ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/આ જમાનાનો પારસમણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} એનું નામ હતું નવીન કલાકાર. નવીનને ગમે તે વાતમાં રસ પડે. નવીનની...")
(No difference)

Revision as of 12:10, 18 June 2021

એનું નામ હતું નવીન કલાકાર. નવીનને ગમે તે વાતમાં રસ પડે. નવીનની બીજી ખૂબી એ હતી કે મોજમાં આવે ત્યારે એ લાકડું. લોખંડ, માટી, પ્લાસ્ટિક, જે હાથમાં આવે તેમાંથી કોઈ ને કોઈ અવનવી વસ્તુ બનાવી કાઢે. એની આ આવડતને લીધે લોકો એને ‘કલાકાર’ કહેવા માંડ્યા હતા.

જોકે આ બન્ને ખૂબીઓ, એટલે કે વાતોનો રસ અને અવનવું કરવાની ધગશ, મૂળમાં નવીનના સ્વભાવની એક જ ખાસિયતને આભારી હતાં. નવીન ગમે તે બાબતમાં લગભગ ડૂબી જાય તેટલો ઊંડો ઊતરી જતો. ઊંડા ઊતર્યા પછી પણ વખતોવખત સપાટી ઉપર આવીને દુનિયા સાથે તાલ મેળવી લઈએ તો સફળ થવાય, એ વાતથી નવીન પૂરેપૂરો વાકેફ હતો. પણ પોતાનો સ્વભાવ એને એમ ક્યારેય નહીં કરવા દે એ નવીન સારી પેઠે જાણતો હતો.

મશગૂલ થઈને કામ કરતો હોય ત્યારે પોતે સહુથી સફળ, સહુથી સુખી માણસ હોય છે એવુંય એને લાગતું. તેમ છતાં વખાણ કરનારને એ ક્યારેક કહી દેતો કે, ‘આવી આવડતનો શું અર્થ છે? એક મામૂલી માણસ જેટલા સુખપૂર્વક જીવે છે, તેટલા સુખની અપેક્ષા રાખવાનો પણ મને અધિકાર નથી?’ તેમ છતાં નવીન પોતે અને એને ઓળખનારા સહુ જાણતા હતા કે નવીન ‘કલાકાર’ હોવા સિવાય બીજું કંઈ હોઈ શકે નહીં, અને એના હાલ એવા જ રહેવાના હતા.

એક દિવસ નવીને બે-ત્રણ પરિચિત પદાર્થોને ભેગા કરી એક ‘નવો પદાર્થ બનાવ્યો. એ પદાર્થમાંથી પછી એણે એક અદ્ભુત આકારની ફૂલદાની બનાવી. કંઈક અદ્દભુત બનતું હોય ત્યારે નવીનને એ સમજાઈ જતું અને એનું મન ત્યારે આનંદથી તરબોળ થઈ જતું. ફૂલદાની ઘાટમાં બેનમૂન બની હતી, પણ એ ‘નવા’ પદાર્થનો રંગ નવીનને જરાય ગમતો ન હતો. વિવિધ રંગોમાં એ ફૂલદાનીને કલ્પી જોયા પછી નવીને એને કાળા રંગથી રંગવાનું નક્કી કર્યું.

કાળો રંગ લેવા નવીન હાર્ડવેરની એક દુકાને પહોંચ્યો. એક સેલ્સમૅન કોઈ ઘરાકને એનો માલ આપી રહ્યો હતો. બીજા બે સેલ્સમૅન ખાલી બેઠા હતા, પણ એમણે નવીનની ચિંતા કરી નહીં. થોડી વાર સુધી ચૂપચાપ રાહ જોયા પછી નવીને કહ્યું, ‘મને કાળા ઑઇલ પેઇન્ટની સો એમએલની એક ડબ્બી આપજો ને.’ એની વાત એકેય સેલ્સમૅને સાંભળી નહીં. સહેજ અકળાઈને નવીને ફરી કહ્યું, ‘અરે ભાઈ, મને કાળા કલરની એક નાની ડબ્બી આપો ને.’ ‘નથી’, ત્રણમાંથી કોઈક સેલ્સમૅને કહ્યું. ધંધો કરવાની આવડત નથી ને વેપાર કરવા બેઠા છે…’ એવું બબડતો બબડતો નવીન ત્યાંથી આગળ ચાલ્યો.

એ એક ઘણી મોટી અને ચોખ્ખી દુકાનમાં પહોંચ્યો. એક સેલ્સમૅને એને આવકાય. નવીને કહ્યું, ‘મારે કાળો ઑઇલ પેઇન્ટ જોઈએ છે.’ ‘કેટલો?’ સેલ્સમૅને પૂછ્યું. ‘બસ, સો એમએલની એક ડબ્બી જોઈએ છે.’ સેલ્સમૅને માથું ખંજવાળીને કહ્યું, ‘સાહેબ, બીજો કોઈ કલર જોઈએ તો આપું. કાળા કલરની આજકાલ બહુ શૉર્ટેજ છે.’ ‘કેમ?’ નવીને પૂછ્યું. ‘એ તો ખબર નથી, પણ આજકાલ કાળા કલરની માગ બહુ છે. નાનામાં નાનો ઑર્ડર પણ દસ-પંદર લિટરનો હોય છે. વળી ઘરાક પૂરા પૈસા પહેલેથી રોકડા આપી જાય છે. ફૅક્ટરીમાંથી માલ આવે એટલે અમારા માણસો ઘરાકોને ત્યાં આપી આવે છે. બાકી આ દુકાન લઈને બેઠા છીએ એટલે એને બંધ તો ન જ રખાય!’

નવીને નિરાશ થઈને કહ્યું, ‘ભાઈ, તમે ઘણા ભલા છો. દુકાનમાં ક્યાંક કાળા કલરની એકાદ ડબ્બી નહીં પડી હોય? રંગ થોડોક સુકાઈ ગયેલો હશે તોય ચાલશે. હું એને સરખો કરી લઈશ.’ ‘વડીલ, એક કામ કરો ને, આ અડધા લિટરનું સફેદ રંગનું ટિન લઈ જાવ. એમાં ઉપરનો થોડો રંગ સુકાઈ ગયો હશે, તોય નીચેનો રંગ ભીનો હશે. આનો તમે મને એક પૈસોય નહીં આપતા, બસ!’ સેલ્સમૅને કહ્યું. ‘ના, એને હું શું કરું? મારે તો કાળો કલર જ જોઈએ છે, નવીને કહ્યું. ‘તો, પછી, બીજી દુકાનોમાં તપાસ કરી જુઓ. વખતે કોઈની પાસે એકાદી નાની ડબ્બી પડી હોય તો…’ વેપારીએ વાત ત્યાં પડતી મૂકી.

ત્યાર પછી નવીન દૂર દૂર સુધી ચાલીને બીજી ચાર-છ દુકાનોમાં ફરી વળ્યો. બધે એને એક જ જવાબ મળ્યો, ‘કાળો કલર બજારમાં જ નથી. ફૅક્ટરીમાંથી માલ સીધો ઘરાકને પહોંચાડવામાં આવે છે.’

