સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/ગુમાવેલો પ્રતાપ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગુમાવેલો પ્રતાપ|}} {{Poem2Open}} એ-ના એ પહાડ : એ-ની એ નદીઓ : એ-ની એ જુનવ...")
(No difference)

Revision as of 11:47, 4 May 2022


ગુમાવેલો પ્રતાપ

એ-ના એ પહાડ : એ-ની એ નદીઓ : એ-ની એ જુનવટ : ને એ-નો એ પ્રકૃતિનો પ્રતાપ : પરંતુ હું તો એ તમામના વચ્ચે શોધતો હતો એનાં સંગી મનુષ્યોના જૂના પ્રતાપીપણાને. પણ હું નિરર્થક શોધતો હતો. જૂના પ્રભાવથી આંખો આંજતા, જોનારાને ડારતા, કોઈ અદ્ભુત નવલકથાનાં પાત્રો સૃજવાની સામગ્રી પૂરી પાડી શકે એવા અસલી ચહેરા-મહોરાની સમૂળી જ ગેરહાજરી મને બહુ સાલતી હતી. જીવનમાંથી તો જે ગયું, પણ પ્રદર્શનમાં મૂકવા યે જે ન રહ્યું, એવું માનવતત્ત્વ આજના લેખકોને પોતાની ચોપડીઓમાં કેવી બેહૂદી રીતે કલ્પવું પડે છે! અને એ કલાકારોની કલ્પનાનાં વર્ણસંકર ચિત્રો તથા વર્ણનોનો આધાર લઈને કોઈ પણ પ્રજા પોતાનો ભૂતકાળ કેવોક ભણી શકે! આવી વિકૃતિમાંથી નવો સૌરાષ્ટ્ર કેવો જન્મશે, ને એનું પાપ કલાકારોના માથા પર પણ કેટલું ચડશે, તે ભૂલવા જેવું નથી. અમારું ઊંટ કે જેને અમે ‘સલૂન’ કહેતા હતા, ને જેની ભલાઈનો તથા સહનશીલતાનો લાભ લઈને અમે ત્રણ જણા ચડી બેઠા હતા, તે સરખી ચાલે વહેવા લાગ્યું અને તારોડિયાની જ્યોતમાં નહાતા, ભાવનગરના પ્રતાપી રાજા આતાભાઈએ તથા વજેસંગજીએ આ રાજુલા વગેરે પ્રદેશ કેવી કળવકળથી ને જબરદસ્તીથી કબજે કરી શાંતિ સ્થાપી તેની વાતો કરતા અમે પ્રભાતે એક ગામની ખળાવાડમાં પહોંચ્યા. એ નાના ગામનું નામ હતું સરોવરડું. નામ મને અત્યંત ગમી ગયું. નામ પાડવામાં અસલી લોકો અચ્છી રસિકતાનો ઉપયોગ કરી જાણતાં. એ તો ઠીક; પરંતુ આ નામની પૂછપરછમાંથી તો મને એક રસવંતો ઇતિહાસ હાથ લાગ્યો. ત્યાંના બે જુવાન ગરાસિયા ભાઈઓએ તુર્ત જ મને કહ્યું કે આ ગામનું અસલ નામ સવિયાણું.