સહરાની ભવ્યતા/પંડિત સુખલાલજી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પંડિત સુખલાલજી|}} {{Poem2Open}} પંડિત સુખલાલજી આ પ્રદેશમાં થઈ ગયા...") |
(No difference)
|
Revision as of 08:46, 21 April 2022
પંડિત સુખલાલજી આ પ્રદેશમાં થઈ ગયા ન હોત તો દર્શકને સત્યકામનું પાત્ર ભાગ્યે જ મળ્યું હોત. એક અપંગ માણસ એની કરુણાનાબળે દુનિયાને દોરી શકે એ માનવીય શક્યતા દર્શકને આ દાખલામાં દેખાઈ એમાં ઔચિત્ય છે, પ્રતીતિ છે. પંડિતજીના પ્રત્યક્ષ કે પરોક્ષપરિચયમાં આવનાર સહુ કોઈ જોઈ શકતું કે અહીં કશુંક અનન્ય છે, મહત્ છે.
પંડિતજી પરિચય ટ્રસ્ટના પ્રમુખ. ‘ગ્રંથ’ અમદાવાદમાં છપાવવાનું હતું. મેં 1965માં વિદ્યાપીઠ છોડેલી. શ્રી યશવંત દોશીએ મને ‘ગ્રંથ’નાપ્રકાશનના કામે જોતરેલો. યાદ આવે છે કે પહેલી વાર હું એમની સાથે પંડિતજી પાસે ગયેલો. વીસ લાખના અમદાવાદની વસ્તી દોઢમાણસની છે એમ કહેતાં નિરંજન ભગતે એક આખા માણસની જગા પંડિતજી માટે ફાળવેલી એ અંગે હું સહમત હતો. એમને મળવાનું થયુંતે પહેલાં ‘અધ્યાત્મ–વિચારણા’ અને ‘ભારતીય તત્ત્વવિજ્ઞાન’ એ બે પુસ્તકો વાંચેલાં. બુદ્ધનો ક્ષણ વિશેનો ખ્યાલ એમણે વાતચીતદરમિયાન સમજાવેલો. મળવાનું થાય ત્યારે કંઈ ને કંઈ મળી આવતું. પ્રોત્સાહન પણ ખરું. ‘જ્ઞાનગંગોત્રી’માં હિન્દી સાહિત્ય વિશેનો મારોદીર્ઘ લેખ એમણે અંતેવાસી પાસેથી સાંભળેલો. ક્યારેક સામયિક કે છાપાના લેખ પણ એમના કાને પડ્યા હોય. એ ક્યારે ‘સરિતકુંજ’માં છેને ક્યારે ‘અનેકાન્ત વિહાર’માં એની મને ખબર રહે, ને પસાર થતાં જ મળવા જવાનો અભિલાષ થાય. પણ ત્યારે હું બીડી–પાઈપ વગેરેપીતો. પંડિતજી સાવ પાસે બેસાડે ને બરડે હાથ ફેરવી આશીર્વાદ આપે. બીક રહે કે બીડીના વ્યસનની એમને બાતમી મળી જશે. એમણેએકેય વાર એનો નિર્દેશ નહોતો કર્યો પણ એમને ખબર તો હોય જ. આંખો નહોતી એના બદલામાં બીજી બધી ઇન્દ્રિયો અત્યંત સતેજહતી. શ્રીમતી મૃદુલા પ્ર. મહેતાએ એમના ‘પુણ્યશ્લોક પંડિતજી’ નામના સંસ્મરણમાં એક અવિસ્મરણીય પ્રસંગ નોંધ્યો છે.
તે દિવસે ઉકળાટ પછી પવન નીકળ્યો હતો. ચાંદની પણ એવી જ સુંદર હતી. મૃદુલાબહેને એનો ઉલ્લેખ નહોતો કર્યો છતાં પંડિતજીબોલેલા: ‘પવન જ સરસ છે તેમ નથી, ચાંદની પણ સરસ છે, ખરું ને!’
