સુમન શાહની વાર્તાસૃષ્ટિ/સિમેન્ટ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સિમેન્ટ|}} {{Poem2Open}} જગત એના આઠમા માળની બારીએ બેઠો છે. સામે અડાબ...") |
(No difference)
|
Revision as of 10:16, 21 April 2022
જગત એના આઠમા માળની બારીએ બેઠો છે. સામે અડાબીડ ઊભાં છે જાડાં વળી પાતળાં હાઇરાઈઝ્ડ બિલ્ડિન્ગો. સાંજ લૂસ પડીને ઢળી ગઈ છે. જગતનું ડોકું ફરે છે, જેમજેમ જેટલુંજેટલું ફરાય તેમતેમ તેટલુંતેટલું. ધરતીકમ્પને ગયે મહિનાઓ થઈ ગયા છે છતાં બિલ્ડિન્ગો પર ભલે સાંધેલી પણ ઘણી–ઘણી તિરાડો હજી વરતાય છે –સિમેન્ટ રંગની, કેટલીક પાતળી કેટલીક આછી તો કેટલીક ઘટ્ટ પણ બધી જ મૂળ રંગમાં ભેળવ્યા વિનાની.
જગતની હથેળી જગતની છાતી પસવારે છે. એટલે હૃદયમાં એના બે–ત્રણ ધબકારા સ્હૅજ અટકી આડુંઅવળું જોઈ વળી પાછા હતા એવા થઈ જાય છે. પહેલીવાર અટક્યો તે ધબકાર વધારે અટકેલો – ટચલી આંગળીનો છેડો પકડી આ વાતની જગત નૉંધ લે છે. બીજી વારનો એથી ઓછો હતો –પછીની આંગળીનો છેડો પકડી જગત બોલવા જેવું કરે છે. ત્રીજી વારનો તે એથીયે ઓછો હતો –પછીની પછીની આંગળીનો છેડો પકડી જગત બબડે છે.
બિલ્ડિન્ગો પર તડકાના રંગનો સૂનકાર છે. તેમાં સિમેન્ટના એ સાંધા મોટા મોટા કાનખજૂરા લાગે છે – જગતની કલ્પના સળવળે છે. તે દિવસોમાં આફ્ટરશૉક્સ લગાતાર ચાલુ હતા. જગત ચાલવા જાય છે તે વૉકિન્ગ ટ્રૅકની ધારો નીચેથી ગભરાયેલા–ગભરાયેલા કાનખજૂરા અવારનવાર નીકળી પડતા. આજકાલ ત્યાં એક પાટલાઘો રમતીભમતી થઈ છે – જગત સામે વીગતો આવતી લાગે છે.
આકાશમાં કોઈ કોઈ પંખી થોડી થોડી વારે દેખાય છે, થાકેલું–થાકેલું ઊડતું જતું.
ચાલવા જઉં ત્યારે, શું આજે પણ નહીં પૂછાય ભૂખરીને કે કેમ છો? આજે તો પૂછું જ –જગતની મુઠ્ઠી હવામાં આગ્રહથી આથડે છૅે.
કાયમ કોઈ અજાણી યુવતી ચાલવા આવે છે. પોતા પૂરતું જગતે એનું નામ ભૂખરી પાડ્યું છે. અરણ્યકુંજની વનકેડીએ અણજાણ હે રમણી, ઓ ભૂખરી, ક્હૅ તો, તું કોણ છો? –આ શબ્દો જગતના લમણાંની નીચે એકમેકને ચૂંટલા ભરે છે. વનકેડી, વૉન્કિગ ટ્રૅકનું નામ છે, અરણ્યકુંજ વનવિભાગવાળાના સરકારી પ્લૉટનું નામ છે. નજીકમાં છે. શ્હૅરની વચોવચ.
એક પંખી વાદળામાંથી થોડું નીચે ઊતરી આવ્યું –જગતની હથેળી એને આવ આવ ક્હૅ છે: પંખી, હે પંખીભાઈ, તને ખબર છે દોસ્ત કે હીના, મારો પહેલો પ્યાર હીના, હાલ છે ક્યાં –ક્હૅ ક્હૅ. જગતની ગરદન બે વાર ઊંચકાઇને પૂછે છે. પણ પંખી તો વાદળાં ભેદીને પાછું ઊંચલાણમાં ચડી ગયું. જગતે જોયું કે, એ તો સ્કાયલાઇનની પાછળની ક્ષિતિજની યે પેલે પારની દિશામાં ઊડી જઈ ડુલ થઈ ગયું.
ઢળતી સાંજના પાતળા પ્રકાશમાં હારબંધ ઊભેલાં હાઇરાઇઝ્ડ એકમેક પર તેમના પડછાયા પડ્યા છે. ત્રાંસાત્રાંસા ડાહ્યાડાહ્યા. બારીઓ બારણાં ને બાલ્કનીઓનાં એકસરખાં એકધારા ચૉકઠાં. તેમાં પૂરાયેલી અંધારિયા રંગની છાયાઓ. તેમના ચૂપ ઠાવકા આકારો. એવું લાગે છે કે જાણે જગતને સાંભળવા એ બધાંઓએ સભા ભરી છે.
ભલે–ભલે, પણ તમને લોકોને હું કહું શું? કયા વિષય વિશે કહું? મારી પાસે વિચારો નથી પણ લાગણીઓ છે. ઉકેલો નથી પણ પ્રશ્નો છે. મને બહુ ફાવતું નથી બોલવાનું. હું છું, છું જ, પણ તમારા જેવો –સાંધેલી તિરાડોવાળો, માત્ર ઊભેલો. બધું જોતો–જોતો બસ ઊભેલો છું શ્હૅરની વચાળે.
લતા છે, જરૂર છે, વડોદરા રહે છે. મારી બીજી વારની પત્ની. અમારાં લગનને આવતા જૂનમાં બે વર્ષ થશે. પણ મારા જીવનમાંથી હું હવે એને કાયમને માટે કાઢી મૂકવાનો છું. જૉબ કરે છે. એના બૉસની સાથે એની બીહેવિયર સારી નથી. આડો વહેવાર છે, પહેલેથી. મને ખબર નહીં. સવારે એનો ફૉન હતો – ક્હૅતી’તી કે મારાથી છૂટાછેડા લેવા પોતે હવે રાજી છે. ચાર મહિનાથી સખત ઝઘડો ચાલતો’તો અમારી વચ્ચે…
સભાનો જમણો છેડો ખાલી છે. બિલ્ડિન્ગોની હાર ત્યાં તૂટેલી છે. કેમકે ત્યારે તો ત્યાંનું બિલ્ડિન્ગ પોતાના એક પછી એક દસે દસ માળને નીચે બોલાવતું–બોલાવતું ધરતીના એ વિશાળ ચીરામાં ઓરાઇ ગયેલું. સરળતાથી બેસી પડવું તે એનું નામ! મારાથી તો ક્યારેય એવું નથી થવાનું –જગત સ્મિતભરી દૃષ્ટિ રાખીને બબડવા જેવું કરે છે તે પછી એટલી મોટી સાઇઝના એ ગાબડાને હથેળીનો વ્હૅંત બનાવી માપે છે.
લતા પહેલાં મારે સાવિત્રીને પરણવું પડેલું. સાવિત્રી ગોરી પણ શીળીનાં ચાઠાંવાળી. લોકો એને ‘ખાંડનો માલપૂડો’ ક્હૅતા. બધું મારા બાપુને કારણે બનેલું, એટલે તો હું એને એમની પાસે ગામડે મૂકી આવ્યો છું. બાપુ મારો નાલાયક છે, મને અને મારી માને ઝૂલતાં મેલીને ત્યારે એણે બીજી કરેલી –જોકે, બીજી, છ મહિનામાં ભાગી ગયેલી. સાવિત્રીથી દિનિયો અવતરેલો છે. છે, દિનિયો છે, એ લોકોની જોડે જ છે. બધાં ક્હૅ છે કે સાવિત્રીને સસરા જોડે સારું ફાવે છે. ચારેક વર્ષ થઈ ગયાં. અમે કાયદેસર છૂટાં થયાં છીએ.
મને ડિવોર્સીને લતાએ પસંદ કરેલો તે મને ને બધાંને બહુ ગમેલું, એ સારી–સારી ગણાઈ ગયેલી – શરૂમાં થોડી ખબર પડે કોઈનાં ય ચરિતરની?
સભાના કોક ખૂણેથી ફુસફુસાહટ ઊભો થયો: પહેલીને મૂકી આવ્યા, બીજીને કાઢી મેલવાના છો… બાપ–દીકરો હરખા જણાય છે…નાગું વાજું.
જગત જુએ એ પહેલાં જ ફુસફુસાહટ બેસી ગયો. જગતનું શરીર ખુરશીમાંથી ઊભું થાય છે, નમીને બારીની નીચે જુએ છે. વાહનો અને માણસો. વાહનોની અને માણસોની સીધી કે ફંટાતી કે ઓવરટેક કરતી ગતિરેખાઓની કાપાકાપી, રોજેરોજની એ જ ગરબડોભરી અફડાતફડી. પેલા કાકા ગૂંચવાઇને ઊભા રહી ગયા છે ટ્રાફિકમાં. દરેક વાહન એમને સિફતથી ચાતરીને નીકળી જઈ રહ્યું છે; શી ખબર, ક્યારે પ્હૉંચશે સામે કિનારે…
જગત ઊભો જ રહી ગયો હોત પણ પાછળની હવામાં ઘરમાં ફટાફટ કોઈના બોલ ફૂટવા લાગેલા: તિરાડો ને ગાબડાંને તાક્યા નહીં કરવાનાં, સિમેન્ટથી પૂરી દેવાનાં, કશું થયું જ નથી એવા થઈ જવાનું, મૂળ રંગના. એ બોલ લતાના છે એવું જગતના કાનને લાગે છે આ મારા બૉસ થૈ ગ્યા બાદ્શા! પૈણી ગ્યા શોભનાને! ગાબડું–બાબડું કૈં નૉ રહે, સિમેન્ટ જોઈએ સિમેન્ટ —
બિલ્ડિન્ગોના કોઈ એક ચૉકઠામાં જગતને લતાના બૉસ ચમ્પકલાલનું ચકચકતા ફૂલેલા ગાલવાળું મોટું બસ્ટ દેખાય છે.
— ધરતીકમ્પ થયો એ વખ્તે મારા સાહેબ ઘરમાં ન્હૉતા, એમની વહુ ને દીકરી હતાં, તુવેરસિંગ ફોલતાં’તાં, કચોરી બનાવવા. છતનો સ્લૅબ આખેઆખો તૂટી પડ્યો, બંને કચડઈ મર્યાં. આગલી રાતે તો બધાં પિચ્ચર જોવા ગયલાં, મને ય લઈ ગયલાં.
જગતની પાંપણો ધીમે એક પલકારો કરે છે. ત્યાં, કોઈ એક બીજા ચૉકઠામાં એને શોભનાનું એટલું જ મોટું હસતું બસ્ટ દેખાય છે.
શોભના તો વરસોથી એકલી હતી, પૈણ્યાને બીજે જ વરસે એનો વર ટીબીમાં મરી ગયલો. એનાથી શોભનાને છોકરો હતો –એ જ પતી ગયો ધરતીકમ્પમાં. બચારો છજામાં ઊભો–ઊભો આઇસ્ક્રીમ ખાતો’તો, ઉપલા માળની આખી અગાશી અમળાઇને વરસી પડેલી એના માથે. નીચે રોડ પર પડ્યો ત્યારે ફાટી લાશ હતો. એની જીભનો ટુકડો એની હથેળીમાં ને આઇસક્રીમનું ચલાણું લાકડાની ચમચી–ભેગું ફૂટપાથની ધારે. ધરતીકમ્પને પૂછે છે મારો ભૂત ભૈ! બૈરું મળતું હોય તો પુરુષને ને ભાયડો મળતો હોય તો સ્ત્રીને કૈં કરતા કૈં ખૂંચે જ ન્હૈં ને. બાવનના મારા બૉસ ને અઠ્ઠાવીસની શોભના, લો, જોડઈ ગ્યાં! જોકે મારા બૉસ બચારા છડેછડું તો કેમનું જીવવાના’તા? પણ હરામડી શોભના, જવાદો ને વાત…સાંધો ને સૂંધી કૈં રહેતું નથી, સિમેન્ટ જોઈએ સિમેન્ટ!
એક ત્રીજા ચૉકઠામાં જગતને લતાનું એટલું જ મોટું જરા ફુંગરાયેલા મૉઢાવાળું બસ્ટ દેખાય છે.