નવીન બહુ ઉદાસ થઈ ગયો કે, ‘કાળા રંગ જેવી સાદી વસ્તુ પણ આ દેશમાં જાણે બહુ મોટી વસ્તુ હોય તેમ પૈસા આપવા છતાંય મળતી નથી!’ નવીનને સીધા ઘરે જવાનું મન ન થયું. એ દરિયાકિનારે ફરવા ગયો. ઊછળતાં અને કિનારે આવીને તૂટતાં મોજાંને એ જોતો રહ્યો.

એટલામાં ‘કોઈ દુઃખી?’ એવા શબ્દો એના કાને પડ્યા. એણે બોલનાર તરફ જોયું. સાઠેક વર્ષની ઉંમરના એક કાકા એ શબ્દો બોલતાં બોલતાં એની તરફ આવી રહ્યા હતા. નવીનના ચહેરા ઉપર નજર નાખીને એમણે નવીનને પૂછ્યું, ‘ભાઈ, દુઃખી છે?’

નવીને ડોકું ધુણાવીને હા કહી અને કાકાને પોતાની પાસે બેસવા ઇશારો કર્યો. કાકા બેઠા પછી એમણે નવીનને કહ્યું, ‘બોલો ભાઈ, તમારે શું દુઃખ છે? મારાથી કંઈ થઈ શકે તેમ હોય તો હું એ જરૂર કરીશ.’

‘કાકા, તમે પહેલાં એ કહો કે તમે આ સેવાનું કામ શા માટે કરો છો?’ નવીને પૂછ્યું.

‘ભાઈ’, કાકાએ એક નિસાસો નાખીને કહ્યું, ‘ભાઈ, આખું જીવન વેપારમાં કાઢ્યું. ઘણા પૈસા કમાયો. દીકરા જુવાન થયા. એય વેપારમાં મને મદદ કરવા લાગ્યા. પણ, હરિઇચ્છા એવી થઈ કે એક મોટર-અકસ્માતમાં મારી પત્ની અને બન્ને દીકરા મરી ગયા. મારું ભર્યુંપૂર્યું ઘર અચાનક ખાલીખમ થઈ ગયું. મેં વેપાર સમેટી લીધો. કરકસરથી જીવું છું, અને તમે જાણો છો તેમ, દુનિયામાં દુઃખ તો ઘણાં છે. જેમનાં જેટલાં ઓછાં થાય તે માટે મારાથી બનતી મથામણ કરું છું.’

નવીને પૂછ્યું, ‘કાકા, મને તમારું સરનામું આપશો?’ ‘ખુશીથી’, કહીને કાકાએ નવીનને એક ચબરખી ઉપર પોતાની પેઢીનું સરનામું લખી આપ્યું. પછી ઉમેર્યું, ‘સાંજે ચાર વાગ્યા સુધી હું અહીં હોઉં છું. એ પછી બે-ત્રણ કલાક હું આમ ફરતો હોઉં છું. બાકી ચાર પહેલાં ગમે તે સમયે આવો, હું તમને જરૂર મળી શકીશ.’

‘તો સાંભળો, કાકા, મારું દુઃખ બધાના જેવું નથી’, નવીને કહ્યું, ‘મારે જરાક જેટલો કાળો ઑઇલ પેઇન્ટ જોઈએ છે, પણ એકેય દુકાનમાં એ મળતો નથી. બસ, આટલી જ વાત છે.’

કાકા થોડી વાર ચૂપ રહ્યા. પછી એમણે ભારે અવાજે કહ્યું, ‘સમયની બલિહારી છે. ન થવાનું જ બધું થઈ રહ્યું છે. ભાઈ, તમે જાણો છો, એ રંગ ક્યાં જાય છે?

‘ના’, નવીને કહ્યું.

‘તો, જરા પાસે આવો’, કાકાએ અવાજ ધીમો કરતાં કહ્યું, ‘આમ તો બધા જાણે છે. તોય તમારા જેવા કેટલાક સીધા લોકો એ નથી જાણતા. પણ, જોજો, મેં આ વાત તમને કહી છે એમ કોઈને કહેતા નહીં. આજકાલ એવું ચાલે છે કે લોકો રૂપિયાની નોટોને, માલમિલકતને, ઘરેણાં-દાગીનાને, અને એવી કંઈ કેટલીય ચીજોને રંગવા માટે કાળા રંગનો ઉપયોગ કરે છે.’

‘શું કહો છો? શા માટે?’ નવીને આશ્ચર્ય પામતાં પૂછ્યું.

‘તમે તો હું ધારતો હતો એ કરતાંય ભોળા નીકળ્યા, ભાઈ, કાકાએ કહ્યું. અને વળતું પૂછ્યું, ‘શું કામ કરો છો?’

‘કલાકાર છું’, નવીને કહ્યું. કાકા હસી પડ્યા, અને એમણે કહ્યું, ‘ઠીક, ઠીક, તમને દુનિયાદારીની શું ખબર પડે? જુઓ મેં આગળ ગણાવી એ બધી અને એવી બીજી અનેક જણસોને કાળા રંગથી રંગી દેવામાં આવે ને તો એ દેખાતી બંધ થઈ જાય’.

‘તો પછી એનો ફાયદો શું?’ નવીને પૂછ્યું.

‘આમ તો તમને – મને અને જેમને એ બધું વાપરવાનું હોય, એમને એ દેખાય. ફક્ત સરકારી અધિકારીઓને એ ન દેખાય. હવે કહો, તમારા જેવા કલાકારને કોઈ કાળો રંગ વેચાતોય શા માટે આપે? આજે આ રંગની માગ એટલી મોટી છે કે એનો ભાવ દસગણો વધી ગયો છે. વેપારી તમને જોઈને જ સમજી જાય કે એમના ભાવે તમારાથી રંગ નહીં ખરીદાય. મારું માનો તો તમારા કામ માટે કોઈ બીજો રંગ પસંદ કરીને કામ પૂરું કરી લો. તમારું દુઃખ સાવ દૂર ન થાય એવું નથી. ભલે, આવો ત્યારે’, કહીને કાકા ઊભા થઈને ચાલવા લાગ્યા.

ઘણું ઇચ્છવા છતાં નવીનકાકાને ‘આવજો’થી એક શબ્દ પણ વધારે ન કહી શક્યો. ઉચાળા ભરતો હોય તેમ એ ઝડપથી ઘરે પહોંચ્યો. કાકાની વાતથી એ બહુ બેચેન થઈ ઊઠ્યો હતો. ‘હું કઈ દુનિયામાં જીવું છું? મારી આજુબાજુમાં લોકો શું કરી રહ્યા છે તેની મને જરા જેટલી પણ ખબર નથી પડતી? જો હું મારી કલામાં એવો જ ડૂબેલો હોત તો દુનિયાએ આજે એક મહાન કલાકાર તરીકે મારી કદર ન કરી હોત? શું મારી કલા એ મેં જ ઊભો કરેલો એક મોટો ભ્રમ છે? શું હું આ દુનિયાને લાયક નથી? તો હું ક્યાં જાઉં? – એવા એવા અનેક સવાલો એના મનમાં ઊઠવા લાગ્યા. અઠવાડિયા સુધી એને જરાય જંપ ન વળ્યો.

અંતે અઠવાડિયા પછી એ પરિસ્થિતિ અસહ્ય લાગતાં નવીન ફરી બજારમાં ગયો. પેલી મોટી દુકાનમાં જઈને એણે સેલ્સમૅનને કહ્યું, ‘સારું, ભાઈ, તમે મને પેલો સફેદ રંગનો ડબ્બો આપી દો.’