મૃદુલાબહેન ડઘાઈ જાય છે. પંડિતજી કહે છે: ‘જો એમાં કંઈ અલૌકિક શક્તિની જરૂર નથી. આજની હવામાં જે અનેરી શીતળતા છે તેપૂર્ણિમાની સોળે કળાએ ખીલેલી ચાંદની સિવાય સંભવે નહીં. એ અનન્ય શીતળતાનો અનુભવ આંખ હોય તેને થાય એના કરતાં વધારેતીવ્રપણે આંખ વગરનાને થાય એમ હું ધારું છું. મેં ઘણીવાર આજે પૂનમ છે તેમ આ અનુભવે જાણ્યું છે. તેમાંય વૈશાખી પૂનમ પરખાયાવિના રહે જ નહીં! બુદ્ધ કંઈ અમસ્તા તે દિવસ જન્મ્યા હશે!’
એ પછીની ગંભીર–હળવી વાતચીત દરમિયાન પંડિતજી મૃદુલાબહેનને ચાંદનીનું વર્ણન કરવા કહે છે. એ આખો ભાગ લેખિકાના શબ્દોમાંજ મૂકવા જેવો છે:
‘મેં વૃક્ષ, વેલીઓ, પુષ્પો અને સરિતાના જળમાં પડતા ચંદ્રના પ્રકાશ, પ્રતિબિંબ–વલયોનું થોડું વર્ણન કર્યું. પછી પંડિતજીએ પોતે નાનપણમાંમાણેલી ચાંદનીનું વર્ણન કર્યું, તે શબ્દો મારી પાસે રહ્યા નથી પણ તે પછી તેમણે જે વર્ણન કર્યું તેની એક ઘેરી છાપ મારા અંતરમાં છે. કેટલી યોગ્ય રીતે તે વ્યક્તે થશે તેની મને ખબર નથી.’
કહે: ‘પ્રકાશ કરતાં અંધકાર, ગાઢ અંધકારનો અનુભવ મેં કોઈએ ન કર્યો હોય તેવો તીવ્રપણે કર્યો છે. સોળ વર્ષની વયે જ્યારે આંખો ખોઈત્યારે આંખોનું તેજ ગયું તેટલું જ નહીં, સમસ્ત જીવન જીવવાની બધી આશા–આકાંક્ષાઓ ફરતો ગાઢ અંધકાર વીંટળાઈ વળ્યો હતો. પ્રગાઢ અંધકાર, જ્યાં પ્રકાશની આછી રેખા ન હતી, આશાની ઝાંય સરખી નહોતી અને અંધકારના ડુંગરનો, ચોસલે ચોસલાનો એવો ભારહતો કે ડોક ઊંચી ન થઈ શકે. ઊંડા અંધારા કૂવામાં મને કોઈએ ધકેલી દઈ જાણે જીવનનાં એકેએક દ્વાર બંધ કરી દીધાં હતાં. આઅંધકારનો ખડક સમો ભાર ભેદીને બહાર નીકળાશે કે કદી કોઈ પ્રકાશરેખા સાંપડશે તેવી કલ્પના જ અસંભવિત લાગતી હતી. પ્રત્યક્ષઅંધકાર કરતાં પણ નિરાશાનો અંધકાર અતિ દુર્ભેદ્ય હોય છે. મારા મનની ત્યારે એ સ્થિતિ હતી. કોઈ આધાર નહીં, કોઈ ઓથાર નહીં. હૈયું હળવું કરવા કોઈ પગથી નહીં, મિત્રો હોય પણ જેને નિ:સહાયતાનો અનુભવ નથી તે સહાનુભૂતિ છતાં આપણી સ્થિતિ પૂર્ણપણેસમજી જ ન શકે એટલે તમે એકલા, અટૂલા નિ:સહાયપણે અંધકારના એ કળણમાં ખૂંપી જાઓ તેવી દશા થાય… આજે તો ઘણી શોધો, સુવિધાઓ થઈ છે પણ તે સમય, તે સમાજ અને તે પરિસ્થિતિ!! મૃદુલા, જીવનનો તે અંધકાર શબ્દમાં મુકાય તેવો નથી…’
