ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હરીશ મંગલમ્/ઉટાંટિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} ‘આઘી મર્ય કઅ્ રાંડ! તો વળી કો’કઃ લૂંડ્યોની હારી! કહીને નાક દબા...")
(No difference)

Revision as of 11:27, 18 June 2021

‘આઘી મર્ય કઅ્ રાંડ! તો વળી કો’કઃ લૂંડ્યોની હારી! કહીને નાક દબાવતાં. ચામડાનો ધંધો જ એવો એટલે આવી બધી વાતોથી રતન ટેવાઈ ગઈ હતી. ઘણી વાર ઘૂમટામાં હસી લેતીઃ ‘બાપ! હું થાય? આ તો અમારો ધંધો જ એવો સઅ્. અનં તમારાં ઘેર મૂઆઁ ઢોર જ ના મર્યાં હોય તો ચેવું હારું!’

કંડક્ટર પણ બસમાં બેસવા દેતો નહિ. ચામડાના બચકા તરફ સૂગથી જોઈને તુંકારે બોલતોઃ ‘બેસવું હોય તો આ ઉપર મેલી દે!’ વળી ખીજ ચડાવી દબડાવતોઃ ‘આવી ગંધ લૈનં તું ચ્યોં ચડે?’ ધડ કરી બારણું બંધ કરી દેતો. રતનને સો મણના નિઃસાસા પડતા. જૂઉંઉંઉં… બસ ઊપડી જતી. પાછળ ઊડતા ધૂળના ગોટેગોટમાં એ ખોવાઈ જતી.

જે દિવસે ચામડાના પૈસા રોકડા ના મળ્યા હોય તે દિવસે પછેડીનો ગોટો ખૂણામાં ફેંકતી અને કચરાને કહેતીઃ ‘મૂળા ડોહાએ આંના પૈસા બાશી રાશ્યા પણ જયા વખતના હોં રૂપિયા આલ્યા સઅ્…’

‘જયા વખતના તો આલ્યા નં? એટલઅ્ થ્યું… ઘરમાં વાપરવા કાંણિયો જૈંય ન’તો. અનં મૂળા ડોહાના પૈસા ખોટા નૈં.’

ઘરમાં સો રૂપિયા આવ્યા એટલે થોડી હળવાશ થઈ.

તેવામાં કોઈની બૂમ સંભળાઈઃ

‘લ્યા, કચરા…’

‘આવાં, અરગોવનભા, તમે!’

‘હા, ભૈ! કુદરત પણ રૂઠી સઅ્… ભૂરી મરી જી… આઈનં ખેંચી જા, ભૈ!’

‘પણ, એકદમથી હું થ્યું?! હાય, હાય! અનં ભૂરી તો… બાપ રે! પૂરા પાંચ અજારની અશે.’

‘હા, પણ હું થાય? તારા – મારા આથની થોરી વાત સઅ્?’

હરગોવન પટેલ ગયા એટલે રતન બહાર આવીને કચરા પાસે બેઠી. આટલી મોટી ભારે ભેંસને કેવી રીતે ખેંચી લાવવી એની ચિંતામાં પડી.

‘ભૂરી તો અશેં બૌ ભારે!’

‘હું કરશું? પચા મણની તો ખરી!’

‘ભેમપરથી દેવલા અન્ અમથાન્ બોલાઈ લાવો. નકર આપરું કામ નૈ! નેંની હોય તો હમજ્યા…’

દેવલા અને અમથાની મદદથી ભેંસને કુંડ પર ખેંચી લાવ્યા. મોટી આંકોલથી કચરો ચર્‌ચર્ ચીરવા મંડ્યો. એક-બે ઘસરકામાં તો પેટ ચીરી નાખ્યું. પેટમાંથી સૂર્‌ર્‌ર્ કરતી હવા વછૂટી. જ્વાળામુખી અચાનક ફાટી નીકળે ને લાવા સાથે બધા પદાર્થો ધસી આવે એ રીતે હોજરી-આંતરડાં-ફેફસાં-કાળજું-બધું જ હફળક્ લઈને બહાર ધસી આવ્યું. આંતરડાંમાંથી ભૂડભૂડ થઈ ગૅસ નીકળી રહ્યો. લાદાની દુર્ગંધ પ્રસરી ગઈ.

