાઈ નહીં.’
બે દિવસ કિરણના અસહ્ય તરફડાટમાં વીત્યા. આખોયે વખત સુશીલા એની પાસે બેસીને એના માથા પર હાથ ફેરવ્યા કરતી. કિરણ ભાનમાં હોય ત્યારે માથે માનો હાથ ફરતો જોઈ એને ખૂબ શાંતિ વળતી, પણ આંચકી આવતી અને એ બેભાન થઈ જતો ત્યારે એનું સમગ્ર અસ્તિત્વ જાણે એ શાંતિને પામવા તરફડી ઊઠતું, ખેંચાઈ જતું. વલખાં મારી મારીને, નિરાશ થઈને એના પ્રાણ પટકાઈ પડતા. બે દિવસ આમ વીત્યા પછી ત્રીજે દિવસે એનો તરફડાટ શાંત થઈ ગયો. ચુપચાપ બોલ્યા વગર એ શાંતિથી પડી રહ્યો. હાથપગ એણે ઉછાળ્યા નહીં, કશો બબડાટ પણ કર્યો નહીં. સહુએ નિરાંતનો શ્વાસ લીધો. પણ અત્યંત બારીકાઈથી બાળકની હરેક ક્રિયાને જોઈ રહેલી સુશીલાને લાગ્યું કે પગ ઊછળતા નહોતા કારણ કે એ ઊછળી શકતા નહોતા. એના પગમાં જડત્વ આવી ગયું હોય એવું લાગતું હતું. જાણે ઉપરનાં ચેતનમય અંગો સાથે એને કશો સંપર્ક જ ન હોય! વધુ ખાતરી કરવા માટે એણે એનો એક પગ સહેજ ઊંચો કરીને પાછો મૂક્યો ત્યારે નિર્જીવ લાકડાની જેમ એ પટકાયો. ખાટલામાં પડેલા પારિજાતના ફૂલ જેવા મધુર કોમળ બાળકની આ સ્થિતિ જોઈ સુશીલાનું સઘળું ચેતન હરાઈ ગયું. એક ચીસ પાડી એ ત્યાં બેભાન થઈ ગઈ.
આ અભાનતામાંથી સુશીલા જાગી ત્યારે એના જીવનનો રંગ ઝાંખો પડી ગયો હતો અને મનમાં અંધારી રાત જેવી ગમગીની ગાઢપણે વ્યાપી ગઈ હતી. આ સુંદર બાળક હવે કદી ચાલી નહીં શકે, મુક્ત રીતે હવે ફરી નહીં શકે એ ખ્યાલે એનું દિલ ચિરાઈ જતું. દુનિયાની તમામ સમૃદ્ધિ એકઠી કરીને જેનાં ચરણ પાસે પાથરી દઈએ તોયે જેનું કઠોર મન પીગળતું નથી એવી ભાગ્યવિધાત્રીના નામ પર દિવસો સુધી એણે આંસુ સાર્યાં. પણ જે બની ગયું એને હવે કોણ મિથ્યા કરી શકવાનું હતું?
કિરણ ધીમે ધીમે સાજો થતો હતોપણ આ થોડા દિવસમાં એણે જે અપાર યાતના વેઠી હતી એને પરિણામે એના જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા હતા અને બે દિવસ પછી સહુને ખબર પડી કે એનાથી હવે બોલી શકાતું પણ નથી. સુશીલાએ આ જાણ્યું ત્યારે એ ચોધાર આંસુએ રડી રહી. ઘરનાં માણસોને ખૂબ દુઃખ થયું, પણ સુશીલાની તો આખી જીવન-ઇમારત જાણે મૂળમાંથી ડોલી ગઈ.
અનંતે ઉપચાર તો ઘણા કર્યા પણ કાંઈ વળ્યું નહીં. ખૂબ પ્રયત્નો પછી કિરણ બેસીને ઘસડાતો થોડું ચાલતાં શીખ્યો, પણ એની વાણી તો અબોલ જ રહી.
માંદગીમાંથી ઊઠ્યા પછી કિરણ મા પ્રત્યે જાણે વધુ ને વધુ પ્રેમ દર્શાવવા લાગ્યો. એ કશું બોલી શકતો નહીં. માત્ર આખો દિવસ અસ્ફુટ સ્વરે ‘મા, મા’ કહ્યા કરતો અને એના નાનકડા બે તપ્ત હોઠ વડે એ શબ્દને પીધા જ કરતો. થોડું ચાલતાં તે શીખ્યો ત્યારથી અંદરના ઓરડામાંથી રસોડામાં પહોંચી જતો ને પહેલાંની જેમ જ, પણ પહેલાં કરતાં કેટલાય વધુ ઊંડા ભાવથી મા તરફ નિહાળી રહેતો.
