સુમન શાહની વાર્તાસૃષ્ટિ/મજાનો ડખો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મજાનો ડખો|}} {{Poem2Open}} આમ તો અમે ત્રણ ભાઈબંધ. પરણેલા–પસ્તાયેલા....")
(No difference)

Revision as of 10:14, 21 April 2022

મજાનો ડખો


આમ તો અમે ત્રણ ભાઈબંધ. પરણેલા–પસ્તાયેલા. છોકરાંવાળા. આધેડ વયના. ખાસ તો અમે બે. એટલે કે, હું જૅન્તી ને એ એટલે કે કાન્તિ. કહો કે અમે બે ખાસમ્ ખાસ! એકમેકનાં અડધિયાં સમજો! ત્રીજો તે શાન્તિ. નામનો જ શાન્તિ છે. કાયમથી ગરબડ કરે છે અમારા બેની વાતમાં. એનું ખરું કારણ એ છે કે શાન્તિ વહુવડિયો છે. બધું એની વહુને પૂછી–પૂછીને કરે છે. જોકે પૂછવા જેવી વાતમાં હુંય મારી વહુ હંસાને પૂછું છું, કાન્તિ ય પૂછે છે એની ગંગાને. પણ અમારું શાન્ત્યા જેવું નહીં. આખો દા’ડો રંભા રંભા કરતાં એની જીભ જ સૂકાતી નથી…! જોકે આ વાતનો અહીં કશો મતલબ નથી.

આમ તો અમે ત્રણે ય જણા લંગોટિયા ભાઈબંધ. મૅં કહ્યું એમ હું જૅન્તી ને કાન્તિ એકમેકનાં અડધિયાં છીએ. જાણે બે આંખો. એટલે, શાન્ત્યો પછી ક્યાં? લાગે છે કે નાક. શાન્તિ અમારું નાક, નકરું, નગરું પણ ખરું. કેમકે નડતર છે અમારી વચ્ચે એવિયો. કંઈપણ સરખું જોવું હોય તો કાયમથી વચ્ચે પડે છે ને નડે છે અમને. જાણો છો? એને લીધે ક્યારેક અમે ‘બાડા’ લાગીએ છીએ! ધ્યાન દઈને નીચું જોઈ વિચારતા હોઈએ કંઇક, ને વચ્ચે એ ડબકી પડે નાકની જેમ… જોકે આ બાબતનો ય અહીં કશો મતલબ નથી.

એક વારની વાત છે. ઉનાળાનો દા’ડો હતો. હું ને કાન્તિ બેઠા’તા અમારા ફ્લૅટના ધાબા પર. સાંજ ઢળી ગયેલી, રાત પડવામાં હતી. ટાઢા પ્હૉરનાં ગપ્પાં મારતા’તા. હંસા ન્હૉતી, બ્હારગામ ગયેલી. આવી જવાની’તી બે-ચાર દિ-માં. વાતમાં ને વાતમાં બન્યું એવું કે અમે સ્ત્રીનું શરીર, વાસના, પ્યાર, મહોબ્બત વગેરે બધી મોટી–મોટી વાતોમાં ઊતરી પડ્યા. કાન્તિ વળી લવ ને પ્રેમ ને પ્રણય ને એવું બધું બોલવા માંડેલો. એક તો મે મહિનાની ગરમી હતી ને રાત ઊતરવા માંડેલી. તેમાં આવી બધી વાતો. બન્યું એમ કે અમે રકઝક પર આવી ગયા.

કાન્તિ કહે કે હા ને હું કહું કે ના.

મુદ્દો એવો બાઝેલો કે… કેવી રીતે કહું… એટલે એમ કે મારું ક્હૅવું એમ કે તમે સ્ત્રીના પ્રસંગમાં અમુક હદથી વધારે આગળ ન વધી શકો. જેની જોડે દિલ લાગી ગયું હોય તેની જોડે વાત દિલ લગીની જ રહે. દિલની વાત તે દિલની વાત, શરીરની નહીં! કાન્તિ હઠ લઈને બેઠેલો કે ના, આગળ વધી શકાય, વધી જ શકાય. મૅં જોયું કે બોલતાં એ જરા શરમાતો’તો ને તેથી મરકતો’તો. ક્હૅ -દિલની વાત રહે કે ના રહે, પણ શરીરના બારામાં આગળ વધી શકાય.

કાન્તિ ‘બારામાં’ શબ્દ જરાક જુદી રીતે બોલેલો તે તરત મારા મનમાં નોંધાયેલું.

મેં કાન્તિને કહ્યું  -તું કેવી રીતે ક્હૅ છે આવું? તારો કોઈ બનાવ છે? અનુભવ છે તને આખી વાતનો?

જવાબ આપવાને બદલે એ હાળો મને સામો સવાલ કરવા માંડ્યો: તારો શો અનુભવ છે? તું કેવી રીતે ક્હૅ છે કે આગળ ના વધાય? તેં કદી પ્રેમ–બ્રેમ કર્યો છે?

મૅં કહ્યું -અનુભવ તો નથી મને, પણ મારું એવું માનવું જરૂર છે.

જો ભઇ, આમાં માનવું–ફાનવું ચાલે નહીં. કંઈ નકરી વાત હોય તો કર, બોલી નાખ કંઈ હોય તો… હંસાભાભી ય નથી આજે તો…

પછી કાન્તિ હસતી આંખોએ મને તાગતો રહ્યો.

ક્હૅ  -જો જૅન્તી, મારો તો અનુભવ છે અનુભવ, નગદ અનુભવ, સ્ત્રીના બારામાં મને ખાસ્સી ખબર પડે છે…!

મને થયું કાન્તિ આજે નકામો આડો ફાટ્યો છે. દર વખતે તો મારી હા–માં હા જ કરે. જોકે મને એવું ય થયું કે આજે એ એવું કંઈક કહી નાખવાના મૂડમાં છે. સાવ તલપાપડ થઈ રહ્યો છે એના જીવનની કશી ખાનગી વાત કરવાને. મૅં જોયું તો શબ્દો એના મૉંઢા પાસે ઊડ ઊડ થતા’તા. મૅં કહ્યું -કહી નાખ તારો અનુભવ…

એ ક્હૅ -એક છોકરી છે યાર –

પણ ત્યાં જ ક્યાંકથી બૂમાબૂમ કરતો શાન્તિ આવી પૂગ્યો : શું કરો છો લ્યા બન્ને જણા અંધારામાં બેઠા–બેઠા…? બાજુવાળાએ કહ્યું કે તમે ધાબે છો. નીચે તો બંધ છે બધું. ભાભી નથી?