તેમના સદા પ્રસન્ન ચહેરા પર વિષાદ છવાઈ ગયો હતો. શબ્દે શબ્દે અસહ્ય વેદના નીતરી રહી હતી. તેઓ બોલતા ગયા અને મારીઆંખોમાંથી આંસુ નીતરતાં રહ્યાં. જરા પણ અવાજ ન થાય, શ્વાસ પણ જોરથી ન લેવાય તેની મેં ખૂબ તકેદારી રાખેલી પણ પ્રજ્ઞાચક્ષુ પામીગયા. એકાએક થોભીને કહે: ‘અરે, તું રડે છે? આ તો ચાંદનીની મજા બગડી ગઈ! હું તો વર્ણનમાં તલ્લીન થઈ ગયો. પણ સાંભળ — રડવા જેવું તેમાં હવે શું છે? ઘોર અંધકારનો અનુભવ કર્યો તો એવા જ દેદીપ્યમાન પ્રકાશનો પણ અનુભવ કર્યો છે. ગાઢ અંધકારનાઅસહ્ય ભાર અને ઘોર નિરાશામાં એક પ્રકાશ કિરણ ઝળક્યું — પુરુષાર્થનું એક પગલું દેખાયું — આંચકો મારીને માથું ઊંચું કર્યું અનેનિરાશાનો ખડક ગબડી પડ્યો. ધીમે ધીમે પગ માંડતાં, ટેકો મેળવવાની મથામણ કરતાં કરતાં એક સાંકળ હાથ આવી અને તે ઠેકીને તે ઊંડાકળણમાંથી બહાર આવ્યો તો જે ભવ્ય, દેદીપ્યમાન અને ઉજ્જ્વળ પ્રકાશ મને મળ્યો તેવો બહુ વિરલ આત્માઓને મળ્યો હશે. જીવનને આકિનારે તો પ્રકાશ અને આનંદરસ છે પછી પ્રારંભમાં અંધકાર હતો તેનું કંઈ દુ:ખ થોડું જ હોય! ચાલ, હવે ખુશ ને? એક સરસ ભજનગા, પછી આપણે જઈએ.’ કહી તેમણે વાત સમેટી લીધી.
બીજે દિવસે સવારમાં ફરતાં ફરતાં કહે: ‘ઈશ્વર એક હાથે લઈ લે તો બે હાથે આપે એવો મારો જીવનનો અનુભવ છે. ઈશ્વરના ઔદાર્યનેકદી સીમા નથી તે વાત તું જીવનમાં કદી ભૂલતી નહીં. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આધારનો કોઈક ખૂંટો તેણે આપણે માટે રાખ્યોજ હશે તેવી શ્રદ્ધા ગુમાવવી નહિ… પુરુષાર્થ કરવાનું આપણે ભાગે હોય છે. પુરુષાર્થ ન કરીએ તો ઈશ્વરીય ખૂંટો હાથ નહીં આવે.’
(પૃ. 18-19, પુષ્ણશ્લોક પંડિતજી)
માનવીય પુરુષાર્થનું અપૂર્વ દૃષ્ટાંત હેલનકેલરે પૂરું પાડેલું. અપંગતાને નામશેષ કરી દઈ સમગ્ર માનવજાત માટે પ્રેરક નીવડે એવો અનન્યવિકાસ સાધ્યો પંડિત સુખલાલજીએ.