રેશમી ફૂલ જેવા આ છોકરાની આવી દશા સુશીલા જીરવી શકી નહીં. એ દિવસે દિવસે વધુ ગમગીન થતી ગઈ. સાંજ નમ્યે, શેરીમાં છોકરાં ટોળે મળી રમતાં હોય ત્યારે એ જોતી કે કિરણ એકલો બહાર ઓસરીના છેડા પર બેઠો બેઠો શ્વેત ને ભૂખરા રંગથી ઘેરાયેલા આકાશ તરફ મીટ માંડી જોઈ રહ્યો છે. વાદળથી છવાયેલા આકાશમાં એકાદ તારો ચમકી ઊઠતો ત્યારે એના મોં પર પ્રસન્ન મધુરતા ફેલાઈ જતી અને અસ્પષ્ટ સ્વરે ‘મા’ – એવું કાંઈક આછું એ બબડતો. સુશીલાની આંખોમાં આંસુ ભરાઈ આવતાં.
આ બાળકની મૂંગી ભાષામાં કોને ખબર કેટલી રહસ્યમયી વાતોનો ભંડાર ભર્યો હતો! કોઈક વાર એ એવી વ્યગ્ર દૃષ્ટિએ મા સામે જોઈ રહેતો, જાણે હમણાં જ તેની હૃદયની વેદના બોલી ઊઠશે, પણ એ કશું બોલતો નહીં. ઓસરીના ખૂણામાં એકલો બેસી સામેની ખુલ્લી ધરતીને મનમાં ને મનમાં સેંકડો ફૂલમાળ ગૂંથી એ શણગાર્યા કરતો. ક્યારેક એની ભૂરી આંખોમાં એવો અદ્ભુત પ્રકાશ છવાઈ જતો, કે એનું મોં એનાથી ઊજળું થઈ જતું. કોઈક અનિર્વચનીય આનંદ એના અંગેઅંગને ભરી દેતો. ખુલ્લા મેદાનમાં બે હાથ છૂટા મૂકી આ છેડેથી પેલા… ધરતી ને આકાશ જ્યાં મળે છે એ છેડા સુધી દોડી જવાનું એને મન થતું, રૂપેરી વાદળના ઢગની પેલે પાર પાંખ ફફડાવીને ઊડી જવાની ઇચ્છા થતી; પણ આ બધું માત્ર સુશીલા સમજતી. બાળકના હૃદય સાથે એ એવું એકત્વ મેળવી રહી હતી કે એની વણબોલી વાતને એ સ્પષ્ટપણે સાંભળી શકતી, એના મનના ખૂણેખૂણામાં ફરીને એની તમામ વાતો સમજી શકતી. પણ એથી તો એ વધુ હિજરાતી જતી હતી. આ ઝંખનાઓ, આશાઓ, વિશાળ આનંદને અણુઅણુએ ભરી લેવાની અસીમ કામનાઓ – આ બધું જ અધૂરું, અવ્યક્ત, અણપૂર્યું રહેશે? જિંદગીના અંત સુધી એ આમ સ્વપ્નો જ ઘડ્યા કરશે?
સુશીલાના અંતરનો ઘા ઊંડો ને ઊંડો થતો ગયો. સહુએ એને વિલાતી, સુકાઈ જતી, ખરી પડવાની તૈયારી કરતી જોઈ. પણ એનું કારણ કિરણની આ મૌનમયી અજ્ઞાત પ્રસન્નતા પાછળ છુપાયેલી, પ્રગટ ન થઈ શકતી વાણીની વેદના જ હતી, એ વાત કોઈ સમજી શક્યું નહીં. માત્ર અનંત એ સમજતો, પણ એનો શો ઉપાય હતો?
એની તબિયત વધુ ને વધુ બગડતી ચાલી. ‘વહુને હવાફેર કરાવો’, એમ ઘરમાંથી કોઈ બોલ્યું, પણ આ માંદગીને હવાફેરની જરૂર નહોતી. સ્થાનફેર કરાવવા જેટલા પૈસા સુશીલાએ પતિ પાસે ખરચાવ્યા નહીં. એનું મન એવું તો ભાંગી ગયું હતું કે એ ભાંગી ગયેલા પાયાવાળી ઇમારતને તૂટી પડતાં વાર ન લાગી. અને જે એને પ્રાણથીય વધુ પ્રિય હતો એની વેદનાને કારણે, એને જ છોડીને એક સાંજે એણે આ દુનિયાની અંતિમ વિદાય લેવા આંખો મીંચી દીધી. સમય સહેજ ધ્રૂજ્યો, હવા કંપી, ને જ્યોત બુઝાઈ ગઈ.