ને સ્વિચ પાડી ધાબાની, એણે લાઇટ કરી. મૅં કહ્યું  -તારી ભાભી નથી, બ્હારગામ ગઈ છે. ‘કંઇ વાંધો નહીં કંઇ વાંધો નહીં’ -કરતો ખુરશી ખૅંચી શાન્તિ અમારી સામે બેઠો. મને થયું આ બલા અત્તારે કાંથી આવી ચડી…પ…ણ…ભાઈબંધ તે ભાઈબંધ, બીજી જ ઘડીએ ગમે. મેં જ કહ્યું :

સાંભળ સાંભળ શાન્તિ, અમારી વચ્ચે એક લઠ્ઠો પડ્યો છે. તને ગમ્મત પડે એવી વાત છે. વાત એમ છે કે– કરીને મેં અને કાન્તિએ વારાફરતી અમારી બન્ને વાતો માંડીને કરી.

એટલે મેં જોયું કે શાન્તિ જરા વટમાં આવી ગયો. એને એમ કે કેવા ઝકે ચડ્યા છે ને કેવા પોતાને પૂછે છે. એટલે મૅં એને તરત કહ્યું -જો શાન્ત્યા, તારી આદત મુજબ દગો ના કરીશ, ખરેખરું ક્હૅજે, અન્યાય ના કરતો.

એટલે તો પછી શાન્તિ ચાલુ થઈ ગયો;  આ રીતે :

જુઓ ભૈ, એક રીતે જોતાં તુંય સાચો છે ને તુંય સાચો છે. સૌ સૌના અનુભવની વાત છે, જેવો જેનો અનુભવ…

એણે વારાફરતી મારા અને કાન્તિના ખભા દાબેલા. પછી આંખ મારતાં ક્હૅ  -આપણો તો માળો બેય જાતનો અનુભવ છે…

હું કે કાન્તિ કંઈ બોલ્યા નહીં. મૅં પૂછ્યું -ચા પીશું? જોકે જાતે મૂકવી પડશે.

એટલે બન્ને જણાએ ના પાડતાં કહ્યું -વાત ચાલવા દે ને, થાય છે, ચા ક્યાં આટલા તાપમાં? શરબત પીશું શરબત. ને વાતનો દોર પકડી લેતાં શાન્તિ બોલવા લાગ્યો :

જુઓ ભઈલાઓ, પ્રેમ જ રહેવાનો, નથી ક્હૅતા લવ ઇઝ લવ…? પણ હું જુદું ક્હૅવા માગું છું. આ દિલ છે ને, તે શરીરમાં છે, શરીરમાં, જૅન્તી, અહીં, આ રહ્યું –

શાન્તિ પોતાની છાતીએ હાથ મૂકતો’તો ડાબી તરફ. પછી ત્યાં બાચકો ભરી બોલવા લાગ્યો  દિલ ને શરીર જુદાં નથી, નથી દોસ્તો, સમજો જરા. આ ક્હૅવાનો મતલબ એ છે કે દિલ લાગે એટલે શરીર લાગે ને શરીર લાગે એટલે દિલ લાગે– લાગે એટલે લાગે –

મેં જોયું કે શાન્તિ બોલતાં–બોલતાં હસી પડ્યો, કેમકે ‘લાગે’-થી એને જરા જુદું ક્હૅવું’તું ને એવું ક્હૅવાની એને હસી પડાય એટલી બધી રંગત આવતી’તી.

–બસ આટલી જ વાત છે! આમાં, આગળ વધવાનું ને ના વધવાનું ક્યાં આવ્યું?

મેં કહ્યું  ના, એવું નથી, ના વધાય તે ના વધાય. એટલે કાન્ત્યો તરત બોલ્યો  -ના, એવું નથી, વધાય વધાય ને વધાય. એટલે શાન્તિ તરત બોલ્યો -ઝઘડો નહીં ઝઘડો નહીં. તમને કહ્યું નહીં કે સૌ સૌના અનુભવની વાત છે…? બાકી વાતમાં કંઈ માલ નથી, બધું એક–નું–એક છે. આમથી ક્હૉ કે તેમથી ક્હૉ. એટલે મારે તો તમને બન્ને જણાંને એક જ વાત કરવાની છે કે આમાં કશું ક્હૅવા જેવું જ નથી, કશું ક્હૅવાય જ નહીં આવા વિષયમાં. આમાં તો જાતઅનુભવ જ ખરો ગણાય, બધી વાતે. ઝકાજકી કરવાને બદલે એવી કશી મુદ્દાની વાત કરો:

તું ક્હૅ જૅન્તી, તું શાથી વધાય નહીં વધાય નહીં કરે છે? વધવા ટ્રાય કરેલો કદી કોઈ સ્ત્રીના બારામાં? હંસાભાભી વિશે નથી પૂછતો, કંઈ બીજું હોય તો ક્હૅ. ને તું કાન્ત્યા, વધાય વધાય ને વધાય કૂટ્યે રાખે છે તે વધેલો કોઈનામાં…? ગંગાભાભી સિવાયની કોઈ હોય તો તેની વાત કર, જો કરવી જ હોય તો…! પછી તમને બન્ને જણાને હું મારી વાત કરું. મારી વાત એકદમની જુદી જ છે.

