સુમન શાહની વાર્તાસૃષ્ટિ/એ અને ટૅરિટોરિયલ બર્ડ્ઝ…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એ અને ટૅરિટોરિયલ બર્ડ્ઝ…|}} {{Poem2Open}} પછી તો એ, અમદાવાદથી અમેરિ...")
(No difference)

Revision as of 10:41, 21 April 2022

એ અને ટૅરિટોરિયલ બર્ડ્ઝ…


પછી તો એ, અમદાવાદથી અમેરિકા ઊપડી ગયો. શિકાગો પાસેની એક કાઉન્ટીમાં. મોટીબેને બોલાવી લીધો. બેન સિન્ગલ છે. બનેવીલાલને નરોડા પાટિયા વખતે મારી નંખાયેલા. એ પણ હવે સિન્ગલ છે. ૨૦૦૮ના મુમ્બઇ ઍટેક્સ વખતે એની પત્ની રેખાને ગંદી રીતે ધક્કે ચડાવીને કચડી નંખાયેલી. જોકે સમયે પોતાનું કામ કરેલું. બન્ને હત્યાઓને એ યાદ કરે તો જ યાદ આવે. પણ ત્યારે દુખાવો ઊપડે, ન વેઠાય એવો ઊપડે; બાકી, કંઈ નહીં, રામ રામ…

ભાઇ, સારું છે કે તું હાલમાં આવ્યો. સ્નોયિ વિન્ટર ને એની પાછળની સો-કૉલ્ડ સ્પ્રિન્ગ હમણાં જ ગઇ: અત્યારે શું છે?: ઍડવાન્સિન્ગ સમર, ઓછ્છાંમાં ઓછાં કપડાં પ્હૅરવાનો સમય: લાગે છે, અમેરિકાનું તું ઠીક ઠીક જાણી બેઠી છું: ભઇલા, છૂટકો થોડો હતો મારો…જો સાંભળ, આપણે બન્નેવ જણાંએ એ ગોઝારી યાદોમાં નથી રઝળવાનું. સાંજે સાંજે તું પાર્કમાં જજે, તને બતાવી દઈશ. હું તો, વરસો વીત્યાં, બિલકુલ ઍટ ઇઝ ને સિક્યૉર થઈ ગઈ છું: તારા ફોનો પરથી જ લાગતું કે તું કેટલી હૅપિ છું: લાઇબ્રેરીઅન ખરી કે નહીં ? હૅપિ તું પણ થઈ જા. તને એ માટે તો બોલાવ્યો છે; બસ, માણ જીવનને. એક ખાસ વાત પણ છે: શી?: થોડા દા’ડે કહીશ…

અત્યારે પાર્કની વાત કરું. નામ છે, નૉર્થટ્રેઇલ પાર્ક. બહુ મોટો છે, બહુ જ. ચાલતાં જવાય છે. પ્હૉંચતાં ખાલી દસ મિનિટ થાય. તને ગમવા માંડશે: એટલો મોટો તે કેટલોક વળી?: બહુ જ! બે જાણીતા રોડની વચ્ચેમાં છે. આપણા અમદાવાદના રીચી ને રીલીફ બન્ને રોડ વચ્ચે એક નહીં પણ બાર-પંદર રતનપોળોને સીધી પાથરી દીધી હોય એટલો ગંજાવર એનો એરિયા છે: લોક બહુ આવતું હશે: ના; માંડ પચ્ચા જણાં હોય! આ દેશને ફાયદો તો એ છે! ચાલવા માટેનો ટ્રેઇલ -ટ્રૅકને આ લોકો ટ્રેઇલ ક્હૅ- આસ્ફાલ્ટનો તો શું, જાણે કાળા કરકરા આરસનો લાગે. એનું એક ચક્કર –ચક્કરને લૂપ ક્હૅ- એક લૂપ પૂરું કરતાં પચાસ મિનિટ થાય: આટલું બધું સરસ? તો તો ચાલો આજથી જ!: ખરેખર જવું છે?: હા, ખરેખર: તો હૅંડ, શરૂ કરીએ!

અને, ભાઈ-બેન નીકળ્યાં…

જો, આપણે દાખલ થઈ ગયાં; રોડ પૂરો થયો.

પેલી છે પાર્કિન્ગની જગ્યા. ને આ છે થાક ઉતારવા માટેનો શેડ.