ક્હૅવા શું માગે છે? -જગતનો ચ્હૅરો બોલે છે. લતાનું બસ્ટ તરત હસીહસીને હાથમાંના પાંચીકાની જેમ શબ્દ પર શબ્દ ઉછાળ્યા કરે છે. જગતની આંખો એને તાકતી રહે છે. લતાના હોઠ બોલતા એકાએક બંધ થાય છે. પાછા થોડું બોલવાને હાલતા થાય છે: મારે હવે સારું છે, ખુશ છું, પણ…થૈ જૈશ હું ય મૂળ રંગની…મારી યે તિરાડ, મારું યે ગાબડું, કશું ન્હૈં રહે: જગતની આંખો એકધારા બે–ત્રણ પલકારા કરે છે. જગત સામે લતાના સિમેન્ટ સિમેન્ટ શબ્દો ઝગમગતા લપક્યા કરે છે. જગતની નજર જુએ છે કે એની સામે લતા તડતડ થતી તિરાડની જેમ સરસરી જઈ રહી છે…
ડાબી હથેળીમાં જગત જમણીને મૂકે છે, એની રેખાઓ પર ડાબો અંગૂઠો અનુસરતો–અનુસરતો ફર્યા કરે છે. સાલી, હવે તૈયાર થઈ, છૂટાછેડા લેવા, ભલે; સુખી થવાશે…કુલટા એના બૉસને બચારામાં ગણે છે ને વાંક શોભનાનો કાઢે છે. પણ એથી બૉસ જોડેનું એનું સેફ થઈ ગયું એ નથી ક્હૅતી –લુચ્ચી છે! જે થાય છે તે સારા માટે.
જગતની હથેળીઓ થોડી વાર પછી પોતપોતાની જગ્યાએ પાછી ચાલી જાય છે -લબડેલા હાથોની નીચે લબડતી.
આ મને શું સમજતી હશે? મારા બૉસ, મારા બૉસ, કરતી લપટાઈ છે પણ એને ખબર નથી કે ચમ્પક જેવા કાછડીછૂટા માટે પોતે કેટલામી છે કે શોભના કેટલામી છે. લતાનું આ મેં જાણ્યું તે દિવસથી હું એને અડતો નથી. હા, બિલકુલ! સિમેન્ટ જોઇએ સિમેન્ટ એમ એ જે બકે છે તેનું મૂળ કારણ એ છે. મૂરખ કદાચ મને નામરદમાંય ગણતી હોય…
ઘણીવાર લગી જગત શાન્ત પડી ગયો હોય એવું લાગે છે. કંઈ સમજાતું નથી એટલે બિલ્ડિન્ગો અસમંજસ ભાવે એકબીજાની સામે મરકી લેવાનું કરે છે પણ તરત પાછાં શિસ્તપૂર્વક જગતને જોઈ રહે છે. ક્યાંય લગી કશું જ બનતું જણાતું નથી, એટલે છેવટે એક નાનકડું લાગતું બિલ્ડિન્ગ ચડભડી ઊઠે છે છોડોને ભૈ, કંટાળો આવે છે…
કોણ બોલ્યું?
તિરાડો સળવળી કે કાનખજૂરા ચાલવા લાગ્યા?
કોણ ખરે છે?
જગતના હોઠ આસપાસ પ્રશ્નો લાડમાં લટકાં કરે છે: હીનાથી પડેલો ચીરો સાવિત્રીથી અને સાવિત્રીથી પડેલું ગાબડું લતાથી –બધું ક્યારનું તો સંધાઈ ગયેલું છે, હવે શું છે? –જગતના કપાળમાં કરચલીઓ આઘીપાછી થાય છે…ભાઈ, તમારો સિમેન્ટ વિરાટ કૉમ્પ્રેસિવ સ્ટ્રૅન્થવાળો નહીં હોય –સામેનું ઊંચું દેખાતું બિલ્ડિન્ગ મૉંઢું નીચું રાખી જગતની મશ્કરી કરે છે. એક માખી જગતના નાકે બેસવા એની ઝપટને ગણકારતી નથી. કોણ ખરે છે તે, લતા ખરે છે, સમજાય તો…ધીમેશથી પણ હિમ્મતથી બોલી નાખે છે ને હસીને ઉમેરે છે : આપણા શ્હૅરમાં કૉન્ક્રિટના જંગલનો રાજા –એવો સિમેન્ટ પણ મળે છે, તે લઈ આવો: સાંભળીને જગત પણ હસી પડે છે, એટલે એના સફેદ દાંતની બંને લાઇનો ઉઘાડી પડી જાય છે.
પણ તરત પછી એની આંખો, બધી તરફથી પ્હૉળી થાય છે ને કીકીઓ વચમાં બરાબર સ્થિર થાય છે ને ગુસ્સામાં જગત મસ્તકને હણહણાવે છે ને તરત પછી લટિયાંને મૂળ જગ્યાએ સંવારતો કોઈ મન્ચ પર હોય એવી અદાથી પટપટ બોલવા લાગે છે :
હું જ છું રાજા, હું જ. હું કદી ખરતો નથી. કૉન્ક્રિટના જંગલનો રાજા હું જ છું. મને કોઈ ખેરવી શકે નહીં. લતા ખરે કે જાય, હું જ નથી રાખવાનો, જાય જહન્નમમાં કે જાય એના ચમ્પકિયા જોડે. મને નથી પડી…ચિન્તા શી છે? હું બરાબર છું, મારી જૉબ સારી છે. હજુ, યન્ગ છું. મજાની સાંજો છે. વનકેડી. અરણ્યકુંજ. ભૂખરી…ઓહ…ભૂખરી છે…
મારી ભૂખરી –બોલીને જગત સિમેન્ટની એ જાહેરખબરમાં ચિતરેલા સિંહ જેવું મૉંઢું બનાવી ઘુઉઉ કરી ગર્જ્યો –ડરીને બધાં હાઇરાઈઝ્ડ થોડાં પાછાં હટી ગયાં.
થોડી વાર માટે સોપો પડી ગયો.
સ્હૅજ વાર પછી પાછલા કોઈ બિલ્ડિન્ગે બાજુવાળાને પૂછ્યું : ભૂખરીને આ ભાઈ ‘મારી’ ક્હૅ છે તે શા હિસાબે?
– ચુપ્પ! –એવા અવાજનો છુટ્ટો ઘા કરી જગત સભા છોડીને ઊભો થઈ ગયો, કેમકે ડોરબેલ વાગ્યો’તો.
જતાં–જતાં જગતે નાકે ચૉંટી રહેલી ચુપ્પની આંગળીને નીચે ઉતારી, પણ બરાબર એ જ વખતે પગ એના પાછા ફર્યા –મેઇનડોરને માર્ગેથી બેડરૂમ ભણી દડબડતા થયા –કૅમકે, ડોરબેલ નહીં પણ બેડરૂમનું ઍલાર્મક્લૉક રણક્યું’તું : ઓઓઓઓ… ચાલવા જવાનો સમય થઈ ગયો. એની પહેલી આંગળીના ટેરવાએ ખૅંચાઇને ઍલાર્મના બટનને ટપ્ કર્યું. ચલચલચલ, ચલ યાર, મૉડું થઈ જશે. કોઈ બીજાએ સાંભળવાનું હોય એટલે મોટેથી બોલી રહેલા જગતને એના હાથોએ એના બંને પગોને ઝટપટ બૂટ પ્હૅરાવ્યા. એવા સજ્જ જગતને એ બીજો જગત, પછી, ચાલવા લઈ ગયો.
આ માણસ, જગત, વિચિત્ર માણસ છે. પોતે સાંજના સાતે, બિલકુલ સાતે, વૉકિન્ગ ટ્રૅક પર પ્હૉંચી જવાય એટલા માટે એણે, જુઓને, પૉણા સાતનું એક ઍલાર્મ પણ મૂકી રાખ્યું છે!: એનું કારણ છે, મારા મગજની મને બહુ મદદ નથી, મારાં અંગો પણ મારા કહ્યામાં નથી. ડોકું ગમે ત્યારે ગમે તે બાજુ ફરે. એવું જ ગરદનનું. હૃદય કેટલી યે વાર વધારે પડતું અટકી–અટકીને ચાલે છે. કલ્પના એવી કમજોર છે કે એના પર હકીકતો વારંવાર ચડી બેસે છે. હથેળી મને પૂછે નહીં, આંગળીઓ એને ન પૂછે, ને અંગૂઠા –જવા દો. આંખ કાન નાક બધાં સ્વતન્ત્ર થઈ ગયાં છે. શરીર આખું બેકાબૂ લાગે છે. ચાલવા નીકળ્યો હોઉં, આ રીતે, તો રસ્તામાં ઘણીવાર એવું લાગે કે હું મસ્તક વગરનું ધડ છું.
એણે ઍલાર્મ ખરેખર તો ભૂખરીનો ટાઇમ સાચવવા મૂકી રાખ્યું છે: હા, મારો ને ભૂખરીનો ટાઇમ સાચવવા, એમાં ખોટું શું છે? જોકે ભૂખરી તો સાત ને પાંચે જ આવતી હોય છે.
પ્લૉટ સરકારી છે એટલે કુંજ, કુંજ ઓછી છે, અરણ્ય વધારે છે. ટ્રૅકની ચૉફેર પાકું ફૅન્સિન્ગ કરેલું છે, બંને તરફ જાતભાતના ફૂલછોડવા છે, પણ જાણે કોઈને ય પૂછ્યા વિના, ગમે એવા ઊગ્યાફૂલ્યા છે. ટ્રૅક પર આંકા–આંકાવાળી ટાઇલ્સો જડેલી છે, લપસી ન જવાય. તેમછતાં, ઠેકઠેકાણે પાણીના પાઇપો પડ્યા હોય છે. અમુક નળ ટપક્યા જ કરે છે: અરે અરણ્યકુંજનું એ તો સારામાં સારું દૃશ્ય છે, હું તો ઊભો જ રહી જાઉં છું, જોતો, કેમકે, એ ટીપાંને કોઈ ચકલી સીધી જ ચાંચમાં ઝડપી લેતી હોય છે, પાંખો ફફડાવતી, અધ્ધર.
મેઇનગેટ પાસે અર્ધ-વર્તુળાકારની થાકેલાંને બેસવા માટેની બંને તરફ પાળો કરેલી છે. જોકે, પણ, તૂટેલી છે. કોઈ–કોઈ ભાગોમાં કાંટાળા તારની કટાયેલી વાડો રાખી મૂકી છે ને તે પણ એવી જ વેરવિખેર છે. બધું છે, પણ અસ્તવ્યસ્ત, ભેળસેળ જેવું. વૃક્ષો, ગમે એમ વાવ્યાં હશે -સરુ. ને સરગવો. લીમડો. ને અરડુસો. ઉમ્બરો. ને પીપળો. બહેડો. આસોપાલવ. આસીતરો. ખાખર. કંઈ ઠેકાણું નથી: ના ભૈ ના, ઠેકાણું જ ક્હૅવાય, ટ્રૅક એથી ઍવન્યુ જેવો લાગે છે.
લાલ નળિયાંવાળી બંગલી છે. વનવિભાગની ઑફિસ. સાંજે ઑફિસર તો ચાલી ગયો હોય પણ બધું ઉઘાડું લલાભટ હોય છે –ઉપર પંખો ચાલે. ઑફિસની બંને બાજુએ લીલી લૉનના ટેકરીદાર ઉતારચડાવવાળા પથારા છે. પણ ઘાસોડાં લાગે, કેમકે લૉનને જોઈએ એવી કાપતા નથી: ના–ના. બધું સાવ એવું નથી, લૉનના એવા પથારા એટલા બધા લોભામણા છે, કે મેં તો એમાં આ છેડેથી પલે છેડે મનોમન આળોટી લેવાનું કેટલીય વાર કર્યું છે.
એમાં ક્યાંક–ક્યાંક સફેદ પેઇન્ટ કરેલા રૉટ આયર્નના બાંકડા મૂકેલા છે –જેની પર ભાગ્યેજ કોઈ બેસતું હોય છે: જોકે મને તો એટલે પણ સારું લાગે છે. લીલી લૉનમાં કોક વાર સફેદ કબૂતરોની ટોળી ઊતરી આવે છે. ત્યારે પણ મને બહુ સારું લાગે છે: આ માણસ, જગત, વધારે વિચિત્ર એ રીતે છે કે પોતાની વાઇફને વડોદરે રાખે છે, વીકેન્ડમાં ય લતા પાસે નથી જતો: વરસોથી લતાની ત્યાં જોબ છે ભૈ, જ્યાં ચમ્પકલાલ એના બૉસ છે ભૈ… હું પેટાભાડૂત છું; આખો ફ્લૅટ ને એવી બધી, ભેગાં રહેવાય એવી બધી, વ્યવસ્થા તો થવી જોઈએ ને… ને લતાય કાં ઇચ્છે છે ભલા? એ નથી ઇચ્છતી કે વીકેન્ડે વીકેન્ડે જઈને હું ખોડાઉં એની સામે! શરૂ–શરૂમાં જતો’તો. પાંચ–છ મહિના રૅગ્યુલર ગયો છું.
આ માણસ પોતાના બાપને, સાવિત્રીને કે દિનુને મળવા ગામડે ય નથી જતો: ખરી વાત છે, ચાર વર્ષથી નથી ગયો, જવાનો પણ નથી. બાપને હું મારો પહેલા નમ્બરનો દુશ્મન ગણું છું. એમના એક લંગોટિયા દોસ્તની આંગળિયાત છોકરી સાવિત્રી, એમણે જ મને વળગાડેલી. પેલાની બૈરી જોડે એમને આંખઇશારો હતો -એને સારું લગાડવા. સાવિત્રીનો વાંક કશો નથી એ વાતે હું દુઃખી રહું છું. આ દિનિયા જોડેનો લગાવ હવે ઑસરી ગયો છે, કેમકે ક્હૅ છે કે મારું નામ પડતાંમાં એવિયો મને ગાળો આપે છે.
