ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/યોગેશ જોશી/ગંગાબા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ટ્રેનની ગતિ જાણે ઓછી થઈ ગયેલી. ના, ટ્રેન તો એ જ ઝડપથી ચાલતી હતી,...") |
(No difference)
|
Revision as of 05:19, 19 June 2021
ટ્રેનની ગતિ જાણે ઓછી થઈ ગયેલી. ના, ટ્રેન તો એ જ ઝડપથી ચાલતી હતી, પણ વતન હવે નજીક હતું ને!
વતન કહેતાં જ સાંભરે મોટીબા, એ ઘર, એ શેરી — નવરાત્રિમાં ગરબે ઘૂમતી, દિવાળીમાં ઘીના દીવાઓથી ઝગઝગતી, શ્રાવણ મહિનામાં ગંગાબાની વ્રતકથાઓ સાંભળતી ને જાગરણ કરતી, અમારા શૈશવથી છલકાતી; રમતી ખિસકોલી જેવી…
ગંગાબા યાદ આવતાં જ સાંભરે છે એ દૃશ્ય — ગંગાબાએ અમારાં મોટીબાને બ્લાઉઝ ખોલીને બતાવેલું. બાપ રે, કેવા સૉળ પડેલા! પતિ આટલી હદે મારઝૂડ કરે! એક પૈસોય કમાવું નહીં, આખો દિવસ રખડવું ને ગંગાબા પર આવો જુલમ કરવો! ગંગાબાના શરીર પરના એ સૉળ જોઈને મારા શિશુહૃદય ઉપરેય સૉળ ઊઠેલા, જે હજીય એવા ને એવા જ છે મારા હૃદય પર.
ટ્રેન ધીમી પડી.
ક્યારે ટ્રેન ઊભી રહે ને ક્યારે ઊતરું.
વતનમાં ઊતર્યો ત્યારે અંધારું થઈ ગયેલું. સ્ટેશન બહાર નીકળ્યો તો — કાળી લાંબી આસ્ફાલ્ટની સડક! બંને બાજુ ફૂટપાથ! અને મ્યુનિસિપાલિટીએ વાવેલાં, પણ હજી નહીં ઊગેલાં વૃક્ષો! મનમાં થયું શું આ મારું જ ગામ?
મારી આંખો જાણે શોધવા લાગી — સ્ટેશન બહાર નીકળતાં જ ડાબી બાજુએ હતી એ રામભાઈ સીંગવાળાની પતરાંની કેબિન, જમણી બાજુ પરનું એ આંબલીનું વિશાળકાય વૃક્ષ, જ્યાં વાદળી ચડ્ડી ને સફેદ ખમીસ પહેરીને કાતરા ખાવા જતા. રસ્તાની બંને બાજુએ ઊભરાતાં મબલક ખેતરો. મબલક પાક હવામાં જાણે ભાંગના નશામાં હોય એમ ડોલતો. એમાંય રાઈનાં ખેતરોમાં પીળચટ્ટાં ઢગલેઢગલા ફૂલો પર સાંજનું આકાશ એનો સિંદૂરિયો રંગ છાંટતું હોય ત્યારે તો અદ્ભુત દૃશ્ય સર્જાતું. ખેતરની વચ્ચે બાંધેલા માંચડામાં સૂવાની કેવી મજા આવતી! ઉપર આકાશ ને નીચે ધરતી! ખેતરમાં ઊગેલા મબલક પાકમાંથી પવનના પસાર થવાનો કેવો મજાનો સુગંધીમય અવાજ આવતો! જાણે કોઈ હાલરડું ગાવા માટે રેશમી આલાપ શરૂ ન કરતું હોય! માંચડામાંની ઠંડી ગોદડીમાં પડ્યા પડ્યા એક પછી એક ઊગતા જતા તારાઓ જોવાની મજા તો અદ્ભુત! ઉત્તરમાં પેલો તારો ઊગ્યો… એ નૈઋત્યમાં ઊગ્યો… પાછો પણે એક તારો ઊગ્યો…! સેકંડે સેકંડે પ્રગટતા જતા તારાઓની લીલા જોતાં જોતાં જ નિદ્રાદેવી તાણી જતી પરીઓના દેશમાં! ક્યારેક મધરાતે જાગી જઈએ ત્યારે તો એટલા બધા તારાઓ ઊગી ગયા હોય કે પ્રશ્ન થાય કે હવે બીજા તારાઓને ઊગવું હશે તો ક્યાં ઊગશે? મધરાતે સોળે કળાએ ખીલેલી ચાંદની, રાઈનાં પીળાં ફૂલો પર મન મૂકીને વરસતી હોય ત્યારે રાઈનાં ખેતરોનું જુદું જ રૂપ જોવા મળે. રાઈનાં ફૂલો પર કે તૈયાર થઈ ગયેલાં ઘઉંનાં સુક્કાં કણસલાં પર કે રાજગરાનાં રાતાં ને જાંબલી ફૂલો પર મધરાત પછી ચૂપચાપ વરસતી