દુકાનદારે કહ્યું, ‘સાહેબ, એ તો હવે નથી. અત્યારે કાળાની સાથે સફેદ રંગની પણ અછત ઊભી થવા માંડી છે. તમે ગમે ત્યાં જાવ, તો એ નહીં મળે. હવે તમે એકાદ મહિના પછી ટ્રાય કરી જુઓ. બનશે તો હું તમારા માટે એક ડબ્બી જુદી રાખી મૂકીશ.’

દુકાનદારની વાત સાચી જ હશે એમ માની નવીન હતાશ થઈને ઘરે પાછો આવ્યો. એણે પોતાની નવી બનાવેલી ફૂલદાનીને સાચવીને એક કબાટમાં મૂકી, અને કબાટને તાળું મારી દીધું.

ફૂલદાનીને ભૂલવા માટે એ પોતાના ઘરાકોનાં કામો પતાવવામાં લાગી ગયો. છએક મહિના પછી એને થોડો ખાલી સમય મળ્યો. ત્યારે એ પેલા ઓળખીતા રંગવાળા પાસે ગયો. એણે પૂછ્યું, ‘કેમ, હવે કાળો કે સફેદ કલર પાછો મળવા માંડ્યો કે નહીં?’ ‘ના, સાહેબ. જુઓને’, વેપારીએ કહ્યું, ‘હવે તો હાલત પહેલાં કરતાંય ખરાબ થઈ ગઈ છે. લોકો દસ-પંદર લિટર નહીં પણ એટલા તેટલા ટનના જ ઑર્ડર લખાવે છે. માગ્યા વિના ઍડવાન્સમાં પૈસા આપી જાય છે, અને અમે ફૅક્ટરીએથી બારોબાર માલ ટ્રકમાં ભરાવીને ઘરાકના ગોડાઉનમાં પહોંચાડી દઈએ છીએ. એમાં તમારા જેવા નાના ઘરાકોનો પત્તો ક્યાંથી લાગે?’ ‘ઠીક!’ દુઃખી થઈને નવીને કહ્યું.

દુકાનેથી નીકળીને નવીન કાકાની પેઢીએ જઈ ચડ્યો. ‘આવો, નવીનભાઈ. શું ચાલે છે? કાકાએ આવકાર આપતાં કહ્યું.

‘અરે ન પૂછો વાત’, નવીને કહ્યું, ‘આજકાલ કાળો કે સફેદ, બેમાંથી એકેય કલર બજારમાં નથી મળતો. આજે મહિનાઓથી આવી અંધાધૂંધી ચાલે છે. કાળા કલરનું તો તમે સમજાવ્યું હતું તેમ હશે, પણ સફેદ કલરનું શું થતું હશે એ મને નથી સમજાતું.’

કાકાએ હસતાં હસતાં કહ્યું, ‘ઓહ, તો તમે પાછા દુઃખમાં સપડાઈ ગયા છો, એમ ને? બેસો, બેસો. જરા ચા-પાણી કરો. પછી હું તમને બધું સમજાવું.’ કાકાએ નોકરને કહીને ચા મગાવી. બન્નેએ ચા પીધી. પછી કાકાએ બોલવાનું શરૂ કર્યું, ‘જુઓ નવીનભાઈ, મેં તમને અગાઉ કહ્યું હતું કે લોકો પોતાના પૈસા, દાગીના. મકાન, જમીન વગેરેને કાળા રંગથી રંગી નાખે છે. એ રંગનું પડ હોય ત્યાં સુધી એ બધી ચીજો સરકારી અધિકારીઓને દેખાતી નથી. પણ, હવે તો લોકો પોતાનાં વાહનો, કીમતી દસ્તાવેજો, અરે, તમને અને મને કલ્પનાય ન આવે એવી એવી વસ્તુઓને કાળા રંગથી રંગતા થઈ ગયા છે.’ ‘પણ, હું તો સફેદ કલરની વાત કરું છું…’ નવીને અધીરાઈથી કહ્યું. ‘ધીરા પડો, જરા ધીરા પડો, નવીનભાઈ’, કાકાએ કહ્યું, ‘હું તમને એય સમજાવું છું.’

પછી નવીનને વધુ પાસે આવીને બેસવાનો ઇશારો કર્યો, અને કાકા અવાજ ધીમો કરીને કહેવા લાગ્યા, ‘કાળો રંગ કરેલી વસ્તુઓ સરકારી અધિકારીઓને ન દેખાય, પણ પછી આ વસ્તુઓ કોઈને ભેટમાં અપાય, દાનમાં અપાય કે વેચાય ત્યારે સરકારી અધિકારીઓ પૂછે કે – જે વસ્તુઓ અમને દેખાતી જ નથી, એટલે કે છે જ નહીં, એ તમે વેચી કે દાનમાં અથવા ભેટમાં કેવી રીતે આપી? અને લેનારે તમારી પાસેથી શું લીધું? – ત્યારે આ ખેલાડીઓ શું જવાબ આપે? એમણે ભેજું કસ્યું. ખૂબ ભેજું કસ્યું, અને જવાબ શોધી કાઢ્યો. નવીનભાઈ, તમે પેલી કહેવતો સાંભળી જ હશે – હીરાથી હીરો કપાય, કાંટાથી કાંટો નીકળે, અને ઝેરનું મારણ ઝેર – એ જ ન્યાયે રંગનું મારણ રંગ! જ્યારે સરકારી કર ઉઘરાવવાની મુદત હોય ત્યારે આ ઉસ્તાદો નહીં જેવી વસ્તુઓ કાળા રંગથી રંગ્યા વિનાની રાખે અને બાકીનું બધું કાળા રંગે રંગાવી નાખે. પછી દિવસ હોય કે રાત, સરકારી અધિકારી ડોળા ફાડી ફાડીને જુએ તોય એને વધારાની કોઈ માલમતા દેખાય નહીં, પણ જેવો સરકારી કર-અધિકારી ત્યાંથી જાય તેવા આ જાદુગરો પોતાને ખપજોગી વસ્તુઓને સફેદ રંગથી રંગવા માંડે જેથી એ બધાને દેખાય. એ વસ્તુઓના બદલામાં મળેલા રોકડા પૈસા, દસ્તાવેજ કે વસ્તુઓને પાછા એ તાબડતોબ કાળા રંગથી રંગાવી નાખે. આવા કામ માટેના રંગારા ઊંચા હુન્નરવાળા કસબીઓ હોય છે અને એમને રંગકામ બદલ મોંમાગ્યો બદલો મળે છે. આવા રંગારા શું રંગતા હોય છે એ બધા જાણે છે, પણ બીજાં કામોની જેમ રંગકામ પણ એક ધંધો છે, એટલે મજાલ છે સરકારની કે એ એને બંધ કરાવી દે? ને બાકી દરેક ધંધામાં કંઈક ને કંઈક એબ હોય જ છે. જો સરકાર બધા પાસે ધંધા બંધ કરાવે તો બધાને બેઠાં-બેઠાં ખવડાવવા ધાન ક્યાંથી લાવે?’

