ઋણાનુબંધ/ઊડી ગયો હંસ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઊડી ગયો હંસ|}} {{Poem2Open}} ૧૯૫૫ની પહેલી જાન્યુઆરીએ સવારે ચાર વાગ...") |
(No difference)
|
Revision as of 11:47, 19 April 2022
૧૯૫૫ની પહેલી જાન્યુઆરીએ સવારે ચાર વાગ્યે બાળકૃષ્ણ ઝબકીને જાગ્યો. બેઠો થયો. બાજુમાં સૂતેલી સુમુખી પત્ની હંસાને જોઈ બાળકૃષ્ણના મનમાં ઝબકારો થયો. એને ખાતરી થઈ ગઈ કે નક્કી હંસા કોઈ બીજાના પ્રેમમાં છે. એણે ફરી હંસા સામે જોયું. ચાદર થોડી પોતા પાસે ખેંચી. ગળું ઢાંક્યું. સામે બારી હતી. બહાર અંધારું હતું.
હંસા કોઈના પ્રેમમાં છે. પણ કોના? કશું બોલતી નથી. બોલે તો તો સારું. છેલ્લાં ત્રણ વરસથી એની વર્તણૂકમાં, એના બોલવાચાલવામાં, એની વિચારસરણીમાં ખાસ્સો ફેર પડી ગયો છે.
બાળકૃષ્ણે અદબ વાળી. ફરી એક વાર હંસા સામે જોયું. એ નિરાંતે સૂતી હતી.
બાળકૃષ્ણ ને હંસા મુંબઈમાં મળેલાં. મિત્રો દ્વારા. ક્લિક થયું ને પરણ્યાં. બાળકૃષ્ણને અમેરિકા ભણવા આવવાની સ્કૉલરશિપ મળી. બંને આવ્યાં. બાળકૃષ્ણે પોલિટિકલ થિયરીમાં પીએચ.ડી. કર્યું. હંસાનો વિષય ગણિત. ઇન્ડિયન પોલિટિક્સમાં સાધારણ રસ. એમનાં લગ્નને પંદર વરસ થયાં છે. સંસાર સુખી. મિત્રો ઈર્ષ્યા કરે ને કહે કે હંસા-બાળકૃષ્ણ એટલે લક્ષ્મી-નારાયણની જોડી. થોડા સમયથી હંસા બાળકૃષ્ણ સાથે હોય તોય ન હોય. વાતવાતમાં કંઈ વિચારમાં પડી ગઈ હોય.
ગઈ રાતે એમણે પ્રેમ કર્યો.
‘કેવું રહ્યું, હંસુ?’ હંમેશની જેમ બાળકૃષ્ણે પૂછ્યું.
‘તે તને લાગે છે કે તેં એક હાથે તાળી પાડી, બાળકૃષ્ણ?’ હંસાએ કહ્યું.
પહેલાં કાયમ બાળકૃષ્ણ પૂછે કે કેવું રહ્યું, હંસુ? તો હંસા હસીને કહે કે, ‘એય બિલ્લુ, શિખરે ચડ્યાં’તાં ત્યારે હુંય સાથે હતી, હં કે.’ બાળકૃષ્ણને બિલ્લુ કહે. બાળકૃષ્ણ તો ન જ કહે.
‘કેટલું લાંબું નામ પાડ્યું છે! બોલતાં બોલતાં મોં ભરાઈ જાય. બિલ્લુ સારું. ટૂંકું ને ટચ.’ એ કહેતી.
‘પણ નામ તો કૃષ્ણનું છે ને?’ બાળકૃષ્ણ કહેતો. બાળકૃષ્ણનાં બાએ બધા છોકરાઓનાં નામ કૃષ્ણના પર્યાયનાં પાડેલાં. માધવરાય, મુકુંદરાય, ગોવિંદલાલ, ગોપાળકૃષ્ણ, ને છેલ્લો બાળકૃષ્ણ. બાળકૃષ્ણનાં બા કહે કે જેટલી વાર છોકરાઓને નામથી બોલાવીએ એટલી વાર કૃષ્ણનું નામ દેવાય. બા બાળકૃષ્ણને ખીજવવો હોય ત્યારે એનું નામ ટૂંકાવીને ‘બાળુ’ કહે. બાળકૃષ્ણને ‘બાળુ’ નામ નહોતું ગમતું. વરસો પહેલાં એમના ઘરઘાટીનું નામ ‘બાળુ’ હતું. વળી કોઈ વાર હંસા બાળકૃષ્ણને ‘બાલુ’ કહે. એ પણ બાળકૃષ્ણને નાપસંદ. બાલુ પટેલ કરીને એનો દોસ્ત. ‘આઈ હૅવ નથિંગ અગેઇન્સ્ટ ધૅટ બાલુ. બટ વૉટ્સ રૉંગ વિથ માઇ રિયલ નેઇમ બાળકૃષ્ણ? ટૂ લૉંગ? ધેન બિલ્લુ ઇઝ ઓ.કે.’ બાળકૃષ્ણ કહેતો.
