સહરાની ભવ્યતા/સુરેશ જોષી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સુરેશ જોષી|}} {{Poem2Open}} શ્રી સુરેશ દલાલ એમની પેઢીના લેખકોમાં સ...")
(No difference)

Revision as of 09:04, 21 April 2022

સુરેશ જોષી


શ્રી સુરેશ દલાલ એમની પેઢીના લેખકોમાં સહુથી મોટા વ્યવસ્થાપક તો સદ્ગત સુરેશ જોશી વ્યવસ્થાના સહુથી મોટા વિરોધી. જેવ્યવસ્થાઓ એમના સન્માનમાં કરવામાં આવી હોય એમની પણ એ વહેલીમોડી ટીકા કરવાના. ટીકા એમનો સ્થાયી ભાવ હતો અને જ્યાંનાયક હોય ત્યાં વિરોધ નામનો રસ સર્જાતો. સુરેશભાઈ માટે આ રસ આસ્વાદ્ય પદાર્થ પણ હતો અને સ્વયં આસ્વાદ પણ. વળી એ માનેપણ ખરા કે રસની પરિભાષામાં સમગ્ર સાહિત્ય વિશે વાત કરવી મુશ્કેલ છે. જેમ કે સાહિત્યકૃતિ બળનો અનુભવ કરાવે તો બેચેન પણકરી મૂકે. તેથી વિરોધ નામના નવા રસને સ્થાન છે. પૂર્વસૂરિઓએ શાંત રસને નવમું સ્થાન આપ્યું હોય ને પછી ભક્તિ ને વાત્સલ્યનો પણવિચાર થયો હોય તો સુરેશભાઈના વિરોધની ઉપેક્ષા કરવાને કોઈ કારણ નથી. સાહિત્યના વિદ્યાર્થીઓએ યાદ એટલું જ રાખવાનું છે કેબીજા રસ વ્યક્ત થાય છે જ્યારે આ વિરોધ નામે રસ સર્જાય છે.

એ જ્યાં હોય ત્યાં નાયકથી સહેજ પણ ઊતરતા સ્થાને હોય નહીં. રહી શકે નહીં. ગમે તે ક્ષણે બધાં સૂત્રો એમના હાથમાં આવી જાય. એકોઈ પણ લેખક પર કટાક્ષ કરી શકે અને એ પણ જનોઈવાઢ! આ કામ એવું લીલયા થયું હોય કે અહિંસક લાગે.

અમારી પેઢીના ઘણા લેખકો પોતાના ભોગે પણ સુરેશભાઈના કટાક્ષ માણે. એનું કારણ છે. ગુજરાતીમાં લેખકો છે એવું કશું પોતે જાણતાજ ન હોય એ રીતે વાત કરવાની એમને ફાવટ હતી. એમાં અપવાદ કરીને કોઈ નામ એમના હોઠે ફરકી જાય તો અહોભાગ્ય!

સાતમો દાયકો આખો એમનો હતો. રાધેશ્યામ શર્માએ એમની પહેલી લઘુનવલના અર્પણમાં લખ્યું હતું:

‘જેમનાથી પ્રભાવિત થયા વિના
જેમને રંગે રંગાયો તે સુરેશ જોષીને,
જેમને રંગે રંગાયા વિના
જેમનાથી પ્રભાવિત થયો તે નિરંજન ભગતને.’

(— ફેરો)


પ્રભાવિત થવા અને રંગે રંગાવા વચ્ચે રાધેશ્યામે કલ્પ્યો છે એવો ભેદ કર્યા વિના પણ ઘણા સમકાલીનો આવું વિધાન કરી શક્યા હોત.