ટૂંકમાં આ માણસ, જગત, એકલો ને એકલવાયો છે: ના, એવું નથી, એકલો ક્યાં છું? આટલાં બધાં હાઇરાઇઝ્ડ મારી ચૉપાસ છે, કેટલાં બધાંની વચ્ચે છું! દુકાનો કેટલી બધી છે, નાની–મોટી ઑફિસો, રેસ્ટોરાં, બૅન્કો…જ્યાંત્યાં સાઇબર કાફે એસટીડી–આઇએસડીનાં બૂથ પેપ્સી કોલા શાકભાજી લારીગલ્લા ખુમચા રૅંકડી બાગબગીચા ફુવારા ફૂલો મન્દિર ભક્તો ભિખારીઓ…કેટલાં બધાંને મળતો–મળતો હેલો–હાય કરતો–કરતો રોજેરોજ આમ તો હાલ્યો જઉં છું, ભર્યોભર્યો! એકલો કેવી રીતે? ફ્લૅટમાં, રૂમમાં ૪૦ ચૅનલોનો ટીવી છે, દેશ છે, પ્રદેશ છે, દુનિયા છે, લક્સ, કોલગેટ, ગોદરેજ, વિડીયોકોન, શું નથી? ઘડીએ ને પલકે છે, હું એકલવાયો શી રીતે છું ભાઈ? ઘરમાં ને ચૉકમાં મારી જોડે ને જોડે કાયમ બચ્ચન હોય છે, શાહરુખ હોય છે; ઐશ્વર્યા, સલમાન, સચિન, સોનિયા, સીએમ, પીએમ… બધાં કેટલાં બધાં છે! કંઈ નહીં તો, ખટારા, બસો, મારુતિઓ, સ્કુટરો, બાઇકો, સાઇકલો, રિક્ષાઓ, ગાયો, કૂતરાં ને ભલાંભોળાં અગણિત રાહદારીઓ…
આ માણસને સમાજની કશી તમા નથી. કોઈનું કંઈ ધ્યાન નથી રાખતો. એકેય પડોશીનું નામે ય નથી જાણતો. કોઈને ગ્રાઉણ્ડફ્લોરવાળા ક્હૅ છે તો કોઈને થર્ડફ્લોરવાળા, કોઈ એને માટે ઓઍનજીસીમાં છે તો કોઇ ઍસબીઆઇમાં છે: અરે પણ મારું નામે ય મારા કયા વ્હાલેશરી પડોશીએ જાણવા માગ્યું તે તો ક્હૉ! મને ય બધા પેલા ભાઇ -આઠમામાળવાળાથી તો ઓળખે છે! ને સમાજની કાં માંડો છો ભઈલા– અમુકનાં નામો ય જાણું છું. નીચેના ફ્લોરવાળાની વાંઢી રહી ગયેલી છોકરી સોમી, ૩૮-ની છે, એકદમ જાડી છે –તે પૅન્ટહાઉસવાળાના તાજા તમતમતા છોકરા મનુને ગઈ જન્માષ્ટમીએ સૂરત ભગાડી ગયેલી. અઠવાડિયે બંને પાછાં આવ્યાં ત્યારે મનુ એક જ રઢે ચઢેલો: પરણું તો સોમીને, બાકી કંઈ નહીં. પછી સોમી પ્રૅગ્નન્ટ હતી. સૅકન્ડ ફ્લોર પર અમારા બિલ્ડર પોતે રહે છે. એક સવારે બધાં ભેગાં થયેલાં એમના મેઇનડોર પાસે. વાત એમ હતી કે એમની વહુ વિમળાએ પંખે લટકીને ફાંસો ખાધેલો -હજી કોઈ જાણતું નથી કે કેમ. ગયે મહિને એ જ ફ્લોર પર અમૃતભાઇને ત્યાં પોલીસ આવેલી, ચોરી થયેલી ૬૦ હજારની. પાછળથી જાણવા મળ્યું કે હજારવાળી ૬૦ નૉટો એમની સાળી સુલોચના પર્સમાં નિરાંતે ગબ્કાવી ગયેલી –ક્હૅ છે કે સાળી સાથે એ અમૃતભાઇને સૉફ્ટ કૉર્નર છૅ…તમે તો ક્યારના એવી છાંટો છો જાણે તમે બધું જાણો છો! હું આ બધાંની વચ્ચે છું કે પછી એ બધાં મારી આસપાસ છે, છતાં, એમની અંદર અંદર શું છે તે હું નથી જાણતો. જોકે મારી અંદર શું છે તેનીયે એમને કોઈને ખબર નથી. મને નથી ખબર કે મારા બાપુ કે હીનાની મા–ની અંદર શું છે. ચમ્પકલાલો કે શોભનાઓ અંદર શું લઈને જીવતાં હશે? નથી ખબર. સાવિત્રી કે લતાને અંદર જેવું કંઈ હશે પણ ખરું? મારી આગળ મહેરબાની કરીને સમાજની તમે બહુ ના મંતરો તો સારું છે…
આ બેનને પણ એ ભૂખરી ક્હે છે –
– આ દાખલ થયાં તે–
મેઇનગેટની તક્તી પાસે લગીર અટકીને બધું જોતાં ઊભા રહી ગયાં છે તે –
થોડીવારમાં જ ચાલવા માંડશે…
ભૂખરીને ભૂખરી ન ક્હું તો શું ક્હું? નામ થોડો જાણું છું? રોજ એકના એક ભૂખરા જીન્સમાં હોય છે શ્રેડેડ જીન્સ, ટાઇટ. નરમ લાકડાની થાંભલીઓ જેવી બે જાંઘો છે એની. એની ઉપરનું ટૉપ પણ એવું જ હોય છે, ઝભલા જેવું, જીજરું –અંદરની સફેદ ચુસ્ત બ્રા જોઈ શકાય. શામળી છે ને ચ્હૅરો તરતમાં જ સાબુથી ધોયો હોય એવો કોરો ભૂખરો છે, કાપેલ વાળ પણ ઝૂલતા ઊડતા એવા જ છે. મને કશો પરિચય થોડો છે એનો? હું ક્યાં જાણું છું કે એ કુંવારી છે, પરણેલી છે, કે મારા જેવી… કેમ છો પણ નથી કહી શક્યો હજી લગીમાં.
વનકેડી ક્હૅ છે તે કેડી જ છે. ટ્રૅક પાંચ ફીટથી વધારે પ્હૉળો નથી, એક સાથે બે જ જણાં ચાલી શકે, બીજાં બે સામેથી આવી શકે, બસ. ચાલનારાંનાં મોટાં–મોટાં ઝૂમખાં ધસમસતાં હોય એવો આ વૉકર્સ પાર્ક નથી, જાણે કપલ-ટ્રૅક છે. માંડ ૨૫–૩૦ જણાં આવતાં હશે, ગીરદી ક્યારેય નથી થતી: કપલ ક્હૉ છો એનો મને વાંધો નથી પણ કપલમાં પ્રૌઢો–પ્રૌઢાઓ જ હોય છે. નાની ઉમ્મરનાં તો અમે માત્ર બે જ હોઈએ છીએ. હું ને ભૂખરી. ભૂખરી તો મારાથી ય નાની લાગે છે.
મેઇનગેટની એ તક્તીમાં લખ્યું છે : એક રાઉણ્ડ = ૩૫૦ મીટર: હા, પણ રાઉણ્ડ, રાઉણ્ડ નથી – મેઇનગેટથી સીધા રાઇટ, પછી કાટખૂણે લૅફ્ટ, પછી ત્રાંસમાં રાઇટ, એ પછી લૅફ્ટમાં થોડું સ્ટ્રેઇટ, વળી લાંબું રાઇટ ને છેલ્લું પાછું કાટખૂણે રાઇટ. લગભગ છ ખૂણાવાળો ચકરાવો છે, વર્તુળ નથી–
–વેઇટ; જરા જોવા દો,
–આ મારું પહેલું રાઉણ્ડ પૂરું થવા આવ્યું તો ય હજી લગી ભૂખરી મને સામે મળી કેમ નહીં? હું ને ભૂખરી કપલમાં ક્યારેય ન હોઈએ. હમણાં થોડીવાર પહેલાં મૅં જેમ લૅફ્ટથી શરૂ કર્યું એમ એ રાઇટથી શરૂ કરે –હમેશાં અમે ક્રૉસ થઈએ…
–ઓહો, એ કંઈક વાત કરી રહી છે, વૉચમૅન સાથે; બરાબર, હશે કંઈક…
–રાઉણ્ડ વર્તુળાકાર નથી એટલે, ખાસ તો સ્પીડથી ચાલતાં હોઈએ ત્યારે બિલકુલ સાચવવું પડે છે. થોડી થોડીવારે બ્રેકો મારવી પડે. નહિતર સામાવાળી વ્યક્તિ જોડે ભટકૈ જવાય.
હું એકવાર ભૂખરી સાથે એમ જ ભટકઈ પડેલો, મૅં સૉરી કહેલું પણ એણે નાનું સ્મિત થવા દેવા સિવાયનું કંઈ કરેલું નહીં. મને નહીં ગમેલું. છતાં મને એવું જરૂર લાગે છે કે નહીં બોલીને એ મારી જોડે ઘણું બોલે છે. મારું ચૉક્કસ ધારવું છે કે એ મને ગમાડે છે, ચાહતી પણ હોય.
દૂરથી મને જ જોતી રહે પણ બરાબર સામે આવી હોય ત્યારે વગર ભૂલ્યે બીજે જ જુએ.
– જુઓ આ આવતી છે… તે…, હમણાં, હું કહું છું એવું જ થશે.
– – –
–જોયું ને?
–જેથી હું એને એટલીવારમાં ય, આ રીતે, પિવાય એટલી પી શકું.
હું રોજ ૧૦ રાઉણ્ડ લઉં છું, એ ૮ લે છે. પોતાનાં રાઉણ્ડ પૂરાં કર્યા પછી ભૂખરી પાળી પર બેસી રેસ્ટ લે છે. હું મારાં રાઉણ્ડ પૂરા કરું ને હું ય રેસ્ટ માટે બેસું ત્યાંલગી, ત્યાંલગી એ અચૂક બેસે છે. હું સામી પાળીએ બેસી શકું, પણ એમ ન કરતાં, ત્રણેક ફીટનું અંતર રાખીને એનાવાળી પાળીએ જ બેસું છું –જાણે કશા અધિકારથી. એના ચ્હૅરા પર એ વાતનો આજ દિન લગી કશો વાંધો નથી વરતાયો, થોડી ખુશી સાથેનો સંતોષ દેખાયો છે. એવી રીતનાં સાથે અમે પાંચસાત મિનિટ ગાળતાં હોઈશું. એ રેસ્ટટાઇમ દરમ્યાન રાત પડી ગઈ હોય, ને એટલો વખત, હું જીવન–સુખના કશા અજાણ્યા સંતોષના નાના ઘૂંટડા ભર્યા કરતો હોઉં.
આ માણસની વધારાની વિચિત્રતા એ છે કે ચાલવા માટે એ મૉડો જ નીકળે છે. એટલે બે–એક રાઉણ્ડમાં તો અંધારું થવા લાગે. મેઇનગેટ પાસેથી ટ્રૅક ફરતે ઘણે લગી લાઇટોના થાંભલા છે પણ પાછળના ભાગમાં બે–ત્રણ જ છે. બંગલીની ટ્યુબલાઇટોનો પ્રકાશ ત્યાં સુધી ખાસ પ્હૉંચતો નથી. પાછા, ત્યાંના બલ્બ ઊડી ગયા છે ને નવા કોઈ નાખતું નથી. વનકેડી એટલા ભાગમાં ઝાંખીપાંખી થઈ જાય છે. એ કારણે ચાલનારાં વહેલાં વેરાઈ જાય છે: ખરી વાત છે, જેમજેમ રાત વધતી જાય તેમતેમ ચાલનારાંઓમાં છેલ્લે તો હું અને ભૂખરી જ બચ્યાં હોઈએ. રેસ્ટ માટે પાળી પર પણ અમે બે જ જણાં હોઈએ છીએ.
અરણ્યકુંજની બહારનું શ્હૅર સોડિયમની સ્ટ્રીટલાઇટોથી, વાહનોની હેડલાઇટોના આટાપાટાથી, ટેઇલલાઇટોનાં લાલપીળાંથી, ઊંચાંઊંચાં એડ-હોર્ડિન્ગોની નિયૉન અને હેલોજન લાઇટોથી ને અનેકાનેક બિલ્ડિન્ગોની ટ્યુબલાઇટોના સ્થિર સફેદ ઘરેલુ દીવાઓનાં પ્રકાશચૉકઠાંથી, નવી જ રીતે જાગતું દેખાતું થયું હોય છે.
