ધરતીનું ધાવણ/1.પહેલો પરિચય: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|1.પહેલો પરિચય|}} {{Poem2Open}} <center>પ્રકૃતિનો પક્ષપાત</center> કુદરતે તો કં...") |
(No difference)
|
Revision as of 07:58, 30 April 2022
કુદરતે તો કંઈ કંઈ સમૃદ્ધિઓ આ ભરતખંડને પ્રાંતે પ્રાંતે છૂટે હાથે વેરી છે. કાશ્મીરને એણે સદાય લીલી અને લચકતી વનસ્પતિની ઓઢણી આપી; બંગાળાને એણે પાણીપાણી કરીને પલાળી દીધું; મહારાષ્ટ્રને ગગનચુમ્બી કરાડો-પહાડો દીધાં, અને રજપૂતાનાને નાજુકતાથી પૂરેપૂરી બાતલ રાખી, અધિક શૂરાતન એની નસોમાં ધરબી દીધું. એમ પ્રત્યેક પ્રાંતને તો એણે અકેક જાતની જ બક્ષિસ કરીને બીજી બધી વિભૂતિઓની ઊણપ આપી, ત્યારે લાડકવાયી ગુજરાતને તો કુદરતે બધુંય થોડું થોડું ને પ્રમાણસર બક્ષ્યું. પ્રકૃતિ માતાએ ઓઢાડેલી એ નવરંગ ચૂંદડીમાંથી ગુજરાતનું લોકજીવન અલૌકિક રૂપે દીપી ઊઠ્યું. સૌરાષ્ટ્રની ખીણોએ અને ખળખળતી નાની ડુંગરિયાળ નદીઓએ પ્રેમશૌર્ય ખીલવ્યું, તો તાપી, નર્મદા અને મહી નદીના રસાળ પ્રદેશે લાલિત્ય અને નાજુકતા પોષ્યાં. એમ ગુજરાતના વદન પર કંઈ કંઈ રેખાઓ અંકાઈ ગઈ. કુદરતનો લાડકવાયો આ ગુજરાતી લોકસમાજ ભાતભાતના રસથી ભીંજાઈને એવો ધન્ય બની ગયો કે એના કંઠમાંથી પંખીઓના કિલકિલાટ સરખું ગાન છૂટવા લાગ્યું. લોકગીત આ ગાન કયું? ગુજરાતના પ્રેમાનંદ કે દયારામ, નર્મદ કે દલપતરામ અથવા તો ન્હાનાલાલ કે નરસિંહરાવ નામના જે કવિઓએ કાગળ અને કલમ લઈને રચ્યું, તે ગાનની આજે વાત થતી નથી — ભલે એ આખું કવિમંડળ ચાહે તેટલાં મધુર ગીત ગાઈ ગયું હોય. આજ તો એવા ગીતની વાત થાય છે કે જેનાં રચનારાંએ કદી કાગળ અને લેખણ પકડ્યાં નહિ હોય; એ રચનારાં કોણ તેની જ કોઈને ખબર નહિ હોય; અને પ્રેમાનંદ કે નરસિંહ મહેતાની પૂર્વે કેટલો કાળ વીંધીને એ સ્વરો ચાલ્યા આવે છે તેનીય કોઈ ભાળ નહિ લઈ શક્યું હોય. એનું નામ લોકગીત. ધરતીના કોઈ અગમ્ય અંધારાં પડોમાંથી વહ્યાં આવતાં ઝરણાંનું મૂળ જેમ કદાપિ શોધી શકાયું નથી, તેમ આ લોકગીતોના ઉત્પત્તિસ્થાન પણ અણશોધ્યાં જ રહ્યાં છે, અને તેટલી વિશેષ તાજૂબીમાં શોધકો ગરક થઈ ગયા છે. જગતના ઉત્તમ ગણાતા કાવ્યની આછી ઘેરી રેખાઓ ધારણ કરતી આ કંઠસ્થ કૃતિઓ ઉપર કયા અથવા તો એકસામટા કેટલા સર્જનહારોના હાથ ફર્યા હશે તેની પણ ગમ આપણને પડતી નથી. કોણે કોણે ગાયાં? ગુજરાતનો લોકસમાજ ગાવા માટે તલસી ઊઠ્યો. એની કુંજોમાં જેમ પંખીઓ ટૌક્યા વિના ન રહી શક્યાં, તેમ ગુજરાતનાં મનુષ્યો પણ ગાયા વગર ન જંપી શક્યાં. એના દરજીએ ને મોચીએ સીવતાં સીવતાં ગાયું; ધોબીએ નદીની ભેખડોમાંથી પડછંદા જગાવી પોતાના વસ્ત્રને ઘાએ ઘાએ ગીતના તાલ બાંધ્યા; વણકરે શાળોના ખખડાટ સાથે પોતાના સ્વરો મેળવ્યા; ઘાંચીએ પોતાના બળદને પણ રાગે ચડાવી પરોણાનો પ્રહાર કે જીભનો ડચકારોયે કર્યા વિના એ થાકેલા પશુને પ્રોત્સાહિત કર્યો; ટીપણી ટીપનારે ગાતાં ગાતાં એવા હુલ્લાસથી ટીપ્યું કે સો સો વરસ સુધી એ ધ્રાબાઓની કાંકરીઓ નથી ખસી; ખાણ ખોદનારાએ ત્રિકમના ઘા દેતાં દેતાં ગીત લલકાર્યાં; મજૂરોએ સૂંડલા સારતાં સારતાં સૂરો છેડીને માથા પરનો ભાર હળવો કર્યો; ગાડાવાળાએ પૈડાના કિચૂડ કિચૂડ અવાજ સાથે અવાજ મેળવ્યો. એ રીતે લોકસમાજના ઉદ્યમો અને ધંધાઓ પણ સંગીતાલયો બની ગયાં. લોકોનું જીવન હળવુંફૂલ થઈ ગયું. પોતાના સંતાપોમાંથી લોકોએ આ ગીતો વાટે રાહત મેળવી. અને લોકોનાં ઘરઆંગણામાં એ ગીતો કેવી કેવી રીતે દાખલ થઈ ગયાં? ઘંટીએ દળતાં ને છાશ ઘુમાવતાં સ્ત્રીઓએ પ્રભાતિયાં છેડ્યાં; સોતાં અને ઝાટકતાં સૂરો લલકાર્યા. નાથબાવાઓ રાવણહથ્થા લઈ લઈને બટકું રોટલાથી રાજી થતાં, ઉંબરે ઉંબરે ઇતિહાસનાં, વૈરાગ્યનાં કે પ્રેમનાં ગીતો ગાતા ગયા; શરણાઈવાળાએ શરણાઈમાં, વાદીઓએ મોરલીમાં, ગોવાળોએ વાંસળીમાં અને ખેડૂતોએ પાવામાં એ બધા સ્વરોને ઉતારી લીધા. સ્ત્રીઓનાં ગીતો પરંતુ આજે તો એ વિશાળ ગીત-સૃષ્ટિના એક ખૂણાને જ આપણે તપાસી રહ્યા છીએ. એ ખૂણો ગુર્જરી સ્ત્રીઓને ગાવાના રાસડા નામે ઓળખાતાં ગીતોનો છે. ગુર્જર નારીએ કેટલું કેટલું ગાયું છે! એણે તો સીમન્તનાં ગીતોથી શરૂ કરીને ગર્ભમાં બેઠેલા બાળકને ગીત-રસ પિવાડ્યો છે. પૃથ્વી પર પહેલવહેલા એ બાળકના કાન મંડાયા તે ક્ષણે જ તેમાં માતાના મુખનું જ ગીતામૃત રેડાયું છે. એને નીંદરની લહેરો પણ માતાના હાલરડામાંથી મળી છે. બાળક નાહતું નાહતું પણ માતાની સ્વરધારામાં ભીંજાતું ગયું છે, એની રમતોનાં જોડકણાં પણ કોઈ અજાણી માતાએ જ રચી દીધેલાં હોય છે. એ નિશાળે બેસે, જનોઈ ધારણ કરે, વરે, પરણે અને જગતમાં સંતતિની ભેટ ધરે ત્યારે પણ જનેતાએ જ એના જીવનમાં ગીતોનાં અમૃત સિંચ્યાં છે. આખર એના મૃત્યુ ઉપર માતાએ જે રુદન કર્યું છે, તેમાંયે એણે વિલાપનું મર્મવેધક ગીત મૂક્યું છે. જેને જગતે છાજિયાં, રાજિયા કે મરશિયા કહીને નિંદ્યાં છે, તે મૂળ તો માતાના હૃદયનાં કરુણ વિરહ-ગાન નથી તો બીજું શું છે? રાસડા પરંતુ આ લેખની મર્યાદા તો એ બધા પ્રકારો સુધીયે પહોંચતી નથી. આજ તો ગુર્જરી મહિલાઓએ એક વખત પેટ ભરી ભરીને માણેલી ‘રઢિયાળી રાત’નો જ પરિચય કરાવવો છે. આજ ઘણુંખરું તો એ રાત ભૂતકાળની વસ્તુ બનીને સાંભરી રહી છે, આપણાં સામાજિક પરિવર્તનોએ અને જીવન-વિગ્રહે મળીને નારીજીવનનો લોપ કરી નાખ્યો છે. એટલે આજની રાત્રિઓને રઢિયાળી બનાવવા જેટલું ચૈતન્ય ગુર્જર રમણીઓમાં રહ્યું નથી. રઢિયાળી રાત કેવી હતી એ રઢિયાળી રાત્રી? આકાશના ચોકમાં જ્યારે ચંદારાણી પોતાની કોટિ કોટિ તારલા રૂપી સહિયરોને લઈને જાણે કે રમવા નીકળતી, ત્યારે ગુજરાતની શેરીએ શેરીએ કુમારિકાઓનાં ને નવોઢાઓનાં વૃંદો વળતાં. પુરુષવર્ગ કાં પોઢી ગયો હોય ને કાં પોતાની મેડીએ બેસી કાન માંડતો હોય, તે ટાણે લજ્જાળુ ગુજરાતણ કે પ્રગલ્ભા કાઠિયાવાડણનો કંઠ ભેદાતાં ગગનમાં સ્વરોનો ગબારો ચડતો કે — રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ, ઝરૂખડે દીવા બળે રે લોલ, રાધા ગોરી ગરબે રમવા હાલો, સાહેલી સહુ ટોળે વળે રે લોલ. કોણ કોણ સાહેલી? અને કેવી રૂપાળી એ સાહેલી? ત્યાં છે મારા રૂપસંગભાઈની ગોરી, મુખડલે અમી ઝરે રે લોલ, ત્યાં છે મારા માવસંગભાઈની ગોરી, હાથડીએ હીરા જડ્યા રે લોલ, ત્યાં છે મારા માવસંગભાઈની ગોરી, પગડીએ પદમ જડ્યાં રે લોલ. એ ‘ગોરી’ શબ્દ તો જાણે કોઈ રસિકાઓનું ચિત્ર ખડું કરતો. એ રસિકાઓનાં લાંબાંચોડાં તે વળી વર્ણન હોય? એના અક્કેક અંગની કાંતિ વર્ણવીને આખી કંકુવરણી કાયાનો ભાસ કરાવી દેવાય. અને પછી તો ન આવેલી હોય તેવી ગોરીઓને તેડાં મોકલાય. અવિભક્ત કુટુંબની એ ગોરી — હું ઊભી મારા ઓરડિયાને બાર જો, સૈયરો આવે રે મુજને તેડવા રે લોલ. એમ વાટ જ જોતી હોય છે. પરંતુ એમ કેમ અવાય? ઉમંગ તો ઊછળે છે, પણ પોઢેલાં વડીલોની આમન્યા કાંઈ લોપાય? સૈયરો એનાં સહુ વડીલોને જગાડીને એ શરમાળ સુંદરીને રજા અપાવે છે. અંતે સાયબાની રજા લેવાય છે. રજા આવા શબ્દોમાં અપાય છે — ગોરી મોરી! આછા સાળુ પે’રો જો, પરબતડી ભીડો તો દીસો પાતળાં રે લોલ. ગોરી મોરી! હળવે ફૂદડી ફરજો જો, ફેરડિયા ચડશે ને થાશો આકળાં રે લોલ. ગોરી મોરી! હળવે તાળી પાડો જો, હાથડિયા ચમચમશે, ખંભા દુ :ખશે રે લોલ. ગોરી મોરી! હળવે રાગે ગાજો જો, જશોદાનો જીવણ જોવા આવશે રે લોલ.
