કાળચક્ર/ચક્રનો પહેલો આંટો: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |ચક્રનો પહેલો આંટો}} '''એ''' જ શેઠનંદન સુમનચંદ્ર એક દિવસ પોતાન...") |
(No difference)
|
Revision as of 08:49, 30 April 2022
એ જ શેઠનંદન સુમનચંદ્ર એક દિવસ પોતાના ગામ નજીકના સ્ટેશને એક પેટી અને બિસ્તર સાથે આવીને ઊભો રહ્યો.
એને વળાવવા આવેલા મોટા ટોળામાં માત્ર બે મનુષ્ય નહોતા દાદા ગોપાળભા અને પિતા દલભાઈ. એ બેઉ થોડા મહિના પર માનવજીવનના છેલ્લામાં છેલ્લા સ્ટેશનની ટિકિટો કઢાવીને પ્રયાણ કરી ગયા હતા. ટોળાના દીદાર પર ઝાંખપની રાખ વળી ગઈ હતી. એની વચ્ચે સુમનચંદ્ર ચળકતે ચહેરે પાન ચાવતો, ને સ્મિત કરતો ઊભો હતો કેમ જાણે કરજદાર ખેડૂતને ઘેર જપ્તી કરવા ચાલ્યો હોય! “મે પડ્યો છે, માટે વાડીમાં કોસ ઝટ જોડાવી દેજો, હો કે શવદાસ!” પોતાના આગલા ખેડૂતને એ સૂચના દેતો હતો “નીકર મેનાં પાણીની ગરમી પોપૈયાને જોર કરવા નહીં દ્યે. ભૂલતા નહીં, અને ચોમાસું દેખીને વધુ પડતી જમીન વાવતા નહીં; નીકર પછી આજ મોટી બથ ભરીને પાછળથી પસ્તાશો. આજ કૂવામાં પાણી ચડ્યાં છે તે એ કાંઈ અશળેખ નખતરનાં નથી કે ટકી રે’.” “પાછા કેદીક વળશો, ભાઈ?” એક જણે પૂછ્યું. એની આંખો પલળતી હતી. “જન્મારો તો થોડો જ બેઠો રહીશ?” એટલું કહેતે કહેતે સુમનચંદ્રે હોઠ પર બે આંગળીઓ ગોઠવીને વચ્ચેથી પાનપટીના રાતાચોળ રસની પિચકારી ઉડાડી અને ગળું ખોંખારી સોપારીના ચાવણને ગળા નીચે ઉતાર્યું. “પણ આશરે?” “અરે, ખોટા રૂપિયાની જેમ આવ્યો સમજો!” એ પછી એણે સ્ત્રીઓના ઘેરા પાસે જઈ, હસી હસી કોઈનું શ્રીફળ લીધું ને કોઈના હાથનો કંકુ-ચાંદલો સ્વીકારવા કપાળ ધરી પોતાનું ઊંચું માથું નીચું કર્યું. નીચે નમવાને કદી ન ટેવાયેલ એ મસ્તકની ઝૂકવાની છટા પર લોકો તાક્યા વગર રહી શક્યા નહીં. એ છટામાં ડમરાળાનાં છેલ્લાં વીસ વર્ષોમાં ભાત પાડનારી નવીનતા હતી. ટચાક ટચાક ટચાક ચાંદલો કરીને ચોખા ચોડનારી સ્ત્રીના હાથમાંથી દુખણાં લેતાં ટચાકા ફૂટ્યા. “અરે ભાભી!” સુમનચંદ્રે એ ચાંદલો કરનાર કુમારિકાની નજીક નયનો લૂછતી એ કન્યાની વિધવા માતાને ઘણું નીચે નમી કહ્યું “તમે તો લપાઈને ઊભાં છો! મારે કેટલી ભલામણ કરવી હતી! જુઓ, ઉતાવળાં થશો નહીં. હું ટબલીની વાત નહીં ભૂલું અરે ભૂલ્યો, ટબલી કહેવાનો મહાવરો યાદ આવી ગયો. ટબલી નહીં, સુલોચનાદેવી, ખરું ને, ટબલી?” કાકાના એ વિનોદ-વાક્યે ટબલી ઉર્ફે સુલોચના નામની મૂએલા પિતરાઈ ભાઈની યુવાન પુત્રીના ગાલ પર ગલ પાથર્યા. છેલ્લે છેલ્લે ચાર-પાંચ ડોસલા દૂર શરમિંદે મોંએ ઊભા હતા, તેઓની પાસે પોતે જઈ હાથ મિલાવ્યા. “ભાઈ!” એક ડોસાએ નરમ સ્વરે કહ્યું “બધું અવળું બની ગયું, પણ અમે એમાં ન’તા હો! ખાતરી રાખજો. પારકાએ આવી વખ રેડ્યાં આપણામાં.” “બોલો મા, બોલો મા, રૂખડ દાદા!” સુમને ખૂબ દાંત કાઢીને ડોસાની પીઠ થાબડી. “વખ તે વળી કેવાનાં! છૂટકો પતી ગયો આ તો.” “સૂરજ ડાડો સાખિયો છે, શેઠ! ને આ મોંમાં હજી દાતણ નથી નાખ્યાં.” બીજાએ લાંબા હાથ કરી ઊગતો ભાણ ડુંગરાની ગાળીમાં દેખાડ્યો; ઉમેર્યું “અમારે દાયરે તો ઈ પાંચાળવાળાઓનાં ખોરડાં હારે કાલ અપૈયો લઈ લીધો. ને તારા ભગત જેવા બાપનું ઢીમ ઢાળી દેનારની તો ઠાકરે જ ઠીક દશા કરી.” “એવું કશું સંભારવું નહીં, વાજસૂર ભૈજી!” પણ બીજાને જેની ના પાડી તે પોતાનાથી જ ન બની શક્યું. એની દૃષ્ટિ દૂરથી પોતાના મકાનના એક ગોખ પર પડી. હજુ પણ જાણે પિતા ત્યાં બેઠા બેઠા બંદૂક ચલાવી રહ્યા છે, ને બહારથી સનનનાટ કરતી ગોળીઓની ઝીંકમાં નાહી રહ્યા છે. ટ્રેન આવી, અને ‘હાશ!’ એવા શબ્દ સાથે શ્વાસ વિરામતો એ ટ્રેનમાં ચડ્યો. બારીમાં બેઠે બેઠે ફરી એક વાર પાનની પિચકારી ઉડાડી અને સામે ઊભેલા સાત-આઠ ગામડિયા વાણિયાઓને બાજુએ બોલાવી છેલ્લી ભલામણ કરી “હું તો છૂટ્યો છું. તમે નાહક બંધાઈ રે’તા નહીં. ચોપડા કોક આવીને બાળે તેના કરતાં જાતે સળગાવીને જ હાથ ઠારજો. બાકી હવે તો પાશેર મોરસનો પણ વકરો કરવાની આશા છોડી દેજો. તમારાં વાવ્યાં તમારી પાસે લણાવશે ને લઈ જાશે.” “તું સાચું કે’છ, ભાઈ!” ત્રિકમજીકાકાએ ઢીલીપોચી પાઘડી ઢાંકેલો દશશેરિયો ટોલો હલાવ્યો એટલે પાઘડીના આંટા ઊખળીને એના ગળામાં પડ્યા. રૂપાના કંદોરામાં છૂટી પડેલી ધોતલીનો પાછલો છેડો, ઘોડાનો તંગ તાણે એવી અદાથી ખેંચીને રાયચંદ ફુવાએ પાછળ ઘાલતાં કહ્યું “વાજબી કે’છ તું, ભાઈ!” છેલ્લી વાર જોતો હોય એવી નજરે સુમનચંદ્રે પોતાના દરબારગઢ જેવા ઘરને જોઈ લીધું. અગ્નિદેવે ચાટી લીધેલ એ મેડીના કાળા કાટવળા ને રવેશ નિહાળી લીધા, ને એ બારી દીઠી કે જ્યાં બેઠા બેઠા પિતા ડાકુઓ પર બંદૂક ચલાવતા ચલાવતા કાળની પિછોડીમાં લપેટાઈ ગયા હતા. ગાય ખાધેલું વાગોળે તેમ સુમને ગઈ ગુજરી સંભારી… એ જ પિતા દલભાઈએ જેણે ઝીણાં જંતુ અને કૂણા ઘાસનુંયે જતન કર્યું હતું તેણે છેવટે બંદૂક ઉપાડી ખંભે ધારણ કરી હતી અને પુત્રને બીજી બંદૂક લેવરાવી હતી. કાઠી ગીગોભાઈ ડફેરોને લઈને આવ્યો હતો. શેઠની જમીનનાં વાવેતર અટકાવ્યાં હતાં. રાજ્યના તંત્ર પર નવા આવેલા બ્રાહ્મણ કારભારીએ વણિકોના નિકંદનની નીતિ અખત્યાર કરી હતી. પહેલું જ નિશાન ગોપાળભાના ઉચ્છેદનનું તાક્યું હતું. મહેસૂલ અને પોલીસ ખાતાના ઉપરીપદે પણ બ્રાહ્મણોને બેસાર્યા હતા. ખાનગીમાં શપથ લીધા હતા કે વાણિયાને જેર કરવા છે. સંકલ્પની સિદ્ધિને સારુ કાઠી, ડફેર, સંધી કે મકરાણી, સૌ કોઈનો ઉપયોગ એને ખપતો હતો. સુમનચંદ્રે સ્ટેશનના પ્લેટફૉર્મ પર ઊભા ઊભા યાદ કરી જોયું. કેટલી વાર પોતે નવા નવા ચોકીદારો લાવ્યો હતો, ને એ દરેક થોડા દિવસ રહી પોબારા ગણી ગયા હતા. રક્ષણ માટે પ્રતાપગઢના અધિકારીઓ પાસે જતો હતો, ત્યારે બબ્બે કલાકે તો મુલાકાત મળતી. ‘પધારો’ શબ્દને સ્થાને ‘જુઓ ને, મિસ્તર! તમે ન્યાય ખાતે જઈ ફરિયાદ કરો’, એવા શબ્દો સાંભળી પાછો વળતો. દાદાને જો એણે આ વાતો કહી હોત તો દાદાની છાતી જ બેસી જાત. ઘણા મહિના સુધી ગોપાળભાને એણે છેતર્યા હતા. ઘોડે ચડીને પાંચ ગાઉ પ્રતાપગઢ જતો-આવતો તેટલો પ્રવાસ પણ સલામતીભર્યો નહોતો દુશ્મનોના ભેટા થતા હતા. ઊજળો મોરો રાખીને પાર થઈ આવતો ને દાદા પાસે આવી જૂઠું બોલતો “રાજ્યે પાકો બંદોબસ્ત કરી આપ્યો છે, દાદા!” ઉદ્દેશ એક જ હતો દાદાને આબરૂભેર સદાની વિદાય દેવી હતી. પછી પોતાને છટકી જવું હતું. રતનાને ઘેર કરેલી જપ્તી ભુલાઈ નહોતી. “શાબાશ!” માંદગીની પથારીએ પડેલું દાદાના કલેવરનું ખોખું જોર કરી બેઠું થયું હતું અને પૌત્રને કહેતું હતું “જેટલી સિલકે છે તે તમામ કોથળિયું ખાલી કરી નાખજે, બધાનાં ગલોફાં રૂપિયે ઠાંસી દેજે, પણ વટ મેલતો નહીં!” સીમમાં ગોળીબાર સંભળાતા. દાદા પૂછતા “શું છે આ બધું?” “રાજે મૂકેલા આપણા ચોકિયાત છે.” “હાંઉ ત્યારે.” પણ આ છેતરપિંડી સુમનથી વધારે વાર ચાલુ રાખી શકાઈ નહોતી. એક રાતે ડેલીનાં મજબૂત કમાડ પર કુહાડા પડ્યા, ને ભરમ ભાંગી ગયો. “મને મૂરખ બનાવછ, એલા!” કહેતા દાદા ઊઠ્યા હતા. અને જીવનમાં પહેલી જ વાર પૂછ્યું હતું “ક્યાં ગયો ભગત?” ભગત એટલે દીકરો દલભાઈ. પોતાની નિરાળી બંગલી પરથી દલભાઈ આવ્યા ત્યારે એના હાથમાં કંઈક હતું. “એલા શું છે આ તારા હાથમાં?” પિતાએ ઓલવાતી આંખો પર સામટું જોર લાવીને નિહાળવા યત્ન કર્યો, પણ દૃષ્ટિમાં કંઈ આવ્યું નહોતું. “કહો, કેમ તેડાવ્યો?” “આ છોકરાને કહે.” “શું કહું?” “જમીનવાળાઓ હારે પતાવટ કરે.” “પતાવટ શેની?’ “તેડાવો એ બધાને, ને આપણા દસ્તાવેજોનો આંહ્ય ઢગલો કરો.” “પછી?” “દીવાસળી મેલો એ સૌના દેખતાં.” “એ તો હું હમેશાં કહેતો આવ્યો છું.” “બસ, તો પછી તારું કહેવું કબૂલ.” “પણ આજ એ નથી કહેતો.” “ત્યારે શું કહે છે?” “એ…આ કહું છું!” કહેતે દલભાઈએ પોતાના હાથમાં જે ચીજ હતી તે પિતાની નજીક આણી, એના પર પિતાનો હાથ ફેરવાવ્યો. “હેં! તું…તું આ…” પિતાનો સાદ ફાટી ગયો “બંદૂક લેછ? આજ ઊઠીને? ઠેકડી કરછ?” દલભાઈએ હસીને કહ્યું “હવે પતાવટ? શેની પતાવટ? ડરીને? જીવની બીકે?” “પણ છોકરો અંટાઈ જશે ક્યાંક!” “તો ઘોળ્યો!” ભા અરધા બેઠા થઈ ગયા. પિતા-પુત્ર વચ્ચે જવલ્લે જ બનતા વાર્તાલાપો માંહેનો આ એક હતો. “ઓહોહોહો! આટલી બધી જ્ઞાનદૃષ્ટિ! ધર્માદો તો તું જ કરતો!” “હા, પણ બીકે નથી કર્યો ધર્માદો.” “આજ સુધી પતાવવાનું કહેનારો પોતે જ ઊઠીને આજ આ શું બોલે છે?” “તમારું લોહી બોલે છે; કોઈ કાયર નથી બોલતો.” “ખરો ભગત! દીકરાનો બોકડો કરાવવો છે?” “ના, ના, બોકડો નહીં, શાદૂળો સિંહ! હવે ઊઠીને જો સુમન ખડ ખાશે તો જ બોકડો કહેવાશે. આજ સુધી હથિયાર બાંધીને ફરતો’તો, ભાડૂતી માણસોની ઓથે જીવતો’તો, અમલદારોને ઊભે ગળે ખવરાવીને આબાદી રાખતો’તો, ને હવે પતાવટ કરશે? ડરીને? ભાનો કોઠો આ સહન કરશે? કોઠો લાજશે!…” ટ્રેન આવી, સુમનચંદ્ર ચડી ગયો, અને થોડા દિવસોમાં બની ગયેલો ઘણો ઘણો ઇતિહાસ દિલમાં ફરી ફરી ઉકેલતો એક બેઠક પર બારી પાસે રહ્યો… બારીએ બેઠેલ પિતાની ને ડાકુઓની બંદૂકોની સામસામી તડાતડી ચાલતી હતી. સાધુપુરુષ દલભાઈ ધિંગાણું કરે છે એ સમાચારે ગામની વસ્તીને પણ ચાનક ચડાવી હતી. પ્રભાત વખતે રાજની નહીં પણ એજન્સીની સરકારી પોલીસ આવી પહોંચી હતી. તેમણે આવીને શેઠની મેડી નીચે પડેલાં બે શબ ઓળખ્યાં હતાં. જેને એજન્સી શોધતી હતી તે બે ડાકુઓ ઢળી ગયા હતા. અને એમને બેઉને સુવારી દેનાર દલભાઈનું જખમી શરીર, એજન્સીના ઊંચકાવ્યા દોડ્યા આવેલા રાજના અમલદારોની સમક્ષ, મરણ વખતનું એવું નિવેદન કરી રહ્યું હતું કે કોઈપણ કાયદાની અદાલત એને માન્ય ન રાખે “હું ઝીણી જીવાતનું પણ જતન કરનાર છું, વણિક જેવી રાંક લોહીવાળી કોમનો માણસ છું. પણ મેં જુવાનીમાં બંદૂકને જાણી છે, ખૂબ જાણીને ખેલાવી છે. મારા પિતાનો ને પુત્રનો માર્ગ એ મારો માર્ગ નહોતો. હું વર્ષોથી જુદે પંથે પળેલો છું. એક તરફથી ખેડૂતોને દબાવી, બીજી તરફ અમલદારોથી દબાતાંડરતાં ને એમની ખિદમત કરતાં જીવવાની નામરદાઈ મને પરવડતી નહોતી; પણ આ ડાકુઓથી ડરી