કાકાની વાતને વચ્ચે અટકાવતાં નવીને કહ્યું, ‘અરે કાકા, ધંધાની નહીં, એ માણસના મનની એબ હોય છે.’ કાકાએ કહ્યું, ‘હું એ સમજું છું, નવીનભાઈ. બધા સમજે છે. તોય જે માણસ જે ધંધો કરે તે ધંધાની જ એબ જોવાય, માણસની એબ ન જોવાય. એ દુનિયાનો ધારો છે.’

‘પણ, અવારનવાર કર-અધિકારીઓ છાપા મારે છે એનું શું?’ નવીને પૂછ્યું.

‘એનું શું, નવીનભાઈ? તમે જ કહોને. હા, તમને ખબર ન હોય તો હું કહું,’ વાતનો દોર સાંધતાં કાકાએ આગળ ચલાવ્યું, ‘જેને ત્યાં છાપો પડવાનો હોય, એને મોટા ભાગે ખબર પડી જ ગઈ હોય. એટલે એ દેખાય એવું બધું બીજે-ત્રીજે રવાના કરી દે. કર-અધિકારીઓ ખાલી હાથે પાછા જાય. જો કોઈ ઊંઘતો ઝડપાય તો એના ભોગ લાગ્યા. બીજું શું? ને તોય જે કોઈ છાપામાં સપડાયું એણે ઝેર ઘોળ્યાનું તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. એક વારનું થોડું નુકસાન વેઠીને એ કાયમ માટે સાવધ થઈ જાય.’

‘તમારો બહુ સમય લીધો’, નવીને ઊભા થતાં કહ્યું, ‘ના રે, એવો કોઈ બોજો મન પર રાખતા નહીં. શું સમજ્યા? ક્યારેય તમને કંઈ અસુખ જેવું લાગે ને મને મળવાનું મન થાય, ત્યારે દરિયાકિનારે કે અહીં પેઢી ઉપર આવી જજો.’ ‘ભલે કાકા, આવજો,’ નવીને કહ્યું. ‘આવજો હોં ભાઈ’, કાકાએ કહ્યું.

નવીન જ્યારે જ્યારે કાકાને મળીને આવે ત્યારે ત્યારે કાકાને મળતાં પહેલાં એના મન ઉપર જે બોજો હોય, તે બમણો જ થઈ ગયો હોય. તે દિવસેય એવું થયું. કોઈ કામમાં એનું મન ચોંટતું ન હતું. એને ક્યાંય કશુંય ગમતું ન હતું. એ પૂરેપૂરો આત્મ-ગ્લાનિમાં ડૂબી ગયો હતોઃ લોકો મને ‘કલાકાર’ કહીને બોલાવે છે, અને હું ખુશ થઈ જાઉં છું. અરે, આ રંગકામ કરનારાઓના હુન્નર અને કસબ ઉપર દુનિયા ચાલે છે. મારી કળાથી શું થાય છે? કંઈ નહીં. ‘કલાકાર’ કહીને લોકો મારી કે મારા કામની કદર ન પણ કરતા હોય. ઊલટું મને ‘મૂરખ’ અને આ દુનિયા માટે ‘નકામો માણસ’ ગણતા હોય. કદાચ, મારી દયાય ખાતા હોય કે, ‘આ બિચારો ખુશ થતો હોય તો એને ‘કલાકાર’ કહેવામાં આપણા બાપનું શું જાય છે? બાકી આમ બૈરી-છોકરા વિના, મેલાંઘેલાં ને ફાટેલાં કપડાં પહેરીને, લૂખુંસૂકું ખાઈને બાવાની જેમ, પૈસા ન હોય તોય આગળપાછળની કોઈ ચિંતા વિના, બસ એક ‘મસ્તી’, એક ‘ખુમારી’ને ટેકે આપણે તો ન જીવી શકીએ.’

પોતાની ‘કલાકારી’ અને દુનિયાની ‘કદરદાની’ ઉપરથી નવીનનું મન ઊઠી ગયું, પણ પેલો ફૂલદાનીને તાબડતોબ તોડીને ફેંકી દેતાં એનો જીવ ચાલ્યો નહીં. ઘરાકોનાં કામ કરવાનું એને મન જ ન હતું. પણ પોતાના ખાવા-પીવાના પૈસા કમાયા વિના ચાલે એમ ન હતું. એટલે નવીન બેળેબેળે પાછો ઘરાકોનાં કામ કરવા લાગ્યો.

કામ કરતાં કરતાં એ વચ્ચે વચ્ચે કામમાં મશગૂલ થઈ જતો. કોઈ અવનવો, અદ્ભુત આકાર ઘડાઈ જતાં એનું મન એક અદ્વિતીય આનંદ અનુભવી ઊઠતું. એ આનંદ માંડ માંડ અનુભવાયો હોય ત્યાં તો એના મનમાં ગ્લાનિનાં ઘેરાં વાદળ ઊઠવા માંડતાંઃ આ કામના દુનિયા મને જેટલા પૈસા આપે તેટલા ઓછા છે. પણ ના, મારાથી ઓછી આવડતવાળા અને અડધાપડધા મનથી કામ કરનારાને લોકો મોંમાગ્યા પૈસા આપે છે, અને મને નહીં જેવા પૈસા આપવામાંય લોકો આનાકાની કરે છે. ક્યારેક એને થતું – કે તો પછી મને મારા કામમાં આ આનંદ શાથી આવે છે? બીજાઓની જેમ કામને બદલે પૈસાની વાત પહેલી કરવાનું મારાથી કેમ નથી થઈ શકતું? હું પૈસા સાથે કામને કેમ જોડી નથી શકતો? કામને બદલે પૈસાની વાત કરવાના વિચાર સુધ્ધાંથી મને એવું કેમ થઈ જાય છે કે જાણે હું ઘરાકને છેતરી લેવાનો હોઉં? પૈસાની વાત કરીશ, તો કામમાંથી મારો આનંદ ચાલ્યો જશે, હું નકામું કામ કરીને ઘરાકને બઝાડી દઈશ, એવું મને કેમ લાગે છે? પછી એ મન વાળી લેવા મથતો – કે હું મને બદલી શકતો નથી. દુનિયાને બદલી શકતો નથી. પૈસા મળે એવા કામમાં મને આનંદ આવતો નથી, અને ભરપૂર આનંદ આવે છે એવા કામમાં મને નહીં જેવા પૈસા મળે છે. એમાં હું કંઈ ફેરફાર કરી શકતો નથી. તો પછી મન શાંત રાખીને જેટલા ગૌરવભેર જીવી શકાય તેટલા ગૌરવભેર મારે આમ જ જીવી લેવું જોઈએ…

મનમાં આવું સમાધાન કરી લીધા પછી એ વધારે સહજતાથી પોતાનું કામ કરવા લાગતો. જોકે ઘરાકોને નવીનમાં કે એના કામમાં કોઈ ફેરફાર દેખાતો નહીં. એને જે અને જેટલું કામ મળે એ નવીન નિરપેક્ષ ભાવે કરતો રહેતો હતો.

એમ કામ કરતાં કરતાં ચારેક વર્ષ વીતી ગયાં. એક સાંજે ફુરસદ મળતાં નવીન દરિયાકિનારે ગયો. એ ડૂબતા સૂરજને રસથી જોઈ રહ્યો હતો. એવામાં દૂરથી આવતો ‘કોઈ દુઃખી?’નો પોકાર એના કાને અથડાયો. નવીન ઝડપથી ઊભો થયો અને કાકા પાસે ગયો. ‘કેમ, કાકા? કેમ છો? હજીય મને ઓળખો છો કે ભૂલી ગયા?’ નવીને પૂછ્યું.

