સુમન શાહની વાર્તાસૃષ્ટિ/ચોરી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોરી|}} {{Poem2Open}} ચમ્પકલાલ ક્યારેય સામેના મેદાને ન્હૉતો જવાનો...") |
(No difference)
|
Revision as of 10:39, 21 April 2022
ચમ્પકલાલ ક્યારેય સામેના મેદાને ન્હૉતો જવાનો.
પણ આજે ગયો.
કેમ ભઇ, કેમ કંઈ અહિયાં?
અમરતબાપા, તમારી મંડલીમાં જોડાવા આવ્યો છું.
અરે વાહ! ભાયગ અમારાં! ભલે ભલે, બેસ ભઇલા બેસ; જીવણભા, જરા જગા કરો. બાપડો હમણાં ઘરભંગ થયો છે. કાન્તા આપઘાતમાં મરી, રામ જાણે કયા કારણે. નાનપણામાં મૅં રમાડેલી બહુ. એનો મોટો ભઇ મારાથી નાનો, પણ અંગ્રેજી નિશાળમાં અમે સાથે હતા. કાન્તાને સિધાવે ત્રણ–ચાર માસ થઈ ગયા, નહીં ચમ્પુ?–તને ચમ્પુ કહું તો વાંધો નથી ને?
ના રે, વાંધો શો; બે મહિના, કાલે જ તિથિ હતી.
મેદાનના એક છેડે ત્રણ બાંકડા, ત્રિકોણ થાય એમ ગોઠવેલા
બેસો બેસો. જીવણભા ખસ્યા, ચમ્પકલાલ સંકોચાઈને બેઠો.
લાકડાના ગોરવા જેવા પાતળા પાતળા ગોઠણ, તે એનું એકવડિયું શરીર ઠાઠા જેવું દેખાવા લાગ્યું.
કાન્તાની વાત એ રીતે શરૂ થઈ તેથી એના ચ્હૅરે ઝાંખપ ફેલાઈ ગયેલી. મૉં પર હથેળી ફેરવીને સરખો દેખાવા મથ્યો.
જો, બધાનો પરિચય કરાવી દઉં.
આમ તો બધાને અનેક વાર જોયા છે.
તો ય; તારી બાજુમાં જીવણભા છે.
–સાંભળ, અહીં અમે એકબીજાને ભાઈ–ભાઈ નથી કરતા, કેમકે બમ્બઇયા ભાઈ–લોકને લીધે બધું ખરડાઈ ગયું છે.
ચમ્પકલાલે હા ક્હૅવા મસ્તક ધીમેથી ઊંચે કરી ધીમેથી નીચે લીધું.
ભા કહીએ છીએ, ભા.
એમના તૂટલાફૂટલા દાંતની હારો વચ્ચેથી બ્હાર પડેલું ઊનું ઊનું ભા એણે નજરના સ્મિતથી ઝીલી લીધું.
એમની બાજુમાં છે, કેશુભા. એમની પછી પલાંઠીમાં બેઠા છે એ જમુભા છે. આ મારા–વાળા બાંકડે હું, તું જાણે છે, અમરતલાલ. બધાથી મોટો એટલે આ બધા મને વડેરાભા ક્હૅ છે, તારા જેવા થોડા નાના હોય એ બાપા ક્હૅ, વહુવારુઓ મોટા ક્હૅ…બધાં ગણે છે સોસાયટીમાં, સારું લાગે છે.
ચમ્પકલાલને થયું, આ તક છે, કહી દઉં : બાપા, ખરી વાત, આખી સોસાયટીમાં એજ અને નૉલેજ –બન્ને બાબતમાં તમારાથી ચડિયાતું કોઈ નથી, તમારો ને તમારી મંડલીનો ખાસ્સો માભો છે.
બધા એને જોઈ રહેલા.
રજા હોય તો એક વસ્તુ ક્હૅવા માગું છું: રજા જ છે, બોલ ને?
સોસાયટીમાં મારા વિશે જે અજૂગતું બોલાય છે એનું કંઈ કરાય નહીં?
કાન્તા જાતે નથી મરી, તમે મારી છે –એ જ વાતને?
હા ક્હૅવા ચમ્પકલાલનું મસ્તક ઊંચ–નીચે થતું’તું એ દરમ્યાન જમુભા બોલ્યા, ખબર છે અમને, ખબર છે; એમ પણ ક્હૅ છે, તમે કંઈ ઊંઘની ગોળીઓ મૂકી રાખેલી..?…જાણીએ છીએ.
વડેરાભા બાળકને પટાવતા હોય એમ બોલ્યા : અરે ભઇલા, એમાં શું? લોક તો નાગું છે, લોકને મોઢે તાળું થોડું છે? ડોન્ટ વરી!
ભા–નું બોલ્યું પૂરું થાય એ પ્હૅલાં બીજા બોલી ઊઠ્યા, હા–હા ડોન્ટ વરી, ડોન્ટ વરી, આમેય દુનિયા ભુલકણી છે.
અને ચમ્પુ: હા બાપા: તું મારી મંડલીમાં જોડાયો ને, જોજે, વાત ખતમ! તદ્દન ઊલ્ટું થશે, સોસાયટી તને માનથી જોવા માંડશે; ડોન્ટ વરી! પછી ભા-એ રમુભાની સાથળે આંગળીનો ગોદો કરતાં કહ્યું : બધા જાતે જ ઇન્ટ્રોડ્યુસ થાવ ને બાપલા, મને પાછી હાંફ થશે.
