ઋણાનુબંધ/૨. થોડીક મારી — મારાં ગીતની વાત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. થોડીક મારી — મારાં ગીતની વાત|}} {{Poem2Open}} વિધિની કેવી વિચિત્ર...") |
(No difference)
|
Revision as of 12:30, 19 April 2022
વિધિની કેવી વિચિત્રતા છે! નાનપણથી ગીત-સંગીતનો શોખ. આ શોખ અમેરિકામાં રહ્યાં રહ્યાં પણ જ્યારે જ્યારે તક મળી છે ત્યારે પૂરો કર્યો છે. ભારતથી અહીં આવતા પ્રસિદ્ધ કલાકારોને સાંભળ્યા છે. પછી એ હોય રવિશંકર, જસરાજ, લક્ષ્મીશંકર કે કૌમુદી મુનશી. શાસ્ત્રીય સંગીત હોય કે સુગમ સંગીત… હું જરૂર સાંભળું. હું પોતે પણ આવડે એવું ગાવાનો પ્રયત્ન કરું છું. પૂરતો રિયાઝ નથી થતો એનો વસવસો પણ છે. આ બધું સાથે હોવા છતાંય કવિતાસૃષ્ટિમાં પ્રારંભ કર્યો અછાંદસથી અને એટલે જ આ હકીકતને હું વિધિની વિચિત્રતા કહું છું. સારી વાત એ થઈ કે મારાં બા-બાપુજી, મારા મિત્રો, કેટલાક વિવેચકો મને સતત ટકોરતાં રહ્યાં અને છેલ્લાં કેટલાંય વર્ષોથી મારી કલમ ગીત તરફ પણ વળી છે.
નાનપણથી જ મારાં બા હવેલી સંગીતનાં પદો ગાતાં. આમ એમનો કંઠ અને એ પદોના લય કાનમાં સચવાયા છે. આ ઉપરાંત રાજેન્દ્ર, નિરંજન, પ્રિયકાન્ત, હરીન્દ્ર, સુરેશ ઇત્યાદિનાં ગીતોથી પણ પરિચિત અને પ્રભાવિત છું. કોનો કયો સંસ્કાર અહીં હળીભળી ગયો હશે એ વાત કરવા જાઉં તો શરીરને ત્વચાથી દૂર કરવા જેવી વાત છે અને છતાંય આમાં ક્યાંક મારો અવાજ મને સંભળાય છે એટલે તો પ્રકાશન માટે રોકી રાખેલાં ગીતો આજે પ્રગટ કરું છું.
લોકગીત અને નાટકનાં ગીતનું પણ વશીકરણ એટલું જ. “હું અલકમલકમાં મ્હાલી છું રંગીલા લાલ” એનો લય અને લહેકો આપણા લોકગીતનો, પણ એમાં વેદના આધુનિક જીવનની. નહીં તો “હું હાથ વિનાની તાળી છું.” એવી પંક્તિ ક્યાંથી આવે? આજની સ્ત્રી આવું કહી શકે કે “મેં કૈંક દિવાળી જોઈ રે રંગીલા લાલ” એમાં ખુમારી અને જાગૃતિ બન્ને છે. લય પરંપરાનો છે અને વાત પરંપરાગત નથી. તો નાટકની પ્રસિદ્ધ પંક્તિ “સાહ્યબો મારો ગુલાબનો છોડ”માં પરંપરાને અકબંધ સાચવી છે.
મારી ગીતસૃષ્ટિનો જે રસ્તો અને નકશો મને યાદ છે તે અહીં આલેખું છું. મને બરાબર યાદ છે કંઠમાં છલકાયેલું પહેલું ગીતઃ
મેં તો ફૂલની સુગંધને પહેરી લીધી મને ટહુકાના ટોળાએ ઘેરી લીધી.