ઘૂંટણ પર કૉણીઓ ટેકવીને ઝૂકીને બેઠેલી ભૂખરી મારા માટે જીવન્ત શિલ્પ જેટલી આકર્ષક હોય છે. એનાં કાંડાં બેબલીનાં હોય એવાં ટૂંકાં ને ભરાવદાર પોચાં છે એમ લાગે છે. એક કાંડું સાવ સૂનું રાખે છે એટલે બીજા પરનું વૉચ થોડું મોટું લાગે છે. અંધારું અંધારું બોલો છો તે અંધારું મળે છે ક્યાં આ શ્હૅરમાં? ને ચાન્દની? શ્હૅરમાં ચાન્દની? ભૂલી જાઓ. બલ્બને શું કરવા છે? અજવાળિયું હોય ત્યારે વનકેડીના એ ભાગમાં ઝાડ–પાંદડાંમાંથી ગળાઈને ચાંદરણાની જે ભુલભુલામણી થઈ હોય છે –એકદમ સરસ! વન્ડરફુલ! મને તો બૂટ ને મોજાં બંને ફગાવી દઈને એમાં ઊતરી હળવેકથી ચાલી જોવાનું કેટલીયે વાર સૂઝ્યું છે.
એક વાર આઠમ હતી. આકાશમાં અરધો ચન્દ્ર હતો, વાદળાં હતાં, હું ચાલતો’તો, અત્યારે ચાલું છું એમ જ, સામેથી ભૂખરી આવતી’તી,
–અત્યારે આવી રહી છે એમ જ
–ત્યાં શી ખબર મને એમ જ લાગવા માંડ્યું કે ભૂખરી નહીં હીના છે ને એ ઝડપમાં મારી પાસે આવી રહી છે. મને થયું, તે દૂરની વેળાની એ દુઃખભરી ઘડીઓમાં મને બાઆય કરીને છેલ્લે જે ટ્રેનમાં હમ્મેશને માટે નીકળી ગયેલી એ જ ટ્રેનમાંથી ફફડાવીને ઊડી આવી કે શું…પછીની ઘડીએ હું હીના અને ભૂખરીની વચ્ચે હતો અને અમે ત્રણેય કશી જુદી જ ચાલમાં સ્મિત વેરતાં–વેરતાં ચાલતાં’તાં. આખો ટ્રૅક ક્રમે–ક્રમે ચન્દ્ર ભણી ઊંચકાતો જતો લાગતો’તો, પણ –અચાનક જ –બિલકુલ અચાનક
–વનકેડી પર કશો ઉતાવળિયો સરસરાટ થયો ને ઝપાક્ આડો ઊતરી ગયો –પાટલાઘો હતી. હું થડકી ગયેલો. સામેથી આવતી ભૂખરી છાતીએ હથેળી રાખી અટકી ગયેલી. એથી એનો સ્તન ઊપસી આવેલો. એને જોતાં–જોતાં મારાથી બોલાઈ ગયેલું -ડોન્ટ વરી, ઇટ ડઝન્ટ હર્ટ. ત્યારે એણે ઓકે કહેલું ને એકદમ નીકળી ગયેલી, પણ તરત એણે પાછું જોયેલું. પળવાર અમારી નજરો પરોવાઇ ગયેલી લાગેલી. એ મારી આગળ કે અમે એકબીજાં આગળ પકડાઈ ગયેલાં લાગેલાં.
તે દિવસે પછી રેસ્ટ-ટાઇમમાં હું ખિન્ન થઈ ગયેલો -ભૂખરીનું જીવતુંજાગતું શિલ્પ બાજુમાં હતું છતાં. મને હીનાની મા, કે જેને પણ હું મારી એક નમ્બરની દુશ્મન ગણું છું, દેખાવા લાગેલી, એના બોલ સંભળાવા લાગેલા. એણે જ અમને છૂટા પાડી દીધેલાં : છોકરો ગરીબ ઘરનો છે ને પોતે ‘ઊંચે લોગ’ છે: પાછળથી મને જાણવા મળેલું કે હીનાની મા એમના ડ્રાઇવર જોડે ચાલુ હતી. પણ હીના તો મારા માટે કશી સુવાસ હતી, આજે ય છે. પણ કઈ સુવાસ, કેવી, ક્યાંથી, તે નથી કહી શકતો, બસ, અવારનવાર એ આવ્યા કરતી હોય છે…
–આજે પણ રેસ્ટ-ટાઇમ થવા આવ્યો છે. ભૂખરીના રાઉણ્ડ પતવામાં છે કેમકે મારાં પતવામાં છે. એ બેસશે પાળીએ, હું પણ બેસીશ, હું પૂછીશ એને–
–તમે બહુ નિયમિત છો, નહીં?
–અથવા મૅં પૂછ્યું, એવું મને લાગશે. એ ક્હૅશે મને, હા, અથવા એણે કહ્યું, એવું મને લાગશે.
–નજીકમાં જ રહેતાં હશો, નહીં?
– મને સવાલ થશે કઈ ભાષા, ગુજરાતી, જાણતી હશે? હિન્દીભાષી હશે? લાગે છે તો એવી.
– પછી કશું નહીં પૂછાય. કશું જ બનશે નહીં. હું મેઇનગેટની બહારના શ્હૅરની રાત જોયા કરું છું એમ લાગવા દઈશ ને એ કશુંય ના જોતી હોય એમ નીચું જોઈ રહી છે એમ લાગવા દેશે…
પછી પરિચય વિનાના એ પરિચયને કોઇ આંધળાની જેમ ફંફોસતો–ફંફોસતો માનવાને હું તત્પર થઈ ઊઠીશ કે આ પ્રેમ છે, પ્રેમ જ છે, પ્રૅમ આવો જ હોય છે, હા, આંધળો, અને આવો, મૂંગાં બનાવી દેનારો…મને ખબર છે –
ના જગત, આ બધી તારી ધારણાઓ છે –બીજો જગત પહેલાને ક્હૅ છે.
તો શું થયું? ધારણાઓ પોતે તો હકીકતો છે ને? પહેલો જગત બીજાને ક્હૅ છે.
હીનાથી પડેલો ચીરો, સાવિત્રીથી પડેલું ગાબડું, લતાથી પડનારી તિરાડ એ તારી હકીકતો છે –બીજો પહેલાંને.
ના નથી. ચીરો, ગાબડું, તિરાડ કશું નથી, હશે પણ નહીં. ક્યારનું બધું સિમેન્ટ જેવું જડ સજ્જડ ને ડેડ છે–
ઠીક, લતાનું શું થયું?
એ જાણે, કે ચમ્પકલાલ જાણે.
તારું શું?
કંઈ નહીં.
હીના?
છે.
ભૂખરી?
છે.
ભૂખરી તને ચાહે છે એમ માનવાની તને ટેવ પડી ગઈ છે –બીજો પહેલાને.
ટેવ તો ટેવ. એ માટે નસીબ જોઈએ –પહેલો બીજાને.
એ પરણેલી હોય, કોઈની પ્રિયતમા હોય, મા હોય – બીજો પહેલાંને.
હોય. તેથી મને કશો ફર્ક નથી પડતો…
પણ મગજમાં આવું જાળું લઈને ફરવાનો ફાયદો શો?
ફાયદો–ગેરફાયદો હું નથી વિચારતો. જાળું બાઝ્યું હોય, આવું, એ જ મોટી વાત.
એથી શું?
એથી સતત સારું લાગે છે, દુઃખ હોય તો પણ જીવવાનું ગમ્યા કરે છે.
મને તો આ એક જાતનું આશ્વાસન જણાય છે – બીજો પહેલાને.
આશ્વાસન સારો શબ્દ નથી.
સમાધાન.
એ પણ સારો શબ્દ નથી.
સિમેન્ટ.
કદાચ; પણ, તું હવે જા, ત્યાં એ મારી રાહ જુએ છે. રેસ્ટ-ટાઇમ.
ઠીક.
જગત અને ભૂખરી પોતપોતાની જગ્યાઓએ પાળીએ બેઠાં છે.: શું આજે પણ નહીં પૂછાય ભૂખરીને કે કેમ છો? આજે તો પૂછું જ: જગતનું ડોકું આગ્રહનો ખચકો કરી રહે છે : અરે ઓ રમણી! વાત કરવા આ વનકેડીમાં તારા માટે મારા સિવાયનું લાયક કોઈ નથી –જેવું કંઈક અઘરું બોલવા જગતનું શરીર ગરદનને ભૂખરી ભણી ફરવા ક્હૅ છે. ફરે છે ગરદન પણ કંઈ થતું નથી.
થોડીવારે જગતને સમજાય છે કે બહાર નહીં પણ અંદર કંઈક થઈ રહ્યું છે. ફૂલકળી પાંખડીઓમાં ખૂલે એમ શબ્દો કશાકમાંથી ખૂલતા હતા. જગતની હથેળી ગળું પસવારીને શબ્દોને લાઇનોમાં ઊભા કરી દે છે ને હોઠ બાજુએ જવા ક્હૅ છે. જગતના હોઠ, ખૂલવા અંગે એકમેકને પૂછે છે. જવાબ હા–માં આવતાં ખૂલે છે ને તેથી તરત પણ વારાફરતી શબ્દોની લાઇનો બહાર પડે છે:
કેમ છો? ડુ યુ સ્પીક ગુજરાતી?
યસ. તમને મિસ્ટર ખબર છે આજે સવારે આ લોકોએ પેલી પાટલાઘોને મારી નાખી?
નજીકમાં રહો છો?
હા, સામે જ ‘સનશાઇન’માં. આજે હું આવી કે તરત મને પેલો સર્વન્ટ નથી, વૉચમૅન, એણે કહ્યું.
એકલાં? આઇ મીન પૅરન્ટ્સ સાથે રહો છો?
ના. એકલી છું. પહેલાં તો, લાકડીના અવાજો કરી ભગાડવા દોડ્યા, હાકોટા પાડતા.
મૅરિડ?
નો. પણ પછી તો આખા ટ્રૅક પર ચીસાચીસ સાથે એ દોડંદોડા કરતી’તી, ધમાચકડી મચી ગયેલી.
ડિવૉર્સી?
નો. વૉચમૅન ક્હૅ છે કે પાટલાઘો નીકળી એના અરધા કલાક પર ધરતીમાં ધ્રૂજારી થયેલી. મતલબ કે આફ્ટર–શૉક વખ્તે હોય એવી ટ્રેમર; ડુ યુ નો?
વ્હૉટ?
પછી કોઈ બોલતું નથી. દરમ્યાન પવનના સેલારા સંભળાતા રહે છે. છોડવા ને ડાળપાંદડાં, ફૂલોની પાંખડીઓ, બધાં મજામાં હોય એમ ડોલતાં રહે છે.
ડુ યુ નો?… તમે, મૅરિડ છો?
જગતનું મગજ ખોપરીમાં યસ–નો-ની વચ્ચેનો કોઈ શબ્દ મળે તો શોધવા રોકાય છે.
સૉરી; તમે પણ નજીકમાં જ રહેતા હશો.
હા, પાછળ ‘જનવિશ્રામ ટાવર’-માં.
પછી પણ કશું થતું નથી. બંને વચ્ચે એક મૂંગાપણું કશા અવાજ વિના અથડાતું રહે છે. જગતનું કાંડું વૉચ ધરી એની નજરને જણાવે છે કે ટાઇમ વેડફાઈ રહ્યો છે.
તમે હીનાને જાણો?
ના, કોણ હીના?
ભલે. તમને હું કંઈક પર્સનલ પૂછી શકું? મે આઇ–?
અફ્કોર્સ! કંઈ પણ.
તમે… કોઇના… પ્રેમમાં છો?
ના, નથી, ક્યારેય નહીં હોઉં.
એવું કેમ?
લૉન્ગ સ્ટોરી… તમે?
હું છું, હું પ્રેમમાં છું.
કોના?
છે એક.
નામ શું છે?
ભૂખરી.
…સ્ટ્રેન્જ નામ છે, નહીં?
હા…
…ઠીક, ચાલો ત્યારે, મૉડું થઈ ગયું…કાલે આવવાના?
જરૂર. તમે?
જરૂર. ગુડનાઇટ, આવજો.
ગુડનાઇટ, આવજો.
જતાં–જતાં જગત અને ભૂખરી મેઇનગેટ લગી અને પછી પણ થોડીવાર માટે સાથે–સાથે ચાલતાં’તાં.
—તમે ટ્રેમરનું ક્હૅતાં’તાં; આજે? સવારે? એટલીસ્ટ આઇ ડીડન્ટ ફીલ ઇટ! સારું થયું આ લોકોએ પાટલાઘોને મારી નાખી; પણ, બાય ધ વે, શું એ એ જ હતી, તે દિવસે આઠમે ચાન્દનીમાં આપણે જે જોયેલી–? ડુ યુ રીમેમ્બર!
યસ, આઇ ડુ રીમેમ્બર, બટ આયેમ નૉટ શ્યૉર કે એ એ જ હતી.
અંહ્અ્… ઍનીવેઝ… જે થયું તે સારું થયું.