હંસા સારા મૂડમાં ન હોય ત્યારે કે કટાક્ષ કરવો હોય ત્યારે જ બાળકૃષ્ણ કહે. ગઈ રાતે ‘બાળકૃષ્ણ’ કહ્યું. બાળકૃષ્ણને એ વાગ્યું.
ત્રણ વરસથી ફેર પડી ગયો છે હંસામાં. ત્રણ વરસ. હં. ત્રણ વરસ પહેલાં હંસાની બહેનપણી કૅથી અને એનો બૉયફ્રેન્ડ જ્યૉર્જ, ક્લિન્ટનની ઇલેક્શન કૅમ્પેઈનમાં વૉલન્ટિયર થયાં. સાથે હંસાને પણ ઘસડી ગયાં. રાતના નવદસ સુધી બધાં વૉલન્ટિયરો ઇલેક્શન ક્વોર્ટર્સ પર ભેગાં થાય. વોટર્સને ફોન કરે. મત આપવા સમજાવે. ફ્લાયરો બનાવે. પરબીડિયાંમાં ભરે. સરનામાં કરે. સ્ટૅમ્પ લગાડી વોટર્સને પોસ્ટ કરે.
‘બિલ્લુ, જોજે! બુશ હારી જશે.’ હંસાએ ઘેર આવીને કહ્યું.
‘એમ? ત્યાં બધા કહેતા હશે એટલે તું પણ કહે છે? પોલિટિક્સ વિષય મારો છે. મને તો પૂછ.’ બાળકૃષ્ણ બોલ્યો.
‘તું તો થિયરીમાં ગળાબૂડ છે. અમે તો આંખોદેખા હાલની વાત કરીએ છીએ. સમજ્યા, બિલ્લુજી?’
એકાએક હંસાને અમેરિકન પોલિટિક્સમાં રસ પડવા માંડ્યો. એનો નશો ચડવા માંડ્યો. રોજ સાંજે અચૂક પબ્લિક ટેલિવિઝન પર મેકનીલ લેહરરનાં ‘ઇન ડેપ્થ’ ન્યૂઝ એનાલિસિસ જુએ. રવિવારે સવારે બધા ટૉક શોઝ. દરમિયાન બાળકૃષ્ણ બોલે તો શ… શ… કરીને ચૂપ રહે.
‘ઇન્ડિયન પોલિટિક્સમાં પણ રસ લે ને. એય એક્સાઇટિંગ છે.’ બાલકૃષ્ણે કહ્યું.
‘કેટલી બધી તો પાર્ટીઓ છે આપણે ત્યાં. હુ કૅન કીપ ટ્રૅક? અહીં તો બે. એમાં આ રૉસ પરો આડો ફાટ્યો છે.’ હંસા બોલી.
‘મૂક ને હવે. આ પોલિટિક્સની વાતોમાં હંસા, “મોતીડાં નહીં રે મળે.” આપણે બેડરૂમમાં જઈએ.’ બાળકૃષ્ણ એને ખેંચી ગયો.
પ્રેમ કરવાનું શરૂ કર્યું ત્યાં અધવચ પૂછ્યું.
‘તું બિલ ક્લિન્ટન માટે શું ધારે છે? આ દેશને માટે એનું પ્રેસિડેન્ટ થવું ફાયદાકારક નથી? જ્યૉર્જ અને કૅથી તો એમ માને છે.’
‘પણ અત્યારે એનું શું છે? હજી ભેંસ ભાગોળે ને આપણે ઘેર ધમાધમ.’