માંસ ધૂળવાળું ના થાય એટલે રતને ચામડું પાથર્યું. ચરબી જોઈને રતન મનમાં ને મનમાં હરખાતી રહી.

‘નકરી ચરબી સઅ્, હાં કઅ્!’

‘ચરબી જ હોય નઅ્. અરગોવનભા તો માંણસ કરતાંય વધારઅ હાચવતા’તા!’

‘છાસ તાણં આ ભૂરીની જ.’

‘હા, હોં! રગડા જેવી!’

કચરો અને રતન ભોથાંના ભાગ પાડતાં વાતોમાં મશગૂલ થઈ ગયાં. ત્યાં કો’કનો અવાજ સંભળાયોઃ

‘લ્યા, કચરિયા!’

ચરબીમાં ચિત્ત ચોંટેલું હતું એટલે રતન ઊભી થઈ નહિ અને ભાગ પાડેલી ઢગલીઓ તરફ જોઈ રહી. ભાગ નાના-મોટા તો નથી પડ્યા ને, એનો અંદાજ લગાવી રહી. પછી દરેક ઢગલીમાં લાંભાં નાખ્યાં. કચરાએ રતનને ઢંઢોળીઃ

‘હાંભરઅ્ સ્? કો’ક બોલાવતું હોય એવું લાગઅ્ સઅ્.’

‘તમે જ જતા આવાં નં!’

કચરો વાડામાં થઈને ઘર આગળ ગયો.

‘આવાં, વનજીકાકા.’

વનજીકાકા તો કચરાના રૂપને જોઈ રહ્યા. કચરાએ ઝભ્ભાની બાંયો ચડાવેલી હતી. એક હાથમાં લોહીનીતરતી મોટી આંકોલ હતી. બીજા હાથ પર માંસના કાળા બળેટા ચોંટેલા હતા. લોહીથી ઝભ્ભો ખરડાઈ ગયો હતો. મોં પર લોહીના છાંટા પડ્યા હતા. બાયગોતરમાંય ના જોયેલું જોઈને વનજીકાકાને ચીતરી ચડી. માંડ માંડ બોલી શક્યાંઃ

‘બળદ મરી જ્યો સઅ્… અન્ કાલ્ય પાછાં ઘેર લગન સઅ્ એટલઅ્ જલદી ખેંચી જવો પડશે… દિયોરનું અમે તો આખો દંન ગંધે મરી જ્યાં…!’

‘જુઓ કાકા, આ અરગોવનભાની ભેંસ તો અજી પડી સઅ્… હવારનો નવરો નથી થ્યો. હવારમાં આયશું… અન્ બળદ સઅ્ એટલઅ્ પાછા ભેમપરથી મોણસો બોલાવવા પડશે…’

આ, સાંભળીને વનજીકાકા, તો ગુસ્સે થયા જતા હતા; પરંતુ પરિસ્થિતિ પામી ગયા. એટલે ‘લ્યા, કચરિયા’ પરથી ‘ભૈ, કચરા પર આવી ગયા. અને વિનંતી કરી રહ્યા. ભૈ કચરા! કાલ્ય લગન સઅ્ ઈંનું તો કાંક હમજ. આજ જ ખેંચી જવું પડશે.’

કચરાએ હા પાડી એટલે વનજીકાકા જીવ લઈને નાઠા. એમને ઘોઘળે આંતરડાં આવી ગયાં. જેવા ઘેર પહોંચ્યા તો વેણીદાસના ઘર આગળ માણસોનું ટોળું વળેલું જોયું. સીધા ત્યાં ગયા. જોયું તો ભેંસ પગ પછાડી રહી હતી. થોડીક વારમાં પગ પણ ઠરી ગયા.

આ રીતે ગામમાં એક પછી એક ઢોર મરતાં જોઈને બધાં ઠરીને ઠીકરું થઈ ગયાં. ગામ આખામાં હાહાકાર મચી ગયો. રોગચાળાને લીધે ઘણાં ઢોર મરી ગયાં. ગામમાં દોરાધાગા કરનારા બામણા અને દાક્તરોના આંટાફેરા વધી ગયા. ગામ ફરતે કાચા સૂતરના દોરા વીંટી ધૂપ ફેરવ્યો. ઓછાયો ના પડે એ બીકે બારણે બારણે લીમડાની ડાળીઓ ખોસી દીધી. આમ ખાસ્સા દિવસો ચાલ્યું. પણ કંઈ ફેર પડ્યો નહિ. બારણે ખોસેલી લીમડાની ડાળીઓય સુકાઈ ગઈ. ગામ આખું શોકમાં ડૂબી ગયું. કચરો અને રતન ઢોર ખેંચી ખેંચી અને ચીરી ચીરીને થાકી ગયાં. આડીઓથી ખભા આળા થઈ ગયા. પણ એમના માટે આ વરસ સારું હતું.