ચાંદનીનું રૂપ જેણે જોયું નથી એને તો આવી મજાનો ખ્યાલ જ ન આવે. વળી, વરિયાળીનાં ખેતરોમાં, વરિયાળીના દાણા ફૂટવાની શરૂઆત થઈ હોય તેવે વખતે વરિયાળીની જે મીઠી તાજી લીલી સુગંધ આવે… અહા! ને એમાં ભીની માટીની સુગંધ પણ ભળી હોય. આવી સુગંધ જેણે અનુભવી નથી એને સુગંધના અર્થની ખબર જ શી રીતે પડે? પાણી પાયું હોય એ વખતે ઉનાળાની સાંજે ખેતરમાં, ભીની ખારયુક્ત માટીની ને સુક્કા ઘાસની મિશ્રિત ગંધવાળી માદક હવામાં, જેવી મીઠી તાજી શીતળતા અનુભવાય એવી શીતળતા એરકંડિશન્ડ રૂમમાં તો ક્યારેય ન મળે. અહા! કેટકેટલું એકસામટું સાંભરે છે આજે એ ધરતી! ગંગાબા! ખેતરો! થોરની વાડમાંનાં કારેલાં ને કંકોડાંના વેલા! થોરની વાડ વચ્ચેથી દોડતો ધૂળિયો રસ્તો — રસ્તે પડેલા ગાડું પસાર થયાના લિસોટા; જેના પર નાની નાની પગલીઓ પાડતાં અમે એકબીજાનું ખમીશ પકડીને છુક છુક… બોલતાં ચાલતાં… ને ધૂળમાં પડેલાં પક્ષીઓનાં પગલાં જોઈને એ પગલાં કયા પક્ષીનાં છે એ ઓળખતાં! મને તે બધાંય પગલાં મોરનાં જ લાગતાં! વગડાના ભર્યા ભર્યા એકાન્તમાં કળા કરતા મોર, સારસી, લેલાં, દેવચકલીઓ, લક્કડખોદ, પોપટ, બગલાં… એ બધાં અત્યારે ક્યાં ગયાં હશે? શું કરતાં હશે? રસ્તામાં વચ્ચે વચ્ચે લીમડા, બાવળ ને આંબા. અત્યારેય જાણે ભીની લીંબોળીની મહેંક અનુભવાઈ ને કાચી કેરીનો સ્વાદ જીભને ટેરવે ઊભરાયો.
‘ક્યાં જવું છે સાહેબ?’ રિક્ષાવાળાએ પૂછ્યું ત્યારે હું ભૂતકાળમાંથી બહાર નીકળ્યો. ઓ હો! રિક્ષાય આવી ગઈ છે કે? ક્યાં ગયો હુસેન ઘોડાગાડીવાળો? ઝળાંહળાં થતી વીજળી ને લાઇટોનાં ઝૂમખાં મારી આંખોમાં નક્ષત્રોની જેમ ચળકી રહ્યાં! ત્યાં જ વરસાદ ઝીંકાવો શરૂ થઈ ગયો.
રિક્ષામાંથી ઊતર્યો. અરે! શું આ જ અમારી શેરી? રૂપરંગ બદલાઈ ગયેલાં. વરસાદનાં મોટાં મોટાં બર્ફીલાં ટીપાં શરૂમાં તો જાણે શરીરને વાગ્યાં ને ઠંડીને લીધે ઝણઝણાટી થઈ આવી. ઝૂં ઝૂં કરતો જોરથી પવન ફૂંકાતો હતો. શેરીમાં દાખલ થયો ત્યાં જ લાઇટો ગઈ! અંધારું ધબ! કશુંય દેખાય નહીં. ખાબોચિયાં ભરાયેલાં એનીય માત્ર પગને જ ખબર પડે. છબ્ છબ્ કરતો આંધળાની જેમ હાથ ફંફોસતો એક-બે ડગલાં તો ચાલ્યો પણ પછી થયું કે ક્યાંક કૂતરું-બૂતરું બેઠું હશે ને પગ પડશે તો… ચૌદ ઇન્જેક્શનની બીકે ત્યાં જ ઊભો રહ્યો. થયું કે લાઇટ આવે તો સારું અથવા આજુબાજુનાં ઘરોમાં ફાનસ કે મીણબત્તી સળગે તોય આછુંપાતળું અજવાળું આવે ને આગળ જઈ શકાય. પણ બધાં જ ઘરો જાણે એકમેકને ચપોચપ બાઝીને સ્તબ્ધ થઈને સૂતાં હતાં. વર્ષાની ધારાઓ ઝીંકાવાથી પતરાનાં છાપરાં ધમધમી રહ્યાં હતાં. મોટાં શહેરોમાં અગાસી હોવાથી વરસાદનો વેગ કાન વડે તીવ્રપણે ન અનુભવાય. ઘણાં વર્ષો પછી આવો પતરાનાં છાપરાંનો અવાજ સાંભળી જાણે કે કાન પણ પ્રફુલ્લિત થયા. ત્યાં જ વીજળીનો કડાકો થયો. છાપરેથી રેલાતી ધારાઓ ચળકી ઊઠી ને સામેના ઓટલે જોયું તો ગંગાબા બેઠેલાં!