ગોરીને એના ઝીણા સાળુની ગાતરી બાંધી લેવા, હળવે ફૂદડી ફરવા, ધીમે તાળી પાડવા ને ઝીણે રાગે ગાવાની શિખામણ દેનારો સ્વામી કેટલા લલિત હેતથી ઊભરાતો કલ્પ્યો છે! અને ગોખમાંથી એ પાતળી લજ્જાવતીને રમતી દેખીને એનું જીવન કેવું ધન્ય બનતું અનુભવાયું હશે! એવી એવી ગોરીઓ એકઠી થાય, ઓઢણાની ગાતરી વાળી છાતી પર અક્કેક કે બબ્બે ગાંઠો વાળે, પછી ભાન ભૂલે, ધરતીને ધ્રુજાવે, ગગનને ગજાવે. પચાસ-પચાસ હાથના તાળોટા પડતા હોય પણ જાણે કે એક જ સુંદરી ગાઈ રહી હોય ની, તેવો અચૂક તાલ જળવાય. નદીનાં વહેણ જેવી સરળ મૃદુતાથી એનો કંઠ-સ્વર વહેવા માંડે, વહેણ તૂટે જ નહિ, મીઠાશ ટપકતી જ રહે. ગળાના સાતપડા ગળણામાંથી ગળાઈને જાણે ગીતની ધારા રેલે. એ વખતે આકાશ અને ધરતીની સૃષ્ટિ શું એક નહોતી થઈ જતી? ચંદ્ર અને તારાઓ શું એ રાસડાના મૂંગા પ્રેક્ષકો નહોતા લાગતા? વાયરા થંભી જતા એ શું કેવળ કલ્પના જ હતી? હતી તો કલ્પના, પણ રમણીય સત્ય લાગતું. સત્ય વસ્તુસ્થિતિને થોડી વાર મિથ્યા માની લેવાનું મન થતું. પ્રેક્ષકોનું મનોરંજન કરવા કે સાહિત્યને સમૃદ્ધ કરવાની વાંછના માટે યોજાયેલા એ જલસાઓ નહોતા; પણ પોતાના ઉમળકા ઠાલવવાની, જીવનનાં સુખદુ :ખો હસી કે રડી કાઢવાની, કલાને જીવનમાં ભરી લેવાની, એટલે કે નિજાનંદની એ રમતો હતી. માત્ર અજવાળી રાત્રિઓના જ એ આનંદો નહોતા; જે પ્રાંતની અંદર કૃષ્ણ જેવા પ્રેમાવતારે કાળી કુબજાને બીજી સોળસો સુંદરીઓથીય વધુ વહાલી ગણી, તે પ્રાંતની નારીઓને તો શ્યામવરણાં મનુષ્યોમાંય સુંદરતા જોવાની દૃષ્ટિ હતી, ‘કાળી કામણગારી’ લાગતી, અને તેથી જ કૃષ્ણપક્ષની કાળી ઘોર રાત પણ ગુર્જર સુંદરીઓને તો રઢિયાળી જ થઈ પડી હતી. અંધકારમાં ચાંદરડાં અધિક તેજસ્વી જણાતાં. કુદરતના કાળા પછેડામાંથી રાત્રિનું મોં વધુ રહસ્યભર્યું અને રસભર્યું દીસતું. જગતની કદરૂપતાને પણ એ કાળાશ છુપાવી રાખતી. બાકી તો કાળાશની એ બધી ભયાનકતાને આ સુંદરીઓ પોતાના સૂરો વડે જ રઢિયાળી બનાવી દેતી. એ રાસડા કયા? સાગર વલોવાયો તેમાંથી વિષ અને અમૃત જેવાં મિશ્ર રત્નો નીકળ્યાં. મહીડાં વલોવાય છે તેમાંથી માખણના પિંડા ઊતરે છે. તેવી રીતે સ્ત્રીઓનાં હૈયામાં જ્યારે સુખદુ :ખ, આશ-નિરાશા, ઉમંગ કે આઘાત જેવી કોઈ પણ બળવાન ઊર્મિ રવાઈને રૂપે ઘૂમવા માંડી, ત્યારે તેમાંથી આ રાસડા નીકળ્યા. નજીવા કે મહત્ત્વના, જેટલા મનોભાવો નારી-હૃદયે અનુભવ્યા હશે તેમાંનો એકેય મનોભાવ ગીતમાં ઊતર્યા વિના નથી રહૃાો. કેમ રહી જાય? નિખાલસપણાના એ દિવસો હતા, હૈયું દબાવીને દંભ કરતાં આવડતો નહોતો. દરેક મનોભાવ જીવનમાંથી આપોઆપ ફૂટી નીકળેલો હતો અને એ ‘એક્સપ્રેશન’ (ઉચ્ચારણ) શોધતો હતો. સ્વરોની અને શબ્દોની શી રમ્ય નકશીમાં એ અંકાઈ ગયો! ભરથારે ઘરની નારી સાથે રિસામણા લીધા હોય, મેણાં માર્યાં હોય, અબોલડા આદર્યા હોય, એ વાતનું મહત્ત્વ દંપતીજીવનમાં કાંઈ જેવુંતેવું નહોતું. એની બધી ક્ષુદ્રતા કવિતામાં ઊતરતાં મહાન બની ગઈ. કઠોરતા બધી કરુણ રસમાં ભીંજાઈને પ્રવાહી બની ગઈ. એવું સામર્થ્ય આ સ્ત્રીઓના કવિત્વમાં દેખાય છે. પુરુષોની સ્ત્રીઓ પ્રત્યેની ઈર્ષ્યા, આશંકા અથવા પ્રીતિ, જે કંઈ હોય તેણે રાસડા વાટે પલળવા માંડ્યું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ કે જાડામાં જાડો ભાવ પણ જોરદાર કાવ્યમાં આ સ્ત્રીઓ ઉતારી શકી છે. વહાલાંઓના વિજોગ અને અવસાન ગાઈને તો સ્ત્રીઓએ હાથ ધોઈ નાખ્યા છે. બાર-બાર વરસે ઘેર આવનારો રજપૂત ઘરમાં પોતાની પરણેતરને શોધે છે. પણ એ ‘પાતળી પરમાર’ જડતી નથી. પાપણી માતાએ એની હત્યા કરીને લોહીભીની એની ચૂંદડી નેવે લટકાવી છે. પુરુષનો સંયમી પ્રેમ એ જમાનાની બધીય આમન્યાને લોપવા જેટલો ઉગ્ર બને છે. લાગણી શમાવી શકાતી નથી. માતાએ વારે વારે બહાનાં બતાવ્યાં : બેટા, હેઠો બેસીને હથિયાર છોડ : હમણાં દળીને આવશે : ખાંડવા ગઈ છે : ધોવા ગઈ છે : અરે માડી! એમ તે કેમ હથિયાર છૂટે! નદીએ અને નહેરે, ઘંટીએ અને રથડે, અરે, ખારણીએ ખારણીએ રજપૂત ફરી વળ્યો. પણ ક્યાંયે નો દીઠી પાતળી પરમાર રે જાડેજી મા! મો’લુંમાં દીવો શગ બળે રે.