હું રમુભા.
હું હિતુભા.
ચમ્પકલાલને થયું –આટલું જ? પતી ગઈ વાત?
એને ઊંચીનીચો થતો જોઈ હિતુભા બોલ્યા, દરેક બાંકડે ત્રણથી વધારે બેસાય એવું છે જ કાં? પ્રજાની સગવડનાં કામો આવાં હોય? ધડા વગરનાં?
હિતુભા! એમ બકો નહીં –એકાએક વડેરાભા ચૅંકાઈ ગયા. આખો વખત બધાને ભાંડવાની તમારી કટેવ ગઈ નહીં! સુધરો જરા! સરકાર ધારાસભ્યો ને સરપંચોને પૂરતા રૂપિયા આવે છે કે દા’ડે? જાણો–કરો નહીં ને…! સરકારે ય બાપડી કરે તો શું કરે?
જવાબમાં હિતુભા કંઈક જુદું ક્હૅવા માગતા’તા, એમના અધખૂલા ચિન્તાતુર મૉં પર ચોખ્ખું દેખાતું’તું. પણ વડેરાભાની શરમ ભરી ચૂપ રહ્યા.
આ ત્રીજે બાંકડે કરતારસિં બેસે છે, કતુભા, જોડે મનુભા. બન્ને હજી આવ્યા નથી. એમના પછીની જગા હમણાંથી ખાલી છે.
હા–હા, એ જગો આજથીઇઇ, ચમ્પુની!: વડેરાભાએ ઘોષણા કરી. એટલે એમનાં બન્ને ફોરણાંમાંથી બ્હાર ધપેલા ધૉળા વાળ વાંદાની મૂંછો જેમ ધ્રૂજતા દેખાયા. ચમ્પકલાલને થયું, વાંદા બાપા જેવા ગોરટિયા તો નથી હોતા.
અને જુઓ, કહું તમને લોકોને, ચમ્પકલાલ આપણા બધાથી નાનો છે એટલે ચમ્પુ જ કહીશું, પાછળ ભા નહીં લગાડીએ: લઈ લે તારી જગા: તાલીઓથી બધા સ્વાગત કરશે!
ઊઠીને સામે બેસવા જતો ચમ્પકલાલ બોલેલો, હું કંઈ બહુ નાનો નથી, માંડ ત્રણચાર વરસે…પણ તાળીઓના ટપારામાં કોઈને સંભળાયેલું નહીં. એ બેસી રહ્યો એટલે બધાએ એની ભણી નવેસરના મલકાટથી જોયું. એને પણ થયું, મંડલીમાં જોડાઈને પોતે સારું જ કર્યું છે. સૌને એણે ઝૂકી ઝૂકીને નમસ્કાર કર્યા.
કાન્તા જીવતી’તી ત્યારે તો ચમ્પકલાલને મંડલીની ઘણી સૂગ. ઘણી એટલે ઘણી. કાયમ ક્હૅ —કોઇ જમાનામાં આ બુઢિયાઓ જોડે તો નહીં જ બેસું. નિર્ધાર છે મારો.
કાન્તા ટૌકેલી : હું નૈ હૉઉં, સીજીચરન થઇ હોઇસ, એકલા પડસો, ત્યારે સું કરસો? ઘૈડપનમાં ઊંઘે ઓછી થાસે: જો કાન્તા, એવું નથી થવાનું. પ્હૅલો હું જવાનો છું, જોજે; ને મને તો ઊંઘની ગોળી ફાવી ગઈ છે. તમારે રીટાયર થવામાં ય ઝાઝું કાં ખૂટે છે…
સું થાસે…સંભાર રાખે એવું વારસમાં તો કોઇ છે નથી..
કાન્તા અવારનવાર બીજું ય બોલતી : સાંજો તો આમેય હારી ડાકેણો, ખાવા ધાય છે. દીવો પેટવું છું તો ય, અંધારાં મૂઆં ખસ્તાં નથી. ને રાતના ડાઘિયાઓએ તો કાનનાં મારાં કોતર કરી મેલ્યાં છે. પાછલી રાતમાં તો જાગતી ને જાગતી, ટૂંટિયું વળેલી. ગયા પછી આયો જ નહીં ને મને બોલાય બોલાય કરે છે. લેવા ય આવતો નથી. ડાઘિયા રે ડાઘિયા, જૈ ને ક્હૉ ને ઍને, આવે, મને ખભે તેડીને સરગે લઈ જાય.
આવું અંટસંટ કાન્તા કેમની બોલે છે –ચમ્પકલાલ સમજે. પાછલી ઉમ્મરે દા’ડા રહેલા, દીકરો અવતરેલો, લાખેણો, પણ ઉટાંટિયામાં મરી ગયેલો. એને થાય, સમય ઘણો ગયો તો પણ ભૂલતી જ નથી! શું કરવાનું…
એ પૂછતો: તને આપડો બચુડો જ બોલાવે છે ને?: હાસ્તો: કોઈ બીજું તો નહીં ને?: બીજે કયો હનીજો બોલાવવાનો તો મને? સક કરો છો મારા પર?: ના ભઇ ના, શક શું કામ: તે સાંભરી લો, બચુડો તો મારો ને મારા વ્હાલાનો, ઠાકોરજીનો : પાંપણ ઊંચે ખૅંચીને કાન્તા તીખાશથી જોતી, તમારે એને આપડો નૈં ક્હૅવાનો.