વીજળીના ઝબકારામાં એકાદ ક્ષણ એમનો ચહેરો દેખાયો. વીતેલાં વર્ષોએ પાડી દીધેલી અસંખ્ય કરચલીઓવાળો ચહેરો. ચહેરો નહીં, ખોપરી તથા હાડકાંને ચોંટી રહેલી જર્જરિત ચામડીમાત્ર! ઊંડી ઊતરી ગયેલી આંખો. તૂટી ગયેલી ફ્રેમની જગ્યાએ દોરી બાંધીને આંખો પર ગોઠવેલાં ચશ્માં. જાડા કાચને કારણે આંખો કો’ક શબના ફાટી ગયેલા ડોળા જેવી લાગી. અણિયાળું નાક, લબડી પડેલો નીચલો હોઠ, આગળ ધસી આવેલી હડપચી. વીજળીનો ઝબકાર બંધ થતાં જ ફરી અંધારું ધબ! પણ ગંગાબાનો ગાવાનો ઘેઘૂરો અવાજ શરૂ થયોઃ ‘તીતી આયોં તૈણ… તનં ગમ ઈંન પૈણ…’
હું ચોંક્યો. ગંગાબાના અવસાનને તો પાંચ-છ વરસ થઈ ગયાં. આ કોણ ગાય છે? રૂંવાડેરૂંવાડું ખડું થઈ ગયું! વરસાદથી લથરપથર દેહ ઉપર પણ પરસેવો વળી ગયો. આખાય શરીરમાં વીજળીની જેમ ધ્રુજારી પ્રસરી ગઈ ને હું લપસી પડ્યો વીતેલાં વર્ષોમાં…
‘લ્યા મુન્નાડા, ચ્યમ બાબલાનં રોવડાવ સ? ઈનં લઈનં ઓંય આય પૅલ્લા પર.’
બાબાને રડતો સાંભળીને ગંગાબા તરત બૂમ પાડે, અને પછી અમે ત્રણેય ભાઈઓ ગંગાબા પાસે ઓટલે બેસીએ. ગંગાબા ઓટલાને ‘પૅલ્લો’ કહે. પડોશમાં રહેતી દામિનીને ‘દૉમની’ કહી બોલાવે. ઍલ્યુમિનિયમના વાસણને ‘અલીમલી’નું વાસણ કહે, ક્યારેક મને પોસ્ટકાર્ડ લેવા મોકલે અને કહે, ‘જા, રપ્લાય ક્યાડ લીયાય. બે ક્યાડનું જોડકું લાબ્બાનું, હમજ્યો ક નંઈ?’ કબૂતરને ‘હાબૂતર’ કહે.
આખીય શેરીની ચેતના ગંગાબાના ‘પૅલ્લા’માં વસે!
ગંગાબા પૅલ્લે બેઠાં હોય. પાસે જૂની રેશમી સાડીના કકડામાંથી બનાવેલ મંદિરમાં લઈ જવા માટેનો નાનકડો બટવો હોય. બટવામાં રૅશનિંગની લાલ જારના દાણા રાખ્યા હોય. ઉપરાંત કાણિયો પૈસો તથા એક નવા પૈસાના તાંબાના કેટલાક સિક્કા હોય. ધીરેથી રેશમની દોરી ખેંચીને તેઓ બટવો ખોલે ને એમાંથી જારના દાણા કાઢીને આંગણામાં વેરતાં જાય. હુંય ઘેરથી એક વાટકીમાં દાણા લઈ આવું ને એમની પાસે બેસું. આંગણું સરસ મજાનું લીંપેલું હોય. ઓકળીઓની સરસ મઝાની ડિઝાઇન રચાઈ હોય. લીંપણ તાજું હોય ત્યારે તો તાજા લીંપણની ગંધ પણ આવે. તેમના આંગણામાં સહેજ પણ ધૂળ ના હોય. એક વાર મેં સહેજ જોરથી દાણા ઉછાળ્યા. તો લીંપણની ઓકળીઓથી દૂર ધૂળમાં જઈને પડ્યા ને ગંગાબાનો મિજાજ છટક્યો — ‘આ ઓંગણું હું કરવા લેંપ્યું સ? તારી ખાવાની થાળીમોં કોઈ ધૂળ નાખ તો? બચારોં હાબૂતરોંના મૂઢામોં ધૂળ નોં જાય?’
