ઋણાનુબંધ/૪. મધર ટેરેસા — મારા જીવનની આદર્શ વ્યક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪. મધર ટેરેસા — મારા જીવનની આદર્શ વ્યક્તિ|}} {{Poem2Open}} મધર ટેરેસ...")
(No difference)

Revision as of 12:55, 19 April 2022

૪. મધર ટેરેસા — મારા જીવનની આદર્શ વ્યક્તિ


મધર ટેરેસા (૧૯૧૦-૧૯૯૭) એ મારા જીવનની આદર્શ વ્યક્તિ છે. એમને વિશે મેં ઘણું સાંભળ્યું હતું, વાંચ્યું હતું. સદ્ભાગ્યે એમને રૂબરૂ મળવાનું પણ થયેલું. અમેરિકાના ફિલાડેલ્ફિયા શહેરમાં જ્યાં હું રહું છું ત્યાં એમની સંસ્થા “સિસ્ટર્સ ઑફ ચેરિટી”ના એક સેન્ટરનું ઉદ્ઘાટન કરવા મધર આવેલા. પોતે એક વિશ્વવિભૂતિ છે એવા કોઈ આડંબર વિના ત્યાં ભેગા થયેલા લોકો સાથે વહાલથી હળ્યાંમળ્યાં. કેથોલિક સંપ્રદાયની એક અદ્ભુત પ્રથા મુજબ એમણે આવેલા લોકોના પગ પણ ધોયા! મને કહ્યું કે મારે તારા પગ ધોવા છે! મેં થોડી આનાકાની કરી. આવી સંત સમાન નિર્મળ વ્યકિત મારા જેવી સાધારણ સ્ત્રીના પગ ધુએ? ભારતીય પ્રણાલી મુજબ તો મારે તેમના પગે પડવું જોઈએ અને એમના પગ ધોવા જોઈએ. મધર માને તો ને? એમણે આગ્રહ કરી મારા પગ પાણીમાં બોળાવ્યા. મારી આંખોમાંથી આંસુની ધાર શરૂ થઈ. મધરે મારા ગાલ અને વાંસા પર વહાલનો હાથ ફેરવ્યો. આજે પચાસ વરસે પણ એ વાત્સલ્યભર્યો હાથ, એ અપાર કરુણાભર્યો ચહેરો, એમનું આખુંયે નિર્મળ વ્યક્તિત્વ હજી ગઈ કાલે જ એમને મળી હોઉં એવું મનમાં તાજું છે.

મધર ટરેસા વિશે જો કોઈ એક વસ્તુની મારા મનમાં વધુમાં વધુ છાપ પડી હોય તો કોઈ પણ ભેદભાવ વિના નિર્વ્યાજ સેવા કરવાની એમની વૃત્તિની. એમને મન માણસ એ જ મોટી વસ્તુ હતી — न मानुशात् श्रेष्ठतरं ही किंचित. કાળો કે ધોળો, રંક કે રાજવી, સુખિયો કે દુઃખિયો, નાનો કે મોટો, સ્ત્રી કે પુરુષ એવા કોઈ ભેદભાવ એમને નહોતા. પણ જે નિરાધાર છે, જેનું કોઈ જ નથી, સાવ અનાથ છે, તેવા દુભાયેલા લોકો માટે એમના હૃદયમાં વિશિષ્ટ સ્થાન હતું. એમણે પોતાનું સમસ્ત અસ્તિત્વ — જીવન, વ્યક્તિત્વ — દુનિયાભરના આવા અનાથ, કંગાળ, ગરીબ ગુરબા, દુઃખી અને રક્તપિત્તિયાની નિર્વ્યાજ સેવામાં જે રીતે ઓગાળી દીધું હતું તે મારે માટે હજી પણ મોટી અજાયબીની વાત છે.