રતને ધીમેથી ખૂણીનો ગોદો મારી કચરાને કહ્યુંઃ

‘ઓણ સાલ ચાંમડાના પૈસા હારા આવશીં! અનં દાંણા ઓછા વપરાશીં!’ કચરો મૂછમાં હસ્યો. થોડી વારમાં એનો ચહેરો ગંભીર થઈ ગયો.

‘ગોંડી! કોઈનું ખોટું ના તાકીએ, હમજી?’ પછી આંકોલની ધાર કાઢતાં બબડ્યોઃ

‘કણબી બાં રંડઈ જ્યાં નં તું ચાંમડાના પૈસાની વાત કરઅ્ સઅ્? બર્યા એ પૈશા… કહીને કુંડ તરફ ગયો. એના પગમાં હંમેશની જેમ ઝડપ નહોતી. રતન શીંગડું અને દાંડી લઈ આકડાનું દૂધ લેવા ચાલી નીકળી.

કચરો કુંડમાં ચામડાં પકવવાની કામગીરીમાં ગળાડૂબ થયો. આ વખતે ઢોર એટલાં બધાં મરી ગયાં હતાં કે ના પૂછો વાત. કુંડ પર જ્યાં જુઓ ત્યાં ચામડું જ ચામડું નજરે પડતું. ચામડાં વધુ હતાં એટલે રતન પણ દૂધ લાવવામાં થાકી જતી. ઘણી વખત શીંગડું ભરાયું ના હોય ત્યારે આખા દિવસની રઝળપાટ થતી. હમણાંથી તો રતનને વહેલી સવારમાં જ નીકળી જવું પડતું. ઉઘાડા પગે આકડાના છોડે છોડે ફરતી. આકડાની કૂણીકચ્ચ ડાળીની ડોક શીંગડાની ધાર પર ટેકથી દાંડી વડે ઠકઠકાવતી. ડબ્‌ડ‌બ્‌ડબાક્ કરતી દદડતી સફેદ લોહીની ધારને ત્રાંસી નજરે જોઈ રહેતી. બું ૂધ ટપકી જતું ત્યારે દાંડીને ઝટ્ લઈને ઉઠાવી લેતી. રગદોળાઈ ગયેલી ડાળીને જોઈને આજુબાજુ ઊભેલા આકડા મૂળસોંતા થથરી ઊઠતા. મોટા મોટા આકડા કોઈ કાપી ગયું હોય તો તે જોઈને રતનના મોં પર ગુસ્સો તરવરી જતોઃ ‘મારો હારો ભીલ… ભૂખ ચો… આકડાય ર’વા દેતો નથી!’ — મનોમન એવું વિચારતીઃ ‘ના હોય તો તાણ ચૂલામં હું આથ ઘાલં?’

જ્યારે શીંગડું દૂધથી ભરાઈ જતું ત્યારે એ હરખાતી. ઘેર જઈને સીધી કુંડ પર પહોંચી જતી. કૂંડમાં દૂધ રેડતી. દૂધ રેડતાં રેડતાં ચામડાને અવળસવળ કરતી અને પાકવાની કેટલી વાર છે એનો અંદાજ લગાવતી. દૂધ લાવી દીધા પછી વાંધાંમાંથી આવળ અને જવાસાના છોડ વાઢી લાવતી. ચામડું બરાબર પાકે ત્યાં સુધી કાળજી રાખતી.