પણ બીજી જ ક્ષણે એમનો ગુસ્સો ટાઢો પડે ને શાંતિથી સમજાવે, ‘જો બેટા, ધૂળમોં દોણા નોં નાખીએ, હોં!’
કબૂતરાં તથા ચકલાં ગંગાબાના આંગણામાં ચણતાં હોય. ક્યારેક ક્યારેક ખિસકોલીોય આવે. ને ખોબામાં દાણા લઈ રૂંછાં રૂંછાંવાળી પૂંછડી અધ્ધર રાખી પટ પટ પટ ખાવા મંડે. ખિસકોલીને તેઓ ‘ખલી’ કહે. તર્જનીસંકેત કરીને તેઓ બાબાને કબૂતરાં બતાવે ને પછી રાગ કાઢીને બોલે, જો! જો! બા…બ….લા… તી તી આયોં… જો, જો, જો, તી… તી… તી… તી…! ને આટલી વારમાં તો મનમાં જોડકણું જોડી કાઢ્યું હોયઃ
‘તીતી આયોં તૈણ તનં ગમ ઈંન પૈણ..’
આવાં તો કંઈ કેટલાંય જોડકણાં તેઓ જોડી કાઢતાં ને રાગ કાઢીને ગાતાં.
‘મમરા ખાવા મુન્નો બેઠો પૅલ્લે કુરકુરિયાનં શીંગડું માર્યું રેલ્લે.’
‘બા,’ હું તરત બોલી ઊઠું, ‘રેલ્લાને તો શીંગડું ન ઊગ્યું હોય!’
ત્યાં જ ગંગાબા ગરજે — ‘આવડો મોટો ઊંટિયા જેવડો થયો તે તનં તો ખબેર પડ. પણ મુન્નાડાનં ખબેર પડ સ ક નંઈ એ માર તો જોવું’તું!’
શેરીનાં નાનાં ભૂલકાંઓની બુદ્ધિથી ધાર કાઢવાનું કામ પણ જાણેઅજાણે તેઓ કરતાં. ઘણી વાર જાતજાતનાં ઉખાણાંય કહેતાં. જાણે ગંગાબા એટલે જ બાળસાહિત્ય. મારા મનમાં એમનાં જોડકણાંની ઊંડી અસર તે એક વાર શેરીમાં પ્યાલાબરણીવાળી દાખલ થઈ ને રાગ કાઢીને બોલી—
‘પ્યા… લા બઈણી…’
‘કની જોડે… પઈણી…’ કોણ જાણે શું સૂઝ્યું તે હું બોલી ઊઠ્યો. ત્યાં તો ‘મેર મુઆ, મારા રોયા…’ કહેતાં ગંગાબા જાળી ખોલીને ધૂંઆપૂંઆ થતાં આવ્યાં બહાર.
‘તનં આટલા માટ જોડકણોં ગઈનં રમાડતી’તી? ખબરદાર જો અવથી બોલ્યો સ તો! ધોલઈ નાખ્યો!’
ગામમાં સવાર કૂકડાના અવાજથી ન થાય કે મિલની ભૂંગળાથીય નહીં. નીલકંઠ મહાદેવમાં આરતીના ઘંટ વાગતા હોય, શંખ ફૂંકાતો હોય, ઝાલર બજતી હોય ને ગંગાબાના ઘરમાંથી પ્રભાતિયાં ગાવાનો સુરીલો અવાજ રેલાતો હોય… ‘જાગને જાદવા… કૃષ્ણ ગોવાળિયા…’ એમનાં પ્રભાતિયાંથી ગામમાં સવાર પડે.
રાત્રેય, અંધારું થઈ ગયું હોય, સ્ત્રીઓએ કામ આટોપી લીધું હોય, ગંગાબાના પૅલ્લે ઓટલા પરિષદ ભરાઈ હોય. ગંગાબા અલકમલકની વાતો કરતાં હોય કાં તો ભજન ગાતાં-ગવરાવતાં હોય. એ વખતે ગામમાં સિનેમા નહીં. સ્ત્રીઓને ક્યારેય જાગરણ કરવાનું હોય તોય ગંગાબા જ કરાવે. નાની નાની બાળાઓને ગૌરીવ્રત હોય ત્યારે ગંગાબા જ જાગરણ કરાવે. પરીકથાઓ કહે, વ્રતકથાઓ કહે, ગીતો ગાય, ગરબા ગવરાવે ને ક્યારેક મૂડમાં આવી જાય ત્યારે નાચવાય લાગે. કોઈ બાળા દોડતી જઈને એની મમ્મીનું ઝાંઝર લેતી આવે ને પછી એના નાના નાના હાથોથી ગંગાબાને પહેરાવે. ને પછી તો આખીય શેરી જીવી ઊઠે! પણ એકાદ ફેરામાં જ ગંગાબા થાકે ને ‘મૂઓ હાહ ચડી જ્યો મનં તો’ કહી થાક ખાવા બેસે ત્યારે આખીય શેરી જાણે હાંફી રહી હોય!