મધરનો હું જ્યારે પણ વિચાર કરું છું ત્યારે મને ભારતના એક સંપન્ન સન્નારીની યાદ આવે છે. અમેરિકાની કોઈ મોટી યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રની ઊંચી ડીગ્રી લઈ આવેલા. ગામડાંઓની, ખાસ કરીને ગરીબ લોકોની સેવા કરવાની એમને ધગશ ઘણી. ગામડાંઓની દુર્દશા કેમ દૂર કરવી એ વિશે ચિંતનપ્રધાન લેખો લખે. દુનિયા ભમે. જોરદાર ભાષણો આપે. મોટા ઘરની દીકરી આમ ગામડાંઓમાં જઈને સેવા કરે એ હકીકતની બધે નોંધ લેવાઈ. સમાજમાં એક સેવાભાવી ગ્રામસેવક તરીકેની એમની આબરૂ બંધાયેલી. આ બહેન ગામડાંઓમાં નિયમિત જાય. જોકે જ્યારે જાય, ત્યારે પોતાની ગાડીમાં જ જાય. ગામડિયાઓથી ભરેલ ખખડધજ અને ગંદી અને ગંધાતી બસમાં એમને ન ફાવે! ત્યાં માખીઓ બણબણતી હોય, પાનની પિચકારીઓ ઊડતી હોય. ખીચોખીચ ગિરદીમાં એમની સાડી ચોળાઈ જાય! કહેતા કે એમનો મૂડ ખરાબ થઈ જાય. સેવા કરવા જાય ત્યાં એમને સારા મૂડમાં પહોંચવું હતું.

મને હંમેશ થતું કે આ સદ્ભાવી બહેન શું ખરેખર ગામડાંઓની દુર્દશા સમજી શકતાં હશે? હું એમના સેવાભાવી સ્વભાવ અને ગ્રામસુધારાના એ જે પ્રયત્નો કરતા હતા તેને આદરથી જોતી. પણ એમના આ પ્રયત્નોથી ગામડાંઓની પરિસ્થિતિ બહુ સુધરે એવી શક્યતા મને દેખાતી નહોતી. હા, પોતે સેવાનું મોટું કામ કરી રહ્યા છે તેનો એમને આત્મસંતોષ જરૂર. પાર્ટીઓમાં જતા ત્યાં મિત્રો અને સગાંવહાલાંઓની પાસે પહોળા થઈને ગામડાંઓમાં જઈને સેવા કરવાની જે રીતે વાતો કરતા તેમાં એમને જીવનનું એક મિશન મળી ગયું હોય એની ધન્યતાનો ભાવ એમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો.

જેવું આ સન્નારીનું એવું જ દેશના બીજા અનેક સેવાભાવી ધનિક લોકોનું. પરદેશથી, ખાસ કરીને યુરોપ-અમેરિકાથી આવતા પરગજુ લોકોનું પણ આવું જ. એમને ગરીબ લોકોની સહાય જરૂર કરવી છે, પણ દૂર રહીને, ગરીબો સાથે આત્મસાત થઈને નહીં. આ સેવાભાવી લોકો ભલે ગામડાંઓમાં જાય અથવા મોટાં શહેરોના સ્લમ વિસ્તારમાં જાય, પણ સાંજના પાછા એમના સુખાવળા માળામાં આવીને ભરાઈ જાય. એમનો શોફર આવીને ઊભો જ હોય. એ એમને કામ પત્યે અદ્યતન સુખસગવડતાવાળા એરકન્ડિશન્ડ ઘરે અથવા તો ફાઇવ સ્ટાર હોટેલમાં લઈ જાય. આ વાત કરવામાં મારો આશય એમની સેવાવૃત્તિની અવગણના કરવાનો નથી, પણ એટલું જ કહેવાનો છે કે ગરીબ ગુરબાઓની સેવા આમ ન થાય. કારણ કે ગરીબોનાં અસાધારણ દુઃખ, વ્યથા અને હાડમારી ત્યારે જ સમજાય જ્યારે એ એમની સાથે એમના જેવા જ સંજોગોમાં રહે, એકબે દિવસ માટે નહીં, પણ જિંદગીભર.

આ હતો મધરનો કીમિયો. અહીં આપણને મધરનું મહત્ત્વ સમજાય. એમને સમજાયું કે જો ગરીબોની સેવા કરવી હોય તો ગરીબોની સાથે જ રહેવું જોઈએ. ૧૯૪૬ સુધી તો એ કોન્વેન્ટના શાંત અને વ્યવસ્થિત વાતાવરણમાં રહેતા હતા જ્યાં જીવનની બધી જરૂરિયાતોની સંભાળ લેવાતી. એક વાર કલકત્તાથી દાર્જીલિંગ જતા એમને એકાએક જ સૂઝ્યું કે “I was to leave the convent and help the poor while living among them…” આ વાત ઉપર એમણે કૉન્વેન્ટ છોડી અને કલકત્તાના કંગાળ લોકોની સાથે એમની જેમ જ રહેવાનું શરૂ કર્યું. હવે એમને ખરેખર ખબર પડી કે કલકત્તામાં ગરીબ હોવું એટલે શું, અને એમને કેવી કેવી હાડમારી સહન કરવી પડે છે?! “The poverty of the poor must be so hard for them. While looking for a home I walked and walked till my arms and legs ached. I thought how much they must ache in body and soul, looking for a home, food and health.”

