ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/દલપત ચૌહાણ/ગંગામા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ‘મુખીના પથુની વૌઉ બવ માંદી સ.’ ‘મારું બેટ્ટું જબરું થયું. તૈણ-...") |
(No difference)
|
Revision as of 11:24, 18 June 2021
‘મુખીના પથુની વૌઉ બવ માંદી સ.’
‘મારું બેટ્ટું જબરું થયું. તૈણ-ચાર દન થ્યા. અજી સુટકારો થ્યો નૈ…!’
‘લ્યો દિયોરનું હાવ હાથું આવું ક્યાંઈ નતું જાંણ્યું, રસેન બાપડીન કાંક થહ તો!’
‘કરમ દિયોરોનાં… આપણઅ હું…’
‘પણ ભીયા, બધાં બૈરાં વાતો કરતાં’તાં, બચારી બવ ઉંકારા કરતી’તી.’
‘ઓવ્વ ભૈ ઓવ્વ, તૈણ-ચાર દાયણો આઈ, મામદા ઢાઢીની વૌઉ હંતોક, વાલી ઘાંયજણ. અન ઉચાળા પરાંવાળી ભદ્દી ઠાકૈડીનય બોલાઈ’તી.’ કોઈકે દાયણોની ગણતરી કરતાં કહ્યું.
‘લ્યા હાહરી કોઈનીય કારગત કાંમ્મ ના આઈ.’
‘તાણ’લ્યા ગંગાડોસીન બોલાઈ હોય તો…’ વાત આગળ ચાલી.
‘ચેઈ ગંગાડોસી… હં… ઓળસી પેલ્લી ઢેઢણ…’
‘ભૈ ઈનય બોલાવવી પડઅ.’
‘હું થાય ’લ્યા, મુખી જેવા મુખીય ઢીલા ઘેંહ જેવા જઈ જ્યા સ. કોઈ કારી ફાવતી આઈ નૈ એકઅ ‘ઈમને કીધું!’
‘હું કીધું ‘લ્યા!’ આખી ટીળી વાત સાંભળવા આતુર થઈ.
‘કઅ ઉજાજે રમતુજી ગંગાડોસીન કે’જે કઅ રાજીની મા બોલાવ સઅ… જા ઉજા ભઈ બોલાઈ લાય.’
‘પણ કો’ક તો કે’તું ’તું કઅ ડોસી તો માધાસંગના સેતરે મજૂરીએ જઈ સઅ.’ કોકે વાતમાં ટાપસી પૂરી.
‘એ તો ઈં’થીય બોલાઈ લાવસે.’
‘ઓવ્વ ભઈ દિયોર સો કળજગ આયોસ, હાળાં ઢેઢાંય ઘરમઅ પેહસે.’
‘બદ્ધુંય થહ ભીયા… બદ્ધુંય વટલઈ જહ બદલઈ જહ!’ આવી વાતોએ આખું ગામ ચગડોળે ચઢ્યું હતું.
‘ગંગામા, ખાસી વાર કરી, ચ્યાં જ્યાં’તાં? રાયસંગ મુખીએ જીભ પર ગળપણ લાવવાનો પ્રયત્ન કર્યો, અને થોડીક સામાજિક ડરની ભાવનાને દબાવતાં હળવેથી પૂછ્યું.
‘ભા, માધાભૈના સેતરે જૈતી, ઓંમ તો જવું નતું, વળી સરીરમઅ કસર જેવુંય સ, પણ ગરાકનું કામ બગડ્અ નંઈ, જૈતી, ઘેર આઈ, ન લૂગડાં બદલવા નાઈ એકઅ વાર થૈ.’ ગંગામા સડસડાટ બોલ્યે જતાં હતાં.
રાયસંગ મુખીને ચૂપચાપ સાંભળતા જોઈને ગંગામાએ હળવેથી પૂછ્યું, ‘હં… ભા, વૌઉ ચ્યાં સઅ, રાજીની માડી દેખાતી નથી, ચ્યાં કન સ બધાં…?’ ગંગામાએ બધી વાત રમતુજી પાસેથી જાણી હતી છતાં વાતનો તાળો મેળવવા પ્રયત્ન કરતાં હતાં. મુખી પાસેથી જ વાત સાંભળવા ગંગામા આતુર હતાં.
