ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/નિર્જનતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} ઘણા સમય પછી સરિતા હળવાશ અનુભવતી હતી. નીતિ અને ગટ્ટુ સરિતાના દ...")
(No difference)

Revision as of 10:28, 18 June 2021

ઘણા સમય પછી સરિતા હળવાશ અનુભવતી હતી.

નીતિ અને ગટ્ટુ સરિતાના દિયર રમેશ સાથે ગામ ગયાં. આજે સવારે સરિતા એ લોકોને બસસ્ટેશન પર મૂકી આવી. રમેશ સાથે છે એટલે ચિંતા નથી. રમેશ અહીં રહીને ભણે છે; એટલે એની સાથે ભળી ગયાં છે. સારું થયું. એ લોકોને પણ હવાફેરની જરૂર હતી. આ પરીક્ષાનું દબાણ પણ કેટલું બધું હોય છે! નીતિ બાર વર્ષની છે તોયે બધું સમજે છે. ગટ્ટુ તો નાનકડો છે.

‘મમ્મી, તું શું કરશે?’

ગટ્ટુએ કાલ રાતે પૂછ્યું હતું. ગામ જવાના ઉત્સાહમાં મમ્મી અહીં એકલી થઈ જશે એ વાત અચાનક એને યાદ આવી હતી.

‘હું શું કરીશ?’ સરિતા જાણે યાદ કરવા લાગી. ‘હા ગટ્ટુ, હું તો મજા કરીશ… દરરોજ નવી નવી ફિલ્મ જોવા જઈશ ઝૂમાં જઈશ નીતિ નહીં હોય એટલે સવારે દૂધની બૉટલ લેવા જઈશ..!’

ગટ્ટુ હસવા લાગ્યો. નીતિ ગંભીરતાથી મમ્મી સામે જોઈ રહી હતી. એ કશું બોલી નહીં, પણ સરિતા સમજી ગઈ. મમ્મી એકલી થઈ જશે અને એને ગમશે નહીં એવું નીતિ વિચારતી હતી.

તોપણ સરિતાને આ ફેરફાર ગમ્યો હતો. પોતે પણ થોડા સમય માટે મુક્ત રહી શકશે. ઘણા સમયથી મિત્રોને મળી નથી. એ બધાને ઘેર જઈ આવશે. ખરીદી કરવા જશે. લાઇબ્રેરીમાં જવું હશે તો જઈ શકશે. કદાચ વેકેશનમાં સંગીતક્લાસમાં પણ જોડાઈ જાય… સમય ઘણો મળશે.

સરિતા અરીસા સામે આવીને ઊભી.

એના છૂટા વાળ ખભા પર આગળ પડડ્યા હતા. ચહેરો એકદમ સ્વચ્છ લાગતો હતો – હમણાં જ રડી લીધું હોય તેવો! સરિતાને ઘણી વાર પોતાના ચહેરા પર સતત હાજર રહેતી ઉદાસીની છાયાઓ ગમતી નથી. બીજા કોઈએ એને કહ્યું નથી, એણે પોતે જ એવું અનુભવ્યું છે કે એની આંખોમાં હંમેશાં વિષાદનો ભાવ રહેલો હોય છે.

કદાચ એવું ન પણ હોય. એવું હોવું જોઈએ એવી સ્થિતિ છે એટલે એ એવું વિચારતી હોય! એ પૂછે પણ કોને? સામેથી આવીને એની આંખો વિશે હવે કોઈ વાત કરે નહીં અને સરિતા પોતે તો કોઈને પૂછી જ કેમ શકે?

બીજું શું શું હતું આ ચહેરામાં? એ ધ્યાનથી જોવા લાગી. સફેદ, લિસ્સી, સુંદર ચામડી પર, આંખ નીચે કાળી રેખાઓ ઊઠવા લાગી હતી. મોટું કપાળ અને ભ્રમર જરા ઘાટી થઈ ગઈ છે. જવાશે તો બ્યુટીપાર્લરમાં જઈ આવશે.

પણ –

જવાય? જવું જોઈએ? ભ્રમર વધારે ઘાટી થઈ જાય, ચામડી પર રુવાંટી વધી જાય, વાળ આડેધડ વધે શો ફરક પડવાનો હતો? થોડાં વર્ષો સુંદરતા સાથે જીવી લીધું એ પૂરતું નથી? છતાં એ પોતાની સ્થિતિ વિશે સભાનતા ન બતાવીને પણ વર્તમાનમાં ટકી રહેવાની કોશિશમાં તો છે જ.

એ અરીસા સામેથી ખસી ગઈ અને પલંગ પર બેઠી. અચાનક થાક કેમ લાગ્યો? થોડી વાર પહેલાંની પેલી હળવાશ ક્યાં ગઈ? સરિતાએ માથું ઝાટકીને અંદર ભરાતા ધુમાડાને દૂર હડસેલી નાખવાનો પ્રયાસ કર્યો અને ઊભી થઈ ગઈ. કશુંક કરું. ઘણા સમય પછી ઇચ્છેલી હળવાશ અને નિરાંત મળી છે. નીતિ-ગટ્ટુ નથી એટલે સમય પણ પુષ્કળ મળશે. કશી જ ઉતાવળ નહીં હોય. સાંજે દોડતી દોડતી આવીને રસોઈ બનાવવાની પણ જરૂર નહીં. એવું લાગશે તો બહાર જમી લેશે. સવારે ઊઠવાની પણ ઉતાવળ નથી. દૂધની બૉટલ લાવીને પાછી સૂઈ જશે. પાણી તો ભરી લેવાશે. આરામથી, શરીર ફેલાવીને હિલસ્ટેશન પર ફરવા આવી હોય એમ સરિતા પોતાના આ નિરાંતના દિવસો પસાર કરશે.

ડૉરબેલ વાગ્યો. વાસંતી આવી. એ પચાસ નંબરમાં રહેતી હતી.

‘શું કરે છે, સરિતા?’

‘બસ.’ બે હાથ પહોળા કરીને સરિતાએ મોકળાશ વ્યક્ત કરી.

‘નીતિ-ગટ્ટુ ગયાં?’

‘હા.. આજે સવારે જ ગયાં…’

‘રમેશ સાથે છે એટલું સારું છે.’

‘હા… ત્યાં તો દાદી અને દાદાજી પણ છે; એટલે એ લોકોને મજા આવશે.’

‘તું શું કરીશ?’

‘હું પણ મજા કરીશ…!’

વાસંતી કશાક વિચાર સાથે સરિતા સામે જોવા લાગી. પછી કંઈ બોલી નહીં. સરિતાને પણ લાગ્યું કે વાસંતી કોઈ વિચાર સાથે ઊભી છે. એણે વાસંતીને પૂછી લીધું.

‘શું વિચારે છે, વાસંતી?’

‘કંઈ નહીં, મને તારો વિચાર આવી ગયો.’

‘ઈર્ષ્યા આવે છે મારી? હું કેવી આઝાદ લાગતી હોઈશ અત્યારે! તારાં ઈવા-દીપ તો વેકેશનમાં દોડાદોડી કરીને તેને થકવી નાખશે! તારે બહાર નીકળવું હોય તોયે ચિંતા. મેં તો નક્કી કર્યું છે કે આરામથી રહીશ. છૂટથી હરવા-ફરવાની છું. રસોઈ બનાવવાની નથી. ઇચ્છા થશે તો તારી પાસે આવીને જમી લઈશ!’

વાસંતીએ કશો જ પ્રતિભાવ ન આપ્યો, પણ તરત જ ગંભીરતા ઓછી કરી નાખી. સરિતા આ રીતે હળવી થવા માગતી હતી અને ખરેખર એવું થઈ શકે તો બહુ સારું. એ એના મનના દબાણમાંથી જરા સમય માટે પણ છૂટી થઈ શકે તો વાસંતીને ખૂબ ગમશે. એને લાગ્યું કે સરિતા પોતે પણ એ વિશે સક્રિય હતી.

