ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિન્દુ ભટ્ટ/જાગતું પડ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} હવે? કઈ બાજુ જાઉં તો રસ્તો મળે? મેં આજુબાજુ નજર દોડાવી તો લગભગ...") |
(No difference)
|
Revision as of 06:25, 19 June 2021
હવે? કઈ બાજુ જાઉં તો રસ્તો મળે? મેં આજુબાજુ નજર દોડાવી તો લગભગ બધાં ખેતર એકસરખાં જ લાગતાં હતાં. કયું ખેતર વીંધીને અહીં આવી હતી? મેં યાદ કરવા માંડ્યું. મુખ્ય રસ્તો છોડી હું ઢાળ ઊતરીને એક તાજા ખેડેલા ખેતર ભણી વળી હતી. શેઢા પર પગ મૂકતાં મેં જોયું. ખેતરના એક છેડેથી બીજા છેડે ચાલ્યા જતા ચાસની માટી આછા-ઘેરા શેડ્સમાં એક ભાત રચતી હતી. કોઈ રંગોળી રોળાઈ જવાના ખચકાટ સાથે મેં ચાલવા માંડેલું. વચ્ચે વચ્ચે કોઈ મરેલા સુક્કા કરચલા જેવાં પાછલા પાકનાં ડાંઠાં ચત્તાં પડેલાં હતાં. મગફળી, બાજરી, લસણ, ડુંગળીના પાક લઈ લીધા પછી ખેડૂતો પાસે આ ઉનાળાના ભૂખરા, કાચની કરચો જેવા ખૂંચતા દિવસોમાં વરસાદની રાહમાં હરીફરીને એક કામ રહેતું, આ ખેતર ખેડવાનું. આ આછા અંધકારમાં કોઈ ખેતરને જુદું તારવીને રસ્તો શોધવો અઘરો હતો. ક્યાં વળું ડાબે કે જમણે? આગળ જાઉં કે પાછળ? લાગે છે કે ભૂલી પડી છું.
બે દિવસથી ગોપનાથમાં છું. મંદિરનો શાંત અને ભવ્ય વિસ્તાર, નજર સામે ચોવીસે કલાક દરિયો અને નોકરીની વેઠમાંથી છૂટ્યાની હાશ, મન છલોછલ! આજે આખો બપોર ભરતી જોયા કરી. ેક પછી એક ધસી આવતાં મોજાં… સવારમાં સાવ છીછરો ને નિમાણો લાગતો દરિયો ધૂંઆપૂંઆ થતો માથોડું માથોડું ચડી આવતો હતો. એના ફૂંફાડા અને ગતિ એક પળે ખેંચાતા હતાં તો બીજી પળે દૂર હડસેલાતાં હતાં. દરિયાનાં પાણી જોઈ લાગે કે જરૂર આ કોઈ ધૂળધોયો છે. એની દિવસભરની મહેનત સાંજના અજવાળામાં ચમકે. ડૂબતા સૂરજનાં કિરણોમાં મોજાં પર સોનેરી કોર ગૂંથાય અને ફીણ ફીણ થઈ વીખરાય રૂપાની રણઝણતી ઘૂઘરીઓ લાગે છે. આજે આ પ્રકૃતિપ્રેમ ભારે પડી જવાનો. જોને દિવસભરના આટલા સભર અનુભવ પછી ક્યાં જરૂર હતી આ ખેતરોમાં નીકળી પડવાની, હણ હવે કરવું શું?
દિવસ આથમી ગયો છે. મોટા ભાગના ખેડૂતો ઘર તરફ વળી ગયા હશે. કોઈ દેખાય કે સામું મળે તો પૂછું? પણ રસ્તો પૂછતાં એને ખબર પડી જાય કે આ સ્ત્રી એકલી ને વળી અજાણી છે તો? પેલા વાડીવાળાને પૂછી લીધું હોત તો? હુંય ખરીછું. એ દૂર રજકો વાઢતો હતો ત્યાં સુધી કૂવાના થાળા પાસે બેઠી. પાઇપમાં થઈ પડતા પાણીના ધોધમાંથી ઊડતી ઝણની ઠંડક માણતી રહી. જેવો એને આવતો જોયો કે મને અનેક શંકાકુશંકા સાથે પ્રશ્નોની વણજાર આવતી દેખાઈ. ‘ક્યાં રેવા?’ ‘નાતે કેવાં? ‘એકલાં જ છો’ વગેરે. એ કૂવે પહોંચે એ પહેલાં મેં ચાલવા માંડ્યું.
