ધરતીનું ધાવણ/7.વિવિધતામાં એકતા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|7.વિવિધતામાં એકતા|}} {{Poem2Open}} લગ્નનાં લોકગીતો : 2 [‘ચૂંદડી’ (ભાગ 2)...") |
(No difference)
|
Revision as of 08:14, 3 May 2022
લગ્નનાં લોકગીતો : 2 [‘ચૂંદડી’ (ભાગ 2)નો પ્રવેશક : 1929] વિવિધતામાં વહેતી એકતા-ધારા અને એકતાની અંદર રમણ કરતી વિવિધતા : એ છે લોકસંસ્કારનું વિશિષ્ટ લક્ષણ. લોકજીવનના ચણતરકામને ટકાવી રાખનાર એ ચૂનાનો રસ છે. એ રસે ઘણી ઘણી ઊંડી અને પહોળી ચિરાડો પૂર્યા કરી છે. એણે અન્યોન્ય જાતિ-સંસ્કારોની વચ્ચે મધુરો મેળ નિપજાવવામાં મદદ કરી છે. ઘણી ઘણી નદીઓનાં નીર ઠલવાઈને એક સંગમ-તીર્થ રચાય છે, અને સંગમબિંદુ પર ભેળા થતા પ્રવાહો એટલી ધીમાશથી, શાંતિથી તેમજ બહોળાશપૂર્વક ઓતપ્રોત બનતા હોય છે કે જોનારને એના મિલનનો ‘ઘર! ઘર!’ અવાજ નથી સંભળાતો, કે નથી એના જૂજવા રંગો કળાતા. એ જ એની વિલક્ષણતા છે. મેળાપ — પછી તે માનવી-હૃદયનો હોય કે કુદરતી પંચભૂત પ્રવાહોનો હોય — પણ એ મેળાપ જો સાચો, સર્વાંગી, બિન્દુએ બિન્દુનો મેળાપ હોય તો તે મોટેથી બોલતો નથી, પણ મૂંગો મૂંગો મેળ લઈ લે છે. આ બીજા લેખમાં જુદી જુદી કોમોનાં લગ્નગીતો બતાવીને ખાસ હેતુ એ ‘એકતાનું વૈવિધ્ય અને વૈવિધ્યની એકતા’ બતાવવાનો છે. ચારણ-ગીતો, કાઠી ગીતો, શિષ્ટ વર્ણોનાં ગણાતાં ગીતો, મારવાડી ગીતો, ગુજરાતી ખાયણાં-ગીતો અને પંજાબી ગીતો : સર્વની વાનગી રૂપે જ આ સંઘરાયા છે. અને એ પ્રત્યેકની વિશિષ્ટ છાપ આપણી લોકસંસ્કૃતિ પર પડેલી છે તે ઉકેલીએ. ક્ષત્રિય ગીતોનું સંગીત એ કાઠી-રજપૂત અને ચારણી ગીતોમાંથી દ્રવતું સંગીત કોઈ પણ સાચા સંગીત-ભક્તને માટે અભ્યાસનો વિષય થઈ પડશે. આ સંગીતના સૂરો કોણે યોજ્યા? ક્યારે યોજ્યા? કઈ ભૂમિ પર એ સરજાયા? કઈ અન્ય આર્ય કે અનાર્ય જાતિ સાથે એનું સામ્ય જડે છે? એવી કોઈ તલસ્પર્શી તપાસ પરથી આ સોરઠી કોમોના પરિભ્રમણના ઇતિહાસ પર કશું અજવાળું પડે છે કે નહિ? એના વસવાટનાં સ્થલાંતર, સમયાન્તર, સંસ્કાર-પરિવર્તન વગેરે વિશે આ રમણીઓના કંઠમાં કોઈ ઐતિહાસિક ઈશારો પડ્યો છે કે નહિ? અને કંઈ નહિ તો વર્તમાનયુગના સંગીતોદ્ધારમાં એ કંઠ-સ્વરોને ક્યાંયે