મને થયું કાન્તિ–શાન્તિ ગૅલમાં આવી ગયા છે ને બન્નેને તાલાવેલી થઈ ગઈ છે. મને એમ પણ થયું કે ક્યાંથી આવી વાતે ચડી ગયા? કંઈ નાના છીએ? અમારે છોકરો છે– અમેરિકામાં છે; કાન્તિને છોકરી છે, બારમામાં આવી છે; શાન્ત્યાને ય દસ વરસની બેબી છે. કંઈ શોભે આવી વાતો? શી ખબર ક્યાંથી આવો મુદ્દો નીકળી પડ્યો આજે…

હંસા ન હોય ત્યારે ઘણીવાર આવું બને છે. હું અવળે પાટે ચડી જઉં છું, અથવા મને અવળે પાટે કોઈ ચડાવી દે તો ચડી જવાય છે મારાથી. મને હંસા દેખાવા માંડી, પણ સાથે જ ખાસ પ્રકારનું એકલાપણું લાગવા માંડ્યું.

ધાબાની બ્હારના ભાગમાં અંધારું હવે વધી ગયેલું ને ઉકળાટે ય ઘટતો ન્હૉતો, કેમકે પવન તો ક્યારનો પડી ગયેલો. મૅં કહ્યું, -આપણે નીચે જઈએ; ઘરમાં બેસીએ સોફા પર પંખા નીચે…ને હું શરબત બનાવી દઉં…ત્યાં લગી તમે બન્ને જણા બીજી વાતો કરો…

નીચે ઊતરી પછી અમે ઘરમાં મેઇનરૂમમાં બેઠા હતા. મારી ડાબી બાજુએ કાન્તિ હતો ને શાન્તિ અમારી સામે બેઠેલો. એટલે આમ તો, વચ્ચે! શરબત પીતાં–પીતાં વાત આગળ ચાલેલી. જોકે ખરું પૂછો તો મને અકળામણ થતી’તી આ આખી ચર્ચાથી અને કોઈ એવી ઘડીએ હું અંદરથી નીકળી જવા માગતો’તો. એટલે મેં ઉતાવળિયા અવાજે કહી દીધું :

મારો તો હંસા સિવાયની કોઈ સ્ત્રીનો અનુભવ જ નથી. મારી તો માત્ર માન્યતા છે કે આગળ ના વધાય. કેમકે પ્રેમ તે પ્રેમ છે ને શરીર તે શરીર.

અલ્યા, હંસાભાભીના દિલને ચાહે છે? કે શરીરને?

કે બન્નેને?

મૅં બન્નેના સવાલોનો એક જ જવાબ વાળ્યો : મને અંગતમાં ના ખૅંચો, મને રસ નથી એવું બધું જોડવામાં…

મને થયું હું જરા ચિડાઇ ગયેલો લાગતો’તો, એટલે લગીર હસેલો. પછી મૅં ક્હેલું -આવું છું જરા અંદર જઈને. ક્હીને હું અંદર ગયેલો ને એક–બે મિનિટ બેડરૂમમાં બેડ પર બેસી રહેલો. પછી બેડરૂમની ને કિચનની લાઇટો કરીને પાછો ફરેલો. મૅં નક્કી કરેલું કે ચિડાયેલા નથી દેખાવાનું. છેવટે તો ભાઈબંધો છે મારા.

બન્ને જણા જાણે મારી જ રાહ જોતા’તા. શરબતનો પ્યાલો નીચે મૂકતાં કાન્તિ ક્હૅ:

જુઓ ભૈ, જુવાન છોકરીનો બાપ છું અને મને કંઈ મારી જાંઘ ખોલવામાં રસ નથી, પણ તમે ભૈબંધ છો એટલે વાંધો શો? બાકી તમારી ગંગાભાભી જાણે તો તો મારું આવી જ બને. એટલે આપણા ત્રણ સિવાયનું કોઈ જાણે નહીં તે ખાસ જોજો. સૉગન છે તમને…

એક વાર એક જણી અડફેટે ચડી ગયેલી ને એની જોડે પટ્ટી પડી ગયેલી આપણી. આમ તો આંખથી આંખ મળે છે ને આંખથી જ વાત થઈ જાય છે. ઇશારો નથી ક્હૅતા? જોકે મૅં તો, એ પ્હૅલીવાર દેખાયેલી ત્યારે, તે દિવસે, જરા આંખ મારેલી. એ જવાબમાં જરાક હસેલી. બસ! વાત પતી ગઈ! પછી આગળ વધવાનું. આગળ વધવાનું આવે જ છે ને વધાય જ છે. વીગતોમાં નથી ઊતરતો, બાકી મજા પડી ગયેલી પ્હૅલી વારમાં તો. પૈણી ગઈ છે જોકે. પણ આપણું ખાતું ચાલુ છે. કોઈને, ખાસ તો ગંગાને ખબર ના પડે એટલું જ જોવાનું. બાકી તમને કહું? ગંગા જોડે પણ મજા મને એને લીધે જ આવે છે. પેલીનું નામ શોભના છે, સિવિલમાં નર્સ છે. મજા આવે યાર, આવું કંઈ હોય તો, બાકી શું કરવાનું રોજ રોજ…?…

કાન્તિએ પૂરું કર્યું કે કેમ તેની ખાતરી કર્યા પ્હૅલાં જ શાન્તિએ શરૂ કરી દીધું :

મારું એવું છે કાન્તિ, જૅન્તી, જરા જુદું છે. આપણને કંઈ શોભના–ફોભના મળી નથી. આપણે સીધી લાઇનના માણસ ને તમે જાણો છો એમ અમારું તો સાદુંસીધું લગન હતું જૅન્તી, તમારા જેવું લવમૅરેજ નહીં, પણ શાન્તિ, તારા જેવું ઍરેન્જ–મૅરેજ ય નહીં. રંભા પડોશમાં રહેતી’તી, ગમી ગયેલી. માબાપોને ય બધું બરાબર લાગેલું. ચૉકઠું ગોઠવાઈ ગયેલું. તમે જાણો છો આખી વાત અમારી. પણ એક બનાવ મૅં તમને કહ્યો નથી હજુ. એકવાર– સાંભળે છે ને જૅન્તી? –

