સહરાની ભવ્યતા/પ્રવીણ જોષી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રવીણ જોષી|}} {{Poem2Open}} 1977ના સપ્ટેમ્બરમાં, રંગભૂમિ અને નાટક વિ...") |
(No difference)
|
Revision as of 08:23, 21 April 2022
1977ના સપ્ટેમ્બરમાં, રંગભૂમિ અને નાટક વિશે એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈ દ્વારા યોજાયેલ પરિસંવાદમાં, પોતાના વક્તવ્યનુંસમાપન પ્રવીણભાઈએ આ શબ્દોમાં કરેલું:
‘બહુ નિખાલસતાથી કહું તો જેમ દરેક આદમી પોતાની જિંદગી છુપાવવા, પોતાની શૈલીએ–ઢબે બનાવેલો એક બુરખો રાખતો હોય છે તેમનાટક મારા જીવન પરનો એક બુરખો છે. મારું જીવન સામાન્ય માણસથી જુદું નથી પણ મારો આ બુરખો બીજાઓના બુરખાથી જુદો પડેછે — કારણ કે હવે જો ઉઝરડા પડે, કાપા પડે — મારો બુરખો એ ઝીલી લે છે અને હવે જીવતરના ગમા–અણગમા, સફળતા–નિષ્ફળતા, નિરાશા, કરુણા, આશા, અપેક્ષા, મંથન અને મૈથુન બધું નાટકમાં ઓગળી ગયું છે. જીવનનો બોજ પેલા ઝિંદાદિલ નાટકિયા બુરખાએઉપાડી લીધો છે અને હવે ખુદ બુરખો પોતે ભૂલી ગયો છે કે એ બુરખો છે કે મારું મોઢું છે.’ (ગ્રંથ, નવેમ્બર, 1977)
બુરખાના રૂપક દ્વારા એક દિગ્દર્શક–અભિનેતાએ 44 વર્ષની ઉંમરે પોતાના કાર્ય અને જીવનનો અભેદ સૂચવ્યો છે. જીવન અને કાર્ય સહેજેજુદાં ન રહ્યાં, કાર્યમાં જ જીવન વ્યાપી ગયું. નાટક રગરગમાં પ્રસરી ગયું. રંગભૂમિ પ્રવીણની કાયા બની રહી, અભિનય જીવનધર્મ. એકમાધ્યમ તરીકે ફિલ્મમાં રસ જરૂર લીધો પણ એના પ્રલોભને રંગભૂમિ છોડી નહીં. વિચ્છેદ શક્ય ન હતો. ગુજરાતી રંગભૂમિની છેલ્લીપચીસીને પ્રવીણભાઈએ પોતાનું ઉત્તમ અર્પણ કર્યું. એટલે 44 નાટકોમાં અભિનય કર્યો અને 33 નાટકોનું દિગ્દર્શન કર્યું. ગુજરાતી તખ્તાનેએક અખંડ કલ્પનરૂપે ઘડ્યો અને પોતે ઘડાયા. રંગમંચ પર એક જીવંત ચુસ્તી આવી. મિનિટોનો જ નહીં, સેકંડોનો હિસાબ રાખવો એમણેશરૂ કર્યો. પ્રત્યેક સેકંડ સાર્થક નીવડવી જોઈએ પ્રેક્ષકની સામે. અહીં એચ. કે. કૉલેજના લલિત કલા મંડળમાં કશુંક તૈયાર કર્યું હોય તો એઆવતા ને માર્ગદર્શન આપતા. પૂર્વપ્રયોગ જોઈને એક વાર એક અભિનેત્રીની મુદ્રામાં થતી ઉતાવળ જોઈ કહે: ભાવ રજિસ્ટર્ડ થતો નથી. આ રજિસ્ટ્રેશન એમને મન મહત્ત્વનું હતું. પ્રકાશ હોય, સંગીત હોય, અભિનેત્રીએ છટાદાર મુદ્રા ધારણ કરી હોય પણ મંચ પર એમાનવભાવ મુદ્રિત ન કરી શકે તો શા ખપનું? પ્રવીણભાઈ અભિનેતા તરીકે તખ્તા પર મનોભાવોના શિલ્પીનું કામ કરતા અને દિગ્દર્શકતરીકે માનવજીવનના સ્થપતિનું કાર્ય કરતા. એ સ્મિત અને તેજ બંને પ્રગટાવી શકતા. સિતાંશુએ સાચું જ કહ્યું છે: ‘હોઠખૂણે સ્મિત, નેત્રખૂણે વીજ, રંગ–રાજવી પ્રવીણ રે.’ રંગ દેવતાના એ પરમ ઉપાસકને રંગ–રાજવી કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. એણે પોતાનુંજીવન સર્વસ્વ અર્પણ કર્યું હતું. મંચ પરથી વિદ્યુતવેગી પ્રસ્થાન જેવી જ એમણે વિદાય લીધી: ‘અરે મસ્તક ફોડી પેટાવ્યું તેં લાલ રંગનુંપરોઢે રે!’ આ કથન છેલ્લી ક્ષણ માટે તેટલું છેલ્લી પચીસી માટે પણ સાચું છે. જેમણે એમની સાથે કામ કર્યું છે એ જાણે છે કે પ્રવીણભાઈકશુંય સહેલાઈથી લેતા નહીં. ક્યારેક તો સહુને લાગે કે આ અંશ તૈયાર થઈ ગયો છે પણ એમની દૃષ્ટિએ માત્ર આરંભ હોય. આવી એકઘટનાના સાક્ષી બનવાનું થયેલું.