મૃત્યુ વખતે એણે કિરણને પોતાની પાસે લાવવાનું કહ્યું હતું. છેલ્લી વાર એણે કિરણના રેશમી વાંકડિયા વાળ પર હાથ ફેરવ્યો ત્યારે એ પળોને પકડી લેવાની, જીવનમાં એ પળોને જ ચિરસ્થિર કરી રાખવાની, કદી છૂટાં પડવું ન પડે એમ અંતરના આલિંગનમાં જકડી રાખવાની તીવ્ર ઇચ્છા એને થઈ આવી. કિરણ પણ આ પળોમાં તલ્લીન બની ગયો હતો. પણ મૃત્યુએ, ફૂલની પાંદડી જેવા સુકુમાર આ બાળકની વેદના ને પ્રેમના પ્રવાહ જેવી સુશીલાની જરાય પરવા કર્યા વિના એનું કર્તવ્ય બજાવી લીધું અને ઘરમાં બધું હતું એમ જ રહેવા દઈ, ક્યાંય કશોય ફેરફાર કર્યા વિના, માત્ર જીવન માટે તલસાટ કરી ઊઠેલા એક પ્રાણને હરી લઈ, પોતાની પાછળ દુઃખની ઘેરી છાયા પાથરીને એ ચાલ્યું ગયું.
પોતાના પ્રેમાળ સ્વભાવ અને વ્યાવહારિક નિપુણતા વડે સુશીલાએ સહુનાં મન જીતી લીધાં હતાં એટલે બધાંને એના મૃત્યુથી ઊંડો ઘા લાગ્યો, પણ સહુથી ઊંડી વેદના તો પેલા, આવડા મોટા ઘરમાં, આટલાં બધાં માણસોની વચ્ચે નિરાધાર ને એકાકી બની ગયેલા બાળકની હતી. જે થયું હતું એ એને સમજાયું હશે કે કેમ એ તો કોને ખબર, પણ પગ ઘસી-ઘસીને એ પહેલાં જ્યાં મા રસોઈ કરતી હતી ને પાછળથી જ્યાં એ ખાટલામાં સૂઈ રહેતી ત્યાં વારંવાર જા-આવ કર્યા કરતો અને એ સ્થાન પ્રતિ કંઈક વેદનાભર્યું આછું હસતો. પણ એના સ્મિતનો એથી અનેકગણો ઊજળો ઉત્તર આપનાર સામે કોઈ મળતું નહીં. જેની સામે જોઈ એ આનંદના સાગરમાં ડૂબી જતો એ ચહેરો હવે ક્યારેય નજરે પડતો નથી એ જાણીને એને પહેલાં તો ખૂબ આશ્ચર્ય થયું, અને પછી એ ધીમે ધીમે ઉદાસ બની ગયો. પહેલા બેત્રણ દિવસ એ ‘મા, મા’ એવું અર્ધવ્યક્ત ગુંજન કરતો, એ પણ બંધ થઈ ગયું. પહેલાં જેવી પ્રસન્નતાથી હવે એનાં અંગાંગ હસી રહેતાં નહીં. માત્ર પહેલાંની જેમ જ હજુય એ ઓસરીના છેડા પર બેસતો, પહેલાં કરતાં હવે કદાચ વધારે લાંબો વખત, અને નીરવ ભાવે આકાશ સામે કોણ જાણે શું જોઈ રહેતો!
એની આ કરુણતા સહુને સ્પર્શી જતી, પણ એની પાસે વાણી નહોતી, એટલે વાતો કરીને કે બીજી કોઈ રીતે એને રીઝવી શકાતો નહીં. અનંતે એને રમાડવા માટે એક બાઈ રાખી પણ કિરણ એનાથી ખુશ થયો હોય એવું લાગ્યું નહીં. ટોપલી ભરીને રમકડાં એને માટે અનંત લઈ આવ્યો પણ કિરણે તો એની સામે જોયુંયે નહીં. માના ગયા પછી જાણે બીજા કોઈને ઓળખતો ન હોય એમ એ એકાકી ફર્યા કરતો અને એને રમાડવા માટે રાખેલી બાઈ તરફ ઉદાસ આંખોએ જોઈ રહેતો. ક્યારેક એને જોઈને એ ડોકું ધુણાવતો ને નજર વાળી લેતો. એવું લાગતું, જાણે બધી વસ્તુઓમાં, બધી વ્યક્તિઓમાં એ માને જ નીરખવા મથે છે, અને એને મા નથી દેખાતી ત્યારે નિરાશ થઈ જાય છે.