લખતાં લખતાં મને સમજાયું કે ગીતની પહેલી પંક્તિ સાવ અનાયાસે આવતી હોય છે. હું ગાઈને લખતી નથી કે લખેલું ગાતી નથી પણ લયને રસ્તે ખુલ્લા કાને ચાલું છું. આમ ચાલું છું એ તો કહેવાની વાત છે પણ એવી કેટલીય ક્ષણો છે જ્યારે એમ કહેવાનું મન થાય કે હું લયને રસ્તે મહાલું છું. કેટલાંક ગીતો વિશે એટલે કે એની રચનાકળા વિશે મને રજેરજની ખબર છે તો કેટલાંક ગીતો ક્યાંથી આવ્યાં, કેમ આવ્યાં એને વિશે આજે જ્યારે વિચાર કરું છું ત્યારે સ્મૃતિ હાથતાળી આપીને સરકી જતી હોય એવું પણ લાગે છે. ઓછેવત્તે અંશે દરેકને આવું થતું હશે એમ માનું છું. અહીં આ સંગ્રહનાં કેટલાંક ગીત વિશે તમારી સાથે મન મૂકીને વાત કરીશ. આમ પણ મારા સ્વભાવમાં વાતને ઢાંકવાનું હોતું નથી. મારું આખું અસ્તિત્વ બંધ કિતાબ જેવું હોય એના કરતાં ખુલ્લી કિતાબ જેવું હોય એ મને વિશેષ ગમે.
મારી પ્રથમ અનુભૂતિ પ્રેમની છે. આમ પણ ગીતને જેટલો “પ્રેમ-પદારથ” માફક આવે છે એટલો બીજો કદાચ આવતોપણ નહીં હોય. પ્રેમ અને પાગલપનનું દ્વૈત ન હોઈ શકે. આ પાગલપનમાંથી પણ કેટલીક સરવાણીઓ ફૂટી છે. પ્રેમ બીજા કશાની કે બીજા કોઈની નહીં પણ પોતાની ઓળખ તો આપે જ છે. પ્રેમનો અનુભવ ધરતીની ધૂળનું જાણે કે વાદળમાં રૂપાંતર કરે છે. આ પાગલપન પ્રેમનું પણ હોય, પ્રેમના ગીતનું પણ હોય અને ગીતના પ્રેમનું પણ હોય. નહીંતર તો આવી પંક્તિઓ કઈ રીત આવે?!
હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;
કેવાં આ લાભશુભ : ઓચિંતાં એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઈ ગઈ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.
ભારતથી સ્વજનો આવે ને જાય. આવે ત્યારે આનંદ ને જાય ત્યારે વિષાદ થાય અને આવી વિવિધ ભાવઝાંયમાંથી કેટલાંક ગીતો મળ્યાં છે. “ચલો હવે તો જશું.” કે “તમે તમારી રાહ તરફ” એવાં ગીતો આવા કોઈ અનુભવમાંથી આવ્યાં છે. અહીં સ્નો પડતો હોય એટલે તરફની સાથેનો બરફનો પ્રાસ પણ તરત જ હોઠવગો થાય. માણસ જે વાતાવરણમાં રહેતો હોય એ વાતાવરણની અસર કોઈક ને કોઈક રીતે આવતી જ હશે. એ પણ જાણું છું કે આ બધા અનુભવોથી હંમેશ કંઈ લખાય એવું નથી. અનુભવો પણ છેવટે તો કાચી સામગ્રી છે.
અમેરિકા વિશાળ દેશ છે. આ વિશાળ દેશને કારણે અને યંત્ર જ્યારે ક્રમશઃ મનુષ્યનું સ્થાન લેતાં જાય છે ત્યારે એવો વિચાર આવે છે કે “અમે ખાધું પીધું ને રાજ કીધું નથી.” પણ આ તો વિચારમાંથી સ્ફુરેલી પંક્તિ. કલ્પના પણ ન આવે એ રીતે આ ગીતે કોઈ જુદો જ વળાંક લીધો. ભલે હેડલાઇનમાં છપાય એવું કશું આપણે પક્ષે ન હોય પણ જીવનના નાના નાના આનંદો અને વિષાદોથી આ ગીત મુખરિત થઈ ઊઠ્યું છે. અહીં કુદરતની મહેરબાની અને મનુષ્ય માટેની અઢળક સગવડો છે. ફૂલો ખીલે ત્યારે એવાં ને એટલાં ખીલે કે એમ થાય કે એને આંખથી પંપાળ્યાં કરીએ. ફૂલોના રંગો પણ એવા વિવિધ કે આંખ ધારીધારીને જુએ તો આંખ રંગીન થઈ જાય. કલ્પી નથી શકતી કે ફૂલો ન હોત તો શું થતે અને એટલે જ આવી પંક્તિ આવી હશેઃ “અમે ફૂલોને આંખથી પંપાળ્યાં હતાં.” પોતાની કવિતા વિશે અટકળ કરવી પડે એનો અર્થ જ એ કે કવિતા અકળ છે અને આપણા અવચેતન મનમાં જે સંચિત થતું હોય છે તે ક્યારેક આપણને પણ વિસ્મય પમાડી દે એવી રીતે પ્રગટે છે.