આઈ. એન. ટી.એ નાટકકાર ચં. ચી.ના અમૃતપર્વની ઉજવણી નિમિત્તે નાટક જેવું કશુંક લખવા સૂચવ્યું અને મેં સાત દૃશ્યો લખ્યાં. જેમાં ચં. ચી. નિમિત્તે લેખકના એકાંકી જીવનની વેદના વ્યક્ત થાય. એમ હતું કે વચ્ચે કાવ્યપંક્તિઓ મૂકીશું. પ્રવીણભાઈને એ મંજૂર ન હતું. સાતઅલગ અલગ દૃશ્યોને એક અખંડ રચનામાં સંકલિત કરવા એમણે એક નહીં ત્રણ–ચાર વિકલ્પો સૂચવ્યા હતા. એમની એ વિરલ નમ્રતાહતી કે સૂચન કરવાનું હોય, લેખક પર ઉપકાર કરવાનો હોય ત્યારે એ સામે ચાલીને જતા. ‘ત્રીજો પુરુષ’એ મર્યાદિત હેતુઓ માટે રચાયેલીનાની રચના છે, પણ એમાં એમનો ફાળો મોટો છે. એનું રીહર્સલ ચાલે. અમે ‘ધરા ગુર્જરી’નાં ચાર દૃશ્યોનું રીહર્સલ કરીને બેઠેલાં, પ્રવીણભાઈનું દિગ્દર્શન જોવા. એક દૃશ્યમાં સિદ્ધાર્થ રાંદેરિયા, પરેશ રાવળ અને સરિતાબહેન. પુરુષ એક તરીકે સિદ્ધાર્થ બેઉ હાથમાં બેકોરડા લઈને પ્રવેશે, પુરુષ બે અને સ્ત્રીને એ કહે કે લો મને મારો. બંને એ કોરડાઓના છેડા પકડે ત્યાં સુધી તો મૂળમાં હતું. પ્રવીણભાઈનેસૂઝ્યું કે બંને જણ છેડા પકડી ક્રોસ કર્યા વિના પરસ્પર જગા બદલે. પ્રવીણભાઈએ આ ક્રિયા કલ્પનામાં જોઈ લીધી હતી. સૂચનાઓઆપ્યા કરે. કોરડાના છેડા પકડી એકમેકને ક્રોસ કર્યા વિના કેવી રીતે સામે જવાય? સરિતાબહેન તો કંટાળીને બેસી પણ ગયાં. એથીદિગ્દર્શન અટક્યું નહીં. એ દૃશ્ય પ્રવીણભાઈની કલ્પના મુજબ થઈને જ રહ્યું. અને એમ થતાં એ પ્રભાવક નીવડ્યું. કેમ કે એથી ભાવક્રિયામાં પલટાયો ને ક્રિયાને રૂપ મળ્યું.
