ઋણાનુબંધ/ખુલ્લી બારી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખુલ્લી બારી|}} <poem> હું તો ખુલ્લી બારી પાસે જ બેસીશ છોને વરસત...") |
(No difference)
|
Revision as of 16:41, 16 April 2022
ખુલ્લી બારી
હું તો ખુલ્લી બારી પાસે જ બેસીશ
છોને વરસતો વરસાદ મુશળધાર
ભીંજવતો મને—
કેટલે વખતે કૅલેન્ડરનો આષાઢ ગગન ભરીને ઝળૂંબ્યો
કેટલો વખત કોરી રહી અને ફફડતી રહી બારીના પડદાની જેમ
આજે તો ભીંજાયા પછી ભારે—
છોને વરસતો વરસાદ મુશળધાર
ભીંજવતો મને ને
આ વ્યવસ્થિત ઓરડાનાં
પડદા, જાજમ અને ફર્નિચર
(અદ્ભુત ઇન્ટિરિયર ડેકોરેશન!)
ફૂંકાવા દો પવનને પણ તીવ્ર ગતિથી
જાણે ઓરડામાં દોડતું કોઈ વન્ય પશુ
કેટલાં વર્ષે પ્રવેશ્યું,
હું તો બસ ખુશ છું
હતું જે કાષ્ઠ—જેમાં મૃત વૃક્ષોની તરસ
એ જ ભીંજાય છે
લથબથાય છે
પાણીનું મૂંગું ગીત ગાય છે—
ડોકાઈ શકાય એવી રાખી’તી
એક બારી
ને એથી ભલેને આ
વ્યવસ્થિત ગોઠવણીમાં
વરસતો વરસાદ મુશળધાર
હું તો ખુલ્લી બારી…
મારી આંખમાં ઊગે છે
લીલાંછમ ઘાસનાં આકાશ.