ગરીબો સાથે રહેતા એમને ખબર પડી કે ગરીબો કેવી હાડમારી સહન કરે છે. એમને આ બધું સહન કરતાં ઘણી વાર થયું કે ચાલ, પાછી કોન્વેટમાં પાછી ચાલી જાઉં. પણ મન મક્કમ કરીને મધર ગરીબો સાથે જ રહ્યાં. એ જ્યારે ગરીબોનાં દુઃખોની વાત કરે, કે રક્તપિત્તિયાઓની અસહાયતાની વાત કરે ત્યારે પોથીમાંનાં રીંગણાંની વાત નહોતાં કરતાં. જાતઅનુભવની વાત કરતા. એટલા માટે જ એમનું જીવન મારે માટે આદર્શ બની રહ્યું છે. પોતે મૂળ આલ્બેનિયાના. બંગાળમાં જઈને એમને લોકસેવા કરવી હતી તેથી ઇંગ્લિશ શીખવાની જરૂર હતી. એ માટે આયર્લેન્ડ ગયા. અઢાર વરસની કુમળી વયે આમ એમણે ઘર છોડ્યું. એ પછી એમણે મીઠી મા કે વહાલસોયી બહેનનું મોઢું ક્યારેય જોયું નહોતું! દેશમાં આવ્યા ત્યારે સ્કૂલમાં ભણાવવાનું શરૂ કર્યું, પણ બંગાળના ભયંકર દુકાળમાં અને કોમી હુલ્લડોમાં ગરીબોની જે અવદશા થઈ તે એમનાથી જોવાઈ નહીં. ખાસ કરીને રક્તપિત્ત અને બીજા જીવલેણ દર્દોથી પીડાતા અને મરવા પડેલા અનાથ લોકોની શુશ્રૂષા કરવાની એમને તીવ્ર ઝંખના થઈ. એ માટે પૂરતા સજ્જ થવા એમણે પટના જઈ જરૂરી મેડીકલ ટ્રેનીંગ લીધી. આમ એમનું મહાન જીવનકર્મ શરૂ થયું. આ હતા મધરના “street creds.”

કલકત્તામાં માત્ર તેર જ સાથીઓના સહકારથી શરૂ થયેલું એમનું મિશન આજે દુનિયાના અનેક દેશોમાં લોકસેવાનું કામ કરી રહ્યું છે. લગભગ ૪૦૦૦ જેટલી સિસ્ટર્સ એમાં જોડાયેલી છે. આ સિસ્ટર્સ નિરાશ્રિતો, અપંગો, અંધજનો, વૃદ્ધો, ગરીબો, ઘરબાર વગરના રખડતા લોકો, દારૂડિયાઓ, દુકાળ કે કુદરતી હોનારતોનો ભોગ બનેલા લોકો — આમ અસંખ્ય લોકોની નિઃસ્વાર્થ સેવા અને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સારવાર કરે છે. હું જ્યારે મારી અહીંતહીંની નાનીમોટી અગવડતાનું પેટ ચોળીને દુઃખ ઊભું કરું છું ત્યારે આ બધી સિસ્ટર્સ અને એમની પ્રેરણામૂર્તિ મધરને યાદ કરું છું. થાય છે કે એમના મહાન ત્યાગ અને બલિદાનનો હું ક્યારે દાખલો લઈશ? હું ક્યારે મારા ક્ષલ્લુક જીવનની આળપંપાળ છોડી આજુબાજુ અને દૂરના લોકોનો વિચાર કરીશ? લોકો જે અસહ્ય દુઃખો વેઠે છે તેમાં સહાય કરવા હું ક્યારે તૈયાર થઈશ? અને એકાએક મારી આંખમાંથી આંસુની ધાર વહેવી શરૂ થાય છે.