માંડ માંડ ઢોરોના રોગચાળામાંથી કળ વળી હશે ને નાનાં છોકરાંને ઉટાંટિયો વળગ્યો. ગામમાં જ્યાં જુઓ ત્યાં ખોંહું… ખોંહું ત્રાટક્યું. સતત ખાંસીને લીધે છોકરાં રાતાંચોળ થઈ જતાં અને ડોળા બહાર ધસી આવતા. મોંમાંથી ફીણ અને ચીકણી લાળ દદડતી. જળજળિયાં આવી જતાં. આંખો સૂઝી સૂઝીને ડેબ્બા જેવી થઈ જતી. જોરદાર ઊબકા આવતા. પેટમાંથી બધું બહાર ધસી આવતું ના હોય એવું થતું, શ્વાસ રૂંધાતો. છોકરાં રાતદિવસ રડારોળ કરતાં. બૈરાં ત્રાસી જતાં. નિરાંતે ઊંઘી શકતાં નહોતાં. દવા કરી કરીનેય કંટાળ્યાં. દવાની લગીરેય અસર વરતાતી નહિ એટલે બધાં વહેમમાં સપડાયાં. જાતજાતની ઠૂંહલીમાની બાધા-આખડીઓ રાખી, વેણીદાસ તો ઘણી વાર ખિજાઈ જતા. ‘ઠૂંહલી વળગી સઅ્. દોરા કરાવાં, દોરા! નકર છોકરો ખોહાં… હમજ્યાં!’

હરગોવન પટેલના છોકરાની વહુ જમુ છોકરાને લઈને બસસ્ટૅન્ડ પર બેઠી હતી. બીજાં બૈરાં પણ બેઠેલાં હતાં. બસસ્ટૅન્ડ પર છોકરાંનું ખોંહું… ખોંહું… પ્રસરતું જતું હતું. દૂરથી આવતી બસનો અવાજ પણ ખોહું… ખોંહું થઈને કાને અથડાતો હતો. બધાં ત્રાહિમામ્ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યાં હતાં. તેવામાં શીવી ડોશીએ લૂગડાં સરખાં કરતાં હં…અ કરીને જમાવ્યું.

‘’લિ, જમુ! ચ્યાં હેંડી!’

‘આ બાબલાનં ધોંશ ઊપડી સઅ્ તે બર્યું મટતી જ નથી. ઇંનં દવાખાંનં લઈ જઉં સું!’

‘ધાંશ સઅ્ એવું તનં કૂણે કીધું!’

‘મારાં જેઠાંણીએ.’

‘ધોંશ-બોંશ કે’નાર તારી હોંશ…! કહેતાં કહેતાં એ ગુસ્સે થઈ ગયાં. મોંમાંથી દાંત પડી ગયેલા એટલે હોઠ અને ગાલની લબડી પડેલી ચામડી ગુસ્સાથી થથરી રહી. ગુસ્સો કરતાં ધીમેથી જમુનાના કાનમાં કહ્યુંઃ

‘વઉં! આંન્ તો ઉટાંટિયો થ્યો સઅ્ ઉટાંટિયો! દવા-ફવા ર’વા દે અનં પેલા કચરા ભોંભીના ત્યાં લૈ જઈનં કુંડનું પાણી અભડાય…! તૈંણ દા’ડા હળંગ અભડાવજે… જૉણી કૉનમં વાત કીધી, હમજી?’

‘હાય, હાય બાપ!’ જમુને હાયકારો થયો.

‘હાય, હાય બાપવાળી! તાણં આ શિયાનં મારી નાંખ, ઘૂઘરા જેવો છોકરો ખોયે… તું ના જાંય તો અરગોવનનં કીયે… લે, ઘેર જા પાછી.’

શીવી ડોશીના કહેવાથી હરગોવન પટેલ છોકરાને કુંડનું ‘પાણી’ અભડાવી આવ્યા. હરગોવન પટેલ કુંડ પર ગયા ત્યારે કચરાએ આંગળી આખી છોકરાના ડોડવા સુધી ફેરવી દીધી હતી. છોકરો ખોંહું… ખોંહું કરીને રાતોચોળ થઈ ગયો હતો. આંખોમાં પાણી ભરાઈ ગયું હતું. કુંડની દુર્ગંધ માત્રથી હરગોવન પટેલને ત્રણ ભવનની ખબર પડી ગઈ.

ત્યારે રતને કચરાને પૂછ્યું હતુંઃ ‘શિયાનં અભડાયો?’

‘હા, એવો અભડાયો સઅ્ કઅ્ ના પૂસાં વાત!’ ને કચરો હસી પડ્યો.

‘ચ્યમ?’

‘આંગળી ભરીનં કુંડનું પાણી ઠેઠ ઘોઘરા હુંદી પાંકાંડી દીધું!’