એક ઉત્તમ દિગ્દર્શક પાસે હોવાં જોઈએ તે કલ્પકતા અને પરિકલ્પના પ્રવીણભાઈમાં હતાં. છપાયેલાં ગુજરાતી નાટકો વિશે વાત નીકળેત્યારે એમની સૂઝ–સમજનો ખ્યાલ આવતો. અહીં જેમ જસવંતભાઈને વાંચવાની ટેવ તેમ મુંબઈના દિગ્દર્શકોમાં કાંતિભાઈ અનેપ્રવીણભાઈ વાંચે, પોતાના આગવા દૃષ્ટિબિંદુથી વાત કરી શકે. લેખકે આખું મકાન ચણ્યું હોય અને એ પણ ત્રણ મજલાનું પણ સીડીમૂકવાનું જ ભૂલી ગયો હોય. પ્રવીણભાઈ સહુથી પહેલાં પ્રેક્ષક માટે આવી સીડી શોધે. પછી નાના નાના સ્પર્શથી તમામ ક્ષતિઓ દૂર કરે. એ સંરચના અને બહિરંગ ભાત — સ્ટ્રક્ચર અને ટેક્ષચર બેઉના આગ્રહી. આગ્રહો છોડીને મૈત્રીધર્મ બજાવવા એમણે એકેય નાટક હાથમાંલીધું ન હતું. અને જે લીધું એના પર સતત સખત કામ કર્યું. ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા? અમે અમથાભાઈને ત્યાં ચાલ્યા.’ એ સિતાંશુનાનાટક પર એમનું કામ ચાલતું હતું તે દરમિયાન એક અઠવાડિયું દિલ્લી આવેલા, ટેપરેકોર્ડર વગેરે સરંજામ લઈને. લેખકને દિગ્દર્શકનીનજરે નાટક જોતો કરવાની એમનામાં આવડત હતી. એમણે કહ્યું છે:
‘મારું દિગ્દર્શક તરીકેનું કાર્ય નાટ્યકાર અને પ્રેક્ષક વચ્ચે એક ખેપિયા જેવું, એક સેતુ જેવું કે ઇન્ટરપ્રીટર જેવું બની રહે છે. નાટ્યકાર નાટકલખે છે ત્યારે એ હજારો પ્રેક્ષકોને યાદ રાખી નથી લખતો હોતો. કદાચ એક પ્રેક્ષક મનમાં હોય પરંતુ જ્યારે નાટક દિગ્દર્શકના હાથમાંઆવે ત્યારે એનું કામ વિશેષ કપરું, કઠણ બને છે. કારણ, એણે એ નાટ્યગૃહની છેલ્લી હરોળ સુધી પહોંચાડવાનું છે.’ (ગ્રંથ, નવેમ્બર1977)
છેલ્લી હરોળમાં બેઠેલો પ્રેક્ષક ‘ત્રાહિત વ્યક્તિ’ જેવો હોય છે. એને નાટકમાં ઓતપ્રોત કરવાનો હોય છે. એમણે ભજવેલાં નાટકોમાંવિષયવસ્તુ અને સ્વરૂપનું વૈવિધ્ય જોવા મળે છે તે આકસ્મિક નથી. એમની પસંદગીનું પરિણામ છે. એ બુદ્ધિજીવી હતા, તખ્તા પરઅંધશ્રદ્ધાઓ પોષનારાઓ સામે એમને ચીડ હતી. એ દેવદેવીઓમાં શ્રદ્ધા રાખવાને બદલે માનવસંબંધનું નાટક આપવા માગતા હતા. સ્ત્રી–પુરુષ સંબંધને એક નગરવાસીની દૃષ્ટિએ જોવા–સમજવા એ ગંભીર પ્રયત્ન કરતા. નાટક સાથે સંસ્થાની આર્થિક જવાબદારી સંકળાયેલી છેએ સ્વીકારતાં એમને સંકોચ નહોતો થતો. એમણે કહ્યું છે કે ‘પાંચપચીસ’ નિમંત્રિતો વચ્ચે એક પ્રયોગ કરી રંગભૂમિ પર ઉપકારનો બોજચઢાવનાર દિગ્દર્શક હું નથી કે ગમે તેવાં મૌલિક નાટકો ભજવી મૌલિક લેખકોનો ઝંડો ઊંચકનાર પણ નથી.’ અલબત્ત, એમને ગુજરાતીનાટક ભજવવાના ઓરતા હતા. એટલું જ નહીં, પ્રોસિનિયમ આર્ચ પ્રકારનાં થિયેટરોની બહાર પ્રેક્ષકોની અંતરંગ જઈને નાટક ભજવવાનાપણ મનસૂબા હતા. ‘કેમ મકનજી’ તેમ જ ‘અમીના અને એનો જમાનો’ જેવાં નાટકો હાથમાં હતાં ત્યારે જ એ ચાલ્યા ગયા. અવસાનનાચારેક દિવસ પહેલાં ગુજરાતી રંગભૂમિ વિશે બોલવા એ અમદાવાદ આવેલા. એમને સ્ટેશન પર મૂકવા જતાં રસ્તામાં નવાં નાટકોની વાતોથયેલી. આ બાંધેલાં થિયેટરોની બહાર ભજવવા યોગ્ય જગાઓ વિશે એમણે ક્ષેમુભાઈને પૂછી રાખેલું. એમને એવી આકાંક્ષા પણ હતી કેદિગ્દર્શક થિયેટર નામના સરકસનો રીંગ લીડર મટીને શુદ્ધ સર્જક બને. નટ કોઈ કેરીકેચર ન બને પણ ખુદ બને, માણસ માણસ વચ્ચે, માણસ ને જિંદગી વચ્ચે, માણસ ને ઘટના વચ્ચે, માણસને તત્ત્વ વચ્ચે જે તકરાર છે એને શોધવા ને એમાંથી બહાર લાવવા પ્રયત્ન કરે. ગુજરાતી પ્રેક્ષક માત્ર મનોરંજન માટે નહીં પણ અનુભવ માટે ઉત્સુક બને એ દિવસની એ રાહ જોતા હતા. પણ બાબુભાઈએ નોંધ્યું છે તેમપ્રવીણભાઈ દાવા સાથે કહેતા હતા કે ભજવવા લાયક મૌલિક ન ભજવાયું હોય એના દાખલા મારી પાસે લાવો. પ્રયોગ એટલે શું એનીએમને ખબર હતી. બ્રિટનમાં તાલીમ લીધી હતી અને પશ્ચિમની રંગભૂમિ જોઈ હતી. નાટકને નખશિખ સુબદ્ધ અને સુરેખ જોવાનો આદર્શએમને પશ્ચિમમાંથી મળ્યો હતો. જૂની રંગભૂમિએ તો એમને કશું આપ્યું ન હતું. સ્વાનુભવ અને સ્વાશ્રયે કરીને એમણે આઈ. એન. ટી.નેએક દિગ્દર્શક આપ્યો. દામુભાઈની વ્યથા સમજી શકાય એવી છે. પૂરાં પચીસ વર્ષે એક પ્રવીણ મળ્યો, હવે બીજો પ્રવીણ ક્યાંથી લાવું?
પ્રવીણભાઈ સારા વક્તા હતા. બધા અભિનેતા સારા વક્તા હોતા નથી પણ પ્રવીણભાઈ અભ્યાસી હતા. જીવનમાં સ્થિર થવાનાં વર્ષોમાં એપત્રકાર રહી ચૂક્યા છે. આર્થર મિલરના ‘ઑલ માય સન્સ’નું એમનું રૂપાન્તર ‘કોઈનો લાડકવાયો’ તો જાણીતું પણ છે. શબ્દોનો ઉપયોગકરી જાણતા. કોને કયા શબ્દનું વળગણ છે એ તુરત પકડી પાડતા. એકવાર લખે: લાભશંકરની જેમ સખત રીતે કહું તો ગુજરાત સરકારનાટકની ગાય દોહીને ફિલ્મની બકરીને પાય છે. આવા ને આનાથી સારા અલંકારો પણ એ કરી જાણતા. તારક મહેતાએ સંદર્ભ આપીનેકહ્યું છે કે અન્ય દિગ્દર્શકો ફક્ત ચોટદાર સંવાદોથી સંતોષ માનતા હતા જ્યારે પ્રવીણ શબ્દેશબ્દની વ્યંજનાને પકડતો. નાટકનીશરૂઆતમાં એ જાહેરાત કરે એ સાંભળવું સહુને ગમતું. લખવાના મનસૂબા સેવેલા. કાવ્યાત્મક વાક્યો લખ્યાં છે, કહ્યાં છે. પસંદ કરેલાનાટકનું જાતે રૂપાન્તર કરવું એ તો રમત વાત હતી પણ કદાચ બાબુભાઈની દલીલ સાચી છે. નાટકના સર્વેસર્વા થવાને બદલે કોઈને સાથેરાખવાનું, જશમાં બીજાને હિસ્સો આપવાનું એમને ગમતું. પણ હા, કોઈનું આક્રમણ સહન ન થતું, ભય