આખરે એ ‘નેવે તે નવરંગ ચૂંદડી’નો ભેદ ફૂટી ગયો. એ પતિની વેદનાને શબ્દો આપનાર કોઈ નારી હશે. એને ખબર હશે કે વહાલું મરે ત્યારે સાચા પ્રેમીને શી લાગણી થાય. મરનારનાં વસ્ત્રો વીંખવાનું મન થાય. વસ્ત્રો જોઈ જોઈ વેદના વધે. એનાં બચકાં વીંખાય. કદાચ એ બચકામાં કંઈક કાગળ-ચિટ્ઠી પડેલ હશે! ‘પાતળી પરમાર’ના બચકામાં શું હતું? કાગળની કટકીયે નહોતી, પણ કાગળોનાં પાનાં ને પાનાં પણ કદી ન દાખવી શકે તેવો પ્રેમ દાખવનારી ‘કોરી’ ટીલડી અને ‘કોરી’ ઓઢણી હતી. લોકગીતની રચનારીએ માત્ર ‘કોરી’ શબ્દમાં જ એ બાર વર્ષો સુધી ધારણ કરેલા શણગારહીન શિયળવ્રતનું ને એ વિયોગ-વેદનાનું માપ બતાવ્યું. પાતળી પરમાર કોને માટે શણગારો સજે? સ્ત્રીઓનાં વસ્ત્રાભૂષણો તો પતિ-મિલનનાં રસભરપૂર જીવન-સાધનો છે. એ ‘કોરાં’ કપડાંએ પોતાની મૂંગી વાણીમાં બધુંય કહી દીધું; અને એવી વાણીને સમજનાર ભરથારે બધુંય સમજી લીધું. એમ હરકોઈ સારો રાસડો તપાસીએ તો તેના શબ્દોમાં ધ્વનિ છે, ઉમળકાના અલ્પભાષી દબાણ છે, અને જેટલાં વધુ દબાણ છે, તેટલી જ વધુ એની ઘાયલ કરવાની તાકાત છે. ધનુષની કમાન જેટલા વધુ જોરથી ખેંચાય છે તેટલા જ વધુ વેગથી એનું તીર છૂટે ને મર્મનાં મધ્યબિંદુ વીંધે. તેવી જુક્તિ આ ગીતોમાં ઠેર ઠેર જોવાય છે. એક જ ગામમાં સાસરિયું ને પિયરિયું : ઘણે દિવસે દીકરી મા પાસે ગઈ. માએ સુખદુ :ખના સમાચાર પૂછ્યા. દીકરી વધુ કાંઈ ન બોલી, માત્ર એક જ નિસાસો મૂક્યો કે — સુખના વારા તે માડી! વહી ગયા રે લોલ, દુ :ખનાં ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો, કવળા સાસરિયામાં જીવવું રે લોલ. ત્રીજું એક માનવી સંતાઈને ઊભું હતું તે આ સાંભળી ગયું. બીજું તે કોણ હોય? ચુગલીખોર નણંદ. અરર! આપણાં ‘મોટાં ખોરડાં’ને વહુએ વગોવ્યાં! આખા કુટુંબમાં વાત વિસ્તરી ગઈ. ઘણા દિવસથી બળીઝળી રહેલા ‘પરણ્યાજી’ના કાન ભંભેરાયા. કંકાસ જોઈ જોઈને હારી ગયેલા એ યુવાન પુરુષે અફીણ ઘોળ્યું. પોતાની ને પત્નીની વચ્ચે છલકતી વાટકી ધરી. જડબા ઝાલીને પાઈ કાં ન દીધું? પછાડીને છાતીએ કાં ન ચડી બેઠો? ગળું દાબી દેતાં ન આવડ્યું? ના, ના. એ તો સમદુ :ખી હતો, દૈત્ય નહોતો. એ તો બલિદાન દેતો હતો, ભક્ષતો નહોતો. એણે કહ્યું : પીવો ગોરી, નીકર હું પી જાઉં જો. અને એવું કહેનાર ભરથારની ‘ગોરી’ કેટલી વાર લગાડે? શી દલીલ, શી આજીજી કરવા બેસે? લાગણીઓના બળવાન પડઘા પડતા! ઘટક દઈને ગોરાંદે પી ગયાં રે લોલ. અને લગ્ન વખતનું ઘરચોળું લઈને ગોરીએ સોડ્ય ઠાંસી. મરતાં મરતાં એ પરણતી ગઈ. એના મૌનમાં જ આ રાસડાની રચનારીએ ઊંડાં કાવ્યો રેડી દીધાં છે. અને પ્રત્યેક કડીને અંતે આવતી વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ! — એ પંક્તિને ટેક-પંક્તિ તરીકે પસંદ કરવામાં લોકકવિએ તીવ્ર, વેદનાભરપૂર કટાક્ષની અવધિ આણી છે. કહેવાતી કુલીનતાના જુલમની દારુણતા પૂરા સ્વરૂપમાં પ્રગટ કરેલી છે. ટેકની પસંદગીમાં દાખવેલું આ ઊંડાણ આવાં અનેક ગીતોમાં દૃષ્ટિએ પડે છે. નીતરેલાં દુ :ખો એવી ઘટનાઓ તે દિવસમાં બહુ બનતી. પણ બનીને રાસડામાં ઊતરી જતી. એ વખતના સમાજનો ઇતિહાસ પ્રત્યેક રાતે સજીવ બનતો. આજ સુધી એવી ઘટનાઓ ચાલુ છે. પણ આજ એનાં કાવ્યો નથી રચાતાં. રચાય છે તો એની રેખાઓ ફૂટતી નથી, કેમ કે માનવીએ પોતાના અંતર્યામી કલાકારને મૂંઝવી માર્યો છે. એ જ પ્રમાણે કુટુંબ-સંસારના જુદા જુદા સંબંધો આવાં