હા–હા, કેમ નહીં…? બોલ બોલ–

એક વાર હું ઔરંગાબાદ ગયેલો. ઑફિસના કામે. ત્યાં અમારી હેડ–ઑફિસ છે. મોઓટું બિલ્ડિન્ગ, અંગ્રેજોના વખતનું. લાંબા લાંબા કોરિડોરો. ઘુમ્મટવાળો સૅન્ટ્રલ હૉલ, બીજા ઓરડા પણ ઘણા ને દાદરા પણ જ્યાંત્યાં. એટલે ખૂણાવાળી જગ્યાઓ બહુ. બધું બહુ જુદું લાગે આપણા કરતાં. એક સાંજે મારે બહુ મૉડું થયેલું. બધાં ચાલી ગયેલાં. આખા બિલ્ડિન્ગમાં કોઈ કરતાં કોઈ ન્હૉતું. ઘુમ્મટની છત પાસે ચામાચીડિયાંની કલબલાટી સિવાયનો મકાનમાં કોઈ અવાજ ન્હૉતો. મૅં ત્યારે મુખ્ય દાદર નીચેના અંધારામાં શું જોયું જાણો છો? તમે કેવી રીતે જાણો! તમે નહીં માનો, ત્યાં મેં બે જણાંને મંડી પડેલાં જોયાં. રીતસરનાં મંડી પડેલાં. હું દીવાલ પાછળ લપાઈ ગયેલો ને આખું પૂરું થયું ત્યાં લગી જોયેલું મેં. બન્નેએ નીચેનાં વસ્ત્ર તો કાઢી જ નાખેલાં, છોકરીના પગ બહુ ગોરા દેખાતા’તા. મને ટૅસ પડી ગયેલો. ઇન્ગ્લિશ ફિલમમાં બતાવે છે ઘણી વાર, પણ આવું સાક્ષાત્ થોડું? વળી ચોરીછૂપીથી આવું જોવાની મજા ઑર જ હોય છે. આખો ખેલ પૂરો થતાં લગી મને, શું ક્હું? –રસના ઘૂંટડા છૂટતા’તા. એ લોકોના ગયા પછી ખાસ્સી વારે હું નીકળેલો. બ્હાર બે–એક છોકરડા મેદાનની મોઓટ્ટી લૉનને લાંબી–લાંબી પાઇપોથી પાણી પાતા’તા. મને થયેલું સાંજ કેવી હળવી છે ઔરંગાબાદની…

આખો બનાવ મને રજેરજ દેખાય છે. બિલકુલ ભૂલ્યો નથી. કદી ભૂલું નહીં. મુદ્દો એ છે કે આ બનાવનું શું થઈ શકે? આમાં કંઈ આગળ વધાય? ના વધાય તે તો દેખીતું છે. આ કંઈ મારો પોતાનો અનુભવ નથી. આ તો એક બનાવ છે. છતાં મારી નજરે જોયેલો ને પૂરો માણેલો બનાવ છે, મારા જીવનનો બનાવ છે. તમને બીજું ખબર છે? –

–કરીને શાન્તિ અટક્યો. મને અને કાન્તિને બંનેને થયું વળી પાછું શું હશે. એટલે અમે સાથે બોલી પડ્યા  ના, ક્હી નાખને ક્હૅવું હોય એ.

અરે, આ બનાવ એક વાર મૅં તમારી રંભાભાભીને કહેલો. ખુશ થઈ ગયેલી. વારતા ક્હૅતો હોઉં એમ બનાવ મૅં સરસ ગોઠવી–ગોઠવીને કહેલો. રંભા હસતી જાય ને સાંભળતી જાય. ક્હૅ, સાલું ખરું ક્હૅવાય. પછી ક્હૅ, લોકોય કેવાં હોય છે, બળ્યું આવી રીતે લૂગડાં કાઢી નંખાતાં હશે, ને જાહેરમાં થાય આવું, કંઈ લાજશરમ હોય કે નહીં…

પછી રંભા મારી પાસેથી ચાલી ગયેલી. પણ મૅં જોયેલું કે સંભારી–સંભારીને પાણિયારા પાસેથી છાનીછાની હસુ–હસુ થયા કરતી’તી. ઘરમાં સસરા ખરા ને એના. હું સ્કૂટર લઈ બ્હાર જતો’તો પછી એ છેક અંદરના ઓરડેથી મને તાકીને હસતી’તી… પણ તે રાતે પછી શું થયું, જાણો છો? –

ના, અમે કેવી રીતે જાણીએ? તું ગધો છે સીધો ઝટ ભસી મર ને…!

કાન્તિ ખિજવાઇ ગયેલો. મને ય થતું’તું કે શાન્ત્યો હવે પતાવે તો સારું, શું આટલું મૉણ નાખતો હશે! જોકે એની વાતમાં તો મને ય રસ પડતો’તો…

– પથારીમાં રાતે રંભાએ પટાવી–પટાવીને આખું મારી પાસે ફરી ક્હૅવરાવ્યું. ને તે રીતે પછી -તમે દોસ્તાર છો એટલે ક્હૅવામાં વાંધો નહીં- બાપુ, બહુ મજા આવી ગયેલી અમને…અમેય નીચલાં વસ્ત્ર ફગાવી દીધેલાં…જોકે રાત, અંધારું, મેડી, ઘર, એટલે ખોટું તો કંઈ જ નહીં ને…! બધું કાયદેસરનું ક્હૅવાય! ઘરની સ્ત્રી જોડે માણસ ગમે તે કરે ને ગમે એટલો આગળ વધે એમાં કોઈને શું…

બોલો, મારો અનુભવ બિલકુલ જુદો છે કે નહીં? એમાં જૅન્ત્યા, તારો પ્રેમે ય છે ને કાન્ત્યા, તારો લવે ય છે, દિલે ય છે ને શરીરે ય છે… શું ક્હૉ છો?… અમે તો ત્યારથી આ વાતને ‘ઔરંગાબાદવાળી’ જ કહીએ છીએ. હું ક્હું– કેવું રંભા, આજે ઔરંગાબાદવાળી થઈ જાય કે નહીં…ને એ ડોળા કાઢતી મને ચૂપ રહેવા જબરો ઇશારો કરે. એવી રૂપાળી લાગે– ઘાયલ થઈ જવાય.

બસ–બસ, બહુ થયું બહુ થયું આપણે પરદો પાડીએ આ વાત પર. ટીવી જોઈએ, સમાચાર આવશે થોડી વારમાં, ટાઇમ થયો છે. વગેરે કહીને મેં બન્નેને વિષયાન્તર કરાવ્યું. બન્નેને એટલા માટે કે કાન્તિ પણ પોતે ગામડે ખેતરમાં ક્યારેક આવું કશું ભેંસ–પાડાનું જોયાની વારતા ક્હૅવા મંડેલો.