‘અરે, નવીનભાઈ, તમારા જેવા કલાકાર માણસને એમ કંઈ થોડું ભૂલી જવાય છે? શું સમાચાર છે?’

‘બસ, મજામાં, કાકા, આમ જુઓ તો ઘણા દિવસથી હું તમને યાદ કરતો હતો. મારે તમને એક સવાલ પૂછવો હતો,’ નવીને કહ્યું.

હા, બોલો, નવીનભાઈ! શું પૂછવું છે?’ કાકાએ કહ્યું.

‘કાકા, તમે તો વર્ષોથી વેપાર-ધંધો બંધ કરી દીધો છે. તો પછી તમને આ કાળા અને સફેદ કલરના અવનવા ઉપયોગોની અને એવી બધી વાતોની કઈ રીતે ખબર પડે છે?’

કાકા હસ્યા. એમણે કહ્યું, ‘નવીનભાઈ, પહેલાં આપણે અહીં ક્યાંક બેસીએ, પછી હું તમને બધું સમજાવું.’ એક સરખી જગા જોઈને બન્ને દરિયાકિનારાની રેતીમાં ગોઠવાયા. ત્યાં ફરતા એક સીંગ-ચણાવાળાને બોલાવીને નવીને સીંગનાં બે પડીકાં લીધાં. એમાંનું એક કાકાને આપ્યું. સીંગ ખાતાં ખાતાં બન્ને વાતે વળગ્યા. કાકાએ કહ્યું, ‘એ ખરું કે હું ઘણા વખતથી વેપાર નથી કરતો, પણ તમે જાણો છો કે મારું ઘર ખાલીખમ છે. એ મને કરડવા આવે છે. એટલે સવારથી હું રોજ મારી પેઢીએ જઈને બેસું છું. સાંજે બે-ત્રણ કલાક સેવાની તક શોધવામાં ગાળું છું. એ પછી હું ઘરે જાઉં છું. મહારાજે રસોઈ તૈયાર રાખી હોય છે. જમું છું. થોડી વાર કંઈક વાંચું છું. પછી સૂઈ જાઉં છું. હું પેઢીએ હોઉં ત્યારે મારા જૂના સાથી-સોબતીઓ કે એમના દીકરા મને આંતરપાંતરે આવીને મળી જાય છે. ત્યારે અમે જૂના વખતને સંભારીએ. એમના ઘર-સંસારની ગૂંચો કે ધંધાની ખટપટની વાતોય થાય. મારા સેવાના અનુભવોની વાત હું પણ એમને કહું. હા, કોઈ દુઃખિયારાનું સાચું નામ હું મારા સોબતીઓને ન કહું. અમારી ગપસપમાં અમને દુનિયાની તરેહવારની ચીજો વિશે ખબર પડે. વળી મને મળનારા દુઃખી લોકોમાં બધા કંઈ ચીંથરેહાલ નથી હોતા. તમે કદાચ નહીં માનો, પણ દુઃખી લોકોને શોધવામાં મને ઘણા શ્રીમંત વેપારીઓ, ખાનગી અને સરકારી અફસરો, ઝૂંપડપટ્ટીમાં રહેનારા, જુલમનો ભોગ બનેલી સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, અરે, એટલી જાતના લોકોનો ભેટો થાય છે કે બસ. એમની પાસેથી દુનિયામાં રોજરોજ શું ચાલી રહ્યું છે એની મને જેવી ખબર પડે છે, એવી ભાગ્યે જ બીજા કોઈને પડતી હશે.’

એ પછી કાકાએ નવીનને એના કામ વિશે પૂછ્યું. નવીને પોતાના જુદા જુદા ઘરાકનું કયું કામ કેટલું રસપ્રદ હતું એની કાકાને વિગતે વાત કરી. અંધારું ઘેરું હતું. મોટા ભાગના ફરવા આવનારાઓ ક્યારના ઘર તરફ પાછા વળી ગયા હતા. એ જોઈને કાકાએ કહ્યું, ‘નવીનભાઈ, મોડું થાય છે. હવે મારે ઘરે જવું જોઈએ. નહીં તો નોકરો ચિંતામાં પડી જશે કે શેઠને કંઈ થઈ તો નહીં ગયું હોય!’

‘માફ કરજો, કાકા, મેં તમને મોડું કરાવી દીધું’, નવીને કહ્યું, ‘ના, ના. કંઈ વાંધો નહીં. ને પાછા પેઢીએ આવજો ક્યારેક’, કાકાએ કહ્યું.

‘એ ભલે, કાકા. હું ચોક્કસ આવીશ. આજકાલ જાણે કામનો મારો બહુ રહે છે. થોડીક ફુરસદ મળે એટલે એ બાજુ નીકળી આવીશ’, નવીને કહ્યું.

‘ભલે, ભાઈ’, કાકાએ કહ્યું. પછી એ બન્ને છૂટા પડ્યા.

એ વખતે પહેલી વાર કાકાને મળ્યા પછી નવીનના મનનો બોજ બમણો નહોતો થયો. કાકાનો આખો સંસાર એકઝાટકે સૂમસામ થઈ ગયો હતો, તોય એ પોતાના જીવનને ભર્યું ભર્યું બનાવીને જીવી રહ્યા હતા એ વાત નવીનને પ્રોત્સાહક લાગતી હતી. એને ઘણા લાંબા સમયે પહેલાં પોતે બનાવેલી ફૂલદાની કાઢીને જોવાનું મન થયું. એને ખાસ તો એ જોવું હતું કે એ એને હજીય અદ્ભુત લાગતી હતી કે નહીં, અને એણે બનાવેલો ફૂલદાનીનો નવો પદાર્થ એવો ને એવો જ રહ્યો હતો કે પછી એમાં કોઈ ફેરફાર થયો હતો. એણે કબાટમાંથી ફૂલદાની કાઢી. એણે ફૂલદાનીને ફેરવી ફેરવીને જોઈ. એ બહુ ખુશ થઈ ગયો. ફૂલદાનીનો ઘાટ એને પહેલાં કરતાંય વધારે અદ્ભુત લાગ્યો. એનો પદાર્થ પણ ઠીકઠાક અને મજબૂત લાગ્યો. નવીનને પોતાની આવડત માટે માન થઈ આવ્યું. એને ત્રણ-ચાર આછા રંગોની એક અફલાતૂન ગોઠવણી સૂઝી ગઈ. ફૂલદાનીને ત્યાં જ રહેવા દઈને એ બજારમાં જવા નીકળી ગયો.

બજારમાં એ પોતાની પરિચિત દુકાને પહોંચ્યો, પણ દુકાનમાં દાખલ થતાંવેંત એને લાગ્યું કે ભૂલથી એ કોઈ બીજી જગ્યાએ પહોંચી ગયો હતો. દુકાનમાં કાચની કેટલીક સુઘડ કૅબિનો બનેલી હતી. દરેકમાં એક-એક માણસ બેઠો હતો, અને એ પોતાના કામમાં લાગેલો હતો. નવીન પાછો વળવા જ જતો હતો, ત્યાં એક કૅબિનમાં એને પોતાનો ઓળખીતો પેલો જૂનો સેલ્સમૅન દેખાયો. નવીને હિમ્મત કરીને એની કૅબિનના બારણા પર ટકોરા માર્યા. સેલ્સમૅને એને અંદર આવવા ઇશારો કર્યો. નવીન અંદર ગયો એટલે એણે નવીનને બેસવા કહ્યું. પછી એણે નવીનને પૂછ્યું, ‘બોલો સાહેબ, શું કામ છે?’

