જેલ-ઑફિસની બારી/ઉપદેશિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઉપદેશિકા|}} {{Poem2Open}} ઉપદેશિકા બાઈ કેમ આજે નાકનાં ફોરણાં ચડાવી...")
 
(No difference)

Latest revision as of 10:44, 20 April 2022

ઉપદેશિકા

ઉપદેશિકા બાઈ કેમ આજે નાકનાં ફોરણાં ચડાવીને બેઠાં છે? ઓરતોની બુરાકમાં આજ શું ઉદ્ધાર કશી અંતરાય પડી? દર રવિવારે તો ત્યાંથી પૂરા દમામમાં બહાર આવતાં હતાં. ને આજ કેમ સંસાર પરથી મન ખાટું થઈ ગયું છે?

કિરમજી રંગની, પતંગિયાની પાંખ-શી ફરફરતી એમની સાડી; કાંડે ઘડિયાળ; કપાળે કંકુનો ચાંદલો; પાણીના રેલા જેવી અબોલ અને વેગીલી એમની લૅન્ડો ગાડી; તાજું સ્નાન કરીને, ચા-નાસ્તો જમીને એ જ્યારે રવિવારને પ્રાતઃકાળે જેલની સ્ત્રી-કેદીઓનાં પાપ ધોવા પધારે છે ત્યારે એની સન્મુખ મધુડી ને ઝમુકડી નામની બે સામસામી બાઝીને ઝંટિયાં તોડી નાખનારી વેડવી વાઘરણો હાથ જોડી બેસી જાય છે; ખોટા રૂપિયા પાડનારી જુલેખા અદબ વાળે છે; સગા ધણીનું ખૂન કરીને જન્મટીપ લઈ આવેલી આયેશા, જેણે દેશની એકેએક મોટી તુરંગની જાત્રા કરેલી છે તે પોતાનાં ધોળાં ઝંટિયાં સમારીને આસન વાળે છે. ગાંડી થઈ ગયેલી સીદણ ફાતમા નથી આવતી નથી, સલામ ભરતી, એટલે મેટ્રન એને ધોકો લગાવીને બેસારે છે. તેઓને આ ઉપદેશિકા બહેન નીતિ અને ઈશ્વરભક્તિનાં અમૃતવચનો સંભળાવીને અરધા કલાકની પાવની ગંગા વહેવરાવ્યા પછી પોતાનાં પુણ્યશીલનો પ્રભાવ છાંટતાં નીસરી જાય છે. દરવાજો એમની પછવાડે દેખાય છે કે તરત જ મધુડી ઝમકુડીની મલ્લકુસ્તી, ભમરાનું ભોજન કરેલા કૂકડાની છટાથી મંડાઈ જાય છે. જુલેખા બાઈસાહેબનાં ચાંદુડિયાં પાડવા લાગે છે, આયેશા ખડખડાટ હસી પડે છે ચૂડેલ જેવી, અને ફાતમા સીદણની વેદનાભરી ચીસો છેક કોટની બહાર સાંભળીને પહેરેગીરો સ્તબ્ધ બની જાય છે.

પણ એ તો કંઈ નહિ. ઉપદેશિકા બાઈસાહેબનું કામ તો છે ઉપદેશ દેવાનું, તકદીરમાં હોય તે ઝીલે ને તરી જાય; બાકીનાં પાપમાં સબડે, તેનું આપણે શું કરીએ?

પરંતુ આજે ઉપદેશિકા બાઈસાહેબનું ઊતરેલ મોં દેખીને ટીખળખોર જેલર કારણ પૂછે છે.