અહીં પણ પાર્ટીઓ થતી હોય છે. ક્યારેક પાર્ટીઓ ગમે છે, ક્યારેક નરી અકળામણનો અનુભવ થાય છે. ક્યારેક જેને મળવું હોય એને મળાતું નથી. આવી અનુભૂતિમાંથી “મેળાનો મને મૂંઝારો થાય.” એવું ગીત આવ્યું. સુરેશ જેવો મિત્ર આવું ગીત વાંચીને કહે કે હરીન્દ્રએ “મેળાનો મને થાક લાગે” એવું લખ્યું છે. પણ એની વાતને સાંભળી ન સાંભળી કરી અને જે સૂઝ્યું તે લખ્યું છે.
ક્યારેક લાગે છે કે ગીત એ લયની ક્રીડા છે. આવી ક્રીડામાંથી પણ કેટલાંક ગીત આવ્યાં છે. બધાંમાં તો ઊંડી ઊતરતી નથી પણ એકનો જ દાખલો આપું:
આ સરવર સરવર રમતાં રમતાં કમળ કમળ થઈ ખીલ્યાં રે
આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં રંગવાદળને ઝીલ્યાં રે.
કેટલાંક ગીતો વિશે જ્યારે વિચાર કરું છું ત્યારે એની કેટલીક પંક્તિઓ મેં કરેલી વાતચીતના લહેકા પરથી મળી છે. વર્ષો પહેલાં અમારા મિત્રે ખાસ્સો શ્રમ લઈને એક સમારંભ યોજ્યો હતો. મુંબઈમાં સમારંભ યોજવો એ જુદી વાત છે. અહીં તો બધું જ જાતે કરવાનું. માંડવો બાંધવાનો પણ અમારે ને છોડવા પણ અમારે. ભાડે હૉલ રાખ્યો હોય તો સમારંભ પહેલાં ખુરશીઓ પણ અમારે ગોઠવવાની ને એને અમારે જ ઉઠાવવાની અને હૉલ સાફસૂફ કરીને સુપરત કરવાનો. એ મિત્રનો ચારેક દિવસ પછી ફોન આવ્યો ને ફોન પર સહજ પુછાઈ ગયું. “થાક ઊતર્યો કે નહીં?” કોણ જાણે કે કેમ મારા જ શબ્દો મારા કાનમાં રમવા માંડ્યા અને એમાંથી એક ગીત મળી ગયું — જેને આમ જોઈએ તો સમારંભ સાથે કંઈ લેવાદેવા નથી. ગીતનો ઉપાડ આ રહ્યો:
આપણે સાથે રહ્યાં થાક ઊતર્યો કે નહીં?
જળ ઝાઝાં વહ્યાં થાક ઊતર્યો કે નહીં?
આવી જ રીતે એક બહેનપણી સાથે હું વાતો કરતી હતી. વાતમાંથી વાત નીકળી અને મેં કહ્યું કે જો સતત કોઈના ઇશારે નાચવું પડે અને આમ રોજ સાથે રહેવાનું હોય તો ફાવે નહીં. આ વીતચીતની છટા અને ગીતની છટા થઈ ગઈ. એમાં નારી-સ્વાતંત્ર્યની વાત ગૂંથાઈ ગઈ.
રોજ સાથે રહેવાનું હોય તો ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું.
—કોઈ એના ઇશારે નચાવે નહીં.