‘એ બધ્ધાંય વચલા ખંડમઅ સઅ!’ હાથના ઇશારે ઘર તરફ નિર્દેશ કરતાં મુખી થોડાક મૂંઝાઈ ગયા. તે વિચારવા લાગ્યા કે ડોસીને વચલા ખંડમાં મોકલવી કેવી રીતે, પણ પછી હિંમત ભેગી કરી, ચોકમાં સાથે બેઠેલાં સગાં-સંબંધીઓ તરફ જોતાં, તેમના મનોભાવનો તાગ કાઢતાં ઘર તરફ ફરીને મોટા અવાજે બોલ્યાઃ
‘રાજી… ઓ… રાજી… આ ગંગામાનઅ હાચવીને વચલા ખંડમઅ લેઈ જા…’ મુખી ‘હાચવીનઅ’ શબ્દ પર ખૂબ ભાર દઈ બોલ્યા, પછી આશાભરી નજરે ઘરને જોતા રહ્યા.
રાજી, રાયસંગની દીકરી, પિતાનો અવાજ સાંભળી હળવેથી ઘર બહાર આવી. ઘરમાં થયેલ ગણગણાટ અને ગંગામાને જોતાં જ તેને થોડો ખચકાટ તો થયો જ, તોય તેણે ભાભીની સ્થિતિનો વિચાર કરી, થોડી હિંમત ભેગી કરી અચકાતાં અચકાતાં કહ્યું, ‘ઊભાં રો ગંગામા… મું અમણઅ આઉ સું!’
ને રાજી ઘરમાં ગઈ. આગલા ખંડમાં તેમ જ વચલા ખંડમાં ગંગામાના ‘અડવાથી’ બચાવવા જેવું અને ખસેડવા જેવું હતું તે સઘળું ખસેડી દીધું. ગંગામાના આગમન અને ગૃહપ્રવેશની વાતે ઘરમાં અણગમાનું એક મોજું ધસી આવ્યું. બેત્રણ સ્ત્રીઓ તો તુર્ત જ વચલો ખંડ છોડી પોતાને ઘેર ચાલી ગઈ. ચોકમાં પણ આ બાબતે અણગમો અને ગણગણાટ ચાલુ જ હતાં. વાતાવરણ પહેલેથી ગંભીર હતું. તેમાં અણગમાનો ભાવ ઉમેરાઈ ગયો. છતાં મુખીના ઘરવાળાના ચહેરા પર વર્તાતું દુઃખ, વહુની નાજુક હાલત અને મુખીના ‘કડપ’ સામે બધાંએ નમતું જોખ્યું. ઘરમાંથી સામાન ખસેડવાનું કામ પૂરું કરી, રાજી ઘરની બહાર આવી. તેના હાથમાં પાણી ભરેલું તાંસળું હતું. રાજીએ પોતાના નાકમાં પહેરેલો સોનાનો કાંટો કાઢ્યો, સાડલાના છેડેથી લૂછ્યો અને તાંસળામાં મૂક્યા, પછી સોનાથી ‘પવિત્ર’ થયેલ પાણી ગંગામાને છાંટ્યું અને કહ્યું ‘આવ્વો ગંગામા, ઑમ થઈ નઅ આવો.’
ઘરની ન ખસેડી શકાયેલ વસ્તુઓને ગંગામા અડી ન જાય તેની કાળજી રાખતી રાજી ઘરમાં ગઈ ને ગંગામા પણ ઘરમાં ગયાં… થોડોક સમય વીત્યા બાદ ઘરમાંથી બાળકના રડવાનો અવાજ આવ્યો.
વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. જે રાવણું અત્યાર સુધી અણગમાના તીરમાં ગંભીર હતું. તે ટોળુંય રાયસંગ ચૌધરી સાથે જ ચમક્યું. દૂર સુક્કા બાવળના આડા પડેલા ઠૂંઠા પર બેઠેલો પથુ કાન ઊંચા કરીને ઘર તરફ જોવા લાગ્યો. આ શો ચમત્કાર થયો, કોઈનેય સમજ ન પડી. વળી વળતી ઘડીએ ઘરમાંથી ભાણું ખખડવાનો અવાજ આવ્યો. તેને લીધે વાતાવરણ ખુશખુશાલ થઈ ગયું. ગંગામાના આવ્યાનો અણગમો ગંગામા સાથે વીસરાઈ ગયો. રાવણું વાતે વળ્યું.
‘લ્યો મુખીભા, અમારું રાવણું પાક્કું!’