સોળ વર્ષની ઉમ્મરે લગ્ન થઈ ગયાં હોત પણ મોકૂફ રહ્યાં ને બીજા વર્ષે ઉનાળામાં માતા નીકળ્યાં ને આંખો ગઈ. વહેમો અને અંધશ્રદ્ધાઓનેઓળખી મુક્ત થતા ગયા. કાશીની યશોવિજય જૈન પાઠશાળામાં અભ્યાસ માટે ગયા. ન્યાય, કાવ્ય, વ્યાકરણના વિશેષજ્ઞો પાસે સ્વાધ્યાયનીતક મળી. સંસ્કૃત–પ્રાકૃતમાં ભાષણ કરતા થયા. અલંકાર શીખવા લાગ્યા. ત્યારે જેટલું શીખતા એ બધું કંઠસ્થ કરીને. પરંતુ વેદપાઠીબ્રાહ્મણની રીતે માત્ર શબ્દપાઠ આગળ એ અટકતા નહીં. શીખેલ પાઠમાંથી પ્રશ્નો ઉદ્ભવતા. અધ્યાપક તિવારી સમાધાન કરતા. ચિંતનકરતા. ચિંતનનું પ્રમાણ વધ્યું. ઊંડા ઊતરતા ગયા.
પંડિતજીએ શિક્ષણના ભાગરૂપે પ્રવાસો પણ કર્યા. સમ્મેતશિખર, પાલીતાણા, આબુ, મિથિલા વગેરે સ્થળોની યાત્રાથી પોતે રમ્ય પ્રદેશો અનેસરલ સ્વભાવી જનપદોને જાતે સ્પર્શ્યાનો આનંદ પામેલા. બનારસમાં અધ્યાપન કર્યું. અમદાવાદ આશ્રમમાં રહ્યા તે દરમ્યાન કામ માગ્યું નેગાંધીજીએ એમને સાથે દળવા બેસાડ્યા. અનુયાયીઓએ ઊભાં કરેલાં આવરણ ભેદીને એ ગાંધીજીને જોતા રહ્યા છે. એ માટે એક દાખલોપૂરતો છે. પંડિતજી જૈન સાધુઓને ભણાવતા. એક બહેન ત્યાં ભણવા આવ્યાં. મહારાજજીઓએ વિરોધ કર્યો. પંડિતજી બહેનને ઘેરભણાવવા જવા લાગ્યા. એનો પણ વિરોધ થયો ત્યારે તેમણે કહી દીધું: ‘જો કોઈ ઢેઢ, ભંગી કે બહેનો ભણવા આવશે અને વધારે વખતનીજરૂર હશે તો હું સાધુઓને ભણાવવાનું છોડી દઈને પણ તેમને ભણાવીશ.’ ગાંધીજીને એમણે કરુણા અને પ્રજ્ઞાની મૂર્તિ કહ્યા હતા એમાં એપણ સૂચવાઈ જાય છે કે પોતે ગાંધીજી પાસેથી શું શીખવા ઇચ્છતા હતા.
‘જૈન ધર્મનું તત્ત્વ ઇન્દ્રિયોને અને મનોવૃત્તિઓને જીતવામાં છે અને બ્રાહ્મણ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે, એપામી ચૂકેલા પંડિતની ઉંમર ત્યારે પાંત્રીસેક વર્ષની હશે. 1915ની વાત છે. બનારસનું ચોમાસું ને એમને ભારે તાવ આવ્યો. માથું ફાટી જાય. પંડિતજી લગભગ તરફડે એવી દશા. શ્રાવકો આવે, ખબર પૂછતા બેસે. ત્યાં મુનિ પુણ્યવિજયજીના ગુરુ કાન્તિવિજયજી પધાર્યા. એ વૃદ્ધમુનિ પંડિતજીનું માથું દબાવવા લાગ્યા. શ્રાવકો દોડી આવ્યા. હાહાકાર થઈ ગયો. જૈન સાધુઓ નિયમ મુજબ ગૃહસ્થની સેવા ન કરી શકે. પરંતુ કાંતિવિજયજી પાસે કારણ હતું. અમે સાધુઓ એમની પાસે ભણીએ છીએ. અમે તો એમની પાસે એકડાં વિનાનાં મીંડાં જેવા છીએ. તેમની સેવા કરવી એ અમારો ધર્મ છે.