હું તો ડાળી પર કળી થઈ ઝૂલતી રહું:
મને ફૂલદાની હંમેશાં નાની લાગે,
પળપળનો સાથ ને યુગયુગની વાત
મને જુઠ્ઠી અને આસમાની લાગે,
રોજ રોજ ગળપણ ખાવાનું હોય
તો એવું એ સગપણ પણ ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું
—કોઈ એના ઇશારે નચાવે નહીં.
અહીંની પ્રકૃતિ જોતાં જોતાં આંખ સામે દેખાય છે નરી રંગલીલા. આવી રંગલીલા જોઉં છું ત્યારે એક ક્ષણ આખું અસ્તિત્વ પીંછી થઈ જાય છે અને ગીતનો લય કેવળ રંગને વહેતો કરે છે. આવું એક દૃશ્ય જોયું હતું. એ દૃશ્ય કેમે કરીને આંખ સામેથી ખસે નહીં. આકાશનો ભૂરો રંગ, ફૂલનો લાલ રંગ, શ્યામલ રાત, જોયેલી શ્વેત નૌકા, ઊગતો ચંદ્ર — આ બધું કલમને ગીતની ગતિ તરફ પ્રેરવા માટે પૂરતું હતું.
હું પણ મને ઘણી વાર પૂછું છું કે આ ગીત આવે છે ક્યાંથી? જવાબ મળે છે તોય સવાલ તો એ જ રહે છે. ગીતની વિભાવનાના કેટલાંક ગીત છે. કોઈક ગીત તો ગઝલની નજીક સરી જાય એવું.
ક્યાંક નહોતું ને આવ્યું ક્યાંથી? જાણે કે એ અદીઠ સંગાથી, લયમાં રણકે લયમાં ઝણકે સણકે કોઈની સાવ સનાતન પ્રીત
શબ્દને પાંખ ફૂટી ને ગીત થઈ ગયું.
લયમાં લીધો મેં ઘૂંટી ને ગીત થઈ ગયું.
મારામાં એકીસાથે બે લાગણીઓ સામસામે ટકરાય છે. પ્રેમ આગળ વિવશ થાઉં છું એ કબૂલ પણ હું સ્વતંત્ર નારી છું અને મારી સ્ત્રી તરીકેની અસ્મિતા વિલોપવા નથી માગતી એ પણ દીવા જેવી ચોખ્ખી વાત છે. આવા કોઈ મંથનમાંથી એક ગીત મળ્યું છે. ગીતમાં બુદ્ધિ જેવો શબ્દ નભે કે નહીં એ મને ખબર નથી. મને તો એટલી જ ખબર છે કે મારે જે કહેવું છે એ હું કદાચ કહી શકી છું.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
માપસર બોલવાનું, માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું, માપસર ઓઢવાનું, માપસર પોઢવાનું,
માપસર હળવાનું, માપસર ભળવાનું,
આવું હળવાનું, ભળવાનું, માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.
આમ તો ગીત અનાયાસે આવે છે એ હકીકત છે પણ ક્યારેક મેં સભાન પ્રયાસ પણ કર્યો છે. આ પ્રયાસને કવિકર્મ જેવું મોટું નામ ન આપું પણ જે કર્યું છે એને ઉલ્લેખું તો ખરી. ઉપરની પંક્તિઓને એવી રીતે ઢાળી છે જાણે કે સ્ત્રીની આસપાસ ગોઠવાયેલા માપસરના સળિયા ન હોય!
જીવનમાં માણસ ક્યારેક point of no returnની પરિસ્થિતિ પર પહોંચતો હોય છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિનો મુકાબલો કરવો પડે છે ત્યારે મને મનસુખલાલ ઝવેરીનું એક મુક્તક યાદ આવે છે:
જિંદગી! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત!
એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો!
ના, ગણિત શાની?
ગણિતમાં આંકડા ભૂંસી રકમ પાછી ખરી માંડી શકાય,
જિંદગીમાં એ ક્યહીં?
પણ આ તો થઈ મનસુખભાઈની કવિતા. પરિસ્થિતિ તો દરેક મનુષ્યે પોતે જ વેઠવી રહી. મને મારી પરિસ્થિતિમાંથી આવું એક ગીત મળ્યું:
કેવી મોટી ભૂલ કરીને અરે, આપણે બેઠાં
ઊંચે ઊંચે જઈ ન શકીએ.