ઘણી વાર તેઓ મને સોય-દોરો આપીને પરોવી આપવા કહે. હું સોય પરોવી આપું પછી સાલ્લાને થીગડું દેવાનું કામ શરૂ થાય. કેટલાંય થીંગડાંઓથી સાલ્લાને મઢ્યો હોય. એમનું એકેય વસ્ત્ર સહેજે ફાટેલું કે મેલું ન હોય, થીગડું દીધેલું જ હોય ને સાફ ધોયેલું જ હોય. એમનું ઘર પણ એવું જ ચોખ્ખુંચણાક. આટલી ઉંમરેય કામ કરવાની સહેજે આળસ નહીં. ઘરમાં બેઠાં કંઈનું કંઈ કર્યા કરે. સીઝન વખતે કાલાંય ફોલે. પડોશીઓ છાપાંની પસ્તી આપી જાય તો કાગળના માવામાંથી તેઓ પડોશી માટે દોડીયુંય બનાવી આપે. વાંસના ટોપલા તથા સૂપડાંય સરસ લીંપી આપે. એક વાર કોઈએ, વર્ષો જૂની ખડી ઘરમાંથી નીકળી હશે તે બહાર ફેંકી દીધેલી. ગંગાબા એ ખડી લઈ આવ્યાં ને એનાથી ભીંતો ધોળી! ઘર પણ સાવ જર્જરિત. માટીથી ચણેલી ભીંતો. દાખલ થતાં જમણી બાજુની ભીંત પર લાકડાનું જૂનું કબાટ. એમાં ઉપરના ખાનામાં ધાર્મિક પુસ્તકો ભરેલાં, દરેકેદરેક પુસ્તક પર એમણે ફાટી ગયેલા સાલ્લાના કાપડમાંથી બનાવેલું કવર ચડાવેલું. કોઈ પણ પુસ્તક વાંચવું હોય ત્યારે લાકડાની ઘોડી પર મૂકીને જ વાંચવાનું. આ એમનો સખત નિયમ. કબાટના નીચેના ખાનામાં થોડાં જરૂર પૂરતાં જ પિત્તળનાં તથા ઍલ્યુમિનિયમનાં વાસણો તથા એક તાંબાનો લોટો (પીપળાને જળ ચડાવવા માટે) રાખેલાં. કબાટની ઉપર બોદાઈ ગયેલાં લાકડાંની અભરાઈ. પહેલાં તો અભરાઈ તેમ જ અંદરનો ઓરડો વાસણોથી ભરેલાં હતાં. ને અભરાઈની કિનારી પર પિત્તળની નાની નાની છલૂડીઓ મીણ વડે ચોંટાડેલી. પણ અત્યારે તો સાવ ખાલીખમ અભરાઈ અને છલૂડીઓની જગ્યાએ મીણના ગોળ ડાઘા લાઇનસર દેખાતા. ડાબી બાજુથી ભીંતને ભગવાનનો ગોખલો. ગોખલામાં ગુરુજીનો ફોટો. ગુરુજીના ફોટાની ફ્રેમની આજુબાજુ, ભગવા કપડામાંથી જાતે સીવેલું કવર ચડાવેલું. ગોખલામાં ફોટા ઉપરાંત તાંબાની તરભાણી; જેમાં લાલજીની નાની પિત્તળની મૂર્તિ, નાનકડા શાલિગ્રામ ને એક નાનો શંખ રાખેલાં. પાસે એક પિત્તળની ઘંટડી. રોજ સવારે કલાક એક એમની પૂજા ચાલે. દરમ્યાન જે કોઈ આવે એ બધાંયને સુખડનો ચાંલ્લો કરે ને ‘જે શ્રીકૃષ્ણ’ બોલે; બોલાવે.
પછી રસોઈ શરૂ થાય. મોટે ભાગે તો રૅશનિંગની લાલ જારના રોટલા ઘડે ને સાથે મરચું કાં તો બે પૈસાની છાશ. શેરીમાંથી કોઈનું કોઈ એમના ઘરે દાળ કે શાક ઢાંકવા જાય ત્યારે કહે —
‘માર એકલીનં ચેટલી દાળ જોઈઅ? પૉણી મેલીન ચડવા મેલું તો એક દોંણો ઊંચો જાય ને એક દોંણો નેંચો જાય. તમોં દાળ લાવતી જ નથી.’
પણ પડોશીઓ બધું સમજે.