થોડી વાર અમે ટીવી જોતા રહ્યા. કોઈ બોલતું ન્હૉતું. દરમ્યાન એક ફોન આવ્યો, તે મૅં પતાવ્યો.

જોકે એ બન્ને જણા મારું મન પારખીને પછી સાચે જ બીજી વાતો ખૉળવા લાગેલા. પ્રયત્ન કરીને બીજી વાતોમાં પૅસવા કરતા કાન્તિ–શાન્તિની મને દયા આવતી’તી. જોકે મને પોતાની પણ દયા આવતી’તી. મને થતું’તું આખી વાતમાં જોડાઈને હું કેમ નથી રાચી શકતો આ લોકોની જેમ. મને થયું હું નહીં બોલું તો એમને ખોટું લાગશે, એટલે મૅં કહ્યું :

એવું છે આ વાત જ માથાકૂટ ભરેલી છે. આપણે એ માટે બીજી કોઈ વાર મળીશું –

પણ જો તારો કોઈ આવો અનુભવ હોય તો કહી નાખ જૅન્તી! પછી તો હંસાભાભી આવી ગયાં હશે –

હા–હા, હું પણ એમ જ કહું છું.

મને થયું બન્ને જણાની લપક હજી છૂટતી નથી. મારી પાસેથી કઢાવવા માગે છે વાત. જે નવી જાણવા મળી એ! લિજ્જત જ આવવાની છે ને…! એટલે મૅં કહ્યું :

જુઓ, આજે બહુ મૉડું થઇ ગયું છે. આપણે ફરી મળીશું એક વાર આ માટે–

પણ ત્યારે તો હંસાભાભી હશે ને…?

હા તે એમાં શું?

મૅં જોયું કે ‘હા તે એમાં શું?’ કહીને શાન્ત્યો કશો નવો દાવ ખેલવાની પેરવી કરતો’તો.

આપણે બધાં ભેળાં મળીને આ ચર્ચા કરીએ તો કંઈ વાંધો?

હુમ્, એમ જ કરીએ. હું ગંગાને લઈ આવીશ ને તું શાન્તિ, રંભાભાભીને લઈ આવજે, આપણે છ જણાં–

હા વળી, આખી વાતમાં જૅન્તી, જો, સ્ત્રી તો છે જ! આખી વાતનું કેન્દ્ર છે સ્ત્રી!

તો છયે છ મળીએ આ શરદપૂનમે. આપણી જ વહુઓ છે ને–? આવી વાત એમને જોડે રાખીને નહીં કરીએ તો કોને રાખીને કરીશું?

મજા આવશે જૅન્તી.

મૅં જોયું કે બન્ને જણા ભેગા બોલ્યા’તા ‘મજા આવશે જૅન્તી’. મૅં થોડી લાચારીથી ને થોડી અંદરની ઇચ્છાથી પછી હા પાડી. કહ્યું, ભલે શરદપૂનમે મળીશું –રાતે –અહીં –મારે ત્યાં.

વાહ! સરસ! તો હાલ, જઈએ અમે? શાન્તિ, તું રંભાભાભીને જઈને તરત કહી દેજે, ભૂલી ના જવાય–

ને તું ય કાન્તિ, જઈને તરત કહી દેજે ગંગાભાભીને –

હા–હા, હું તો આ આખી વાત ક્હૅવાનો એને, સૂતી વખતે.

હું પણ. એની તો મજા છે!

તો જઈએ, શરદપૂનમનું પાકું, ફોન નહીં કરીએ હવે! —વગેરે ક્હૅતા કાન્તિ–શાન્તિ ચાલી ગયા. મૅં મેઇનડોર બંધ કર્યું.

ઘરમાં હું એકલો પડ્યો. જમવાનું શું કરીશ એવો પ્રશ્ન થયો પણ પછી વિચાર્યું, છે તેનાથી ચલાવી લઈશ, કોણ કડાકૂટ કરે.

ટીવી જોતો રહ્યો પછી. મને થયું હંસા પણ કદાચ આ ટાઈમે ટીવી જોતી હશે. જોકે જોવામાં મારું મન ખાસ હતું નહીં. શી ખબર મને શાન્ત્યાની ઔરંગાબાદવાળી વાત દેખાયા કરતી’તી. કાન્તિની પેલી શોભના કેવી હશે તેની મનમાં કલ્પના થયા કરતી’તી. ટીવી બંધ કરી હું ઊઠી ગયો. વિચાર્યું, ચાલ જમી–પરવારીને આજે વ્હૅલો ઊંઘી જઉં.

હું જમતો’તો ત્યારે મને થયું કે હું તો સાલો એવો ને એવો જ રહ્યો. મારા જીવનમાં કોઈ શોભના ના આવી…મને, હાળું શાન્ત્યાને મળ્યું તેવું જોવા કદી ના મળ્યું…હું તો, હું ભલો ને મારી હંસા ભલી એમ જ જીવતો રહ્યો, ખરેખર તો હું–હંસા ભેગાં મળીને જીવ્યાં એમ છે. અમે ભેગાં જીવીએ છીએ. ભલે શરીરો બે છે.

એકલા ઘરમાં મને પછી પેલાઓ બધું હસી–હસીને ક્હૅતા’તા તે સંભળાયા કરતું’તું. મને થયેલું  બન્ને મારા ભાઈબંધ, કાન્તિ ખાસ, છતાં? આજે કાન્તિ શાન્તિમાં ભળી ગયો. બન્ને કેટલી બધી વાર ‘મજા’ શબ્દ બોલેલા. કેટલા પ્રસન્ન થઈ ગયેલા. ખરેખર તો ઉશ્કેરાઈ ગયેલા. શી ખબર આજે એમની વહુઓ પર શી વીતશે. પછી મને હંસા દેખાવા માંડી. આજે હંસા હોત તો? મને ય કશો ઉશ્કેરાટ થાય છે કે શું…

એટલે સોફામાં પડી, ગોઠવાઈ, મૅં ફરી ટીવી જોવા માંડ્યો. ટાંટિયા ટિપોઇ પર લંબાવી ઊંઘરેટાતાં લગી, બસ જોતો રહ્યો.

