ઋણાનુબંધ/બજારમાં: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બજારમાં|}} <poem> બા, તમારી સાથે બજારમાં જવાનું મને કેટલું બધુ...") |
(No difference)
|
Revision as of 08:50, 19 April 2022
બા,
તમારી સાથે બજારમાં જવાનું મને કેટલું બધું ગમતું!
ફૅન્સી રેશમના દોરાથી ભરેલી શાકની ઝોળી
રૂપિયાની થોડી નોટો
ને થોડું પરચૂરણ લઈ
આપણે ઘોડાગાડીમાં બેસી જતાં.
તમને બધાં ઓળખતાં.
રસ્તા પરના દુકાનદારો
તમને ‘આવો’ ‘પધારો’ કહેતા
શાકવાળાને, ફળવાળાને ખુશ કરી
મને ભાવતાં શાક, ફળો તમે લેતાં
અને ક્યારેક
કપડાંની દુકાનેથી
મારું મનપસંદ કપડું લઈ
મારે માટે ફ્રોક કે ચણિયાચોળી સીવવા દરજીને આપતાં.
બજારનું કામ પતે એટલે
એ જ તમારો વર્ષોજૂનો ઠેરવેલો ઘોડાગાડીવાળો
આપણને ઘેર લાવતો.
યાદ આવે છે—
એક વાર
તમે શાકના ભાવની રકઝક કરતાં’તાં
ત્યારે
તમારી નજર ચુકાવી
હું
રમકડાંની દુકાનમાં ગોઠવેલાં
નવાં નવાં રમકડાં જોવામાં ગોઠવાઈ ગઈ,
તમને સાવ વિસારીને!
તમે
બાવરાં બાવરાં
એકએક દુકાન તપાસી ચૂક્યાં
પછી
નીચી આંખે વાસણને કલાઈ કરતા માણસને
એક પગ પૈડાં પર રાખી ચપ્પુની ધાર કરનારને
ચમેલી મોગરાના ગજરા ગૂંથતી મરાઠી બાઈને—
સૌને પૂછી વળ્યાં
કે
ક્યાંય એમણે મને જોઈ હતી?
સૌએ માથું ધુણાવી ના પાડી હતી.
આંખમાં આંસુ સાથે
ને
અધ્ધર જીવે
સામેના મંદિરમાં ડોકિયું કરી
સૌની રક્ષા કરતા ઊભેલા કૃષ્ણને
હોઠ ફફડાવી
(મનમાં માનતા માની)
તમે પૂછી લીધું હતું.
એક મિનિટ તો
ફૂટપાથ પરના ગરીબ જ્યોતિષીના પીંજરામાંથી
લોકોનાં ઉજ્જ્વળ ભવિષ્ય ભાખનાર ચકલી પાસેય
તમારા પગ અટક્યા હતા
શું કરવું?–ની મૂંઝવણમાં
તમે રમકડાંની દુકાન પાસે જ ઊભાં હતાં.
હું અંદરથી બહાર આવી
આપણી એકમેકની આંખ જેવી મળી
કે
દોડીને તમે મને તમારી છાતી સરસી એવી ચાંપી
કે ક્યારેય વછૂટી ન શકું.
બા,
આજેય હજી
પરિચિત છતાંય અપરિચિત લોકો વચ્ચે
મારી અવરજવર છે
પગપાળી, એકલી
આ બજારમાં…