‘એય, ક્લિન્ટનને ભેંસ ના કહેવાય. જીતશે એટલે ખબર પડશે.’
બાળકૃષ્ણે પરાણે હંસાનું મન વાળ્યું. અઠવાડિયા પછી બૅન્કનું સ્ટેટમેન્ટ આવ્યું. બાળકૃષ્ણે કૅન્સલ્ડ ચેક્સ મેળવ્યા. એમાં ચેક હજાર ડૉલર્સનો એક ક્લિન્ટનના કૅમ્પેઇન ફંડ માટે લખેલો હતો. બાળકૃષ્ણનો પિત્તો ગયો.
‘આ શું?’ હંસાને ચેક બતાવી પૂછ્યું.
‘જે દેખાય છે તે. જ્યૉર્જ અને કૅથીએ પણ આપ્યા છે.’
‘મને પૂછવાનુંય નહીં? ને આટલા બધા પૈસા તે અપાતા હશે? ક્લિન્ટન જીતશે એની શી ખાતરી?’
‘તું જોજે ને.’ હંસા વિશ્વાસથી બોલી.
‘મારી માને મોકલવા હોય ત્યારે હું સો વિચાર કરું ને અહીં ફટ દઈને લખી દીધો ચેક.’
‘આપણે અમેરિકન નથી? કેટલાંય લોકો ડોનેશન આપે છે. તારે જે માનવું હોય તે માન. ઇટ ઇઝ અ વર્થવ્હાઇલ કૉઝ.’ હંસા બોલી.
અને સાચે જ ક્લિન્ટન જીતી ગયા ને બુશ હારી ગયા. બાળકૃષ્ણ ને હંસાને ઘેર દિવસો સુધી ખાસ્સી ધમાધમ રહી. હંસા પ્રેસિડેન્ટ થઈ હોય એમ મોરની જેમ ડોક ફુલાવીને ફરે.
‘અમે તો કહેતાં’તાં જ. માને કોણ? આ રિપબ્લિકનો બહુ ચગ્યા’તા. લેતા જાવ હવે.’ હંસા કહેતી ફરે.
બાળકૃષ્ણને થયું, હવે આ બધું ઠંડું પડે તો સારું. ક્લિન્ટનના સો દિવસ પૂરા થયા. જર્નાલિસ્ટોએ કહેવા માંડ્યું કે ‘હનીમૂન ઇઝ ઓવર.’ પણ બાળકૃષ્ણે જોયું, નૉટ સો ફૉર હિઝ ડિયર હંસા.
કૅમ્પેઇન વૉલન્ટિયરો માટે વ્હાઇટ હાઉસમાં રિસેપ્શન રખાયું. હંસાની છાતી તો ગજગજ ફૂલે.
‘કઈ સાડી પહેરું?’ હંસાએ પૂછ્યું.
‘ત્યાં હજારો વૉલન્ટિયરો હશે. એમાંની તું એક. કોઈ ભાવ નથી પૂછવાનું. ગાંઠનું ગોપીચંદન કરીને છેક વૉશિંગ્ટન જવાની કંઈ જરૂર નથી.’ બાળકૃષ્ણને કહ્યું.
‘છે જરૂર.’
‘તો કંઈ સજીધજીને જવાનું કંઈ કારણ નથી.’ બાળકૃષ્ણ બોલ્યો.
હંસાએ સરસ મજાની કાંજીવરમની ગુલાબી બૉર્ડરવાળી કાળી સાડી કાઢી. મૅચિંગ બ્લાઉઝ, ચંપલ, પર્સ. આછો દાગીનો. બનીઠનીને હંસા કૅથી અને જ્યૉર્જ સાથે વ્હાઇટ હાઉસમાં ગઈ. હજારો વૉલન્ટિયરો લાઇનમાં ઊભા હતા. ક્લિન્ટન આવ્યા. પસાર થતાં થતાં સૌને હલો કહ્યું. કોઈ સાથે હાથ મિલાવ્યા.
‘મિસ્ટર પ્રેસિડેન્ટ, ધિસ ઇઝ હંસા પરીખ. શી વર્કડ વેરી હાર્ડ.’ કોઈકે ઓળખાણ કરાવી.
‘ઓ — નાઇસ ટુ મીટ યુ.’ પ્રેસિડેન્ટે હાથ મિલાવી કહ્યું.
