કાળચક્ર/ધર્મસ્થાનકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading |ધર્મસ્થાનકો}} '''રૂપાવાવના''' મહંતની ગાદી પર કાળી ઘાટી દાઢી-...")
(No difference)

Revision as of 08:45, 30 April 2022

ધર્મસ્થાનકો


રૂપાવાવના મહંતની ગાદી પર કાળી ઘાટી દાઢી-મૂછવાળો એક જુવાન છેલ્લાં બેએક વર્ષોથી બેઠો હતો અને આ પંથકમાં ત્યારથી બહારવટિયા-લૂંટારાને માટે રૂપાવાવ માના પેટ જેવું બન્યું હતું. આ પ્રદેશમાં છૂટી છૂટી ત્રણ મોટી જગ્યા હતી એક ભીમગદાની જગ્યા, બીજી દેવપીપળાની જગ્યા અને ત્રીજી રૂપાવાવની. ભીમગદાની એક લાખ જેટલી આમદાનીના માલિક ભેરવગરજી નામના મહંત ભાંગ, ગાંજો, દારૂ અને કામિનીમાં ગળા સુધી ગરકાવ હતા, અને એના શરીરે પૂર્ણ ષંઢત્વ પ્રાપ્ત કરી કાઢ્યા પછી એણે ત્રીજી વાર લગ્ન કર્યું હતું. દેવપીપળાના મહંત દૂધાધારી તરીકે પંદરેક વર્ષ પૂજાયા પછી એક આહીરે એનું ખૂન કરી પછી ઘેર જઈ પોતાની સ્ત્રીનું નાક છેક કપાળના ભાગથી તે હોઠ સુધી વાઢી નાખ્યું હતું એટલે એ બે બનાવોનો તાળો મળી રહેતો હતો. આખા પ્રદેશમાં જેના રૂપનો જોટો નહોતો જડતો એવી એ આહીરાણીને આ શિક્ષા આપતી વેળા ધણીએ કહ્યું હતું કે ‘હવે વલ્યાત લગીનાં દાગતરખાનામાં ફરી વળજે, રાંડ! તારે કપાળેય ચામડી રહેવા દઉં તો દાગતર નાક સાંધી શકે ને!’ તે પછી દેવપીપળા ઉપર જપ્તી-વહીવટ ચાલતો. અને ત્રીજી આ રૂપાવાવની જગ્યાના દેવતાઈ સતનો તો એવો પ્રચાર ચાલુ હતો કે છેક મુંબઈ-મદ્રાસમાં રહેતા આ પ્રદેશના વેપારીઓ તરફથી સાકર, ચોખા અને તૂરદાળનાં નનામાં વૅગન પછી વૅગન આવવાં ચાલુ રહેતાં. અને તેમાંથી મેડીઓ પછી મેડીઓનાં મકાન ઉમેરાયે જ જતાં હતાં. જગ્યાની મહેમાનીનો કોઈ જોટો નહોતો; મહેમાન ગમે તે હો, કોઈ પૂછતું નહીં કે તું ક્યાંનો છે ને કેટલા દિવસથી આવ્યો છે ને હવે તારે જવું છે કે નહીં. મહેમાન ગમે તેટલા હો, ચૂલ્યો ઉપર રસોઈનાં રંગાડાં ઊકળ્યા જ કરતાં. એ હતી ફક્કડની જગ્યા, એટલે મહંતાઈ એક અગર બીજા ચેલામાં ઊતરતી. રાજના અમલદારને જે વધુમાં વધુ ‘આચમન’ ચખાડી શકતો તે ચેલો મહંતાઈ પામતો.