સ્થાન છે કે નહિ? શા માટે આ સૂરો શ્રોતા વર્ગને હલમલાવે છે? શા માટે એ હજારો નારી-કંઠમાં આપોઆપ સિંચાઈ જાય છે? શા માટે કશી શિક્ષણશાળા અથવા તો ઉસ્તાદી તાલીમ અથવા તો સ્વર-પદ્ધતિ વિના સદીએ સદીએ ને સ્થલે સ્થલે એ વહેણ વણરુંધ્યાં વહેતાં જ રહ્યાં છે? આ પ્રશ્નો ઝીણી તપાસ માગે છે. ક્ષત્રિય ગીતોનો વિશિષ્ટ રસ પશુ અને ખેતી જેના જીવનનાં આધાર છે, કુદરત જેની ચિરસંગિની છે, આંખો જેની હંમેશા પ્રકૃતિલીલામાં રમે છે, અને શોભા-શણગાર પણ જેના ઘરનાં મહેલ-મોલાત અથવા ભરચક રાચરચીલામાં હોવા કરતાં સવિશેષ તો નિસર્ગના જૂજવા રંગો કે દૃશ્યમાં છે, તેને જીવનમાં ગદ્યમય (‘પ્રોઝેઈક’) બનવું શે પાલવે? એ છેક જ ગદ્યમય અવસ્થામાં પણ કાવ્યનાં આંદોલનો અનુભવી રહે. લગ્નાવસર ઊજવવો છે : અનાજની પ્રથમ આવશ્યકતા : ઘઉં-મગ ને અડદ-ચણા જો ખેતરમાં નીપજે તો જ વિવાહ મંડાય : વિષય સાદો છે છતાં લગ્નગીતોમાં ગવાયો. બીજી કોમઓએ ગાયો સાદી રીતે : કાઠા તે ઘઉંની રોટલી, માહીં ગળગળિયો કંસાર ભેગાં બેસી ભોજન કરે જો પૂજ્યા હોય મોરાર. [‘ચૂંદડી’] પરંતુ કાઠી-રજપૂતોએ જુદી રીતે ગાયું : વાદળડી રે વરસે, મેરામણ રેલે છેલે; વાદળડીને વરસ્યે ઘઉંડા નીપજે મે’રામણને રેલ્યે ઘઉંડા નીપજે. [‘ચૂંદડી’] પહેલામાં ‘પૂજ્યા હોય મોરાર’ની ધર્મ-ભાવના : બીજામાં કેવળ ‘વાદળડી વરસે, મેરામણ રેલે છેલે’. પૂજન નહિ, પણ મસ્ત રસોલ્લાસ અને મુક્ત રેલમછેલ. પરણનાર પુરુષનું વર્ણન લઈએ : અન્ય કોમોએ આલેખી પ્રશાંત પવિત્ર, ધર્મસંસ્કારી મુદ્રા : આવે આવે રે વાસુદેવનો નંદ પૂનમ કેરો ચંદ દીવા કેરી જ્યોત વિવા કેરી વરધ કે વર આવ્યે અજવાળાં રે [‘ચૂંદડી’] અને આ વિક્રમપૂજક, સૂર્યપૂજક જાતિઓએ જુદેરી જ જમાવટ કરી : નવશાજીનાં રૂપ સરૂપ જાણે રે વ્રજવાસી સૂરજ ઊગિયો જી, માણારાજ! બાપાભાનો બોલેવો1 સરૂપ, જાણે રે મોલુંમાં ભમરો ગુંજિયો જી, માણારાજ! ડોલરિયાનો હાલેવો સરૂપ, જાણે રે હંસો જી હેમર હાલિયો જી, માણારાજ! [‘ચૂંદડી’] અને એવા નરને જોવા માટે જવાની લાગણી અન્ય કોમની માફક — હું તો હાથમાં તે લેશ ફૂલ છાબડી રે, હું તો માળીડાની મશે જોવા જાશ રે — હું તો હાથમાં તે લેશ લાલ લાકડી રે, હું તો ગોવાળીની મશે જોવા