અમારા ઘેર છૂંદો-મુરબ્બો કરવાનો હોય ત્યારે, કેરીની છીણમાં મીઠું નાખીને એને નિચોવી ખાટું પાણી કાઢી નાખતાં, જેથી ખટાશ ઓછી થઈ જાય ને ગળપણ ઓછું વપરાય. આ કાઢી નાખેલું ખાટું પાણી ગંગાબા લઈ જાય ને ઍલ્યુમિનિયમની કથરોટમાં આ પાણી રેડી એને તડકામાં સૂકવી નાખે. પછી કથરોટમાંથી સફેદ પાવડર એકઠો કરી કાચની શીશીમાં ભરી રાખે અને ક્યારેક કોઈ વારતહેવાર હોય કે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે તેઓ દાળ-શાક રાંધે ને એમાં આ રીતે તૈયાર કરેલો પાઉડર નાખે!
‘રાતડી… રાતડી… રાતડી… લ્યે…’ રાગ કાઢીને ગંગાબા બોલે, ‘ચ્યોં મરી ગઈ મૂઈ… રાતડી… રાતડી…’
ત્યાં તો શેરીની રાતા રંગની કૂતરી, દોડતી પૂંછડી પટપટાવતી આવે, ને ડાઘિયો કૂતરોય ડરતો ડરતો, રાતડીની પાછળ પાછળ આવે. ઘડીક ગંગાબાના જમણા હાથમાંના વાસણ તરફ જુએ તો ઘડીક ડાબા હાથમાંની લાકડી તરફ. ડાઘિયો જાણતો જ હોય કે ખાવાનું તો રાતડીને જ મળવાનું છે ને એને તો પીઠ પર લાકડી જ પડવાની છે. છતાંય એ ડરતો ડરતો, પૂંછડી પટપટાવતો અચકાતો-ખચકાતો આવતો ને ગંગાબાની લાકડી ખાઈને ચાલ્યો જતો! ગંગાબા ‘ચાટ’માં રાતડીને ખાવાનું નાખે. ‘ચાટ’ એટલે ઊંડા ખાડાવાળો મોટો પથ્થર, જેમાં કૂતરાંને ખાવાનું નાખી શકાય. રાતડી ખાઈ રહે ત્યાં સુધી ગંગાબા પાસે જ ઊભાં રહે. ડાઘિયો ઝૂંટવી ન જાય એની બીકે! ક્યારેક રાતડી ન ખાય તો ગંગાબા સતત ચિંતા કર્યા જ કરે કે ‘આજ રાતડીની તબિયત ઠીક નથી લાગતી.’ રાતડી વિયાય ત્યારે ગંગાબા શેરીમાં ગોળ-લોટ-તેલ વગેરે ઉઘરાવવા નીકળે ને રાતડી માટે શીરો બનાવે. પણ ડાઘિયાના નસીબમાં તો લાકડી જ! એમાં એક પણ અપવાદ સુધ્ધાં નહીં! ‘ચાટ’ની બાજુમાં, તૂટી ગયેલા કાંઠલાવાળું માટલું ગોઠવ્યું હોય. એમાં રોજ ગંગાબા પાણી રેડે. રાતડી જ નહીં, બીજાં તરસ્યાં પશુ-પંખીઓ માટેનીય એ જ પરબ!
અમારી ઘડિયાળમાં અગિયારના ટકોરા પડવા શરૂ થાય ત્યારે, રોજ, નિયમિત એક ઘરડી ગાય આવીને ગંગાબાના આંગણામાં ઊભી રહે. સાવ સુકલકડી, મરવાના વાંકે જીવતી ગાય. દરેકેદરેક પાંસળી દેખાય. જાણે જીવતુંજાગતું હરતુંફરતું હાડપિંજર જ જોઈ લો. ઉદ્દાલક મુનિએ વિશ્વજિત યજ્ઞ કર્યા પછી દાનમાં આપેલી ગાયો જેવી જ. ક્યારેક ગંગાબાને આવતાં વાર થાય તો આગલા બે પગ, પહેલા પગથિયા પર મૂકીને, જાળીમાં મોં નાખીને જાણે એ ગાય બોલી ઊઠેઃ ‘ગંગા…!’
એક વાર એ ગાય આવીને આંગણામાં ઊભી રહેલી. એની આંખમાંથી આવેલો આંસુનો રેલો છેક નસકોરાં સુધી આવીને થીજી ગયેલો. જાળી ખોલીને ગંગાબા બહાર આવ્યાં. ગાયને રોટલો ખવરાવ્યો. હેતથી એના ગળે હાથ ફેરવ્યો. ને પછી પાલવના છેડાથી ગાયનાં થીજી ગયેલાં આંસુ લૂછ્યાં ને ‘હે ભગવાન!’ બોલતાં પાછાં જલદીથી ઘરમાં જતાં રહ્યાં!