હું કંઈ રોજ ના આવું, કદીક, કેમકે સાંજે સાંજે મારે અમેરિકન છોકરાંને યોગા શીખવવાના હોય. બેસું પાંચ મિનિટ. સરસ છે કે નહીં?: એકદમ જ! બૅન્ચો બહુ મજબૂત છે: નાની પાર્ટીઓ થાય. સામેનો કિડ્ઝ-એરિયા, બાળકો માટે -લપસણી, ઝૂલા: દેખાય છે ને, ગોરી ગોરી માતાઓ ને સોનેરી સોનેરી ભૂલકાં: ઇન્ડિયનો, સાઉથ ઇન્ડિયનો ય જોવાશે, ચીની-જપાની ને મોરક્કન પણ જોઈશ. ખાસ તો અમેરિકન બાઈઓને એમનાં કૂતરાં ફરાવતી જોઈશ. નીચે આ તળાવ જે દેખાય છે, તને કહું, સાવ નેચરલ લેઇક છે: પેલાં શું કરે છે –ફિશિન્ગ?: હા; પણ સ્વિમિન્ગની મનાઇ છે.

દૂર પેલે જો, લાકડાનો નાનો બ્રિજ છે. નીચેથી સુક્કો વ્હૅળો જાય છે.

બધું ચાલતાં ચાલતાં જ બતાવું.

પેલે જો, ડસ્ટબિન ને નૅપિ-બૉક્સ, કૂતરાં-બિલાડાંની છી: વાળી લેવા માટેની વ્યવસ્થા. ઠેકઠેકાણે છે. પેલે છે ટૅનિસ કૉર્ટ, બાજુમાં બેઝ-બૉલ, એમાં ક્યારેક બાંગ્લા દેશીઓ કે શ્રીલન્કનો ક્રિકેટ રમતા જોવાય –

પાકિસ્તાની ?

ડોન્ટ ટૉક! આઇ ડૉન્ટ નો!

એક-બે સૅકન્ડ માટે બન્નેથી કશું બોલાયું નહીં.

બેના, કહું તને, રોજે રોજ આવતો થઈશ ને એટલે જાતે ને જાતે, બઅધ્ધું સમજી લઈશ: અને એ હસીને બોલ્યો, અત્યારે મને તું ટૂરિસ્ટ ગાઇડ લાગું છું!: એ ય હસી, ને બોલી, ખરી વાત છે; વિશ, આઇ કૂડ ગાઇડ -બાકી, જીવનની આ ટૂરમાં કોણ કોને ગાઇડ કરી શક્યું છે ભાઈ મારા…ભલે, જેમ તને ગમે…

પછી એ મૂંગી મૂંગી ચાલતી રહી, સામેથી કોઈ ‘હાય’ ક્હૅતું મળે તો એ માત્ર હાથ ઊંચો કરતી રહી. અને એ, ટ્રૅક દોરે તેમ દોરવાતો રહ્યો. એને થયું, ક્યાંય કશો કચરો તો છે જ નહીં -ચાલતાં કદીક કંટાળો આવે, તો કાં તો ટ્રૅકની પથારી કરાય કે ચોપાસની લૉન પર આળોટી લેવાય. ધૂળ તો ક્યાંય છે જ નહીં. વૃક્ષો પંખીઓ દૂર ઊભેલાં સુઘડ હાઉસિસના પડછાયા સામા છેડાના રોડ પર સનસન દોડતી કારો ને સૂરજને સૉડમાં લેવા કરતી આસ્તેથી ઢળતી ખુલ્લી રૂપાળી સાંજ.

એણે ઊંચે જોયું તો આકાશનો ગુમ્બજ ઘણો નીચે લાગ્યો પણ કદાચ એટલે જ એને ભાન પડ્યું કે બેના તો ક્યારની કંઈ બોલી જ ન્હૉતી: અરે બેના! શું થયું? સીરિયસ કેમ?: ના રે: આપણે પાછા ફરવું છે?: હા, મૂડ ઊડી ગયો, નીકળીએ થોડી વારમાં: ચૉક્કસ…

આમ કરતાં, અમેરિકન કાઉન્ટીના જીવનમાં મોટીબેન જોડે એ ધારવા કરતાં જલ્દીથી રાગે પડી ગયેલો.

પાર્કમાં એકલો ગયો એ પહેલે જ દિવસે એક જણો નર્યા સફેદ શર્ટમાં બૅન્ચ પર હતો પણ નીચે લીલી લૂંગી દેખાયેલી. એને થયું, વધારે નથી જોવું. પણ પેલો કશી વાર વગર બોલ્યો: ઇન્ડિયન?: હા ક્હૅવા એણે ડોકું નીચું કરી ઊંચે લીધું: આઇ કન્ન..ડ: કૅનેડિયન?: નો, કન્ન..ડ, કન્નાટકઅ: ઓ, નાઇસ, બાય: એક વાર કારમાંથી એક બુરખાવાળી નીકળેલી. ચ્હૅરો ઉઘાડો કરતી’તી ત્યાં એની બેબી બોલી, સલામ આલેકુમ્. એનાથી વાલેકુમ્ સલામ્ બોલી જવાયેલું. જોકે આવું તેવું થાય એટલે એને બનેવીલાલ યાદ આવે, રેખા યાદ આવે. ઘરે પણ વારે વારે હત્યાનાં એ જૂનાં દૃશ્યોમાં મન અથડાયા કરે. ને એટલે, એથી ઊભી થતી એકલતા, ઘણું સતાવે…

