ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હરીશ મંગલમ્/દાયણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} સાબરમતીની આજુબાજુનાં કોતરોની ધાર પર ઊગેલાં વનરાઉ વૃક્ષોની લ...")
(No difference)

Revision as of 11:26, 18 June 2021

સાબરમતીની આજુબાજુનાં કોતરોની ધાર પર ઊગેલાં વનરાઉ વૃક્ષોની લીલાશ આંખોને ભરી દેતી. લાલઘૂમ સૂરજ ઉગમણે ઊગી ચૂક્યો હતો. બસ, જોયા જ કરીએ, જોયા જ કરીએ. એ બાજુથી ગામ ભણી નજર કરતાં હૈયું હરખાતું. આખી સૃષ્ટિની નિઃશબ્દ શાંતિ પથરાયેલી છે. આંબેડકરવાસમાંથી એકેક-બબ્બે, ત્રણ-ત્રણ તો વળી દસ-બારના ટોળામાં લોકો ખેતમજૂરીએ જઈ રહ્યાં હતાં, બાકી વધતાં નિશાળિયાં અને ઘરડાંબુઢ્ઢાં, આખો વાસ સૂમસામ ભાસતો.

બેનીમા આખો દિવસ અંધારિયા છાપરામાંની કેરીઓની વખારમાં રહેતાં. સારી સારી કેરીઓ એક બાજુ કરતાં અને ભડદાં ભડદાં એક બાજુ પર. ભડદાં સસ્તા ભાવે વેચતાં જે મોટે ભાગે દલિતો હોંશે હોંશે ખરીદતાં. વધેલાં ભડદાંને બેનીમા નાનાં નાનાં છોકરાંને વહેંચી દેતાં. કેરી પકવવામાં જેટલાં પાવરધાં તેટલાં જ પાવરધાં દાયણના કામમાં. બેનીમાનું નામ પડે ને સારા દા’ડાવાળાં બૈરાં એમનાં વખાણ કરતાં થાકતાં નહિ.

કાળાભાને ગુજરી ગયે બે દાયકા વીતી ગયા હશે. ત્યારથી બેનીમા આ અંધારિયા છાપરામાં જીવન વ્યતીત કરતા રહ્યાં હતાં. છાપરાનાં નળિયાંમાંથી ક્યાંક ક્યાંક પ્રકાશનાં કિરણો પડતાં, બાકી તો સાવ અંધારું ઘોર.

કેરીની ઋતુમાં એમનો સમય કાચી-પાકી, ખાટી-મીઠી, અધકચરી, ગદ્ગદી ગયેલી કે ભડદાં થયેલી કેરીઓને ઊલટ-સૂલટ કરવામાં જ ક્યાંય પસાર થઈ જતો. નાની નાની કાચી કેરીઓને હાથમાં ફેરવતાં બેનીમાને એમનું બાળપણ, યુવાન વય યાદ આવી જતાં. તો વળી વૃદ્ધાવસ્થાનું ભાન થતું. ભડદાંની છાલ જેવી જ એમના શરીરની ચામડી પણ કાળી, લબડી પડેલી, રુક્ષ થઈ ગઈ હતી.

બેનીમા વખારમાં કેરીઓ ઊલટ-સૂલટ કરી રહ્યાં હતાં. એવામાં દલી પટલાણીએ ઘર આગળ આવીને બૂમ પાડી, ‘બેનીમા ઓ બેનીમા!’ દલીને શ્વાસ ચડ્યો હતો.

‘અલી, દલી તું! હું થ્યું સ?’ બેનીમા દબડક્ કરતાંક બહાર દોડી આવીને હાંફળાં થઈ પૂછ્યું.

‘હા બેનીમા, હું દલી… મારાં જેઠાણી પશીમાને પીડા ઊપડી સ્અ, દાક્તર પરેશ પટેલને બોલાયા’તા પણ… એ તો અંજીશન આલીને જતા ર્‌યા. કીધું કઅ કૉય ચિંતા કરશો નૈ. બે કલાકમાં સુવાવડ થૈ જશે,’ વળી, શ્વાસ લેતાં ઉમેર્યું, ‘પણ બેનીમા બેના ચાર કલાક થ્યા તોય ન તો સુવાવડ થૈ ક ન તો પશીમાનં પીડા એઠી બેઠી, બેનીમા તમે ઝટ હેંડો.’

બેનીમા હંમેશની જેમ સહેજ પણ વિલંબ કર્યા વગર સાડલાનો છેડો ખોસી દોડ્યાં. પશીના ખાટલાની આજુબાજુ સાત-આઠ બૈરાંનું ટોળું અધ્ધર શ્વાસે ઊભું હતું. પશીની સાસુ માણેકડોશીએ બેનીમાને બધી જ હકીકતથી વાકેફ કર્યાં. પછી બેનીમાએ પશીની નાડ તપાસી અને માણેકડોશીને મોટા અવાજથી ઠપકાર્યાં, ‘મૅર રોંડ! આટલું બધું દરદ શ્યુસ્‌અ અને અતાર હુદી ચ્યોં માંહણિયોંમાં જી’તી? ઘૈડપણ ચ્યોં ગાળ્યું? હાત શિયાં જણ્યાં તોય તનં ખબર ના પડી?! મૂઈ, ઑમ તો હોના જેવી બાયડીન્અ ખોયે!’