છેવટે પછી બધી લાઇટો બંધ કરી હું બેડરૂમમાં બેડમાં મારી જગ્યાએ સૂતો. હંસાની ખાલી જગ્યાએ હંસા દેખાઈ. રોજની ટેવને લીધે કદાચ. હું પણ અંધારું હતું છતાં મને જુદો દેખાયો. શરદપૂનમે બધાં વચ્ચે બેઠેલો કેવો હોઈશ; તે રીતનો પણ દેખાયો. પછી અચાનક મને એક સવાલ થયો -શું મારા અને હંસાના જીવનમાં મજા નથી?…

બીજા અનેક સવાલો ફટફટ ફૂટતા મૅં જોયા  શું અમે બંને જણાંએ જીવ્યે રાખ્યું છે ખાલી? મજા શું કાન્તિ ને શાન્તિ જ કરે છે? ને મજા ય કેવી? જોકે મજા એટલે મજા એમાં ‘કેવી’ શું? સીધી કે આડકતરી. મને થયું  હું હંસાને ચાહું છું. હંસા મને ચાહે છે. પણ શું માત્ર ચાહીએ છીએ? અમસ્તાં અમસ્તાં? શું કંઈ કરતા નથી આ બેડમાં?

મારી નજર રોકાતી-રોકાતી ત્રણ ચાર મહિના લગી ઉકલતી ગઈ ને ધીમે ધીમે પાછી વિંટાઈ ગઈ.

અમારી પાસે કાન્તિ–શાન્તિ જેવો નથી કશો નકરો અનુભવ? શરીરની વાતમાં હંસાનો મને અને મારો હંસાને જાતઅનુભવ નથી તો શું છે? અરે, અમે એકમેકનાં શરીરના તસુ તસુ ભાગને બરાબ્બર ઓળખીએ છીએ. લફરાંબાજી નથી કરી કાન્તિના જેવી; પણ તેથી શું? અમે પોતે ઓછું કર્યું છે? રાતોની રાતો ગાળી છે વગર ઊંઘ્યે. દિલ શું ને વળી શરીર શું? ને મજા એટલે? સાલા શું સમજતા હશે એમના મનમાં? અમે ય ખાસ્સાં આગળ વધ્યાં છીએ. વિધવિધનું વધ્યાં છીએ… બધું કંઈ જાહેરમાં બકવાનું નથી હોતું…

તો પછી મૅં ના વધાય ના વધાય એમ કેમ કીધ્યે રાખ્યું એ લોકોને? કાન્ત્યાની વાતથી મારી વાતને મૅં જુદી શું કરવા રાખી? નન્નો શું કામ ભણ્યા કર્યો? ઝકે ચડી બેય જણાનો વિરોધ કેમ કર્યો? વાસના વિરુદ્ધ પ્રેમ-નો કેમ લઠ્ઠો લઈ બેઠો? કંઈ કારણ? પ્રેમની તરફેણ કરવાનું કંઈ કારણ…

મને લાગે છે કારણ એ જ કે મારી અને હંસાની વચ્ચે હવે માત્ર પ્રેમ જ બચ્યો છે નીતર્યા નીર જેવો. શરીરો અમારાં જંપી ગયાં છે. કાંપ બધો ઢસળાઈ પથરાઈ ઠરી ગયો છે ને ઉપર તરે છે બસ પાતળો આરપાર જોઈ શકાય તેવો પ્રેમ… …નીતર્યો કે પાતળો?… ખરી વાત શી છે? એવું નહીં કે બધું નીતરીદદડીને ખતમ થઈ ગયું છે…? ઠાલુંઠાલું જ જિવાયા કરે છે? રોજ સવારે હંસા બારીબારણાં ખોલે છે એના આ સંસારનાં. ચા મૂકે છે. ઝાપટ-ઝૂપટ કરી બધું ચોખ્ખું રાખે છે. ગૅસ સળગાવે છે. એક જ સ્વાદની દાળ બનાવે છે. બપોરે થોડું ઊંઘે છે. પોતે જે. ઍમ. શાહ ‘નોકરી’ કરે છે એ વખતે! સાંજે–રાતે થોડી ઇધરઉધરની વાતો કરીએ છીએ.

ક્યારેક ખડખડાટ હસ્યાં હોઈએ. યાદ રહી જાય, એવું તેવું.

મૉડી રાતે હંસા બધું ‘લૉક ઍન્ડ કી’ કરે છે ને અમે બેએક મિનિટ સવળાં રહીને ને પછી અવળાં ફરીને ગોઠવાઈને ઊંઘી જઈએ છીએ આ બેડમાં…

પ્રૉબ્લેમ જેવું તો કંઈ કરતાં કંઈ નથી…અમારું સરસ રીતે ચાલે છે. હંસા દીકરાને લાંબા લાંબા કાગળો લખે છે મરોડદાર અક્ષરોમાં નિરાંતે, જરા પણ ઉતાવળ વિના. અમેરિકા જેટલે દૂરથી ફોન ‘આટલો ક્લીઅર’ સંભળાય તેનું એને અચરજ પણ ઘણું થાય છે. તે દિવસ તો બહુ જ સરસ જાય છે. હું પણ તે દિવસે ઑફિસમાં ભારે ઉમંગમાં થનગનતો હોઉં છું. હંસાથી હું ઑચાઇ નથી ગયો કે એ મારાથી કંટાળી નથી ગઈ. એવું લાગે ખરું પણ એવું છે નહીં. હંસા હજી એટલી જ મુગ્ધ છે. રૂપાળી પણ. એના શરીરના ઢોળાવો ઢળી કે વળી નથી ગયા. મને બહુ ચાહે છે : દર મહિને મારા વાળને ક્લપ કરી આપે, ક્યારેક બૂટને પાલિસ પણ કરી દે, ધોબીની ઇસ્ત્રી મને ન ગમે તે ફરી કરી દે, ઑફિસ વખતે રૂમાલ, ચાવી, પૈસા કશું આપવાનું ભૂલે નહીં. કમરે હાથ મૂકી પૂરી ત્હૅનાતમાં ઊભી રહે…પછી…?…પછી શું જોઈએ? બધું લગભગ પૂરું સ્થિર, જરા પણ ડામાડોળ નહીં. જાણે મધદરિયે ધીમી ગતિએ સરતી નૌકા. હું–હંસા એકમેકને અડીને કૂવા–થમ્ભને અઢેલી ઊભાં છીએ જાણે -કશું ગીત લલકારતાં. જોકે શું ગીત, ક્યા બોલ તે નથી સંભળાતું. ખાલી મૉંઢાં ખુલ્લાં છે…છતાં…એ ખરું છે.