નવીને કહ્યું, ‘પહેલાં અહીં રંગની દુકાન હતી ને?’ સેલ્સમૅને કહ્યું, ‘હા, જી. અત્યારે પણ અમે રંગનો જ વેપાર કરીએ છીએ.’ ‘હાલ તમારે ત્યાં કયા કયા રંગો મળે છે?’ ‘તમે માગો એ’, કહીને સેલ્સમૅને હજાર જેટલા કલર-શેડ્સની એક પુસ્તિકા નવીન સામે ધરી દીધી. નવીન હરખાઈ ઊઠ્યો. આ તો રંગોની મેળવણી કરવાની માથાકૂટ પણ ગઈ! એણે પાંચ જુદા જુદા શેડ્સ બતાવીને સેલ્સમૅનને પૂછ્યું, ‘આ રંગો મળી શકશે?’ ‘ચોક્કસ વળી. કેટલા કેટલા જોઈએ છે આ રંગો?’ સેલ્સમૅને પૂછ્યું. ‘સો-સો એમએલની એક-એક ડબ્બી પૂરતી થઈ રહેશે’, નવીને કહ્યું. નવીનની વાત સાંભળીને આંચકો લાગ્યો હોય એમ સેલ્સમૅન એને જોઈ રહ્યો. પછી એણે કહ્યું, ‘માફ કરજો સાહેબ, પણ એટલા ઓછા રંગો તો આજની તારીખમાં તમને ક્યાંય નહીં મળે. હાલમાં રંગનો વેપાર ટનના હિસાબે થાય છે. કોઈ પણ વેપારી તમને દસ ટનથી જરાય ઓછો માલ નહીં આપે.’

‘શું કહો છો? આ તો… આ તો.. હડહડતો અન્યાય કહેવાય. આમાં અમારા જેવા નાના માણસ ક્યાં જાય?’ નવીને ઉત્તેજિત થઈને કહ્યું. સેલ્સમૅન પહેલેથી નવીનને ધારીને જોઈ રહ્યો હતો. અચાનક એને નવીનનો દેખાવ અને એનો અવાજ પરિચિત લાગ્યા. એણે કહ્યું, ‘ઓહ, તો તમે એ જ ભાઈ છો જે કેટલાંક વરસ પહેલાં કાળા અને સફેદ રંગની ડબ્બીઓ લેવા અમારી દુકાને આવ્યા હતા!’ ‘હા, હા, હું એ જ છું’, નવીને થોડીક આશા સાથે કહ્યું. ‘તો, જુઓ વડીલ, તમે આ રંગો લેવાની વાત પડતી મૂકો. આજે આ બજાર એવું થઈ ગયું છે કે ન પૂછો વાત. નાના માણસોએ જરાય સુખથી જીવવું હોય તો એમણે રંગો ખરીદવાનો વિચાર કરવો જ નહીં. હું સાચું કહું છું’. પિસ્તાળીસની આસપાસ પહોંચેલા નવીનને લાગ્યું કે વર્ષો પછી એનાથી પારકાની સામે જાહેરમાં રડી પડાશે. થોડી વાર સુધી એણે રડવું આવતું અટકાવવા મથામણ કરી. પછી એણે સેલ્સમૅનને મૂંઝાઈને કહ્યું, ‘ભાઈ, તમારી વાત સમજી ગયો છું, પણ મને બસ એટલું જ કહો કે સો એમએલ જેટલા ઑઇલ પેઇન્ટનો આજે શું ભાવ થાય?’ સેલ્સમૅને મૂંઝાઈને કહ્યું, ‘સાહેબ, મેં તમને અગાઉ કહ્યું જ છે કે આજકાલ દસ ટનથી ઓછાનો વેપાર થતો જ નથી! નવીનની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એનો અવાજ ગળગળો થઈ ગયો. એણે હાથ જોડીને સેલ્સમૅનને કહ્યું, ‘ભાઈ, તમે કહો છો એ બધું હું બરાબર સમજું છું, પણ આ તો ખાલી મારા જાણવા માટે જ હું સો એમએલનો ભાવ પૂછું છું.’ ‘ભલે, ભલે. વાંધો નહીં’, કહીને સેલ્સમૅને નવીનને પીવા પાણી આપ્યું. પોતે પણ પીધું. એને નવીન ઉપર દયા આવી ગઈ. એણે કૅલ્ક્યુલેટર લઈને ગણવા માંડ્યું. વખતોવખત એ જુદા જુદા આંકડા એક પૅડ પર લખતો ગયો. સાતેક મિનિટ પછી એણે કહ્યું, ‘માની લોને કે સો એમએલ રંગ તમને લગભગ હજાર રૂપિયાનો પડે.’ એ સાંભળીને નવીનને ચક્કર આવી જતાં લાગ્યાં. નવીન સ્વસ્થ થાય એની રાહ જોતો સેલ્સમૅન બેસી રહ્યો.

થોડુંક ચેન પડતાં નવીન ઊભો થયો. સેલ્સમૅન પણ ઊભો થયો. નવીને એની સાથે હાથ મેળવતાં કહ્યું, ‘માફ કરજો, ભાઈ, મેં તમારો કીમતી સમય બગાડ્યો’. ‘ના, ના. એ તો મારી ફરજ હતી’, સેલ્સમૅને કહ્યું. પછી એણે નિસાસો નાખી ઉમેર્યું, ‘પહેલાં કે આજે, હું તમને ક્યારેય મદદ નથી કરી શક્યો એનું મને ઘણું દુઃખ થાય છે, સાહેબ. પણ દુનિયા જે રીતે બદલાઈ રહી છે, એમાં મારું કંઈ નથી ચાલી શકતું.’ ‘તમારા મનમાં ભલાઈ છે એય ઘણું છે’, નવીને કહ્યું. ‘સાચવીને જજો, વડીલ’, સેલ્સમૅને કહ્યું. ‘આભાર’, કહીને નવીન ત્યાંથી નીકળીને સીધો પોતાના ઘરે ગયો.

ઘરે પહોંચીને એણે નજાકતથી ફૂલદાની ઉપાડીને કબાટમાં મૂકી દીધી. એ જાણતો હતો કે ઘરાકનું કોઈ કામ એનાથી અત્યારે નહીં થઈ શકે. એ પાછો નીકળીને બહાર જમવા ગયો. જમવા ખાતર જમ્યો. પછી એ કાકાની પેઢીએ ગયો. ત્યાં કાકા ન હતા. એક નોકરે એને આવકાર આપીને બેસાડ્યો. અને કહ્યું કે ‘અચાનક કાકા માંદા પડી ગયા હતા એટલે ઘરે જ રહેતા હતા. એણે કાકાના ઘરનું સરનામું આપ્યું. નવીન કાકાને ત્યાં જતાં અચકાતો હતો. પણ નોકરે કહ્યું, ‘તમે બેફિકર થઈને ઘરે જાવ, અને એમને મળો. એમને બહુ સારું લાગશે. મૂંઝવણ અનુભવતો નવીન કાકાને ઘરે ગયો.