જાશ રે — [‘ચૂંદડી’] અથવા તો — હળવાં તે ધોજો, ઈસવર, ધોતિયાં, છંટાશે મારાં ચીર, અમ ઘેર દાદોજી રિસાળવા, દેશે માતા મોરી ગાળ. [‘ચૂંદડી’] એવા સંયમ, સંકોચ, ભય દાખવતા સૂરોમાં નથી વ્યક્ત થઈ. પણ ‘એક ઘા ને બે કટકા’નો યુદ્વ-મંત્ર ભણેલી આ લડાયક કોમોએ તો પ્રેમના આંગણામાં પણ રણાંગણની તાલાવેલી અપનાવી : ગઈ’તી ગઈ’તી ભરવાને નીર કેસરિયે વાઘે રે નટવર દીઠડા જી, માણારાજ! બેડું મેલ્યું સરવરિયાની પાળ, ઈંઢોણી વળગાડી આંબા કેરી ડાળખી જી, માણારાજ! દડવડી દીધી મેં તો દોટ, લાજડલી લોપીને લીધાં હરિનાં મીઠડાં જી, માણારાજ! દેખ્યા, બેડું હેઠે મેલ્યું, દોટ દીધી. લજ્જા છાંડી, પ્રીતમનાં મીઠડાં લીધાં : એ બ્રહ્માનંદ ચારણ સાધુનું રચેલું : સ્વામીપંથીઓ ગાય છે મંદિરમાં, અને તે પણ પ્રભુભક્તિ કાજે : પણ ચારણોએ તો એને વિવાહ-ગીત કરી લઈ કન્યાની સ્નેહોર્મિ ઉછળાવવાનું વાહન બનાવ્યું. એ એની ખાસિયત. ‘લાજલડી લોપીને.....’ એ કોમોનો વનરાજ તો છે ‘તંગલ ત્રોડાવાળો’, ‘ભારે બેડીવાળો’, ‘ફૂલ ફેંટાવાળો’, ‘મોતિયુંવાળો ને કલંગીવાળો’, ‘ડોલરિયો’, ‘કેસરિયો’, ‘નેજાળો’ ને ‘છોગાળો’, ‘મોતીજડી એની મોજડી’ અને ‘હીરે જડ્યાં હથિયાર’ : એની તો છે ‘સૂરજની અણસાર’. (કારણ કે કાઠી જાતિના ઈષ્ટદેવ સૃૂરજ છે. કાઠીનું બિરુદ જ છે સૂરજના પોતરા!) એ જમાઈ રાણો જ્યારે ‘ઘુઘરિયાળા ઘોડા પર’ ચડીને પરણવા પધારે છે ત્યારે પાવલીઓ રણકે ને ડુંગર ડોલે! [‘ચૂંદડી’] એના તલવાર-પટા પર ચોડેલી પાવલીઓના રણઝણાટે ડુંગરા ગાજે : અને એની ચાલ્ય છે હળવી : મણિયલ હળવો હળવો હાલ્ય! [‘ચૂંદડી’] એનાં ડગલાં છે ટૂંકાં ટૂંકાં — મોતીએ જડી તારી મોજડી, તારાં હીરે જડ્યાં હથિયાર, વર સોમલિયા! પોરે પગલું ભર્ય! વર કેસરિયા! ડોઢ્યે ડગલું ભર્ય! અને એ સુરા-પ્રેમી કેફી કોમને તો સૌંદર્યનું પણ ઘેન જ ગાવું ગમે : રૂપનું પાન કરતાં એ રસિકને ઝીણાં ઝોલાં આવે છે : આઠ કૂવા રે નવ પાવઠા, એની પાણિયારે નહિ પાર મોંઘી બાઈને રૂપે જમાઈ ઝીણાં ઝોલાં ખાય અને જેના સૌંદર્યમાં એવી સુરા ભરેલી છે તે મોંઘી બાઈ — તે કન્યા કેવે શબ્દે આલેખાય? મરઘાનેણી, દાડમદંતી અને થોડાબોલી, પિયરપૂરી, મોસાળ-મોંઘી, અંતરભીની અને રંગભીની : ચોટાળી, કડલાળી