પણ કાન્ત્યો તો એકી સાથે બે નૌકા ચલાવે છે! એક પગ એણે ગંગામાં રાખ્યો છે ને બીજો શોભનામાં, જોકે એનું પણ ખરું નથી? એ ડગુમગુ ક્યારે થયો? મજા કરે છે ને કરાવે છે. પેલો શાન્ત્યો હલેસાં બીજાનું જોઈને મારે છે. નકલિયો, રંભાને ભરમાવી છે એણે, બીજું શું! જોકે એને ય કશો પ્રૉબ્લેમ તો નથી. તો શું એનું ય ખરું નથી?

મને લાગે છૅ કે અમારા ત્રણેયનું ખરું છે. શાન્તિ ક્હૅતો’તો એમ, તો પછી, આમાં આમ કે આમ ક્યાં કશું ક્હૅવાપણું જ છે તે…અમારા ત્રણેયનું નહીં, ક્હૉ કે છયે છનું ખરું છે. તો પછી શરદપૂનમે મળીને શું કરવું છે? મને આખી વાત મતલબ વગરની તો લાગવા માંડેલી, એની એક નફરત પણ થવા લાગેલી. શી ખબર અંદરથી મને એકદમનું ગમતું ન્હૉતું. મૅં નક્કી કર્યું કે શરદપૂનમે નથી જ મળવું. ફોન કરી દઈશ બન્ને જણાને. કહી દઈશ કે તમારી વાત સાચી છે. વધાય, વધાય વધવું હોય એટલું વધાય. પણ મળતા નથી શરદપૂનમે. ફરી કોઈ વાર…

મને નક્કી જ થયું, કે હું છું મારી રીતે, એ છે એની રીતે ને એ છે એની રીતે…જેની પાસે જે છે તેનું તે ખૅંચે છે…એવું નહીં કે જેની પાસે જે છે તેનું ઊંધું તે ખૅંચે છે? જોકે પણ, જે છે તે શું છે? જે નથી તે શું છે? કેવું તે ખરું ક્હૅવાય? કેવું તે ઊંધું ક્હૅવાય?…મને બહુ ગડમથલ થઈ ગઈ…

એટલે ઊઠીને પાણી પી આવ્યો.

…શું ખરું અને શું ઊંધું તે હંસાને પૂછવું પડશે. બહુ ડખો થઇ ગયો આખી વાતનો. જોવું પડશે કે હંસા શું ક્હૅ છે. હાલ ઊંઘી જઉં એ જ છે મારા હિતમાં.

*

મૅં કાન્તિ–શાન્તિ બેયને ફોનથી જણાવી દીધેલું બીજી જ સવારે. પછી દાઢી કરી અરીસામાં મૉં નવેસર જોતો’તો. મૉંઢું મારું કંઈ સારું ન્હૉતું લાગતું. આંખ નીચેનાં કુંડાળાં વધારે ઘેરાં લાગતાં’તાં. નાકમાંના સફેદ વાળ દેખાતા’તા તે મૅં તોડ્યા. પછી ચિડાઇને મૅં દાંતિયું કર્યું, ને એવું કરવા જતાં હું બાડો લાગેલો. થોડી વાર મૅં મને બાડો જોઈ રહેવાનું ચાલુ રાખ્યું ને મનોમન માત્રશાન્ત્યા વિરુદ્ધ નહીં, પણ કાન્ત્યા-શાન્ત્યા બન્ને વિરુદ્ધ બબડ્યો. મનમાં જે બબડ્યો તે પછી મોટેથી પણ બબડ્યો. જોકે પછી મેં મારા ચ્હૅરાને સરખી રીતે જોવાનો એક પ્રામાણિક ચાળો પણ કરેલો.

એ પછીના બે દિવસ એમ જ ચાલી ગયા. કશી બેચૅની ઘેરતી રહી મને. મેં જોયું કે જ્યારે જ્યારે મન મારું નવરું પડે ત્યારે ત્યારે પેલા ડખા પર જઈ બેસે. પણ એટલે, પાછી બેચૅની વધે.

*

આવી તે જ રાતે હંસાને બેડમાં મૅં આખી વાત કરી. કાન્તિની શોભનાવાળી અને શાન્તિની ઔરંગાબાદવાળી બન્ને વાત કરી. શરૂમાં ‘શું–શું’ કરીને અને પછી ‘હુમ્–’ ‘હુમ્’ કરીને હંસાએ બધું સાંભળ્યું. જોકે શરદપૂનમે નહીં મળવાની મૅં ફોનથી કેવી તો ના પાડી દીધી ને મને આખી વાતની કેવી તો સૂગ છે વગેરે પણ મૅં કહ્યું. આપણા દોસ્તદાર ખરા પણ કેવું હલકું જીવે છે ને એવાઓ જોડે વરસોથી ભાઈબંધી રાખનારાં આપણે કેટલાં મૂરખ છીએ તે પણ કહ્યું.

પણ હંસાએ મને કશો ઊથલો ના આપ્યો. મૅં પૂછ્યું  કેમ બોલી નહીં, તો ક્હૅવા લાગી કે પોતે ‘થાકેલી છે’ ને પોતાને ‘ઊંઘ આવે છે’. મને થયું હંસાની ગેરહાજરીમાં મેં પેલાઓ જોડે આવી આવી ‘ગંદી’ વાતો કરી તે કદાચ એને ગમ્યું નથી ને અંદરથી ગુસ્સે છે મારા પર. મેં કહ્યું  -મેં તો ના જ પાડી દીધી છે હવે આ વાત કરવાની. તો ક્હૅ  સવારે, સવારે વાત…મેં જોયું તો હંસાનાં પોપચાં ખરેખર બિડાઇ ગયાં’તાં, એટલે હું પણ ઊંઘી ગયેલો પડખું ફેરવીને.