‘અન અડધો શેર કહૂંબો જોઈસે હોંકે!!!’
‘લ્યો રાયસંગભા મોઢું તો ગળ્યું કરાવો, તમે મોટા ભા થ્યા.’
‘અલ્યા, કાંનજી, ભા નૈ લ્યા નવું કે ક અ દાદા થ્યા લ્યા, દાદા, હમજ્યો ક નંઈ!’
‘એ ઓવ્વ…અ!’ કહી કાનજી કાન ખણવા લાગ્યો.
‘હંમ્મઅ… લ્યો ભઈ બધ્ધાંનું રાવણું પાક્કું બસ, નઅ જેમ કરીએ તાણઅ બધ્ધાનું જમવાનુંય પાક્કું. તેર મણ જારના ફૂંલડાં કરીશું.’ મુખી હોંશમાં બોલી ઊઠ્યા.
‘એ તો ભા તાંણ કરશો, હાલ હું?’ કોઈક બોલ્યું.
‘જાવ લ્યા ગોળ વેંચો, અલ્યા રમતુજી, પેલા લખમીચંદ વાણિયાના ઈંથી, બે રવા ગોળના લેઈ આવ, જા ઉજા જલદી!’ મુખીએ તેમના ખેડૂત સાથી રમતુજીને હુકમ કર્યો.
વાત આગળ ચાલી.
‘પણ ભા, આ ગંગા… ડોસીનું જબરું, ભૈ કેવું પડ્અ,’ કોઈકે ગંગામા ઢેડ છે એ ડંખ ભૂલીને પ્રશંસા કરી.
‘આઈ ક તરત સુટકારો, જાણઅ ચાંપ દબાઈ ફટ્ટ દઈન્.’
‘ચેટલા દનથી વૌઉ એરૉન થતી’તી.’
‘એ તો જહ ગંગામાના આથમઅ નકર બીજાંએ ઓસાં વાનાં કર્યાં સ!’
બધા તિરસ્કારની વાત ભૂલી જઈ ગંગામાનાં વખાણ કરવા લાગ્યા. તેવામાં રાજી ધીમેથી ગંગામાને દોરતી હોય એમ ઘરની બહાર લઈ આવી. ગંગામાએ મુખીને ઉદ્દેશીને કહ્યું,
‘ભા, વૌઉ ન સોકરો સુખરૂપમાં સ. બહ હારું સ. મું જવ સું તાણં!’ કહી પગ ઉપાડ્યા. મુખીએ ગંગામા સામે જોઈ મલકીને કહ્યું, ‘ભલઅ સધાવો ગંગામા!’ પછી વિચાર કરીને બોલ્યા, ‘મું તમનઅ એક હાડલો લેઈ આલીસ, અમારો હાથી રમતુજી અટાયણું કરવા તાલુકે જહઅ તાણ હાડલો લેતો આવસે.’
ગંગામાએ ઉત્તર ન આપ્યો.
ગંગામાને અચકાતાં જોઈને મુખીએ ઉમેર્યું. ‘અતારે તમતમારે સધાવો.’
‘લ્યો બે…હો ભા તાણઅ…’ કહી ગંગામા ઘર તરફ ચાલવા લાગ્યાં. હવે તેમના ચહેરા પર અપમાનો સહ્યાંનો ભાવ જણાતો હતો. વળી ‘બીજીઓ’ કરતાં પોતે વધારે આવડત ધરાવે છે તેવી લાગણીય થઈ હોવા છતાં કામ પાર પાડ્યાના સંતોષથી હૃદય છલોછલ હતું.
ગંગામા ગયાં એટલે ઘરમાં સાફ-સૂફીનું કામકાજ શરૂ થઈ ગયું. વહુ-દીકરાને નવડાવવા માટે તુર્ત જ વાડામાં લઈ ગયાં. પાણીમાં સોનું રાખી ‘સોનાવણી’થી તેમને નવડાવવામાં આવ્યાં. જે સ્ત્રીઓ ગંગામાને અડી હતી તેય નાહવા માટે પોતપોતાને ઘેર ચાલી ગઈ. મુખીના ઘરમાં સોનાથી પવિત્ર કરવામાં આવેલ પાણીનો છંટકાવ ખૂણેખાંચરે કરી, ઘરમાંથી ગંગામાની આભડછેટ દૂર કરી, ગોદડી, ગાભા, સાડલો વગેરે વાડામાં મૂકી આવી મુખીની વહુ મેનામાએ રાજીને બૂમ પાડીને કહ્યું.