સુરેશભાઈ ગુજરાતીના અધ્યાપક હતા. ગુજરાતી સાહિત્યમાં શું નથી એ શોધવું એ જાણે એમનું જીવનકાર્ય હતું. નિરંજનભાઈ અંગ્રેજીનાઅધ્યાપક હતા. ગુજરાતીમાં ક્યાંય કશું હોય તો ધૂળ ધોયાની ધીરજથી એમણે એ શોધવાનું કામ કર્યું છે. આ બે વલણોને વિવિધ સંદર્ભમાંતપાસવાનું મને ગમ્યું છે. 1965માં મેં ‘અમૃતા’ લખી. ઉદયન અને અનિકેતનાં પાત્રો રચવાનું સૂઝ્યું તે મૂળ આ બેમાંથી. એમના જીવનનીએકેય ઘટના ખપમાં લેવાની મારે જરૂર ન હતી. ખ્યાલ પૂરતો હતો, બે તદ્દન ભિન્ન જીવનપદ્ધતિઓ અને છતાં એક જ સમયમાં! ઘણીવાર બંને સાચા લાગે! અમે સાતમા દાયકાના નવલેખકોએ આ બંનેને ભક્તિભાવે કે વેર ભાવે ભજ્યા છે. એમના સીધા સંપર્કમાં નઆવનાર કવિઓ અને વાર્તાકારો પણ પ્રભાવમાં આવ્યા વિના રહ્યા નથી.

નવાઈની વાત છે કે સુરેશભાઈ પોતે કોઈ એક લેખકના પ્રભાવમાં રહ્યા નથી. રવીન્દ્રનાથ, બોદલેર, કાફકા — કોઈના નહીં. રવીન્દ્રનાથનીકવિતાનાં અવતરણો આપીને એમણે ગાંધીયુગની કવિતાને શુષ્ક સિદ્ધ કરી છે તો બોદલેરની કવિતાને યાદ કરીને રવીન્દ્રનાથને અસ્વીકાર્યએવા જગતને કાવ્યવિશ્વમાં બિરદાવ્યું છે. કયા સર્જકમાં શું છે એ શોધવા કરતાં શું નથી એ શોધવાનું સુરેશભાઈને વધુ ફાવ્યું છે. અલબત્ત, બે લેખકોની સરખામણી કરતી વખતે એમણે બંનેના છેદ ઉડાડ્યા નથી. એકને ઉથાપવા બીજાને સ્થાપ્યો છે ને બીજા કોઈ પ્રસંગે પેલાસ્થાપિતને ઉથાપવા કોઈ ત્રીજાની મદદ અનાયાસ એમને મળી આવી છે. ગુજરાતી વિવેચનમાં આ રીતે એક ‘છેદ ઉડાડવા–શૈલી’ વિકસી. સુરેશભાઈ ગુજરાતી નવલિકાના ક્ષેત્રે વળાંક લાવ્યા એટલું કહીને અટકી જનારા પૂર્ણ સત્ય કહેતા નથી. વિવેચનના ક્ષેત્રે પણ એમનું પ્રદાનવિશિષ્ટ છે.

સુરેશભાઈ વ્યક્તિ તરીકે, સર્જક તરીકે કે વિવેચક તરીકે અમરતાના ઉપાસક નહોતા. એમનાં પાત્રો ભંગુરતાની વાતો કરે છે, લયપામવામાં માને છે. ‘વિલયની ઇચ્છા એ જીવનને સમજવાની શરૂઆત છે’ — એ મતલબનાં વાક્યો સુરેશભાઈ પૂંઠા પર ટાંકે છે. જો પોતેઆવું માનતા હોય તો કોઈ લેખકને અમર કરવાનો પ્રયત્ન કરવો એ તો વિરોધાભાસ થયો!