જઈ, મારા પુત્રને હિચકારાપણાનો માર્ગ લેતો જોઉં એ પૂર્વે તો હું ફાંસી પર ખલાસ થઈ જવાનું પસંદ કરું. મેં તો જિંદગીને પેટ ભરીને માણી છે. મારે કોઈ અબળખા બાકી નથી રહી. હું તો મડું છું. મડાને વીજળીનો ભો હોય નહીં. “ડાકુઓ એ મારે મન ડાકુ નથી, અણસમજુ છોકરાં છે. રાજ એનાં માવતર છે. માવતરે છોકરાંને સંભાળ્યાં, સાચવ્યાં કે માણસાઈને મારગે મૂક્યાં નહીં. કબુદ્ધિ આવું કરાવે છે. કમાવતર હોય તે આવી કુમત્યમાં છોકરાંને સડવા દે છે. “અમે ગામડાંના શાવકારો છીએ. અમારો તો નરકવાસ બેવડો-ત્રેવડો છે. ચોપડા અમારી જેલો છે. એ જેલોમાં અમે ખેડૂતોને ને કાંટિયા વરણને કબજે રાખ્યાં છે. આ નરકવાસમાંથી અમને તો છોડાવો! વાણિયાનાં છોકરાં તમને દુવા દેશે. આ વ્યાજખોરી અને ગીરો માંડવાની શાવકારી એ તો ઈંદ્રના ઘરની અપ્સરાઓ છે; અમારાં તપને ચળાવે છે. “પણ એ બધું બદમાસોના ડારાદાટીથી હું નહીં છોડું. જીવતો રહીશ તો બાકીના ચૌદનેય વીણીવીણીને ઠાર મારીશ. મેં ઘણી ઘણી રાત મેડે જાગતા બેસીને ખેડૂતોનાં ઘરનાં બારણાં ઉપર એની બંદૂકોના ઠબકારા સાંભળ્યા છે; ‘ઉઘાડ નીકર બાળી દઉં છું!’ એવા શબ્દો સાંભળ્યા છે; બારણાં ઊઘડતાં સાંભળ્યાં છે; ઘરનાં ધણીઓને બહાર નીકળી ખાસડાં ઘસડતા સીમ તરફ ચાલ્યા જતા સાંભળ્યા છે; ઠેઠ સવારને પહોર નિરાંતે સૂઈ રહીને પછી એ ઘરોમાંથી દારૂ-ગંધાતા કાઠીઓને બજારે નીકળતા જોયા છે. હવે એ નહીં જોઈ રહું, ને અમારા ચોપડાના પણ ખડકલા નહીં જોઈ રહું બેમાંથી એકેય બાબત નહીં જોઈ રહું. એ કાંટિયાઓને તો ગોળીએ દાબીશ ને ચોપડા ચૂલામાં ઓરીશ બેય વાત કરીશ.” પણ હવે વધુ કંઈ કરવાની એમને ઈશ્વરને ઘેરથી રજા નહોતી. પોતાની છેલ્લી ઘડી આવે એ પૂર્વે એમણે પુત્રને કહ્યું “કહે દાદાને, ચોપડા કઢાવે.” “અત્યારે?” “પછી બુદ્ધિ ફરી બગડશે.” ચોપડા આવ્યા, ઢગલો થયો. “હવે મૂક તારે હાથે જ દીવાસળી.” સુમનચંદ્રે આગ ચાંપી. “બસ, જેગોપાળ સૌને.” સુમન પાણીની ટોયલી લઈ પિતાના મોં પાસે દોડ્યો. “ના, ના, મેં તો અન્નપાણીનો ત્યાગ કર્યો છે.” એમ કહીને એ હસ્યા, ને સુમનનો હાથ ઝાલી કહ્યું “ધરતી તો મા છે, એને ભોગવાય નહીં.” એ શબ્દો અંતિમ હતા. બીજી કશી ભરભલામણ પિતાએ કરી નહીં. થોડે દિવસે ગોપાળભાનો જીર્ણ દેહ પણ પડી ગયો. બેઉના કારજ પર ઘણો મોટો મનખ્યો મળ્યો હતો. એમાં મુખ્ય આવનારા, જેમની જેમની જમીન શેઠને ઘેર મંડાણમાં હતી તે કાઠીઓ હતા. તેઓએ સુમનચંદ્રના પગ પકડીને કહ્યું “અમારો વાંક નહોતો, ભાઈ, જુવાનિયા ને ખાટસવાદિયાનાં જ આ કરતૂક છે.” “જેનાં હોય તેનાં, પણ આજથી તમારી જમીનોના તમે ધણી છો.” “પણ હજી પાંચ-પાંચ વરસ બાકી છે!” “ના, અમે તો દસ્તાવેજો બાળી દીધા છે.” “ફરી કરી આપીએ.” “ના રે! માંડ નરકમાંથી નીકળ્યો છું.” આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. ત્યારે તો એક સુમનચંદ્રની અંદર માયલો સુમનચંદ્ર ન્યારો ને નિરાળો જ હતો! “હું તો મારા દાદાનું મોત ન બગડે એટલા માટે બેઠો હતો. એટલું ન થઈ શક્યું, દાદાને ભ્રમણા સોતા ન વળાવી શક્યો, બાકી તો એકેય ઓરતો રહ્યો નથી. “ઘીની છલકતી વાટકીમાં હું ઝેર જોતો હતો. સૂકા ટુકડામાં હવે સ્વાદ આવે છે. “કેવો મોકળો બન્યો!…” પરંતુ આ રટણમાં ભંગ પડ્યો. ટ્રેનમાં કોઈક બોલ્યું “હવે આવશે કેરાળી.” એ શબ્દોએ સુમનચંદ્રને સજ્જ કર્યો. સસરાને તડ ને ફડ જવાબ દઈ દઉં, એટલે પછી સાવ છુટ્ટો… સાવ છુટ્ટો… સ્ટેશને સસરા નહોતા, સાસુ પણ નહીં. સારું થયું. ત્યાં તો ટ્રેનના પછવાડેના ભાગમાંથી એક ટૌકો આવ્યો “સુમનભાઈ!” એ તરફ જ બેઠેલા સુમને નીચે નજર કરી એક છોકરી, જેના હાથનાં કાંડાં પર રૂપાની સફેદ બંગડીઓ હતી ને જેના કપાળમાં ચાંલ્લો નહોતો, ચણિયા પર છૂટી ઓઢણી ઓઢેલી, હાથેપગે મેંદી હતી, ને લાગતી હતી સોળેક વર્ષની જેને જોતાં જ જાણ્યું કે લાગે છે મુસલમાન. અજાયબ બન્યો. છોકરી હસતી હતી. તે પાછળ ફરી કોઈક બીજી છોકરીને કહેતી હતી “બોલ તો ખરી, શું કહેવું છે?” એ પાછળ ઊભેલી બીજી છોકરીએ આજુબાજુએ જોઈને સાડીના પાલવની કોર મોંમાં પકડી હતી. એ આ તરફ જોતી નહોતી. ટ્રેનનું એન્જિન પાણી લેતું હતું. કેરાળી વૉટરિંગ સ્ટેશન હતું. સુમનચંદ્રે વિસ્મય પામી પૂછ્યું “કોણ છો તમે?” “હું તો મર ને ગમે તે હોઉં, આ ઊભી છે તેની ઓળખાણ પૂછો ને!” એમ કહીને એ મુસલમાન જેવી જણાતી ખેડુ છોકરીએ ફરી પાછળ જોયું ને કહ્યું “બોલ ને, ભૈ, શું કે’વું છે તારે?” એ પાછલી છોકરીએ લગાર સુમનચંદ્ર તરફ જોયું ને કંઈક હોઠ ફફડાવ્યા, એટલે આગલી ખેડૂત છોકરીએ દુભાષિયા તરીકે સુમનને કહ્યું “કહે છે કે આવડા બધા લોંઠકા છો, તીમાં એક છોકરી માથે શું રોફ કરી રહ્યા છો?” સુમનચંદ્રના મોંમાંથી જવાબ નીકળે એ પહેલાં તો એન્જિનના મોંમાંથી ‘ફોં… ઓં…ઓં…ઓં’ એવા કારમા અવાજે સ્ટીમ છૂટી. સુમનના હોઠના ખાલી ફડફડાટ જોઈ પેલી હિંદુ છોકરી આડું જોઈ હસી પડી ને મુસ્લિમ છોકરી બોકાસાં પાડી કશુંક મશ્કરીરૂપે કહેતી રહી.