સ્વાભાવિકપણે થોડા સમય પછી અનંતનાં બીજાં લગ્નની વાત થઈ. તેને સુશીલા માટે ખૂબ પ્રેમ હતોપણ એના મૃત્યુથી એ વિરાગી નહોતો બની ગયો અને એ હજી તદ્દન જુવાન હતો એટલે બીજાં લગ્નની વાત ક્યાંય અનુચિત લાગી નહીં. અનંતના મનમાં માત્ર એક જ ડર હતો, ને તે કિરણનો. એ છોકરો એની માને, પોતાના મૂંગા જીવનમાં, એટલી તો સજીવ રાખી રહ્યો હતો કે અનંત એની આ સ્વપ્નભરી અવસ્થાને, એની આ વેદનામયી ઘેલછાને સ્પર્શતાં અચકાતો હતો. એ કેટલું સમજે છે એની તો એને ખબર પડતી નહોતી, પણ પોતાની મધુર માનું સ્થાન બીજી કોઈ વ્યક્તિએ લીધું છે એવું એને લાગશે તો એના મન પર ખૂબ આઘાત થશે, એ વાત તે સમજતો હતો. મનોમન એ આ સુંદર બાળકને ખૂબ ચાહતો અને પોતાનું બાળક હોય એના કરતાં મૃત પત્નીના પ્રેમની શેષ સ્મૃતિ હોય એ રીતે એને સાચવવાનો પ્રયત્ન કરતો. પણ એના મૂંગા જીવનને કારણે, એના મુખ પર છવાઈ રહેલા વિષાદને કારણે અને ખાસ કરીને તો પોતાના વ્યવસાયમાંથી ઓછો વખત મળવાને કારણે એના તરફ જોઈએ તેટલું ધ્યાન તે આપી શકતો નહીં. આ વાતનો એને હંમેશ અફસોસ રહ્યા કરતો. ભાડૂતી બાઈ ઉપર કેટલો વિશ્વાસ રાખી શકાય? એની મા ઘરડી હતી અને આ બાળકની આસપાસ રહેલા સૌંદર્યના વાતાવરણને, એના અગમ્ય વિષાદને, સ્પષ્ટપણે જોઈ કે સમજી શકતી નહીં, એટલે એના પર વહાલ રાખવા છતાં એના મનના સંપર્કમાં આવી શકતી નહીં. ડોસા ઝાઝી લપ્પનછપ્પન કરતા નહીં. એમને આ બાળક ગમતો, પણ કાલું બોલનાર, મીઠી વાતો કરનાર, પોતાનાં દાઢીમૂછ ખેંચી પોતાને સતાવનાર કોઈ હોય એવી ઇચ્છા એમને રહેતી. મૂંગા ને અપંગ આ બાળક પ્રત્યે બધાંને ખૂબ સહાનુભૂતિ હતી પણ એના સ્વભાવની વિશિષ્ટતાને કારણે કોઈ એનામાં સક્રિય રસ લઈ શકતું નહીં. અનંતની બહેન પોતાનાં છોકરાંઓમાંથી અને મોટા ઘરની વ્યવસ્થામાંથી પરવારતી નહીં. હવે ભાભી આવે તો પોતાને ઘેર પાછી જવા એ પણ ઉત્સુક થઈ રહી હતી. અનંતના બે નાના ભાઈ અને એક બહેન શાળામાં ભણતાં અને મનમોજી હતાં. આમ આટલાં બધાં માણસોની વચ્ચે પેલો બાળક સહુથી વીંટળાયેલો છતાં એકાકી હતો. એની આસપાસ સગવડ ને સમૃદ્ધિ હતાં, છતાં એનું મન શૂન્ય સરખું દેખાતું.
છેવટે અનંતે સરયુ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. એને પોતાને તો સુશીલાના મૃત્યુથી પડેલી ખોટને પૂરવા સાથીની જરૂર હતી જ, પણ બાળકનેય કદાચ સરયુ સાથે ફાવી જાય તો એ એને માટે પણ ઘણું આવકારદાયક બને. અલબત્ત, આ વાત માટે એને પૂરી શંકા હતી, પણ એ સિવાય બીજું શું થઈ શકે, એ તે વિચારી શક્યો નહીં. લગ્ન ન કરે તો પોતાના સુખને તો એ ન જ મેળવી શકે અને એ ઉપરાંત બાળકનેય, આજે એ જે સ્થિતિમાં છે એનાથી વધુ સારી સ્થિતિમાં લાવવાની શક્યતા ન રહે.