આ સંદર્ભમાં એમના વિવેચનને વાંચનાર જોઈ શકશે કે ગુજરાતી સાહિત્યમાં કશું નથી એમ સાબિત કરવાનો એમનો અભિગમ વાજબીછે. મુનશીએ જે અસ્મિતા શબ્દ આપેલો એ અધ્યાત્મ ભાવનાને પ્રતિકૂળ હતો. શૂન્યતાનો ભાવ જીવનનો મોહ ઘટાડવામાં મદદ કરે એમછે. ગોવર્ધનરામના નાયકે ઘર છોડ્યું હતું. સુરેશભાઈના નાયકો જીવન છોડે છે. એ વિકાસનું લક્ષણ છે. શું છે આ જીવનમાં? આગળવધતી માનવભીડમાં શ્વાસ રૂંધાતાં એક માણસ મરી ગયો. પણ ભીડના જોરે એ બીજા જીવતાઓની રીતે જ આગળ વધતો રહ્યો. આ રીતેમરી ગયા પછી પણ ગતિશીલ લાગતો માણસ સુરેશભાઈની ચિંતાનો વિષય છે. આ ઉધાર જમાનામાં મૃત્યુના બિંદુથી જીવનને જોવા માટેએમની પાસે કારણ હતું.

છેલ્લે છેલ્લે એ વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના વડા હતા પણ નોકરી બાબતે એમની કદર થવામાં ઘણું મોડું થયેલું. અગાઉ ઘણી યોગ્યતાવાળા માણસોના હિતમાં એમની નોકરી ગઈ હતી કે બઢતી અટકી હતી. એ માટે કયા પરિબળો શો ભાગ ભજવે છેએની એમને ખબર ન પડતી હોય એવું નથી. પણ જે લોકો સત્તા પર હોય એમને દુશ્મન બનાવવાનું એમને ભાગે વહેલું આવવાનું. અમારીબાજુ કહેવત છે: ‘કાંકરીએ ઘડો ફોડ્યો.’ સુરેશભાઈની એકાદ નાની શી શબ્દકાંકરી ગમે તેના ગૌરવનો ઘડો ફોડી શકે. ક્યારેક તો એમણેનિશાન તાક્યું જ ન હોય, જનાન્તિકે બોલ્યા હોય. પણ લક્ષ્ય સ્થાને પહોંચે નહીં તો એમનો શબ્દ શાનો? આ પ્રકારનું દૂતકર્મ કરનારાશુભેચ્છકોની એમને ખોટ નહોતી.

ક્યારેક એમ માનવા આધારો મળતા કે સુરેશભાઈને સહન કરવાનું ગમે છે. સંસારમાં સહન કરનારાઓ માટે સહાનુભૂતિ રાખનારાઓનીસંખ્યા મોટી હોય છે. ઘણા લોકો કહ્યા કરતા: ‘જુઓ ને! સુરેશભાઈ હજી લેક્ચરર છે!’ વચ્ચે એમણે એક ઉત્તમ લેખક વિશે લખેલું: ‘પ્રકાશકના અભાવે એની ઘણી કૃતિઓ હજી અપ્રગટ છે!’ યોગ્ય પ્રકાશકની શોધ બધા જ લેખકો કરતા હોય છે. સુરેશભાઈના બેવિવેચનસંગ્રહો આર.આર. શેઠે છાપ્યા હતા. બધું ગોઠવાયું હતું. ભગતભાઈને રસ હતો, કેમ કે આદર હતો. પણ પુસ્તકના કદ વિષે પણદર વખત નવા ખ્યાલો, મુદ્રણમાં નવા પ્રયોગો! જાતે નુકસાન વેઠે અને લેખકને પણ નુકસાન કરી શકે એવા પ્રકાશકો સાથે જ પોતાનોઋણાનુબંધ છે એમ માનીને એ ચાલ્યા. અલબત્ત, છેલ્લે છેલ્લે સદ્ભાવવાળા પ્રો. ચંદ્રકાન્ત કડિયા અપવાદરૂપ નીવડ્યા. એ પૂર્વે પ્રગટથયેલા સુરેશભાઈના ત્રીજા નિબંધસંગ્રહના આરંભે કંઈક આવી નોંધ મૂકવામાં આવી હતી: મુદ્રણદોષો એટલા બધા રહી ગયા છે કેશુદ્ધિપત્રક આપવું શક્ય નથી. આવું વાક્ય એ જ લખી શકે. શક્ય છે કે એ વાક્ય લખતાં એમને રોમાંચ થયો હોય. એમની માન્યતાઓનીલીલયા પુષ્ટિ થઈ કહેવાય ને! જુઓ ને! ગુજરાતીમાં સાહિત્ય નથી તો મુદ્રણના પણ કેવા બૂરા હાલ છે! ‘ઉપજાતિ’ નામનો કાવ્યસંગ્રહ રદકરીને જેમણે ધોરણ સ્થાપવાનો એક અપૂર્વ પ્રયોગ કર્યો એ સુરેશભાઈ ચં. ચી. જેવા ક્રૂર હોત તો સામે ઊભા રહીને એમણે એ આખુંપુસ્તક સળગાવી મૂક્યું હોત.