એવું તાકતી ર્હૅ –ચમ્પકલાલ હેબ્તાઈ જાય.
એટલે પછી, દુખિયારું મૉઢું લઈ બારીએ પ્હૉંચી જતો. બારી બ્હાર તો એ જ સાંજ હોય…
ઑગળતો નારંગી સૂરજ. આથમતા તડકામાં એ જ ત્રિકૉણિયા બાંકડા. એ પર એકમેકને અડીને બેઠેલા એ જ ડગરાઓ.
આખું ઠેરાણું લાંબા લાંબા પડછાયામાં જપી ગયું દેખાય.
એને થાય, બચુડાને ઠાકોરજીનો ક્હૅ, તાં લગણ તો હમજ્યા જાણે, પણ મારા વ્હાલાનો એમ કેમ ક્હૅ છે…આપડો ક્હૅવાની ય ના પાડે છે…પાછી ના, મને પાડે છે…હનીજો…કેવું બધું…?
એની નજર ડોસાઓના ગાલોના ખાડાઓમાં ઊતરવા કરે. નાકના ટીચકે સરકી ગયેલી કો’કના ચશ્માંની ફ્રેમને ઊંચે લેવા મથે. પવનમાં ઊડતી કો’કની રાખોડી બાબરી એની કીકીઓને ગલીપચી કરે. ચીડ થાય. એટલે પછી એ હાક્ થૂ કરીને થૂંકતો –
સાલા ઝટ મરતા ય નથી! મરે કે ના મરે, પણ સામેથી ટળતા કેમ નથી –બબડતો. જોડે જાણીતી એક ગાળે ય બોલતો.
કાન્તા તરત બુમાટો કરતી, ઘૈડિયા વડેરાઓને આમ ગારો સું બોલો છો –? વખત આવે ધૂરનો ય ખપ પડસે. કો’ક દિ જૈ ને બૅહો તો ખરા એ લોકની પાંહે —
ના! કદ્દી નહીં! જવાનો જ નહીં! બૅહવાનો તો સવાલ જ કાં..
વડીલોએ એનું ભાવથી સ્વાગત કર્યું એ વાતે એને સારું લાગવા માંડેલું, છતાં મનના ખૂણે કચવાટ તડતડ થતો’તો —કેવો છું, જ્યાં કદી ન્હૉતું આવવું, ત્યાં ખોડાણો છું…ઠીક છે, જોઉં તો ખરો. વાતનું શું કરે છે.
ભઇલા, જો. ધ્યાનથી સાંભળ, અમારી નિયમાવલિ સમજી લે:
વડેરાભા ચાલુ થયા : ઉનાળામાં સાંજના સાતે, ને આમ શિયાળો હોય ત્યારે છ–ના ટકોરે, આવી જ જવાનું. ટાઢ બહુ લાગતી હોય, તો શાલ ઝાલતા આવવાનું. આ અમારા કેશુભાને, જો ને, અત્તારથી વાવા માંડી છે, બધેથી કેવા ઢબૂરીને બેઠા છે. એમ બેસાય, વાંધો નહીં…પૂરા દોઢ કલાકનો રિવાજ છે, કેમકે ઘરે વ્હૅલા પ્હૉંચવાથી ખાવા વ્હૅલું તો મળે ના! બાઈઓને પણ આપડે રૅગ્યુલર હોઈએ એમ જો’તું હોય છે…
…ખાવા–કરવા, તું શું કરે છે, આજકાલ?
જાત્તે! આવડે છે!.
ઠીક. જો, બનીઠનીને આવવું જરૂરી નથી, આમ જ નીકળી આવવાનું.
હા, પણ મારી વાત –
અહીંનો ડ્રેસકોડ સમજી લે. કફની–પાયજામો, પગમાં સ્લીપર. આજે છું એમ પાટલૂન–ખમીસમાં ના આવતો..
…મતલબ એમ છે ચમ્પુ કે હવે આ પાછલાં વરસોમાં સિમ્પલ ર્હૅવાનું ને હાઇ વિચારવાનું. ભમ્બડ થઈ જવાનું, બૈરી–છોકરાંના દગધોખા કે આપણાંય લાંબાં–ટૂંકાં લફરાં જે હોય ને, વીહરી જવાનાં! – મ્હાંય ગ્યાં!…
…ને જો, તારી વાત, ધ્યાન આપ, મરનારને કોઈ રોકી ના શકે એમ કોઈનું માર્યું કોઈ મરે ય નહીં! મરણના વિષયમાં પંચાતી નહીં કરવાની, બેફિકર થઈ જવાનું. દરેક જણું પોતાની જાતે મરે છે. ને બીજું…
વડેરાભા એકધારું બોલે જતા’તા, ચમ્પકલાલ એમને જોતો’તો, પણ સાંભળતો ન્હોતો: આ વડેરોભા છે ને ચમ્પક, બકવાસ છે, મહા દમ્ભી: એને દોસ્ત ગોપાલના બોલ સંભળાવા લાગેલા. કાન્તા મરી એના આગલા અઠવાડિયે મળેલો, ક્હૅ, ઠચરો ટાઇમનો ગુલામ છે, રાતે દસ થયા નથી ને પલંગમાં પૉઢ્યો નથી, સાડાત્રણે જાગી જાય છે –બ્રાહ્મમઉરત હાચવવા…હાળો –
…ને બીજું ચમ્પુ, તને કહું, આટલી સિન્યૉરિટી પછી આપણી વાતોમાં દેશના રાજકારણની છણાવટને પ્હૅલું સ્થાન હોય, કશા અંગત ફજેતાને નહીં!