ઘરનો એક નોકર એને કાકાના ઓરડામાં લઈ ગયો. એને જોઈને કાકાએ એને ખુરસી પોતાના ખાટલા પાસે ખેંચીને બેસવા કહ્યું. પછી ધીમા પણ ચોખ્ખા અવાજે પૂછ્યું, ‘કેમ નવીનભાઈ, શું ખબર છે?’ નવીને કહ્યું, ‘બસ, કાકા, આ રોજનાં કામકાજમાં અટવાયેલો રહું છું. પણ તમે… તમને અચાનક આ શું થઈ ગયું?’

પથારીમાં બેઠા થતાં કાકાએ કહ્યું, હું ક્યારેય માંદો નથી પડતો. અત્યારેય નથી પડ્યો. પણ ભાઈ, હવે ઘડપણની અસર વર્તાય છે. ઘરમાં પડ્યા રહેવાનું ગમતું નથી’. એક નોકરે આવીને નવીનને લસ્સીનો ગ્લાસ અને કાકાને દૂધનો ગ્લાસ આપ્યો. કાકાએ વાત આગળ ચલાવી, ‘નવીનભાઈ, તમે અહીં આવ્યા એ બહુ સારું કર્યું. કંઈ નવાજૂની સંભળાવો.’

‘અરે, કાકા, આજકાલ તો દુનિયા બહુ ગજબ રીતે ચાલે છે.’ કાકા માંદા હતા એ યાદ આવતાં નવીન અટકી ગયો. ‘કેમ, નવીનભાઈ, અટકી ગયા?’ કાકાએ પૂછ્યું. ‘ના’, નવીને કહ્યું, ‘તમારી તબિયત સારી નથી અને હું લાંબી વાત ઉખેળવા બેઠો.’ કાકાએ કહ્યું, ‘ભાઈ, મને કમ્મરમાં અને ગોઠણમાં દુખાવો રહે છે. એને લીધે હરતુંફરાતું નથી. બાકી હું ગમે તેટલી વાતચીત કરું, ડૉક્ટરે એની જરાય ના નથી પાડી. ઊલટું વાતચીત તો મારા માટે દવાનું કામ કરે છે. એનાથી મને બહુ સારું લાગે છે. સાચું કહું છું. તમે ચાલુ રાખો.’

‘કાકા, આપણે મળ્યા એ પછી હું એક રંગવાળાની દુકાને ગયો હતો. રંગવાળાઓની કારભારની રીત સાવ બદલાઈ ગઈ છે. એ લોકો એરકન્ડિશન્ડ કૅબિનોમાં બેસે છે. આજુબાજુમાં રંગની એકાદ ડબ્બી કે ડબ્બોય નથી હોતો. બસ, એ લોકો તમને એક શેડ-કાર્ડ આપે. તમારે કલર પસંદ કરીને ઑર્ડર લખાવવાનો અને… અને તમે નહીં માનો, પણ એ લોકો દસ ટનથી ઓછો કલર આપતા જ નથી. કાળો અને સફેદ જ નહીં, કોઈ પણ કલર. એટલું જ નહીં, ફક્ત સો એમએલ કલરના લગભગ એક હજાર રૂપિયા જેટલું થાય. વળી દુકાનદાર મને કહે કે – ભાઈ, આજે મામૂલી માણસે સુખેથી જીવવું હોય, તો એણે રંગનો વિચાર જ નહીં કરવાનો! આનું તમે શું કહેશો?’ નવીને કહ્યું.

‘ઓહ, તમને હમણાં ખબર પડી? આ પરિસ્થિતિ તો છેલ્લાં ત્રણેક વર્ષથી છે’, કાકાએ સર્વજ્ઞની અદાથી કહ્યું.

‘ઠીક, એટલે હંમેશ મુજબ આ વખતેય તમને મારા કરતાં પહેલાં ખબર પડી,’ નવીને કહ્યું.

‘આ તો આજે કોઈ મને મળવા આવ્યું નથી, એટલે આપણે નિરાંતે વાતો કરી શકીએ છીએ’, નહીં તો ચાર-છ માણસ રોજના આવતા જ હોય. પછી મને અલકમલકની ખબર ન પડે? તમે તમારી મસ્તીમાં મસ્ત રહેનારા માણસ. તમે તમારી જુદી જ દુનિયામાં, કલ્પનાની દુનિયામાં જીવતા હો છો, એટલે આ દુનિયા વિશે તમને વધારે ખબર ન હોય, એ દેખીતું છે,’ કાકાએ કહ્યું.

‘ના, ના, કાકા, તોય સાવ એવું ન હોવું જોઈએ. ભૂખ લાગે ત્યારે મનેય બીજા બધાની જેમ ખબર પડે છે, એટલી હદ સુધી તો હું દુનિયાનો અને આ દુનિયામાં છું જ છે. દુનિયાની ઘણી ચીજો બાબત મને બહુ મોડી ખબર પડે છે. એનો મને અફસોસ છે અને રહેશે,’ નવીને કહ્યું.

‘અરે ભાઈ, એમ શું અકળાવ છો?’ ખાઓ-પીઓ અને મસ્ત રહો. તમે મને એ કહો કે ગમે તેટલા ભૂખ્યા હો તોય શું તમે કોઈ અસહાય માણસ પાસેથી એનું ખાવાનું ઝૂંટવી લેશો? ઊલટું તમારી પાસે જે કંઈ હોય એય તમે અસહાય, લાચાર માણસને આપીને જાતે દુઃખ વેઠી લેશો,’ કાકાએ કહ્યું.

હા, તમારી એ વાત ખરી છે,’ નવીને કહ્યું.

‘બસ, એક દુનિયાદાર માણસ, મામૂલી માણસ અને એક કલાકારમાં એ જ મોટો ફેર હોય છે,’ કાકાએ કહ્યું.

‘કાકા, હું તમારી ફિલસૂફી અને અનુભવને દાદ આપું છું. પણ મને એક સવાલ થાય છે…’ નવીને વાત અડધી મૂકી.

‘હા, બોલો, બોલો, નવીનભાઈ’, કાકાએ કહ્યું.

‘ના, કાકા, તમે થાકી ગયા હશો. આરામ કરો. હવે હું જઈશ. ફરી કોઈ વાર આવીશ’, નવીને કહ્યું.

‘નવીનભાઈ, પહેલાં તમે બેસો અને જે પૂછવું છે તે પૂછો. મને જરાય થાક નથી લાગ્યો. બોલો. તમારો સવાલ શું છે?’ કાકાએ પૂછ્યું.

‘કાકા, આ કાળા અને સફેદ કલરના અવનવા ઉપયોગો વિશે તમે મને જે કહ્યું તે સમજાય એવું છે. પણ આ બાકીના રંગોનું શું થયું? એ કેમ આટલા મોંઘા થઈ ગયા છે? એમનો આટલો બધો ઉપાડ શાથી થાય છે?’ નવીને પૂછ્યું.