બેનીમાને એટલી બધી કોઠાસૂઝ અને આવડત હતી કે એમની આગળ ભલભલા ડૉક્ટર પણ ગોથું ખાઈ જતા, એમની પાસે એમ.એસ. કે એમ.ડી.નાં સર્ટિફિકેટ ન હતાં પરંતુ અનુભવ અને આવડતનું ભાથું મોટું હતું. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી દર્દીનાં સગાંવહાલાંય બીમાર પડી જાય એવા દવાદારૂના ખોટા ખર્ચા પણ નહિ. સુવાવડ થાય ત્યાં લગી રાતદિન ઉજાગરો કરતાં ને, ફક્ત એક નાળિયેરનો જ ખર્ચો કરાવતાં!

‘આઘી હટૉ, રાંડો!’ કહી બેનીમાએ બારણું બંધ કર્યું. પશી ને માણેકડોશી સિવાય બધાંને બહાર કાઢ્યાં. બેનીમાએ પોતાનું કામ ચાલુ કર્યું. પશીને સખત પીડા થતી હતી. ખાટલામાંથી એને નીચે ભોં પર સુવાડી. એ આળોટવા માંડી અને ધમપછાડા કરતી હતી. હવે એનાથી દુઃખ સહ્યું જતું નહોતું; એક એક પળ વસમી થઈ પડી હતી. બહાર એના પતિ બળદેવનો જીવ તાળવે ચોંટી ગયો હતો. અપલક આંખે તે કમાડ તરફ જોઈ રહ્યો હતો. અંદરથી પશીનો સહેજ પણ ઊંહકારો સંભળાતો કે એ રડમસ થઈ જતો…

‘બેનીમા,’ ગભરાતાં ગભરાતાં માણેકડોશી બોલ્યાં, ‘મારી પશલીનં બચાવવી તમારા હાથોમાં સ્અ. પે’લી વખત કહુવાવડ થૈ અનં આ વખત પણ…’ વાત આગળ વધે તે પહેલાં તો એમનાથી ડૂસકું રોકી શકાયું નહિ. વાતાવરણમાં વેદના પ્રસરી.

‘હં… તે મૉણેકડોશી, આ દાક્તર પીટ્યાએ હું કીધું?’ વાતને વળાંક આપતાં બેનીમાએ કહ્યું.

‘દાક્તરે તો પૂછ્યું ક્અ તનં હું થાય સ્અ?’

‘આવું ના પૂસ્અ તો દાક્તર હેંનો?’ મોં પરના હાવભાવ બદલી, દાક્તરો તરફનો અણગમો વ્યક્ત કરતાં બેનીમા વચમાં જ બોલી ઊઠ્યાં.

માણેકડોશીએ વાત ચાલુ રાખી, ‘નઅ, હાથના પેલા ફૅણના જેવું ગળામોંથી કાઢી, કાંનમાં મૂકી તપાસ કરી અન બાળક ગર્ભાશયમાં ચોંટી જ્યુસઅ એવું કીધું અને અંજીશનથી હુવાવડ થૈ જશે એવું આશ્વાસન આલીન દાક્તર રૂપિયા પચ્ચા લૈનં જ્યા!’ નિસાસો નાખી માણેકડોશી બેનીમાને કરગરવા લાગ્યાં, ‘બેનીમા, તમારું ભગવાન હારું કરશે, પણ આટલું કૉમ પાર પાડો.’

‘મૉણેક, તું ચિંતા ના કર્ય. હૌ હારાં ઑનાં થૈ જશે.’ કાર્યમાં લીન એવાં બેનીમાએ અંતરમાં શ્રદ્ધાનો દીપ જલતો રાખવાનું કહ્યું.

ઘરના પાછળના ખંડમાં નીરવ શાંતિ પ્રસરેલી હતી. અંદર અને બહાર બેઠેલાં સૌના જીવ અધ્ધર લટકતા હતા. બળદેવની આંખો ઘરના છાપરાની વળીઓ સામું તાકી કંઈ શોધવા પ્રયત્ન કરતી રહી હતી. જૂની વળીઓએ એવા ભૂતકાળને તાજો કરાવ્યો. પ્રથમ સુવાવડ થઈ હોત તો છોકરો ઘૂઘરા જેવો હોત. ઘર ભર્યું ભર્યું હોત, પશી ચિંતામાં ઓગળી ગૈ ના હોત, મનોવેદનામાં તપતી ના હોત.

એ પળ આનંદોત્સવ મનાવશે કે પછી વળીઓમાં બાઝી ગયેલાં જાળાંમાં ફસાઈ જશે? ના છાપરાનાં નળિયાંમાંથી ક્યાંક ક્યાંક પ્રકાશ આવતો હતો. અચાનક આખું વાતાવરણ પેલી પળને તેડી નાચવા લાગ્યુંઃ ‘ઊંઆ… ઊંઆ… થૈને નાચ્યું; ખૂબ નાચ્યું.

