સુમન શાહની વાર્તાસૃષ્ટિ/દોરડું લઈને કૂવામાં…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દોરડું લઈને કૂવામાં…|}} {{Poem2Open}} જૅન્તીએ વીઆરએસ તો લીધું પણ પ...")
(No difference)

Revision as of 10:36, 21 April 2022

દોરડું લઈને કૂવામાં…


જૅન્તીએ વીઆરએસ તો લીધું પણ પછી મજાની વાત એ કે એણે વાર્તાઓ લખવા માંડી છે. ટૂંકી ટૂંકી. ઘણી લખી છે. હાથ બેસી ગયો છે. લખાઇ ર્હૅ એટલે હંસાને વાંચી બતાવે. હંસા સલાહસૂચનો વધારે કરે. કોઈક વાર વખાણે. તો ય જૅન્તી થાકે નહીં, લખ્યે રાખે.

જોકે છેલ્લા કેટલાક માસથી એ ખંચકાયો છે: શું લખવું તો ઠીક, પણ કોને વિશે લખવું…

મૂંઝારાના એવા દિવસોમાં જૅન્તીને એક વાર હંસા ક્હે:

જુઓ જૅન્તી, તમે ખોટકાઇ પડ્યા છો તે કેમ, જાણો?

ના.

તમારી બધી વારતાઓમાં ‘હું’ ‘હું’ બહુ આવે છે. જાતનાં ને જાતનાં ચિતરામણ. સમજો જરા, એ બધું ખતમ થઈ ગયું સમજો. હવે લગીર બ્હારની દુનિયામાં નજર નાખો.

એટલે શું કરવાનું?

બીજાંઓની ચિન્તા રાખવાની. અડોશપડોશમાં જોવાનું. ધ્યાન રાખવાનું કે આપણી આ ‘નવજીવન સોસાયટી’-માં શું બને છે. સમાજ આખો કેમનો ચાલે છે. નિસબત રાખવાની. રોજેરોજનું છાપું ખાલી જોવાનું નહીં, ચૉક્સાઇથી વાંચવાનું. બધે જીવતીજાગતી વારતાઓ જ વારતાઓ છે.

ઠીક છે તારી વાત.

ઠીક છે નહીં –પારકાંનાં દુઃખદરદને જોવાસમજવાની તમારામાં દાનત જોઈએ દાનત. સાતમા બંગલાવાળાં આપણાં શારદાબેનનો જ કિસ્સો જુઓ. વિધવા બાપડાં ઢળતી ઉમ્મરે બરબાદ થઈ ગયાં. દીકરો પ્રકાશ, વહુ–છોકરાં મા ‘રમણવિલા’ બઅધ્ધું છોડીને બોલો નીકળી ગયો; એની પેલી લીનાડી જોડે ર્હૅવા–!

તે એમાં શું! વિલાસથી છૂટાછેડા લીધા, ને લીના જોડે ર્હૅવા માંડ્યો! આની કંઈ વાર્તા–ફાર્તા ના થાય. છૂટાછેડાની આજકાલ કોઈને કશી નવાઈ નથી હા…

હંસા જરા ડઘાઈ ગઈ. જૅન્તીને ઘડીભર તાકી રહ્યા પછી બોલી:

જુઓ જૅન્તી, તમે બહુ દલીલબાજ છો. કૂટો! લખો, જે લખવું હોય એ…ક્યારેય મારું સાંભળો છો તે…

જેમ હંસા ચોવટિયણ છે તેમ જૅન્તી હઠિયો છે. નિખાલસ ખરો પણ જરૂરતથી વધારે. એટલે એનાથી રાતોરાત તો શી રીતે બદલાવાય? જોકે તો પણ તે દિવસથી છાનોછાનો છાપું ચીવટથી વાંચતો થયો છે. ગયે સોમવારે એમાંથી એને એક વાર્તા સૂઝી પણ છે. ને એણે માંડી પણ છે.

