ધરતીનું ધાવણ/13.ખાયણાં: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|13.ખાયણાં|}} {{Poem2Open}} <center>[‘ખાયણાં’ (સં ઈશ્વરલાલ વીમાવાળા)ની પ્રસ...") |
(No difference)
|
Revision as of 09:17, 3 May 2022
મીઠામાં મીઠી તો સાકર જ મનાય છે. છતાં ઘણી વાર ગોળની મીઠાશ કાં વધુ ગમે છે? ને તેથીયે ચઢિયાતો સ્વાદ શેરડીનો કાં લાગે? કારણ કે ગળપણનું સ્વાભાવિક ને શુદ્ધ સ્વરૂપ તો એ શેરડીમાં જ રહૃાું છે. એનાં છોતરાં પણ આપણને ચૂસવાં ગમે છે. ચૂસ્યા જ કરીએ છતાં તૃપ્તિ થતી નથી. કંટાળો આવતો નથી. નરી સાકરના ગાંગડા કરતાં કૂચાવાળી શેરડીનો રસ જેમ અધિક પ્રિય લાગે છે, તેમ જ શિષ્ટ સાહિત્ય કરતાં લોકસાહિત્ય ઘણી વાર અધિક મધુર લાગે છે : રસ કરતાં છોતરાંનું પ્રમાણ એમાં વિશેષ હોવા છતાંયે! એવા જ સ્વાભાવિક વન-માધુર્યનું દર્શન આજે સૂરતી-અમદાવાદી લોકસાહિત્યના ‘ખાયણાં’ની અંદર લાધ્યું. ઘણા ઘણા કૂચાની સાથે એ મિષ્ટ રસ ઓતપ્રોત બની રહૃાો છે છતાંયે ગમે છે. કૂચો ચાવી ચાવીને ચૂસવો ગમે છે. ધીરી ધીરી એ મીઠાશ અંત :કરણમાં ટપકતી જાય છે. વધુ ચાવવાથી વધુ પચે છે. હીંડોળે બેસીને ગાવાનાં જોયું નથી, સાંભળ્યું છે : સૂરત-અમદાવાદની મુખ્યત્વે કરીને બ્રહ્મક્ષત્રિય કોમની નાની નાની કુમારિકાઓ રોજ સંધ્યાએ હીંડોળે હીંચકતી હીંચકતી સામસામી ‘ખાયણાં’ ગાય છે. આંબાવનમાં એકબીજી કોયલો સ્પર્ધાના તાનમાં આવી સામસામા ટહુકા દેતી હોય એવો એ દેખાવ થતો હશે. જૂનાં ‘ખાયણાં’ના પ્રવાહમાં તરબોળ બન્યા પછી નવાં ‘ખાયણાં’ સ્વયંભૂ સ્ફુરતાં હશે. સ્વજનસ્નેહ, સંતાપ, કટાક્ષ અને ટીખળની કંઈ કંઈ લાગણીઓ ‘ખાયણાં’ વાટે વ્યક્ત થતી હશે. સૌરાષ્ટ્રના મેળાઓમાં ગોવાળિયા કે અન્ય દુહાગીરો કાનમાં આંગળી નાખી, હાથમાંની ફૂમકિયાળી છડી હલાવી, ડાંગ પર ટેકવેલા મસ્તાન દેહને ઝુલાવતા ઝુલાવતા જેમ શીઘ્ર સુંદર દોહા, સોરઠા રચતા હતા તેમ જ શું ગુજરાતની કિશોર-કન્યાઓ આજ પણ હીંડોળે ઝૂલતી, ને દિલ-હીંડોળના ફંગોળા દેતી ‘ખાયણાં’ જેવાં મૃદુ મંજુલ પદો રચતી હશે? ગુજરાતણો તો રચે જ ને! એમાં વિસ્મય શાનું? આપણે કાવ્યનાં જૂજવાં જૂજવાં સ્વરૂપો નિશાળો ને વિદ્યાલયોમાં શીખીએ છીએ, મિલ્ટન અને શેક્સપિયરનાં સૉનેટોની રચનાઓ વચ્ચેના સૂક્ષ્મ ભેદો સમજીએ છીએ. સંસ્કૃત વૃત્તો અને ફારસી બેત ગઝલો : ઠાકોરનો પૃથ્વી છંદ ને ‘કાન્ત’નું અંજની-ગીત : ન્હાનાલાલનું અપદ્યાગદ્ય ને ખબરદારનો મુક્તધારા છંદ : કેશવલાલનો ‘વનવેલી’ અને એવું કંઈ કંઈ : પરંતુ આપણે ‘ખાયણાં’ની વૃત્ત-રચના હજુ તપાસવાનો અવસર નથી લીધો. ગુજરાત-સોરઠનાં ગ્રામ્ય ગીતોમાં પડેલાં કંઈ કંઈ વૃત્તોની વહન-શક્તિ આપણે નથી વિચારી. ઘરઆંગણાની હીરાખાણો હજુ મોટે ભાગે અણપ્રીછી જ રહી છે. ખાયણાં એટલે શું? ‘ખાયણાં’ એટલે ધાન ખાંડતાં ખાંડણિયા ઉપર બેસીને ગાવાનાં ત્રણ-ત્રણ નાજુક પંક્તિઓનાં જોડકણાં; અથવા બબ્બે જ પંક્તિઓનાં કહીએ તોપણ ચાલે. કંકણ વડે રણઝણતા બે સુકોમલ હાથ ખાંડે છે અને ખાંડતાં ખાંડતાં મુખ ગાય છે : ખાંડણિયાં ખાંડું ને ખખડે હાથનાં કાંકણ મોટા ઘરનાં ઢાંકણ
- કે...બહેન સાસરે.
ખાંડણિયાં ખાંડતાં ખખડે હાથની ચૂડી મહિયરિયેથી મૂડી
- વીરાજી મોકલો!
કોઈ મોટા ને કુલીન ઘરના રૂડા કુલ-સંરક્ષણ ઢાંકણ સમી કુલવધૂ સાસરે બેઠી ખાંડે છે, અથવા તો લખેશરી બાપની કોઈ લાડકવાઈ બેટી પોતાના પિયરનાં ઘર ખાંડણ-ધબકારે ગજવી રહી છે. ખાંડું દળું ને ધબોધબ રે વાગે ભરેલાં ઘર ગાજે
- લખેશરી બાપનાં.
સાંબેલાના ધબકારા સંભારો : કોઈ સૂરતી બહેનના મંજુલ કંઠમાંથી ખાયણાં ગવાતાં સંભારો : ધબકારે ધબકારે ખાયણાંને તાલ મળે છે. તાલે તાલે સાંબેલાને જોર ચડે છે. ખાંડનારી એ તાલબદ્ધ નાનું ગીત ગાતી ગાતી અંત :કરણનો બોજો ઉતારે છે. હૃદયની વેદનાઓ રડી કાઢે છે. દબાયેલા વિનોદો મોકળા મૂકે છે. લોકકાવ્યની આવી વિલક્ષણ રચના સૌરાષ્ટ્રમાં નથી. કદાચ ગુજરાતના અન્ય વિભાગોમાંયે નથી. માત્ર સૂરત-અમદાવાદમાં જ એનું સર્જન થયું દીસે છે. સૂરતની વિશિષ્ટતા બરફી ન હોય, ખાયણાં હોય. ખાયણાં જેવી કૃતિ કલ્પવી તેમ જ સર્જવી, એ કદાચ ગુજરાતને જ સૂઝી શક્યું છે. સૌરાષ્ટ્રીય કે સિંધી દોહા-સોરઠાની માફક બે અથવા બહુ તો ત્રણ નાની નાની એવી પંક્તિઓને અક્કેક સ્વતંત્ર શબ્દ-ચિત્ર અથવા અક્કેક ભાવના સમાવી શકે તેવી અર્થવાહક બનાવવામાં સૂરતના સ્ત્રીસમાજે નવીન જ કામગીરી દાખવી છે. ભલે એ સ્વરૂપ દ્વારા હજુ વિશાળ સાહિત્ય ખેડાયું ન હોય છતાંયે વૃત્તની શોધ મળવામાં જ મોટી સાર્થકતા છે. અક્કેક ઊર્મિગીત દોહો એટલે જેમ અક્કેક ઊર્મિગીત, તેમ જ ‘ખાયણાં’ પણ પોતાની ત્રણ-ત્રણ પંક્તિમાં અક્કેક ઊર્મિગીત વસાવવાની સરળતા પૂરી પાડે છે. એમાં સંકલનાની જરૂર નથી. સંબદ્ધતા ન હોય તોપણ ચાલે. વેગવંત છબીયંત્ર (કૅમેરા) જેવું સગવડ પડતું એ કાવ્ય-સાધન છે. જરા ગંભીર વિચાર આવ્યો, કે તરત જ એમાં ઝલાયો : આ રે જગતમાં એક જ મોટી ખોડ સરખેસરખી જોડ
- કે મળવી દોહૃાલી!
