બીડેલાં દ્વાર/કડી આઠમી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |કડી આઠમી}} '''બાવીસ''' વર્ષના દૂધમલ યુવાને પોતાની સન્મુખ આ જો...") |
(No difference)
|
Revision as of 13:04, 30 April 2022
બાવીસ વર્ષના દૂધમલ યુવાને પોતાની સન્મુખ આ જોયું સત્ય જીવન : એ જુવાનના ચહેરા પરથી કલ્પના-શૌર્યનું તમામ લોહીમાંસ ખસી ગયું. કંકાલની ખોપરી નજરે પડી. પોતે હસી પડ્યો પોતાની જ બેવકૂફી ઉપર. પોતે અરજી દઈ કેદી થનારો હતો. કેદખાને જ ઠીક હતો. પ્રેમ અને શ્રદ્ધાને પંથે એ પકડાયો હતો ને એ જ પંથે એ ખતમ થવાનો હતો.
શહેરમાં અજિતની ઓળખાણવાળાં અનેક જૂજવાં જૂજવાં કુટુંબો હતાં. એ સહુ ઘરોની અનુભવી સ્ત્રીઓએ પ્રભાની અત્યારની અવસ્થામાં રસ લેવા માંડ્યો. સહુએ આ અજ્ઞાન છોકરીને પોતાના વિશ્વાસમાં લીધી. અત્યારની અવસ્થામાં સંતાન જણવું એ તો એક વિનાશી આફત જ થશે, એ ખ્યાલ પ્રભાના મનમાં એટલો તો જોરથી ઠસ્યો હતો, કે પ્રભાની તમામ ગુપ્ત પૂછપરછનું નિશાન એક જ હતું : બાળકથી પોતાનો બચાવ કરી લેવાનું. અનેક સ્ત્રીઓએ એ સૂરમાં પોતાના સૂર પૂર્યા : મધ્યમ વર્ગનાં બૈરાંને જિંદગીના અરધોઅરધ (જો પૂરાં 80 વર્ષ જીવે તો) કે પોણા ભાગના કાળ સુધી વર્ષોવર્ષ અક્કેક સુવાવડ ભોગવવા લખેલા ભાગ્યલેખે હજારો બૈરાંનું જીવતર કેવું કટુ કરી મૂકેલ છે તેનો એકરાર સાંભળવા ઇચ્છનારે પ્રભા જોડેની તે બાઈઓની રહસ્યગોષ્ઠી સાંભળવી જોઈએ. ‘વરસના આઠ મહિના સુધી, બાઈ, કદરૂપું ભૂંડું ભૂંડણ જેવું શરીર લઈને બહાર નીકળતાં ત્રાસ છૂટે છે. પાણી ભરવા, બેસવા-ઊઠવા કે સભા-સંમેલનોમાં જઈએ તો લાજી મરીએ છીએ.’ ‘અરે બેન! રૂપ અને નમણાઈ ચાલ્યાં જાય, એટલે ઘરના ભાયડાઓને ગમીએ નહિ. પાસે જઈને ઊભાં રહીએ એટલે મોં બગાડે! કેમ જાણે આપણે કંઈ ગુનો કર્યો હોય!” ‘ને એ રૂડારૂપાળા ફૂલફટાકિયા બનીને ગમે ત્યાં આથડ્યા કરે! એને કંઈ કોઈ વાતનો કંટાળો કે નિર્મોહ થોડો થાય છે!’ ‘ટૂંકી આવકમાં ઇસ્પિતાલોનું ખરચ ઉપાડી શકે નહિ, એટલે આપણને ધકેલે દેશમાં — કાં સાસુ પાસે ને કાં મા પાસે, બાપુ! મોત સામે જ ઊભું હોય તેવી દશા : ધણીને દીકરો કે દીકરી જોતાં હોય તેથી ઊલટું જન્મે એટલે અપરાધ પણ આપણો : છોકરાંના મળમૂતર ધોવાં, ઉજાગરા ખેંચવા, માંદગી વેઠવી, બધું ભોગવવું આપણે. પાછાં સાજાંતાજાં થઈને જઈએ ત્યારે જ ભાવ પુછાય. રાતના જરાક પારણાની દોરી હલાવવી પડે તો કહેશે ઉજાગરા થાય છે! પૂરાં પેટ ભરવાનાં કે અંગ ઢાંકવાનાં સાંસાં : શો દોયલો આપણો સંસાર છે, બેન!’ ‘અરે, પેલો એક ગાવા આવેલો તે લટકાંમટકાં કરીને ગાતો હતો ‘હાલાંવાલાં’નું ગીત. સહુ પુરુષોની આંખમાં પાણી આવી ગયાં. મને તો ચડતી’તી દાઝ : પીટ્યાઓ એવા ગાણાં ગાઈ ગાઈને જ આપણને ભાન ભુલાવે છે.’ ‘પણ કરીએ શું? ‘બીજું શું? પુરુષોને જાણ જ ન થાય તે રીતે પહેલા બે-ત્રણ માસમાં જ નિકાલ કરી નાખીએ.’ ‘પણ શી રીતે?’ ‘અરે ઘણાં ઘણાં નર્સો-દાક્તરો એ ધંધો કરે છે.’ ‘ક્યાંક ઓળખાઈ જઈએ તો?’ ‘તો નર્સો-દાક્તરોને છોડી દઈએ — બીજાં ઘણાંય બૈરાં દેશી ઓસડિયાં રાખે છે.’ ‘એ સાચું. કોઈકને લાભ થતો હશે; પણ પેલી સુમિત્રાને જોયું ને : લોહીમાં ઝેર જ ચડી ગયું ને મૂઈ તરફડીને…’ ‘અને પેલી ગુલાબને જન્મારાનો દુઃખાવો થઈ ગયો.’ ‘ત્રિવેણીને કસુવાવડ પર કસુવાવડો ચાલી છે.’ ‘આપણી પીડાનો તો પાર નથી, બેનો! પણ ગર્ભહત્યાને માર્ગે જવા જેવું નથી, હો! એક તો હત્યા, ને બીજું આપણું તો જીવતે જીવ મરણ.’