પંડિતજી ત્યાગી હતા પણ પોતાના શિષ્યો પ્રત્યેનું એમનું વાત્સલ્ય ધાર્મિક આચારની નકારાત્મક મર્યાદાઓ ઉલ્લંઘતું. એ માટે પણ એચોક્કસ સમજથી પ્રેરાતા. જ્ઞાનયોગ, કર્મયોગ કે ભક્તિયોગ, કોઈ યોગસાધનાની શરતરૂપે એ અપરિણિત જીવનને ગણાવતા નહીં. એમનેમન સાચી શરત હતી સંયમ. મોટા ભાગના માણસો માટે લગ્નજીવન સ્વસ્થ ઉત્કર્ષનું સાધન છે. કૃત્રિમ રીતે કડક નિયમોથી ઊભો કરેલોસાધુસમાજ વિકૃતિઓ વધારે. એમણે મૃદુલાબહેનને કહેલું કે સ્ત્રીઓના સહવાસ વગરના બધા લોકો અર્ધ દગ્ધ બુધ્ધુ નીકળ્યા છે અનેપુરુષના યોગ્ય સહવાસ વગરની બધી સ્ત્રીઓ વેવલી નીકળી છે. બહેનોને ભણાવવાનો પંડિતજીનો અનુભવ સારો હતો. કહેતા: આટલુંસરળ અમારે લખવું હોય તો ઘણો વિચાર કરવો પડે. બહેનો કપડાંમાં ભલે ઠસ્સો કરે, તેમના લખાણમાં કૃત્રિમતા આવતી નથી.
પંડિતજીની પ્રસન્નતાનો અનુભવ તો મને પણ છે. વાતને પ્રાસાદિક બનાવવા એમણે રમૂજી થવાની જરૂર ન હતી. એમના મુખે કહેવાયેલુંસત્ય પોતાના જ બળે સીધું સામી વ્યક્તિને સ્પર્શ કરતું. એમનું એક વાક્ય મને યાદ રહી ગયું છે: ‘અકર્મણ્યતા અને અસ્પૃશ્યતા એ આદેશના મહારોગ છે.’ આજે આટલાં વરસ પછી પણ સ્વતંત્ર ભારતના સમાજ વિશે વાત કરવાની આવશે તો મને પંડિતજીનું એ વાક્ય યાદઆવ્યા વિના રહેશે નહીં.
આપણા ઉચ્ચ શિક્ષણની એક અપંગતા તરફ પંડિતજીએ ધ્યાન ખેંચેલું. ‘જેમ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન શીખનાર એની મૂળ ગ્રીક, જર્મન, ફ્રેંચઆદિ ભાષાઓને જાણ્યા સિવાય જ તેના અંગ્રેજી અનુવાદો કે સારો દ્વારા તે શીખે છે તેમ ભારતીય તત્ત્વજ્ઞાન વિશે બન્યું છે.’ એમણેકહેલું કે ભારતીય અભ્યાસીઓએ મૂળ ગ્રંથોને પામી શકાય એટલું સંસ્કૃત શીખવું જોઈએ. સામાન્ય અભ્યાસી અનુવાદથી ચલાવી શકે પણનિષ્ણાત થવા ઇચ્છનારે તો મૂલ્યપર્યંતગામી સજ્જતા વધારવી જોઈએ. એમ થતાં અભિવ્યક્તિના કે ભાષા–પરિભાષાના પ્રશ્નો નહીં નડે નેસૂત્રાત્મક લાઘવ અને પારદર્શી નિરૂપણ શક્ય બનશે. પંડિતજીને આદર્શ માનવાની યોગ્યતા કેળવાશે.