કોઈ મધુર ઉપમા સૂઝી, કે લાગલી જ ખાયણાંના નાના-શા ચિત્રપટ પર ઊતરી : કાળી તે કોયલ આંબલિયામાં રમતી બાપાજી ભેગી જમતી
- કે બહેની નાનડી.
કોઈ માંગલ્ય ફોરતી કલ્પના સ્ફુરી કે તરત ખાયણાં-યંત્રની ચાંપ દબાઈ : સૂરજ ઊગ્યો ગૌરી ગાયને ખીલે કિયા ભાઈને ટીલે
- કે સૂરજ ઝળહળે!
એ કલ્પનાને પુન : યોજવી છે : નવું જ સૌંદર્ય નિપજાવ્યું : સૂરજ ઊગ્યો આશાપુરીને ઓટલે, ..... બેનને ચોટલે
- કે સૂરજ ઝળહળે.
અથવા ફક્ત એક સામાજિક કટાક્ષ મૂકવો છે. ઝપાટાભેર મુંબઈના કન્યાલોલુપ ગમાર બુઢ્ઢા ધનિકોનું એક સુરેખ ટોળચિત્ર એ કાવ્યયંત્રની અંદર પડી ગયું મુંબાઈના શેઠિયા ખાડી ખાબોચિયે રખડે કન્યા માટે ટળવળે —
- કાણી બહેન આપીશું!
અને પછી તો સસ્તા મૂલનો કેમેરા જેમ વિવેક વિના દાઝ કાઢીને વપરાય છે, તેમ ખાયણું પણ પોતાનું ગાંભીર્ય, પોતાનો સદુપયોગ, અને પોતાનો હેતુ ગુમાવીને જે કાંઈ તૉર આવ્યો તેમાં વપરાતું થઈ જાય છે : અરદેસરની પેટીમાં સવ્વા બશેરો તોડો અરદેસરનો ઘોડો
- નાખુદા વાપરે.
છેક જ અર્થશૂન્ય! અથવા ગોખી કરીને બોધવચન કર્યું મહોડે બેઠી સૈયરની જોડે
- પરીક્ષા આપવા.