બધા બોલી પડ્યા, ખરી વાત છે, ભા–ની વાત ખરી છે, ભવભવાડામાં શું ટાઇમ વેસ્ટ કરવો: ને ભઇલા…
–હાળો પોતાને મોટા રાજનીતિજ્ઞમાં ખપાવે છે, ખાલી છાપાં વાંચીને ઝૂડતો હોય છે. બધાને એમ ઠસાવે છે, જાણે દુનિયા આખીનો જ્ઞાની હોય : એટલાં વ્હૅલાં જાગીને કરે શું? : ઠન્ઠન્ગોપાલ! કેમકે શમુબાએ તો પ્હૅલેથી અંગૂઠા નીચે રાખ્યો છે. મૂળે કૅરેક્ટરનો રદ્દી! અમ્બુભાઇ, તારા મોટા સાળા, હવે નથી રહ્યા. બાકી એમને તો એનો ઘણો કડવો અનુભવ: ઍઍમ? કાન્તાએ તો મને કદી કહ્યું નહીંઃ જરૂર શી, ખાળ ઉલેચવાની? ને ક્હૅ શું? કાન્તાને ય અડપલાં કરતો’તો!: તે શમુબા?: અરે યાર, એ અમ્બુભાઇને પટાવતી’તી! આંખ મારે! જવાનીમાં ઓછી ન્હૉતી : ના હોય!: હા, હવે મીની ટપણે બેઠી છે.
ચમ્પકનું મગજ ઘુમરડી ખાઈ ગયેલું. ગોપાલ એને જુદો, ભેદી લાગેલો. બે–ત્રણ દિવસ મૂંઝાયા કરેલો –ખરું ક્હૅવાય, વાત હાચી હશે…કેટલી…
અત્યારે પણ એ સુન્ન થઈ ગયો. આ એ જ અમરતલાલ છે, ખરું, પણ એટલાં બધાં પાછલાં વરસોની વાત લગી હું એમને શી રીતે ઢસળી જવાનો’તો? ને ઢસળી જવા ય શું કામ; નથી કાન્તા; નથી એનો મોટોભાઇ; વાત, મારી બગડી જાય. ગોપાલને ત્યારે પૂછેલું: આ બધું, તું…શી રીતે જાણું?: પપ્પા જાણી લાવેલા, મંડલીમાં એ ય જતા’તા ને યાર! એટલે જાણે. એક વાર પપ્પા પોતાના મતને વળગી રહેલા, તે ડોસલો ક્હૅ, તમે મિસ્ટર જાની, હઠાગ્રહી છો, ડૉગ્મેટિક; કાલથી આવતા નહીં! પપ્પા –એક જમાનાના ક્લેક્ટર– ડઘાઇ ગયેલા. શરૂમાં…
ને ભઇલા, એક વાત ગાઠે બાંધ –આ ઉમ્મરે સોસાયટીની કોઈ વાત કાને નહીં ધરવાની; સોસાયટી કિસ ખેત કી મૂલી? ધૂળ ને ઢેફાં! ને જો, એની કોઈપણ બબાલમાં પડવાનું નહીં, દેશની દરેક સોસાયટીમાં ઝઘડા છે : ખરી બાત —
…શરૂમાં પપ્પાને બહુ ગણતો, ક્હૅતો, કોઇપણ વાતને નેશનલ-ઇન્ટરનેશનલ લેવલે મૂકો જાનીસાહેબ, એટલે ગમે એવો ગૂંચવાડો, ફટ્ પતી જાય! પપ્પા ક્હૅતા, સ્થાનિક પ્રશ્નને ગુલાંટ ખવરાવવાની કમાલ તો અમરતલાલની જ!
– ખરી બાત હૈ આપ કી, સોસાયટી કે ઝઘડે પે રેડો પાની, ટીવી દેખો ટીવી, કેટલી મજો પડે છે, મૅં બતાઉં –બોલતા બોલતા કરતારસિં આવી પ્હૉંચેલા : કલ કેબીસી–મેં, પેલીને બચ્ચને સવાલ કર્યો, પચાસ લાખનો સવાલ, ખાલી સીતામાતા કે પિતા કા નામ બતાના થા, પણ ડોબીને એટલી બી ખબર ન્હૉતી, તે દેખો, એક લાખ સાઠહજાર પે જા ગીરી! પ્રૉફેસર હતી, લિટરેચરની! લેકિન, થી બ્યુટીફુલ!: કતુભા હસમુખ ચ્હૅરે બેઠા.