હા, સુરેશભાઈ સહેજ પણ ક્રૂર નહોતા. કડક પણ નહોતા. પ્રેમાળ હતા. સાહિત્યમાં નરી લાગણીના નિરૂપણના ભલે વિરોધી હોય પણપોતે લાગણીના ભૂખ્યા હતા. સાહિત્યરસિક જિજ્ઞાસુઓ એમને વીંટળાઈને બેસે તો એમને બીજું કંઈ ન જોઈએ. ઉષાબહેન વચ્ચે વચ્ચે ચા–નાસ્તો લઈ આવે. આતિથ્ય તો એમનું જ! કલકત્તાવાળા જયંતિલાલ મહેતા પરિષદના 30મા સંમેલનમાં વડોદરા ગયા ને ઉતારો વગેરેબતાવનાર કોઈ સ્વયંસેવક ન મળતાં સીધા ગયા સુરેશભાઈને ત્યાં. ત્યારે ઉતારાની સગવડ છોડીને કેટલાક એમને ત્યાં બેસવા આવ્યાહતા, ભલે સુરેશભાઈ સંમેલનમાં આવવાના ન હોય! બીજે દિવસ મારી અને ચંદ્રકાન્ત શેઠની અરજ અને શિરીષ પંચાલની ભલામણટાળી ન શકતાં માન્યતાના ભોગે પણ આવેલા. સર્જન વિભાગમાં પોતાની નવલકથા વિશે બોલવાનું હતું. પોતે વ્યક્ત કરેલી મરણનીઅનુભૂતિનો યુગસંદર્ભ વ્યક્ત કરતાં એક ઊર્મિગીત સમું આસ્વાદ્ય વક્તવ્ય આપ્યું. એ આવ્યા તેથી સહુને આનંદ થયો. ન પણ આવ્યાહોત. ઘણી જગાએ છેલ્લી ઘડીએ નહોતા જતા. એમને બોલાવનારાઓનો જીવ ઊંચો રહેતો. વાતાવરણ બદલાતાં પણ ક્યારેક તબિયતબગડે. ક્યારેક એમની ઇચ્છા જ શમી જાય. પ્રેમવશ થઈને હા પાડી બેઠા હોય પણ મોટા સમારંભો એમને ગમતા નહોતા. મોટી મેદનીનેપ્રભાવિત કરતી છટાઓ એમની વાણીમાં જરૂર પ્રગટે પણ મિત્રો જાણે છે એ સ્વભાવથી ગોષ્ઠીના માણસ હતા. સાહિત્યના અને એમનાપાંચસાત સહૃદયો નિષ્ઠાથી સ્વાધ્યાય કરે. કશુંક નક્કર કરે. ‘લોકપ્રિય’ શબ્દને એમણે ગુજરાતમાં બહુ વગોવ્યો છે. લોકપ્રિય થયા એએમની નજરે ગયા.