અને સુશીલાના મૃત્યુ પછી સવા વરસે ફરી એક વાર અનંતના ઘરની દીવાલો લગ્નના કસુંબી રંગથી રંગાઈ રહી. બીજું લગ્ન હતું એટલે કશી ખાસ ધામધૂમ તો નહોતી, છતાંય ઉત્સવ અને ધમાલનું વાતાવરણ તો સર્જાઈ ગયું હતું. કેટલાંક સગાંઓ પણ આવી પહોંચ્યાં હતાં. અનંતની ઘરડી મા લાકડીને ટેકે ટેકે બધે ફરતી અને સૂચનાઓ આપતી. ડોસાના શાંત ચહેરા પર આનંદની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. સુશીલા તરફ બંનેને માન હતું એટલે એ પ્રસંગ પાછળ રહેલી ઘટનાઓ માટે મનમાં એમને ઊંડે દુઃખ થતું. પણ નવી વહુ આવીને એમના ઘરને ઉજાળશે એનો એમને સંતોષ હતો. ડોસાને ખાસ તો મીઠું-કાલું બોલતા, હસતા ને ઘરમાં દોડાદોડ કરી મૂકતા પૌત્રની કલ્પના એટલી સુમધુર અને આનંદદાયક લાગતી કે સામાન્ય રીતે ઓછું બોલતા અને ઘરની વાતો ને ગૂંચવણોથી દૂર રહેતા એમના જીવનમાં પણ આ પ્રસંગે થોડો ઉલ્લાસ પ્રગટાવ્યો.
કિરણ આ બધી ધમાલ પ્રત્યે, અજાણ્યા વાતાવરણ પ્રત્યે શંકિત અને ભયભરી નજરથી જોઈ રહ્યો હતો. આ બધું શું થાય છે એની એને સમજણ પડતી નહીં, પણ જે થતું હતું એ એને સારું નહોતું લાગતું. જેમ જેમ ઘરમાં ધમાલ વધતી ગઈ અને લગ્નનો દિવસ નજીક આવતો ગયો, એમ એ વધારે ને વધારે એકલો બનતો ગયો. બધાં એની તરફ ધ્યાન આપતાં પણ એ એની શારીરિક જરૂરિયાતોને સંતોષવા અને બહેલાવવા પૂરતું. એના મનમાં શા પ્રવાહ ચાલી રહ્યા છે એ જાણવાની કોઈને ફુરસદ નહોતી. અનંત ક્યારેક, વખત મળે ત્યારે એને બોલાવીને પાસે બેસાડતો અને એને હસાવવાના મિથ્યા પ્રયત્નો કરતો, એના મનને જાણવા મથતો. પણ ઊંડી દુઃખભરી આંખોની નજર સિવાય કિરણ પાસે બીજું શું હતું? અને લગ્નના આગલે દિવસે એ અનંત પાસે આવ્યો ત્યારે એણે એવી તો વેદના – ભરપૂર દૃષ્ટિએ અનંત સામે જોયું કે અનંતની આંખમાં પાણી ભરાઈ આવ્યાં. સુશીલાના મૃત્યુ સમયે એ જેટલું નહોતો રડ્યો એટલું એ ત્યારે રડ્યો. આ સૌંદર્યભર્યા બાળકની ભરપૂર કરુણતાથી એનું મન એટલું તો હલી ઊઠ્યું કે એને ઘડીભર લગ્ન ન કરવાનો વિચાર થઈ આવ્યો. પણ એ સમજતો હતો કે લગ્ન ન કરવાથીયે કશો અર્થ નહીં સરે. એટલું જ નહીં, બાળકના જીવનમાં ફરી આનંદનું અજવાળું ફેલાવવાની સંભવિતતા પણ લગ્ન ન કરવાથી નાશ પામતી હતી.
બીજે દિવસે લગ્ન માટે જાન ઊપડી ત્યારે અનંતના મનમાં કિરણનું પોતે કંઈક સારું કરી રહ્યો છે એ સાથે એનો દ્રોહ પણ કરી રહ્યો છે એવી ભાવના હતી. છેલ્લા બે દિવસથી કિરણની જિંદગી વિશે વિચારવામાં એ એટલો નિમગ્ન થઈ ગયો હતો કે એ લગ્ન પોતાને માટે નહીં પણ કિરણ માટે કરે છે એવી ભ્રમણા એના મગજ પર છવાઈ હતી; અને એની સામે કાંઈ પ્રશ્ન હોય તો આ લગ્ન કિરણ માટે કેટલાં સફળ નીવડશે, એ જ હતો.