તો પણ પાર્કમાં તો જાય, બધાંને મૂંગે મોઢે જોયા કરે. કોઈની જોડે વાત ન કરે. ટ્રૅકની સરફેસ તપાસતો ઊંધું ઘાલીને ચાલ્યા કરે. તો વળી, વૃક્ષોને ઓળખવા કરે: ક્રિસ્ટમસ. વીપિન્ગ વિલો. દરેક એના ખાસ આકારમાં છે -કોઈ, નારિયેળના ઘાટનું; કોઈ, હથેળીઓની અંજલિ; કોઈ, લૉલી-પૉપ જેવું. એને ઘણી વાર થાય, ઘેર નથી જવું, મૉડી રાત લગી બેસ્યો રહું. રાતે આ નીચું સફેદ-ભૂરું આકાશ કાળું ને તારાભર્યું તગતગતું હશે -એણે ઊંચી ડોકે તાકેલું, સાંજનો ઝાંખો ચન્દ્રમા દેખાયેલો- રેખા કેટલી બધી ખુશ થઈ જાત, જો હોત તો. ચન્દ્રને બાચકો ભરવા કૂદકો મારત. એવા બધા વિચારે એને સારું તો લાગે, દુખે પણ ખરું…

જોકે એમ કરતાં કરતાં એકલતા એને ગમવા લાગેલી. બધાં જોડે બોલતો થયેલો.

દરેકના ડૉગ માટે ક્હૅ, ઇટ્‘સ નાઇસ! પૂછે, હાઉ ઓલ્ડ. વિચ સ્પીશિઝ? બૉય? જણાવે, આઈ ગેસ યુ સ્પીક ફ્રૅન્ચ, વ્હૅર આર્યુ ફ્રૉમ? જવાબ મળે, રૂમાનિયા. કોઇ વાર, ઇન્ડોનેશિયા એવો ય જવાબ મળે. પક્ષીઓમાં મન પરોવે. દિવસે દિવસે ખબર પડી કે એક તો નાના કાગડા જેવું છે, પણ ડોક એની મોરના જેવી ભૂરી ઝાંયવાળી છે. એક, લાગે કાબર, પણ એની જેમ ક્રૅં ક્રૅં ના કરે, વગર અવાજે કૂદ્યા કરે. એક, બુલબુલ જેવું બદામી પણ પાંખો પર એ જ રંગનાં ઘેરાં છાંટણાં. એક, કાળું ડુમ્મ, ઊડતું’તું, કોઈ છોકરી એના દોસ્તને ક્હૅતી’તી -લૂક લૂક, ઇટ્‘સ અ ટૅરિટોરિયલ બ્લૅકબર્ડ. એણે ય લૂક કરેલું. બન્ને પાંખો પર લોહીના જેવા લાલ રંગનાં બોર બોર જેવડાં ટપકાં દેખાયેલાં. કુદરતી. એક વાર ટ્રૅકનો એક વળાંક એને ગમતીલા નીચાણમાં દોરતો લાગ્યો, ત્યાં ઘણાં બ્લૅકબર્ડ્ઝની બેફામ ઉડાઉડ જોવાઈ, બાજુમાં કોતર, ને ન ઓળખાતી ઝાડી. વળાંક પાસે નાનું બૉર્ડ મારેલું. એ વાંચી શકેલો નહીં, કેમકે વાંચવાનાં ચશ્માં લાવેલો નહીં. એ, એ નીચાણમાં ન ગયો, ફંટાઇ ગયો, બબડ્યો, બેનાને પૂછી લઈશ…

એક વાર એવું બન્યું કે સામેથી એક કૂતરાવાળી અમેરિકન યુવતી આવતી’તી. ટ્રૅક પર બન્નેના લાંબા પડછાયા પડતા’તા. પાછળ સૂરજ આથમવા જતો હશે. શૉર્ટ અને ટીશર્ટમાં હતી. ટીશર્ટ નેવી બ્લુ ને શૉર્ટ સેફાયર કલરની. લાઇટ બ્લૉન્ડ હૅઅર ચળકતા’તા. નજર મળતાં લીશ્શ ખૅંચતાં એ હસી, હાય બોલી. એ બોલ્યો, હાય, ને, નાઇસ ડૉગી ક્હૅતો, નીચો વળી ચપટી વગાડતો કૂતરાને પટાવવા લાગ્યો: મે આઇ ટચ?: ઓ ય્યા, હી ઇઝ ફ્રૅન્ડલિ: એ એને મૉંએથી પૂંછડી લગી પંપાળતો રહ્યો: વ્હૉટ્‘સ ધ નેમ?: ગુન્થર: ગુન્થર -જર્મન નેમ: ઓય્યા -કહીને એ ચાલવા લાગી પણ બોલી, પ્લીઝ, ઍન્જોય યૉર વૉકિન્ગ, સી યુ: એ કશું બોલી શકેલો નહીં કેમકે એના ધ્યાનમાં આવેલું –ખૂબ દેખાવડી છે, ગાલે ખંજન પડે છે.