કતુભા, હમારે નયે મેમ્બર સે મિલો, ચમ્પકલાલ સે: દરમ્યાનમાં મનુભા પણ આવી લાગ્યા : બચ્ચનની વાતો ચાલે છે ને? બહુ સરસ! એને ભારતરત્ન મલ્વું જ જોયે જુઓ તો યાર, મને બહુ ગમ્યું, શ્હારુખે પ્રપોઝ કર્યું, શ્હારુખે!: તરત વડેરાભાએ ના–ના બોલતાં હવામાં હથેળી વીંઝીને વાંધો પાડ્યો –સમજો જરા, એ ય લાઇનમાં ઊભો છે, તે કરે જ ને પ્રપોઝ! બાકી જરા વિચારો તો ખરા, ભારતરત્ન જેવા મહા-સન્માનમાં ટોટલ કરીયર જોવાય કે નહીં? બેવફાઇનો ભોગ બનેલી રેખાને પૂછો: કોણ રેખા? –બધાને થયું. જોકે તરત બોલ્યા: ઓહ્ રેખા…બરાબર…બરાબર…
ભા–ને રેખા પણ યાદ છે, એને થયું, બહુ ક્હૅવાય. જોકે બેવફાઇની વાતે તરત પછી પોતાનામાં ઘણે ઊંડે ચાલી ગયેલો. આમ તો મંડલીમાં ન જ જોડાયો હોત. કાન્તાના ગયા પછીના એ શરૂ શરૂના દિવસો હતા, સોસાયટીમાં વાત ભમરાની જેમ ઊડતી’તી મરી નથી, આણે મારી છે, ગમતી ન્હૉતી, જોજો હવે, પેલીને ઘરમાં ઘાલશે! હા, ને, રીટાયર છે, ફાવશે સારું: છોકરાં ચમ્પકલાલને એવી રીતે જોતાં જાણે એ બૉઘલું જાનવર હોય! ચમ્પકલાલને ચૅન ના પડે…મરી તો મરી, પણ મને મારતી ગઈ…કોને ખબર….બાકી, એના ને મારા ઠાકોરજી, જે કંઈ બધું, ક્યાં નથી જાણતા…?…
બનાવ બન્યો એ પછી બાટલ હાથમાં રાખીને એ કાન્તાના રૂમમાં બેઠેલો –જડે છે કોઈ કારણ –જેથી આટલી બધી ગોળીઓ ગળી ગઈ…? –જેથી બાટલ મારાથી આમ જ મુકાઈ ગઈ…?
એ ભડકી ગયેલો ને રૂમને એણે તાળું મારી દીધેલું. અત્યારે કાન્તાની એક વાતે એને સજ્જડ પકડ્યો છે : તમને ખબર છે? અંતરમાં એકાદ વાત તો એવી હોય જ છે, ચોરી, તમારામાં ય હસે, જે કોઈ કરતાં કોઈને કહી સકાતી નથી, ઘરના મનીસને પણ નહીં. જોડે લઈને જ જવું પડે. ચિતામાં ખોપરી બળે તેવારે બળે : એ પૂછતો: કાન્તા, મને ય ન ક્હૅવાય એવી તે શી ચોરી છે, ક્હૅ તો ખરી : પણ એ બોલતી નહીં, નજરથી નજર મેળવીને ગાંડીના જેવું ઘેલું હસી આપતી…કોણ જાણે શું યે હશે….
ઘરમાં એ આંટા મારતો. ગોપાલ તરત આવેલો. દયા ખાતો’તો. ચમ્પકે એને તોડી પાડેલો: એ વાત ના કર, મને પ્હૅલાંના કે હમણાંના, એમના એકેય કૅરેક્ટરની પડી નથી; મારી ચિન્તા છોડ : તો તું જાણે —ગોપાલ છણકાઇને ચાલી ગયેલો. શરૂમાં વીણામાસીએ પુછાવેલું, થોડા દિ ર્હૅવા મોકલું ભાણીને? : ડોકું આમથી તેમ કરી એણે જરૂર નથી કહેલું. કાલે તિથિ હતી તે બધાં સગાંસમ્બન્ધી આવેલાં. મોટાંમામી ય આવેલાં, ક્હૅ, ચમ્પકને પૈનાવી દૈએ; શનાભૈની બબુ જોડે, આમ ને આમ શરીર ખુટાડાતું હોશે? કેમ લાગે છે? : આંખો કાઢીને એ એવું જોવા લાગેલો, જાણે ઘોઘર બિલાડો: તું ગુસ્સો ના કર, આ તમારી સોસાયટીનો રમણલાલ, હાડવૅરવારો, તૅંસૅંઠનો થયો, તેવારેય ઑંઢિયો પૈનો! હા, બીજી વાર પૈનેલો છે! ગામડે ગોઠવેલું. વરઘોડો કાઢેલો. લોક હસ્તુ’તું!: ના પણ, તમને મામી, આવી વાત કરતાં શરમ આવવી જોઈએ, શરમ! હા, બિલકુલ! લાજ આવવી જોઈએ: સારું–
એવામાં મંડલીમાં શી યે ગરમી આવી હશે તે ડોસાઓ ચડી-ચડીને બોલવા લાગેલા. હિતુભા ગભરાતા’તા તો ય વિરોધ કરતા’તા. પોતાની દલીલને મજબૂત કરવા વડેરાભા સખ્તાઇભર્યા ચ્હૅરે ઑનેસ્ટી ઑનેસ્ટી બોલતા’તા –સામા બાંકડે એમની લાકડી ઠોકતા’તા: હિતુભા, તમે ભા–ની આર્ગ્યુમૅન્ટ સ્વીકારી લો ને ભઇ, બિલકુલ હાચું તો ક્હૅ છે, અંગ્રેજી બુકનો હવાલો આપે છે –પછી…?: હા–હા, ભલે ભલે, ઍગ્રી છું, ઍગ્રી, બીજી વાત કરો…
–સારું, કાશ્મિર–બાશ્મિર ફરી આવ –મામા બોલેલા. એ એમને જોતો રહી ગયેલો –મામો શાણો થાય છે પણ એને કાં ખબર છે હનિમૂનમાં ગુલમર્ગમાં શું થયલું. કાન્તાડી બધો વખત, મારા મોટાભઇ આમ ને મારા મોટાભઇ તેમ બક્યા કરતી’તી. બોલ્યે રાખતી’તી, ઘર એમનું ભર્યુંભર્યું, જાહોજલાલી, આવરોજાવરો, વગવસીલો. પૂછેલું, અહીં હનિમૂન કરવા આવી છે કે આવો બધો લવારો કરવા. તો ચાવડી થઈને ક્હૅ, ચાલો ત્યારેએ…તમારી ચમેલી પેલી સુશીની વાતો કરીએએ…એટલું બધું તો કંઈ નહૉતું, પણ મૅં કાન્તાને લાફો ચોડી દીધેલો! સાંજે ક્હૅ, નથી ર્હૅવું, ઘેર ચાલો. મૅં કહેલું, હા, ચાલો. વળતી ટ્રેનમાં પાછાં ફરેલાં. કાઆશ્મિર..!