એ રીતે ભણતર અને પરીક્ષાનું નર્યું ‘રિપોર્ટીંગ’ જ ચાલ્યું. ખાયણાંના બંધારણની અતિસરળતા એ એક દૂષણ જેવી થઈ પડી. ઈંગ્લન્ડમાં પોપ અને ડ્રાઈડનના કાળમાં ‘હીરોઈક મીટર’વાળા દોહરા (કપ્લેટ)ની દશા થઈ હતી તે રીતે; ફારસી કવ્વાલીના જે બૂરા હાલ આજે ગુજરાતની શેરીઓમાં બન્યા છે તે રીતે. લગ્નપ્રસંગના વિલાપસૂર આડે દિવસે નહિ, પરંતુ વિવાહ અથવા સીમન્ત સરખા અવસરનું મંગળ ધાન્ય ખાંડતી વેળાનાં જ સ્ફુરેલાં આ ‘ખાયણાં’ હોવાં જોઈએ. પૂર્વે ગવાતાં તો હશે ખાંડતાં ખાંડતાં, પણ આજે એ પ્રથામાં પરિવર્તન થયું છે. સાંભળ્યું છે કે લગ્નને સમયે કાયસ્થ મહિલાઓ સામસામી બે પક્ષોમાં વહેંચાઈ જઈ વારાફરતી અક્કેક પદ લલકારતી જાય છે અને એ કાવ્યરસભરી સુંદરીઓને શીઘ્ર નવી રચનાઓ પણ આપોઆપ સ્ફુરે છે. એ રીતે આ ગીતો સરજાયાં છે લગ્ન-અવસરને આધારે, છતાં લગ્નના ઉલ્લાસ એમાં આછા આછા — નહિ જેવા — જ ગવાયા છે. મુખ્યત્વે ગવાયા છે સંતાપના, અંતસ્તાપના સ્વરો. ખાયણાંનો ખુદ ઢાળ જ કરુણતાથી ભરેલો છે. પ્રફુલ્લતાની કે વિનોદની ઊર્મિઓનું વહન કરવા જેવું એનું બંધારણ જ નથી. એના પ્રધાન સૂરો ઊંડા વિલાપના છે. અથવા લગ્નપ્રથાની સારી-માઠી બાજુઓ પરની વિવેચના કરવાનો તેમાં હેતુ હશે. અને એ વિલાપ કેટલો મર્મવેધક છે! ‘દીકરી પરણાવવા વિશે’નાં પદો તપાસીએ : બાપાજી બાપા, તમે મીઠું મધ પીજો દીકરી પરણાવવા જાજો
- કે મોટા શ્હેરમાં.
અથવા તો — સૂરજ બાપા, હું તો તમારી બેટી કોરાં ઘરેણાંની પેટી
- કે મારે જોઈશે.
એવી શહેરી સાસરિયાંની ને ઘરેણાંની ઉત્સુક પુત્રી પોકાર કરે છે કે — મારા તે બાપે તાપી કિનારા જોયા જોયામાં ન જોયાં
- જમાઈનાં ઝૂંપડાં!
પિતાએ નજીકમાં પરણાવી, પણ તપાસ્યું નહિ કે જમાઈ ઝૂંપડાનો નિવાસી છે. અરે એ તો મૂળાપણી વેચે છે : મારા તે બાપે વહાણે ચડી નર જોયા મૂરખ વરને મોહૃાા
- મૂળાપણી વેચતા.
મૂળાપણી વેચી લાવ્યો કડબનો ભારો એ દીકરીનો જન્મારો
- કે જાવો દોહૃાલો.
દૂર દેશનો સાસરવાસ મૂળા વેચતો મૂરખ વર : અને ચોપડા વાંચતો ચતુર વર : વાણિજ્યઘેલડા સૂરત નગરની દીકરીને ખેડૂત સ્વામી શે ગમે? નિખાલસ લાગણી-ચિત્ર; આડીઅવળી કે અટપટી ઊર્મિઓની કશી વાત જ નહિ : એ તત્ત્વ છે લોકસાહિત્યનું. ન ગમ્યો નજીકનો ખેડુપતિ કે ન ગમ્યું દૂર સાસરું : મારા બાપે ગામડાં જોયાં સંધાં દીકરી લાડકી અંબા —
- ને મૂક્યાં માળવે.
પરદેશી સાસરવાસને લીધે શી વલે થઈ? મારા તે બાપે પરદેશ દીકરી દીધી ફરી ખબર ન લીધી
- મૂઈ કે જીવતી.
બાપાજી દીકરી પરદેશમાં ના દેશો મૂવા પછી ના રોશો
- કે મોભેણ દીકરી.
ને બાપે કન્યાવિક્રય કર્યો! મારા તે બાપે ત્રાજૂડીમાં તોળી ભર્યાં કુટુંબમાં બોળી
- કે દાદા દીકરી.