બાઘડની વાર્તા. બાઘડ ગામડાગામનો એક અદનો આદમી હોય છે. કલી નામની બાઈના લીધે એના જીવનમાં મોટું સંકટ ઊભું થયું હોય છે. જૅન્તીએ એને શ્હૅરની બહુમાળી ઇસ્પિતાલના ચૉકમાં મેઇનગેટ પાસેના બાંકડે બેસાડ્યો છે. વાર્તા ત્યાંથી શરૂ થાય છે.

વાત એમ છે કે કલીને સુવાવડ માટે અહીં એટલે લાવ્યા છે કે સીઝરિયન કરવું પડે એમ છે. એ પતશે પછી દાક્તરો બાઘડને ઉપર બોલાવવાના છે. ત્યારે જ કેમ? બાઘડ નથી જાણતો. બધું પૂરું થયે એને ક્હૅવામાં આવશે એટલે જાણશે. વાર્તાકાર જૅન્તીની મુશ્કેલી એ છે કે બાઘડ જાણશે એ પછી જ પોતે જાણશે. કેમકે જૅન્તીને બાઘડ વિના તો કોણ જણાવે? છાપાવાળાએ પણ એટલું જ લખ્યું છે કે ગામડાગામનો એક ભોળિયો ગઈકાલ સવારથી ‘સંજીવની હૉસ્પિટલ’-ના ઝાંપે બેઠો છે. એટલે જેમ બાઘડ રાહ જુએ છે એમ જૅન્તી ય રાહ જુએ છે. વાર્તા ત્યાંથી આગળ નથી ચાલી, અટકી પડી છે.

આજ સવારની હંસા શારદાબેનને ત્યાં ગઈ છે. અવારનવાર જાય છે. દિલાસો આપવા. એમનો આજે સામેથી ફોન આવેલો. ત્યારથી જૅન્તીને એમ કે હંસા નથી તો તો બરાબર ફાવશે, ચાલ ને, વાર્તાને આગળ ચલાવું. જૅન્તીએ બહુ ડ્હૉળ્યું, વલોવ્યું, પણ ખાસ કંઈ ટપક્યું નહીં. સાંજ થવા આવી’તી. જોકે કદાચ એટલે જ એને બહુ જરૂરી વિચાર આવ્યો –અરે, બાઘડને મૅં બાંકડે બેસાડ્યો છે તો બેસાડ્યો છે, પણ ભલા ઇસ્પિતાલ લગી –પ્હૉંચાડ્યો શી રીતે…? એ તો મારે બતાવવું જ પડે.. કે કશાય વાહન વગરનો સાવ ગરીબડો એ દૂરના ગામડેથી ઇસ્પિતાલે પ્હોંચ્યો શી રીતે…જૅન્તીએ તરત કાગળનો થપ્પો ઉપાડ્યો, ઝટ પેન ખોલી…કલ્પના ચલાવું…પૅનનું આંગળાં વચ્ચે નાચવું ચાલુ હતું ત્યાં જ હંસા આવી લાગી. આવતાંવેંત બોલવા મંડી :

જૅન્તી–જૅન્તી, તમને ખબર, બચારાં શારદાબેન તો ખેદાનમેદાન થઈ ગયાં. બહુ રડતાં’તાં. બહુ જ. પ્રકાશને કુલાંગાર નાલાયક ને એવુંએવું કહીને નર્યું કલ્પાન્ત કરતાં’તાં. મન તો બોલો, સમજ જ ના પડે કે કરવું શું…સૉરી, મારે ઘણું મૉડું થયું. તમે શું લખો છો?

વાર્તા. તું માગે છે એવી નવી જાતની વાર્તા. ગરીબ માણસની છે એટલે તને ખાસ ગમશે. પાછી કરમકહાણી છે એટલે વધારે ગમશે.

એમ તો જૅન્તી તમને હું આ પ્રકાશિયાની દાસ્તાન સંભળાવું ને, તો તમને ય થશે –તમે પુરુષ છો તો ય થશે– કે પુરુષજાત સાલી કેટલી હરામી છે.