નહીં તો – ચાર વર્ષ થયાં…

વાસંતી ઊભી થઈ ગઈ.

‘ચાલ… જાઉં અને તું તારી મજાને માણ… મારા માટે તો ત્યાં બધું તૈયાર ઊભું જ છે. ઓછામાં પૂરું મારાં સાસુ-સસરા પણ મુંબઈથી ફરવા આવે છે!’

‘ઓહ… કૉન્સોલેશન, વાસંતી…’

બંને ખડખડાટ હસ્યાં અને વાસંતી ગઈ.

દરવાજો બંધ કરીને સરિતા દીવાનખંડમાં પાછી ફરી. વાસંતી સાથે વાત કરતી વખતે સરિતાને હંમેશાં એક વાતનો ડર લાગે છે. સરિતા સરળ, સીધી અને સાદી વાત કહેતી હોય, પણ વાસંતીની આંખમાંથી વ્યક્ત થતી સમજ સરિતાને ખળભળાવી નાખે છે. વાસંતી સામે કશું જ છુપાવી નહીં શકાય એવો ભય લાગે છે. નીતિની આંખમાં પણ એ વાત આવતી-જતી સરિતાએ જોઈ છે અને એ વાતની એને ચિંતા છે. સરિતા જેટલું બતાવવા માગતી હોય એટલું જ બીજાઓ જોઈ શકે. એથી વધારે અંદરનાં દૃશ્યો જોઈ લેવાની ટેવ નીતિને જો પડી ગઈ તો –

કેટલા વાગ્યા? ચાર થયા લાગે છે…

આજે બપોરે લાંબી ઊંઘ થઈ ગઈ. સરિતાને બપોરે ઊંઘવાની ટેવ નથી, એવો સમય પણ નથી મળતો. પણ આજે વાંચતી હતી અને ઊંઘ આવી ગઈ. એથી ચોમાસાના દિવસોમાં આવે તેવી બટાઈ ગયેલી વાસ જેવી લાગણી અંદર થયા કરે છે.

તો – હવે શું કરું?

આજથી જ બહાર નીકળવાની શરૂઆત કરું. ચંદ્રાને ઘેર જઈ આવું. ઘણા સમયથી ગઈ નથી. પણ એ ત્યાં પહોંચે તે સમયે જ પરીખનો ઘેર આવવાનો સમય થયો હોય. કદાચ ચંદ્રા અને પરીખનો સાથે બહાર જવાનો કાર્યક્રમ પણ હોય તો? સુમીના કોઈ સમાચાર નથી. છેલ્લે મળી ત્યારે કહેતી હતી કે કૉલેજ સમયનો એનો ફ્રેન્ડ નિખિલ પાછો શહેરમાં આવ્યો છે અને સુમીને એણે ફોન કર્યો હતો. સુમી કહેતી હતી – સારું થયું કે નીરવ અંદરના કમરામાં હતો… નહીં તો? પછી ઉમેર્યું હતું પણ મળવા જવું પડશે, સરિતા…

સુમી કદાચ એના જૂના પ્રેમીને મળવા ગઈ હોય. નીરવને એવું કહ્યું હોય કે હું સરિતા પાસે જાઉં છું! સરિતા સુમીને ઘેર પહોંચે!

સરિતાને હસવું આવી ગયું. હસતાં હસતાં જ અરીસા સામે જોવાઈ ગયું. એકલી એકલી હસતી હતી તે જોઈને મનમાં ભોંઠપ જેવું પણ થયું. ઘરમાં અરીસો હોવો જ ન જોઈએ. હસતાં કે રડતાં એ પકડી જ પાડે છે અને જરાય એકાંત નથી મળતું, જાણે સતત કોઈ ચોકી કરી રહ્યું છે!

હવે! શું કરવું જોઈએ?