ને ચૂડાળી, વરની આંખ વખણાય તો કન્યાની પાંસોડલી (કમ્મરનાં પડખાં) વખણાય : એ જ્યારે વરને નિમંત્રે છે ત્યારે — રાયવર! વે’લેરો આવ સુંદર વર! વે’લેરો આવ તારાં ઘડિયાં લગન રાયવર વહી જશે. એવા સૌમ્ય અને આર્દ્ર શબ્દે વા સ્વરે નહિ, પણ ચકચૂર શબ્દે — ઘુઘરિયાળો ઝાંપલો વરરાજા! રમતા આવો રે હું વારી જાઉં! ડોલરિયા! વે’લેરા પધારો માણારાજ! પાતળિયા! ચોંપેથી પધારો માણારાજ! [‘ચૂંદડી’] એવા ‘રમતા રમતા આવો’નું રૂપ બાંધે છે. અને એવી રમણીને વીર વર વરવા બદલ કેવી વિજોગની રાતો ખેંચવાની હોય છે! રાતનાં રૂપ એની આંખે કેવાં લાગવાં ઘટે! જુઓ — અગર ચંદણની રાત ચાંદા પૂનમની રાત ચાંદલિયો કારે રે ઊગશે! તારોડિયો કારે રે ઊગશે! [‘ચૂંદડી’] ઊંડા ઊંડા, લાંબા લાંબા, વિશાળ આકાશમાં જાણે ઘાટું લીંપણ કરતાં હોય તેવા વિજોગનાં કારમાં લંબાણ સૂચવતા સ્વરો : અગર ચંદણની રાત ચાંદા પૂનમની રાત કેવી રાત! અજવાળી રાત : જાણે અગર ચંદન છાંટેલી : ‘ચંદન છાંટી ચોક સમાર્યો વ્યોમનો’ એ ન્હાનાલાલની નવતર કલ્પનાનાં ઊંડેરાં મૂળ દેખાડતી પંક્તિ : એવી અજવાળી માઝમ રાત્રિએ કોઈ એકલ ગોખે બેઠેલી નવવધૂ પોતાના ‘જીવન-ચાંદલિયા’ને સંભારે છે : ચાંદલિયો કારે રે આવશે! ચંદ્રસંગે રમતી રાત્રિ જાણે ગહન શબ્દે પૂછે છે : નાની વહુ! તોરલો શામ મોંઘી વહુ! તોરલો કંથ કેસરિયો કારે રે આવશે! નેજાળો કારે રે આવશે! રજપૂતાણી ઉત્તર વાળે છે : એ તો યુદ્ધે ગયો છે : પરણીને તરત જ : ગ્યા છે રજપૂતે સાથ ગ્યા છે રાઠોડે સાથ દીવડિયો ઊગ્યે રે આવશે! તારોડિયો ઊગ્યે રે આવશે! પ્રભાતે આવશે. રાત્રિ તો જાણે વણચાંદલિયે જ વીતશે. આ ક્ષત્રી-સંસ્કારના સ્વરો : સાચા જીવન-સ્વરો. પરણતી કન્યાના અંતરમાં એવા કઠિન લગ્નસંસારની તૈયારી સિંચાય છે. માથું હાથમાં લઈ ફરનારાઓની ઘરનારીઓનો આ રસ-મંત્ર હતો : ‘કારે રે આવશે!’ એટલે જ જેના વિજોગ લાંબા હતા અને મિલન જેનાં ઓછાં હતાં. અથવા અચોક્કસ હતાં, તેઓની પ્રીતિએ ‘સ્વામીને શું શું કરી રાખું!’