એક પ્રસંગ તો હજીય જાણે આંખ સામે જ દેખાય છે — ચોમાસાની રળિયામણી સાંજ. ગંગાબા ઓટલે બેઠેલાં. આજુબાજુ નાનાં છોકરાંઓ વીંટળાયેલાં. બધાં રસતરબોળ હતાં. પણ ત્યાં જ, સામેથી આવતા કો’ક સાધુને જોયો કે તરત જ, વાઘને જોઈને હરણી ભાગે તેમ ગંગાબા દો…ડતાં ઘરમાં પેસી ગયાં. જાળી બંધ કરી ને જલદી જલદી તાળું વાસી દીધું! પેલો સાધુ ઘર ખોલવા માટે બરાડા પાડતો રહ્યો, ગાળો બોલતો રહ્યો. અમે જાળીમાંથી જોયું તો ગંગાબા એક ખૂણામાં નીચું મોં રાખીને બેસી રહેલાં! જાણે ગંગાબા જ નહીં! પણ પીગળતું જતું મીણનું પૂતળું! છેવટે સાધુએ ઓટલે જમાવી. એ હવે ખસે એમ લાગતું નહોતું. જોરદાર વરસાદ શરૂ થયો ને આખી રાત ત્રાટક્યો. ધરતીનેય ધ્રુજાવી દે એવા કડાકા સાથે વીજળી થતી. આખીય શેરી ધમધમી ઊઠતી! એવું લાગતું હતું કે હમણાં ગંગાબાના મકાનની જર્જરિત દીવોલા તૂટી પડશે. તોફાન વધ્યું. પેલો સાધુ ઓટલે જ બેસી રહ્યો, અડીખમ. અંદર ગંગાબા બિચારાં પીપળાના સુક્કા પાંદડાની જેમ ધ્રૂજતાં હશે.
છેવટે બીજા દિવસે છેક સાંજે પેલો સાધુ થાકીને ગયો. ત્યાં સુધી ગંગાબા એક ખૂણામાં ભૂખ્યાં-તરસ્યાં પથ્થરના પૂતળાની જેમ બેસી રહેલાં. ગંગાબાએ છેવટ સુધી બારણું ન ખોલ્યું એ ન જ ખોલ્યું. એ સાધુના ગયા પછીય ગંગાબા બે-ત્રણ દિવસ સુધી તો ગભરુ પારેવાની જેમ કશીક બીકથી ફફડતાં રહ્યાં.
એ ઘટના પછી થોડાક મહિનાઓમાં જ કોઈ આવીને પેલા સાધુના અવસાનના સમાચાર આપી ગયું. ત્યારે ગંગાબાએ ચૂડીઓ ફોડી હતી. કપાળમાંથી કંકુ ભૂંસ્યું હતું ને વાળ ઉતરાવ્યા હતા.
કહે છે કે તેર વર્ષની ઉંમરે એમનાં લગ્ન થઈ ગયેલાં. લગ્ન પચી પિતા મરણ પામ્યા ને જે કંઈ મિલકત હતી તે ગંગાબાના નામે કરેલી. પતિ કો’ક આવારા છોકરો. સાસુ-સસરા જબરાં. ગંગાબા પાસેથી અવારનવાર સહીઓ કરાવીને એમના પૈસાની ઉચાપત કરતાં ને કહેતાં — ‘તારો વર કમાતો નહ તે ઈંમોં અમે હું કરીએ?’
અત્યારે તેઓ જે ઘરમાં રહેતાં તે એમના પિતાનું જ ઘર. સાસરા પક્ષે ખૂબ ગરીબી. થોડાં વરસો પછી પતિને કો’કની ભલામણથી છેક નાગપુરમાં, નામું લખવાની, નજીવા પગારની નોકરી મળેલી. ત્યાં એક દીકરી થઈ ને એને મધ્ય પ્રદેશ તરફ ક્યાંક, પૈસા લઈને પરણાવી દીધેલી. આ બધી વાતો સાંકુબા પાસેથી સાંભળવા મળેલી. કહે છે કે ગંગાબાના પતિને કશીક સજા પણ થયેલી અને એ પછી નાગપુરથી પાછા ફરવું પડ્યું હતું. એવું તે શું બન્યું હશે એ બધાંયને માટે અનુત્તર પ્રશ્ન જ હતો.
નાગપુરથી પાછાં ફર્યા પછી આવકનું કોઈ જ સાધન નહીં. પતિ ગંગાબાની રહીસહી મિલકતમાંથી ઉચાપત કરતો. વાસણોય વેચી દીધેલાં. ગંગાબાનાં ઘરેણાં સુધ્ધાં… મંગળસૂત્ર સુધ્ધાં, ગળામાંથી ખેંચીને, ઝૂંટવીને વેચી મારેલું. ને આટલી ઉંમરેય ગંગાબાને અવારનવાર મારઝૂડ કરતો. મોડી રાત્રે લથડતો લથડતો ઘેર આવે. ક્યારેક આખીય રાત બહાર રહે, બૂમબરાડા કરે. ગંદી ગાળો બોલે. ઘરમાં પૈસા ન હોય, અનાજનો કણ પણ ન હોય, અને ‘ખાવા લાવ’ કહીને ગંગાબાને મારપીટ કરે. છતાંય ગંગાબા સામો એક હરફ સુધ્ધાં ઉચ્ચારે નહીં. જાણે ગંગાબા એટલે જ સહનશક્તિનું બીજું નામ!