હંસાએ હાથ પકડી રાખ્યો. ક્લિન્ટન હાથ છોડી આગળ ગયા. હંસા બરફની પૂતળી થઈ ઢળી પડવા જતી’તી ત્યાં જ બાજુમાં ઊભેલી કૅથીએ એને ઝાલી લીધી. બીજાં વૉલન્ટિયરો જોઈ રહ્યાં.
હુ ઇઝ શી? હુ ઇઝ શી? વૉટ હૅપન્ડ ટુ હર? — કોઈએ પૂછ્યું.
‘શી ઇઝ લિટલ એક્સાઇટેડ.’ જ્યૉર્જે કહ્યું.
ઘેર આવીને ક્લિન્ટનપુરાણ ચાલ્યું. બિલ ક્લિન્ટન ગ્રે વાળમાં હૅન્ડસમ લાગતા’તા. રતુંબડી ત્વચા. સૉફ્ટસ્પોકન. આકર્ષક સ્મિત. બ્લુ સૂટ પહેરેલો. મૅચિંગ ટાઈ. જૉગિંગ કરીને શરીર સરસ સાચવ્યું છે. એક ઔંસની ફૅટ નહીં. દેખાવમાં ને હાવભાવમાં જ્હૉન કેનેડીની યાદ આપે. જેવી ફોનની ઘંટડી રણકે એટલે હંસા અથથી ઇતિ સુધીનો આખો ઇતિહાસ કડકડાટ બોલી જાય.
‘મારે મોટું મન કરવું જોઈએ. હંસા ખુશ રહે એ તો સારી વાત છે. કેટલીક સ્ત્રીઓ ઘેર બેસીને કૂથલી કરતી હોય છે એના કરતાં ભલે ને અહીંના પોલિટિક્સમાં રસ લે. જ્યાં સુધી મને પ્રેમ કરીને ખુશ કરે છે, ત્યાં સુધી ઇટ ઇઝ ઓ.કે.’ બાળકૃષ્ણ વિચારતો હતો.
એક વાર બાળકૃષ્ણ અને હંસા એમના ચાર અમેરિકન મિત્રો સાથે રેસ્ટોરંટમાં જમવા ગયાં. વેઇટ્રેસ આવી. ડ્રિન્ક્સના ઑર્ડર આપ્યા. વેઇટ્રેસ ડ્રિન્ક્સ આપી ગઈ.
‘આ વેઇટ્રેસ દેખાવમાં જેનિફર ફ્લાવર્સ જેવી લાગે છે.’ રિચર્ડ બોલ્યો.
‘હિલરી જેવી સ્માર્ટ અને દેખાવડી પત્નીને મૂકીને આવી ચીપ લાગતી સ્ત્રીમાં ક્લિન્ટન કેવી રીતે પડ્યો હશે?’ બાર્બરા બોલી.
‘ક્લિન્ટન આખરે તો પુરુષ છે ને! હિલરી તો છે જ. જેનિફર ઇઝ અ થ્રિલ ઑફ પાવર.’ પીટરે કહ્યું.
‘હું માનતી જ નથી કે ક્લિન્ટનને જેનિફર સાથે અફેર હોય.’ હંસા બોલી.
‘કેમ ખબર પડી?’ પીટરે પૂછ્યું.
‘આઈ બિલીવ હી ઇઝ નૉટ લાઇક ધૅટ.’ હંસાએ કહ્યું.
‘કેમ, વ્હાઇટ હાઉસના રિસેપ્શનમાં એણે તને કહેલું?’ બાળકૃષ્ણે પૂછ્યું.
‘આ તો ઉપજાવી કાઢેલી વાત છે. રિપબ્લિકનો હારી ગયા છે એટલે હવે ક્લિન્ટનના ચારિત્ર્ય પર ડાઘ લગાડવા બેઠા છે. આ રિપબ્લિકનો તો એટલા હલકા છે કે ગાંધીજી પ્રેસિડેન્ટ થયા હોત તો એમને માટેય કહેત કે નાગી સ્ત્રીઓ સાથે સૂવા માટે અખતરાનું બહાનું કાઢ્યું.’ હંસાએ કહ્યું.