ના સબલ શબ્દો કાઢ્યા : મારુ! તુંને હાર માંયલો હીરો કરી રાખું રે! મારુ! તુંને મનડાનું માદળિયું કરી રાખું રે! મારુ! તુંને ઉનાળાનો આંબો કરી રાખું રે! મારુ! તુંને ચોમાસાનો ચંપો કરી રાખું રે! મારુ! તુંને શિયાળાની સીરખ કરી રાખું રે! મારુ! તુંને ખમ્માજી! ખમ્માજી! કરી રાખું રે! [‘ચૂંદડી’] લાક્ષણિક કલ્પનાઓ : પુરુષને કેવો પ્રિય કરી નાખે છે : ‘મનડાનું માદળિયું’ ખાસ જોરદાર છે : માદળિયું અથવા તાવીજ હમેશાં મંત્રયુક્ત હોઈ અમંગલતા ટાળીને રક્ષા કરનારું મનાય. અને વનવાસીઓની દૃષ્ટિમાં તો ત્રણેય મોસમોની પ્રિયમાં પ્રિય ચીજો તે આંબો, ચંપો અને ઠંડી ખાળતી સીરખ (બનાત) જ હોય ને! એનું નામ ‘રેસિ (racy) ઑફ ધ સોઈલ’ — સ્વભૂમિને ભાવતો કલ્પના-છોડ : પરભોમ પાસેથી ભાડે લીધેલ યા ચોરેલ નહિ. એટલે એ સ્વભોમના (‘ઈન્ડીજિનસ’) સંસ્કારે નિજ લાગણીનું જોર વ્યકત કરવા માટે સોરઠમાં એક જુદેરી જ શૈલી શોધી. એ શૈલીને મૂળ આધાર તો મળ્યો દીસે છે ‘અન્યોક્તિ’ નામના સંસ્કૃત અલંકારનો. પણ પછી તેની ખિલાવટ થઈ. પ્રથમ પહેલાં તો પોતાના ભાવ કોઈ પશુપક્ષી અથવા વૃક્ષ ઉપર ઉતારવો : લાંબી ડોકે કુંજડ રાણી! અને તારાં મધદરિયે મનડાં મોહ્યાં રે કુંજડ રાણી! પછી એ ‘મનડાં મોહ્યાં’ના ભાવને ઘનીભૂત કરવા માટે ઉત્તરોત્તર અનેક જોડલાં ગોતીને આગળ વધે છે : કાળી પાંખે કોયલ રાણી! અને તારાં મધદરિયે મનડાં મોહ્યાં રે કોયલ રાણી! પછી ‘લીલી પાંખે પોપટ રાણા તારાં પાંજરડે મનડાં મોહ્યાં’ : એટલો ઘાટો એ ભાવ ઘૂંટાયો. પછી એ પિવાડ્યો વર-વધૂને : રાતે ચૂડે... વહુ રાણી! ને તારાં.... ગામ મનડાં મોહ્યાં હો...વહુ રાણી! રાતે રેટે.....ભાઈ રાણા! અને તારાં લાડડીએ મનડાં મોહ્યાં હો....ભાઈ રાણા! [‘ચૂંદડી’] મમત્વની જમાવટ કરનારી એવી જુક્તિ તો અનેક ગીતોમાં જોવાય છે : પોપટડી રે તોરલો કંથ કાં રે પોપટ દુબળો? એનો જવાબ જાણે પોપટી વાળે છે કે — દિ’વારે રે વનફળ વેડવા જાય રાતે પોપટ પાંજરે. [‘ચૂંદડી’] એમ ‘હાથણલી તોરલો કંથ કાં રે હાથી દૂબળો?’ તો કહે કે “દિ’વારે દરબાર ઝૂલવા જાય, રાતે હાથી સાંકળે” : એ ઘેરી ભાવના ઊતરી વર-વહુ પર : ‘નાની વહુ તોરલો કંથ, કાં રે કેસરિયો દૂબળો?’ જવાબ જડે છે કે “દિ’વારે ઘોડલાં ખેલવવા જાય, રાતે રમે સોગઠે!” પરણતા પુરુષની માતાની ગમગીની બતાવવા માટે પણ એ જ રચનાનો અંગીકાર થયો. ઉપર જેવો શૃંગાર રસ દીપ્યો તેવો જ કરુણરસ આંહીં દીપે છે — તું કાં રે આંબલિયા અણોસરો! કે તારી વસમલી ડાળ કે તુંને પંખીડે દુવેગિયો કે તુંને કોણે દીધી ગાળ! નથી મને પંખીડે દુવેગિયો નથી મને દીધેલી ગાળ! મારાં આંબુ ને જાંબુ રોષ ચાલ્યાં તે વિણ શોભા ન પામીએ : [‘ચૂંદડી’] એ જ શૈલીએ સરોવરની ઉદાસી કલ્પી : અને પછી વર-માતાનું અંતર સમજાવ્યું : તું કાં રે...બાળ અણસોરી! કે તારી વસમલી ચાલ! કે તારે પિયુડે દુવેગિયાં કે તુંને કોણે દીધી ગાળ! મારાં સાસુ ને સસરો રોષ ચાલ્યાં તે વિણ શોભા ન પામીએ. મેળવણીનું માધુર્ય પરંતુ રજપૂત ગીત અને વણિક ગીત એવા સીમાડા બહુ વાર ટકતા નથી. સાથે સાથે જોડાયેલા સાગરોનાં નીર તો અણદીઠ્યાં અને અણબોલ્યાં એકબીજામાં આવે છે અને જાય છે, કારણ કે વ્યવસાયો જ્યારે એક હતા ને વ્યવહારો જ્યારે ઘનિષ્ઠ હતા ત્યારે રસદૃષ્ટિ પણ એક બનતી. જે વાણિયા અને નાગરો ક્ષાત્ર કોમોનાં જ કારભારાં કરતા, ભેળા ધિંગાણે પણ ચડતા, તેનાં બૈરાં એ જ ક્ષાત્ર નારીઓના રસથી પ્રેરાઈને આવાં ગીતો ગાય એમાં આશ્ચર્ય નહોતું : ગોરાં નાની વહુ તે નાના ભાઈને વીનવે, તારાં....ગામની સીમડી દેખાડ, રાયજાદા રે લાલ છેડો લટકાં કરે. [‘ચૂંદડી’] ત્યારે વરરાજાનું વચન કેવું નીકળ્યું? તમે આઘેરાં ઓઢો ગોરી ઓઢણાં, મારા છોગલાને છાંયે ચાલી આવ રાયજાદી રે લાલ છેડો લટકાં કરે. આંહીં સીમ નીરખવા માટે નવવધૂની ઉત્કંઠા : વડીલોની મરજાદ માટે જરા ઓઢણું નમતું ઓઢવાનું સૂચન : અને તાપમાંથી બચવા માટે વરના છોગાને છાંયે ચાલવાની વહુને મીઠી શિખામણ : એ બધું રાજપૂત તત્ત્વ છે, કે વણિક તત્ત્વ કે નાગર તત્ત્વ? એ તો છે સોરઠી રસતત્ત્વ. એમાં મેળવણી છે સમગ્ર કોમના સંસ્કારોની. એવી જ રીતે વરને વ્યંગમાં, ધ્વનિમાં, ઈશારે જે સાચી રસજ્ઞતા શિખવાતી હતી તે જુઓ : ક્ષાત્ર કોમોમાં ઉલટાવી ઉલટાવીને એને કહેવામાં આવતું કે — આજ રે કાચી કેરીની સોરમ લ્યો રે કેસરિયા રાયવર ઊભલા રે’જો! લવિંગ ને લેર્યા રાયવર ફૂલડે ને ફોર્યા રાયવર ઊભલા રે’જો! [‘ચૂંદડી’] કાચી કેરીની તો કેવળ સુગંધ જ લેજો. કાચી વયની પત્નીનો દેહ ચૂંથશો નહિ. એ જ ગવાયું નાગરમાં : માઝામાં રે’જો, રાયવર! માઝામાં રે’જો! આંબાની ડાળ્યે બેઠી કોયલ બોલે, કાચી કેરીમાં રસ નોયે પરધાન, રાયવર!