બીજે દિવસે મળી કે તરત એણે કહ્યું પણ ખરું, ગુન્થર નાઇસ, ધિસિસ ઑલ્સો નાઇસ -એની આંગળી પ્હૉંચી ગયેલી. એટલે પેલીએ પૂછ્યું: વ્હૉટ?: ખંજન: વ્હૉટ?: ધિસ -ડિમ્પલ.

એ ખુશ થઈને સંતોષથી હસી એટલે ખંજન વધારે ઊંડાં થયેલાં: મે આઇ નો યૉર ગુડ નેમ મૅમ?: રૅજાઇના. આર ઇ જી આઇ ઍન એ. યૉર્સ?: મનીષ શાહ, ઇન્ડિયન: એણે શેકહૅન્ડ માટે હાથ લંબાવેલો, પેલીએ લીશ્શને ડાબા હાથમાં બદલીને જમણો હાથ આપેલો રાખીને પૂછેલું: આર્યુ મોસ્લિમ?: નો, આયેમ નૉટ: એનો હાથ છૂટી ગયેલો: સમ શાહઝ આર: હાઉ કમ?: ધૅર ફોરફાધર્સ વૅઅર બાદ-શાહઝ: બાદશાહઝ?: કિન્ગ્સ, મોનાર્ક્સ: આફ્ટર પાર્ટિશન -: વ્હૉટ આફ્ટર પાર્ટિશન?: વી હિન્દુ-મુસ્લિમ્સ આર ડૅસ્પરેટ ઍનિમીઝ: ઓ યા…પિટી. વ્હૉટ અબાઉટ ટૅરરિસ્ટ ઍક્ટિવિટી ઇન ઇન્ડિયા, કન્ટ્રોલ્ડ?: લિટલ્ બિટ: એ આગળ ન બોલ્યો એટલે એ પણ ન બોલી. થોડી વારે, સૉરી, ઓકે, સી યુ ટુમૉરો કહીને ચાલતી થઈ.

પાછા ફરતાં આખા રસ્તે એને થયા કર્યું, લોકો કેવાં સરળ છે, સાલસ, બાઇમાણસ થઈને કેટલી તો ફ્રી ને ઇમ્ફૉર્મલ છે, કેટલી તો નિસબત. કહીશ બેનાને.

જોકે બેનાને એણે લોકો કેવાં સરળ ને સાલસ છે એટલું જ કહેલું, બાકીનું ગુપચાવી ગયેલો -કેમકે બરાબર ત્યારે જ એને ચિન્તા થઈ આવેલી કે થોડા દા’ડા પછી બેના પેલી એવી તે કઈ ખાસ વાત કરવાની હશે…અત્યારે જ પૂછી લઉં. એણે તરત પૂછ્યું.

એવી કોઈ વાત નથી ભાઈ, વાત એમ છે કે, એક વાર હું પાર્કની બૅન્ચ પર બેઠી’તી, ને લેઇક સાઇડે મેં એક જુવાનજોધ છોકરીને જોઈ…

એણે માત્ર ચાર વસ્તુ પ્હૅરેલી -પગમાં સ્લીપર. ગોગલ્સ. બ્રા ને અર્ધા વ્હૅંતની ત્રિકોણિયા ચડ્ડી!: પછી: પછી તો શું, પણ એ શેડમાં આવેલી ને મને હાય કહેલું.

હું એની સુડોળ ગુલાબી કાયાને પાની લગી તાક્યા કરતી’તી એટલે એણે મને ‘નાઇસ વેધર’ કહેલું ને સામી બૅન્ચે બેસીને સિગારેટ પીવા લાગેલી.

બેના, એ કદાચ બિકિનીમાં હતી. એમાં શું!

હા પણ નૉર્થટ્રેઇલ પાર્કમાં એના માટે કયો દરિયો ઊછળે છે?

એ જે હોય એ, બાકી આમાં ખાસ ને મને ક્હૅવા જેવી ખાસ વાત શું છે એ મને નથી સમજાતું!

સમજવાનું કંઈ નથી, એટલું જ કે આ દેશમાં આવું બધું સામાન્ય છે, નૉર્મલ, હમેશાં હોય છે.