ક્લિન્ટને જે જે વ્યક્તિઓની નિમણૂક કરેલી એ બધાનો ફિયાસ્કો થયો એના પર બધા હસ્યા. હંસા દુ:ખી હતી.
‘જેનિફર ફ્લાવર્સની બાબતમાં આટલાં ઉશ્કેરાઈ જવા જેવું શું હતું?’ બાળકૃષ્ણે ઘેર આવતાં ગાડીમાં પૂછ્યું.
‘કોઈને માથે ખોટું આળ ચડાવો ને મારે ચૂપ બેસી રહેવાનું? નૉટ મી, બાળકૃષ્ણ.’ હંસાએ કહ્યું.
‘બાળકૃષ્ણ.’ હંસા સારા મૂડમાં નથી.
છ મહિના વીતી ગયા હશે. એક નવું તૂત શરૂ થયું. સ્ત્રીઓના સમાન હકનું. કૅથીએ હંસાના ભેજામાં ભરાવ્યું કે કેટલાક પુરુષો સ્ત્રીનું શોષણ કરે છે. એમની કદર કરતા નથી. નોકરી કરતી સ્ત્રીઓને પુરુષો કરતાં ઓછો પગાર મળે છે. ઘરકામમાં અને બાળઉછેરમાં પણ પુરુષો સ્ત્રીઓ પર વધારે જવાબદારી નાખે છે. ‘નેશનલ ઑર્ગેનિઝેશન ઑફ વિમેન’ તરફથી સ્ત્રીઓ ભેગી થઈને વૉશિંગ્ટન ગઈ અને વ્હાઇટ હાઉસ સામે દેખાવ કર્યા. દેખાવ પત્યા પછી હંસા કેટલોય સમય વ્હાઇટ હાઉસ સામે ઊભી રહી. એને અંદર જવાનું મન થયું. એ દરવાજા પાસે ગઈ. દરવાને એને રોકી. ‘લેડી, કીપ મૂવિંગ’ કહ્યું. હંસાએ આખું શહેર જોયું. મૉન્યુમેન્ટ્સ જોયાં. મ્યુઝિયમો જોયાં. પટોમેક નદી પરનાં પ્રફુલ્લિત ચેરિબ્લૉસમ્સ જોયાં.
‘આપણે વૉશિંગ્ટન રહેવા જઈએ તો કેવું?’ ઘેર પાછાં આવીને હંસાએ પૂછ્યું.
‘કેમ?’
‘જ્યૉર્જ વૉશિંગ્ટનમાં છે ને કૅથી ત્યાં જૉબ લે છે. મને પણ વૉશિંગ્ટન ખૂબ ગમે છે. ઇટ ઇઝ સચ ઍન એક્સાઇટિંગ સિટી. તને ત્યાંની કોઈ યુનિવર્સિટીમાં જરૂર ટીચિંગ પોઝિશન મળી જાય.’ હંસા બોલી.
બાળકૃષ્ણ કશું બોલ્યો નહીં.
‘હંસા રોમૅન્ટિક છે. એને કોઈ કલ્પના જ નથી કે અત્યારની ઇકોનોમીમાં જૉબ મળવી કેટલી મુશ્કેલ છે. અને આ ન્યૂયૉર્ક શું ઓછું એક્સાઇટિંગ છે!’ બાળકૃષ્ણ વિચારતો હતો.
એક દિવસ બાળકૃષ્ણ ઘેર આવ્યો ત્યારે હંસા ફોન પર હતી. ક્લોઝેટમાંથી હૅન્ગર કાઢી જૅકેટ ટાંગતાં ટાંગતાં એણે થોડી વાત સાંભળી. હંસા કહેતી હતી કે સપનામાં એણે પેલાને મઘમઘતા મોગરાનો હાર પહેરાવ્યો.
‘મોગરાને અંગ્રેજીમાં શું કહેવાય?’ માઉથપીસ પર હાથ દાબીને હંસાએ પૂછ્યું.
‘જૅઝમીન.’ બાળકૃષ્ણે કહ્યું.
વાત પતી એટલે હંસાએ ફોન મૂકી દીધો.
‘કોણ હતું? મોગરાની શી વાત હતી?’
‘કૅથી હતી.’ મોગરાની વાત હંસાએ ઉડાવી દીધી.