‘નવીનભાઈ, એવું છે કે માણસ જ્યારે પોતાની માલમતાને કાળા રંગથી રંગીને અદૃશ્ય કરતાં શીખી ગયોને, ત્યારથી ગરબડની શરૂઆત થઈ ગઈ. પછી એ સફેદ રંગથી રંગીને એને પાછી દેખાય એવી બનાવવામાં પાવરધો થયો. એ પછી જે થયા વિના ન રહે, તોય જે ન થવું જોઈએ, એ થયું. માણસને બસ રંગો વાપરવાનો ચસકો લાગી ગયો. હું કહું છું તે સમજાય છેને?’ કાકાએ પૂછ્યું.

‘હા, કાકા, તમે ચાલુ રાખો’, નવીને કહ્યું.

કાકાએ વાત આગળ ચલાવી, ‘જો તમે આકાશને અડી શકો તો તમારા નખથી સહેજ ખોતરી જોજો…વાદળને, મેઘધનુષ્યને, ફૂલને, પાનને, ફળને, માણેકને, મોતીને, માટીને, પહાડને, ઝરણાને, અનાજના દાણા, પશુને, પક્ષીને, તમને ઠીક લાગે એ વસ્તુને સહેજ ખોતરી જોજો. એના ઉપરથી ઊખડેલો રંગનો પોપડો તમારા નખને વળગ્યો હશે… કાકાએ કહ્યું.

‘ના, કાકા, તમારી આ વાત હું જરાય માની શકતો નથી! માણસને આ બધું રંગવાની શું જરૂર છે?’ નવીને ઉશ્કેરાઈને કહ્યું.

‘હશે… સારું, નવીનભાઈ, તમે મને ફક્ત એટલું કહો કે માણસે એવી કોઈ વસ્તુ બાકી રાખી છે, જેને એણે પોતાના ‘હાથના મેલ’થી મેલી ન કરી હોય? હું માનું છું કે તમે અપવાદરૂપે પણ મને એવી એક વસ્તુ નહીં બતાવી શકો. દુનિયાના ખેરખાંઓ પોતાના હાથથી મેલી થયેલી વસ્તઓને અસલનાં ચિત્રો, ફોટા વગેરે સાથે સરખાવીને રંગાવી રહ્યા છે. અત્યારે એ લોકો બધા રંગો વાપરી રહ્યા છે. એમણે રંગાવેલી વસ્તુઓ મામૂલી માણસને વાપરવા મળશે જ. એટલે મામૂલી માણસને પોતાને કંઈ રંગવાની જરૂર પડે, એમ એ લોકો નથી માનતા. આમાં હવે છેલ્લામાં છેલ્લી તમને કંઈ ખબર હોય તો કહો,’ કાકાએ કહ્યું.

‘ના, કાકા. મારા માટે તો આ જ પહેલામાં પહેલી ખબર છે. ઠીક. હવે હું જઈશ. મને બહુ થાક લાગી રહ્યો છે,’ નવીને કહ્યું.

‘જરા થોભો,’ કાકાએ કહ્યું, ‘નવીનભાઈ, હું તમારું દુઃખ સમજું છું. એક દિવસ હું અચાનક દુઃખમાં સપડાઈ ગયો, ત્યારે મેં દુઃખી લોકોને શોધવા માંડ્યા. અને હું હળવોફૂલ બની ગયો. તમે તો ‘કલાકાર’ છો. જન્મથી જ તમને આકારો અને રંગોની ગોઠવણીની શોધ કરવાનું વરદાન મળ્યું છે. એમાંથી જ તમને તમારું સુખ મળશે, બીજી કોઈ રીતે તમને સુખ નહીં મળી શકે. મારી વાત યાદ રાખજો, અને ધીરજ રાખજો. બસ, આવજો ત્યારે.’

સારું, કાકા’, કહીને નવીન કાકાને ત્યાંથી બહાર નીકળ્યો. ઘરે ગયો. એ સમૂળગો હચમચી ઊઠ્યો હતો. ભયભીત થઈ ગયો હતો. શું દુનિયા કાકાએ વર્ણવી હતી તેવી માયાવી હતી? તો શું એ પોતે દુનિયાની વાસ્તવિકતાથી તદ્દન અજાણ હતો? કલાકો સુધી એ ઊંડા આઘાતમિશ્રિત દુઃખમાં ડૂબેલો રહ્યો.

આજુબાજુની કોઈ પણ વસ્તુ પોતાનાથી ભૂલથીય ખોતરાઈ જાય તો? તો એ વસ્તુનો મૂળ રંગ કેવો નીકળે? દુનિયાની ગમે તે વસ્તુ ઉપરનો રંગનો જરા જેટલોય પોપડો ન ઊખડે એ બાબત એણે સતત સાવધ રહેવું પડશે, એ ખ્યાલથી એ બેબાકળો બની ગયો.

શું એણે માથાના દુખાવાની ગોળી લેવી જોઈએ? ઊંઘની ગોળી લેવી જોઈએ? ના, કાકાએ બતાવેલી દુનિયા સાક્ષાત્ નરકનું ચિત્ર હોય, અત્યંત ડરામણું હોય, તોય એની સામેથી એ ન ખસી શકે. ગમે તેવી ભયાનક હોય, તોપણ, કદાચ, એ એની સાવ એકલાની લડાઈ હતી.

મોડી રાત ગયે એની આંખ બિડાઈ. જેમતેમ બે-એક કલાક માટે એને ઊંઘ આવી, અને અચાનક ઊડી ગઈ. કાળા રંગથી રંગેલા રૂપિયા, પૈસા, જર, જમીન; ધોળા રંગથી રંગેલાં માલમિલકત, વાડીવજીફા; લોભામણા રંગોથી રંગેલાં મોતી, માટી, મેઘધનુષ્ય, સૂરજ, ચાંદો, વાદળ, આકાશ, ગુલાબ… એ ગુલાબને મૂકવા માટે એક કાબરચીતરી ફૂલદાની?

એક પ્રચંડ કિચૂડાટ સાથે નવીનના મનમાંનો વિશાળ દરવાજો ઊઘડી ગયો.

નાહીધોઈને નવીન કાકાને ત્યાં ગયો. કપડાની થેલીમાંથી ફૂલદાનીને બહાર કાઢી કાકા સામે ધરતાં નવીને સૌમ્ય પ્રસન્નતાથી કહ્યું, ‘કાકા, જુઓ આ મારી ફૂલદાની. છેને સુંદર? વળી ન તો એની ઉપર જરાય મેલ લાગ્યો છે કે ન એની ઉપર ખોતરી શકાય એવા રંગનું કોઈ પડ છે…’

‘કાકા, નાનપણમાં સાંભળ્યું હતું કે જૂના જમાનામાં લોકો પાસે પારસમણિ હતો, જેના સ્પર્શ વડે તેઓ કથીરમાંથી કંચન બનાવતા. આ જમાનામાં લોકો કાળાધોળા અને બીજા રંગોના પારસમણિ વડે કંચનમાંથી કથીર બનાવે છે… અને, અફસોસ, તેઓ એમ માને છે કે પાછું તેઓ કથીરમાંથી કંચન બનાવી શકે છે. ગઈ કાલ સુધી મને આ પારસમણિ વિશે ખબર ન હતી. આજે ખબર છે. પણ હું પારસમણિનો ઉપયોગ કરવાનું પાપ ક્યારેય નહીં કરું. આ ઘડીએ, સાચે જ, હું દુનિયાનો સહુથી સુખીમાં સુખી માણસ છું.’ (૧૯૯૨)