શબ્દવેધી બાણ ચલાવનારા નિશાનબાજો પૃથ્વીરાજ ચૌહાણ સુધી હતા. પંડિતજીને અવાજ પરથી દિશાનો ખ્યાલ આવી જતો એટલું જનહીં, અવાજ પરથી વક્તાના વ્યક્તિત્વનો અંદાજ પણ આવી જતો. શબ્દ અને અર્થ એ વાણીનાં સંયુક્ત ઘટકો ગણાયાં છે. અર્થની મદદપછી તો સહુ સમજે. પંડિતજી શબ્દ દ્વારા પણ એમના ઉદ્ગાતાને પામી જતા. એમની આ શક્તિ પણ આશ્ચર્યચકિત કરે એવી હતી. પણએમને પૂછ્યું હોત તો કહેત: એકાગ્ર સજગતા, બીજું શું?
પંડિતજીએ પ્રવાસવર્ણન પણ કર્યું છે. શ્રી દલસુખ માલવણિયાએ નોંધ્યું છે કે તેઓ હરતાફરતા હોય ત્યારે આસપાસની ઝીણી ઝીણીવિગતો સહચર પાસેથી જાણી લેવાનો પ્રયત્ન કરે તેથી તેમના વર્ણનમાં તાદશ જોયાનો ભાવ સહજ રીતે આવી જાય. વાચકને ખ્યાલ પણન આવે કે આ વર્ણનો એક અંધ વ્યક્તિએ કરેલાં છે. (જુઓ, દર્શન અને ચિંતન ભાગ 2, પૃ. 189થી 246) દલસુખભાઈએ લખેલા‘પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી’માં આજના સંદર્ભમાં કેટલાંક સમાધાનો પ્રતીતિકર રીતે મૂકી આપ્યાં છે: ધર્મનું નામ સૂગ ઉપજાવનારું થઈપડ્યું છે અને તત્ત્વજ્ઞાન એ નકામી કલ્પનાઓમાં ખપવા લાગ્યું છે. એના કારણમાં પંડિતજીને લાગ્યું છે કે ધર્મનું કલેવર જડતાપોષક થઈગયું છે. એવો ધર્મ છોડવો જ રહ્યો પણ સંસ્કૃતિ વિના માનવતા કે રાષ્ટ્રીયતા નથી સર્જાતી કે નથી ટકતી.
પંડિતજી માનતા કે જવાબદારીનું ભાન એ જીવનના સમગ્ર વિકાસની ચાવી છે. જીવનશક્તિનો યથાર્થ અનુભવ કરાવતી જવાબદારી સતતવેગવાળી નદીના પ્રવાહની જેમ રોકી શકાતી નથી. ચેતના એ એક એવી સ્થિર ને પ્રકાશમાન શક્તિ છે કે જે દૈહિક, માનસિક ને ઐન્દ્રિયઆદિ સર્વકાર્યોનું થોડું ઘણું ધ્યાન રાખે જ છે. આપણે ક્યારેય ચેતનાશૂન્ય થઈ શકતા નથી. જીવનશક્તિના ત્રણ અંશ છે — ચેતના, સંકલ્પ અને વીર્ય. આ જીવનશક્તિનો અનુભવ થાય તો જીવનદૃષ્ટિ બદલાય અને જીવનના વિકાસને માર્ગ મળી જાય.
તો આ જીવન શું છે?