થોડા દિવસ પછી એક સવારે હંસા ચા કરતી હતી. બાળકૃષ્ણ ‘ટ્રિપલ એ’ની ટૂર ગાઇડ લઈને બેઠો હતો. ઉનાળાની રજાનું પ્લાનિંગ કરવાનું હતું. બાળકૃષ્ણની ઇચ્છા હતી સૅન ફ્રાન્સિસ્કો ફ્લાય કરવું. ત્યાંથી ગાડી રેન્ટ કરી સૅન ડિયેગો સુધી જવું. એણે સાંભળ્યું હતું કે કૅલિફોર્નિયાનો કોસ્ટ ખૂબ રળિયામણો છે.
‘આપણે આરકેન્સો જઈએ તો?’ હંસાએ પૂછ્યું.
‘ત્યાં શું દાટ્યું છે? કોઈને જોયાં છે આરકેન્સોમાં વૅકેશન લેતાં? તારું ખસી ગયું છે કે શું?’
‘ક્લિન્ટન પ્રેસિડેન્ટ થયા એ પહેલાં આરકેન્સોના ગવર્નર હતા.’
‘મને ખબર છે.’
‘જ્યૉર્જ ને કૅથી જઈ આવ્યાં છે. ત્યાં જઈને “વ્હાઇટ વૉટર” આપણે જાતે જ જોઈ આવીએ. એ લૅન્ડ કેટલી મોટી છે એ તો ખબર પડે. એમાં ક્લિન્ટને રોકેલા પૈસા ગયા કે બનાવ્યા એની ખાતરી થઈ જાય’ હંસા ટેબલ પર ચાના મગ મૂકતાં બોલી. ચા અડધી મૂકીને બાળકૃષ્ણ ઊઠી ગયો.
એક શનિવારે સાંજે ડૉક્ટરોની પાર્ટીમાં બાળકૃષ્ણ અને હંસાને નિમંત્રણ હતું. જમીને બધાં ગપ્પાં મારતાં બેઠાં હતાં. ક્લિન્ટનના ‘હેલ્થ કેર પ્લાન’ પર ચર્ચા શરૂ થઈ. બધા ડૉક્ટરોને હાય પેસી ગઈ’તી કે રખે ને ‘હેલ્થકેર’ બિલ પાસ થાય તો અત્યારે એમને ઘીકેળાં છે એ બંધ થઈ જાય. કોઈ ડૉક્ટર ઇચ્છતો નહોતો કે ક્લિન્ટનનું એ ‘હેલ્થકેર પૅકેજ’ પાસ થાય.
‘ઇટ વુડ નેવર પાસ ધ હાઉસ. રિપબ્લિકનો મૂરખ થોડા છે કે પોતાને હાથે જ પોતાના પગ પર કુહાડો મારે?’ કોઈ બોલ્યું.
‘પણ એ બિલ પાસ થાય તો સામાન્ય માસણને કેટલો બધો ફાયદો થાય એનો તો કોઈ વિચાર જ કરતું નથી. સામાન્ય લોકો વીમાના પૈસા ક્યાંથી લાવે? વીમો ન હોય ને ઘરમાં માંદગી આવે તો શું કરે? મરી જાય? આઇ થિન્ક, ક્લિન્ટન ઍન્ડ હિલરી આર ઑન ધ રાઇટ પાથ.’ હંસા બોલી.
કોઈ હંસા સાથે સંમત થતું નહીં. બધા ડૉક્ટરો ક્લિન્ટનને ગાળો આપતા છૂટા પડ્યા.
‘આ જ ડૉક્ટરમિત્રો આપણને જરૂર હોય ત્યારે આવીને ઊભા રહે છે. એમની હામાં સૂર પુરાવવાનો કે ક્લિન્ટનને ડિફેન્ડ કરવાના?’ બાલકૃષ્ણે ઘેર આવીને શૂઝ કાઢતાં કહ્યું.
‘આઇ લિસન ટુ માઈ ઇન્ટ્યુઇશન ઍન્ડ આઈ કૅન ઑલ્સો થિન્ક. ‘હેલ્થકેર પૅકેજ’ ઇઝ રાઇટ ઍન્ડ ડૉક્ટર્સ આર વેરી રૉંગ.’
‘ક્લિન્ટને તને કોઈ કૅબિનેટ પોઝિશન આપવી જોઈએ.’