હજી પૂરું અંધારું નથી થયું એટલે મારી આ પેન્સિલ ટૉર્ચનું અજવાળું પણ વીખરાઈ જાય છે. આ વગડો, અને ઉનાળાની ગરમી પછીની આ ઠંડક, આમાં જો કોઈ જીવજંતુની અડફેટે ચઢી જવાય તો? કાલે દીવાદાંટીના કમ્પાઉન્ડમાં જોયેલો સાપ યાદ આવી ગયો. લાંબો કાળો સાપ અને એની ચમકતી, સરકતી ગતિ! હું એને શોધવા તો નથી નીકળીને? તો પછી આ ડર… આ ઢંખાળાં વચ્ચે ચાલતાં જો પગ મચકોડાઈ જાય તો? એક પણ વિચાર સારો નથી આવતો. ના, એવું નથી, જોને આ ચંપલની તૂટું તૂટું આડી પટ્ટી મારા સંશયી મનની પેદાશ છે?
…આ કંઈક કેડી જેવું લાગે છે. ક્યાંક તો પહોંચશે, પણ ક્યાં? કોઈના ઘર, કોઈના અડ્ડા પર? સાંભળ્યું છે ગામડાંમાં દેશી દારૂની ભટ્ઠીઓ આમ ખેતરમાં જ હોય. જે થાય તે. હા, વળી થઈ થઈને શું થવાનું? લાગે છે મારી છાતીમાં પેલા કૂવાનો પમ્પ ફિટ થઈ ગયો છે. એના ભખ્ ભખ્ અવાજ સાથે મારી નજરે હિંદી ફિલ્મોમાં આવતાં બળાત્કારનાં દૃશ્યો તરવરવા લાગે છે. થાય છે કે હસી કાઢું આ ભયને ત્યાં ઝીણી ઘૂઘરી રણકે છે. હું દૂરના વૃક્ષને ઓળખવા મથું છું. પ્રેતાત્માઓ તો મધ્યરાત્રિ પછી જ નીકળે. મને જો હનુમાન ચીલાસી આવડતી હોય તો… હું ધારું છું. પણ ચાલી શકતી નથી. મારા પગ વારેવારે બંધાય છે અને છૂટે છે. લાવ સાડીની પાટલી ખોસી દઉં, પણ મારા ખુલ્લા પગ… ટન્ન્… હું આચકા સાથે ખોડાઈ ગઈ. મેં જોયું થોડે દૂર કંઈખ દેરી જેવું છે. હું આવી ત્યારે રસ્તામાં આવું કંઈ આવતું હતું? શું આ પણ કોઈ? ના એવું તો નથી. લાવ જોઉં.
ખટ કરતી દેરીની જાળી ખૂલી અને મંદિરમાંથી ગોઠણભેર એક માણસ બહાર નીકળ્યો. મેં આજુબાજુ નજર દોડાવી. પણ વ્યર્થ. હવે તો ઝુકાવ્યે જ છૂટકો. મેં જોયું, એના લેંઘાની પૂંછે છીગડાં દીધેલાં હતાં. ઉપર ખાખી જેવા રંગનું ખમીસ. એણે હાથ જોડ્યા અને મારી સામું ફરી બૂટમાં પગ નાખ્યો. એનું મારા તરફ ધ્યાન જાય ને એ કંઈપૂછે એ પહેલાં મેં પૂછ્યું, ‘એ ભાઈ, આટલામાં ક્યાંય મોચી હશે?’પગ વાંકોચૂંકો કર્યો અને બૂટમાં પંજો ફિટ કરતાં મારી સામે ધ્યાનથી જોયું. મેં કેડે ખોસેલી સાડીની પાટલી સરખી કરી. આ એકતાલીસમે વર્ષે મારા આમ સભાન થવું ન જોઈએ. નહિતર આ માણસ…
એના બોથલા જેવા અસ્તવ્યસ્ત વાળ, જાડી મૂછ, ખમીસનાં તૂટેલાં બટનમાંથી દેખાતું ફાટેલું ગંજી અને એમાંથી ડોકાતા છાતીના વાળ. એણે નીચે પડેલું ફાળિયું ખભે નાખ્યું. ફાળિયાના છેડે પોટલી જેવું બાંધેલું હતું. બીજા હાથમાં લીધી ડાંગ. ‘જે સતીમા’ કહેતો મને કહે,
‘હાલો.’
જે અધિકારથી એ બોલ્યો, ક્યાં — પૂછવાની મારી હિંમત ન ચાલી. હવે આના સિવાય કોઈ આરોય નથી, પણ એવું કઈ રીતે માની લેવાય? તમને ખબર પણ ન હોય ને તમને કોઈ દોરીને લઈ જાય! હું કાંઈ એનું પાળેલું ઢોર છું? પણ અત્યારે તો… મેં મારા વિચારોને ખાળવા એની સાથે વાતચીત શરૂ કરી.
‘શું નામ તમારું?’
‘બાબ્ભઈ!’
આ માણસ પણ ખરો છે. એણે ન તો વળતો પ્રશ્નકર્યો અન ન તો પાછું વળીને જોયું. આણે તો એ જ રસ્તો લીધો છે જે રસ્તે હું દેરી સુધી આવી હતી. દેખાય છે કેવો? નામ તો ઉજળિયાત જેવું છે, પણ દરહણ! આ એક ગણેશિયાની જે ખોટ છે. બધા પૈસા પર્સમાં લઈ આવવાની શી જરૂર હતી? અને આ ચેન, બંગડી, બુટ્ટી… નક્કી આજ પચ્ચીસથી ત્રીસ હજારની ઊઠશે, પણ એ તો ઠીક, જો બીજું કંઈ… ના, ના એવો તો નથી લાગતો. કંઈ કહેવાય નહિ. માણસની મતિ ક્યારે ફરે? આ રસ્તો ક્યારે પૂરો થશે? અંધારું વધવા માંડ્યું છે.
‘જરાક જાળવીને ઠેકજો. અહીં બાવળની કાંટ્ય છે.’
હાશ, એ કંઈક બોલ્યો’તો ખરો.
‘રહેવાનું ક્યાં?’
‘રેલિયા, અને તમે?’
એક પળ રહી કહ્યું, ‘નંદરબાર.’ આને સાચું ન કહેવાય.
‘ન્યાં કણે ઘણી વાર ખટારામાં હાલતો. ન્યાં ગામના છેડે હસતા પીરની દરગા છે. ભારે હાચ એનું. મને તો પીરનો પરગટ પરચો મળેલો.’
‘એમ? શું થયું હતું?’ એ આગળ બીજું કંઈ પૂછે એ પહેલાં હું બોલી ઊઠી.
‘જાણે થ્યું એવું કે હું ખટારો લઈને જતો’તો મુંબઈ. રાતનો વખત. સુરત વળોટ્યા પછી રોડ વચાળે તંઈ જણ હાથ લાંબો કરીને ઊભા. બે બાયું ને એક જણ. જોયું તો રોડની લાઇડે ફ્યાટ પડેલી. બગડી’તી. ઓલા જણ કે, ‘આ બેનુંને મુંબઈ સુધી લઈ જાવ. મારાથી શેઠની ગાડી રેઢી નંઈ મુકાય.’ બાયું બેય હારા ઘરની લાગે. હવે મારે થ્યું ધરમસંકટ. ઘડીક તો વિચારમાં પડી ગયો. હા પાડું તો જોખમ ને ના પાડું તો માણહાઈ લાજે. આપડે કંઈ ભગવાન નથી. માણહછી. કાંક આડુંઅવળું કહી બેહી તો? ને ના પાડું તો આ મનખા અવતારને કાંઈ અરથ? પછી થ્યું. એયને ગોપનાથબાપા જે કરે ઈ. દોઢ-બે કલાકે પગ છૂટો કરવા હાઇવે પર ગાડી ઊભી રાખી. મારી પહેલાં તો બેય જણિયું નીચે ઊતરી ગઈ. મને ઇમ કે એમનેય જાવું હશે. હું નીચે ઊથરીને ટાંકીએ મોઢું ધોવા ગ્યો ને ઘડીક તો ડઘઈ જ ગ્યો. એક જણની વાંહોવાંહ ઇ બેય બાયું ભાયડાના પેશાબખાનામાં ગઈ. મેં કીધું નક્કી કાંક છે. આ બાયું પાંહે જોખમ છે. મારે તો સાપે છછુંદર ગળ્યા જેવું થ્યું. આગળ રોડપોલીસનું ચેકિંગ આવે તો મારી તો પથારી જ ફરી જાયને? ને અંતરિયાળ મૂકીને જાવુંય કેમ? મેં મનોમન હસતા પીરને સંભાર્યા, આ પાપ ટળે એવું કંઈક કરો.