છે જ, પુરુષજાત હરામી જ છે. પણ તું બોલવા માંડ:

જૅન્તી, ‘રમણવિલા’ કોઈ બંધ મ્યુઝિયમ ના હોય, એવું સૂમસામ દીસે છે. ફર્નિચર રાચરચીલું વાસણકૂસણ બાળકોનાં રમકડાં બધું ચિત્રમાં ચીતરેલું ના હોય, એવું નિર્જીવ. હર્યુંભર્યું ઘર લણણી પછીના ઉજ્જડ ખેતર જેવું લાગે છે, ઉદાસ.

ઊભા ર્હૉ, તુવેરસિંગો ફોલવાની છે, કચોરી બનાવવા, લેતી આવું.

કિચનમાં જઈ હંસા થાળીમાં તુવેરસિંગો લાવે છે ને ફોલવા માંડે છે. જૅન્તીનું કાંડું પકડી ક્હૅ છે:

જૅન્તી, તમે પણ ફોલી શકો –

હા–હા, શું કામ નહીં? હંસા એ જણાવ કે એ મ્યુઝિયમમાં શારદાબેન છે તો ખરાં ને…

હાસ્તો. છે. પણ મરેલાં જેવાં. તમને ખબર, કેવાં સુઘડ. રોજ્જે આર કરેલી ઇસ્ત્રીબન્ધ સાડીમાં જ હોય. પણ વાદળી રંગની લોચા જેવી સાવ ઘસાયેલીમાં હતાં. કેટલાય વખતથી વાળ ડાઇ નથી કર્યા તે સૅંથામાં મોટી બુટેડી પડી ગઈ છે. નખ નથી કાપ્યા તે કાળો મૅલ દેખાય. બ્રેસિયર પણ ન્હૉતું પ્હૅર્યું, બોલો!

રસોઇયો, કામવાળી, પેલો કાયમી નોકર બાલિયો –

કોને માટે? બધાંને રુખસદ આપી દીધી. આ અહીં એકલાં ઠૂંઠા જેવાં ને પ્રકાશ ત્યાં કાલો–વ્હાલો થઈ પેલી જોડે નવું જીવન જીવવાનો થયો છે. લક્ઝુરિયરસ પૅન્ટહાઉસ છે દસમા માળે. પેલીની કમાણીનો. ક્હૅ છે કોઈ મોટી કમ્પનીમાં એવિયા પ્રૅસિડેન્ટ છે.

હા, તો? પ્રકાશ પણ રીયલ્ટર છે.

પૈસાનો પ્રૉબ્લેમ નથી જૅન્તી પણ તમે પૂરું જાણતા નથી.

જો હંસા, વિલાસે છૂટાછેડા પ્રકાશથી લીધા, કે પ્રકાશ આપ્યા, એ સાચું ને?

ના. વિલાસને લેવા પડ્યા.

ભલે. છૂટાછેડા પ્રકાશે લીના જોડે પરણવા જ માગેલા ને?

હા, પણ હજી પરણ્યો નથી. લેટેસ્ટ ન્યૂઝ તો એવા છે કે પરણવા બાબતે બંને વચ્ચે લઠ્ઠો પડ્યો છે. તમે ના જાણો જૅન્તી, કેવું તો બખડજન્તર છે –

કેવું?

લીના ડીવોર્સી છે ને એને સાત વરસની છોકરી છે, ભાવના.

વાત તારી બરાબર, પણ પ્રકાશ તો જાણતો હશે ને?

હા–હા, જાણે છે. લીનાએ એ અગાઉનાને, કોઈ મોહિત મ્હૅતાને, સામેથી છૂટાછેડા આપેલા. વરસો થઈ ગયાં. ભાવના ત્યારે માંડ દોઢ વરસની હતી. પછી તો લીનાડીએ કેટલાયને ફેરવ્યા હશે. ફરનારા ય ઓછી માયા નહીં હોય. પણ આપણો આ ભઇલો પ્રકાશ ભોળવઈ ગ્યો. ભાવનાને રોજ સવારે સ્કૂલે મૂકવા એકદમના ટૅસથી જાય છે, બોલો! ત્યારે મૂઆને અંગનાં છોકરાં, દિગન્ત–અમી, જરાય સાંભરતાં નથી –કેવું ક્હૅવાય…? ધાઇને ફસાણો છે.

તને પ્રકાશની ચિન્તા છે, કે વિલાસની?