‘આપશે તો હું ના નહીં પાડું. પછી તારે ગાવું પડશે કે ઊડી ગયો હંસ, પિંજર પડી તો રહ્યું…’
બીજે દિવસે ફરીથી હંસા એના સપનાની વાત કરતી’તી. દરિયાકિનારો હતો. બંને હાથમાં હાથ નાખી, રેતીમાં ચાલ્યાં. પાછળ ફરીને જોયું તો એમનાં ચાર પગલાં સિવાયની રેતી અકબંધ હતી. થોડી વાર પછી એક મોજું આવ્યું ને એમનાં પગલાં ભૂંસાઈ ગયાં. હંસાએ પેલાને કહ્યું કે માત્ર એ જ નામશેષ થઈ જશે પણ પેલો તો અમર થઈ જશે. થોડી વાર પછી સૂર્યાસ્ત થયો. પેલાએ હંસાને ચુંબન કર્યું. ધીરે ધીરે અંધારું થવા માંડ્યું. પેલાએ કહ્યું કે અંધારું એટલા માટે થયું કે સેલારા મારતું પેલું ગલવાયસ એની ચાંચમાં સાંજનો કૂણો તડકો ચણીને અદૃશ્ય થઈ ગયું હતું.
બાળકૃષ્ણને થયું કે હંસા જરૂર કોઈના પ્રેમમાં છે. એ વ્યક્તિના હંસા સતત વિચાર કરે છે. સાન્નિધ્ય ઝંખે છે. એટલે જ એને સપનામાં મળે છે. એ માણસ પોલિટિક્સનો જાણકાર હોવો જોઈએ. નહીં તો હંસાને અમેરિકન પોલિટિક્સમાં આટલો રસ ન જાગે. બાળકૃષ્ણે એના મિત્રો — સ્નેહીઓમાંથી કોણ હોઈ શકે એનો વિચાર કરવા માંડ્યો. ‘મોગરાના હાર’ની વાત યાદ આવી. તો તો જરૂર કોઈ ગુજરાતી હશે. ‘મઘમઘતો મોગરો’ કહ્યું એટલે કવિ હશે? કવિને અને સૂર્યાસ્તને પણ ખાસ્સી લેવાદેવા. પણ કવિ ગુજરાતી હોય અને અમેરિકન પોલિટિક્સમાં ખૂંપેલો હોય એવું કોણ હોઈ શકે? મોટા ભાગના ગુજરાતીઓને અમેરિકન પોલિટિક્સની કંઈ પડી હોતી નથી. તો રિચર્ડ કે પીટર? હાઉ અબાઉટ કૅથીસ બૉયફ્રેન્ડ જ્યૉર્જ? એ વૉશિંગ્ટનમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. હંસા કૅથીને ડિસીવ કરતી હશે?
બાળકૃષ્ણને ૧૯૯૪નો નવેમ્બર યાદ આવ્યો. નવેમ્બરની ચૂંટણી પછી કૉંગ્રેસમાં રિપબ્લિકનોની મેજૉરિટી થઈ હતી. હંસા ખૂબ અસ્વસ્થ રહેતી. વાતવાતમાં છંછેડાઈ જતી.
‘મને તો ખબર જ પડતી નથી કે આ દેશના અને વૉશિંગ્ટનના મૂરખો કેમ ન્યૂટ ગિંગરિચની પાછળ પડ્યા છે? પ્રેસિડેન્ટ કોણ છે? ક્લિન્ટન કે ગિંગરિચ? એટલો તો ગુસ્સો આવે છે આ રિપબ્લિકનો પર—’ એક દિવસ હંસા બોલેલી.
બાળકૃષ્ણને ફરી ઝબકારો થયો. હવે બેઠું. હંસા જે વ્યક્તિના પ્રેમમાં છે એ વ્યક્તિ બિલ, બિલ ક્લિન્ટન છે. બિલ્લુ, બિલ્લુ કહીને ત્રણ વરસથી વળગે છે ત્યારે હંસા બાળકૃષ્ણને નહીં, બિલ ક્લિન્ટનને પ્રેમ કરે છે. બાળકૃષ્ણને તાળો મળી ગયો. બાળકૃષ્ણે બારી સામે જોયું. એ હસ્યો. અંધારું ઓસરતું હતું.