ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉત્પલ ભાયાણી/મિજબાની: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} રાબેતા મુજબ ચિન્નપાએ રોટલી ખાવાની હઠ કરી, રાબેતા મુજબ અમ્માએ...") |
(No difference)
|
Revision as of 05:44, 19 June 2021
રાબેતા મુજબ ચિન્નપાએ રોટલી ખાવાની હઠ કરી, રાબેતા મુજબ અમ્માએ ના પાડી, રાબેતા મુજબ ચિન્નપ્પાએ થાળીને ધક્કો માર્યો અને રાબેતા મુજબ અમ્માનો માર ખાઈ ચિન્નપ્પા રડતો રડતોઝાંપે આવીને બાકી રહેલું રુદન પૂરું કરવા માંડ્યો.
ગલીમાં ચિન્નપ્પાને જોનારું કોઈ ન હતું. પરિણામે તેની રડવાની મજા અડધી થઈ ગઈ. ગલીના સૂનકારની અદબ જાળવીને તેણે પણ પોતાનાં હીબકાં ધીમે ધીમે ઓછાં કરવા માંડ્યાં.
ગલી સાંકડી હતી. તેમાં પણ બંને બાજુએ ખીચોખીચ મકાનોની વચ્ચે પુરુષોથી ઘેરાયેલી અટૂલી યુવતીની જેમ તે વધુ સંકોચાતી જતી હતી. ગલીની સડક આમ તો ડામરની હતી, પરંતુ તેના પર રેતીના થર બાઝી જતાં કોઈ તેના પર ચાલે નહીં ત્યાં સુધી ભાગ્યે જ માની શકતું કે સડક પાકી હશે. ગલી છોડીને બીજે ક્યાંય ક્યારેય ન ગયેલામાં બે બત્તીના થાંભલા અને એક વૃક્ષનો જ સમાવેશ થતો હતો.
ગલી પર અત્યારે સૂરજ ગરમીના કોરડા સતત વીંઝ્યે જતો હતો અને ગલી ચૂપચાપ એ ત્રાસ સહન કર્યે જતી હતી. પથરાયેલી રેતીઅને ચાંદી જેવા બત્તીના બે થાંભલાોને કારમે ગલી ઝગારા મારતી હતી, વીંઝાતા કોરડાથી ઊઠેલા સોળનું જાણે જાહેર પ્રદર્શન કરતી ન હોય!
આ વાતાવરણમાં વૃક્ષનું અસ્તિત્વ બહુ જ જુદું આવતું હતું. ખાસ્સી નવરાશ હોય અને અંકગણિત પ્રિય વિષય હોય તો ગણી પણ શકાય એટલી પાંદડાંઓની કુલ સંખ્યા હોવાને કારણે છાંયો આપવાનો તે દંભ જ માત્ર કરી શકતું હતું. છતાં બત્તીના થાંભલાને મુકાબલે વૃક્ષની વિશિષ્ટતાની હકીકત નિર્વિવાદ હતી, જેમાં ચિન્નપ્પા પણ અપવાદ નહોતો.
ચિન્નપ્પાની આંસુભીની નજર પણ ફરતીફરતી વૃક્ષ આઘળ જ અટકતી. અને અટક્યા પછી તે ખસી પણ નહીં. વૃક્ષની નીચે ચિન્નપ્પા જેવા બીજા પણ એક જીવની હાજરી હતી.
ચિન્નપ્પાએ રડવાનું સાવ બંધ કરી દીધું હતું. રહ્યાં-સહ્યાં અશ્રુબિંદુઓનાં ચિહ્નો પમ બાંયથી મિટાવી દીધાં.
વૃક્ષની નીચે બેઠેલા જીવની પણ વૃક્ષ જેવી જ વિશિષ્ટતા હતી. તેનો વાન કાળો હતો. વધુ પડતો કાળો એટલા માટે લાગતો હતો કે એ વાન પર એકેય વસ્ત્ર નહોતું. પરંતુ અત્યંત કાળો એટલા માટે નહોતો લાગતો કે માથાના આછા વાળ અને કેડે બાંધેલો કાળો દોરો તેના વાનથી પણ વધુ કાળા હતા.
આ કાળાશમાં તેના બે પગવચ્ચે પડી રહેલા એલ્યુમિનિયમના વાસણની સફેદી અને આંખોના ડોળાની તેમ જ નાકમાંથી ડોકિયાં કરતા સેડાની પીળાશ રંગનો જબરો વિરોધાભાસ ઊભો કરતી હતી. ફૂલેલા પેટને બાદ કરતાં તેની કાયા કૃશ હતી, લગભગ વૃક્ષની ડાળીઓ જેટલી તેની જાડાઈ હશે.
ચિન્નપ્પાએ આ કશું જ જોયું નહીં. તેનું ધ્યાન તો માયકાંગલા હાથની વાસણમાંથી મોઢા સુધીની ગતિ પર કેન્દ્રિત થયું હતું.