- માઝામાં રે’જો!
મર્યાદામાં રહેજો. વિવેક લોપતા નહિ. આજે વિવાહરૂપી મદજનક જીવન-પ્રસંગે — વીરા, તમે દારૂડો પીઓ તો અમિયલ રે’જો, માણારાજ!
વીરા, તમે વાડ્યે વળગેલી વેલી આંગણે રોપો, માણારાજ!
વીરા, તમે ફૂલેલાં ફૂલડાંની સોરમ લેજો, માણારાજ! મદછક ન બનજે, અમિયલ રહેજે, પિયરરૂપી વાડ્યે વળગેલી કન્યા-વેલડીને તારે આંગણે ઉઝેરજે, પણ એનાં યૌવન-ફૂલો ખીલે ત્યારે સુગંધ લેજે! એવા વિવેકના સૂર અહીં તહીં વેરાયેલા પડ્યા છે. અપહરણના સૂર આવા રસનીતરતા સંસ્કારોની સાથોસાથ અપહરણની જૂની પ્રથા પણ છપાઈ ગઈ છે. ઊંચી કોમો ગાય છે કે — આજ અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદભર્યા! આજ અમે....વેવાઈને રોતા દીઠ્યા રે આનંદભર્યા! અથવા તો — જીત્યા જીત્યા રે મારા સસરાની બેટી બીજું તે જીત્યા સાયર સાસરું રે, વરલાડડા! એ કન્યાનું અપહરણ કરવાનો સંસ્કાર અધિક જોરથી રજપૂતોમાં ગવાયો : દાદા....ભા દાદા ઓરેરા આવો .....ગામડિયાનો ગઢડો કેમ કરી લેશું! ધમળા ધોડાવશું, રૂપૈયા રેલાવશું લાડડી સોતો ગઢ ચડી ચોટ લેશું. [‘ચૂંદડી’] આવી શ્યામ ભાત પડે એ સ્વાભાવિક જ છે. લોકલગ્ન એટલે કોઈ પણ જાતનું શુદ્ધ શાસ્ત્રીય લગ્ન નહિ, પણ આઠેય જાતનાં ગણાવેલાં, ઊંચ, મધ્યમ અને કનિષ્ઠ લગ્નોના અનેક સંસ્કારોના સમન્વયને પરિણામે પ્રચલિત થયેલું લગ્ન. એટલે જ કન્યાનું અપહરણ અને કન્યાની તાબેદાર તરીકેની ભૂમિકા જ્યાં ને ત્યાં આ ગીતોમાં ડોકિયાં કરે છે. નવાઈ તો એ છે કે આ અધમ લગ્ન-પ્રથાના સૂરો લગ્ન-ગીતોના આટલા જબ્બર પુંજની અંદર છેક ઓછા છે. મારવાડી અને પારસી ગીતોમાં પણ તપાસશું તો પ્રધાન ભાવના દંપતીના પ્રણયની અને પરસ્પર અનુમતિ-વરની જ તરવરે છે. જ્યાં જોઈએ ત્યાં વિવેક અને સૌહાર્દ જ ગુંજે છે. એ પરથી તો અનુમાન થાય છે કે જનતાએ પોતાના વારંવારનાં સંસ્કાર–પરિવર્તનો વચ્ચે પોતાના પ્રાણને તો ઊંચેરો જ લેવા યત્ન કર્યો છે. સુગંધ સાચવી શકાઈ ત્યાં સુધી દુર્ગંધથી દૂર નીકળવા જ જનતા મથેલી છે. નહિ તો આવા સુગંધભર્યા કાવ્ય–ઓડકાર અખાજનો આહાર કરનારને આવે જ નહિ.