સરયુને આંગણે જાન આવી પહોંચી, અને એક બારીમાંથી છાનામાના, અનંતને ઘણી વાર જોયો હતો છતાંય નવોઢાની આંખે સરયુએ ફરી એને જોઈ લીધો. એના કુમારી-માનસમાં તો લગ્નજીવનની કેટલીય સોનેરી કલ્પનાઓ આલેખાતી હતી. જીવનને પ્રેમ અને આનંદથી છલકાવી દેવાના એને કોડ હતા. પણ એની બધી કલ્પનાઓ એક અપંગ બાળકની યાદે મેલી બની જતી હતી. એના પ્રત્યે એના મનમાં સહાનુભૂતિ અને કરુણા હતી, છતાંય લગ્નના પ્રથમ રસઝરતા દિવસોમાં એવી જવાબદારીનું અસ્તિત્વ એને ખૂંચ્યા કરતું. બાળક અપંગ ન હોત તો શરૂઆતના દિવસોમાં એને મોસાળ પણ મોકલી શકાત. થોડા સમય પછી એ એને પાછો બોલાવી લેત. અલબત્ત, એ પોતાના બાળકમાં અને આ બાળકમાં ક્યાંય ભેદ નહીં રાખે, પૂર્ણ સ્નેહથી એની સંભાળ લેશે; પણ લગ્ન પછીના તરતના દિવસો માટે એણે મનમાં જે રંગીન કાવ્યો ગૂંથ્યાં હતાં, તેવે વખતે થોડા સમય પૂરતીયે એ બાળકને સંભાળવાની ગંભીર જવાબદારી ન હોત તો કેટલું સારું થાત, એમ એને મનમાં સતત થયા જ કરતું. અચાનક એને સૂઝ્યું કે બાળક માટે શરૂના દિવસોમાં એક સારી બાઈ રાખવાનું એ અનંતને સમજાવી શકશે; અને અનંતની મા વગેરે તો હતાં જ, એટલે બહુ ચિંતા તો નહીં કરવી પડે. અનંત સિવાય એના ઘરનાં બીજાં માણસોનો એને ઝાઝો પરિચય નહોતો, પણ સહુને માટે એણે સારી જ કલ્પના કરી અને ભાવિ જીવનની પગદંડીને આશાનાં ફૂલથી બિછાવી દીધી.
લગ્ન થઈ ગયાં. માતાપિતા અને ભાઈબહેનોની આંસુભીની વિદાય એ લઈ રહી હતી, ત્યારે વ્યવહારુ માતાએ ધીમે સાદે એને કહ્યું : બને તો પેલાને થોડો વખત મોસાળ રાખવાનું થાય એમ કરજે. અત્યારથી તારી જાતને એમાં ગૂંચવી દઈશ નહીં. અને આવું કહીને પોતાની વાતને પોતે જ સમર્થન આપતી હોય એમ બાજુએ રહીને બબડીઃ છોકરી બિચારી જાતે જ હજુ બાળક જેવી છે, ત્યાં એ બીજા બાળકની સંભાળ શી રીતે રાખી શકે? ને તેમાંયે આ તો અપંગ. બંનેને હેરાનગતિ થાય એના કરતાં તો બાળકને મોસાળ મોકલવું જ સારું ને! સરયુએ ડોકું ધુણાવ્યું અને બધાંને પગે લાગી, બધાંના આશીર્વાદ પામી દુઃખ અને આનંદના ન સમજાય તેવા મિશ્ર ભાવથી ભરેલા હૈયે તે ગાડીમાં જઈ બેઠી. ગાડી ઊપડી અને થોડી વાર પહેલાં માતાપિતાની હતી એ સરયુ અનંતની બનીને અજાણ્યાં લોકો વચ્ચે પોતાનું સ્થાન શોધવા ચાલી ગઈ.