એમનાં આવાં આત્યંતિક વિધાનોથી પ્રેરાઈને ઉમાશંકરે એકવાર સુરેશભાઈના વ્યાખ્યાન પછી રમૂજ કરેલી. એક લેખકે બહુ ઉત્સાહથીકહ્યું: ‘મારા વાચકો હવે બેવડા થઈ ગયા છે.’ સામેથી પ્રશ્ન થયો: ‘શું તમે લગ્ન કર્યું?’ એક વાર આદિલે સુરેશભાઈના સરનામામાં લખેલું: ‘તંત્રી, લેખક, વાચક: ક્ષિતિજ.’

સુરેશભાઈએ ઘણાં સામયિકો ચલાવ્યાં. માર્ક ટ્વેને કહેલું કે સિગારેટ છોડવી સહેલી છે, મેં સાત વાર છોડી છે. સુરેશભાઈ ઊલટાવીને કહીશકે કે સામયિક શરૂ કરવું સહેલું છે. મેં છ સામયિકો શરૂ કરેલાં. એ ચાલ્યાં નહીં એ કંઈ એમનો દોષ નથી. એકેય બંધ કરવાનો નિર્ણયએમણે નહોતો કર્યો. પણ આ પ્રકારનાં સામયિકોમાં લેખકો જ વાચકો હોય છે. અમુક રમતોના પ્રેક્ષકો ખેલાડીઓ જ હોય છે તેમ. એક વારસુરેશભાઈ ફરિયાદ કરતા હતા: ‘એતદ’માં રસિકભાઈ ને જયંત પારેખ લખતા નથી. મને પૂછવાનું મન થયેલું: ‘વાંચતા હશે ખરા?’ કદાચ વાંચતા તો હશે જ. આ નહીં તો બીજું. એમને એ પણ ખાતરી હશે કે ‘એતદ’ બંધ થશે તો બીજું સામયિક શરૂ કરવાનું આવશે જ. ભલે આખી દુનિયા એમની લાગણી દુભવે પણ આ બે જણા તો એમની સાથે જ રહેશે. સુરેશભાઈના છેલ્લા શ્વાસ સુધી એ સાથે હતા.

આજેય સુરેશભાઈ અઘરા લેખક ગણાય છે. પરંતુ એ વિદ્વાન હતા, એ સર્વસ્વીકૃત હકીકત છે. જાણેઅજાણે આ હકીકતથી વાકેફ થયેલાકેટલાંક દૈનિકોના તંત્રીઓ એમની પાસે કટાર લખાવતા. વચ્ચે તો જનસત્તા–લોકસત્તામાં એ અઠવાડિયામાં બે ‘કટાર’ ચલાવતા. શ્રીચંદ્રકાન્ત શાહ મૅનેજર થયા ને એ પોતાનું છાપું વાંચવા લાગ્યા. સુરેશભાઈના શબ્દો પર નજર પડી. એમને કશું સમજાયું નહીં. ન તોસૂર્યોદય કે સૂર્યાસ્તનું સૌંદર્ય પમાયું. બંધ કરાવ્યું. નરેન્દ્ર ત્રિવેદી ત્યાં ચોથું પાનું કરે. ક્યારેક સુરેશભાઈએ કોઈ કૃતિ, લેખક કે સાંસ્કૃતિકઘટના વિશે લખ્યું હોય ને કશુંક નક્કર નીપજી આવ્યું હોય તો અમે વાંચ્યાનો આનંદ વહેંચીએ. એમના જેવા સહૃદય કે ભગવતીકુમારજેવા સર્જક એમની પાસે પોતાના છાપામાં લખાવે છે એ સારું છે. લલિત ગદ્યનાં એકબે વાક્યો છાપાના વાચકની આંખે ચડે એયઅહોભાગ્ય કહેવાય. છાપાંની લાખો નકલો છપાતી હોય તેથી એમ માની લેવાનું નહોતું કે સુરેશભાઈ લાખો લોકો માટે લખતા. એમનાંપુસ્તકોનાં અર્પણ જુઓ. તમને ખાતરી થશે કે આ પુસ્તકો તો એમણે પરિષ્કૃત રુચિવાળી કોઈ એક જ વ્યક્તિ માટે લખ્યું છે, ‘શ્રુણ્વન્તુ’નાઆરંભે એમણે ખુલાસો કર્યો છે:

‘સાહિત્યનો ભાવક વર્ગ જુદી જુદી કક્ષાનો અને રુચિનો છે. એમાંનો એક વર્ગ નવી પ્રવૃત્તિઓ પરત્વે બહુધા ઉદાસીન તો કોઈક વારવિરોધી વલણ દાખવે છે. બીજો વર્ગ રૂઢિને અનુસરનારો અને વ્યુત્પન્ન હોય છે. એ શાસ્ત્રચર્ચામાં વિશેષ રાચે છે; તો ત્રીજો એક વર્ગનવાને માટે ઉત્સાહ બતાવે છે, સૂત્રોચ્ચાર કરે છે. ખરીતાઓ બહાર પાડે છે, પણ એનામાં ઝાઝી વિવેકબુદ્ધિ કેળવાયેલી હોતી નથી. આસિવાયનો પરિષ્કૃત રુચિવાળો, મુકુરીભૂત હૃદયવાળો સાચો સહૃદય તો હંમેશાં વિરલ જ રહેવાનો પણ એનો અવાજ રૂંધાઈ જવો નજોઈએ.’

શ્રી સુમન શાહ સુરેશભાઈને સમૃદ્ધ ભાવક ગણાવે છે. એક રીતે ખરું છે. એ ન્યાયે એ મને ઉત્તમ આસ્વાદક લાગ્યા છે. જે કૃતિ એમણેમાણી હોય એનો એ સવાયો હિસાબ આપી શકતા. હા, એ કઈ કૃતિ માણશે અને કઈ નહિ માણે એની આગાહી કરવી અશક્ય નહીંતોપણ ઠીક ઠીક મુશ્કેલ હતી. એમણે ‘શ્રુણ્વન્તુ’માં ગણાવેલી પ્રથમ ત્રણ કોટિઓના ભાવકોના ભાગ્યમાં હોય તો સુરેશભાઈ ચોથી કોટિનાઅર્થાત્ વિમલ દર્પણ શા સહૃદય તરીકે કામ આપે. નહીં તો અભિનવગુપ્તે ગણાવેલાં રસવિઘ્નોમાંથી એકાદ અપનાવી લે. ટૂંકમાં આસ્વાદકતરીકે પણ એ ભાવિની અનિશ્ચિતતાના ખ્યાલના પ્રવર્તક અને દૃષ્ટાંત બંને બની રહેતા.

એમણે સહજ રીતે તેમજ સજ્જનતા વધારવા જે પાશ્ચાત્ય કથાસાહિત્યનું પરિશીલન કર્યું હતું, એ પ્રેમના ખ્યાલને દૃઢ કરે એમ નથી. બલ્કેપ્રેમ તો ભ્રાંતિ ઠરે. જીવનની અવનવી સંકુલતાઓ દૃષ્ટિને ખૂંપવી દે. પરંતુ સુરેશભાઈનું સર્જનાત્મક લેખન જુઓ. એ વેદના અને પ્રેમનાબિંદુએ વારંવાર પહોંચે છે. ક્યારેક એમની કોઈ આલંકારિક ઉક્તિ વિધાયક દર્શન સૂચવી રહે છે:

‘થોડી વેદના, થોડું શૂન્ય આપણને આ સંસારમાં સાચાં બનાવવાને જરૂરી છે.’

‘જે આ ક્ષણે આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે દૂરનું નક્ષત્ર બનીને ચમકે છે.’