અને કેવી વસમી ઋતુમાં સાસરે વળાવી! બાપાજી બાપા, મેં શું કરિયાં પાપ! ભર્યે તે ભાદરવે
- વળાવી સાસરે.
પિતાને શિખામણ દેતી પુત્રી પરગૃહે ચાલી જાય છે : બાપાજી, આંબો થડ જોઈને રોપાવજો ઘર જોઈને પરણાવજો
- કે દાદા દીકરી!
ઈશ્વરને કને એ માગે છે — મારા તે બાપાને એક જ દીકરી હોજો સારા વરને જોજો
- કે ચિંતા ઊગરે.
વિવાહિત જીવન એટલું બધું તો અળખામણું થઈ પડ્યું હશે કે આ સંગ્રહને પગલે પગલે લગ્ન સામેનો ભેદક વિરોધ વ્યક્ત થતો આવે છે, અને એ વરાળો ઠાલવવા માટે યોજેલી ભાષા આ ખાયણાંના સ્વરો સાથે લૂણપાણી સમી એકરસ બની જાય છે : આકાશે અર્પ્યાં ને ધરતી માએ ઝીલ્યાં માએ ને બાપે ઉછેર્યાં
- કે પરને સોંપવા.
આકાશ-પૃથ્વીની વિરાટ બેલડીએ ઉત્પન્ન કરેલી દીકરી પરને હાથ સોંપવા માટે જ ઉછેરી! મારી તે માએ જનત કરીને જાળવી રતન કરીને રાખી
- કે પરને સોંપવા.
દીકરી સાસરે સિધાવે છે, ત્યાં માર્ગે માતાપિતાની પ્રતિકૃતિ જેવાં સાસર જાતાં સામે મળ્યા બે તાડ માતપિતાના લાડ
- મને કેમ વીસરે!
એવાં તાડની જોડલી પરથી એને માવતર સાંભર્યાં. પણ એ જેમ સુસંગત થયું, તેમ બીજી બાજુ — સાસરે જાતાં સામી મળી ખજૂરી સાસરાની મજૂરી
- કે કરવી દોહૃાલી.
એમાં કેવળ ‘ખજૂરી’ના અનુપ્રાસ સિવાય કશી સંગતતા નથી. એવું જ બેહૂદાપણું — સાસરે જાતા સામી મળી બે બત્તી સાસરિયાની ઘંટી
- તે ખેંચવી દોહૃાલી.
— આ પદમાં પ્રત્યક્ષ થાય છે. આવી અર્થહીન અનુપ્રાસવાળાં થોડાંક જોડકણાં વટી જઈએ છીએ કે તરત જ કોઈ દેખાય છે : માતૃસ્નેહ ઓ પેલી — ઓ પેલી કયા ગામની ટેકરી પાણી ભરે કૂવે એકલી
- કે કઈ બેન સાસરે!
દૂર દૂરના શ્વસુર-ગામની કોઈ ટેકરી પાસે એકલે હાથે પાણી ભરતી દુખિયારી બહેનનું આ ધ્વનિ-ચિત્ર લગારે વધુ રંગપૂરણી નથી માગતું. તુરત જ એ બહેનના ઉર-તરંગો આપણા અંતર સાથે અથડાય છે : સાંજે પડે ને આથમે રવિનું તેજ માડી કેરું હેત
- કે મુજને સાંભરે.
સંધ્યાના અસ્તાયમાન રવિતેજ સાથે માડીના હેતની કેવી સુસંગતિ! ઘડો ફૂટે ને રઝળે જેવી ઠીકરી મા વિણ રઝળે દીકરી
- કે આ સંસારમાં.
ગોળ વિનાનો મોળો તે કંસાર મા વિણ સૂનો સંસાર કે સહુને લાગશે. વિજોગણ દીકરીને માતા શા માટે નથી તેડતી? દીકરીને સાડી લેવી પડે તે ભયથી એવી કલ્પના કરીને પુત્રી કહેવરાવે છે — માડી રે માડી ન જોઈએ મને સાડી જનમની ઓશિયાળી
- કે તારા દૂધની.