પીરનું નામ લઈ ગાડી ઇસ્ટાર્ટ કરી. દસેક કિલોમીટર જેટલું હાલી ત્યાં ઓલી ફ્યાટ આવી પૂગી. ગઈ બેય જોગમાયાને લઈને.’
આય જબરો ખેલાડી લાગે છે. અત્યારે આ વાત કરીને મારી પાસે સાચો થવા જાય છે, પણ એમ વિશ્વાસ મૂકે એ બીજા. શી ખબર એ જોગમાયાએ ગઈ કે તને ભગાડ્યો? આટલાં વર્ષ કંઈ એમ જ કાઢ્યાં હશે! હવે બાબ્ભઈ વાતમા મૂડમાં આવતા હતા. સારું હતું. એનો અવાજ મારી દહેશતમાં ઓથ બનીને સાથે ચાલતો હતો. મેં ને પાનો ચઢાવતાં કહ્યું. ‘આ ગોપનાથ બહુ સરસ જગ્યા છે. મંદિરમાં બેઠાં હોઈએ તો લાગે કે આનાય હસાત પીર જેવા પરચા હશે.’
‘અરે સોટકા વાત સાચી. ઈ બઉ સાંતિ. કોઈ વાતના ઉચાટ નંઈ. અને માડી, આ તો જાગતું પડ. તમારામાં જો રામ જાગતો હોય તો જરૂર જવાબ જડે.’
આ માણસ એવો તો નહિ હોય. જોને એણે મને માડી કહ્યું. પણ અહીં તો આવાં સંબોધન સામાન્ય હોય છે. છાપાંમાં નહોતું વાંચ્યું કે સિત્તેર વર્ષની વૃદ્ધા પર… મારા પેટમાં ગોટા વળવા માંડ્યા. મેં મારા ખભા ફરતી સાડી લપેટી લીધી. ગામ ક્યારે આવશે? શું કરું?
‘આ મંદિરના એવા કોઈ ચમત્કાર ખરા?’
‘અરે બોન, મેં નો કીધું, આ તો જાગતું પડ. અહીં એક બાપુ હતા, અમરનાથ બાપુ. બઉ મોટા સિદ્ધ. રોજ સવારે દરિયે જઈ પોતાનું પેટ ચીરીને આંતરડાં ધોવે ને પાછા પેટમાં મૂકે. પછી જ મંદિરમાં પગ મૂકે એવો તો ચોખ્ખો ને પવિતર આત્મા. આજેય રાત-વરત ધોળા નાગરૂપે દેખા દે છે. લોક તો કે છે કે ઘણી વાર ધોળાં લૂગડાંમાં ભેખડુંમાંય ફરે છે. ઇમને તો જીવતા સમાધિ લીધી. પંડે સરગાસન લીધું.’
આપણે ત્યાં સર્વ રૂપે કે જુદા રૂપે દેખનારને અવગતિયા કહેવામાં આવે છે ને આ જોને. પણ આની સાથે તર્ક ન કરાય, જો વીફરે તો?
ત્યાં લાગલો એનો પ્રશ્ન આવ્યો, ‘બેન તમે કેવાં?’
હોઠે તો આવ્યું કોળી પછી થ્યું ના, નંદરબારમાં પકડાતાં બચી છું. જો આમાં એને ખબર પડશે તો…
‘બ્રાહ્મણ.’
‘અરે ભલા માણા. કે’તાં કેમ નથી. આપણે એક નાતનાં. તમે તો મારી બોન કે’વાય.’ ના રે, મારે નથી થવું તારી બેન, ખબરછે આજકાલના ભાઈઓની.
મેં વાતને બીજે વાળતાં પૂછ્યું, ‘આ ફાળિયામાં શું છે?’ દીવા દેખાય છે. આટલામાં જગામ હશે.