‘રાજી… ઓ… રાજી, આ ગોદડી — ગાભા અન્અ હાડલો પેલી હમજુ ડોસીન બોલાઈ આલી દેજે.’
‘કૂણ હમજી, ડોસી, બઈ!’
‘પેલ્લા વાલા ઓરગાંણાની ડોસી સ ઈ… અ…!’
‘અવઅ… ઓળસી, હાંજઅ બોલાઈ ન આલી દેઈસ.’
‘રાજી અમણઅ તું ઈમ કર, લાવસી રાંધ, મું થોડોક સીરો કરી નાખું ન થોડા મગ બાફવા સ. લે હેંડ બુન ઉતા કર હેંડ…’
‘તું નાઈ ક… નઈં…?’ એકાએક કંઈક યાદ આવતાં રાજીને મેનાએ પૂછ્યું.
‘હોવ્વઅ…’ રાજીએ મોઢું ફુલાવી જવાબ આપ્યો.
‘હારું હારું, અવ મુંય નાઈ લેવ, તું બુન ઉતા કરજે.’
ને મુખીનાં ઘરમાં બધાં કામકાજે વળગી ગયાં.
‘ચ્યમ ગંગામા, મુખીના ઘેર જ્યાં તૉ કનઅ, બવ ઉતા કરી આવાં કાંઈ.’
‘ઓવઅ ભઈ ઓવઅ… માંનડી બચારી બવ એરૉન થતી’તી, કુનઅ હમજ પડકઅ સુટકારો કરઅ. મું તો જઈનઅ ઊભી રે’, પેટ ઉપર આથ’ મેલ્યો કે સુટકારો થઈ જ્યો.’
‘હા મા, આથનો બવ ફેર પડઅ, હૉકઅ!’
‘એય ખરું ભગા.’ ડોસીએ ઉત્સાહથી જવાબ આપ્યો.
‘એ તો ખરું, પણ તમનઅ આલ્યું હું મુખીએ.’
‘આલ્યું’ શબ્દ સાંભળતાં જ ગંગામા વિચારે ચઢી ગયાં અને ‘કાંક’ યાદ આવ્યું હોય તેવી મુદ્રા બનાવી બોલ્યાં. ‘આલવાનું… આલવાનું તો મુખીએ કીધું સ ક, રમતુજી અટાયણું લેવા જડ તાણઅ હડલી લેતો આવસે.’
‘’તાણ તો હાડલો આઈ ર્યો.’ કહી ભગો હસ્યો.
‘ચ્યમ ભઈ ઈમ કેસઅ? મુખી જેવો મુખી સનઅ…’
‘ગંગામા, એ તો મુખી જ સ, કુણે ના કીધું? પણ તમારો હાડલો?’
‘અરો તાણઅ, આલસે અસે તો આલસે.’ ગંગામા કંઈક વાત સમજ્યાં હોય એમ હળવેથી બોલ્યાં.
‘લ્યો મા, જાવ તાંણ જાવ. નૈઈ લ્યો, અન તળસીનાં પાનન અડીન આવજો, તમેય આભડસેટવાળાં થ્યાં સો.’
અને ગંગામા આજે જિંદગીમાં પહેલી વાર એક દિવસમાં બીજી વાર નાહવા ચાલ્યાં.
‘અલ્યા એય, આ હાંભળ્યું? બૂંગિયો સેનો વાગસઅ?’
‘એ તો પેલા ગોકા ઢેઢના વચેટ, પસલાની વૌએ બાવનિયો પૂર્યો એકઅ, ન મડદું કૂવામથી બાર કાઢવા વગાડ્યો સઅ.’
‘ટેંબાવાળા સેતરે ફોજદાર સાયેબ બેઠા સ, ચાર તો સપઈ હાથી સઅ.’
જબરું ટેખળ થ્યું લ્યા ભાઈ!’
‘સેનું ટેખળ ’લ્યા? મનોર તો કે’તો’તો કઅ પસલાની વૌઉ તૈણ દનથી પિયોર જઈ’તી નઅ?’
‘ઈન્ની તો રામેણ સ, ઈન્ની વૌઉ પિયોર જવા બપોરે નેહરીતી ખરી, આંબાવાડિયાના રસ્ત થઈનઅ જતી’તીય ખરી!’
