ઋણાનુબંધ/વણપૂછાયેલા પ્રશ્નનો જવાબ…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વણપૂછાયેલા પ્રશ્નનો જવાબ…|}} <poem> ક્યારેક કોઈક વરસને વચલે દ...")
 
No edit summary
 
Line 104: Line 104:
મારા ખાલીખમ ઘરમાં…
મારા ખાલીખમ ઘરમાં…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = હિંદુ સમાજ
|next = દાવો
}}

Latest revision as of 10:43, 20 April 2022

વણપૂછાયેલા પ્રશ્નનો જવાબ…


ક્યારેક
કોઈક વરસને વચલે દહાડે
એ મારે ત્યાં આવે
અને
અદબ જાળવીને
મને કશું પૂછે નહીં;
પણ
એની આંખના પ્રશ્નને ઉકેલતાં
મને વાર નથી લાગતી.

પ્રમાણમાં વિશાળ એવા ઘરમાં
હું
સાવ એકલી કઈ રીતે રહી શકું છું
એવો પ્રશ્ન
પૂછ્યા વિના પુછાતો હોય છે.

જે પ્રશ્ન
પૂછ્યા વિના પુછાતો હોય
એનો ઉત્તર
હું આપતી નથી
પણ
મારા મનમાં
તો
મારી સાથે
એક સંવાદ ચાલ્યા કરતો હોય છે.

એકલતાને તો મેં
હડસેલી દીધી છે
હજાર હજાર માઈલ દૂર.
મને દીવાલો સાથે વાત કરતાં આવડે છે.
મને મારા બગીચાનાં ઝાડપાન સાથે
ગોષ્ઠિ કરતાં આવડે છે
અને મને ફ્લાવરવાઝનાં ફૂલો સાથે પણ
આત્મીયતા બાંધતાં આવડે છે.
તમે જેને એકલતા કહો છો
એને હું મારું એકાંત કહેતી હોઉં છું.

હું
છલોછલ અનુભવું છું
મારા એકાંતની સમૃદ્ધિ.
ઘર
નાનું હોય
કે
મોટું હોય
માણસો
ઓછા હોય
કે
વધારે હોય—
સાચું કહો, તમે
આ બધાંની વચ્ચે
એકલતા નથી અનુભવતા?
અથવા
તમે તમને જ પૂછી લો
કે આ બધાંની વચ્ચે
તમને તમારું
ગમતું એકાંત મળે છે ખરું?

માણસો સાથે રહે છે—
કદાચ છૂટા પડી શકતા નહીં હોય એટલે?

હું માનું છું
કે
બહુ ઓછા માણસો
સાચા અર્થમાં
સાથે જીવતા હોય છે
કે
જીવી શકતા હોય છે.

દીવાલોના રંગ ઊપટી ગયા હોય એવા
થઈ ગયા હોય છે સંબંધો.
એક માણસ બીજા માણસથી
ડરી ડરીને ચાલે છે
એક માણસ બીજા માણસને
છેતરી છેતરીને જીવે છે—
જીવવાનું આ છળકપટની દુનિયામાં!
સુખી છીએ એવો દેખાવ કરવામાં જ
ઉઘાડું પડી જાય છે
આપણું દુ:ખ.

ક્યાંય કોઈ અખંડ પોત નહીં
જ્યોત પણ નથી અખંડ
કટકે
કટકે
જીવવાનું
કટકે
કટકે
મરવાનું.
મળવાનો દેખાવ કરીને
નહીં મળવાનું.
કોઈ વિરાટ પ્રદર્શનમાં ગોઠવાયેલી
અનેક ચીજ હોય એવી રીતે
સંબંધ નામની અનેકમુખી ચીજને
અતૃપ્તિ સાથે
જોયા કરવાનું.

સાથે રહીને એકલા પડવા કરતાં
એકલા રહીને સાથે જીવવાનો આનંદ
મને તો છલકાતો દેખાય છે
મારા ખાલીખમ ઘરમાં…