‘સીધુંસામાન. અહીં પલાટમાં કથા હતી. અહીં પાંચ ગામની જજમાનવરતી છે. એ આ લો. આ આઈવું અમારું ગામ રેલિયા. ને આ રઈ ઈ નિશાળ.’ એણે ડાંગ ચીંધતાં નિશાળ દેખાડી.
એક ઓસરીએ ચાર ઓરડા. ઝાંપે વીજળીના થાંભલા પર ટમટમતો ધૂંધળો બલ્બ. આ નિશાળના છોકરાઓ નિશાનબાજીની પ્રૅક્ટિસ નથી કરતાલાગતા.
‘કેટલાં ધોરણ છે?’
‘એ સમજોને જાણે સાત ચોપડી સુધી, પણ અહીં છોકરાંવ કરતાં માસ્તરું ઝાઝાં, બેઠાં બેઠાં ચડાવે રાખે ઉપર અને ભણતરને નામે મીંડું.’
ચોકમાં એક પાનના ગલા પર કંઈક વસતિ હતી.
‘એલા મુકલા, મકનો મોચી ક્યાં?’
‘અ તો વિયો ગ્યો.’ મારી સામે ધારીને જોતાં એણે ઉમેર્યું, ‘તે તમારા હાટને બેહી રેતો હશે.’
‘બાબ્ભઈ, તમે મને ગોપનાથનો રોડ દેખાડીદોને, ચાલશે ચંપલ વિના.’
‘અરે બોન, હાલતું હશે એવું? ગામ લગણ આવીને તમે ઘરે ના આવો એવું?’
‘ના, પણ બહુ મોડું થશે.’ મેં અવાજમાં પૂરો રોફ લાવતાં કહ્યું.
‘હોય કંઈ, જાવા જ નો દઉંને. આ જો પણે દેખાય ઈ મારું ઘર.’ કહી એણે તો માંડ્યું ચાલવા. મને સ્તબ્ધ ઊભેલી જોઈ ગલ્લો ખિખિયાટા કાઢવા લાગ્યો. લાલ-લીલા બલ્બના પ્રકાશમાં એમના ચહેરા ખરડાયેલા લાગતા હતા. હવે ચાલ્યા વગર છૂટકો નહોતો.
મેં બાબુભાઈ પાછળ પગ દબાવતાં ચાલવા માંડ્યું. હીજ તો પોણા નવ જેવું થતું હતું. પમ ગામ બિડાઈ ગયું હતું. શેરીમાં ડિમલાઇટન છૂટોછવાયો અજવાશ હતો. અર્ધા થાંભલા બંધ. બંધ ડેલીઓની પેલીપાર ફળિયામાં થતી કોક કોક સંચાર સંભળાતો હતો. ક્યાંક કોઈક બંધાણીની ઉધરસ તો ક્યાંક વાસણ માંજવાનો અવાજ. મને કંઈક રાહત લાગી. બાબુભાઈને ઘેર જઈને કમ કે કમ ઠંડું પાણી તો પીવા મળશે. મેં પૂછ્યું.
‘ઘરે કોણ કોણ છે?’
‘હું એકલો.’
ગરગડી પરથી સરકતી ગાગરની જેમ સરર કરતી હું ઊંડા કૂવામાં ઝીંકાઈ. મેં બહું ફાંફાં માર્યાં. એક તરણુંય દેખાતું નથી.
‘બે વરહ પેલાં ઘરેથી પાછાં થ્યાં. એક છોડી છે નવ વરહની તે મોકલી દીધી બોન પાસે. અહીં કોણ કરે એની જળોજથા. એયને આપણે મસ્તરામ. એકલા જેવો મજો નંઈ.’
મને થયું. ક્યાંકથી પેલી છોકરી દોડતી આવીને ‘બાપા’ કહેતી વળગીપડે એને. પણ આજ તો દી જ ફર્યો છે. એકલી રહેવાનો તો મેં પણ નિર્ણય કર્યો છે. પણ આ હનુમાનને શું? બૂમ પાડું તોય કઈ રીતે! અંદરથી બહાર ધસી આવવા મથતાં આંતરડાંમાં અવાજ અટવાઈ ગયો છે. ના,આ માણશ સાવ એવો જો નહિ જ હોય. જોને એણે આખે રસ્તે મારી સામે જોયું પણ નથી. શું આ એની ચાલબાજી હશે મને ફસાવવાની? પાઠી વળી જાઉં. પેલ્લા ગલ્લાવાળા છોકરાને બોલાવીને કહું? પણ શું કહું? આ માણસ નથી એવું બોલતો કે નથી કંઈ કરતો! એને કહી દઉં કે હું જાઉં! વળી થયું કે એને કેવું લાગશે? હવે તો બાબુભાઈના શબ્દોમાં ગોપનાથબાપા જે કરે ઈ.