બેમાંથી એકેયની નહીં. મને શારદાબેનની ચિન્તા છે. વિલાસ તો ચાલી ગઈ છોકરાં લઈને બાપને ત્યાં. આબરૂદાર મિલ્યૉનર પાર્ટી છે. ક્હૅ છે એને કશો બિઝનેસ કરાવવાના છે, સ્વતન્ત્ર.

પેલાં જેઠાણી તો છે ને, જીવીબા? રૂપેરી વાળવાળાં? સફેદ ચોટલો હજી રાખે છે?

ના. ડોસી હવે તો બોડિયું રાખે છે –કોઈએ ટૉણો મારેલો… વિધવા થઇને…અરે પણ જૅન્તીલાલ મારા, એ ડગરી પણ ચાલી ગઈ એની દીકરી જોડે ર્હૅવા…પેલી વાંઢી વન્દના…

કેમ? ડોસીને શો વાંધો?

ક્હૅ કે રમણલાલ સુતરિયાના ખાનદાનમાં છૂટાછેડાનો ભ્રષ્ટાચાર ના નભે. પ્રકાશ સમજે તો ઠીક છે, નહીંતર હું તો અહીં એક ઘડીયે નથી ટકવાની…પ્રકાશ ના સમજ્યો તે ના જ સમજ્યો.

રમણલાલ કોણ?

જીવીબાના સસરા. શારદાબેનના ય સસરા. પ્રકાશના દાદા. ‘રમણવિલા’ એમના વારાનું.

તો પછી પ્રકાશ શું કામ ચાલી ગયો…?

લીનાને ઘરમાં ઘાલીને કયા સુખે જીવવાનો’તો…વહુ–છોકરાં આગળ…કયા જોરે?

તો પછી વિલાસ શું કામ ચાલી ગઈ…?

એનાથી છૂટાછેડા જિરવાયા નહીં. એ–ને–એ ઘરમાં…પોતે ડીવોર્સી. બધું એને ખાવા ધાતું’તું…

વાતનો સાર હંસા એ છે કે બધાં ચાલી ગયાં પોતપોતાનાં કારણોથી; ખરું કે નહીં?

હા, સુખની આશાએ. સ્વાર્થીલાં નહીં તો…

શારદાબેને પણ પ્રકાશ–લીના જોડે જતાં ર્હૅવું જોઈએ.

પ્રકાશ તો એમ જ ક્હૅ છે. અરે જૅન્તી, શું ક્હું તમને, એક વાર તો જઈ પણ આવ્યાં. મન માન્યું નહીં. માને ય કેમનું? છૂટાછેડા લીધેલો દીકરો છૂટાછેડા લીધેલીની જોડે ર્હૅતો હોય એવાં જોડે છાસઠ વરસની મા શી રીતે જીવી શકે? પાછો ક્હૅ —શારદા, તારે બધું લીના ક્હૅ ઍમ કરવાનું..! હદ છે ને! પરત ચાલી આવ્યાં, જાતે રિક્ષા લઈને…બેઠાં હશે અત્યારે બૅકયાર્ડમાં આર્મચૅરમાં ટાંટિયા ટિપોઇ પર લંબાવીને. વધી ગયેલી લૉનનું ઘાસ ફરફરતું હશે. દૂર ખૂણામાં લૅલાં–કાબરોનું કકલાણ ચાલતું હશે. આથમતા સૂરજના તડકામાં કેવું લાગતું હશે બધું એમને…

હવે જાય જ નહીં?

બહુ અઘરું છે. એક વધારાનું કારણ પણ છે અને એ ઘણું જ ઘણું આકરું છે. પ્રકાશિયો હવે લીનાને પૈણવાની જ ના પાડે છે! નામક્કર ગયો છે.

કેમ?

કહું છું, થાક વરતાય છે આવું બધું ક્હૅવાનો.

એવું છૅ હંસા, પોતાની નહીં ને પારકાંની પંચાત માંડીએ એટલે થાક જ લાગે. ગૂંચવઈ જઈએ. હું આ બાઘડ અંગે એટલે જ અટકી પડ્યો છું. એ ય બેઠેલો છે શારદાબેનની જેમ એક બાંકડે.