ઘેર જ્યારે બધાં આવી પહોંચ્યાં ત્યારે રાત પડી ગઈ હતી. નવી વહુનો સહુએ પ્રેમથી સત્કાર કર્યો. ઘરડાં સાસુસસરાએ બંનેને આશીર્વાદ આપ્યા. મોટી નણંદે હસતાં હસતાં કહ્યું : ‘લાગો છો તો સાક્ષાત્ લક્ષ્મી જેવાં!’ અને એણે હેતથી ઓવારણાં લીધાં. અજાણ્યા ઘરમાં પ્રથમ પ્રવેશ સરયુને સુખકર લાગ્યો, પણ તરત જ એને આ સુખી વાતાવરણની વચ્ચે પેલા અપંગ બાળકનો ખ્યાલ આવ્યો – પગ ઘસડતો, બોલી ન શકવાને લીધે ગળામાંથી ‘ઉં ઉં’ એવો અવાજ કાઢતો, બધાં તરફ લાચારીભરી નજર ફેંકતો, પોતાની અપંગતા અને નિરાધારીને રુદનના લંબાયેલા સૂરમાં વારંવાર વ્યક્ત કરતો… કલ્પના એને સારી લાગી નહીં. ખૂબ સમભાવ રાખવા છતાંય જરા સૂગ થઈ આવી. કોને ખબર, આખો વખત કેવીયે જગ્યાએ રમ્યા કરતો હશે, વારંવાર કેવો ગંદો થઈ જતો હશે! અને પોતાને મા માનીને એ કોઈક વાર એવા અસ્વચ્છ, ધૂળવાળા હાથે આવીને વળગી પડે તો?
અણગમાથી એનું મન ભરાઈ ગયું. ના, પોતે એના પ્રત્યેની ફરજ ચૂક્યા વિના પોતાના સુંદર દિવસોને સંભાળી લેશે. તે ને તે જ રાત્રે બાઈ રાખવા માટે અનંતને કહેવાનો તેણે વિચાર કર્યો. પણ એના વિશે આટલું વિચારવા છતાંય એ દેખાયો નહીં ત્યારે કુતૂહલથી એની આંખો ચારે બાજુ ફરી વળી. પેલું અણગમો પ્રેરતું દૃશ્ય હમણાં જ દેખાશે એવું એને હરપળે થયા કર્યું. પણ ત્યાં એણે સાંભળ્યું. અનંત પૂછતો હતો : ‘કિરણ ક્યાં, મા?’ એ ધ્યાનપૂર્વક સાંભળી રહી. માનો ઉત્તર આવ્યો : ‘એ તો ક્યારનોય સૂઈ ગયો છે.’ સરયુને સહેજ નિરાંત વળી.
નવા જીવનના પ્રારંભની મંગલ ઘડીઓમાં એને પેલું ન ગમતું કાંઈ પણ જોવાની પરિસ્થિતિ આવી નહીં એટલે એનું મન જરા હળવું બન્યું, પણ એ બાળકને જોવાની ઉત્સુકતાયે એનામાં ખૂબ હતી, એટલે જરા વાર એમ પણ થયું કે ઘરમાં એ છે જ, અને આવતી કાલે તો એને જોવાનો જ છે, તો આજે રાતે જ એ જોવા મળ્યો હોત તો શો વાંધો હતો?
એકાએક એને ખ્યાલ આવ્યો કે આ ઘડીએ પતિ વિશે વિચારવાને બદલે એનું બધું ધ્યાન બાળક પર જ કેન્દ્રિત થઈ ગયું હતું. મનમાં ને મનમાં એ પતિની આવી અવગણના કરવા માટે જરા શરમાઈ અને મોડી રાતે, સત્કારનો અને મંગળપૂજાનો બધો વિધિ પતી ગયા પછી, અનંતના સાંનિધ્યમાં પ્રથમ વાર એ જઈ ઊભી ત્યારે પતિના પ્રેમમાં પોતાની જાતને ગોપવી દેવાને એનું સમસ્ત સ્ત્રી-હૃદય વ્યાકુળ બની ગયું. એ કિરણને ઘડીભર ભૂલી ગઈ. પોતાના પ્રતિ મંડાયેલી એની મીટમાં અનંતે સ્નેહ અને વિશ્વાસની એવી સભરતા જોઈ કે એ પોતાની જાતને ધન્ય માની રહ્યો અને એને થયું ઃ કિરણને પણ એ સાચવશે અને એના અપંગ – અસહાય જીવનને પોતાના માતૃપ્રેમથી ભરી દેશે. પછી તો પ્રથમ મિલનની સુહાગી પળોમાં સરયુ બધું જ ભૂલી ગઈ, અને બીજી કશી વાતો કરવા માટે વાતાવરણ રહ્યું નહીં.