ભાઈ-બહેનની પ્રીતિ આ અને અન્ય સંકલિત ખાયણાં જાણે માતૃ-પ્રેમ પરનું એક સળંગ ઊર્મિકાવ્ય તૈયાર કરે છે. એવાં જ નોખનોખાં જે પદો ભાઈને સંબોધીને રચાયેલાં છે, તેને પણ સંકલનામાં ગોઠવતાં ભાઈ-બહેનના હેતનું સુરેખ શબ્દ-ચિત્ર બની જાય છે : જેવાં કે — ...બહેન પરણેને મોર ચિત્તરના માંડવા અખંડ ઉજાગરા
- કે એના ભાઈને.
વાડા પછવાડી શિવજીનું દહેરું પૂજા કરવાને તેડું
- કે મારા ભાઈને.
આજે મેં રાંધ્યા ખીરચૂર રે થોડાં વીરાજીના ઘોડા
- પરસાળે હણહણે.
આઘેથી દેખું દૂર દૂરને ડગલે પરમેશ્વરને પગલે
- કે વીરાને ઓળખ્યા.
આવતા દેખું લીલી લાકડીએ કસુંબી પાઘડીએ
- વીરાજીને ઓળખ્યા.
આવતા દેખું પુરીજનને ડગલે વીર માડીને પગલે રે
- ભાઈને ઓળખ્યા.
આવતાં દેખું દૂર દિલ્લીને છેડે બહેન કરીને ભેટે
- માડીજાયા હોય તે.
આજ સખી મારી આંખડલીનો હીરો આવે માડીજાયો વીરો
- તો માંડું ગોઠડી.
મારે તે ભાઈનો રેવંતો છે ઘોડો જડિત્ર અંબોડો
- કે મારી બહેનનો.
ભાઈની બાલ્યાવસ્થાને બહેન યાદ કરે છે — દેવને વા’લા દીવાનાં કોડિયાં મુજને વહાલાં ઘોડિયાં
- કે બચુભાઈના.
લીલુડો પોપટ કચેરીમાં ઊડતો બાપાજી જોડે જમતો,
- બચુભાઈ સાંભરે.
માડીના મેવા ને બાપની મીઠાઈ વીરાની સગાઈ
- તે ટાળી નવ ટળે.
પુત્રવધૂનું ચિત્ર આવાં કોમળ સ્નિગ્ધ પદો આપણને લોકસાહિત્ય સિવાય બીજે ક્યાં મળશે? એવાં જ પદો ભાભીની મધુર છબી આંકે છે. ગૃહશણગાર કરતી — કઈ વહુ લીંપે ને કઈ વહુ થાપે? કઈ વહુ તે પાડે
- સિંધિરિયા ઓકળી!
એવી પુત્રવધૂનાં મંગલ રેખાંકનો જુઓ — લીલીવહુ રાણી ને હાથમાં ચલાણી, અંબિકા ભવાની —
- ને પૂજવા નીકળ્યાં.
બારીએ બેસી કંકુડા અજવાળું ધેણ કરી શણગારું
- કે ચંદન વહુને.
આવોની માલણ આપીશ કટકો રોટલો ફૂલે ભરજે ચોટલો
- કે કુંદન વહુનો.
આવાં ચિત્રોમાં લાક્ષણિકતા રહી છે. ઘણા અલ્પ યત્ન થકી એ રેખાઓ દોરાઈ છે. શબ્દની જટિલતા અથવા રેખાઓની બહુલતા એમાં નથી, કેમ કે એ દોરનારાંઓ શું રેખામાં કે શું કાવ્યમાં, ‘ધ્વનિ’ને જ ગનીમત સમજી શબ્દબાહુલ્ય ત્યજતાં. એ ઉપરાંત ભાભી વિશેનાં પ્રહસનો, શોક્યના ઈર્ષ્યા-ચિત્રો ઈત્યાદિ વિષયો પર પણ ખાયણાંમાં કવિઓએ ઠીક ઠીક હાથ અજમાવેલ છે. પરંતુ — નાની વહુ ને મોટી વહુ દેરાણી ને જેઠાણી મુંબાઈની શેઠાણી
- કે અધ્ધર ચાલતી.