‘તમારાં મા-બાપ, ભાઈ-ભાંડુ…’
‘મા-બાપ તો નાનપણમાં જ મરી ગ્યાં. કાકાનો જજમાનવરતીનો ખલતો ઉપાડતાં ઉપાડતાં બે અક્ષર શીખ્યો, કાકી સ્વભાવે શંખણી, પણ એની દીકરી બેઉ સાચવે મને. અટાણે રૂપલીને એણે એને ન્યાંજ મૂકી છે. જરાક મોટો થ્યો, પનરેક વરહનો તે ભાગીને વ્યો ગ્યો અમદાવાદ. ટલ્લા ખાતાં ખાતાં ખટારો હાંકતાં શીખ્યો. કલીનરીય કરી જોઈ ને ગાડીય હાંકી, પણ એમાં કાહટી હઉ. મારગ વચાળે જ જીવવાનું. ઓટલા ને રોટલા વિના બધું નકામું.’
મને હવે ક્યાંય પહોંચવાની ઉતાવળ નહોતી. બાબુભાઈ શેરી પર શેરી ને ખાંચા પર ખાંચા વળ્યે જતા હતા અને હું એમના પ્લાસ્ટિકના ધૂિળયા જોડાના ખબકારે પાછળ પાળછ.
‘પણ તમે ખટારામાંથી આ ગોરપદામાં ક્યાંથી આવી ગયા?’
‘અરે બોન, એનીય એક કહાણી છે. આ તમે ઊતર્યા છો એ ગોપનાથના વિહારધામ માટે પાણા વેણવાની સેવા અમારા શેઠે લીધેલી. અમારા ઇસ્માઇલ શેઠ બાપાને બઉ માને. શ્રાવણ મહિનો ને હું સવારમાં ગ્યો દરિયે નાવા. બામણનો અવતાર ને બાપાના દરબારમાં અપવિતર ખોળિયું લઈને થોડું જવાય. ભાગજોગે હું નાતો’તો ન્યાં એકઘરડા ડોહા આવ્યા. મારા ખભે જનોઈ જોઈને કે’ કે છોકરા બમણ છું? કાકાએ ઘરમેળે ગાયત્રી ભણીને આ ત્રાગડો નાખી દીધો’તો ઇ બોલ્યો. મને ડોહો લઈ ગ્યો રુદ્રીમાં. મને તો પાછું કંઈ આવડે નંઈ. કે’કે હોઠ ફફડાવીને નમો શિવાય નમો શિવાય બોલવાનું ને હું કરું એટલું કરવાનું. તે તારની ઘડીને આજનો દી. ડોહો પોતાની એકની એક દીકરી, ભામણિયું ને આ પાંચ ગામનો ગરાહઆપીને ગ્યા. એયને મજો છે.’
કેવો છે નુગરો? ઘરવાળી ગઈ, છોકરી મોકલી દીધી ને એકલપેટો કરે છે તાગડધિન્ના. એકલા જેવો મજો નંઈ…
છેવટે બાબુભાઈ એક ડેલી પાસે રોકાયા. જેર પર ચઢીને સાંકળ ખોલી. ખુલ્લાં બારણાં હવાને કારણે જોરથી અથડાયાં.
‘હાલ્યાં આવો બોન.’
ધીરે ધીરે આંખ ઉઘાડતાં મેં જોયું. ફળિયામાં ચાંદની પથરાયેલી હતી. દૂરથી બાબુભાઈનો આકાર સ્પષ્ટ દેખાતો હતો. મેં વધસ્તંભ પર માથું મૂકતી હોઉં એમ ફળિયામાં પગ મૂક્યો.
સામે એક ઓસરીને બે ઓરડા. બંને ખાલી સ્ટોપર મારીને બંધ. ડાબે છેડે રસોડું હશે. ફળિયામાં જમણે ખાલી ગમાણ ને સૂનો ખીલો.
‘તમે, બાબુભાઈ તાળાં નથી મારતાં?’