સુરેખ ગીતોમાં ચીતરાઈ ચૂક્યા છે. નણંદ અને ભોજાઈ વચ્ચેની કુદરતી ઈર્ષ્યાખોરી, સાસુ અને વહુ વચ્ચેની ધડાપીટ, ભાઈ અને બહેન વચ્ચેનાં હેતપ્રીત, બહેનનું સહજ સહજમાં દુભાય તેવું આળું બનેલું હૈયું, દેરાણી-જેઠાણી વચ્ચેના વાદવિવાદ, સંતતિ વગરની નારી પર વરસતાં વાંઝિયા-મહેણાં, દીકરાની અબળખા, વસ્ત્રાલંકારોના કોડ વગેરે સેંકડો વાતો તે વખતના સારા અને માઠા કુટુંબ-ચિત્રની રેખાઓ બનીને રાસડામાં ઊતરી પડી. ચિત્રો જ આલેખાઈ ગયાં. દિવસભર ભોગવેલાં જે કઠોર દુ :ખો તે રાત્રિએ રાસડાઓમાં નીતરીને મધુર સંવેદનો બની ગયાં. અને આ ગીતોએ માત્ર વિલાપો જ નથી કર્યા. માર્મિક વિનોદ કરવામાં પણ આ રાસડાઓ રચનારીઓએ અનેક ઠેકાણે આછી ને જાડી, સુરુચિવંત નર્મ-શક્તિ દાખવી છે. તીવ્ર શૃંગાર એમ દંપતી-જીવન ગવાયું, કૌટુમ્બિક જીવન કવિતામાં ઊતર્યું. સ્નેહ-જીવનનો શૃંગારરસ પણ એટલી જ તીવ્રતાથી ગવાયો. એ શૃંગાર ગવાયો પોતાના જીવનને વિશે, પણ ચડી ગયો રાધાકૃષ્ણને નામે. વિયોગના મહિનાઓ ગવાયા, સૂની સેજલડીની વેદનાઓ ગવાઈ, ગોપીઓને નામે અભિસાર ગવાયા, રિસામણાં અને મનામણાં પણ એ પ્રભુને આરોપાઈને ગવાયા. એનો આખો વિભાગ જ નિરાળો અને બહોળો છે. એમાં આપણા અસલી લોક-સંસારની નબળી-સબળી ચારિત્ર્ય-નીતિની તસ્વીર ઊઠી છે. પણ એવો અમર્યાદ શૃંગાર એની પરાકાષ્ટાએ પહોંચેલો છતાં સ્ત્રીઓને મોંએ ગવાઈને આવું રૂપ ધરે છે : બે સખીઓ : એક સખી પોતાના પ્રેમિકની સાથે રમણ ખેલી આવી છે. શણગાર ચોળાઈ ગયા છે, બીજી સખી એના મોંમાંથી એ વાત કઢાવવા ચાહે છે. ચતુર તરુણી પોતાના હાલહવાલના તદ્દન જુદા, ઉડાઉ, છતાં સચોટ સ્વાભાવિક ખુલાસા આપે છે. બેઉ વચ્ચેનો આ સંવાદ છે : સાંભળ રે મારી સજની નાર, રજની ક્યાં રમી આવ્યાં જી; હમણાં ચીર પેર્યાં’તાં ને ચીર ક્યાં ચોળાણાં જી! વનરાવનને મારગ જાતાં સામી મળી ચાર સૈયરું જી; સૈયરું દેખીને હમચી ખૂંદી, ચીર ત્યાં ચોળાણાં જી. સાંભળ રે મારી સજની નાર, રજની ક્યાં રમી આવ્યાં જી; હમણાં કાજળ આંજ્યાં’તાં ને કાજળ ક્યાં રોળાણાં જી! વનરાવનને મારગ જાતાં સામાં મળ્યાં માબાપ જી; માબાપ દેખી આંસુ આવ્યાં, કાજળ ત્યાં રોળાણાં જી; સાંભળ રે મારી સજની નાર, રજની ક્યાં રમી આવ્યાં જી; હમણાં વેણી વાળી’તી ને વેણી ક્યાં વીંખાણી જી! વનરાવનને મારગ જાતાં સામો મળ્યો વનભમરો જી; ભમરો મારી વેણીએ બેઠો, વેણી ત્યાં વીંખાણી જી. સાંભળ રે મારી સજની નાર, રજની ક્યાં રમી આવ્યાં જી; હમણાં ટીલી ચોડી’તી ને ટીલી ક્યાં ખોવાણી જી! વનરાવનને મારગ જાતાં સામા મળ્યા મા’દેવ જી; મા’દેવ દેખી પગડે પડી ને ટીલી ત્યાં ખોવાણી જી. સાંભળ રે મારી સજની નાર, રજની ક્યાં રમી આવ્યાં જી; હમણાં ચૂડી પેરી’તી ને ચૂડી ક્યાં નંદવાણી જી! વનરાવનને મારગ જાતાં સામાં મળ્યાં ગૌધેન જી; ગૌધેન દેખી દોવા બેઠી, ચૂડી ત્યાં નંદવાણી જી. ગામ અને દેશનો ઇતિહાસ પણ ગીતોમાં ગૂંથાઈ ગયો. પુરાણોની સુંદર કથાઓને પણ માણભટ્ટોને મુખેથી સાંભળી સાંભળીને સ્ત્રીઓએ પોતાના રાસોમાં તેનું દોહન કરી લીધું. ગામના અને દેશના શૂરવીરોનાં એણે ગીતો વડે શ્રાદ્ધ સાર્યાં, અણલખ્યા ઇતિહાસને કંઠસ્થ કરીને સજીવન રાખ્યો : બહારવટિયાઓનાં પરાક્રમો અને સિતમો એવી જ બહાદુરીભરી ભાષામાં ઊતરી ગયાં. કેવી એ ભાષા? ડુંગરે ડુંગરે, કાદુ, તારા ડાયરા, દારૂગોળાની વાગે ઠારમઠોર રે મકરાણી કાદુ! જૂની વસતી જમાદાર માર્ય મા.