તેની મને શું નથી ખબર? હું અબુધ છું? તારે બેના, કંઇ જુદું ક્હૅવું લાગે છે –

તો સાંભળ, તને મારે પરણાવી દેવો છે, ઇન્ડિયાથી એ માટે બોલાવ્યો છે, માગું આવ્યું છે, ગુજરાતી છે. એ ય તારા-મારા જેવી સિન્ગલ છે. પૈણીને ત્રીજે જ મહિને રાંડી, વર હાર્ટફેલમાં મરી ગયો, હ્યુસ્ટનમાં. હાલ એની મા પાસે ઇન્ડિયા ગઈ છે, અમદાવાદ. રીટર્નમાં, મા એની જોડે આવશે. પછી તને બતાડવા લઈ આવશે, અહીં, આપણા ઘરે, છવ્વીસ તારીખે. તારું ગોઠવૈ જાય તો સોમ નાહ્યાં –પાછી એ સિટીઝન છે એટલે કૌ છું.

મોટીબેનને એક્કી શ્વાસે બધું બોલતી એ જોતો’તો ખરો, પણ એનું કશું સાંભળતો ન્હૉતો

–કેમકે એ પળોમાં એ મુમ્બઇ ઍટેક્સ વખતની રેખાની દુર્ઘટનામાં ખોવાઈ ગયેલો…

રેખા અને પોતે ગેટ-વે ઓવ ઇન્ડિયા પાસે ઊભાં’તાં; વરની સાથે મુમ્બઇ મ્હાલવા પોતે પ્હૅલી વાર નીકળેલી તે, તે દિવસે એણે સલવાર પર પઠાણી ખમીસ ઠઠાડેલું; દૂરબિન વડે તાજ હોટેલની સ્કાયલાઇનને અમસ્તાં જોતી’તી. ત્યાં તો, પાછળથી એક ટોળું ધસમસાટ ઊમટેલું, બે-ત્રણ નાલાયકોએ રેખાને બદઇરાદે બાથમાં લીધેલી, પણ પાછળવાળાઓની દોડાદોડી ને ધક્કામુક્કીમાં છેલ્લે કશું દેખાયેલું નહીં. પોતે જોશથી પાછળ પડેલો, પણ તો ય, તો ય, મૉડું એટલે, સાવ જ મૉડું થઈ ગયેલું…રેખાનો લોકોના પગોથી કચડાયેલો દેહ ને હાથમાં લબડી પડેલું દૂરબિન…

એનાથી આંખો મીંચાઈ ગઈ અને બંધ આંખોએ જ મોટીબેનને એણે કહી દીધું -સારું, ભલે, જોઈશું. નામ શું છે એનું?: સુનયના. સારું નામ છે, નહીં?: હા, સારું છે…

અને કોઈ સસ્તી ફિલમમાં બને એવું એના બારામાં પણ બન્યું:

છવ્વીસ તારીખ આવી ગઈ. સુનયનાને લઈને એની મા અને જોડે કોઈ બીજું એને બતાડવાને આવેલાં, એ બધું થયું. એ લોકો જણાવશું કહીને ગયાં એટલે મોટીબેને પણ એમ જ કહ્યું કે અમે ય જણાવશું, એ પણ થયું. સુનયના તને કેવી લાગી એમ બેનાએ પૂછ્યું ત્યારે એણે મૂંગી નજરે નાનું માત્ર સ્મિત કરવાનું કર્યું, એ પણ થયું. બેના ખિજાઇને ક્હૅવા જતી’તી કે તારા આ મૂંગારાને કેમની રીતે સમજું ભઇલા -ત્યાં ફોન રણકેલો, પેલી સાઇડેથી, એમ જણાવવા કે તમારા ભાઈની સરખામણીમાં અમારી સુનયના હજી નાની છે જેથી અમારો, અત્યારે વિચાર નથી. એ પણ થયું…

એ વિચાર્યા કરતો’તો -મોટીબેન તરીકે બેના મને અમેરિકામાં સૅટલ કરવા ધારે છે, પણ હું ય કરું તો શું કરું? કોણ સુનયના…! ને શાને સુનયના…! સૅટલ થવું…મૅરેજ…બધું એવું સીધું સરળ થોડું હોય છે! સરળ તો આ છે, નૉર્થટ્રેઇલ પાર્કનું વૉકિન્ગ. કેવું તો એકસૂર છે…

ખરી વાત છે, જેમકે, પાર્કથી પાછો ફરતાં ઘરની સ્ટ્રીટના વૉક-વે પર એ ચાલતો થાય કે ત્રીજા ઘરે વરન્ડાની બૅન્ચ પર એ-નો-એ બુઢ્ઢો ક્રોએશિયન એનાથી રોજ્જે જોવાય. રાસિમ નામ છે, સિગારેટ ફૂંકતો હોય. એને જોતાં જ મૉંમાંથી સિગારેટ બ્હાર કાઢી હૅલો બોલે, ને તરત, સિગારેટને ગોઠવી દે બે હોઠ વચ્ચે -હતી ત્યાં! બેના આગળ એ બોલેલો પણ ખરો -આપણા આ પડોશીના દેખાવથી મને લાગે છે બેના, કે એની જોડે ચેસ ટૅસથી રમી શકાય. પૂછીશ એક દિવસ, એમ પણ પૂછીશ, કઈ બ્રાન્ડ પીઓ છો. લઈ આવીશ એના માટે પાંન્સોપંચાવન. પણ એ પૂછી શકેલો નહીં, કેમકે મોટે ભાગે પેલાની સ્ત્રી ડોકાતી ને મસ્તક ઉલાળીને બોલ્યા વગરનું હૅલો મોકલતી.

