સોરઠી સંતવાણી/કરો ને ઓળખાણ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કરો ને ઓળખાણ| }} વ્યક્તિવંત સાચા સાધુઓની પિછાન તોળલ સતી આપ...") |
(No difference)
|
Revision as of 10:25, 26 April 2022
વ્યક્તિવંત સાચા સાધુઓની પિછાન તોળલ સતી આપે છે.
મારું મન બાંધ્યું રે શૂરવીર સાધસેં હાં રે હાં.
જેને રુદિયે વસ્યા લાલ ગુંસાઈ મારા વીરા રે!
હકે રે હાલો ને પ્રીતે હુઈ મળો રે
સાચે દિલે કરોને ઓળખાણું, મારા વીરા રે! — મારું મન.
તોળી કહે,
આંખુંના ઉજાગરા વીરા તમે કાં કરો હાં-હાં-હાં
નયણે નિરખી નિરખી જુઓ, મારા વીરા રે!
આંજણુંના આંજ્યા રે ભૂલા કાં ભમો?
હાથમાં દીવો લઈ કાં પડો કૂવે, મારા વીરા રે! — મારું મન.
તોળી કહે,
કાલર ભૂમિમાં બી મત વાવીએં હાં-હાં-હાં
પાતર જોઈ જોઈ તમે પેખો, મારા વીરા રે!
જોત્યુંને અંજવાળે દાન રૂડાં દીજીએં,
માણેક નમી નમી લીજેં, મારા વીરા રે! — મારું મન.
તોળી કહે,
સ્વાંતીના મે જળધારા વરસે હાં-હાં-હાં
એની તમે નીપજ લેજો ગોતી મારા વીરા રે!
વશિયલને મુખે વખડાં નીપજે,
છીપ-મુખ નીપજે સાચાં મોતી, મારા વીરા રે! — મારું મન.
તોળી કહે,
સાધુને ઘેર સતગુરુ પ્રોણલા હાં-હાં-હાં
એને કેડો આદર દેયીં; મારા વીરા રે!
અંગનાં ઓશીકાં, દલનાં બેસણાં,
પગ ધોઈ પાહોળ પીયીં, મારા વીરા રે! — મારું મન.
તોળી કહે,
મનના માનેલા મુનિવર જો મળે હાં-હાં-હાં
દલડાની ગુંજ્યું કરિયેં, મારા વીરા રે!
જાડેજાને ઘરે તોરલ બોલિયાં,
આપણી કમાયુનાં ફળ તો લેયીં, મારા વીરા રે! — મારું મન.
અર્થ : મારું મન શૂરવીર સાધુઓ પર મોહ્યું છે : જેના રૂદિયામાં પ્રભુ વસ્યા હોય તેવા સાધુ ઉપર. ઓ મારા વીરાઓ! હકદાવે આવો, ભાવથી સૌ મળો, સાચાં દિલની ઓળખાણ કરો. સત્યની શોધમાં તમે નકામા ઉજાગરા શા માટે કરો છો, ઓ ભાઈઓ? નયનથી નિરખી તો જુઓ! નેત્રોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કાં માર્ગ ભૂલો? દીવો હાથમાં છે છતાં કાં અજ્ઞાનના કૂવામાં ડૂબો? ઓ બાંધવો! નબળી જમીનમાં બીજ ન વાવતા. સુપાત્રો જોઈ તપાસીને જ તેનો સત્કાર કરજો. ભક્તિની જ્યોતને અજવાળે જોઈ સમજીને દાન દેજો. અને માટીમાં વેરાયેલાં માણેકરૂપી સત્ય-રત્નો નીચાં નમી નમીને વીણી લેજો. સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદે બે વસ્તુઓ નિપજાવી : વશિયલ (વિષધર) સાપના મોંમાં પડીને એણે વિષ પેદા કર્યું. છીપને મોંયે ટપકીને એણે મોતી મૂક્યાં. સજ્જનોની હૃદય-સીપલીમાં શિયળનાં મોતી સંચરાવ્યાં. ઓ ભાઈઓ મારા! જુગતેથી ગોતી લેજો. બધેય ભક્તિરસની એક જ સરખી નીપજ ન ગણી લેતા. સાધુજનને ઘેર સદ્ગુરુ પરોણા બને, તો એનો કેવો સત્કાર કરશું? દેહનાં ઓશિકાં ને દિલમાં આસન દેજો. એના પગ ધોઈને અંજલિ પીજો. હે વીરાઓ! એમાં ખાસ મનના માનેલા મુનિવર મળે, તો જ એને દિલની છૂપી વાતો કહીએ. જાડેજા જેસલને ઘેર તોળલ રાણી બોલ્યાં કે હે વીરા! સુકૃતિની કમાઈનાં ફળ લેજો.