એવાં, અથવા તો — રેંટિયો ભાંગીને ચલી હું તો મોસાળ
- મામીને કંતાવ્યા
- કે મામાનાં ધોતિયાં.
એવા કટાક્ષોના અપવાદ સિવાય રંગપૂરણી અથવા રેખાલેખન બરાબર નથી લાગતાં. બહુધા વેવાઈ-વેવાણનાં પદો તો — મારે બારણે એઠા-જૂઠાનું કૂંડું ભંગિયા કરતાં ભૂંડું
- નાના ભાઈનું સાસરું.
એ રીતે હીન રુચિ પ્રગટ કરતાં હોય છે. બીજાં કેટલાંક — ખાળ કૂંડીમાં કુંદનલાભ અંગોળે બાબરિયાં ખંગોળે
- કે મણ કીડા ખરે.
એ ઢબે ફટાણાની કોટિમાં ઊતરી પડે છે. કેટલાંક વળી — મીઠાવાળા તેં મીઠું મોંઘું કીધું રૈયતને દુ :ખ દીધું
- અંગ્રેજના રાજમાં.
ટોપીવાળા તારી અક્કલની બલિહારી પહાડમાં કોચી ગાડી
- કે તારા રાજમાં.
અથવા તો — ઓ પેલો — ઓ પેલો દામોદરિયો કૂવો અફીણ ખાઈ મૂવો
- ચકાનો ચૂનિયો.
આવાં પ્રાસંગિક પદો આવે છે. સમકાલીન ઘટનાઓને ટૂંકાં ટૂંકાં પદોમાં સંઘરી લેવા પૂરતી ઉપયોગિતા નિશં :ક એ સિદ્ધ કરે છે. પરંતુ આ ખાયણાં-સંગ્રહનો પ્રધાન સૂર તો વિવાહિત જીવનનાં દુ :ખો પ્રત્યે કટાક્ષયુક્ત, વેદનાયુક્ત આક્રંદ ગાવાનો જ છે. એ આક્રંદને ખાયણાં કોઈ વિલક્ષણ રીતે કરુણાર્દ્ર મીઠાશથી વ્યક્ત કરી શકે છે. ઘણાંએક તો સ્ત્રી-હૃદયના અક્કેક આંસુ સમાન છે. બંધારણે કરી સરળ સીધાં, ધ્વનિકાવ્યની રચનાને અનુકૂલ, ઢાળ પરત્વે કોમળ, સ્મરણશક્તિને માટે હળવાં ફૂલ, એવાં વિશિષ્ટ લક્ષણે કરી વિભૂષિત રહે છે. એને પ્રાચીનતા વા અર્વાચીનતાનાં બંધન નથી. એનો કોઈ પણ સારો વા નરસો ઉપયોગ સામાન્ય કવિત્વ ધરાવતાં લોકો પણ કરી શકે છે. એટલી એની પ્રવાહિતા જ એનું જોખમ છે. કુસંસ્કારને પણ એ ફોટોયંત્રની માફક ઝડપી, ચિરસ્થાયી ને ચેપી બનાવી શકે છે. પરંતુ એથી તો ઊલટું આવશ્યક બને છે કે અમદાવાદ-સૂરતની સંસ્કારસુંદર અને ભાવભીની રમણીઓ ખાયણાંની ફૂલક્યારીઓમાં નવા યુગના ફૂલરોપ વાવી પોતાનાં સંસ્કારનીર સીંચ્યા કરશે. ન ભૂલીએ કે સૂરતની વિશિષ્ટતા બરફી નથી; ખાયણાં છે. અમદાવાદ અને સૂરત નગરીઓ તો રસે કરી અલબેલી, સંસ્કારે કરી સુવાસિની અને ઇતિહાસની લાડીલી છે. એનાં ખંડિયરોમાં હજુયે શું શું નહિ પડેલું હોય?