‘તમેય તે… એક ઝેંણી હળી લૈનં જીભ પર અભડાવાય… નેના શિયાનં એવું કરાતું અસેં?’

‘જો, આંમ આપરાથી અભડાંય સં અનં અતારે ચેવાં હલવાંણાં સ?’

આમ બન્ને જણ વાતો કરતાં હતાં ત્યાં બીજાં બે બૈરાં છોકરાંને લઈને આવી પહોંચ્યાં. અને આમ કચરાને ત્યાં લંગાર લાગી. કુંડના પાણીથી જમુના છોકરાને ઉટાંટિયો મટી ગયાના સમાચાર જાણતાં જ લોકોની અવરજવર ખૂબ વધી ગઈ. બે-ત્રણ દિવસ તો કચરો અને રતન ઢોયણી ઢાળીને કુંડ પર જ બેસીને ‘પાંણી’ અભડાવવામાં રોકાઈ રહ્યાં.

એકાદ અઠવાડિયામાં તો ઉટાંટિયો જીવ લઈને ભાગી છૂટ્યો. જાણે જાદુઈ અસર ના થઈ હોય!

ગામમાં કચરાનું માન વધી ગયું. રતનને બધાં સામેથી છાશ લઈ જવાનું કહેવા લાગ્યાં. પહેલાં તો એને ‘રત્ની ધેબરાર્ય’ તુંકારથી બોલાવતાં. હવે તો એને પણ માનથી બોલાવવા લાગ્યાં.

એક દિવસે પંચાયતનો પટાવાળો કચરાને ઘેર આવ્યો.

‘કચરા ભૈ!’

‘ઑ હૉ… રૂપશંગ… આવાં. ચ્યમ આવવું પડ્યું?’

‘તલાટીએ તમનં બોલાયા સઅ્.’

રૂપસંગ રવાના થયો. થોડી વાર પછી કચરો તલાટીની કચેરીએ ગયો. તલાટીએ હસતાં હસતાં ખુશી વ્યક્ત કરી, કચરાને કહ્યુંઃ

‘કચરાભૈ, સઈ કરતાં આવડઅ્ સઅ્ કઅ્ પસઅ્ અંગૂઠો?… સઈ કરતા હોય તો આંય સઈ કરો અનં લાવો પેંડા!’

‘પણ સઅ્ હું? કાંય કે’તા નથીનં આફડા સઈ કરવાનું કાં’સાં?’

‘તમનં સરકારે બે વીઘા જમીન ફાળવી સઅ્… અરગોવન પટેલની જમીન ટોચમર્યાદામાં ફાજલ થયેલી તે તમનં આપવામાં આવઅ્ સઅ્… ગર્યું મોં કરાવાં અનં બાકીનું પસઅ્…!’

‘હાલ નં હાલ હું સઅ્? થોરા કાંય ગાંમ છોરીનં નાહી જવાના શિએં?’

કચરો રાજીના રેડ થઈ ગયો. ખેતીમાંથી બે પૈસાની બચત થશે તેવું વિચારી રહ્યો. રતન ઉદાસ દેખાતી હતી. એટલે કચરો એની નજીક સરક્યો અને પૂછ્યુંઃ

‘તું હું વિચાર કરઅ્ સઅ્? અરગોવનભાની જમીન તો હોના જેવી સઅ્. બે વીઘા તો બૌ થૈ જી. આપણ કાંય માલદાર થવું નથી. બાજરી વાયશું અનં ખાવા જેટલા દાંણા થશે એટલઅ્ ભયોભયો!’

રતન મૂંગી રહી. કચરો બબડ્યોઃ

‘ચ્યમ બોલતી નથી? કાંય મૂંઢામં મગ ઓળયા સઅ્?’

કચરાની આંખોમાં દયામણા ચહેરેં તાકી રહી. ગળગળા અવાજે બોલીઃ

‘તમે માંનાં કઅ્ ના માંનાં પણ આ જમીન લાખ રૂપિયેય ના જોઈએ. આ લોક આપણનં હખ નૈં લેવા દે…’

‘તારી વાત તો હાચી સઅ્. આ જાત્ય રૈ બલૂન જેવી… પણ, જમીન તો સરકાર આલઅ્ સઅ્!’

‘પણ જમીન તો અરગોવનભાની નં?’