સવારે હંસા પ્રસન્ન હતી. ચા પીતાં હસતી’તી. ક્હૅ -રાતે તું જૅન્તી, કેવી બધી વારતા માંડી બેઠો’તો. મને થયું, ચાલો, હંસા ગુસ્સે તો નથી. થાક પછીની સારી ઊંઘ મળતાં હંસાનો ચ્હૅરો સુરખીભર્યો લાગતો’તો. પોપચાં થોડાં સૂજેલાં હતાં પણ કીકીઓ ચમકતી’તી. મેં પૂછ્યું : સાંભળેલું નહીં તેં બધું? તારું શું માનવું છે, હંસા, આ બારામાં? મારાથી ‘બારામાં’ શબ્દ બોલાઈ ગયો તે મારા ધ્યાનમાં આવ્યું. હંસા હજી પણ હસતી’તી, મને ક્હૅ :

આમાં આટલું બધું ચિડાઇ જવાની ને ગુસ્સો કરવાની શું વાત છે? તને ખબર છે જૅન્તી, આપણી આ કામવાળી છે ને, પરણેલી છે, બે તો છોકરાં છે એને, તો ય એનો એક આશક છે…! તું તો બપોરના ઑફિસે હોય, પણ પેલો અવારનવાર આવે છે એને મળવા, અહીં —એટલે કે આપણા ઘરે નહીં, પણ ત્યાં, લિમડા નીચે. વ્હિસલ મારે પેલો એટલે એવિયા આપણી પાછલી ગૅલેરીમાંથી ઇશારો કરી જવાબ આપે, ને પછી, મને ‘આવું છું બેન’ ‘આવું છું બેન’ કરતી જાય દોડતી. લળી-લળીને ખાસ્સી વાર લગી વાતો કરે. બન્નેને ઉપરથી ઘણી વાર જોઉં છું: પછી હંસાએ પૂછ્યું મને, તું જાણે છે જૅન્તી, પછી એ દિવસે એ પેલાની ખોલીએ જવાની જ હોય. નિત્યનો ક્રમ છે એ લોકોનો. ક્હૅ કે એની બીજી છોકરી તો એને સૂરજથી જ છે. એના આશકનું નામ સૂરજ છે…જાણે છે છોકરીનું નામ શું છે તે?

મૅં કહ્યું  ના, હું કેવી રીતે જાણું?

હંસા ક્હે: સૂર્યા…

હંસાની આ વાત સાંભળીને મને રીતસરનું ઉબકા જેવું થવા માંડેલું. રોષ ન હોત તો ઊલટી થઈ જ હોત. ધૂંધવાતો હંસાને શું ક્હૅવું તે હું મનમાં શોધતો’તો, ત્યાં જ એણે આગળ ચલાવ્યું :

જૅન્તી, આપણો આ બેડરૂમ છે તેમાંથી સામાવાળા વિનુભાઇના ફ્લૅટની બારી નથી દેખાતી?એ બારીની છાજલી પર રોજ બપોરે કબૂતર–કબૂતરીની એક જોડી નમતા પ્હૉર સુધી જાતભાતની ગૅલો કર્યા કરે છે…

મારે પૂછવું’તું હંસાને કે માત્ર ગૅલો કર્યા કરે છે કે કંઈ બીજું પણ કરે છે.

ત્યાં જ હંસાએ મારા આશ્ચર્ય વચ્ચે જણાવ્યું મને કે માત્ર ગૅલ નથી કરતાં, કરવાનું કરે છે, અનેકવાર કરે છે…

બોલતાં–બોલતાં, મૅં જોયું કે, હંસા હસતી–હસતી શરમાઇ ગયેલી ને સાડીના છેડાથી મૉં ઢાંકી આંખોથી હસતી રહેલી. હું અંદરખાનેથી બહુ જ ખિજવાઇ ગયેલો. મૅં ધડાક પૂછ્યું :

કબૂતર–કબૂતરીને કરતાં જોઈને તને શું થાય છે હંસા?

હંસા મૉં ફેરવીને વધારે શરમાઈ ગઈ ને ‘એવું તે શું પૂછે છે જૅન્તી’ કરતી ઊઠીને અંદર જતી રહી.

મારે ખરેખર જાણવું’તું કે હંસાને શું થાય છે, અમારા બેડરૂમમાંથી રોજ દેખાતાં કબૂતર–કબૂતરીને જોઈને. મૅં જરા વધારે પડતા મોટા અવાજે પૂછ્યું :

બોલ હંસા! બોઓલ!

જોકે મને મારો એવો મોટો અવાજ તરત અકારણનો લાગ્યો. વળી હંસા એની એવી જ શરમભરી મસ્તીથી ટુવાલ ને કપડાં લઈ બાથરૂમમાં ઘૂસતી’તી. મૉં બાથરૂમના બારણેથી કાઢી એ મને ક્હૅ:

પેલાંઓને જૅન્તી બોલાવી લે, શરદપૂનમે. મળીએ બધાં. આપણેય કહીશું આ બધું! ગુમાવવાનું તો કંઈ છે નથી! ઊલટાની મજા પડશે મજા!

હંસાના મૉંમાંથી બે વાર સરેલી ‘મજા’ જોઈ હું ખરે જ ભૉંઠો પડી ગયો.

મને કશું વળતું ક્હૅવાનું સૂઝ્યું નહીં. એટલે હું પણ એકલો–એકલો હસ્યો. જોકે જરા વિલાયેલું.

*

ફોનમાં પેલા બન્નેએ એક જ પૂછેલું મને : અલ્યા પાછો કેમનો મળવાનો થયો? પાછું શું થયું?

મૅં બન્નેને એક જ કહેલું  -ડખો થયો, ડખો!

*

છેલ્લે હું નવેસર ડખા પર જઈ બેઠો ત્યારે, ઢગલો હતો. ને ડખો –મજાનો ડખો.