‘તો ઑમ ચ્યમ થ્યું?’
‘હાહરીનું પેલાં મનય નતું હમજાતું, પણ આ આખું ગાયકવાડી રાજ આંય આયું એકઅ હમજાયું?’
‘દિયોર મેંઠું-મરચું ભભરાયા વગર જલદી ફોલ્લો ફોડનઅ.’
‘તાંણ ઈમ થ્યું ક આંબાવાડિયાના રસ્ત થઈ નઅ, પસલાની વૌ જતી’તી, ઈં થઈનઅ, ટેંબાવાળા સેતરના રસ્ત નેકળી ઈં પથુડો એકઢાળિયું હોચ કરતો’તો, ઈને જોઈક તરત બોલાઈ.’
‘લ્યા, બોલાઈ ઈંમઅ હું કર્યું?’
‘લ્યા વચમઅ ડબડબ ના કર દિયોર, જા નથી કે’તા!’
‘હારું હારું મું ચૂપ થઈ જ્યો… અવ.’ એમ કહી બોલનાર ચૂપ થઈ ગયો. બધા એકચિત્તે વાત સાંભળવા તૈયાર થયા.
‘ઑમય એ પથુડાની દાઢમઅ અતી જ, નઅ લાગ મલ્યો થોડી આડીઅવળી વાતો કરી, નઅ ઝાલીનઅ લેઈ જ્યો એક ઢાળિયામઅ…’
‘પસઅ…’ બધા સાંભળવા આતુર થઈ ગયા.
‘પસઅ… પસઅ… હું કરસઅ, પસઅ ઈનઅ આડી પાડી દીધી. પેલી બવ કગરી, બવ કગરી, પણ પથુડો માંન્યો જ નઈં…’
‘ન થઈ ભગાના ભઈવાળી…’
‘ભગાના ભઈવાળી એકઅ…’ કોઈકે પૂછ્યું.
‘કપાળ દિયોરનું.’
‘લા કોક કેતું’તું ક એ ઢેઢણ ઈના ઘરમઅ પેહવાની વાત કરતી’તી નઅ.’
‘આવું થ્યું એકઅ એવી વાત તો કરજ નઅ. ભીયા થ્યું જબ્બર. પેલી ઢેઢણે પથુડાનઅ એવો તો ઝાલ્યો’તો. બાંડિયુંય ફાટી જ્યું. ઈના શરીર ઉપરીંયાય લૂગડાંનાં ઠેકાણાં નતાં ર્યાં. ખરો ફજેતો થ્યો તો, ન એવામઅ ઈનો બાપ મુખી આયો, ન આ ટેંબાવાળા સેતરનો બાવનિયો પુરાણોં.’ કહેતાં મર્માળું હાસ્ય ટોળામાં ફેલાયું.
‘નઅ આજ તૈન દને બૂંજિયો વાજ્યો.’
ગઈ રાતના ચોરામાં બોલાવાયેલા પસો અને તેનો બાપ ગોકળ કપાળ કૂટતા સવારે વાસમાં પાછા આવ્યા. વાસના સૌ તેમને ઘેરી વળ્યા.
‘હું થ્યું ભા…!…’
‘ભૈ આપણું કરમ વાંકું. પસવાની વૌઉએ કૂવો પૂર્યો.’ સૌ આ વિગત જાણતા હતા છતાં ગમગીનીમાં આ શબ્દોએ નિરાશાને પણ ભેળવી.
‘પણ ચ્યમ ભા, પસલાન અને ઈન્ન તો જબ્બર હેત અતું.’ કોઈક દુઃખી સ્વરે બોલ્યું.
‘ઓવ્વ… ભઈ. પણ પેલ્લો દિયોર પથુડો વેરી… વેરી થ્યો ઈને વૌઉની લાજ લીધી ન બચારીએ બાવનિયો પૂર્યો.’
ગોકળ વાક્ય પૂરું કરતાં કરતાં ગળગળો થઈ ગયો. તેની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. વાત અદૂરી હોવા છતાં સઘળાં સાચી વાત સમજી ગયાં.
થોડી વાર ચૂપ રહ્યા પછી દુઃખી સ્વરે ગોકળ બોલ્યો.
‘આ હાહરો ફોજદારાય, કે’તો’તો, તમે બાપ દીકરે વૌઉ નઅ કૂવે નાખી સઅ, આસી રાત બેહાડી રાસી એરાન એરાન કરી નાસ્યા.’