કોણ બાઘડ?

જેને વિશે મારી આ ચાલુ વાર્તા છે.

એમ કરીને જૅન્તીએ હંસાને બાઘડની, હતી એટલી વાર્તા કહી બતાવી.

બાઘડ કલીનો શું થાય જૅન્તી?

એટલું ચૉક્કસ કે એ એનો વર નથી. મૅં એમ ધાર્યું છે કે બંને કાચી જુવાનીમાં મળ્યાં હશે. તળાવડી પાસે શિવજીના મન્દિરે. કે પછી મકાઇના ખેતર પછવાડે. પ્યારમહોબત. તેથી તો એ આટલે આઘે ખૅંચાઇ આવ્યો. એ એવો ભુરાંટો જણાયો એટલે શરૂ થઈ પડપૂછ. જોકે છાપું એને ભોળિયો ક્હૅ છે તે મને બરોબર લાગે છે. છાપું કલીને અને જોડે આવેલી એની માને નિરાધાર અનાથ બાઈઓ ધારે છે તે એમ જ હશે કદાચ. બીજું ક્હૅ છે તે આ —બંનેને કોઈ ભોપો ખર્ચાના બહુ બધા રૂપિયા લઈને મૂકવા આવેલો. રૂપિયા કલીની માના સસરા ભવાને મોકલેલા. છાપાવાળાએ ભોપાને પૂછેલું કે તમે કલીના શું થાઓ, તો ક્હૅ, ખાલી ગામવાળા.

બાઘડને શું પૂછ્યું?

એમ કે તું આ બંનેનો શું થાય. તો ક્હૅ, હગો કંઇ નૈ તો ય હગો. કલીનો હગો: પૂછ્યું : ઉપર, જોડે કેમ ના ગયો?: તો ક્હૅ, ઉ તો જતો’તો પણ ઍની માને કબૂલ નૈ –પ્હૅલેથી– બધાંએ મને આઘો રાખ્યો છે: દાક્તરને તું કંઈ ક્હૅતો’તો…?: હઆ, કે સાએબ, છોકરું ભવાનનું ભોપાનું કે કલીના મરનાર ધણી મનોરનું ઑય કે ના ઑય, ઉં ઍને મારું કરેશ, બાપ થવા તયાર છુઉં…છાપાળવો સવાલ હંસા આટલો : ‘અબુધ બાઈને ગર્ભ રહ્યો તે કોનાથી?’: ટાઇપ બદલીને સબ–લાઇન બાંધી છે –

સાલું જૅન્તી, આવું જ્યારે પણ બને છે, લોકો એક જ મુદ્દો ઉછાળ્યે રાખે છે -બાપ કોણ?

હું એ જ ક્હૅવા જતો’તો. કોઈને પડી નથી હોતી કે અવતરનાર જીવની શી વલે થશે.

જૅન્તી, પ્રકાશ પણ એવી જ ઝકે ચડ્યો છે. તમને ખબર નહીં, લીના પ્રૅગ્નન્ટ છૅ. પ્રકાશ ન્હૉતો જાણતો. એના પર તો આકાશ તૂટી પડ્યું. બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થયેલો. આ સુખિયા લોકો ઝઘડવા માંડે એટલે અંગ્રેજી શબ્દો વાપરે, તમે જાણો છો -હાઉઝ ધેટ? યુ ચીટર! આયૅમ નૉટ રીસ્પૉન્સિબલ! આઇ વૉઝ ટૂ વૉચફૂલ! યુ લિસન, લીના લિસન, મારાથી તને હવે પરણાય નહીં –આઇ કાન્ટ!

શારદાબેન હતાં?

હતાં ને. એ ગયાં પછીના બીજા જ રવિવારે, કદાચ સાંજે –પૅન્ટહાઉસ ધમધમી ઊઠેલું. બીજે દિવસે એટલે પછી એમણે રિક્ષા પકડી. જૅન્તી, તમે જ ક્હૉ, આવા ભવાડામાં એમનું તે શું થાય. ખર્યા પાનનું ઝંઝાવાતમાં કેટલું જોર..