ઘણી વાર પતિ ‘સાધુ થઈ જઉ સુ’ એવી ધમકી આપીને ઘેરથી ચાલ્યો જાય. ને બેત્રણ દિવસે પાછો આવે! એક ચોમાસે સંન્યાસ આશ્રમમાં કોઈ સંન્યાસી આવેલા. ગંગાબાના પતિએ એ સંન્યાસીને, સાધુ બનવાની પોતાની ઇચ્છા વિશે કોઈ વાત કરી હશે, પછી એ સંન્યાસીને ઘેર જમવા તેડ્યા ત્યારે એમણે ગંગાબાને પૂછેલું —
‘તમારા પતિ સંન્યાસ લે એ માટે સ્વેચ્છાએ સંમતિ આપો?’
‘એ ઈશ્વરની સાધનાના માર્ગે જતા હોય તો રોકનારી હું કોણ?’
એ સંન્યાસી સાથે એમનો પતિ ચાલ્યો ગયેલો. સંન્યાસ લીધા પછીય ફરી સંસારમાં પ્રવેશવા માટે કંઈ કેટલીય વાર આવીને એણે ગંગાબાનાં દ્વાર હચમચાવેલાં. પણ ગંગાબાએ છેવટ સુધી દ્વાર ન જ ખોલ્યાં. બધાંયને થતું કે છેક નાગપુરમાં અને આવા પતિ સાથે ગંગાબાએ કઈ રીતે દામ્પત્યજીવન નિભાવ્યું હશે? જન્મો સુધી જેને સંઘરી રાખવાનું મન થાય એવી એકેય સ્મૃતિ હશે એમના જીવનમાં? શું ક્યારેય એમને કેરોસીન છાંટીને બળી મરવાનો વિચાર નહીં આવ્યો હોય? શું આટલી બધી સહનશક્તિ કોઈ દેવી સિવાય બીજા કોઈમાં હોઈ શકે? આટલી ઉંમરે ને આટલા અશક્ત દેહે જ્યારે ગંગાબાને શેરીની નાની નાની બાળાઓ સાથે પગે ઝાંઝર બાંધીને નાચતાં જોઈએ ત્યારે થાય કે જીવનનો આવો ઉત્સાહ એમણે કઈ રીતે ટકાવી રાખ્યો હશે?
નાગપુરમાં એમણે ગાળેલાં ત્રીસેક વર્ષ દરમિયાન શું શું બન્યું હશે એ વિશે કોઈ કશું જ જાણતું નહીં, અને ગંગાબાએ પણ ક્યારેય એ વિશે કે એમના પતિ વિશે કે એમના દુઃખ વિશે એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. નાગપુરમાં વિતાવેલ જીવન વિશે કોઈ કંઈ વાત પૂછે કે તરત જ ગંગાબા શૂન્યમનસ્ક થઈ જાય. જાણે એમના દેહમાંથી જીવ ચાલ્યો ગયો હોય. પથ્થરના પૂતળાની જેમ બેસી રહે ને થોડી વારમાં તો આંખોમાં આવી ગયેલાં ઝળઝળિયાં છુપાવવા પાલવ આંખો આડો કરી ઘરમાં જતાં રહે! પછીથી કોઈ એમનો ભૂતકાળ ઉખેળતું નહીં.
અરે! ક્યારે લાઇટો આવી ગઈ કંઈ ખબરેય ન રહી ને કંઈ કેટલીય વાર વરસાદમાં પલળતો ઊભો રહ્યો!
વરસાદમાં પલળતી હોવા છતાં શેરી સાવ નિર્જીવ લાગતી હતી. ગંગાબાના પૅલ્લાની જગ્યાએ ‘કૂતરાંથી સાવધ રહો’નું કાળું પાટિયું કાગડાના શબની જેમ લટકતું હતું!
ગંગાબાના આંગણામાં ઓકળીઓની ભાતને બદલે પથ્થરની લાદીઓ હતી. કૂતરાંઓને ખાવા માટેની ચાટ રહેતી તે જ જગ્યાએ અત્યારે ટેલિફોનનો થાંભલો ઊભો હતો, વરસાદમાં ભીંજાતો!
છતાંય જાણે કે ધરતીની ભીતરમાંથી ઊંડે ઊંડેથી અવાજ આવ્યા કરતો—
તીતી આયોં તૈણ, તનં ગમ ઈંન… … (‘હજીયે કેટલું દૂર?’માંથી)