કચરો મૌન રહ્યો. થોડી વાર પછી તાડૂક્યોઃ

‘તો તુંય હોંભરી લે. આ કચરા ચમારે કાંય બંગડીઓ નથી પેરી… પડ્યું એવું દેવાશે. પણ, અતારથી એંમત હારી જવાથી કોય ચાલતું અશે?’

‘તમે માંનતા નથી પણ મનં વશ્વાસ આવતો નથી.’

શીંગડું અને દાંડી લઈને રતન ઢીલા પગલે ઘરમાંથી બહાર નીકળી પડી.

બે ઘડી કચરો વિચારમોજાંમાં ઝોલે ચડ્યો. ‘રતનની વાત લાખ રૂપિયાની સઅ્… માળિયા પર મૂકેલું ધારિયું જોઈ લીધું. ‘જય ચામુંડ મા’નું રટણ કરતો રહ્યો. જમીનનો કબજો કચરાને સોંપવાનો હતો. એની નોટિસ તલાટીએ પટેલને બજાવવાની હતી. નોટિસ પર સહી કરવાની ના પાડીને તલાટી પર હરગોવન પટેલ ગુસ્સે થયા. અેટલે તલાટીએ ધીમેથી કહ્યુંઃ ‘આ મારા ઘરનો હુકમ નથી. ઉપરથી આયો સઅ્. મારે તો હુકમનો અમલ કરવાનો સઅ્… નાહકના મારી ઉપર ગરમ થયા વગર જો કાંય રજૂઆત કરવાની હોય તો તાલુકે જાઓ…’

હરગોવન પટેલ તાલુકે તો ના ગયા પણ ગામના આગેવાનોને લઈને કચરાને સમજાવવા ગયા.

‘ભૈ, કચરા! હું વિચાર્યું?’

‘હેંનું?’

‘આ જમીન બારામાં…’

‘વાવવાનું, વળી બીજું હું વિચાર કરઅ્?’

‘ભૈ, સરકાર તો ગાંડી સઅ્… જો, જમીન તો અરગોવનની ખરી કઅ્ નૈં? અનં સરકાર બીજાંનં આલી દે એ ચ્યોંનો ન્યાય! આંમ તો ગામમાં આગ લાગશે… કાંક હમજ…’

‘આગ લાગશેં તો આપણ બધાય ભેળા!’

ગામનો એક આગેવાન સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યોઃ

‘જમીન ભલે તારા નામે પર રૈ. પણ જમીન અરગોવન વાવશેં. શેઢો-બેઢો અલગ ચીતરવાનો નૈં. વરસે દા’ડે તનં પોંન્સો રૂપિયા આલીશું!’

‘પટયોલ! હાંભરી લ્યાં તાણં… સરકાર કાંય ગાંડી નથી. મનં અનં સરકારનં તમે ગાંડાં બનાવવા નેકર્યા સાં. હમજ્યા?!’

એવામાં એક જુવાનિયો આગળ ધસ્યો. મોટા અવાજે ધમકી આપવા લાગ્યોઃ

‘વાવજે તારામાં હિંમત હોય તો! એક ચમાર થઈને અમને સમજાવે છે તે!’

કચરાનાં ભવાં ખેંચાયાંઃ

‘હંભારીનં બોલજે… નકર…’

ઝઘડો થતાં થતાં રહી ગયો. બધા વીલા મોંએ પાછા ગામમાં ગયા, કચરો ગુસ્સામાં ને ગુસ્સામાં ત્યાં ને ત્યાં જ ખોડંગાઈ ગયો.

રતને કચરાને ફરીથી આજીજી કરીઃ ‘આપરઅ્ કાંય જમીન-બમીન જોઈતી નથી. કો’ક દા’ડો મોટું વઘન થશે… હમજાં!’

પણ કચરો એકનો બે ના થયો તે ના જ થયો.