આજે હજી ઘરેથી નીકળ્યો’તો, પાર્કથી પાછો ન્હૉતો ફર્યો, તો ય કલ્પનામાં એ આખ્ખું એ જ પ્રમાણે ભજવાયું. જોકે એને એણે ઝટ ઝંઝેડી નાખ્યું કેમકે મગજ એનું બગડી ગયેલું કેમકે સુનયનાવાળાઓની ના-થી એ ચિડાયેલો કેમકે ઉચાટમાં હતો કેમકે ઘણા દિવસથી રૅજાઇના જણાઇ ન્હૉતી કેમકે કેટલાય વખતથી એને એને મળવાની જે ચટપટી ઊપડેલી તે શમાવી શમતી ન્હૉતી…

પાર્કમાં પૅસતાં ચોપાસ નજરને એણે ઝડપી કૅમેરાની જેમ ઘુમાવી. એ ન દેખાઇ. પણ જેવો એ શેડ ભણી વળ્યો, તો શું જોયું? એ જ ઊભી’તી, બૅન્ચને અઢેલીને. એનું આજનું ટીશર્ટ ઑરેન્જ હતું ને શૉર્ટ વ્હાઇટિશ. એ લગભગ દોડ્યો -એવી ફડક સાથે કે કંઈ નહીં કંઈ નહીં ને રૅજાઇના આજે આમ શેડમાં કેમ છે…

એને એમ હતું કે એ એને, ડીયર, વ્હૅર વેર યુ, એમ ક્હૅશે, પણ એકલું આ બોલ્યો:

રૅજાઇના, વ્હૅર વેર યુ?

બિઝનેસ ટૂર, સ્પેઇન: મૅડ્રિડ?: નો, બાર્સેલોના: આ મિસ્ડ્ યુ: ઓયા, અન્ડરસ્ટેન્ડ: આર્યુ ઓકે ?: અયયા, બટ નાવાડેઝ આઈ મિસ માય મૉમ. સેકન્ડ, ગુન્થર ઇઝ નૉટ વૅલ -સી, હાઉ હી લૂક્સ: એ બૅન્ચ પર બેસી ગઈ, ગુન્થર પણ ભૉંયે બેસી પડ્યો.

બૅન્ચના બીજા છેડે બેસતાં એ બોલ્યો, ઍનીથિન્ગ એલ્સ?: નો નથિન્ગ.

બન્નેની વચ્ચે થઈને એક મૌન પવન ભેગું દોડતું’તું. રૅજાઇનાની લટો ઊડતી’તી. એને થયું એ ખરેખર આકર્ષક છે.

મૉમ વૉઝ અ જ્યુ. શી વૉઝ કીલ્ડ બાય જર્મન સોલ્જર્સ ઑન ધ ઇવ ઓવ બર્લિન વૉલ ફૉલ. મૅની અધર્સ આલ્સો.

વૅરી સૅડ.

ઇટો’ઝ અ ક્લીયર-કટ લૉ-બ્રેકિન્ગ.

ઓ!

ધૅન, અ કૉર્ટ કેસ. બટ, યુ સી, બીકોઝ ઓવ હિઝ જર્મન બ્લડ, માય ફાધર રીમેઇન્ડ રૅટિસન્ટ!

રૅટિસન્ટ?

અન્વિલિન્ગ ટુ રીવિલ ઑલ ધ ફૅક્ટ્સ.

ઓઅ! વૅરી સૅડ. ઇટ વૉઝ નાઇન્ટીન એઇટી નાઇન. રાઇટ ?

રાઇટ.

રૅજાઇના ક્યાંય લગી ચૂપ રહી, એ એને જોતો રહ્યો: ગુન્થર તરફ આંગળી કરીને એ બોલી:

આઇ લવ ધિસ ઍનિમલ ધો આઇ હેટ હિઝ નેમ.

હાઉ કમ?

બીકોઝ આઇ લવ્ડ્ માય જ્યુ મૉમ ઍન્ડ સ્ટીલ હેટ માય જર્મન ફાધર!

રૅજાઇનાએ વધારે કહ્યું તેનો સાર એ કે બાપ યાદ આવે ત્યારે એ ગુન્થરને હેટ કરે છે -જીભ કાઢીને ડોળા ફાડી ફાડીને બીવરાવે છે. ગુન્થરે મૉંમાં ઘાલીને પાછો લાવી આપવાનો રબર-બૉલ મોકલાય એટલો દૂર ફૅંકીને ઉપરાછાપરીના દૉટા કરાવે છે, એને જબ્બરનો લદાવે છે. ને મા યાદ આવે ત્યારે પટાવી લે છે, મીઠા મીઠા બુચકારા કરીને.