થોડી ક્ષણોના સૂક્ષ્મ અવલોકન પછી ચિન્નપ્પા એ તારણ પર પહોંચ્યો કે પેલો જીવરોટલી ખાતો હતો.
અંદરથી અમ્માની પોતાના નામનીબૂમને ચિન્નપ્પા જોઈ રહ્યો. તેને અવગણીને તેણે વૃક્ષની દિશામાં કદમ માંડ્યાં.
જેવી ચિન્નપ્પાના પગમાં ગતિ આવી કે પેલા જીવના હાથની વાસણથી મુખ સુધીની ગતિ અટકી ગઈ. તેની નજર આવી રહેલા ચિન્નપ્પા પર સ્થિર હતી.
ચિન્નપ્પા બત્તીના બીજા થાંભલે અટક્યો. વૃક્ષ પાંચેક ફૂટ દૂર હતું. વાસણમાંના રોટલીના ટુકડાઓને તે જોઈ શકતો હતો અને તેને જ તે જોતો હતો.
કાળિયાનું ત્યાં આગમન તદ્દન અનપેક્ષિત હતું, કાળિયો આવ્યો પણ તદ્દન શાંતિથી, અને જ્યારે પેલાજીવ અને ચિન્નપ્પાની વચ્ચે આવીને તેણે બગાસું ખાધું ત્યારે બંને જણા ચમકી ગયા.
ભૌતિક દૃષ્ટિએ જ જોઈએ તો જુદી બાબત છે. બાકી કાળિયાને કૂતરો ભાગ્યે જ કહી શકાય. ગલીનો આ રહેવાસી ઘણોખરો માણસ થઈ ગયેલો. તેને કોઈની પડી નહોતી. ચોખ્ખા લાભ કે સ્વાર્થ વગર ભાગ્યે જ તે ભસતો અને કરડવાનું તે લગભગ ભૂલી ગયેલો.
તે સહનશીલ અથવા જડ પણ એટલો જ હતો. ‘હટ હટ’ના ઉપાલંભને કે નાના પથરાને તે ગણકારતો જ નહીં. રાત્રે તે ઊંઘ નઆવે ત્યારે જ જાગતો અને જાગતો બેઠો હોય તોપણ અજાણ્યાને જોઈ ક્યારેય ભસતો નહીં. આ ‘કાળિયો’ કંઈ તેનું આગવું નામ નહોતું. આ તો ચિન્નપ્પા અને એવાજ બીજાોની વર્ણના આધારે તેને ઓળખવાનીચાવી કે નિશાની હતી. કાળિયો કોઈ પણ જાતની વિશિષ્ટતા ન ધરાવતું એક સામાજિક પ્રાણી હતું.
કારણો જુદાં હતાં, પરંતુ કાળિયો પણ ચિન્નપ્પાની જેમ જ આજે રોટલી માટે તલસતો હતો અને તે પણ અત્યારે તો પેલા જીવના બે પગ વચ્ચે રહેલા વાસણમાંના રોટલીના ટુકડાને જ એકીટશે તાકી રહ્યો હતો.
ચિન્નપ્પાએ કાળિયાની હાજરીથી ગભરાઈને તો નહીં જ, કદાચ શરમાઈને બત્તીના બીજા થાંભલાથી આગળ વધવાનો કાર્યક્રમ મુલતવી રાખ્યો.
પરંતુ કાળિયાએ ક્ષુધાની વિશેષ તીવ્રતા કે અન્ય કોઈ કારણે ચિન્નપ્પાની હાજરી અવગણીને વાસણ તરફ ડગ માંડ્યા.
પેલા જીવને ચિન્નપ્પાની ગતિના ઇરાદા અંગે સંદેહ હતો, પણ કાળિયાની ગતિનો ઇરાદો તે બરાબર સમજી ગયો હતો. તેની નજર આસપાસ ફરી, ક્યાંય પથ્થર ન દેખાયો. ચહેરા પર ભય ફરી વળ્યો.
જેવો પેલાજીવે વાસણ સાથે ઝડપથી ઊઠવાનો પ્રયત્ન કર્યો, તેક્ષણે અડધુંપડધું ભસીને કાળિયાએ ગતિમાં એકદમ વધારો કર્યો અને બરાબર તે ક્ષણે ચિન્નપ્પાએ હાથમાં લીધેલો પથ્થર કાળિયાના બેસી ગયેલા પેટ પર અફળાયો.
માણસ જેવી ચીસ નાખી કાળિયો દૂર હટીને બત્તીના પહેલા થાંભલે પહોંચી ગયો અને ગુસ્સામાં ચિન્નપ્પા તરફ તાકી રહ્યો.
પેલો જીવ વાસણ સાથે ઊઠેલો, પરંતુ સુરક્ષાનું જોખમ જણાતાં તેના હાથમાંથી વાસણ પડી ગયું હતું. છતાં તે દોડ્યો. કાળિયાની ચીસ સાંભળી તે અટકી ગયો અને પાછો ફરી ગયો. શું થયું તેનો ખ્યાલ આવતાં આશ્ચર્યથી તે ચિન્નપ્પા તરફ તાકી રહ્યો.