તે વખતે વર્તમાનપત્રો નહોતાં. પુસ્તકો વાંચનારો તો એ વર્ગ નહોતો. લેખકોની જરૂર નહોતી પડી. એ બધી ગરજ આ રાસડાથી જ સરી જતી. સમાજના જીવનમાં જે જે હાંસીજનક કે તિરસ્કરણીય વાતો બનતી તેનાં ટોળચિત્રો (કાર્ટૂનો) પણ રાસડામાં જ અંકાયે જતાં. દીવાનોના જુલમ, રાજાઓની કુદૃષ્ટિ, અધિકારીઓની રુશ્વતખોરી, અદાલતોનાં ન્યાયનખરાં, એ બધાં ટપોટપ રાસડાનું રૂપ ધરતાં. આખા સમુદાયમાં ગામડે ગામડે એ રાસડા પ્રવાસ કરતા, લોકમત કેળવાતો અને મોટા ચમરબંધીઓની પણ આબરૂ ધૂળ મળતી. મોરબીની વાણિયણે જીવાજી ઠાકોરને સંભળાવેલા જવાબો (મોરબીની વાણિયણ : ‘ર.રા.’) એના નમૂના જેવા છે. ‘મઢ્યમ બહેનને કાપડું’ આપણી અદાલતોની ભવાઈ ખુલ્લી પાડીને વર્તમાનપત્રોના જન્મ પહેલાંનો કોણ જાણે ક્યારનોયે આપણા લોકસમાજને શિક્ષણ આપી રહ્યો છે! (‘ર.રા.’) લોકજીવનમાં તો જે જે નવા પ્રવાહનો ખળકો આવતો તેની નોંધ રાસડારૂપે તાબડતોબ લેવાઈ જતી. મુસલમાનોનું આક્રમણ અને તેની સંસ્કૃતિની છાપ પણ રાસડાઓમાં પડી છે. એક જ વાક્યમાં સમેટીએ તો આ ‘રઢિયાળી રાત’ના રાસડાઓ લોકસમુદાયના જીવનની સાંગોપાંગ તસવીરો છે. એ પ્રત્યેક રાસડામાં લોકલાગણીઓના સચોટ ધબકારના પડઘા છે. એમાં એ સમયનાં પશુપંખીઓ જાણે કે માનવ સુખદુ :ખનાં સમભાગી થઈને વિચરતાં દેખાય છે. વનસ્પતિ પણ માનવાત્મા સાથે અનુકમ્પા બતાવતી ઊભી છે. એ વૃક્ષો ને પશુપંખીઓ કોઈ અણદીઠ સૃષ્ટિમાંથી કેવળ કવિતાની શોભા માટે, કેવળ પ્રથાના પાલન ખાતર જ નહોતાં આણવામાં આવતાં. એ બધાં તો મનુષ્યોનાં નિત્યનાં સહચરો હતાં. કેવળ સુંદર સુંદર વસ્તુઓનું જ સ્થાન સાહિત્યની અંદર હોઈ શકે એમ પણ નહોતું. કારેલી, તૂંબડી અને તાંદળીઓ : મીની, કુત્તો અને કાગડો : એવાં પ્રાણીઓ ઊલટું વધુ સ્વાભાવિક સ્થાન આ સાચાં સંસારચિત્રોમાં પામતાં અને એ ચિત્રોની અપૂર્ણતા પૂરતાં. દેવ અને દેવીઓ પણ આ દુ :ખિયારી દીકરીઓના સંસારમાં સાંત્વન દેતી, દાદફરિયાદો સાંભળતી ને પ્રાર્થના પૂરી કરતી દેખાય છે. ચગાવણ પહેરવેશ એવા રસભરપૂર રાસડાને ગાવા માટે જેમ સુંદરીઓનાં ગળાં મીઠાં હતાં, ધારેલી અસર ઉપજાવનારા ઢાળ જેમ એ ગળામાંથી જન્મતા, તેમ એના હાથ-પગની અંદર પણ એ ઢાળો અને તાલોની સાથે ઐક્ય સાધવાની કળા હતી. લોહીનું દરેક બિન્દુ તાલને અનુસરતું હોય ત્યાં હાથપગની તો વાત જ ક્યાં કરવાની રહી? અને એ અંગેઅંગોના આવા સુંદર ઐક્યમાં બીજું ઐક્ય પહેરવેશનું ભળી જતું. લોક-સમુદાયની નારીઓ હજુય જે ચણિયા પહેરે છે તેના ઘેર જોઈને આપણે વિસ્મય પામીએ છીએ; એમાં કાપડની ઉડાઉગીરી માની લઈએ છીએ. વસ્તુત : એ ઉડાઉગીરી નહોતી. રાસડા ગાતી વખતે સુંદરીઓનાં શરીર હિલોળે ચડતાં તે સાથે એ ઘેરદાર ઘાઘરા પણ ઝૂલી ઊઠતા. પગ અને કમર ઉપર એ બંધનોરૂપ ન બનતાં ઊલટા નૃત્યને વધુ બહલાવતા, વહાણને એના શઢ જેમ વધુ વેગ આપે તેમ આ ઘેરદાર પહેરવેશ પણ રાસડાઓને ગતિ આપતો. છતાં અંગોની એબ તો પૂરેપૂરી ઢાંકતો. કમરથી નીચે જેમ આવો ઝૂલતો પોશાક જરૂરનો હતો, તેમ કમરની ઉપર પાછું કસકસતું વસ્ત્ર જોઈએ, કે જેથી હાથને મોકળાશ મળે અને છાતી ટટ્ટાર રહે; માટે જ ચારેય છૂટે છેડે ઝૂલતાં ઓઢણાંને તેઓ છાતી ઉપર બાંધી લેતા. છેડા સિવાયનો બધો ભાગ બન્ને બાજુએ ઝૂલી પડીને પીઠ ઉપર કમાનવાળા પડદાનો આકાર ધારણ કરતો. એ બધામાં કેવળ સગવડ જ નહિ, પણ કળા હતી, જુક્તિદાર ગોઠવણ હતી. હાથમાં ઝીણી, કેવળ નાજુકતાનો દેખાવ કરનારી બંગડીઓ નહોતી, પણ રાસડાના સ્વરો સાથે રણઝણી ઊઠે તેવાં તાકાતદાર ઘૂઘરી-જડિત ઘરેણાં હતાં, પગમાં રૂપાનાં કડલાં અને કાંબીઓ હતાં તે પ્રત્યેક ઠમકાની સાથે પરસ્પર અથડાઈને રણકતો સ્વર પુરાવતાં. આંગળીમાં અણવટ અને વીંછિયા હતા, તેનો