રૅજાઇનાની વાતને સમજવા કરતો’તો ત્યારે એના મનમાં જ્યુ-જર્મન અને હિન્દુ-મુસ્લિમ-નાં જોડકાં અહીંતહીં કૂદકૂદા કરતાં’તાં -પેલી કાબરોની જેમ, અવાજ વગર…

નરોડા પાટિયા-ની ભાગંભાગમાં બનેવીલાલના અંગૂઠાનો નખ ઊખડી ગયેલો, ચમ્પલ લોહીભીની થઈ ગયેલી, કેમકે, એ તો એમના ભૈબન્ધ અબ્દુલને બચાવવા દોડેલા. જોકે એટલે જ એ લોકોએ એમને સાઇકલની ચેઇનો મારી મારીને મારી નાખેલા…

એને થાય, પાર્ટિશન કે વૉલ તો સાલી માણસોનાં મગજમાં છે; કોણ તોડી શકે? એવર અન્બીટેબલ.

–મૅન, ડુ યુ નો, ઍટ ધૅટ જન્કચર, આઇ વૉઝ ઓન્લિ સેવન!

એણે જોયું કે બોલતાં બોલતાં રૅજાઇના હસી પડેલી. ક્હૅતી’તી, બાપને છોડીને પોતે કેવી ટ્રિક્સથી અમેરિકા ભાગી આવી -વર્થલેસ ટુ ટૉક અબાઉટ…

આ એ ઘડી હતી જ્યારે એ પૂછી શક્યો હોત, રૅજાઇના હાલ તું કોની સાથે રહે છે. પૂછી શક્યો હોત, આર્યુ સિન્ગલ. આર્યુ મૅરીડ. એને બદલે એણે પૂછ્યું, આર્યુ સ્કૉર્પિયન. એને બદલે એણે પૂછ્યું, વૉટ્સ યૉર ઓપિનિયન અબાઉટ ઓબામાઝ ફ્યુચર.

છેવટે ગુન્થરને ધીરેથી ચાલતો કરીને એ ગઈ ત્યારે ક્હૅતી ગઈ, આઇ લવ્ડ્ ચૅટિન્ગ વિથ યુ મનીષ, સો મચ, સી યુ ટુમૉરો.

પણ એ ટુમૉરો ક્યારેય આવ્યો નહીં. રૅજાઇના સી યુ કહીને ગઈ તે ગઈ. કેમ આવતી નથી? ક્યાં ગઇ? કાયમ માટે જતી રહી? એવા તો એને ભાતભાતના સવાલો થયા. એવા ય ખરા, જેના જવાબો હોય જ નહીં. એના મનમાં વ્હૉટ્સ-અપ, વ્હૅર આર્યુ, ટેલ મી વ્હૉટ્સ યૉર પ્રોબલમ જેવા લ્હૅકા ફૂટી ફૂટીને કરમાઈ ગયા. ઇ-મેઇલ આઇડી કે સેલફોન-નમ્બર માગવા જેવી ઘડી લગી પણ ન પ્હૉંચાયું. એને અફસોસ થયો. પણ નૉર્થટ્રેઇલ પાર્ક એ-નો-એ જ રહ્યો. કશી આશા ન્હૉતી છતાં એણે જવાનું ચાલુ રાખ્યું.

હવે વૉક ન્હૉતો લેતો.

શેડમાં બૅન્ચ પર બેસી રહૅતો. મોટે ભાગે રૅજાઇનાવાળી બૅન્ચ પર, એ બેઠેલી એ જ જગ્યા પર.

એક વાર શેડમાં એણે સુઝુકિ બાઇક જોયું, એકદમ નૉખું, કેમકે એણે પહેલી વાર જોયું. ટાયર એનાં તાંબાના હોય એવા રંગનાં હતાં. આખું બાઇક પીળું-લીલું. એને થયું, શેડમાં પાર્ક કરવાનું ઍલાઉડ્ હશે, કોનું હશે. એક બીજી વાર એણે આગલી બૅન્ચ પર એક જાડિયા અમેરિકનને જોયો. એકલો એકલો બોલતો’તો કે શું, એક વાર બોલ્યો, આઈ ડોન્ટ રીમેમ્બર હની, રીયલી. કાનમાં એના ફોન-પ્લગ હતા. એને થયું, સુખી હોવો જોઈએ. એક વાર એને ટ્રૅકનું અડધુંપડધું ચક્કર લેવાનું મન થયેલું, તો ગયેલો. ત્યારે એણે એકોએક નૅપિ-બૉક્સ પર એક પિક્ચર જોયું. કોઈની બિલાડી ખોવાઈ ગયેલી. ધૉળીભૂરી બિલાડીનું પિક્ચર. નીચે લખેલું, લૉસ્ટ. નીચે ઉમેરેલું, રીવૉર્ડ, ડૉલર ટૂ હન્ડ્રેડ. નીચે કૉન્ટેક નમ્બર. એ ગોખતો રહ્યો કૉન્ટેક નમ્બર -જોકે એને ફામ હતી કે ક્યારેય પોતે એ નમ્બર જોડવાનો નથી કેમકે કોઈની પણ બિલાડી ક્યારેય પોતાને જડવાની નથી.