બીજે દિવસે વહેલી સવારે સરયુ નીચે આવી. સાસુ સિવાય કોઈ ઊઠ્યું નહોતું. બંધ બારીબારણાં ઉઘાડી સાસુજી અંદરના એક ઓરડામાં નમેલી આંખે માળા ગણતાં બેઠાં હતાં. સરયુ ઘડીભર એ જોઈ રહી, અને પછી ઘરનું પૂરેપૂરું અવલોકન કરવા ચારે બાજુ નજર ફેરવવા લાગી. એટલામાં એણે જોયું કે ઓસરીના છેડા પર બેઠો બેઠો એક સુંદર બાળક આકાશના આછા લાલ રંગ તરફ લીન ભાવે જોઈ રહ્યો છે. સગાંમાંથી કોઈનો છોકરો હશે એમ માની એ ત્યાં જઈને ઊભી રહી. વાંકડિયા, પાણીની લહેર જેવા વાળની નીચે એણે શ્વેત કમળના ફૂલ જેવો એક ચહેરો જોયો. સમગ્ર ચહેરા પર મૃદુતાની આછી વાદળી ઢળી હતી. એની ભૂરી આંખોમાં કોઈ અજાણી વેદના આવીને સ્થિર થઈ ગઈ હતી. બે ગાલ ઉપર બે નાનકડાં અશ્રુબિંદુ કમળની પાંદડી પર ઝાકળ જેવાં લાગતાં હતાં. નીલા રંગનું એક વસ્ત્ર એણે પહેર્યું હતું, અને પગ લાંબો રાખીને એ બેઠો હતો. એનો આખોયે દેખાવ એટલો મનોરમ હતો કે એને લાગ્યું, જાણે સામે પથરાયેલી વિશાળ ધરતીમાં પગદંડી જેની ખોવાઈ ગઈ છે, અને મા જેની વિખૂટી પડી ગઈ છે એવો એક દેવબાળક એની માને ઝંખતો ગગન પર દૃષ્ટિ માંડીને બેઠો છે, અને એની આંખોમાંથી આંસુ વહે છે.
સરયુના અંતરમાં માતૃત્વની નિગૂઢ વેદનાની છાલક વાગી. બાળક પાસે બેસી જઈ એણે એનું મોં સ્નેહપૂર્વક પોતાની તરફ ફેરવ્યું. મમતાભર્યા કંઠે એ બોલી : ‘તારું નામ શું?’ આકાશ તરફથી નજર વાળી લઈ કિરણ સરયુ તરફ જોઈ રહ્યો. સરયુએ મીઠું હસીને કહ્યું : ‘નામ નથી કે શું તારે?’ કિરણ કાંઈ બોલ્યો નહીં. ચૂપચાપ એ જોઈ જ રહ્યો. સરયુને થયું, આ કદાચ એની નણંદનો દીકરો હોય… આવા સરસ બાળકની માતા હોવા માટે મનમાં એ કેટલો ગર્વ અનુભવતી હશે! અને પછી ખૂબ પ્રેમાળ હાસ્ય કરી બાળકનું મોં છાતીસરસું ખેંચી લઈ એ બોલી : ‘મારી સાથે નહીં બોલે કે?’ આ વખતે કિરણ હસ્યો… એ જ પેલું ચિરસુંદર મધુર સ્મિત. આ સ્ત્રીના પ્રેમમાં એને એની મા જીવતી થતી લાગી, મા જ જાણે નવે વેશે એના સ્મિતનો ઊજળો પ્રત્યુત્તર આપવા પાછી ચાલી આવી છે. અને ઘણે મહિને આજ પહેલી વાર એ ફરીથી એના એ જ અસ્ફુટ સ્વરે બોલ્યો : ‘મા…’ આશ્ચર્યથી સરયુએ જોયું કે એ બોલી શકતો નહોતો, અને એના લંબાયેલા પગ ચેતનહીન હતા. વિસ્મયથી, ક્ષોભથી એ એક પળ બેભાન જેવી બની ગઈ. જેની પોતે આટઆટલી કલ્પના કરી હતી, અણગમાભર્યાં ચિત્રો મનમાં દોર્યાં હતાં એ આ જ બાળક હતો! આટલો સુંદર! આટલો નિષ્કલંક! આવેગથી એણે કિરણને પોતાની છાતી સાથે વળગાડી દીધો અને ઊંડા પ્રેમથી એના લલાટ પર ચુંબન કર્યું. એની આંખમાંથી બે બિંદુ કિરણને માથે સરી પડ્યાં. કિરણે પ્રસન્નતાથી આંખ બીડી દીધી. એ જ વખતે અનંત બારણામાં આવ્યો, અને એ બંનેને પ્રેમસમાધિમાં લીન થયેલાં જોઈ, ધીમે પગલે, હર્ષથી છલકતે નયને પાછો વળી ગયો.
{{Right|૧૯૫૧}
(‘પ્રેમનાં આંસુ’)