‘શું કરીએ?’ બાઈસાહેબ બોલી ઊઠયાઃ ‘પેલા સારાં સારાં કુટુંબોનાં વહુ-દીકરીઓ હમણાં તો અહીં ફાટી નીકળ્યાં છે ના? તે કહે કે, ક્રિમિનલ કેદીઓ કને ઉપદેશ દેવા જાઓ છો તો અહીં અમને કાં લાભ નથી આપતાં? અમારો ય ઉદ્ધાર કરવા કાં ન આવો? હું તો ગઈ, પણ એ રડયાં શું ઉપદેશ ગ્રહણ કરે તેવાં છે? મારા જેવી મોભાદાર સ્ત્રીની એણે તો ઠઠ્ઠા કરી! સરકાર સામે ગુના કરી, ધણી છોકરાંને રઝળતાં મેલી, હાથમાં ઝંડાઝંડી અને મુઠ્ઠીમાં મીઠાં લઈ, દારૂડિયા ને છાટકાઓને ખભે હાથ મૂકી સાંજ વેળાએ ‘ભાઈ, પીઠું છોડ! ભાઈ, દારૂ છોડ!’ કરતાં, માર ખાતાં, પીધેલાઓના મુખની ભૂંડી ગાળો સાંભળતાં અહીં આવ્યાં છે એ વંઠેલા, ને ઉપર જતાં મારી ઠેકડી કરે છે!’

‘નહિ, નહિ!’ પાજી હાસ્યની કરચલીઓ પાડતો જેલર બોલી ઊઠે છેઃ ‘હું તમારી સાથે આવીશ. બરાબર ઉપદેશ આપો. મગદૂર કોની છે કે તમારી મશ્કરી કરે!’

‘ઓ લોકોની કને તો અમે કદી જ જવાનાં નહિ. એ વંઠેલીઓને ઉપદેશ કેવા વળી?’

એટલું કહી, મોટરના પોચા ગાલીચા ઉપર સુંવાળા શરીરને ઝુકાવી ઉપદેશિકા ચાલી નીકળ્યાં. તે દિવસ જ્યારે જેલર ઓરતોની બુરાકમાં મુલાકાતે ગયો ત્યારે એણે ઉપદેશિકા બાઈસાહેબની હૈયાવરાળનું સાચું કારણ દીઠું.

ધણીને મારનાર જન્મટીપવાળી આયેશા ડોશી ન્યૂમોનિયામાં પડી હતી; એ પાપિણીના બિછાના પાસે જતાં મધુડી ઝમકુડી વાઘરણો પણ પણ ડર ખાતી’તી. એના બળખાએ અને પેશાબ-ઝાડાએ આખી બુરાકને ગંધવી મૂકી’તી, ત્યારે પેલી સારા કુળની વંઠેલી ઝંડાઝૂંડીવાળીઓ પૈકી બે બહેનો એ માંદીનાં મળમૂત્ર ધોતી, દાક્તરે દીધેલ ગરમ કોથળીના શેક કરતી ને બળખા ઝીલતી બેઠી રહેતી હતી.

‘અલા! અલા! મેરે અલા!’ આયેશા પોતાની સારવાર કરનારી વંઠેલ છોકરીઓને મસ્તકે હાથ મેલીને બોલતી હતી. આજ પહેલી જ વાર એની જીભે અલાનું નામ રમે છે. ‘અલામિયાં! યે તેરે ફરસ્તે હે. તેંને મેરે લિયે ફરસ્તે ભેજવાયે, અલા! મેરે જેસી નાપાક કે લિયે?’

આયેશા બુઢ્ઢી અનંત મીઠાશથી એ વંઠેલીઓના ગાલ પર હાથ પસારતી તે દિવસ મૃત્યુ પામી.

સવારે આવેલ ઉપદેશિકા બાઈસાહેબ આ મંદવાડની દુર્ગંધ અને આ વંઠેલીઓના હાથથી થતી સારવાર ન સહી શકાયાથી દુભાઈને ચાલ્યાં ગયાં હતાં, રોગીની પથારીની નજીક એ નહોતાં જઈ શક્યાં, ઊભાં રહ્યાં ત્યાં સુધી નાક આડે એમણે રેશમી રૂમાલ રાખ્યો હતો.