અવાજ પણ જાણે કે અલંકારોના ‘સા રે ગ મ પ ધ ની સા’માં એકરૂપ બની જતો. માથે પહેરાતી ડામણી, કાને હીંચકતી પાંદડીઓ અને કંઠમાં હીંડળતા વિધવિધ હારોની કરામત પાછળ પણ જીવનના આ નૃત્યની — આ ‘રઢિયાળી રાત’ની — દૃષ્ટિ હતી. આજ એ લોક-સમુદાયના પુરુષવર્ગના ઘેરદાર કેડિયામાં પણ જુક્તિ રહેલી છે, કૃષ્ણના વાઘાનો જ એ અરધો રહેલો અવશેષ છે. ગરબી લેતી વખતે એ કેડિયાં પણ ઝૂલતાં જાય છે. પાઘડીનાં છૂટાં છોગાં અને નાડીનાં, ઘૂંટણ નીચે ઢળકતાં, નવરંગી હીરનાં ફૂમકાં પણ એ રાસક્રીડાનાં રૂપાળાં અંગો હતાં. ગરબો નવરાત્રિના ગરબાની કલ્પના કોઈએ તપાસી છે? કેટલી મસ્ત છે એ કલ્પના! આપણે ક્ષુદ્ર ગણી કાઢેલી સ્ત્રીઓએ કરેલી એ કલ્પના છે. ‘ગરબો’ બીજે ક્યાંય, કોઈ પણ દેશમાં કે ગુજરાત સિવાય કોઈ પણ પ્રાંતમાં સરજાયો નથી. માટીના એક નાનકડા અને નજીવા વાસણમાં દીવાના પ્રકાશને પૂરી દેવો, અને પછી સો સો છિદ્રો વાટે એનાં કિરણોને રમતાં મેલવાં : ચોમેર ફરતી તેજ અને છાયાની જાળીઓ છવાઈ જાય. પ્રકાશનાં જાણે મોતી પરોવીને ગાલીચા-ચંદરવા પાથર્યા હોય ની! કિરણોની કેવી રમણીય ફૂલગૂંથણી અને એ ગરબો પોતાને માથે મૂકીને કન્યાઓ જ્યારે ચાલે ત્યારે તો પ્રત્યેક માથા ઉપર અક્કેક આકાશ ખડું થાય. કેટલાંય આકાશો જાણે કે નાનકડાં રૂપ ધરી ધરીને ધરતી ઉપર રમવા ઊતરી પડ્યાં હોય એવું લાગે. પણ ગુર્જર સ્ત્રીઓની કલ્પના તો એથીયે વિશેષ મસ્તી ખેલી શકે છે — પ્રથમથી પાવાગઢ મોટો રે મા તમે શાના લીધા વાદ વીંઝણો રમણ ચડ્યો રે લોલ. અથવા — માજી તમે ગરબે રમવા આવો ભવાની મા કાળકા રે લોલ માજીએ સોળ સજ્યા શણગાર કે, સેંથલે સિંદૂર પૂર્યા રે લોલ. પહાડનાં શિખરો પરથી દેવીઓ જ્યારે સોળે શણગાર સજી, સેંથલે સિંદૂર પૂરી અને માથા ઉપર ગંજાવર ગરબા માંડી માંડી રાસડા રમવા ઊતરી હશે, ત્યારે કાળી રાત્રિઓમાં કેવાં ઝોકાર અજવાળાં છવાતાં હશે, જોગમાયાઓનાં વિરાટ વસ્ત્રાલંકાર ઝળહળ ઝળહળ થતાં હશે અને પહાડોનાં હૈયાં ભરે તેવા સૂર છૂટતા હશે. એમાંય પવન પોતે વીંઝણો બનીને ફરુકતો હશે એ ભવ્ય કલ્પના આપણી બહેનોની હથેળીમાં તો રમકડાની પેઠે અહોનિશ રમતી હતી. એ કલ્પનાની બાથમાં વિરાટ સ્વરૂપો પણ સમાઈ જતાં અને નાજુક ભાવો પણ નાચતા. ગરબો વિરાટ છે અને નાજુક પણ છે. ગરબાની કલ્પના અજોડ છે. રઢિયાળી રાત્રિનાં જાગરણોમાં આ ગરબાનું સ્થાન દેહમાં આત્માના સ્થાન જેવું મહત્ત્વનું છે. સુંદરીઓનો અંતર્યામી પોતે જ જાણે ગરબાનું રૂપ લઈને આખા વૃંદની વચ્ચે બેસતો અને એના ઉલ્લાસ તેમજ આક્રંદનો અબોલ સાક્ષી બનતો. સર્જનશક્તિના અવશેષ સ્ત્રીઓની આ સામૂહિક સર્જનશક્તિનો હજુયે છેક તો લોપ નથી થઈ ગયો. એટલું ખરું કે હવે એવા છિન્નભિન્ન જીવનમાં લાગણીઓના પડઘા અગાઉના જેવા સ્પષ્ટ પડતા નથી. ઊર્મિનાં એવાં બળ તો આ યુગમાંથી જ ઓસરી ગયાં છે. આકાંક્ષાની એકાગ્ર તીવ્રતા અને વેદનાની સચોટતા હણાઈ ગઈ છે. એટલે લોકસાહિત્યનો તો યુગ પોતે જ કવિત્વહીન બન્યો છે. છતાં કવિતાના કોઈ કોઈ ચમકારા ક્યારેક ક્યારેક દેખાઈ જાય છે. આ સંગ્રહમાં જ એવી ઐતિહાસિક કૃતિઓ શામિલ છે કે જેને રચાયાં બહુ સમય નથી થયો. એના ઉપર નૈસર્ગિકતાની છાપ છે. ઉપરાંત, કુંડલાની નાવલી નદી થોડાં વર્ષો પર રેલી હતી તેનો કોઈ રમણીએ રાસડો જોડ્યો છે. તેમાં એક કલ્પના આવે છે — ઝડસ્તા દીવડા બળે મો’લમાં રે લોલ મો’લમાં બેઠી મેમણિયાણી જાય જો નાવલી રેલી ને તાણ્યા કુંડલા રે લોલ. બળતા દીવા સાથે મેડીઓ તણાતી જતી હશે, અને એમાં બેઠી બેઠી મેમણની સ્ત્રીઓ કળેળાટ કરતી હશે, એ અધરાતના જળપ્રલય વખતનું કેવું કરુણ અને રમ્ય-ઘોર દૃશ્ય હશે! સ્ત્રીઓની કલ્પના એટલે સુધી આ યુગમાંયે દોડી ઊઠી. 1916ના વર્ષમાં શામળદાસ કૉલેજના છાત્રાલયની પાછળ એક રાત્રિએ રાસડા ગવાતા હતા. તે દિવસનો એક સ્વર મગજમાં હજુ ગુંજી રહ્યો છે — જોરૂભા સાહેબ, જરમર જીતી વેલેરા આવજો! એ પંક્તિમાં વીર-પૂજાનો પ્રાણ ઠલવાયેલો લાગતો હતો. કેપ્ટન (હવે કર્નલ) જોરાવરસિંહજી મહાયુદ્ધમાં સિધાવેલા તે પ્રસંગ એ રાસડામાં તદ્દન સાદી રીતે મુકાયો છે. (જરમર=જર્મન.) તેમાં લીધા ધુંસા ને લીધા ધાબળા, લીધા છે કાંઈ લડાઈના દરેસ રે