તમે લોકો ભૈસાબ હવે પોતપોતાને ઘરે જાવ તો સારી વાત છે! : ચિડાયેલો ચમ્પ પોતે જ બીજા રૂમમાં ચાલી ગયેલો.
–ઍગ્રી છૉ તો હિતુભા, ઊભા કેમ થઈ ગ્યા…?…
ભલા માણસ, બહુ રસાળ છૉ, હેઠા બેસો : હિતુભા જેવા બેઠા, ચમ્પકલાલ ઊભો થઈ ગયો: ચાલો ત્યારે જઉં આજે, કાલથી ચૉક્કસ આવીશ –
–અરે અરે ચાલ્યો ક્યાં, પૂરી વાત તો સાંભળ!
શી?
જો, આજે છે શનિવાર, દરેક રવિએ અમે લોકો કૉમ્પિટિશન કરીએ છીએ, કાલે પણ થવાની.
કેવી?
એની ખબર અત્યારે ના પડે. પ્હૅલાં તારી જગ્યાએ બેસ. કાલે થવાની એના કન્ડક્ટર રમુભા છે.
મલકાતા રમુભાએ મસ્તક આગળ કર્યું. બેસેલો ચમ્પકલાલ રમુભામાં પ્હૅલી વાર રમણલાલ હાર્ડવેરવાલાને ગોતવા લાગ્યો.
એક મિનિટ બાપા, સૉરી, આમનું આખું નામ રમણલાલ છે ને?
હા, હાર્ડવૅરવાલા.
બરાબર.
એ જે નક્કી કરી આવ્યા હશે એ સ્પર્ધામાં આપણે ઊતરવાનું.
પછી?
પછી ચમ્પુ, જે જીતે તેણે બીજે દા’ડે મંડલીને નાસ્તાપાણી કરાવવાનાં; ઊંધું છે: વડેરાભાએ હસીને ચોખવટ કરી: જોકે બ્હારનું કશું હું નથી ખાતો:
ખરી વાત છે, જુઓ ને, પાણી પણ ઘરનું જ પીવે છે. તે ઘડીએ વડેરાભા પ્લાસ્ટિકની વ્હૅંત જેવડી બૉટલનું જૂનું પાણી અધ્ધરથી પીવા લાગેલા. પિવાઈ ર્હૅ ત્યાંલગી તાલમાં હાલતા એમના હૈડિયાને ચમ્પકલાલે એકીટસે જોયા કર્યો. તે પછી, સારું, ભલે, જઉં –કરતોક ને નીકળી ગયેલો…
રસ્તામાં એને થાય, ન્હૉતું જવું, શું કામ ગયો, નથી જવું. આવા ખખડધજોની મંડલીમાં વાત મૂકી જ શું લેવા? કરવાના શું? કંઈ નહીં!
સામેથી ગોપાલ આવતો જણાયો…છોડ ને… અત્યારે પાછો મને વધારે ભડકાવશે…પૂછવાનો, ક્યાં ગયો’તો. એટલે, પેલો જુવે એ પ્હૅલાં એણે દિશા બદલી નાખી. એના બાપની દાઝ ઓલવવા સોસાયટીમાં નાલાયક એ-નું–એ જ ભરડતો હશે…શું કામ આજે યાદ આવી એ હરામીની વાતો…મારું તો આજે ફરીથી મગજ બગડી ગયું…
આ અમરતબાપો ય…નિયમો ય કેવા બનાવ્યા છે! છ–ના ટકોરે હાજર થવાનું. શાલ ઓઢવાની. લાગું કેવો! મારી પાસે કફની–પાયજામો તો છે જ ક્યાં! સ્મશાને જવા લૅંઘા–ઝભ્ભાની એક જોડ છે, ખાદીની, સફેદ. કાન્તાની ઉત્તરક્રિયામાં એ તો પ્હૅરેલી…ને હવે, આ ખૂસટ લલવાઓની નિયમાવલિ હાચવવા માટે? ના! નથી જોડાવું! ના ઠાકોરજી! મને ભલા, આવી કમત કેમ હુઝાડી…
ઘરે પ્હૉંચીને ચમ્પકલાલે બારીઓના પરદા પાડી દીધા. સાંજનું અંધારું ઘેરાઇ આવ્યું. ખુલ્લું જે જે જણાયું ફટાક્ વાસી દીધું. કાન્તાના બંધ રૂમના તાળાને જોઈને લાઇટ ચાલુ કરી, પણ તરત બંધ કરી દીધી. પોતાના કબાટમાં લૅંઘા–ઝભ્ભાની જોડને ન દેખાય એટલે ઊંડે ખોસી ઘાલી. હૅન્ગરો પરનાં રંગબેરંગી ખમીસ મૂંગા, ઝૂલતાં’તાં. ઉઘાડા કબાટ સામે ખુરશી ખૅંચીને બેઠો. ચ્હૅરાને બન્ને હથેળીઓમાં સાહીને ક્યાંય લગી બેસ્યો રહ્યો.