‘જીવન સમુદ્ર જેવું અગાધ છે અને આકાશ જેવું અનંત છે. સમુદ્રને સપાટી છે, જીવનને પણ સપાટી છે. સપાટી ઉપર નાનાંમોટાં રંગબેરંગીહારબંધ અને હાર વિનાનાં આડાંઅવળાં અનેક મોજાંઓ ઊઠે છે, આગળ વધે છે, પાછાં વળે છે, અંદરોઅંદર અથડાય છે. એઅથડામણોમાંથી વળી નવાં તોફાની મોજાં ઊઠે છે અને છેવટે તે કિનારે પહોંચ્યા પહેલાં વચ્ચે અથવા તો કિનારે પહોંચીને પણ વિલીન થઈજાય છે. સપાટી ઉપરનું આ તરંગનૃત્ય એક પળ પણ થંભ્યા વિના રાત અને દિવસ સતત ચાલ્યા કરે છે. જ્યાં દેખો ત્યાં સૂક્ષ્મ — સ્થૂલકટીપતંગોની, વિવિધ પશુપક્ષીઓની અને માનવજાતિની સર્જન — સંહારલીલા જોવા મળે છે.
‘સપાટી ઉપરના ખેલ કરતાં ઊંડાણનો ખેલ જેમ સમુદ્રમાં કાંઈક જુદા જ પ્રકારનો હોય છે, જેમ જેમ તળ તરફ ઊંડા જઈએ તેમ તેમપાણી એકવિધ જ હોવા છતાં એના વહન — પ્રતિવહનના પરિવર્તનોમાં ફેર પડતો જ જાય છે, તેમ સપાટી ઉપરના જીવનને સ્પર્શતાજીવનસૃષ્ટિમાંના દેહગત વૈવિધ્ય કરતાં એ જીવનના ઊંડાણમાં રહેલ મનોગત અને વાસનાગત વહેણનું વૈવિધ્ય બહુ જ જુદા પ્રકારનું અનેજટિલ હોય છે. એમ તો સમુદ્ર અગાધ — તલસ્પર્શ વિનાનો કહેવાય છે, પણ માનવબુદ્ધિની છેલ્લી શોધોએ એનું તળિયું માપ્યું છે, તેમછતાં આજ સુધીની કોઈ માનવ શોધે જીવનના તળનો લેશ પણ સ્પર્શ કર્યો નથી. તેથી જીવન ખરા અર્થમાં જ અગાધ છે. આકાશપ્રદેશમાંગમે ત્યાં જઈને ઊભા રહી, ગમે તેટલે દૂર જાઓ, છતાં ત્યાંનું ક્ષિતિજ નવું વિસ્તર્યે જ જવાનું. જીવનની બાબતમાં પણ એમ જ છે. કોઈપણ કક્ષાએ જઈને જીવનનો વિચાર કરી એને વિષે કલ્પનાઓ સર્જો પણ એ વિચારો અને કલ્પનાઓ સાવ અધૂરાં લાગવાનાં. જીવનનાપૂર્ણ અને યથાવત્ સ્વરૂપને તે વિચારો કે કલ્પનાઓ પકડી શકવાનાં જ નહિ. એ એની પૂરી પકડથી પહેલાંના જેટલું જ વેગળું અનેઅલિપ્ત રહેવાનું. તેથી જ ખરા અર્થમાં જીવન અનંત છે, અમાપ છે, અગ્રાહ્ય છે, અજ્ઞેય છે.’ આમ છતાં માનવ એ જીવનતત્ત્વની શોધમાંલાગેલો છે અને એ શોધના જે પડાવો છે તે જ તે ધર્મના વિવિધ માર્ગો છે. ‘આને લીધે ભારતીય આધ્યાત્મિક ચિંતનની દીર્ઘ યાત્રામાંઅનેક માર્ગોનાં જુદાં જુદાં પ્રસ્થાન તેમ જ નાનાવિધ વિષયોનાં જુદાં જુદાં નિરૂપણો જોવા મળે છે. એક રીતે એમ કહી શકાય કે જેટલુંભારતીય કે વિશ્વવાઅમય ઉપલબ્ધ છે તે બધું એકંદરે આ શોધનો જ પ્રત્યક્ષ પુરાવો છે.’ (પૃ. 56-57, પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી)