- — જોરૂભા સાહેબ, જરમર
લીધી કીટલી ને લીધી કોથળી, લીધાં છે કાંઈ લડાઈના હથિયાર રે
- — જોરૂભા સાહેબ, જરમર
કીધા ચાંદલા ને ચોડ્યા ચોખલા, દીધા છે કાંઈ સરીફળના માન રે
- — જોરૂભા સાહેબ, જરમર
અને ત્યાર પછી તો યોદ્ધાની માતાએ અને બહેને રણમેદાન ઉપર આશિષોના ને પ્રોત્સાહનના કેવા કાગળો બીડેલા હતા, તેનું બયાન આવે છે. બલિહારી તો એ છે કે આખા રાસડામાં ક્યાંયે જુદા પડતા સ્વજનોના નિ :શ્વાસ, વિલાપ કે તલસાટનો ઉલ્લેખ જ નથી. સાંપ્રત કાળના કોઈ નાટ્યકારને હાથે આવી ઘટના પડે તો એ વિદાય લેતા લડવૈયાની છાતી ઉપર એના આખા પુત્ર-પરિવારને માથા ઢાળીને હીબકાં ભરતાં ને ઝાલી રાખતાં વર્ણવવાનો લોભ એ નાટ્યકાર ન છોડી શકે. પરંતુ લોકગીતોનાં રચનારાંને તો શૂરાતનની પ્રમાણભરી વિવેકદૃષ્ટિ હતી. એ વિવેકદૃષ્ટિએ એમની કલ્પનાઓને કાબુમાં રાખેલી દેખાઈ આવે છે, રસનો કે લાગણીનો અતિરેક એમણે આલેખ્યો નથી. કોઈ એક ગામના કોઈ દરબાર માધુભાએ કોઈક દિવસ દીપડો માર્યો હશે. એટલામાં તો વીરપૂજાના સંસ્કાર જાગી ઊઠ્યા. પ્રજાની માતા-બહેનોએ મધુર સ્વરનું પદ જોડી કાઢ્યું :
વા રે માધુભા વાંકડલી ફોજવાળા!
માતા નાનીબા પૂછે માધુભા!
કેમ કરી દીપડાને માર્યો માધુભા,
વાંકડલી ફોજવાળા!
ગેંડાની ઢાલે ને સોનાની છરીએ,
રૂપલાની ગેડીએ માર્યો માધુભા,
વાંકડલી ફોજવાળા!
આમ હજુયે નાનોમોટો ઇતિહાસ આલેખાય છે. પણ બીજી સર્જનશક્તિ તો મૂર્છાવશ થઈ છે. લોકગીતનાં સિંચન ગુજરાતના શિષ્ટ સાહિત્ય પર આ કંઠસ્થ અને ગરબા-ગરબીની ઘણી ઘાટી છાપ પડી છે. નરસૈયા, પ્રેમાનંદ, દયારામ અને નર્મદની કવિતામાં એનાં ટીપાં ટપક્યાં છે. ત્યાર પછી લોકોના શ્રમજીવી સંસારમાં એ રોજ રોજ આવતી ‘રઢિયાળી રાત’ આ નવા યુગમાં આસ્તે આસ્તે અનિયમિત અને પછી તો વિરલ બનતી ગઈ. એનાં કારણો જાણીતાં છે. લોકગીતોનો લોપ ઝડપભેર થતો હતો. જીવન બદલતું જતું એટલે ભણેલા સમાજને નવા નવા રસ રુચવા લાગ્યા. આજ એ જીવન અને એ રસસામગ્રીની મીમાંસા કરવાનો અવકાશ નથી. લોકજીવનના ને લોકગીતોના એ સ્વાભાવિક ધ્વંસ વચ્ચે એક મનુષ્ય ઊભો હતો, જે એ ધ્વંસની નુકસાની માપતો હતો. માતા છેલ્લાં ડચકાં લેતી હોય અને જેમ કોઈ માઘેલું બાળક એનાં સ્તનો ચૂસી લેતું હોય, તેમ કવિ ન્હાનાલાલે એ લોકગીતરૂપી માતૃ-સ્તનોમાંથી છેલ્લા ઘૂંટડા લીધા. અસલી ઢાળોને એમણે નવીન શૈલીની કવિતામાં ફૂંકી દીધા. એમની બીજી બધી કવિતાનો જ્યારે લોપ થયો હશે ત્યારે એમના રાસડા જીવશે અને એ રાસડા પણ મુખ્ય જીવન એના લૌકિક ઢાળોમાંથી મેળવશે. એમની નવી જાતની કવિતાની નબળાઈઓ અને કૃત્રિમતાઓ વચ્ચે પણ એમણે જૂના ઢાળોને જુક્તિથી જાળવ્યા છે. જાણે કે ઢાળોના સરજનહાર જ પોતે હોય એવું તાદાત્મ્ય એમણે સાધ્યું છે. નાટકોમાં ડાહ્યાભાઈ અને વાઘજીભાઈના ગયા પછી એ લોકપ્રાણને ભાવનારું તત્ત્વ ગુમ થયું. ત્યાર પછી લોકકાવ્યમાંથી આજ બીજા થોડાએક કવિઓ ખરી પ્રેરણા પામી રહ્યા છે. બોટાદકરે એ પ્યાલો પીધેલો, પણ એ ગયા. જીવ્યા હોત તો એ લોકપ્રાણને ડોલાવી શકત. આજે શ્રી ત્રિભુવન વ્યાસે આ ઝરણામાં એમના હાથ બોળ્યા છે, મોં પલાળ્યું છે. પીએ તેટલી જ વાર છે. ‘રતનબા’ના રચનારમાં લોકપ્રાણ તલસી રહૃાો છે.