ત્યાં એને થયું, કોઈને કદ્દી ન ક્હૅવાય એવી વાત મારા અંતરમાં પણ હશે ઍમ કાન્તા જે ક્હૅતી’તી –તે કેમ…શું એણે પણ કશું ધારી લીધું હશે..મને એમ, કશો શક એને પણ હશે…?…એ ઊંચે જોઈ રહ્યો. બબડ્યો –છે મારા અંતરમાં કોઈ ચોરી?…એની જાણ બ્હાર એ ટેવ પ્રમાણેના આંટા મારવા લાગ્યો. બોલ્યો –છે; કહી દઉં; પણ એ તો નથી, મરી ગઈ; કોઈ બીજું છે, જેને ક્હી દઉં…?…જવાબ સાંભળવા ચમ્પલાલ ઊભો રહી ગયો, જાણે પૂતળું. થોડીવારે એને થયું, બીજું છે કે નથી, છોડ ને, શો ફર્ક પડવાનો? છોઓડ..! કબાટ એણે ધડામ્મ્ બંધ કરેલું.
પણ કોઈ અકળ કારણે ચમ્પકલાલ બીજી સાંજે રવિવારે ખાદીનાં પેલાં સફેદ લૅંઘા–ઝભ્ભામાં મેદાને ગયો છે. કાંડા પર કશું શાલ જેવું પણ ઝુલાવેલું છે. જુવે છે તો ત્રિકૉણિયા બાંકડે બધા પોતપોતાની જગ્યાએ બેસી ગયેલા છે. એના પર સૌની સંતોષી નજર ફરતી’તી એ દરમ્યાન પોતાની જગ્યાએ સફાઇથી એ એવો ગોઠવાયો, કે એને થાય –જોઉં તો ખરોઓ, શો ખેલ છે. એને થયું, પોતે પણ કોઈ વડેરો છે, કોઈ ચમ્પુભા! દાંત કાઢીને ઠાવકું હસી આપ્યું ય ખરું.
ત્યાં રમુભા બોલ્યા: ભા. કૉમ્પિટિશન શરૂ કરવાનો આદેશ આપો. બન્ને હાથ ઊંચા કરીને વડેરાભા બોલ્યા, આદેશઅ છે! રમુભા ઊભા થઈ ગયા, બોલ્યા: ભાઈઓ, આપણે બધા સાઠી આસપાસના તો છીએ, એટલે સ્પર્ધાનો વિષય મૅં એવો રાખ્યો છે, કે આપણામાંનું દરેક, પોતાના લગ્ન–જીવનનો સાર, આજ દિન લગીનો સાર, માત્ર સાઠ સૅકન્ડમાં કહી બતાવે…
તમે બાપા…? ચપ્પલાલ પૂછી બેઠો.
હું? હું સ્પર્ધામાં નથી ઊતરતો.
એમ કેમ?
ના રે, ભા-ને સ્પર્ધામાં ના ઉતારાય, વડેરા છે, એ તો કાયમથી જજ હોય છે. એમનું કામ, કોણ જીત્યું એ ક્હૅવાનું. તો, હું મારાથી શરૂ કરું –
મેરા સમય શુરૂ હોતા હૈ… અબ –કરીને રમુભાએ, ને એ પછી વારાફરતી બધાઓએ પોતપોતાના લગ્ન–જીવનનો સાર કહ્યો. બધું જલ્દી જલ્દી પૂરું થયું. જીતની લ્હાયમાં દરેકે ઝટ ઝટ કહી નાખેલું –અડસટ્ટે.
પછી જજમૅન્ટ આવ્યું. કરતારસિં વિજેતા થયા.
–પણ ચમ્પક્લાલ કૉમ્પિટિશન બહુ ખરાબ રીતે હાર્યો. કેમકે સાઠને બદલે એણે સૉ સૅકન્ડ લીધેલી. કેમકે કાન્તા કેવી રીતે મરી તેનું ટૂંકું બયાન કરવામાં ગલવાઈ ગયેલો. કેમકે કાન્તા એવી કેમ કરીને થઈ ગઈ એ બતાવવા જતાં એકવાર વચમાં ‘હનીજો’ બોલાઈ ગયેલું, એક વાર, ‘સુશી’. એટલે પછી એ ચૂપ થઈ ગયેલો. સામે બેઠેલા હિતુભાની ટાલ પાછળના આકાશમાં જોયા કરેલું: કોઈ બોલેલું ય ખરું –પછી? પછી શું? પણ એનું મૉં ખૂલેલું નહીં.