ઊંડા વિચારમાં હોય એમ, બે હાથ પાછળ રાખીને સરિતા આંટા લગાવવા લાગી. ઘરમાં તો નથી જ રહેવું, બહાર નીકળી જવું છે, સાંજની રસોઈ પણ નથી બનાવવી. એક કમરામાંથી બીજા કમરામાં ગઈ. વરંડામાં ગઈ. ત્યાંથી પાછી દીવાનખંડમાં આવી. ચાલવું ગમી રહ્યું હતું. પછી તો ચાલતાં ચાલતાં ઘરની વસ્તુઓ પર નજર પડવા લાગી. દીવાનખંડ નાનો હતો, પણ આકર્ષક રીતે સજાવ્યો હતો. દીવાન પરનું આ ચિત્ર ક્યાંથી લીધું હતું? હા… ઉદયપુરથી…

સરિતાએ ઝડપથી એ વિચાર ફેંકી દીધો. બારી પાસે આવીને ઊભી. અંદર કશુંક બુઝાયું. શું થયું તે સમજાયું નહીં, પણ અંદર અંધકાર થવાની શરૂઆત થવા માંડી કે શું? બારી બહારના તડકામાં સાડાચાર-પાંચ વાગ્યા હતા અને મનમાં અંધારી સાંજ નમી આવી.

સરિતા સૂવાના કમરામાં ગઈ. ખૂણામાં સિતાર પડી હતી. અચાનક સિતાર વગાડવાની ઇચ્છા થઈ આવી. સિતાર લઈને પલંગ પર બેઠી. બધા તાર ઊતરી ગયા હતા. એ તાર મેળવવાની શરૂઆત કરે તે પહેલાં જ એને લાગ્યું કે સાંભળનારાં તો ઊઠીને ચાલતા થઈ ગયા…

ઊતરેલા તાર પર આંગળી ફેરવીને સરિતાએ સિતાર પાછી મૂકી દીધી.

અચાનક એ સજાગ થઈ ગઈ.

બહુ જ ઝડપથી ઘરની બહાર નીકળી જવું જોઈએ. ઘણા સમય પછી મળેલી હળવાશ અને મુક્ત સમયનો પહેલો દિવસ હતો અને સરિતા નિષ્ક્રિયતામાં સરી પડવા માગતી નહોતી.

એણે આજનું છાપું ઉઘાડ્યું. કોઈ જગ્યાએ સારું વ્યાખ્યાન હોય, કોઈ ગોષ્ઠિ હોય, ક્યાંક પ્રદર્શન હોય જ્યાં માણસો અને માણસો હોય એવી કોઈ પણ જગ્યા…

કશું જ નથી… આજે જાણે જાહેરમાં કોઈ જ પ્રવૃત્તિ થવાની નથી. લોકો સરિતાથી રિસાઈ બેઠા લાગે છે… તો શું થયું, સિનેમા તો છે ને? શહેરમાં ચાલતી ફિલ્મોનાં નામો વાંચવા લાગી. ભુલાઈ ગયેલી પરભાષા વર્ષો પછી વાંચતી હોય એવું લાગ્યું! પણ મજા આવી. જાતજાતનાં નામો હતાં. કેટલાંક એક્ટર-ઍક્સેસ પણ નવાં આવી ગયાં હતાં. પણ કઈ ફિલ્મ જોવા જેવી હતી તે નક્કી ન થઈ શક્યું.

– આજે બહાર તો નીકળવું જ છે. પુલ પરથી પસાર થતાં ‘અમૂલ’ની જાહેરાત વાંચીને મનમાં સ્મિત કરવું છે… દબાયેલા પ્રકાશમાં, એરકન્ડિશન્ડ સુગંધમાં પ્રવેશ કરીને ધીરા અવાજે બૅરાને ઑર્ડર આપવાનો છે. કદાચ બનારસી પાન પણ ખાવું છે…

સરિતા પોતે પણ હસી પડી. મજા આવી રહી હતી. આવું વિચારવું ગમતું હતું.