‘આચમન’ આપવાની બાબતમાં રૂપાવાવના મહંત અને ડમરાળાના શેઠ-પુત્ર સુમનચંદ્ર વચ્ચે હમેશાં તીવ્ર હરીફાઈ ચાલુ રહેતી. બંદૂક-રિવૉલ્વરના પરવાના મેળવવામાં પણ બન્નેની અરજીઓ પોલીસ ખાતે હોડ કરતી. અને બંને જણા વચ્ચે એક વિશેષ સમાનતા હતી બેમાંથી એકેય જણ જાતે હથિયાર ઝાલતો નહીં. એ જુમ્મેદારી તેઓ પોતાના પગારદાર માણસને જ સોંપતા. બન્ને વચ્ચે સારી ભાઈબંધી હતી. સુમનચંદ્ર આવે ત્યારે મહંત ભેટી પડતા. બેઉ મળે ત્યારે નવાં વસાવેલાં હથિયારોની સ્પર્ધા ભારી રોનક સાથે ચાલતી. રણથળીથી પાછા આવેલ પિતાએ, પુત્રની સાથે વાત ન કરવાની પોતાની કાયમી આદતમાં એ દિવસે એક અપવાદરૂપે સુમનને બોલાવીને ફક્ત આટલું જ કહ્યું “તારી કોઈપણ બાબતમાં હું માથું મારતો નથી; મારે તને કાંઈ કહેવાનું નથી; તું ને ભા જે કરતા હો તે કર્યા કરો; પણ પારકી જણીને વાટ જોતી બેસારી રાખવામાં મોટું પ્રાછત છે. તારો જે કાંઈ નિર્ણય હોય તે જણાવી આવ.” એમ કહી રૂપાવાવ ગયેલાં કેરાળીનાં ત્રણ જાત્રાળુઓના સમાચાર દીધા. “ભલે.” એટલું જ બોલીને પુત્ર ઊઠ્યો ત્યારે પિતાએ છેલ્લી એક વાત કહી નાખી “નરસી મે’તાએ, જગડુશાએ, એવા એક-બેએ ભગવાન જ્યારે ત્રૂઠમાન થયા ત્યારે વરદાન માગ્યું હતું કે હે નાથ, મને નિર્વંશ દેજો! હું એ જ માગું છું.” સાંભળી લઈને નીચે ઊતરી ગયેલ સુમનચંદ્રે ઘોડે પલાણ મંડાવ્યું. બીજે ઘોડે એણે નવા રાખેલ ગરાસિયા રક્ષક ભૂપતસંગને સાથે લીધો. તાજી જ ખરીદેલી બે-જોટાળી નવીનકોર બંદૂક અને કારતૂસનો પટો એણે ભૂપતસંગને ધારણ કરાવ્યાં. ભૂપતસંગ એક કદાવર અને અડીખમ દેખાવનો, કરડી આંખોવાળો કાંટિયો હતો. કોઈપણ જોનારને એ ‘એકે હજારાં’ જેવો લાગે. રસ્તામાં એ સુમનચંદ્રે મન સાથે વાતો કરી લીધી. રૂપાવાવ જઈને એણે વિમળાની તરફ તીરછી નજર નાખી જોઈ. એના હૃદયમાં એક છૂપી મજા મચી ગઈ. વિમળાનું બદન ભરાયું હતું. ખૂબ હૃષ્ટપુષ્ટ બની ગઈ હતી. વૈશાખનો તાપ કોઈ નાજુક, ફૂલે લચી પડતી વેલડીને સળગાવી નાખવામાં જે આનંદ અનુભવે છે તેવો આનંદ સુમનચંદ્રના મનનો હતો છો સળગી જતી! આજે હવે ન તો છોડું કે ન પરણું. પૂરી દાઝ કાઢીને રઝળાવું. કારણ… કારણ કે એક જ વર્ષ પર સુમનને એક લાંબી માંદગી આવી હતી. માંદગી દસ મહિના ચાલી. પોતે હાડકાંનું માળખું જ બની ગયો હતો. એ વખતે એનો બાપ સગપણ તોડવા ઊઠ્યો હતો. સુમનચંદ્ર માંદગીમાંથી બેઠો થવાનો જ નથી અને થાય તો પણ જમાઈનું શરીર લગ્નને લાયક થવાનું જ નહીં, એટલે સુધી કહીને ગોપાળ દાદાની જીભ ઝાલીને એણે ફારગતી મેળવી હતી. પણ એ બચ્ચાને અમારી મેલી દીધેલીની બાંય પકડનાર કોઈ મળ્યું નહીં એટલે જ બેઠો રહ્યો. ને હવે એને અમારો સ્વાદ ફરી લાગ્યો છે. હવે તો હું એની છાંટ પણ લેવાનો નથી કે નથી એ છોકરીનો છૂટકો કરવાનો. એવું ચિંતવતાં ચિંતવતાં એણે પોતાના શરીરની ને વિમળાના શરીરની મનથી સરખામણી કરી લીધી, ને ફરીથી મનમાં ઉચ્ચાર્યું ‘એનું જોબન સળગાવીશ, ને સળગતું જોયા કરીશ!’ વિમળાના ભાઈની સાથે બેસીને એણે વાત કરી “તમારા કાકા વારેવારે લગ્ન કરવાના કાગળ લખે છે, પણ મારે શરીરે હજી પૂરી નરવાઈ નથી આવી. હજી મને ઝીણો તાવ રહ્યા કરે છે. કોઈ કોઈ વાર બળખામાં લોહીના દોરા બહુ નહીં પણ સે’જ દેખાય છે. એ હશે તો અમસ્તા, તાવ પણ હોય છે તો સળેખમ-શરદીનો, કે પછી તજાગરમીનો મૂળ દરદ તો નથી, પણ હવે આટલું ખમ્યા તો પછી એકાદ વરસ વધુ ખમી જાઓ. તેમ છતાં બીજું કોઈ ઠેકાણું જડી જતું હોય તો અમારી ના નથી. અમે તો રાજી છીએ. તો અમારાં હોય એટલાં લૂગડાં-ઘરેણાં પાછાં દઈ મેલજો, ને ખુશીથી શુભ અવસર ઉકેલી લેજો. બાકી મારું શરીર પૂરું વળતાં તો હજી વાર લાગશે.” જગ્યાની ધર્મશાળાની પરસાળને એક છેડે, જ્યાં આ વાર્તાલાપ ચાલતો હતો ત્યાંથી વિમળા જરા પણ દૂર નહોતી. ને થોડી બહેરી હોત તો સુમનચંદ્ર એટલા પ્રમાણમાં અવાજ વધારત, કારણ કે હેતુ તો હતો એનું ભરજોબન સળગાવી મૂકવાનો. ને વિમળા સળગી પણ ખરી, કારણ કે સુમનચંદ્રે વર્ણવેલી નબળી તાસીરનું એકેય ચિહ્ન એના નખથી શિખ લગી વિમળાની નજરે ન પડ્યું. અને બીજે લગ્ન કરી નાખવા વિશેની સલાહ પણ બળતામાં ઘી હોમવા જેવી બની. સુમનચંદ્રે એને પોતાની આંખોને ત્રાજવે તોળી પણ જોઈ. વજનમાં મોટો ઘટાડો કળાઈ આવ્યો. ગાડું રૂપાવાવથી રણથળી તરફ પાછું ચાલી નીકળ્યું અને સુમનચંદ્ર મહંતસાહેબની હેતભરી મહેમાની માણતો સાંજ સુધી રોકાયો. એને રોકી રાખીને મહંતે પોતાની દરબારગઢ જેવી જગ્યાના એક ઓરડામાં જઈ એક ઊંઘતા આદમીને ઉઠાડ્યો “ગીગા વરુ! જાઓ, ડમરાળાને રસ્તે વાટ જુઓ. હું દી આથમ્યા અગાઉ નીકળવા નહીં દઉં.” સૂર્યાસ્ત પછી સુમનચંદ્રે અને એના રક્ષક ભૂપતસંગે ઘોડાં હાંક્યાં. અંધારાનો પડદો આછો મટી ઘાટા રંગ ધારણ કરતો જતો હતો, તે વખતે ઘોડાં નકટીની નેળ્ય નામના ઊંડા મારગને કાંઠે આવી પહોંચ્યાં અને કાંઠાના ખેતરમાંથી ‘હુ-ઉ-ઉ!’ એવો એક ખોંખારો સંભળાણો. ખોંખારો ઓળખાઈ ગયો. ગીગો વરુ નામે જુવાન ‘જૈતા મામા’ નામે આપણને જાણીતા ખાચર કાઠીને ઘેર ડમરાળે વારંવાર રહ્યો હતો. સુમનચંદ્ર સાવધ બન્યો. સામેથી કરડો સવાલ આવ્યો “કોણ છે ઈ?” “ઓહો! કોણ, ગીગાભાઈ?” સુમનચંદ્રે નરમાશથી સામી હાક દીધી. “હા, કેમ અટાણે અસૂરા?” “આ…જરા ખાનબાપુ પાસે મોડું થઈ ગયું.” પાસે આવીને ગીગો વરુ ઊભો રહ્યો, આડીઅવળી વાતો કરવા લાગ્યો. અને ભૂપતસંગના હાથમાં બંદૂક એને દેખાણી એટલે એણે કહ્યું “ઓહો! નવી લીધી જોટાળી? જોયીં જોયીં?” એમ કહીને એણે હાથ લંબાવતાં તો ભૂપતસંગે કોઈ કળ દેવાની પૂતળી હોય એમ યંત્રવત્ પોતાની પાસેની બંદૂક ગીગાના હાથમાં આપી. “ઓહો!” બંદૂકને ઝીણી નજરે નિહાળતો, પંપાળતો, બેઉ હાથમાં રમાડતો ગીગો બોલવા લાગ્યો “નામી છે ને શું! કેટલાની મળી? કેટલા કદમ ગોળી જાય છે?” બોલતાં બોલતાં એણે ઘોડો ચડાવ્યો ને ઉતાર્યો, ખભે લગાડીને તાક લીધી અને જાણે એ પોતાની જ હોય તેવી બધી ચેષ્ટાઓ કરવા લાગ્યો. સુમનચંદ્ર પણ દરેક પ્રશ્નના સરખા જવાબ આપતો ગયો. એની જીભમાં ક્યાંય થોથવાવા જેવું નહોતું. એણે જૈતા મામાનાં ઘરવાળાં કાઠિયાણી બાઈના સમાચાર પૂછ્યા “માકબાઈ બે’ન ક્યાં છે? શું કરે છે? દીકરો માણસુર કેવડોક થયો છે?” “તમારા જેવડું કાઠું કર્યું છે માણસુરે તો. બરાબર જૈતા ખાચરની જ અણસાર! અને ઈવડો ઈ જ ઢાળો! જાણે એના બાપની જ છબી!” સુમનચંદ્ર મનમાં ને મનમાં હસ્યો. માકબાઈને માણસુર, ડમરાળા છોડી ગયા પછી, પાંચાળમાં જન્મ્યો હતો. અને જૈતો મામો કોઈ દી પાછા માકબાઈને મળ્યા સાંભળ્યા નહોતા. ખેર! એ સંધ્યાના અંધકારમાં એના હોઠનો આછો મલકાટ ગીગાની નજરે ચડ્યો નહીં. “ત્યારે હવે આંહ્ય લાવો ને માદીકરાને!” સુમનચંદ્રે કહ્યું. “એ માટે અમે દાખડો કરીએ છીએ ને, શેઠ!” ગીગાએ વ્યંગમાં જવાબ વાળ્યો. “એ બધો દાખડો મૂકી દ્યો, ગીગાભાઈ! એમાં કાંઈ માલ નથી.” “અમે કાઠી છીએ, હો શેઠ!” “તો હુંય કાઠીનો ભાણેજ છું ને, ગીગાભાઈ! હું કાઠીની ધરતીમાં જ આળોટ્યો છું.” સુમનચંદ્રના એ શબ્દો ગીગાનાં ગાત્ર ઢીલાં કરનારા હતા. એનો જમણો હાથ ગજવામાં હતો. ગીગાને ખબર હતી કે ગજવામાં એ હાથનો પંજો નાની એવી ઑટોમૅટિક પિસ્તોલના હાથા પર જ હતો, અને ગીગાના હાથમાં શેઠની જે બંદૂક હતી તેની પર કૅપ પણ ચડાવેલો હતો. છતાં આ બંદૂક અને પેલી પિસ્તોલ વચ્ચે જો હરીફાઈ થાય તો વહેલો ભડાકો કઈ કરશે એની પણ ચબરાક ગીગાએ ગણતરી કરી. સુમનચંદ્રે ગીગાને મૂંઝાઈ રહેલો જોઈને લાગ લીધો “એમાં શું મૂંઝાઈ રહ્યા છો?” ગીગાએ ચમકીને પૂછ્યું “કોણ હું? ના રે ના, એવું કાંઈ નથી.” “તો પછી માણસુરભાઈને આંહ્ય લાવો. બધું ઠેકાણે પાડી દઈએ.” “પણ મા-દીકરાને મેળ નથી.” “તમ જેવા પડખે ચડો પછી તો એમ જ થાય ના! બાકી બીજાં