‘અન મુખીએ ફોજદારનઅ બવ હમજાયા તાણઅ સૂટા કર્યા. સો કળજગ… દિયોર મુખીય પથુડાનો બાપ કન.’
‘હા ભા, આપણાં કરમ વાંકાં, કાલ હુંદી કાંય નતું ન આજ આ દાડો જોવા મલ્યો, કાલવાળી વાતની અવ હમજ પડી.’
‘ચેઈ વાત લ્યા?’ કહી ગોકળે બોલનાર તરફ જોયું.
‘જ્યાં કાલ મુખીએ પેલા રમતુડા નઅ બહો રૂપિયા વાંહળીમ ભરીને આલ્યા’તા. અન તાલુકે મોકલ્યો તો. અન હાંજઅ સપાઈ ન ફોજદાર આયા, આ બધા ઈના જ ખેલ ભા!’
‘ભા ગડદા-પાટુ તો કર્યાં નથી ન.’
‘ના ભૈ, પણ આ માર ઓસો સ કાંઈ?’
‘મના ઓ મના તૈણ-ચાર જણ જઈ મડદું લેઈ આવો, ટેંબાવાળેથી ખાટલો લેતા જજો…’ ગોકળ સૂચના આપતો ચૂપચાપ ઊભો રહ્યો.
આ સઘળી વાતો સાંભળતાં ગંગામા અપલક નેત્રે અવાચક થઈ ગોકળ સામે જોઈ રહ્યાં હતાં. તેમના મનમાં વિચારોનું તાંડવ શરૂ થઈ ગયું હતું. પાસે પસો ઊભો ઊભો રડતો હતો. વાતાવરણ ભારેખમ હતું.
‘અલ્યા હાચવીનઅ મડદું, ઘરમ લ્યો, અને લેંપેલી ભોંય ઉપર ભોંય હૈણે કરો.’
‘કોડિયામ થોડું ઝી લાવો.’
‘ઝી ના હોય તો ડોળિયું લાવો, નકર ઑહ હોય તો એય ચાલસે, અવ આ ખોળિયાનઅ ઝીના સા અભળખા.’
‘આ લ્યો ઑહનો દીવો મેલો.’
ગોકળની વાતથી અવાચક થયેલાં ગંગામા હવે જરા સળવળ્યાં. ‘ભોંય હૈણે’ કરેલ પસલાની વહુ પાસે બેસી ગયાં. શરીર ઉપર ઓઢાડેલ પછેડી હળવેથી ખસેડી લીધી. વહુનું મોઢું અપલક નેત્રે જોયા કર્યું. બે હાથ પસારી મોઢું લૂછ્યું, નીચા નમી હળવેથી કપાળ પર બચી કરી, શરીર ઉપર હળવે હળવે હાથ પસારવા લાગ્યાં. ગંગામાનો હાથ ફરતો ફરતો પેટ ઉપર આવ્યો. તેમની આંખમાં એકાએક ચમક આવી. કંઈક અગોચરમાં જોતાં હોય તેમ વિચારમાં ખોવાઈ ગયાં. તેમને વહુના પેટમાં કંઈક સળવળાટ થતો હોય તેવો ભાસ થયો, ને પથુની વહુ યાદ આવી. તેમના જ બોલાયેલા શબ્દો તેમની આજુબાજુ ભૂતાવળ બની ફેરફુદરડી ફરવા લાગ્યા.
‘આથ મૂકતાં જ સુટકારો થઈ જ્યો.’
તેમની આંખોમાંથી એકાએક આંસુની ધારાઓ વહેવા માંડી.
‘ભા, દીકરો ને વૌઉ બવ હારા સ.’ શબ્દો અજાણતાં જ તેમના અંતરમાં ઊપસી આવ્યા. હૃદયના ધબકાર બંધ થઈ જશે તેવું એક પળ તેમને લાગ્યું. પણ બીજી પળે દાંત પીસી, માથું ધુણાવી વાસ્તવિક દુનિયામાં આવી ગયાં.
‘મારા પસલાની વૌઉ… ઈન્ની આ દશા? હત્ તમારું બેંટ જડામૂળથી જાય, ચીયા ભવનું વેર વાળ્યું… ભાયના દિયોર…!’ બોલતાં બોલતાં ગંગામાએ ચીસ પાડી ઠૂઠવો મૂક્યો.
ઑહનો દીવો બળતો હતો.