પંડિતજી આટલા સર્વગ્રાહી અને વૈશ્વિક થઈ શક્યા એના પાયામાં બે વસ્તુ લાગે છે: (1) અનેકાન્તવાદના જૈન સિદ્ધાંતની પાકી સમજ અને(2) યુગાવતાર ગાંધીજીના જીવનરહસ્યનો આંતર અનુભવ. એમની સહિષ્ણુતા અને સાદગીમાં આ બંને વસ્તુ મૂર્ત થયેલી જોવા મળતી. આમ, જ્ઞાનના સાધક માટે સંતનું જીવન સહજ બન્યું. ગુરુ નાનકે કહેલું કે સત્ય શ્રેષ્ઠ છે પરંતુ સત્યનું આચરણ શ્રેષ્ઠતર છે. આ આચરણકરતાં કરતાં એમણે ક્યારેક એવી વાત કહેવાની પણ આવતી કે જે જૈન વિદ્વાનોને પણ કઠતી. પંડિતજી સંપ્રદાયની શિસ્તમાં સમાય એવાનાના રહ્યા જ ન હતા. એ ‘બ્રહ્મ’ અને ‘સમ’ના ઉપાસક એક સાથે હતા. એમણે 1959માં સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખતરીકે આ વિશે જ વ્યાખ્યાન આપ્યું હતું. એ માનતા કે બુદ્ધિનો મૂળગત સ્વભાવ સત્યને સ્પર્શવાનો છે. હું એક સચેતન તત્ત્વ છું અનેબીજા પ્રાણીવર્ગમાં પણ એવી જ ચેતના છે. ‘સમ’ની દૃષ્ટિ આ સ્વીકારે છે. બાહ્ય પ્રકૃતિ એ બુદ્ધિનું બીજું પ્રભવસ્થાન છે. એમાંથીકવિત્વમય ચિંતન લાધે છે. પ્રકૃતિનાં દૃશ્યમાન રૂપો પાછળ પરમગૂઢ તત્ત્વ હોય પણ એ રૂપોને સંબોધીને થતી પ્રાર્થનાઓ બ્રહ્મરૂપેઓળખાઈ. એમાંથી ફલિત થતું કે અખિલ વિશ્વના મૂળમાં એક ‘સત’ કે ‘બ્રહ્મ’ તત્ત્વ છે. તે જ દેહધારી જીવનવ્યક્તિમાં પણ છે.
પંડિતજી મોટામાં મોટા વિચારકને, ગૂઢતમ તત્ત્વને વિશદતાથી સૂત્રાત્મક રીતે રજૂ કરી શકતા. અંગ્રેજી તો એ પાછળથી શીખ્યા. એમનીતાલીમ મૂળ સંસ્કૃત ગ્રંથોની. પણ સ્વાધ્યાય કેવો સતત અને ચિંતનગર્ભ. વાંચેલું કંઠસ્થ થાય ને કંઠસ્થ થયેલું ચિંતન દ્વારા વિશદ થાય, એમના પોતાના વિચારરૂપે પ્રકાશિત થાય.
સો વરસ પૂરાં થવામાં વાર ન હતી ત્યાં એમણે વિદાય લીધી. ડગલી જેવા દોડી આવે એની નવાઈ ન હોય પણ એકેએક ક્ષેત્રના વડીલોસ્મશાનમાં હાજર હતા અને એમના સહુના મોં પર અનાથ બની ગયાનો એક આછો છૂપો ભાવ હતો. અઠવાડિયા પછી ભાષાભવનમાંએમને વિશે બોલતાં બોલતાં દર્શનનાં વિદુષી પ્રો. એસ્તર સોલોમન રડી પડ્યાં ને બેસી ગયાં. પંડિતજી જતાં જાણે કે સામેથી એક શિખરઅદૃશ્ય થઈ ગયું અને એના અંતસ્થલમાંથી વહેતું ઝરણું જુદી જુદી આંખોમાં ઠરી પાછું વહી ગયું.