ચિન્નપ્પાએ માત્ર ઉઠાવાતું વાસણ અને પડતું વાસણ જોયેલું. તે વેરાયેલા રોટલીના ટુકડાઓને તાકી રહ્યો.
પેલો જીવ વાસણ તરફ આગળ વધ્યો. ચિન્નપ્પા અને કાળિયો તાકી રહ્યા. પેલા જીવે નીચા વળીને ટુકડાઓને વાસણમાં ફરી નાખ્યા. ચિન્નપ્પા અને કાળિયો તાકી રહ્યા.
પેલા જીવે ચિન્નપ્પા સામે જોયું. એનો ભાવ ચિન્નપ્પાથી સ્પષ્ટ રીતે જ કળાયો. ચિન્નપ્પાને લાગ્યું કે તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માગે છે અને કદાચ તેની પોતાની સમક્ષ હસવાની પણ ઇચ્છા છે.
પેલો જીવ પુનઃ વૃક્ષ નીચે બેસી ગયો. હજી તેણે ખાવાનું શરૂ કર્યું નહોતું.
ચિન્નપ્પા આગળ વધ્યો.
કાળિયો અને પેલો જીવ તેને તાકી રહ્યા. બંનેને ચિન્નપ્પાનો આશય કળાયો નહીં.
ચિન્નપ્પા પેલા જીવની સાવ નજીક આવી ગયો.
પેલો જીવ થોડોક સંકોચાઈ ગયો.
ચિન્નપ્પા ઉભડક રીતે તેની બાજુમાં બેસી ગયો. રેતીવાળી રોટલીને તે મન ભરીને તાકી રહ્યો, પછી તેણે પેલા જીવ સામે જોયું.
કોઈ પ્રતિભાવ નહોતો.
ચિન્નપ્પાએ પોતાની ભાષામાં તેને કહ્યું. ‘તું કાળિયાથી ન ડરતો. તે હવે નહીં આવે.’
પેલો જીવ ચિન્નપ્પાના હોઠને તાકી રહ્યો.
ચિન્નપ્પાએ આગળ ચલાવ્યું. ‘આ…આ રોટલી છે, નહીં? તું કેમ આ રોટલી ખાતો નથી?’
રોટલીનો નિર્દેશ કરતાં અનાયાસે તેની આંગળીઓ વાસણમાંની રોટલીઓને અડી ગઈ.
ચિન્નપ્પાના ચહેરા પર સ્મિત હતું. પેલા જીવના હોઠના ખૂણે પણ સ્મિત આવ્યું.
પેલા જીવનો હાથ વાસણમાં ગયો. રોટલીનો ટુકડો ઊંચકાયો અને એ ટુકડાવાળો હાથ ખંચકાયો ખંચકાતો ચિન્નપ્પા તરફ લંબાયો.
ચિન્નપ્પાના ચહેરા પરથી સ્મિત ઊડી ગયું. ઘડીક રોટલીના ટુકડા તરફ તો ઘડીક પેલા જીવ તરફ તે તાકી રહ્યો. હજી હાથ તેની સમક્ષ લંબાયેલો હતો.
ચિન્નપ્પાએ રોટલીનો ટુકડો લઈ લીધો. પેલા જીવની સામે જોતાં જોતાં ટુકડાવાળો હાથ ચિન્નપ્પાના મોઢામાં ગયો.
ટુકડો ચવાઈ ગયો.
ચિન્નપ્પાના ચહેરા પર સ્મિત આવ્યું. પેલા જીવના ચહેરા પર પણ સ્મિત આવ્યું.
અચાનક બંનેની નજર કાળિયા તરફ ગઈ. તે બત્તીના બીજા થાંભલે આવી તાકી રહ્યો હતો.
ચિન્નપ્પાએ એક ટુકડો લઈ કાળિયા તરફ ફેંક્યો. કાળિયો ટુકડા તરફ ઘસી ગયો. પેલા જીવે પણ એક ટુકડો લઈ કાળિયા તરફ ફેંક્યો. તે નજીકમાં જ પડ્યો. કાળિયો નજીક આવી ગયો. પહેલાં સંશયથી તેને સૂંઘવા માંડ્યો અને પછી ખાઈ ગયો. ચિન્નપ્પા ્ને પેલો જીવસંતોષથી હસી રહ્યા.
હજી પણ સૂરજગરમીના કોરડા પીંઝ્યે જતો હતો અને હજી પણ ગલી ચૂપચાપ માર સહન કરતી રહી. હજી પણ ગલીમાં તેના કાયમી રહીશો સિવાય કોઈ નહોતું.
અને મિજબાની ચાલતી હતી.
ચિન્નપ્પાની અમ્માની બૂમો સાંભળવાની કોઈને ફુરસદ નહોતી.
(‘હલો!’માંથી)