હંસા, મને લાગે છે તું પણ વાર્તા લખી શકે. ક્યારનું પરખાઈ રહ્યું છે કે તને ભાષા બરાબર સૂઝે છે.

જોઈશું, પ્હૅલાં આપશ્રી તો આગળ ધપો –વાર્તામાં, ને આ તુવેરસિંગો ફોલવામાં…

કૂણી છે એટલે બહુ ફાવતું નથી.. ઓકે. સામે લીનાએ કંઈ તો કહ્યું હશે ને? એનું શું ક્હૅવું છે આખા મામલામાં?

આમ તો શું ક્હૅ? પણ તતડાવતી’તી  તું નહીં તો કોણ? શોધી કાઢ –ફાઇન્ડ આઉટ! પ્રકાશનો ટૂંકમાં હવે, મા મને કોઠીમાંથી કાઢવાળો ઘાટ થયો છે. ખરેખર. એટલે તો માને કરગરે છે.

તારી વાતનો સાર એવો થયો કે પ્રકાશે હવે ફાઇન્ડ કરવાનું, ફાઇન્ડ થશે એટલે પોતે જાણશે. જાણશે પછી લીનાને જણાવશે. એ પછી જ શારદાબેન જાણવાનાં…અને જો શારદાબેન જાણશે તો જ આપણે જાણશું…

બરાબર.

બાઘડની વાતનો સાર એવો કે દાક્તરોએ બાઘડને ઉપર બોલાવ્યો કે કેમ, કીધું શું, વાર્તા લખનાર નથી જાણતો —

ચાલો ને જૅન્તી ‘સંજીવની’ જઈએ! બાઘડને જ પૂછીએ!

જૅન્તી–હંસા બંને હસી પડ્યાં. જૅન્તી ક્હૅ:

એમ માણસોની પાછળ પડીને વાર્તા ના લખાય.

‘હું’ ‘હું’ કરવાથી લખાય, કેમ?

કદાચ. જો હંસા, આ ચાલુ વાર્તામાં એકેય વાર એવું ‘હું’ નથી આવ્યું. સમજવાનું એ છે કે પારકાંનાં દુઃખદરદની વાર્તા કરતાં આમ અટકી પડાય છે. માણસ તળિયા વગરનો કૂવો છે. અમુક હદ પછી તમે કંટાળો, હારી છૂટો…દોરડું હમેશાં ટૂંકું પડવાનું…

તો શું કરાય?

કાળજીભરી કલ્પનાઓ કરાય. કેમકે હકીકતો તો સળગતી મીણબત્તીઓ ક્હૅવાય. બળે–ઑગળે ને ઓલવાઇને પતી જાય. એમાં જો કલ્પનાની વાટ હોય, તો જુદું થાય. એ વાટ અખૂટ હોય છે…

… … …

હંસાને સમજાતું નથી.

કલ્પના કાં લઈ જાય, જુદી વાત, પણ અંદરનું કશું જરૂર ચમકી ઊઠે. બાઘડ ઇસ્પિતાલે પ્હૉંચ્યો શી રીતે એ વાતની વાર્તાકારને જરાય ખબર નથી છતાં, છે. હા, છે –

કેવી રીતે?

એ રીતે કે કોઈ વાહને નહીં પણ એના પગોએ એને દોડાવ્યો છે. અને એના હૈયામાં ધધગતા કલીને માટેના પ્રેમે દોડાવ્યો છે. એટલે વાર્તાકાર વાર્તામાં હવે આવું આવું લખશે –

કેવું કેવું? બોલવા માંડો.

વચ્ચે વચ્ચે તું પણ બોલ. હું બાઘડ વિશે ને તું પ્રકાશ વિશે –

મને જેવી ખબર છે…જેવું મને સૂઝશે…સાચુંખોટું…

ના, સમજેલું બોલાય કે લખાય, ખોટું નથી ર્હૅતું –અરે, વધારે સાચું થઈ જાય છે. સાંભળ :

ઘરેથી નીકળીને બાઘડ કશું અડે–નડે નહીં માટે રસ્તાની વચ્ચે ચાલતો’તો –ડોલતોડોલતો. એને એવો જોઈ કોઈએ ફળિયાને ખૂણેથી સાદ પાડેલો —અલ્યા ઓય, હાથીની ગતે ચાલે છે, પૉકેશ કા’રે? વચ્ચે ના ચાલ, કોઈ અથાડી પાડશે. માર્યો જઈશ. તો ય બાઘડ તો ચાલ્યે જતો’તો. એને ઇસ્પિતાલે પ્હોંચવાની લ્હાય લાગેલી.