અફ્કોર્સ સારું.
ચાલો આવજો. બાય.
આઆવજો…
ઊઘડતી રાતના શ્હૅરમાં ટ્રાફિક વચ્ચેથી રસ્તો કરતાં–કરતાં બન્ને જણ પોતપોતાનાં હાઇરાઇઝ્ડની દિશામાં ફંટાઇ ગયાં.
પણ ત્યારે, જગતને મનમાં કંઈક ખૂંચતું’તું – એમ કે, કશુંક તો સારું નથી જ થયું…
પછી જગત હાથની અદબ વાળીને ઝડપમાં જવા જતો’તો. અમુક–અમુક જગ્યાએ આ કે તે ફૂટપાથ બદલવા માટે એને ડાબે–જમણે થવું પડતું’તું, એટલે અદબ છૂટી જતી’તી ને હાથ ઝૂલતા થઈ જતા’તા, પગ કશુંક શોધતા રહેતા થઈ જતા’તા ને એની ચાલને એથી અટવાયેલા રહેવું પડે એવું થતું’તું.
એવી ધીમીટૂંકી બેઢંગ ચાલે જઈ શકતો જગત એવો લાગતો’તો જાણે વાહનો વચ્ચેથી ડગમગ જતું નાનું કોઇ બિલ્ડિન્ગ…
ઇ.ઇ.ડબલ્યુ. યાને સંકટસમયની બારી
છેવટે શંકરની ટ્રેન પ્લૅટફૉર્મ–૪ ઉપર આવી લાગી. ધીરી ધીરી થઈને કરરઅર્ડઅ્ અવાજ સાથે ઊભી. પોતાનો ડબ્બો S-૫ દેખાતાં, શંકરે દોડવા–જેવું કર્યું ને અંદર ફલાંગ મારતોક ને ઘૂસ્યો. પૅસેજમાં ઉતાવળમાં ચાલતાં રહેતાં ને આમતેમ જોતાં–જોતાં એણે પોતાની બર્થ–૨૦ શોધી કાઢી ને પછી ધીમેથી, હાશ્ કરી બેઠો. બૅગને હાથમાંથી છૂટી કરતાં, શંકરે રૂમાલ કાઢી પરસેવો લૂછ્યો. જોકે એણે તરત તપાસ્યું કે LB એટલે કે લોઅર બર્થ જ હતી ને નમ્બર પણ ૨૦ બરાબર જ હતો. એ જોયું એણે કે ૨૦ નમ્બર બારી પાસે હતો ને પોતાની ઉપરની મિડલ બર્થ પહેલેથી જ પાડેલી હતી –કેમકે માથું ભટકાય નહીં એ માટે એને નીચા નમવું પડેલું.
આખરે શંકરને સારું લાગ્યું, રૂમાલની એણે પહેલાં–જેવી ગડી કરી ને પાછો ખિસ્સામાં ખોસ્યો, પાટલૂનના: શ્હૅરમાં સાલો આખો દા’ડો મારો સાવ રઝળપાટમાં ગયો. મુખ્ય કામ મારે ઍનેક્સીના નવમા માળની ઑફિસમાં હતું, ગયો’તો લિફ્ટમાં, પણ નવે નવ માળ ઊતરવા પડેલા –ક્હૅ કે ઍલાવ નથી! પછી પૂરો દોઢ કલાક ચાલ્યો હોઈશ તાપમાં, જુદી જુદી ફૂટપાથો પર લોકોની આવ–જા–માંથી રસ્તો કરતો. થોડી થોડી વારે શૉપોમાં ઘૂસું ખરો, એ.સી.-વાળીમાં તો ખાસ. થાક્યા પછી મેં રિક્ષા કરેલી, પછી બસમાં બેઠેલો –ડબલડેકરમાં, ઉપલા માળે. સવારે તો એક દૂરની જગ્યાએ પ્હૉંચવા માટે ટૅક્સી કરવી પડેલી. બધા દિવસો આ વિરાટ ભુલભુલામણી જેવા શ્હૅરમાં મારા આમ જ ગયા, બિઝી–બિઝી. શંકરને થયું, આવાં દરિયાકિનારાનાં ઉકળાટિયાં શ્હૅર જ નક્કામાં –કાયમથી ભેજભારે. એના કરતાં અંતરાલનું મારું નાનકડું પણ સૂક્કું શ્હૅર સારું, હલકા-હલકા પવનોથી સદા ફરફર્યા કરતું. પણ શું થાય, કામ જ એવું હતું. બાકી, બ્હારગામ–ફ્હારગામ તો હું જતો જ નથી. આ ટ્રેનની મુસાફરી, ને તેમાંયે નાઇટટ્રેનની, કદાચ ત્રણેક વરસે કરી રહ્યો છું…
શંકરે આંગળાંનાં વેઢે ગણી કાઢ્યું કે પોતે લગાતાર દસ દિવસથી બહાર છે અને સુલોચનાને ત્યારથી જોઈ નથી, માત્ર યાદ કર્યા કરી છે: હવે જોકે પત્યું છે. આટલી આ રાત તો આમ જ વીતી જશે, ઊંઘમાં –સારું ને ખાસ્સું જમ્યો છું. આંખ ખૂલતામાં તો સવાર ને સીધું મારું સ્ટેશન —પછી તો ધમધમાટ રિક્ષામાં ઘેર, ને ઝટ સુલોચના સામે: આ વાતે શંકરને મીઠી ચટપટી થવા લાગી. એવી ચટપટીમાં ને ચટપટીમાં એ પરોવાયેલો રહ્યો ને ઉપલી બર્થ વાગે નહીં એ રીતે જરા ઝૂકીને બેઠો. તરત એણે બૅગ ખોલી. ગોઠવેલું બધું બગડે નહીં એમ અંદરથી સાચવીને એણે સ્લિપર કાઢ્યાં, પાથરવાની ચાદર ને અૅર–પિલો –ફૂંકોથી ફુલાવીને પીઠ પાછળ દબાવી દીધું. પગેથી બૂટ–મોજાં ઉતાર્યાં, બૅગ લૉક કરી ને બર્થ નીચે કાળજીથી ખૂણામાં ગોઠવીને મૂકી. બૂટ–મોજાં બૅગ પર મૂક્યાં. સ્લિપર પગ મૂકવાની જગ્યામાં સરખાં ભેગાં મૂક્યાં –ને પછી થોડીક વાર માટે પલાંઠી વાળીને બેઠો. માથું નમાવેલું રાખીને બંને હાથે પોતાના બંને પગના ગોટલા વારાફરતી દાબતો રહ્યો પણ એણે જ્યારે કાંડા પરના ઘડિયાળમાં જોયું, તો જણાયું કે ટ્રેન ઊપડવાને તો સાલી હજી પંદર–પંદર મિનિટોની વાર છે…
ત્યાં એકાએક શંકરના ધ્યાનમાં આવ્યું કે પોતાનો ડાબો હાથ બારીએ ટેકવાયો છે ને કાચ–બારી તો બંધ છે. એણે કાચ–બારીની બંને તરફની, કાયમથી અઘરી એવી ચાંપો ઊંહ્ ઊંહ્ કરીને ખેસવી ને બારી જોર કરીને ખોલી નાખી.
બારી બહાર જોઈ રહેલા શંકરને ઘણી વાર લગી આછા સુખની લાગણી થઈ રહી. જોકે એને તરત પછી એમ થયું કે શું આ એ જ પ્લૅટફૉર્મ છે જે પર થોડી મિનિટો પહેલાં પોતે ઊભેલો હતો, ટ્રેનની રાહ જોતો? સામે એ જ સૅન્ટ્રલ સ્ટૅશન હતું, લાઇટોથી ઝાકઝમાળ, ઇલ્યુમિનિટેડ મોટા મોટા ડૉટ્સના નમ્બરો ને એવી જ સાઇનોથી, ઝલમલતું –પણ જોકે અટપટું. સ્ટેશનની ઊંચી–ઊંચી પણ કાળીમૅલી છતો જોતાં શંકરને એ થોડું ભૅંકાર લાગતું’તું, પણ એટલે જ વિશાળ લાગતું’તું. શંકર જોતો રહ્યો એનાં એ જ બધાં પ્લૅટફૉર્મ નંબર–૪, જ્યાં પોતે ટ્રેન માટે સૅટ થઈ ઊભો’તો. સામેનું એ જ નમ્બર–૩, જ્યાં પોતે પહેલાં ઊભો’તો –એ જ રીતે– ને જ્યાંથી ઍનાઉન્સરે બધાંને નમ્બર–૪ પર જવાની ‘વિનતી’ કરેલી. ઠીક ઠીક વાર લગી શંકરે જોયા કર્યાં મુસાફરોનાં એવાં જ ઝૂમખાં, તાલબદ્ધ વ્હૅતાં. એમની હળવી દોડધામો, હાંફળફાંફળભરી અવરજવરો, ઘણાંને તો લાલ ખમીસવાળા કૂલીઓ જ દોરતા’તા –કેમકે આખા ઝમેલામાં કાળા કોટવાળા ટીસીઓ તો ભળાતા જ ન્હૉતા. કો’ક, કો’ક ખૂણામાં કદાચ ઊભો હોય – હાથમાંથી લબડતાં લાંબાં લાંબાં લિસ્ટમાં ખોવાયેલો. જોકે ઍનાઉન્સમૅન્ટો સતત ચાલુ હતી –હિન્દીમાં ગુજરાતીમાં અંગ્રેજીમાં –વારાફરતી જોકે, પણ એક–ની–એક, એક–ની–એક, પણ જોકે વારંવાર. શંકરે ઘણે આઘેનાં પ્લૅટફૉર્મ પર શું હશે એ જોવાય ઊંચા થવાનું કર્યું, પણ એની નજર જમાનાજૂની એ જ તપખીરિયા–લાલ ને નવા જમાનાની એ જ શાહીભૂરી લાંબીલાંબી ટ્રેનોમાં અટવાઈ ગઈ, કોઈ–કોઈ ઊભેલી, તો કોઈ–કોઈ, ધીમેશથી આવતી, કે જતી…
શંકરની આંગળીઓ બારીના આડા સળિયા પર અમસ્તી જ ફરતી હતી, કદાચ એ સ્ટેશનની ગૂંચવાડિયા વ્યવસ્થાઓ વિશે ને એટલે સરકારના રેલવે–ખાતાની મસમોટી કામગીરી વિશે કલ્પનાએ ચડી ગયો લાગતો’તો –પણ ત્યાં જ એને કશુંક યાદ આવ્યું. એને યાદ આવ્યું કે પોતાની પાસે પીવાનું પાણી તો છે જ નહીં, રાતમાં બેએક વાર તો જોઈએ જ છે: બૉટલ ખરીદવાની’તી, પણ બધી ધકમકમાં ભૂલી જ ગયો છું…
એ ઊભો થયો –એટલે જણાયું કે ઉપલી બંને બર્થ પર નમ્બર–૨૧ અને નમ્બર–૨૨ સૂવા માટે લંબાવી ચૂક્યા છૅ, સામા પડખાની ત્રણેય બર્થ પરના ૧૭, ૧૮, ૧૯ નમ્બરનાઓએ પણ લંબાવી દીધેલું છે. એ પાછો બેસી ગયો, એણે જોયું કે બાજુના પડખે, ૧૭ પાસે, પાણીની બૉટલ છે અને ફુલ્લ ભરેલી છે, માથા પાસેના ખૂણામાં મૂકી છે. બૉટલો શોધતી શંકરની નજરને પોતાની બિલકુલ સામેની, પૅસેજ પરની, બંને બારીઓથી જોડાયેલી, આડી આડી બે યે બે બર્થ ધ્યાનમાં આવી. એ બંને મુસાફરો, ૨૩, ૨૪ પણ કદાચ સૂવાની તૈયારીમાં પડ્યા’તા -ઉપરવાળો નમ્બર ૨૪ તો મૉંઢેમાથે ઢબૂરીને સૂઇ જવાની વેતરણમાં હતો. એ લોકો પાસે પણ પાણીની ઠંડી ઠંડી ને રૂપાળી રૂપાળી બૉટલો તો હતી જ. શંકરને થયું તરસ તો પોતાને અત્યારે જ લાગેલી છે: સાંજે સાતેક વાગ્યે જમ્યા પછી પાણી પીધું છે જ કોણે? ને અત્યારે ૧૧ તો થયા જ છે, આખી રાત વગર પાણીએ ચાલશે કેમ? નાઇટટ્રેન છે તે, પાણી પછી ક્યાંય મળશે પણ નહીં: શંકર મૂંઝાયો. જોકે એને તરત એમ પણ થયું કે: આ બધાં તો મારાં સાથી જ ગણાયને? સાથી–મુસાફરો. એમની પાસે પૂરતું પાણી છે, પ…ણ, વેચાતું લીધેલું કોઈનું મૉંઘું પાણી મગાય છે થોડું? એણે એના માટે જ લીધું હોય તે એને જોઈએ કે નહીં? માગ્યા વિના કોઈ આપે નહીં ને આપે તો આપતાં કચવાય પણ ખરું. એક થાય, બધાં ઊંઘમાં હોય ત્યારે આ નમ્બર–૧૭નું, કે કોઈનું પણ, લઈને મારાથી ઝટપટ પી નખાય… પણ ના–ના, પાણીની ચોરી કરું? ને તે હું કરું? ના–ના. તો શું કરું? બહાર જઈને બૉટલ લઈ આવું?:
શંકરે જોયું કે ટ્રેન ઊપડવાને હજી સાતેક મિનિટની વાર છે. એણે બારીએથી ડોકું કરવા કર્યું. પણ સળિયા નડતા’તા એટલે મૉંઢું અડાડી–દાબીને ય જોવાય એટલું જોયું. આગળના બે–એક ડબ્બાને અંતરે સ્ટૉલ દેખાતો’તો : લઈ જ આવું. પણ ત્યાં લગી મારી આ બૅગ કોણ સાચવે? ચાદર–પિલોનું તો સમજ્યા જાણે, પણ બૅગમાં સુલોચના માટે લીધેલી પૂણેરી સાડી છે ને બપોરે જ ખરીદેલા હીરાના બે કાપ છે, સાચ્ચા હીરાના. બધું બૅગમાં પાછું સમેટીને બહાર જરૂર જવાય, બૉટલ ખરીદીને પાછા પણ આવી જવાય, પણ બૅગ સાથે જવું–આવવું લાગે કેવું? મારા આ બૂટ પણ મૉંઘા છે, મોજાં પણ. વાત એમ છે કે આટલું બધું સાચવે કોણ? ને એક પછી એક બધું બતાવતાં, ને સાચવજો એમ ક્હેતાં, હું લાગું પણ કેવો? ધારો કે આને કહું, સામાવાળાને, નમ્બર–૧૭ને, પણ એવું થાય છે કે ક્હૅવાય આવું? આમ તો બધાં ઊંઘવામાં છે. નવું કોઈ આવનાર નથી. જોકે એટલે જ ધાસ્તી રહે છે: છતાં, શંકરે નિર્ણય લીધો કે પોતે ઝટ્ બહાર જવું ને બૉટલ લઈ પટ્ પાછા ફરવું: પાણીનું નામ લઈને મુસાફરી ન કરાય. ગયો નથી કે આવ્યો નથી –શું થઈ જવાનું’તું એટલામાં…
સ્લિપરમાં પગ કે પગમાં સ્લિપર ભરાવીને શંકર ડબ્બાની બહાર ગયો ને લગભગ દોડતો જઈને થોડી જ વારમાં સાચે જ બૉટલ સાથે પાછો ફર્યો. એના મૉં પર સફળ સાહસની ખુશી હતી. એને થયું નિરાંત થઈ. બેસીને એણે ઠંડી–ઠંડી બૉટલથી પોતાનાં ગાલ–કપાળને ઠંડક આપી ને પછી એનું લેબલ જોવા લાગ્યો, નામ વાંચ્યું: મિનરલ વૉટરનું નામ હતું, ‘બેસ્ટ’! શંકરને થયું આ દેશમાં બધું જ હાળું બેસ્ટ–બેસ્ટ થવા માંડ્યું છે ને બધાંને મળવાય માંડ્યું છે –સાલી શરૂઆત જ આ પાણી જેવા પાણીથી થઈ છે!: શંકરને બૉટલનું બ્રેક–અવે સીલ તોડતાં તકલીફ પડી પણ પછી એણે ચાર–પાંચ ઘૂંટડા પાણી એકસામટું પી નાખ્યું, વધારે પીવા જતો’તો, પણ યાદ આવ્યું કે સવાર લગી ચલાવવાનું છે. પછી તો એણે પણ સૂવાની તૈયારી કરી ચાદર પાથરી, બારીને અડાડીને પિલો ગોઠવ્યું, ને એના ડાબા ખૂણામાં, બિલકુલ સામાવાળાની જેમ જ, બૉટલ મૂકી –ના, છુપાવી. જે ઘડીએ શંકર બર્થ પર લંબાવતા જતો’તો, બરાબર એ જ ઘડીએ થોડો અમળાઈ પડ્યો –કેમકે એક હળવા આંચકા સાથે ટ્રેન ચાલુ થઈ’તી…
કપાળે બંને કાંડાનો ક્રૉસ કરી સૂતેલા શંકરને હવે બે મૂંઝવણો સતાવતી હતી : ક્યારે ટીસી આવે ને ટિકિટ ચૅક કરી લે. અને ક્યારે આ ધૉળી–ધૉળી લાઇટોને ઑફ્ફ કરવામાં આવે. જોકે અચાનક જ શંકરે ઝપટમાં પોતાનું ડોકું બર્થ નીચે મોકલ્યું. કેમકે પોતાનું કશું કોઈ ઉઠાવી તો નથી ગયું ને એ જોવાનું પાણીની લ્હાયમાં પોતે ભૂલી જ ગયેલો. બધું બરાબર જ હતું, હૅમખૅમ, છતાં શંકરે હાથથી થોડું વધારે સરખું ને ચૉક્કસ કર્યું. વળી પાછો એ સ્વસ્થ સૂતો – કપાળે બંને કાંડાનો ક્રૉસ કરી, રાહ જોતો: ક્યારે ટીસી આવે, ક્યારે લાઇટો ઑફ્ફ થાય. એને બાકી, ડબ્બાનું ભલે ધૉળું પણ હળવું અજવાળું ગમતીલું લાગતું’તું. શંકરને થયું, બધું સુઘડ ને સ્વચ્છ છે. ડબ્બાનાં મુસાફરો પણ સરળ લાગે છે, બૂમાબૂમ નથી કરતાં –એમની વાતોચીતોમાંથી એક ધીરી શાન્તિ ફોર્યા કરે છે –જે, લાઇટો ડુલ થતાં ઘુમરાઇને થોડી ઘાટી પણ થવાની છે. શંકરને સ્લીપર–ડબ્બાઓનું આવું બધું સારું–સારું ખાસ ગમ્યું. ચોખ્ખું લાગ્યું ને થયું કે સાલું હવે બધું સુધરતું આવે છે. પહેલાંની જેમ એમાં હવે વધારાનાં કોઈ હોતાં નથી, ઘુસણિયાં. આરએસી–વાળા હોય છે પણ વધારે નહીં, બે-ત્રણ બે-ત્રણ…
ટ્રેનની ઘેરાતી–ઘૂંટાતી ને આછરીને વેરાતી રહેતી ઢાંચાઢાળ ઘર્રાટીમાં શંકરને થયું, સાચે જ, નાઇટટ્રેનની રાત ને એ રાતમાં ઊંઘભરી મુસાફરી, હવે એક લ્હાવો છે…
પણ પેલો ટીસી આવે, લાઇટો જાય, પછી ઊંઘ આવે…
ક્યાં છે એ?
શંકરને સમજાયું કે ટ્રેને હવે શ્હૅરનાં બધાં પરાં પસાર કરી લીધાં છે ને છેવાડાની છૂટક વસતીઓમાંથી રસ્તો કરતી થોડા જોશમાં ધપ્યે જાય છે. એને સૂતાં–સૂતાં જ અને ખાસ તો સામી બારીમાંથી જ બધું દેખાયા કરતું’તું –દૃશ્યો ભાગતાં આવતાં ને ટકે ન ટકે એટલામાં તો ભૂસાતાં જતાં, નવાં આવતાં, નવાં ભૂંસાતાં…
શંકર જોતો રહ્યો છે એ દૃશ્યોને અને એના સપાટાઓને…
એને એમ છે કે ધારણા મુજબ પોતાને સરસ ઊંઘ આવી જશે ને રાત સુખમાં વીતી જશે, ભલી પડશે સવાર, પણ ત્યાં જ, અચાનક જ, એણે શું જોયું? એણે જોયું કે અરે, આ સામી બારીને આડા સળિયા તો છે જ નહીં! જે ચાર છે તે ઊભા છે ને વચ્ચે વચ્ચે એમને આડા ટુકડાઓથી સાંધેલા છે! શંકરે બારીની આવી જાળી ક્યારેય જોયેલી નહીં એટલે એને કશું સમજાયું નહીં. વળી આખું ચૉકઠું લાલ રંગે રંગેલું છે. આવું કેમ? ટ્રેનની કોઈ પણ બારીને ચાર આડા સળિયા તો હોય છે જ, શંકરે પોતાના માથા પરની બારીએ હાથ મોકલીને, ખાતરી પણ કરી. તો આ, આમ કેમ છે? એણે જોયું કે ઊભા ચાર બે–બેની જોડીમાં છે ને દરેક જોડીને નાના બે–બે આડાથી સાંધીને વ્હૅંચી નાખી છે: એને એ H આકારના લાગ્યા. એણે ગણી કાઢ્યું કે આ તો જાણે મોટા ચાર–ચાર H છે, ને નાના કુલ આઠ H છે. બધા પાછા લાલ છે, આખો એકમ લાલ–લાલ. પણ શું કામ? શંકરની જિજ્ઞાસા વધી પડી, આ શો કમાલ છે તે સમજવાને એ એને ટીકીટીકીને જોતો જ રહ્યો. એને થયું, કદાચ કોઈ કારણે કે અકસ્માતે આખી બારી તૂટી ગઈ હશે ને મૂળ સળિયા કાપી નાખવા પડ્યા હશે. પણ, એના બદલામાં, આવા કેમ? અને શું એક જ બારી તૂટી હોય? શંકરે માંડી વાળ્યું : હશે, કશો ટૅમ્પરરી ચેન્જ હશે; બીજું શું?…
દરમ્યાનમાં ટીસી આવી લાગ્યો, એક–એક કરીને એણે બધાંની, શંકર સમેતનાં આઠે આઠ મુસાફરોની ટિકિટો જલ્દી–જલ્દી ચૅક કરી આપી. ઉતાવળમાં લાગતો’તો. ટિકિટને ખમીસના ખિસ્સામાં મૂકવા કરતો શંકર ટીસીને એ અળવીતરી બારી અંગે પૂછવા માગતો’તો, એટલે કે પૂછવું કે કેમ એવી અવઢવમાં હતો, પણ એટલામાં તો પેલો ફટાફટ ડબ્બાના આગળના ભાગમાં નીકળી ગયેલો…
ટ્રેન હવે મેદાનોમાંથી દોડતી હતી. એની ધૉંસ વધી ગયેલી, કેમકે સ્પીડ વધી ગયેલી. લાઇટો હજી ચાલુ હતી – શંકરે વિચાર્યું કે પોતે જ સ્વિચો પાડી દે તો કેવું –? પણ બરાબર એ જ ઘડીએ, એ H બારીની ઉપરની બર્થ પર કશીક હિલચાલ થઈ, ત્યાં મૉઢેમાથે ઢબૂરીને સૂતેલો મુસાફર, નમ્બર-૨૪ સળવળ્યો. એણે પોતાના બંને પગ વાળી લીધા ને ઓઢેલું સંકેલી લીધું –ઓઢી લેવાથી એને કદાચ ગરમી લાગી હશે –વાળેલા પગને એણે હાથની આછી ભીડ કરી, એટલે કે ટૂંટિયું વાળીને જંપવા કર્યું. એ કદાચ પોતાની ઊંઘને ચુસ્તીથી પકડી રાખવા માગતો’તો, જતી ના રહે. એને કદાચ કોઈ સારા સપનાની પણ આશા હશે. શંકરને થયું, પણ એવા બધા ફેરફારને કારણે બર્થનો એના પગ પાસેનો ભાગ ખુલ્લો ને ખાલી થયો, ને તેથી ડબ્બાની એટલી દીવાલ હવે ખુલ્લી દેખાવા લાગી શંકરે જોયું કે એ ખુલ્લી દીવાલ પર આછા કાળા પણ મોટા અક્ષરોમાં હિન્દી અને અંગ્રેજીમાં કશુંક છાપેલું છે : વાંચ્યું તો વંચાયું :
આપાત્કાલીન ખિડકી.
નીચે છાપ્યું છે :
ઇમરજન્સી ઍક્ઝિટ વિન્ડો.
વાંચીને શંકર બેઠો થઈ ગયો –ઉતાવળમાં માથું ઉપલી બર્થ જોડે લગીર ભટકાયું પણ ખરું, પંપાળતાં–પંપાળતાં એણે ચૉક્સાઇથી બરાબર જોયું, અને બીજી વાર વાંચ્યું –ખાતરી કરી, કે પોતાની કશી ભૂલ તો નથી થતી ને. એને ઝબકારમાં સમજાઈ ગયું :
ઓહ્, આ તો નીચેની લાલ H બારીનું નામ છે નામ! આપાત્કાલીન ખિડકી. ઇમરજન્સી ઍક્ઝિટ વિન્ડો.
સાલા કેવા છે! બારી, નીચે છે; ને નામ? ઊંચે લખ્યું છે, બર્થનીયે ઉપર! લખાણ અને જેને માટે લખાણ એ બે વચ્ચે કેવું કઢંગું અન્તર! માહિતી ખરી, પણ ધડા વગરની!