ચીંથરાં ફાડવાં મૂકી દ્યો, ગીગા વરુ! ને આંહ્ય લઈ આવો. તમે એનો વહીવટ કરો. જમીન તો મા-દીકરો આવે એટલે તુરત સોંપી દેવી છે. એમાં કાંઈ ફેર નથી. પાંચ વરસ બાકી છે તેય હું જતાં કરી દઉં. પણ બા’રવટું ખેડવું હશે તો આપણે બધાય જુવાન છીએ. તમે મને કે હું તમને આંટી દેશું તોપણ લેખે લાગી જશું. આપણે ક્યાં ખાટલે પડ્યા છીએ?” “પણ ભા માનશે?” “ભાને હા ભણાવવી એ તો મારા હાથમાં છે. ભાની ફિકર કરો મા. ભાનું બા’નું પણ આપો મા.” “ઠીક, જોઉં છું.” “હા, જુઓ, મારે ઉતાવળ થોડી છે? પણ એ છોકરાનો જન્મારો બગડે છે, તે સિવાય કોઈપણ કારણ નથી. આપણે બેને તો પાછું સુખ છે ના?” “શેનું?” “ચૂડીકરમનું.” “હા!” ગીગો હસ્યો. “ઈ બેમાંથી કોઈની વાંસે તો કોક ને કોક થોડાં આંસુડાં પાડનારી હોય.” “ના રે ના!” એમ કહીને ગીગો ફૂલ્યમાં આવી ગયો. એને આ પોતાની પ્રશંસા લાગી “કો…ણ નવરું છે?” “અરે કોઈક કણબણ, કોઈક કુંભારણ ને કોઈક ઢેઢડી પણ ખરી.” “હવે રાખોને, ભાઈસા’બ!” ગીગો ફૂલીને ઢોલ થયો અને શરમાણો પણ ખરો. એણે બંદૂક પાછી ભૂપતસંગના હાથમાં દીધી અને રામરામ કર્યા. “એ રા…મ! આવજો ત્યારે વેળાસર માણસુરભાઈને લઈને!” એમ કહીને સુમનચંદ્રે નેળમાં ઘોડો હંકાર્યો. ગીગાના ખોંખારાએ પાછળનો વગડો ગજાવી મૂક્યો. રસ્તે તો એને કંઈ થયું નહીં. અંધારી રાત અને અશ્વ પરની રાંગ એને રોમે રોમે વિક્રમ સીંચી રહી હતી. પણ ઘેર પહોંચીને ઘોડેથી ઊતર્યા પછી એની કાયા કબજે ન રહી. એ થરથર ધ્રૂજી ઊઠ્યો. ગજવામાંથી હાથને આખી વાટે બહાર કાઢવાનું એને ભાન જ નહોતું રહ્યું, એ હવે એણે બહાર કાઢ્યો ત્યારે જ એણે જોયું કે હાથમાં કે ગજવામાં કશું નહોતું. પિસ્તોલ એણે એ દિવસે સાથે લીધી નહોતી. ગજવામાં પિસ્તોલ પડી છે, પિસ્તોલની ચૅમ્બરમાં છયે છ કારતૂસ ભર્યા છે, ને એની ઠેસી પણ પોતે ઉઘાડી નાખીને પંજામાં તૈયાર રાખી છે, એવા વિભ્રમમાં ને વિભ્રમમાં જ એણે ગીગા જેવા દૈત્ય ડાકુનો સામનો કર્યો હતો. એના શરીરને સ્વસ્થ બનતાં ઘણી વાર લાગી. એ પછી એણે પહેલું જ કામ ભૂપતસંગને બોલાવવાનું કર્યું. એના હાથમાં એક મહિનાનો વધુ પગાર મૂકીને કહ્યું “કાલે સવારે તમે ચાલ્યા જજો. આ વાત આપણા બે સિવાય કોઈ જાણવા પામશે નહીં, કારણ કે જો જાણે તો તમને કોઈ ઉંબરે ઊભા રહેવા નહીં આપે. તમે શું વિચારીને બંદૂક એક અજાણ્યા માણસના હાથમાં આપી દીધી? તમારો તો બદઈરાદો નહોતો. તમે બહાદુર પણ હશો. પણ એકલી બહાદુરીમાં શુ બળ્યું છે? જાઓ, ભાઈ, બીજે રોટલો રળી ખાજો; પણ હવેથી બંદૂક ન બાંધતા.”