પ્રકાશ વરસોથી વચ્ચે જ ચાલતો’તો. લીના મળી. જેવી મળી તેવી બોલી —સાઇડ પર થઈ જા, નહીંતર વેડફાતો રહીશ. એક–ની–એક ચાલથી કંટાળ્યો નથી…? પ્રકાશ આસ્તે આસ્તે કરીને સાઇડમાં સરકવા લાગ્યો. ઑફિસેથી રોજ્જે વિલાસને એક વાર તો હેલોનો ફોન કરે જ કરે. ક્યારેક વૅણી લાવે, કોઈ વાર જ્વેલરી. ક્યારેક વળી શારદાબેન માટે ‘રામાયણ’ની ડીવીડી પણ લેતો આવે. ખાસ્સી ચાલાકી વાપરતો’તો.

બાઘડનો રસ્તો ખૂટતો ન્હૉતો. વિઘ્નો ય ઘણાં. આકાશ એના મસ્તકને દબાવે. રસ્તો ઊભો થઈને એને ઘેરવા કરે. કિનારાની લાઇટોના થામ્ભલા ઝૂકી ઝૂકીને આડા થાય. પણ બાઘડ તે બાઘડ. બાવડાં ઉલાળી ઝાવાં નાખતો બસ હૅંડ્યો જાય. સાબર-શિંગું કોઈ જનાવર જ સમજો.

પ્રકાશનો રસ્તો ખૂટતો’તો ખરો પણ કીડીની ચાલે. એટલે માંહ્યલો ઍનો ઘાંઘો થઈ ઊઠ્યો. ઘેરાં વાદળાંને એણે ચાહીને નૉતર્યાં. લીનાને ઘરે બોલાવવા માંડી. વિલાસને હેળવવાને પાર્ટીઓ કરી. પ્રવાસોમાં જોડી. રમણ–વિલા’માં ધૉળે દાડે તારા ખીલ્યા ને રાતનાં અંધારાં ઘાટાં થયાં. કંકાસમાં વિલાસ જેમજેમ વિલાતી ચાલી તેમતેમ પ્રકાશનો રસ્તો ખૂટતો ચાલ્યો.

વખત બહુ વીત્યો તો ય બાઘડનો ન ખૂટ્યો રસ્તો કે ન રોકાયું એનું સતતનું ચાલવું. એટલે એક વાર અંદરથી કોઈ બોલ્યું  —બાઘુડા ઉતાવળ કર ને, મને તારો ખપ પડ્યો છે, તારે કાજે તરસી બેઠી છું. સાંભળીને બાઘડ ઝટ ઊભો રહી ગયો, ને પટ એણે પેટે ચૂંટલો ભર્યો. જેવો ચૂંટલો ઢીલો થયો તેવો બાઘડ સસલું બની ગયો –સસલું બનતાંવૅંત મોટા મોટા કૂદકા મારતો દોડતો થયો.

વિલાસે પ્રકાશને એક વાર કાંડેથી ઝાલ્યો ને રડતા મૉઢે રાડો પાડી. પ્રકાશે એને તમાચા માર્યા. પણ પછી, થોડો વખત, પ્હૅલાંની જેમ પાછો વચ્ચે ચાલતો થયો  દિગન્ત–અમીને ‘સ્પાઇડરમૅન’ બતાવી આવ્યો. બંનેને સાઇકલો અપાવી. લાગે, બધું ગયું. એટલે એક દિવસ લીના ફૂટપાથેથી તાડૂકી  —એ ય, પાછો આવ; મારું કોણ? મૂરખ થોડી છું…કમ બૅક…ચાલ્યો આવ ને ડાર્લિન્ગ, પેલી સુંવાળી આપણી બેડ તારા વિના સૂની છે. સાંભળતાંવેંત પ્રકાશ ગલુડિયું બની ગયો ને દડબડ દડબડ દોડતો લીનાની સૉડમાં ગોઠવાઈ ગયો.