ગઈ કાલે ડિનરમાં હાંડવો હતો. ગુન્થર, રૅજાઇના, એનાં ખંજન, એનાં શૉર્ટ અને ટીશર્ટ, બર્લિન વૉલ, એની મૉમ વગેરેની યાદમાં હાંડવાનો ટુકડો એ ઘડીમાં કૅચઅપમાં બોળતો’તો, તો ઘડીમાં ટુકડા પર કૅચઅપ ચોપડતો’તો. ત્યાં મોટીબેન બોલી, પેલાંઓએ ભલે ના પાડી પણ તને ગમી ગ્યું લાગે છે-

શું?

નૉર્થટ્રેઇલ પાર્કનું વૉકિન્ગ.

હા, એવું ખરું. પણ બેના, આ ટૅરિટોરિયલ બ્લૅકબર્ડ્ઝનું શું છે? બૉર્ડ શેનું માર્યું છે? હું તો એ તરફ કદી ગયો જ નહીં, ભૂલી જ ગયો! તને પૂછવાનો’તો, એ ય ભૂલી ગયો!

જો ને ભૈ, તે દા’ડે મારો મૂડ બગડ્યો એટલે ગયાં નહીં -વાત એમ છે કે એમને માળા બાંધવા હોય, આ એમની નેસ્ટિન્ગ સીઝન છે, ત્યાંથી ન જવાય, એ એમનો પાર્ટ છે, ટૅરિટરી, જાવ તો માથામાં ચાંચ મારે, જાણે ખખડાવે -ખબરદાર ફરી આવ્યાં છો તો! પણ ભાઇ, તેં જોયું હશે, એ ભાગ નીચાણમાં છે ને એની બાજુમાં એક કોતેડું છે. ઝાડી છે. કાયમને માટે સંતાઇ રહૅવાનું મન થાય એવું છે એ કોતેડું. આ દિવસોમાં એમાંથી કૂણાં કૂણાં બદામી રંગનાં સસલાં, એમનાં ફ્રૅન્ડ્ઝ, કૂદતાં કૂદતાં નીકળીને, ટ્રૅક પર આવે છે, દુનિયાને સ્હૅજ જોતાં રહીને, પાછાં દોડી જાય છે. ત્યાં કાયમ તો નહીં પણ ઘડીભર સંતઇ જવાનું મન મને ય હતું, હજી ય છે, પણ ગઈ નથી. તું ઇન્ડિયા ના જતો રહૅ, તો કોક વાર જશું આપણે, ભલે ને આપણા બેયનાં માથાં ટોચાતાં!

ના, આપણે નહીં જઈએ! મને એવાં બર્ડ્ઝ નહીં ગમવાનાં!

કેમ?

આઇ ડોન્ટ નો, પૂછીશ ના બેના. નો, આઇ હેટ ધૅમ! એમની પાંખો પર લોહીના રંગના જે ટપકાં છે, મને ઉશ્કેરે છે. પૂછીશ ના, ના!

પછી થોડો ગૂંચવાઇને, પણ છેલ્લે પોતાના રૂમ ભણી જતાં એ ગુડનાઇટ બોલેલો.

પણ રૂમમાં પછી ચિડાઇ ચિડાઇને બબડતો રહેલો

–હમ્બગ છે, રબિશ! પોતાના માળાને માટે થઈને લોકોનાં કંઇ માથાં થોડાં ટોચાય! માથાં મોટી વસ્તુ છે! ના, ના જ ટોચાય! આવા કંઈ આંતરા-ઇજારા ના કરાય! ના જ કરાય!…વ્હૉટ ટૅરિટરી… વ્હૉટ ટૅરિટોરિયલ્સ…

બેડમાં એ ધબૂસ બેસી પડ્યો ત્યારે એનાથી મોટેથી બોલાઇ ગયું -હરામી સેલ્ફિશ હલકટ સાલાં!

એને મોડે લગી થયા કર્યું, પોતાથી ક્યાંક જોરથી થુંકાય તો બહુ સારું થાય.

એ માટે એ રાતભર ઝીણાં-મોટાં ફાંફાં મારતો રહેલો.

પણ ત્યારે, મનના અણજાણ ખૂણેથી એક બદામી સસલું એને સાવ જ તાકીને જોતું’તું…