ગામલોકોનું કચરા પ્રત્યેનું વલણ બદલાયું. હરગોવનનાં ઘરનાંયે તો બોલવાનું બંધ કરી દીધું. રતનની છાશ બંધ થઈ ગઈ. કચરાને વહેમ ગયો એટલે ધારિયાને ધારી ધારીને જોયું. ધારિયાની તીક્ષ્ણ ધાર પર એની કરડી નજર સરકી. ધાર પર આંગળીઓનો સ્પર્શ કર્યો. એના શરીરમાં આછી કંપારી વછૂટી ગઈ. આજુબાજુ મૌન છવાઈ ગયું. આવતી કાલે, ખેતર ખેડવા જવાનું છે એમ વિચારી રતનને બથવાટી લીધી અને ધીમા સ્વરે દિલાસો આપ્યોઃ

‘જો, કાલ્ય મનં કાંય આ — ના થાય તો તું તારા ભૈના ઘેર જતો રે’જે. ધાર્યું ધણીનું થશે…’

આમ તો હારાં આ ગબાં ફટ્ટુ સં…’ રતન કચરાની છાતી સરસી ચીપકાઈ ગઈ. એની આંખમાં જળજળિયાં આવી ગયાં. કશું બોલી શકી નહિ.

બીજે દિવસે કચરો ચામુંડ માની દેરી આગળ નમી પડ્યો. ખેતરે જતાં પહેલાં માથા પર તાંસળું ઊંધું મૂકી ઉપર ફાળિયું બાંધી દીધું. ધારિયું ખભે નાખી સડસડાટ ખેતર તરફ જવા નીકળ્યો. રતન એકીટશે જોઈ રહી. પહેલેથી નક્કી કર્યા મુજબ હરનાપુરથી હળ-બળદ લઈને દેવો સીધો જ ખેતરે પહોંચી ગયો હતો અને કચરાની રાહ જોઈ રહ્યો હતો.

બાવળના થડે ધારિયું ટેકવી કચરો અને દેવો ખેડવાના કામમાં જોતરાયા. દેવાના મનમાં શંકા સળવળીઃ

‘કચરા, આ લોકોનો વશ્વાસ નૈં, હોં! ધ્યાન રાખજે જરા…’

દેવાનું વાક્ય પૂરું થયું કે ના થયું ત્યાં તો વિચિત્ર અવાજો કાને અથડાયા. ‘હો… હો… હો… અને ‘મારો… મારો’ જેવું દૂરથી સંભળાતું હતું. પછી કાન ફોડી નાખે તેવા અવાજો ખેતરો ભેદીને જોસથી આવવા લાગ્યા.

કચરો જોવા લાગ્યો. એના કાન સરવા થયા. એકદમ સાવધ બની ગયો. બાવળના થડે ટેકવેલું ધારિયું હાથમાં લીધું. બાવળ ઉપર સડસડાટ ચડી ગયો. દૂર દૂર નજર નાખી જોઈ લીધું. માણસોનું ટોળું ધસી રહ્યું હતું. ધૂળની રજકણો હવામાં તરી રહી. હો… હો… હો… સિવાય કશું સંભળાતું નહોતું. ઝીણી નજર કરી અને કાન ધરી કચરો કશું પામવા મથી રહ્યો. કશી જ ખબર પડી નહિ. હવે, પેલું ટોળુ ‘ખોંહું… ખોંહું’ કરી રહ્યું હોય એવું લાગ્યું. ટોળું ઘણું નજીક આવી રહ્યું હતું. ‘ખોંહું… ખોંહું’ જોરથી કાનમાં અથડાયું. શાંત ખેતરોમાં ‘ખોંહું… ખોંહું’ પ્રસર્યું. ‘ખોંહું… ખોંહું’ ચકરાવે ચડ્યું. કચરો ગુસ્સાને લીધે ધ્રૂજી રહ્યો, એની આંખો લાલચોળ ભોથા જેવી થઈ ગઈ. ધારિયાને સંભાળી એ નીચે ઊતરવા લાગ્યો. હવે તો પેલું ટોળું છેક નજીક આવી ગયું હતું. ‘મારો… કાપો’ની જગ્યાએ ‘ખોંહું… ખોંહું…’ સંભળાતું હતું.’ ‘ખોંહું… ખોંહું…’ના સપાટાને લીધે બાવળિયાનાં ડાળાં અવળ-સવળ થઈ ગયાં. પવનનો સુસવાટો ખોંહું… ખોહું…ને લઈ ખેતરમાંથી પસાર થઈ રહ્યો. ખેતરની જગાએ કચરો કુંડ પર ઊભો હોય તેવું એને લાગ્યું. અને ‘ભૈ, કચરા, આ શિયાનં કુંડનું પાણી અભડાવવાનું સઅ્’ — વાતાવરણમાં પડઘાતું પડઘાતું કચરાના ધસમસતા લોહીમાં શમી ગયું.