એમ કરતાં કરતાં એક સાવ શાન્ત સરોવર આવ્યું. સામે ભૂરો પર્વત. બીલોરી નીર. બાઘડે મૉઢું મારીને બચબચબચ પાણી પીધું. ચોપાસ જોઈ રહ્યો. કોઈ ન મળે. શાન્તિ. હળવો પવન વાતો’તો. બાઘડના કાન ધીમું ફરફરતા’તા. ત્યાં પર્વત પાછળથી કોઈ અવાજ આવ્યો : તારી બાઘડ ઇચ્છા –શી છે?: મારે બસ ઇસ્પિતાલે પોંકવું છે, થાક્યો છું બહુ: લૅ આ પાંખો. પ્હૅર ને ઊડ. કાલે સવારે મનોરથ તારો પૂરો થાશે: બાઘડ પોપટ થઈ ઊડ્યો આકાશમાં…

તમારી બંનેની ઇચ્છા –શી છે? ડીવોર્સની? યસ્સર. તમે મિસિસ વિલાસ, ઍગ્રી છૉ? યસ્સર. ઓકે ઓકે.

તે દિવસથી ‘સંજીવની’ના નવમા માળે એક પોપટ આ બારીએથી પેલી બારીએ ઠેક્યા કરે છે. ઠેકડે ઠેકડે કલી કલી બોલે છે.

તે દિવસથી પૅન્ટહાઉસની ટૅરેસમાં એક મૂષક –

મૂષક–?

ઉંદર. આમ દોડે છે, તેમ દોડે છે. એને જવાય ત્યાં જવું છે –પૅરાપૅટે પૅરાપેટે માથું અફાળે છે.

પોપટ સુખી લાગે છે.

હા, સુખી હતો, સુખી રહ્યો.

મૂષક સુખી હતો, સુખી ન રહ્યો.

હા. વાર્તા થઈ પૂરી.

ના, પૂરી ના થઈ; શારદાબૅનનું શું? ને મારી આ તુવેરો…

એમનું કંઈ નહીં. તારે એમને અવારનવાર મળતા ર્હૅવાનું. તું જ છે એમનું જે કંઈ પણ. તુવેરો પણ તું જ પતાવજે, નથી ફાવતું…

હા, ખબર, ઠીક છે, તમને કેમ ના ફાવે…પણ જૅન્તી, વાર્તાનો એ સાર?

હા. કેમકે શારદાબેન લીના નથી અને લીના કલી નથી. કેમકે પ્રકાશ બાઘડ નથી અને બાઘડ વિલાસ નથી –જેમ તું હું નથી ને હું–

સ્ટૉપ સ્ટૉપ સ્ટૉપ, જૅન્તી સ્ટોપ! અરે, તમારી વારતામાં ‘હું’ આવ્યું!

એમ ક્હેતાં હંસા ખડખડાટ હસી પડી પણ ફટ્ એણે જૅન્તીની પેન ઝૂંટવી લીધી.

એવું ના ગણાય –

ન્આ! શું કામ નહીં?

ઠીક, શી સજા કરવી છે?

‘હું’-ને માટે આખ્ખી વારતા ફરી લખી લાવો, કાલ લગીમાં વાંચી બતાવો, જૅન્તીલાલ, ઊતરો બીજી વાર દોરડું લઈને કૂવામાં.

ભલે…પણ પેન તો લાવ.

ન્આ!

કેમ?

હું શું જાણું? કાલે વાત.

એટલે પછી હંસા, દાણા છૉડાં બાકી તુવેરો બધું સમેટીને કિચનમાં ચાલી જાય છે અને જૅન્તી કાગળનો થપ્પો લઈ બાજુના રૂમમાં જતો ર્હૅ છે.

ત્યાં કે તે પછી શું થયું, નથી ખબર…

(‘શબ્દસૃષ્ટિ’-માં, ૨૦૦૯)