શંકર સૂઈ ગયો. એને આપાત્કાલીન એવું હિન્દી ગમ્યું નહીં અને ‘ઇમરજન્સી ઍક્ઝિટ વિન્ડો’નું એણે ઇ. ઇ. ડબલ્યુ. એમ ટૂંકું કરી લીધું. પછી સ્વગત બોલ્યો, કે બોલી પડ્યો : અરે, આ તો, સંકટસમયની બારી. એને થયું, ટ્રેનોના બધા ડબ્બાઓમાં સંકટસમયની સાંકળ તો હોય છે જ. નાનો હતો ત્યારે એને ખૅંચી પાડવાને પોતે બહુ વાર લલચાઈ જતો. તો, આ શું? કશી વધારાની સગવડ? સાંકળે ય ખરી ને બારી યે ખરી? એ કેવું? શંકરે મગજ કસવા માંડ્યું:
આ ઇ.ઇ.ડબલ્યુ. તે બહાર નીકળી જવાની, કૂદી પડવાની બારી –આખું લાલ ચૉકઠું ખૅંચીને છૂટું કરાતું હશે. ડબ્બામાં, કશુંક સંકટ જન્મે -કશી આપાત્ – ઇમરજન્સી. થાય, એવું કંઈ પણ થાય, જરૂર થાય આ દિવસોમાં તો –! જેમકે, લૂંટફાટ – ચડ્ડીબનિયનધારી ટોળકી ઘૂસી ગઈ હોય ને મચી પડે. કે પછી બૉમ્બ ફૂટ્યો હોય –એટલે કે મૂક્યો હોય, એવો કે જે ચૉક્કસ ટાઇમે ફૂટવાનો હોય, વિસ્ફોટ, ફુરચેફુરચા ને પછી આગ, આગભડાકા ને ભડકા, બૂમાબૂમ. અંધાધૂંધી. ચીસો બરાડા રોકકળ ને દોડાદોડી. એવું કંઈ પણ થાય ત્યારે આ ખિડકીથી –વિન્ડોથી– એટલે કે બારીથી, નીકળી જવાય. પણ શું ત્યારે મેઇનડોર્સથી? ના, મેઇનડોર્સ અંદરથી, કે બહારથી, બંધ કરી દેવાયા હોય…
આ જ પળે શંકરના ચિત્તમાં ફટાક્ લાઇટ થઈ:
અરે, આ આપાત્કાલીન ખિડકી તે… પેલી ક્રૂર દુર્ઘટના પછીની નવતર વ્યવસ્થા જણાય છે – ઓહોહોહો, સમજાઈ ગયું…! માણસાઇ વગરની નરી કરુણ દુર્ઘટના –જેમાં ટ્રેનના ડબ્બામાં, આવા જ ડબ્બામાં, અનેકો જીવતાંને જલાવી દેવાયેલાં… બહાર નીકળવાનો જેમાં કશો મારગ જ રખાયો ન્હૉતો…
એ જ્ઞાન થતાં, બેઠેલો શંકર હતાશ થઈ ગયો ને શરીરને એણે જમણે પડખે ઢળી જવા દીધું. પછી ગરીબડાની જેમ લૂસ પડી રહ્યો. એને થયું, એ ડબ્બામાં બધું કેવુંક કેવુંક બન્યું હશે…ખબર તો નથી, પણ શરૂમાં, બચાવો-બચાવો ખોલો-ખોલો જેવા બૂમબરાડા થયા હશે, જ્યાંત્યાં વીંઝાયા હશે – અહીંતહીંની ભાગંભાગ સાથે બારણાં ખોલો બારણાં એમ ધમપછાડાઓમાં બધાં બધે ભમી વળ્યાં હશે : અમને બહાર કાઢો કોઈ, અરેરે, ભઈલા, ઓ મા ઓ બાપા –એમ કરગરતી બધી રોકકળો થવા લાગી હશે. જેણે કોઈએ સળગવા માંડ્યું હશે એ સૌએ પોતાનાં વસ્ત્રોએ ચૉંટવા કરતા એ આગ-લપેડાઓને ઉખેડવા ગાંડાની જેમ ઝાપટો મારી હશે. કેટલાંક તો આમથી તેમ આથડતાં ભટકાઈને ભેટી પડ્યાં હશે પણ તરત પછી છૂટાં પડ્યાં હશે બોલતાં–બોલતાં–બબડતાં. કોઈ–કોઈ નિરાશ થઈ છેવટે ચૂપ થઈ ગયાં હશે, કેમકે મૉતે એમને વધારાના વલોપાતની ના પાડી હશે. પોકો ને પોકારો વચ્ચે ચાદરો થેલા બૅગો પાણીની બૉટલો –જે હાથે ચડ્યું હશે એ વડે બધું હોલવવા મથનારા રઘવાયા થયા હશે આમથી તેમ દોડતા. કોઈ–કોઈ તો ટૉયલેટોમાંથી જેમ લવાય એમ પાણી લાવી છંટાય ત્યાં છાંટવાનાં હવાતિયાં મારતા હશે. દાઝેલાંઓને પોતાનાં અંગો પર આ દઝાયું એમ દેખાતું હશે, દઝાતું ફેલાતું જતું જોવાયું હશે – પોતાની જ નજરો સામી પોતાનાં જ અંગો પર બળબળતા ફોલ્લા ઊપસતા જોતાં કે ફાટતી ચામડીઓ ને એમાંથી ઝરતા પોતાના લોહીના રેલા જોતાં અરર્ -વિચારતો શંકર જરા ડગી ગયો.
એણે જોયું, બધે રંગ લાકડું ને સામાન બળવાની વાસો ભમતી હતી, એમાં માણસના વાળ બળવાની, લોહીમાંસ શેકાવાની વાસો જુદી પડતી’તી. આખા ડબ્બામાં એવો ગન્ધારો ધુમાડો ઘૂમરાતો ગૂંગળાતો હતો -બહાર નીકળવાના રસ્તા શોધતો…
શંકરને પછી પડખું છોડી, છતા સૂવાનું ગમ્યું. એ જાણે ઉબાઇ ગયો’તો. પછી તો એ શરીર નીચેની ચાદર, જરૂર ન્હૉતી તો ય ખૅંચી–ખૅંચીને સરખી કરતો’તો.
શંકરને થોડી જ વારમાં સ્પષ્ટ થયું કે આ ઇ. ઇ. ડબલ્યુ. સગવડ નથી પણ અગવડ છે: જુઓ, એમાંથી એક–એક કરીને જ નીકળાય ને? પડાપડી થતાં, એ માટેય લાઇન લગાવવી પડે, ખરું કે નહીં? પણ ત્યાંલગીમાં તો, પાછળ પડેલી પેલી વિકરાળ ઇમરજન્સી ભુરાંટી થઈ ગઈ હોય –રંજાડ માટે ખાસ્સું વીફરી હોય –તેનું શું? ચૉકઠાને લાલ કર્યું છે એટલે નજરે જરૂર ચડી આવે છે, ખરું, પણ છૂટું શી રીતે કરવાનું એ તો ક્યાંય લખ્યું જ નથી! અક્કલ વગરના નહીં તો બીજું શું? એમનું ટૂંકમાં ક્હૅવું આટલું જ છે – શંકર સમજાવે છે – કે ડબ્બામાં આપાત્ ઊભી થઈ હોય તો આ ખિડકીએથી બહાર નીકળી જવાનું – બસ! પણ ભલા, ક્હૉ તો ખરા કે નીકળીને જવાનું ક્યાં? ને ત્યારે ટ્રેન ચાલુ ન હોય? હોય જ –આપાત્ કોનું નામ…! એનો અર્થ તો એ જ ને કે ચાલુ ટ્રેને તમારે આમાંથી નીકળીને, ના નીકળીને નહીં, પણ પડી જઈને –એટલે કે ભૂસ્કો મારીને– એટલે કે, ટ્રેનથી વીંઝાઇને ભૂસ્કો તમને જ્યાં નાખે ત્યાં જઈને –બચી જવાનું! શંકરને થાય છે કે બચી જવાનું તે જઈને કે મરી જઈને? જવું તે બચવું કે મરવું તે બચવું?
શંકર અટકી પડ્યો. એને થયું પોતે સંકટ ને સંકટના ઉપાયને ખડો કરનારા શબ્દો વચ્ચેની ખાલી જગ્યાઓમાં નાસભાગ કરી રહ્યો છે, ને સીધી વાતને ગૂંચવી રહ્યો છે. સાદું એમ છે કે આખા મામલામાં ત્રણ પ્રકારના લોકો છે : પહેલા તો એ કે જેઓ ટ્રેનને અટકાવી દેવી પડે એવી મહા આપાત્ સરજે છે. બીજા એ કે જેઓ મેઇનડોર્સને અંદરથી લૉક્ કરી દે છે અને ત્રીજા એ કે જેઓ બહાર દોડી જઈને મેઇનડોર્સને બહારથી બંધ કરી દે છે. જોકે આખી વાતનો છેવટનો સાર શું છે? એટલો જ કે ટ્રેન અટકે એટલે સંકટ ટળે નહીં, પણ વિકસીને તીવ્ર બની જાય! એક ખરા અર્થની ચોખ્ખે ચોખ્ખી ઇમરજન્સી સરજાય! એની આગળ આ ઇ. ઇ. ડબલ્યુ.-ની કોઈ વિસાત નથી, હા.
શંકર દુખી–દુખી થઈ રહ્યો: એને થયું, રેલવેવાળાની કેટલી મોટી જવાબદારી ને તેનો આ ખિડકી તે કેટલો નાનો, તુચ્છ ને બાલિશ ઇલાજ છે! એને થયું, આ ત્રણ પ્રકારના લોકોને કાવતરામાં સામેલ કરી તેમને પૂરા સજ્જ કરનારા ચૉથા પ્રકારના લોકો પણ હોવા જોઈએ, છે જ –જેઓ પહેલેથી અને પછીથી પણ બહાર હોય છે, બહાર જ હોય છે. શંકરને થયું, શું આ ચારેય પ્રકારના લોકો હકીકતે એક જ પ્રકારના નથી? એક જ જાતના? કાવતરાના આવા બધા છેડાઓ ક્યાંય લગી શંકરના ચિત્તને દોરવતા રહ્યા. ધીમે–ધીમે શંકર કંટાળવા લાગ્યો. એને થયું, આ અંગે હવે બહુ નથી વિચારવું, અત્યારે તો નહીં જ —એનું મોટું કારણ તો એ કે મને મૂરખાને ક્યારની એકી લાગી છે ને ક્યારની લાગી છે તો ય ક્યારનો હું ગયો નથી…
એ મહત્ત્વનું કામ પતાવવાને એ તત્પર થઈ ઊઠ્યો ને ટૉયલેટ તરફ નીકળ્યો. એણે જોયું કે ડબ્બાના એ મુસાફરો પણ ઊંઘે છે. ત્યાંની લાઇટો ઑફ્ફ છે તો પોતાના એરિયાની શું કામ ચાલુ રહેવી જોઈએ? એટલે તરત શંકર પાછો ફર્યો, બંને સ્વિચો ઑફ્ફ કરી ને વળી પાછો ટૉયલેટને રસ્તે પળ્યો…
અંધારા પૅસેજમાં થઈને એકી કરવા નીકળેલા શંકરને રસ્તો બહુ લાંબો લાગ્યો. એ વખતે એને મોટેથી બોલી નાખવાની ઇચ્છા થઈ: કે અરે ઓ ડોબાઓ, ખિડકી –વિન્ડો –બારી નામની તમારી આ નવી વ્યવસ્થા પાછળ લોકોના પૈસા શું કામ બગાડ્યા છે? પેલાઓ હવે ડબ્બો સળગાવીને માણસોને ફૂંકી મારવાની એ–ની–એ ટ્રિક ફરીફરીને થોડા વાપરવાના છે? શંકરે જોયું કે ટૉયલેટના એરિયામાં લાઇટ ચાલુ હતી, પણ ત્યાંની સિન્ગલ સીટ પર ટીસી કે ઍટેન્ડન્ટ, કોઈ હતું નહીં. શંકરે વારાફરતી બંને ટૉયલેટની હૅન્ડલ–પટ્ટીઓ ખટખટાવી, કેમકે એકેય ફ્રી ન્હૉતું, ડબ્બાના બીજે છેડેના ટૉયલેટમાં જઈ શકાય, પણ શંકરને એની આળસ થઈ –ખાસ તો એને સખતની લાગી’તી. એ ત્યાં જ ઊભો રહી ગયો, પેશાબ થવાની જગ્યાએ હથેળી દાબી રાખીને. એને થયું, આ સાલી આપાત્ નથી તો શું છે? દેશમાં માણસને મૂતરવાનું ય હખ નથી, એમની આપાત્કાલીન ખિડકી આમાં થોડી કામ આવે? શંકરને થયું, મરવા માટે મજબૂર કરો તો કરી શકો, ને ત્યારે એ આ બારીએથી ભૂસ્કો ય મારે કદાચ –પણ ત્યાંથી એ પેશાબ તો નહીં જ કરે. એને એટલો બધો લાચાર નહીં કરી શકાય: હા પણ, હાલ તો હું જ થોડોકેય લાચાર તો થયો જ છું –કેમકે આમાંના કોઈ એકે તો બ્હાર આવવું જોઈએ કે નહીં?