જજમૅન્ટ સાંભળી નીચું ઘાલી ગયેલો ચમ્પકલાલ ઝટઝટ નીકળી રહ્યો’તો, ત્યારે એને લાગ્યું, એના ખભે કોઈએ હાથ મૂક્યો છે –જોયું તો વડેરાભા.
ચશ્માંમાંથી એમની આંખો મોટી મોટી દેખાતી’તી, એકના ખૂણામાં ચીપડા જેવું હતું. બોલ્યા: ભઇ ચમ્પુ, જીવનમાં આટલો બધો દુખી શું કામ થાય છે…અટવાય છે શું કામ…પછી કાનમાં મૉં નાખીને વહાલથી બોલ્યા –એમનું મૉં ગંધાતું’તું— તારું, આપણા આ રમુભા જેવું, ગોઠવી દઉં? છે એક : ચમ્પકલાલે વડેરાભા સામે ચકિત નજરે જોયું ન જોયું, કદાચ એનાથી કઢંગું હસી પડાત, પણ એ પ્હૅલાં અંદરથી એનો ક્રોધ ઊછળ્યો, તરત, બન્ને પંજાના બાચકા બતાવી વાંદર કરે એવું વિકરાળ દાંતિયું કર્યું –મૉંમાં પેલી ગાળ આવેલી, પણ ઝટકાથી બાજુમાં થૂંકી કાઢી, અને, બીજાઓ કંઈ સમજે-કરે એ પ્હૅલાં તો અંધાધૂંધ રવાના થઈ ગયો –મોટી ફલાંગો ભરતો’તો…
ઘરે પ્હૉંચીને પાણી પીધેલું. પછી ક્યાંય લગી એણે સોફામાં લંબાવી લીધેલું.
રાત પડવામાં હતી. લૅંઘા પરની ઇસ્ત્રીની ગડ એમ જ હતી, ધારદાર. ઝભ્ભાની એણે બાંયો વાળી લીધી –કંઈ કરતાં વાત ભુલાય છે. પણ દૂર કાન્તા દેખાવા લાગેલી –અપલક આંખોથી મશ્કરીમાં જોતી’તી. ચમ્પકલાલ સામે અંતરની એ વાત, ચોરી, ધીમેધીમે ઊપડેલી ને પછી હવામાં હલકાં ચામોદિયાં કરતી નાચવા લાગેલી. કોઈ નખરું કાન્તાને ય પકડવા દોડી જતું’તું, કાન્તામાં ભેરવાતું’તું, પણ છટકીને તરત પાછું ફરતું’તું.
લમણે અંગૂઠો દાબીને મનના એ ગૂંચવણિયા નાચને ચમ્પકલાલ જોઈ રહેલો. પણ પછી ઝડપમાં ઊઠેલો.
એ બધાંને ભગાડી મૂકવા દોડીને એણે એક પછી એક બધી લાઇટો ઑન કરી મૂકેલી. પાછો સોફામાં પડી રહેલો. પાંપણો પલપલ થતી’તી. એને ક્યાંય લગી થયા કરેલું પોતે રાત, દિવસ અને રાત–ની એક લાંબી ઊંઘ લઈ શકે તો કેવું સારું…
આગળ શું થયું, કોણ જાણે. એટલું સાંભળ્યું છે કે વડેરાભાની મંડલીમાં ચમ્પકલાલ તરતમાં તો નહીં ગયેલો, પણ મહીના પછી કાયમ માટે જતો થઈ ગયેલો…!
એણે કાનપટ્ટી પકડીને ઘણું ઝૂકીને માફી માગેલી.
અદબ વાળીને કડક ઊભેલા વડેરાભાએ હોઠ મલકાવીને આપેલી પણ ખરી…!
માણસ પોતાની જાત પાસે તો કશું પણ છુપાવી શકે નહીં. પણ આસપાસની વ્યક્તિઓથી, બલકે, નજીકમાં નજીક જે વ્યક્તિ હોય તેનાથી જરૂર છુપાવી શકે. એમાં પણ કોઈ એક વાત તો એવી હોય કે ચાહીને છુપાવે, સંકલ્પપૂર્વક, બળપૂર્વક –જેને ચોરી ક્હૅવાય.
મને થયું. માણસને વિશેનું આ સનાતન અને નર્યું શુદ્ધ સત્ય છે.
વાર્તાનું શીર્ષક, એ અર્થમાં, ‘ચોરી’ રાખ્યું છે.
‘સુજોસાફો’-ના સાયલા મુકામે યોજાયેલા વાર્તાશિબિરમાં રજૂ કરેલી. સાંભળીને બધાં, છાતીએ, કોઈ કોઈ તો હૃદય પર, હાથ રાખીને ક્હૅ, આ તો સુમનભાઇ, બિલકુલ સાચી વાત છે…
બાંકડે બેસીને મોજમાં શેષ જીવનયાપન કરતા ડોસાઓ મને ગમે છે.
અને એટલે, એઓની વાસ્તવિકતાઓની શોધ કરવામાં મારી સર્જકતાને જરૂર રસ પડે –પડ્યો, ને આ રચના થઈ.
એ વડેરાભાને હું અંગતપણે જાણું છું…