(પૃ. 40 અને 50, છિન્નપત્ર)


વિવેચક કરતાં આ સર્જક સુરેશભાઈમાં મને વધુ રસ પડ્યો છે. કેટલીક વાર્તાઓ, ‘જનાન્તિકે’ અને ‘છિન્નપત્ર’ એ એમનું આગવું અર્પણછે, ગુજરાતી સાહિત્યનો સ્વાધ્યાય કરીને એનું તટસ્થ નિરીક્ષણ માગવા માટે તો મોડું થઈ ગયું હતું. એમણે પશ્ચિમની બારી પૂરેપૂરી ખોલીઆપી. પોતાના નકારાત્મક લાગતા અભિગમથી અનુગામી પેઢીને વિધેયાત્મક રીતે સભાન કરી. વિશ્વની ઉત્તમ કૃતિઓનો સંદર્ભ અનિવાર્યબનાવ્યો. રાજકારણથી એ સદંતર અળગા રહી શક્યા અને કટોકટીકાળમાં શાસકોને લક્ષમાં રાખીને બેત્રણ વાર કડવાં વેણ લખી શક્યા. એમ કરવું એમને સહજ હતું. એ નિર્ભય હતા. સ્વાતંત્ર્યનું મૂલ્ય સમજતા.

એક લેખકમિત્રે વડોદરા સંમેલનના સંદર્ભમાં હળવી રીતે કહેલું કે એ ભલે ન આવે. એમની બીક રાખવા જેવી નથી. અહીં એમના પ્રશંસકોમાત્ર ત્રણ છે. તત્કાળ તો મેં હસી લીધેલું, પણ પછી વિચાર કરતાં ગંભીર થઈ ગયેલો. મને સોરેસ કીર્કેગાર્ડ અને એનો જમાનો યાદઆવેલો. પોતાની વાત કહેવા જતાં એ કેવો એકલો પડી ગયો હતો? સવા સદી પછી એટલો વિકાસ થયો કહેવાય કે સુરેશભાઈ એની જેમસાવ એકલા નહોતા. એમને ત્રણેક શુભેચ્છકોની હૂંફ તો હતી જ.

*

સુરેશભાઈ (1920-86)ના અવસાન પછી જે ઉદ્ગારો નોંધાઈને એક રચના બની એમાં એમના કથાવિશ્વનાં પાત્રો પણ ડોકાયાં. એ એકલાન રહ્યા.

1.

ડહોળાયેલી નદી શી પદ્માની આંખ ખૂલી, માલાનાં આંસુંમાં તારા ટમટમી ઊઠ્યા. વાદળથી અણધાર્યું ઢંકાયું નક્ષત્ર. મિત્રોએ સિગારેટ મૂકી દીધી. એની સહેજ રાખ ખરી ન ખરી ત્યાં સૂર્યના તડકામાં પ્રસરી કપૂરની સુવાસ.

2.

ચંદ્ર આથમ્યો અમારાં સપનાંની આસપાસ.

3.

બધું બહુ જ ધીમે, નીરવ ભાવે થયું. છેલ્લે બારી બિડાઈ. આ બાજુ અમારી ભીતર જાગી નિર્જનતા નામની ઘટના.

4.