અરે ભૈ, નીકળોને!
શંકરે થોડા ગુસ્સામાં બોલી નાખ્યું ને જરા ઠોક્યું. પેલો તરત નીકળ્યો એટલે શંકરે એને સૉરી કીધું ને તરત બારણું બંધ કરી ઝટ્ ઝિપર ખોલી જલ્દી–જલ્દી પેશાબ કરવા લાગ્યો : પહેલાં સડસડાટ ને પછી ધીમી ગતિમાં. એને થયું, આ કદાચ ખૂટશે જ નહીં કે શું…
શંકર બહાર નીકળ્યો ત્યારે સામી ટૉયલેટવાળો પણ નીકળ્યો. જોકે શંકર હવે એવા નિર્ણય સાથે બહાર નીકળેલો –ને પોતાની બર્થ તરફ ઝડપથી જતો’તો– કે કશું પણ વિચાર્યા વિના હવે બસ ઊંઘી જવું.
પણ એ જ્યારે હળવે પગલે અંધારું હડસેલતો પોતાના બર્થ એરિયામાં પ્હૉંચ્યો ત્યારે એણે એક અચરજ જોયું : બર્થ નમ્બર-૨૦ અને ૧૭ વચ્ચેની પગ મૂકવાની જગ્યામાં ફર્શ પર કોઈ અજાણ્યો જણ ઊંઘતો સૂતેલો હતો. શંકરને વરતાયું કે એ કશા પાથરણા પર છે ને માથા નીચે એના પતરાની એક પેટી પણ છે. શંકરે તરત લાઇટ કરી ને જરા તાડૂકીને બોલ્યો :
ઓ ભાઈસા’બ, યહાં કૅસે? યહ જગા થોડી સોને કે લિયે હૈ? ચલો–ચલો, ઊઠો યહાંસે!
પણ પેટીનું ઉશિકું કરી સૂતેલો પેલો કંઈ ગુદર્યો નહીં, બલકે બીજે પડખે થઈ ગયો –એમ કે ઊંઘવા દો મને. શંકરે બર્થ નીચેની, ખાસ તો પોતાની બૅગ જોઈ લીધી ને એ હતી એમ જ છે એમ જોઈને પેલાને ઝાઝું ક્હૅવું જરૂરી નથી એમ નક્કી કર્યું. છતાં ટીસીને ક્હૅવા એ ડબ્બાના એ તરફના છેડે તો ગયો જ. પણ ત્યાંની સિન્ગલ સીટ પર પણ ટીસી કે કોઈ હતું નહીં. આ ટીસીઓ હાળાઓ જગ્યા મેલીને ક્યાં ફરતા ફરે છે…! ગુસ્સામાં શંકર બે ડબ્બા વચ્ચેનો ડરામણો હાલકડોલક જૉઇન્ટ વટાવી ટીસીને બીજા ડબ્બામાં ય જોવા જવા માગતો’તો, પણ એ ડોર ક્લોઝ્ડ્ હતું. એટલે એ કોચવાઇને પાછો ફર્યો. પોતાની બર્થ પર સૂવા નીચો નમી દાખલ થતાં બબડ્યો : યહ સબ એકદમ આઉટ–ઓફ–રુલ હૈ; ચાલે કેવી રીતે?
પેલો અજાણ્યો જણ બબડાટ સાંભળી જરા જેટલો કદાચ જાગ્યો હશે, એટલે બોલ્યો :
સા’બ મૈં રૂલ સે હું, ટીસીને બોલા હે, મેરા આરએસી ક્લિયર નહીં હુઆ, ક્યા કરું… બીમાર ભી હૂં…
અચ્છા, ટીસી આ ને પર પૂછ લેંગે…ટિકટ તો લિયા હૈ ન–?
તો–?
તો–સાથે પેલાનું ઓળ્યા વિનાના ટૂંકા–ટૂંકા પણ ઊભા–ઊભા વાળવાળું, જાડી ભ્રમરો ને જાડી મૂછો–વાળું મસ્તક શંકર સમક્ષ ઊંચું થયેલું. આંખો એમાં તગતગતી, ને, ‘તો’-ને ધાર આપતી પ્હૉળી હતી. એ જોઈ શકંર જરા દબાઈ ગયો ને થોડી વાર લગી કશું બોલ્યો નહીં, જોકે એ દરમ્યાન એને એમ પણ થતું’તું કે આ કદાચ સારો માણસ જ કેમ ન હોય, બને કે – શંકર થંભી ગયો, કેમકે એણે જોયું કે ફરી વાર એ મસ્તક ઊંચકાયું છે, લાંબા એવા હાથ સાથે –હાથ પોતા પર ઝળુંબતો છે ને છુપાવી રાખેલી પોતાના પાણીની બૉટલે પ્હૉંચવા કરે છે –
અરે ઓ, ક્યા કરતે હો, ક્યા?
પાની, સા’બ પાની -થોડા પાની ચાહિયે, દવા ખાની હૈં –
અરે પણ આ તે કંઈ રીત છે? કૌન હો તુમ? ઍસે કૅસે –
નહીં સા’બ નહીં, મૅં અચ્છા ઇન્સાન હૂં, ટૅબ્લેટ લેની હૈ, થોડા સા પાની ચાહિયે થા, બસ…મૈં સમઝા, આપ કો તકલીફ ન દૂં.
માગના ચાહિયે –ક્હીને શંકરે પેલાને બૉટલ આપી, ને કહ્યું કે અધ્ધરથી પીજો, બેચાર ઘૂંટડા.
ટૅબ્લેટ ઉતારતાં થોડું પીને પેલાએ બૉટલ પરત કરી.
શંકરને થયું, હવે સારી ઊંઘની આશા છોડવી જ પડશે; આનો શો ભરોસો? હું ઊંઘમાં હોઉં ને આવિયો બૅગ લઈ ઊતરી પડે, કંઈ ક્હૅવાય નહીં. આ બધાં મારાં સાથી–મુસાફરો તો ઘોર નિદ્રામાં સાવ જ ગરક લાગે છે. આ નમ્બર-૧૯નાં તો ક્યારનાં નસકોરાં બોલે છે. આ પણ એક ઇમરજન્સી જ છે ને? ને એ માટે પણ ઍક્ઝિટ વિન્ડો કશા કામની નથી! ચીડથી શંકરે પોતાની કાચ–બારી ખૅંચીને બંધ કરી દીધી. ને પછી પોતાનો જ ચાળો પાડતાં બબડ્યો, ઇ. ઇ. ડબલ્યુ. મિસા ટાડા પોટો પાસા ને એમાં હવે ઉમેરું, ઇ. ઇ. ડબલ્યુ. ટૂંકા કરેલા સાલા તમામ શબ્દોને જો કાળજીથી ફોલીએ ને તો અંદરથી બહુ બધું વિચિત્ર–વિચિત્ર ને ગંદું નીકળે છે…હશે…હવે તો, ચાલ ઊંઘી જ જાઉં. શંકરે લાઇટ ઑફ્ફ કરી ત્યારે પેલો ‘ગુડ નાઇટ સર’ પણ બોલ્યો ને એટલે શંકરે પણ એને ‘ગુડ નાઇટ’ કહ્યું.
શંકરે અંધારામાં બૉટલનું મૉં રૂમાલથી ઘસીને લૂછ્યું ને અધ્ધરથી પીવા લાગ્યો –એક બે ત્રણ કે ચાર ઘૂંટડા નહીં, પણ આઠદસ ઘૂંટડા, ગટક ગટક ગટક. પોતાના જ ગળામાંથી નીકળતા એ અવાજો સાથે એને સંભળાતું’તું ટ્રેનનું એકધારું સનનસનન સનનસનન –કેમકે ટ્રેનને હવે દિશાઓ દેખાતી ન્હૉતી, તારાભર્યું આકાશ જરૂરી ન્હૉતું લાગતું –કેમકે ટ્રેનને હવે ત્રણ-ચાર સ્ટેશનો વટાવી દેવાની તાલાવેલી થતી’તી –કેમકે ટ્રેનને હવે માત્ર સવાર સિવાયનું કશું જ દેખાતું ન્હૉતું…
બૉટલને શંકરે એ જ જગ્યાએ મૂકી અને ટેવ મુજબ કપાળે બંને કાંડાં ક્રૉસ કર્યાં. શંકરે હવે ઊંઘી જવાને મનને રમતું કર્યું છે. જોકે આંખો એની હજી ખુલ્લી છે ને એટલે એને પેલી આપાત્કાલીન ખિડકી ઝાંખીપાંખી પણ દેખાયા કરે છે. શંકરને થયું. સાલી આ ખિડકીએ તો મારી ઊંઘ હરામ કરી નાખી. અત્યારલગીમાં એણે કેટલી તો ઊઠ–બેસો કરાવી છે! પછી એણે બળ વાપરીને આંખોને મીંચી રાખેલી. તો પણ એ જાગતો’તો –કેમકે વિચારોએ એને ચૂંટીઓ ખણવાનું ચાલુ રાખેલું. અંધારું હતું ને તેથી શંકર આંખો ખૅંચી–ખૅંચીને જોવા ન્હૉતો માગતો કે પેલો એની બૅગને કંઈ કરતો છે કે કેમ. છતાં, મનથી તો શંકર એમ જ કર્યા કરતો’તો. એને એમ થતું’તું કે પેલાની પતરાની પેટીમાં બૉમ્બ, કાકડા ને કૅરોસિનનાં પાઉચ તો નહીં હોય ને? જોકે હોય તો કૅરોસિનની થોડીકેય વાસ તો આવે કે નહીં? શંકરે સૂંઘવાને નાક ચડાવી શ્વાસ ખૅંચી જોયો. એને થયું, કદાચ એમાં સ્ટેનગન પણ હોય… હશે… જે હશે એ – થોડો તો ભરોસો રાખું માણસ પર.
પછી એ ન ઊંઘતો, ન જાગતો એમ પડેલો હતો ને મનોમન જોતો’તો કે ઇ. ઇ. ડબલ્યુ.-ના H બારી બહાર લંબાવા લાગ્યા છે, વૃક્ષો ખેતરો ડુંગરા આકાશ ને તારા લગી…પણ પછી પાછા સંકોચાવા માંડ્યાય છે –કશી નિસરણીઓ જેવા, કશી ઠાઠડીઓ જેવા. શંકરે નૉંધ્યું કે અજવાળિયું છે. ચૉપાસની ચાંદનીમાં રાત કશાય ભાવ વિનાની ઠરેલી છે, પણ એની ટ્રેન એને ચીરતી સનનસનન–ના જાપ જપતી બસ દોડ્યે જ જાય છે…
ઓહ્–નો–કૉણ છો તમે– કરતો શંકર સફાળો બેઠો થઈ ગયો છે.
ના, બધા H એવા નથી –નો–! ના–! પણ તમે કોણ છો? મને આ લાલ, લાલ શું દેખાય છે? તમારું ખમીસ લાલ કેમ છે? શું તમે ઇ. ઇ. ડબલ્યુ. કૂદેલા?
શંકરને કોઈએ ઢંઢોળીને જગાડ્યો છે: કોઈ કૂલી હતો, લાલ ખમીસવાળો.
સા’બ, આપ કા સ્ટેશન કબ કા આ ચૂકા હૅ, ચલે ભી ગયે સભી–
સાંભળતાં, શંકરે બારી બહાર જોયું –એ તો એનું જ સ્ટેશન હતું. સવાર પડી ચૂકી’તી –એના પોતાના શ્હૅરની સવાર, જેની પોતે દસ–દસ દિવસથી રાહ જોતો’તો. ડબ્બો આખો ખાલી હતો. શંકરે ઝટપટ બધું બૅગમાં ભરી લીધું, પાણીની બૉટલ ફૅંકી દીધી –બારી બહાર. બૂટ–મોજાં ચડાવી ડબ્બો છોડવા તત્પર થયો. એણે બૅગ ઊંચકી કે તરત એના ધ્યાનમાં આવ્યું, બિલકુલ બરાબર છે, લૉક્ડ છે –પણ પેલો નથી!
પેલો ક્યાં છે?
કૉન પેલો સા’બ?
કોઈ નહીં –કહીને શંકરે એની સામે અમસ્તુ જોયું ને પછી નીકળવા લાગ્યો.
બૅગ લેલૂં સા’બ?
લે લો.
રિક્ષામાં બેઠા પછી શંકર ખુશ હતો. એને થયું, આ એના જ શ્હૅરની ને એની જ સવાર છે : હળવી. સુઘડ. સ્વચ્છ…
એને થયું, સુલોચનાને પોતે પહેલું શું આપશે? પૂણેરી સાડી? હીરાના કાપ? કે આ ઇ .ઇ. ડબલ્યુ.?
કદાચ, ઇ. ઇ. ડબલ્યુ.
– ઍમ નક્કી કરી શંકર મલકી પડ્યો –થોડું ને ફિક્કું.
(‘ખેવના’માં, ૨૦૦૩)