સૂર્ય પરથી વાદળ હટી ગયાં. બળદેવની આંખો પર નળિયામાંથી ચળાઈને આવતા પ્રકાશનો ચાંદો પડ્યો.

પશીને હેમખેમ છોકરો અવતર્યો, બેનીમાને હાથે.

હજી પશી બેભાન હતી.

માણેકડોશીની આંખોમાંથી હર્ષનાં આંસુ બેનીમાનાં ચરણ પર પડ્યાં.

ધડાક કરતુંક બારણું ખોલી બેનીમાએ સૌને ખુશીથી જાણ કરી અને બળદેવને એક નાળિયેર ચડાવવાનું કહ્યું. ખુશખુશાલ થતાં બૈરાંને ઠપકાના રૂપમાં કહ્યું, ‘રાંડો! આવી ભૂલ કદી ના કરતોં, મારૉ તો સૉ મારા ઘેર આયીન્અ મરતો, પણ આવું કોય હોય તો મનઅ બોલાઈ લેવી.’ અને એમના પગ વાસ તરફ ઊપડ્યા.

બેનીમા એક દિવસ ગામમાં કેરીઓ વેચી રહ્યાં હતાં. તે વખતે ‘પશલી’ કહી બેનીમાએ પશીને બૂમ પાડી. પશીએ બેનીમાને આવકાર્યાં. બાબાના ખબરઅંતર પૂછ્યા. છોકરો તો હવે એક વરસ અને ત્રણ-ચાર મહિનાનો થયો હશે. ‘લે… લેલે’ કરી બેનીમાએ છોકરાને નજીક બોલાવ્યો. પા પા પગલી ભરતો ભરતો બેનીમા જોડે આવતો હતો. ત્યાં જ પશી સાવધ બની ગઈ ને છોકરાને બાવડાથી પકડી તેડતાં બોલી, ‘જોજે કીકલા… બેનીમાનઅ અડતો!!!’

બેનીમાના લંબાયેલા હાથને જાણે લકવો થયો હોય તેમ ધ્રૂજતાં ધ્રૂજતાં હવામાં લટકી રહ્યાં… એમને યાદ આવી પશીની સુવાવડની વેળા…

‘હારુ બૈ, હું જાઉં તાણં,’ કહી ગમાણમાં મૂકેલા રામૈયામાંની ચા પૂરી કરતાં બેનીમા ઊભાં થયાં.

બેનીમાને જોઈને આજુબાજુનાં બૈરાં દલી, રૂખી અને મંજુ ભેગાં થઈ ગયાં. બેનીમાની આગળ ગમાણની માખીઓની જેમ બણબણવા માંડ્યાં. ‘આ તો બેનીમા, પશલીનું નશીબ તે બચી જૈ… નઅ પશલી પણ કેતી’તી ક્અ આ તો રોમકબીરની મોનેલી બાધા ફળી…’

‘નસીબ’ અને ‘રામકબીરની બાધા ફળી’-નું ઝેર પ્રસર્યું.

‘બાધા ફળી,’ ‘બાધા ફળી’-નું જબ્બરદસ્ત ભૂત ધૂણવા માંડ્યું. બેનીમાની કોઠાસૂઝ અને અકળ આવડત પર સમયનો તીક્ષ્ણ પંજો ફરી વળ્યો….

કેરીઓની ટોપલીનો ભાર લઈને બેનીમા ચાલતાં થયાં. રસ્તામાં વડલા નીચે ગામનાં છોકરાં રમતાં હતાં. બેનીમા છોકરાંની બાજુમાં થઈને પસાર થયાં. તેવામાં એક છોકરો તાડૂક્યો, ‘એ ઢેઢી! આઘી જા, અભડાયે! ભારતી નથી?’

‘ભૈ, આટલી તો છેટી સું.’ બેનીમા હળવેથી બોલ્યાં.

આંખોમાં ઝાંખ વળતી હતી. આંખો પર હાથ ટેકવી જોયું તો દલીનો ડાયલો હતો. બેનીમા મનમાં ને મનમાં જ બબડ્યાં, ‘હં… તૈણ-ચાર વરહ પેલ્લાં દલીની હુવાવડ વેળાએ મૂઆનં મેં જ બચાયો’તો.’

બેનીમા ઉપર આખું આભ તૂટી પડ્યું. પગ થંભી જાય તે પહેલાં યુગાંતરનો ભાર વેંઢારી આઘાં ખસ્યાં, ત્યાં એમની નજર આકાશ તરફ મંડાઈ. દરરોજની જેમ સૂરજ લાલઘૂમ ન હતો. એની ઉપર કાળાંડિબાંગ વાદળ છવાયેલાં હતાં. ‘હાશ’ કહી બેનીમાએ પોતાના ભારેખમ પગ ઘર ભણી ઉપાડ્યા, ત્યાં તો વડલાની કો’ક ડાળથી ટપાક્… ટપ… ટેટો ખર્યો જાણે ડાયલાનો ડૂંટો ખર્યો!! (‘ગુજરાતી દલિત વાર્તા’માંથી)