નહીં ઊતરી શકીએ હેઠાં.
એક વાર ઝાડની છાયામાં ફેલાયેલા તડકાને જોયો. મનમાં સ્હેજ વિચાર આવ્યો. આ તડકો કદી એની ચાંદનીને મળી શકશે ખરો? ન મળવાનું દુઃખ હોય છે અને પામવા માટેની મથામણનો — ભલે એ નિષ્ફળ હોય તોપણ — કદીક આનંદ હોય છે. આવા વિચારમાંથી ગીતે ક્યારે ભાવલયનું સ્વરૂપ લઈ લીધું એ તો જાણું છું તોપણ પૂરેપૂરું જાણતી નથી:
ચાંદનીનાં ગીતો ગાતો ગાતો તડકો સૂતો ઝાડની તળે
ભરસાવનમાં ન્હાતો ન્હાતો તડકો સૂતો ઝાડની તળે.
એક દિવસ એમ થઈ આવ્યું કે પ્રેમનાં, આનંદનાં, વિષાદનાં રાધાકૃષ્ણનાં એવાં ગીતો તો લખીએ છીએ, પણ આધુનિક જીવનની વિષમતાનું ગીત થઈ શકે કે નહીં? ઝાડપાન ઉછેરવા એ મારો કવિતા અને સંગીત પછીનો બીજો શોખ છે. ઝાડને ખુલ્લામાં જોઈએ એ સહજ લાગે પણ ડ્રૉઇંગ રૂમમાં જોઈએ તો એ ફર્નિચરનો ભાગ લાગે. આ ગીત લખતાં લખતાં એવું પણ થયું કે ડ્રૉઇંગરૂમમાં પ્લાન્ટ છે તે અને અહીં આપણે ગોઠવાયા છીએ તે બન્નેમાં વૈષમ્યની વચ્ચે પણ કેટલું બધું સામ્ય છે!
સાવ પરાયા પરદેશી હોય
એમ ઊભાં છે ઝાડ
જીવવા માટે આપણા જેવી
કરી દીધી તડજોડ
રાજેન્દ્ર શાહનું “કેવડિયાનો કાંટો” એક જમાનામાં ખૂબ સ્પર્શી ગયેલું ગીત. એનો લય લોહીમાં રમતો હતો. આ લય જ મારી પાસે અાવી પંક્તિ લખાવી ગયોઃ
દુઃખના દિવસો વહી ગયા ને સુખના દિવસો આવ્યા રે,
એક આકાશ એવું ઊગ્યું કે ક્યાંય નહીં પડછાયા રે.
મારા અછાંદસ કાવ્યમાં આવો ભાવ અનેક વાર ઘૂંટાયો છે. મારા બીજા કાવ્યસંગ્રહ “ફિલાડેલ્ફિયા”માં Home sickness નામનું કાવ્ય છે. એની કેટલીક પંક્તિઓ અહીં ટાંકું છું:
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમથી રંગાઈ જાય છે
ત્યારે મારું મન કેસૂડે મોહે છે.
ગ્રીષ્મના ગુલાબ ધરા પર પોતાના બિસ્તરા બિછાવી દે છે ત્યાં
હું ગુલમહોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું.
{{Poem2Open} આવો જ ભાવ અહીં ગીતને રૂપે આવ્યો છે:
ફિલાડેલ્ફિયામાં ડહેલિયા અઝોલિયા,
ગુલમહોર ને રાતરાણી મળતાં નથી.
મેપલ ને બીચનાં ઊભાં છે ઝાડ,
મને ચંપો ચમેલી અહીં મળતાં નથી.