એક નાટકની જાહેરાત પાસે નજર અટકી. આ નાટક… અંગ્રેજીમાંથી રૂપાંતર હતું. હા… આ મૂળ અંગ્રેજી કૃતિ એણે વાંચી છે. ગમશે. આ નાટક જોવા જેવું હશે… સાંજે સાડા છનો શો હતો. સરિતાએ ઘડિયાળમાં જોયું. પહોંચી જવાશે. ટિકિટ તો મળી જ જશે. એ ઊભી થઈ અને ટુવાલ લઈને ઝડપથી બાથરૂમમાં ઘૂસી ગઈ. નહાતાં નહાતાં તો સાવ હળવી થઈ ગઈ. બપોરની ઊંઘનો અવસાદ પણ શાવરનાં પાણીમાં વહી ગયો. એ ગણગણવા માંડી.

સરસ રંગની સાડી કાઢી અને પહેરવા લાગી. ફૅન ચાલતો હતો એટલે પાટલી વળતી નહોતી. એ ખૂણામાં ખસી ગઈ અને સાડીની પાટલી લેવા માંડી. પછી સાડીનો છેડો ખોસીને ડ્રેસિંગ ટેબલ સામે આવી. સ્ટૂલ પર બેઠી. ધીરે ધીરે વાળ ઓળવા લાગી. સાડાછનો શો છે, જરાક ઉતાવળ કરે તો સમયસર પહોંચી જશે. સમય નહીં હોય તો બસમાં નહીં જાય. રિક્ષામાં ચાલી જશે. વાળ પર ધીરે ધીરે દાંતિયો ફેરવવાની મજા આવતી હતી. સરિતાના વાળ સુંવાળા હતા અને લાંબા હતા. શરીરમાંથી ઊઠતી સાબુની સુગંધ પ્રસરતી હતી, જાણે આસપાસ ફૂલો ઊગી આવ્યાં હતાં. અત્યારે આંખ નીચેનાં કાળાં કૂંડાળાં અદૃશ્ય થઈ ગયાં હતાં. ઘડિયાળમાં જોયું – છ વાગતા હતા.

બંને બારીઓના પરદાને લીધે કમરામાં આછો અંધકાર હતો. સાબુની, પાઉડરની, સુંવાળા વાળની સુગંધ પ્રસરી રહી હતી.

વાળ ઓળીને દાંતિયામાંથી વાળ કાઢવા લાગી. અરીસામાં જોયું. ત્યાં જ –

વરંડામાંથી અવાજ સંભળાયોઃ

કેટલી વાર છે, સરિતા? જોતી નથી આપણને કેટલું મોડું થઈ ગયું? હું અર્ધો-પોણો કલાકથી તૈયાર થઈને બહાર ઊભો છું. અને તું શું કરે છે? નાટકમાં કે કોઈ પણ કાર્યક્રમમાં મોડું પહોંચવું મને ગમતું નથી…

થોડાં વર્ષો પહેલાં સાંભળેલાં આ વાક્યો…

આ રીતે જ તૈયાર થઈ રહી હતી.

બોલતાં બોલતાં એ અંદર આવ્યો હતો. સરિતા ઊભી થઈને સાડી બરાબર પહેરાઈ છે કે નહીં તે અરીસામાં જોઈ રહી હતી. કમરામાં આવીને એ બોલતો અટકી ગયો હતો અને સરિતાને જોઈ રહ્યો હતો. પહેલી વાર જોતો હોય તેમ… એ સાંજે પણ સરિતાના શરીરમાંથી નાહવાના સાબુની સુગંધ ઊઠતી હશે. કદાચ એના વાળ મહેકતા હશે. એ સાંજે નાટક જોવા નહોતાં ગયાં એ યાદ આવ્યું. સરિતા અવાચક બનીને અરીસા સામે જોઈ રહી. આંખ નીચે કાળાં ધાબાં ઊપસવા લાગ્યાં છે અને વરંડામાં તો કોઈ નહોતું.

સરિતાએ વાળ છોડી નાખ્યા અને એની આંખોમાં નિર્જનતા છવાઈ ગઈ.