સુરેશભાઈ શૂન્યને ભારેખમ લેખતા ત્યારે સવાલ થતો. આજે અનુભવાય છે અજયની અભીપ્સા: ‘પણ માલા, જળનું બિંદુ જળમાં એકાકાર થાય તેમ એકાકાર થવાની આપણી સાધના કદાચ જન્મોજન્મ વિસ્તરવાની હશે… જે સ્નેહ આ શૂન્યને આવરી લઈને સમૃદ્ધ બની શકે તેને પામવા મથું છું… આપણે આપણી વચ્ચે જેટલી દૂરતા સમેટી લઈએ તેટલું આપણા પ્રેમનું ઐશ્વર્ય વિશેષ.’ સુરેશભાઈ કહેતા કે આ માલા કદી પૂરેપૂરી ક્યાંય હાજર રહેતી નથી: અર્ધી બારી બહાર, અર્ધી જ અંદર, અર્ધી આ જન્મમાં, અર્ધી પરજન્મમાં. આજે સમજાય છે પ્રેયસીની મર્મકાયાને વ્યક્ત કરવા માગતા કવિની વ્યથા ‘હું’ના દોરે શૂન્યના મોભે ઝૂલતી જિંદગીને પ્રેયસી જાણતાં ભવોભવ વીતી જાય. પણ પાત્રોને ઘડતા સર્જકની જેમ સર્જકને ઘડતાં પાત્રોએ કહેલું: ‘આપણી આખી છબી પામવા આપણે કેટલા બધા સંબંધો કેળવવા પડે છે!’ અને ગમે ત્યારે કાળા અસવારના ઘોડાના ડાબલા આપણા લમણામાં ગાજી ઊઠે છે. ઘૂઘવતા સમુદ્રને દૂર ખેંચી જાય છે ઓટનાં મોજાં. છીપનાં મોતી શોધવામાં ચાંદની સહેજે સહાયક થતી નથી. એ માટે તો મરણિયા થઈને ઝૂમવાનું રહે છે અકળ ઊંડાણે. અકારણ બની જાય છે શહેરના ટાવરનાં ઘડિયાળનો સંવાદ. સળગતાં હોય વન એકાન્તનાં ત્યારે સંબંધનું સત્ય તારવી લેવાની મથામણ વિશે હજી તો તમારી કને કાન માંડીને બેસવું હતું. હજી એક બીજા પડાવ સુધી પહોંચવું હતું પણ —

5.

આંખો વડે જ જીવતું એક ચરિત્ર કહે છે: ‘અર્ધા પાકેલા મરણનો ભાર લઈને ફરું છું. આથી હાથ લંબાવીને એકદમ કોઈને ભેટી શકતો નથી.’ આ ન ભેટવાની સ્થિતિમાં પણ ‘દૂરના દરિયાનો આભાસ ચાંદનીમાં ચમકતો રહ્યો.’ ન હોવાની વાત કેટલી બધી ખોટી છે સુરેશભાઈ! છેવટે તો નક્ષત્ર થવાની મમતા જગવતો સ્નેહ સાચો પડવાનો. પૂછો મૃણાલને. મરણને શરીરમાં પૂરીને તમે કેવા આબાદ નીકળી ગયા! ક્યાંય પગલી પાડ્યા વિના!

6.

મરણ કળી ન જાય એ રીતે જોવાનો પ્રયત્ન બીજા કોઈએ કર્યો ન હતો. દોડી જવાની આસક્તિ તો કોણે આચરી નથી? પણ મરણેચ્છાની શીતળ ધારે સ્મૃતિ અને આસક્તિને છેદીને તમે દાખવી સમજણની શરૂઆત… પારદર્શક શાંતિમાં ખંડ સુધી મરણને દોરી જનાર કોઈકે વર્ષો પહેલાં પૂછેલું: યાદ છે? ‘અભિમાન વિનાનો તે પ્રેમ હોય?’ સ્નેહથી સમજ સુધીની અવિરત યાત્રા એ જ તમારો મરણોત્તર પ્રેમ!

7.

સાક્ષરોના પત્રો ઉષાબહેને હજી ખોલ્યા નથી. સ્થગિત શબ્દે માત્ર લિપિથી શું? આ શેખ, રસિક ને સુમન, પેલા જયંત, શિરીષ ને ભરત — વાણીનો આખાબોલો વ્યવહાર આજે અંતર્મુખ. કેવો અણધાર્યો છતાં સહજ છે આ સ્મરણ અને મરણનો પ્રાસ!! આંખના ઝાકળમાં મહાકાળનો વિલાસ… તમે પ્રબોધેલી ભંગુરતાની છબિ ઝિલાઈ રહી છે મિત્રોના ધબકારે. અનુભવાઈ રહ્યું છે એક સહિયારું મરણોત્તર જીવન. પ્રેમના પર્યાય વિના કળાય નહીં એવું જીવન.