કેટલાક માણસો નસીબદાર હોય છે કે એમની પાસે જીવનનો સ્પષ્ટ અભિગમ હોય છે. હું એવો તો દાવો નહીં કરું. કોઈક વાર મનની એવી અવસ્થા હોય છે કે “જે જે થયો પ્રાપ્ત ઉપાધિયોગ, બની રહો તે સમાધિયોગ” (ઉમાશંકર). મનની આવી અવસ્થામાં સુરેશ દલાલની એક પંક્તિ યાદ આવી. બીજી પંક્તિ તો કેમે કરીને યાદ નહોતી આવતી. યાદ આવી એ પંક્તિ હતી: આવે તેને આવવા દઉં જાય તેને નહીં રોકું. પંક્તિનું આ લયસૂત્ર બંધાઈ ગયું અને જીવનના અભિગમને પ્રગટ કરતું એક ગીત મળ્યું:
મળ્યું એટલું માણી લેવું નહીં હરખ કે શોક,
નહીં રાવ કે ફરિયાદ કશીયે નહીં રોક કે ટોક.
અમેરિકામાં હજીયે એવા માણસો છે કે જેમની ભાષામાં સૌરાષ્ટ્રની તળપદી બોલીનો સ્વાદ હોય. આવું સાંભળીએ ત્યારે ગમે છે. અંગ્રેજી બોલી બોલીને અને અંગ્રેજી સાંભળી સાંભળીને જીભ અને કાન બન્ને થાકી ગયાં હોય છે. પ્રસન્ન દામ્પત્યની પરાકાષ્ઠા હોય એવા યુગલને જોઉં છું ત્યારે મનને રાજીપો થાય છે. લોકોની વચ્ચે પણ આ યુગલ આંખથી વાતચીત કરી લે. આવા વાતાવરણમાં તદ્દન અંગત બેચાર યુગલો હતાં ત્યારે પુરુષે પોતાની પત્નીને કહ્યું: આંખને સખણી રાખો.” સુન્દરમ્ની પંક્તિ યાદ તો હતી જ: “બધું છૂપે, છૂપે નહીં નયન ક્યારે પ્રણયનાં.” મારો રસ સુન્દરમ્ની પંક્તિમાં નહોતો. પણ “આંખને સખણી રાખો”નો લહેકો બહુ ગમ્યો. “થાક ઊતર્યો કે નહીં.” ગીત જેમ સારા શબ્દોમાંથી મળ્યું તેમ આ મને કોઈના શબ્દોમાંથી મળ્યું:
મને સાહ્યબાએ દીધી શિખામણ
કે આંખ તમે સખણી રાખો.
બાઈ પન્ના કહે નટવર નાગર
પન્નાને દેશો નહીં ગાળ
કાન એ કવિની મહામૂલી મૂડી છે.
મીરાંના પ્રસિદ્ધ ગીત, “સાંઈ મેં તો પકડી આંબલિયાની ડાળ” પરથી મેં આધુનિક વિષમતાનું ગીત કર્યું. એનો લગભગ અસલ ઢાંચો જાળવીને:
મેં તો પકડી બાવળિયાની ડાળ
આંબલિયો મળતો નથી
મારગને જોઈ જોઈ આંખો કંગાળ
શામળિયો ઢળતો નથી.
આ બધું લખું છું ત્યારે લખતાં લખતાં એક બીજી વાત પણ કહી દઉં. વિચાર આવ્યો કે પ્રેમાનંદના આખ્યાનના ઢાળમાં કશું કરાય કે નહીં? એમાં જે મળ્યું તે આ:
એક ઘડી હરિ આવો આમ દર્શન અમને દિયો શ્યામ
ગામ આખામાં લાજી મરું હરિ હરિ કરતી ફરતી ફરું.
અમને અહીં કોઈ વ્યથા નથી કહેવા જેવી કોઈ કથા નથી
નાયક પન્ના કહેતી એમ પ્રેમ થયો બસ એમ ને એમ.
ઘાનાં છમકલાં કે છાનાં છાનાં છમકલાં — આવાં શબ્દજોડકાંઓ આવે છે ત્યારે મારે એટલો જ એકરાર કરવાનો કે કલમ આદતસે મજબૂર અને આવી મજબૂરી એ કદાચ દરેકને ભાગે આવતો શાપ છે.
દુઃખમાંથી સુખ શોધી શકું એટલી ભાગ્યવાન નથી એવી વાત ગુંજી છે, પણ કવિતાએ મને જે સુખ આપ્યું છે એવું સુખ મને ક્યાંય મળ્યું નથી. મને કવિતા મળી એ મારું પરમ ભાગ્ય છે.