પમાડીને કોઈ કામ કઢાવી જાય એશક્ય ન હતું. બીજાને ખુશ કરવા એ કદી નમ્ર ન થતા. એ પોતાના રાગદ્વેષ છુપાવતા નહીં. જેની ઉપેક્ષા કરવાથી ચાલે એનો સ્પષ્ટ વિરોધકરતા. જેની સાથે મનમેળ ન હોય એની સાથે એ સન્માન લેવા પણ ન જતા. આપ બળે આગળ આવેલા એક તેજસ્વી યુવાનને હોઈ શકેએવું સોહામણું અભિમાન વસતું એમની આંખોમાં, અવાજમાં, ગતિમાં. પ્રેક્ષકો આ કારણે પણ એમને ચાહતા અને તેથી તોફાનની ઇચ્છાથીઆવેલા ઇતરજનો એમનાથી ડરતા. એવા બે પ્રસંગો યાદ છે જ્યારે એમણે અભિનયની લક્ષ્મણરેખા ઓળંગીને પ્રેક્ષાગાર સામે ભ્રમરઊંચકી હોય. એક પલકારે એમને વિજય મળતો, ને પાછા તત્ક્ષણ ભાવાનુપ્રવેશ કરી સમગ્ર નાટ્યકલ્પનનું અંગ બની જતા. એ પોતે મંચપર હોય ત્યારે બધું પોતાના આધિપત્યમાં રહેવું જોઈએ એમ માનીને ચાલતા. એ શક્ય બનતું કેમ કે એ માત્ર દિગ્દર્શક ન હતા, અભિનેતાપણ હતા. દિગ્દર્શક તરીકે એ અલબત્ત મોટા હતા પણ અભિનેતા તરીકે એમને વ્યાપક લોકચાહના મળી. એટલે સુધી કે અનુગામી પેઢીનાકેટલાય નટો આરંભે એમનું અનુકરણ કરતા દેખાય છે.
નાટક તૈયાર કર્યું હોય ત્યારે તો સમય, મુદ્રા અને મંચની જગા બધું નિયત હોય છતાં કેટલાંક નાટકોમાં ક્યારેક એ ઇમ્પ્રોવાઈઝ કરતા. સામેસરિતાબહેન અને અરવિંદ હોય ત્યારે એ નિશ્ચિંતપણે છૂટ લઈને એક શબ્દના વિકલ્પે બીજો શબ્દ મૂકી શકતા. પ્રેક્ષકોને એમની આહરકતનો ખ્યાલ ન આવતો કારણ કે વાણીનો લય ખોડંગાતો નહીં અને ક્રિયા અવિરત ચાલતી. એ સર્જકતાનું લક્ષણ હતું. ગુજરાતીરંગભૂમિ પર આવા દિગ્દર્શક અને અભિનેતા — સવ્યસાચી કલાકારો થાય છે અને થશે પણ એમને સહુને પૂછશો તો આ પ્રવીણભાઈનેસવિશેષ આદરથી યાદ કરશે. એક સવેતન કલાકાર અને વ્યાવસાયિક દિગ્દર્શક થવા માટે કેવી મોટી સાધના કરવી પડે છે એનું એ દૃષ્ટાંતહતા.
એમનું ગૃહજીવન એ પણ માત્ર અંગત જીવન ન હતું. કલાકારો અને લેખકો એમને ત્યાં આવકાર પામતા. મિત્રોને પોતાને ત્યાં બોલાવવાનોએમને અને સરિતાબહેનને ભારે શોખ. એવા કોઈ પ્રસંગે જૂની રંગભૂમિની વાત નીકળે તો સરિતાબહેન ખીલી ઊઠે. ગીતો ગાય. કિશોરાવસ્થામાં એમણે જૂની રંગભૂમિના ઉત્તમ નટો સાથે કામ કરેલું છે. સંસ્મરણો કહે અને ગાય. પ્રવીણભાઈ પણ એ જમાનાનાઅદાકારોની ખેલદિલીના ભારે પ્રશંસક. સ્પર્ધા જીવલેણ કરે પણ માણસ તરીકે ઊણા ન ઊતરે. પ્રવીણભાઈને પણ એવું ખરું કેસમકાલીનોમાં પોતે ચડિયાતા હોય, કહેવાય. દામુભાઈ કોઈ બીજી સંસ્થાનું નાટક જોઈ આવે પછી અભિપ્રાય સાંભળીને પ્રવીણભાઈ કહે: સવા રૂપિયો પગાર વધારશો ને? આ બહાને એ કબૂલ કરાવે કે કોણ ઉત્તમ છે. ઉત્તમતાની સભાનતા સાથે એ ઘણા પાસેથી કામ લે. તારકકહે છે તેમ ‘વ્હાલથી વર્તે પણ કોઈ વાંકું ચાલે તો વીફરે. ડંખ બિલકુલ નહિ પણ ફૂંફાડો ખરો, ઘમંડ નહિ પણ રુઆબ તો ખરો જ.’ અમદાવાદમાં ઊછરેલા ઉત્પલે મુંબઈમાં જતાં જ નાટકોમાં એક અભ્યાસીની હેસિયતથી રસ લેવા માંડ્યો. પ્રવીણ જતાં એને થયું કેગુજરાતી રંગભૂમિ પર શૂન્યાવકાશ સર્જાયો છે:
‘કલાકારો, પ્રેક્ષકો, વિવેચકો કે વ્યવસ્થાપકો સૌનું કેન્દ્ર પ્રવીણ હતો. પછી ભલે કોઈકના પ્રેમનું તો કોઈકના રોષનું, કોઈકની સફળતાનું તોકોઈકની નિષ્ફળતાનું, કોઈકની ઇર્ષ્યાનું તો કોઈકના વિદ્રોહનું, કોઈકની આજીવિકાનું તો કોઈકની બેકારીનું હોય પણ કેન્દ્રમાં પ્રવીણ જરહ્યો, કેટલાકે તેનું અનુકરણ કર્યું તો એવા પણ છે જેમણે ઇમેજ તોડવાના વ્યવસ્થિત પ્રયત્નો કર્યા. સહકાર પણ તેનો જ લેવાતો અનેહરીફાઈ પણ તેની સામે જ મંડાતી. દોસ્તી પણ તેણે જ બાંધી અને દુશ્મનીનું કારણ પણ તે જ રહ્યો. રંગભૂમિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈપણ રીતે સંકળાયેલા પ્રવીણની સાથે કે સામે સંકળાયેલા હતા.’ (પૃ. 9, સ્મરણિકા, 1980)
એમના સમકાલીનો એક ખેલદિલ અને જીવનતત્ત્વથી ભરપૂર માણસ તરીકે એમને યાદ કરશે. એ રાગદ્વેષ છુપાવતા નહીં ને વિરોધીનીશક્તિને મુક્તકંઠે બિરદાવતા, એના દંભ પર ક્યારેક વ્યંગ તો ક્યારેક કટાક્ષ કરતા. જેમ એ કવિતા, ચિત્રકળા અને સંગીતને ચાહતાએટલી જ સહજતાથી અજાણ્યા માણસને ચાહતા અને મૈત્રી થતાં એમાં ઉત્કટતા આવતી. એમનું માનવીય રૂપ ખીલી ઊઠતું. સ્વપ્નનીભાષામાં સ્નેહ દાખવવાની એક નાજુક લઢણ હતી એમના અવાજમાં, રીતભાતમાં.
મુંબઈથી પ્રગટ થયેલી સ્મરણિકામાં એમની અનેક તસવીરો છે. એમાંથી સૌથી પહેલી યાદ આવે છે પિતા પ્રવીણની તસવીર. વરસદહાડાની બેબીને તેડીને એ ભદ્રેશ્વરના નદીકિનારે ઊભા છે, પ્રસન્ન, સંતુષ્ટ. મુંબઈથી આવેલા બધા કલાકારોને અને અમદાવાદના મિત્રોનેબાળકો સાથે એમણે પૂરબીની વરસગાંઠ નિમિત્તે પાર્ટી આપી હતી. બધા જવાન મિત્રો ખૂબ નાચેલા. પ્રવીણભાઈના જીવનની એ સહુથીઊંચી ભરતી હતી. તે દિવસ અમે ક્રિકેટ પણ રમેલા અને એ આઉટ થયા વિના રિટાયર થયા હતા. રમવું અને રમાડવું એ બેઉ ક્રિયાઓમાંઆનંદ જોયો હતો. પ્રેમ અને આનંદના પાયા પર એમનું જીવન ઊભું હતું. એમની મુંબઈની સ્મશાનયાત્રામાં હાજર હતા એ લેખકમિત્રોએઅગ્નિસંસ્કાર વખતે સાયરસનું ક્રંદન જોયેલું. સરિતાબહેનનાં અગાઉનાં બેઉ સંતાનોના પિતાતુલ્ય વડીલ જ નહીં, પિતા બનવાની યોગ્યતાકેળવનાર પ્રવીણભાઈ આપણા સહુના આદરના અધિકારી છે.