‘અરે બોન, ઇની જરૂર જ નંઈ. અંઈ બઉ સાંતિ! ચોરી નંઈ, જુગાર નંઈ. અને આ ઘરમાંથી લઈ જાનારો લઈ લઈને સું લઈ જાય?’ કહેતાં એ રસોડા તરફ ગયા. મેં ફળિયામાં પડેલો ખાટલો ઢાળ્યો. ત્યાં ‘હડે હડે’ બાબુભાઈનો અવાજ સંભળાયો. રસોડામાંથી કૂતરું નીકળ્યું. એણે ઓસરીમાં આવી શરીર ખેંચી આળસ મરડી. મોં ઉઘાડી કંઈક ઉ અવાજ કર્યો અને જઈને ઓસરીના છેડે ડાળેલા ખાટલામાં લંબાવી દીધું.
‘લે બોન, તમે ન્યાં ફળિયામાં બેઠાં. અહીં ઓસરીમાં—’ બાબુભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસલેતાં મેં કહ્યું — ‘ના રે, અહીં સારું છે.’
બાબુભાઈએ મારા હાથમાંથી ગ્લાસ લઈ પાસે પડેલી ધૂળ ખાતી સાઇખલ પર વધેલું પાણી નાખ્યું.
‘તમે સાઇકલ કેમ નથી વાપરતા?’
‘આ ક્યાં આઘું છે? ને જરાક હાલીએ તો બરાબરનો થાક લાગે તે વેલાહાર ઊંઘ આવી જાય. નહિતર પાછો જીવ ઉધામા કર્યા કરે.’ કહેતાં એમણે ઓરડો ઉઘાડ્યો. બૅટરીના આછા અજવાળામાં જોયું. સાવ બારણાં પાસે સ્ટીલનાં થાળીવાટકો પડ્યાં’તાં. બાજરીનો ઢગલો અર્ધો દેખાતો હતો. હાથમાં ને બગલમાં ત્રણચાર નાળિયેર દબાવીને બાબુભાઈ આવ્યા. નાળિયેર સુક્કાં હતાં અને છેડા નાડાછડી બાંધેલી હતી. નાળિયેર વધેરતા જાય ને બોલતા જાય —
‘લીલાં નાળિયેર નથી ઘરમાં. પેલેથી ખબર હોત તો વાડીમાંથી લેતો આત. ગરાગમાંથી લોટ વસ્તુ મળે. વાડીએ જઈને ઊભા રો, એટલી વાર. જોઈએ એટલું બકાલું, જોઈએ એટલું અનાજ. માગો ઈ મળે. કોઈ વાતે કમી નંઈ. બઉ સાંતિ.’
એક નાળિયેરમાંથી માંડ ચાર ટીપાં નીકળ્યાં ને એકમાંથી દૂધ જેવું પાણી. એમને મથતા જોઈ મેં કહ્યું, ‘મને પાણી નથી ભાવતું. ટોપરું ને ગોળ–’ મારું વાક્ય પૂરું થાય એ પહેલાં તો ‘બોલતાં કેમ નથી’ કહી એ ઊભા થયા. એક થાળીમાં તાજી મગફળી ને જજમાન સીધામાં આપેને એટલે. વળી મારે કોણ અવેરે? ઈ હતી તારે બધું વેવસ્થિક. અનાજ, બકાલું, વાસણ-કૂસણ, લૂગડું-લત્તાં બધું ઠેકાણે પાડે. છોડી માટે સાચવતીય જાય. પણહવે તો કોણ ખાનાર ને કોણ વાપરનાર? એમ કરો આ મગફળી થેલીમાં લેતાં જજો. શેકીને ખાવાની મજા આવશે.’
‘પણ અહીં ક્યાં…’ બાબુભાઈ કાંઈ સાંભળતા નહોતા એ તો બસ આપવાના જ મૂડમાં હતા. લાગે કે હું ખાઉં છું અને એનો સ્વાદ એ લે છે. માણસ આ હદે એકલો હોઈ શકે?
‘તમે બીજાં લગ્ નકેમ નથી કરી લેતા?’
‘બોન, તારા જેવા ઘણું કે.’ એક વાર જગામાં અમદાવાદના જાત્રાળુ આઈવા’તા તે સીરનામું લઈ ગ્યા. કે’કે ઘરઘઈણું કરાવી દેસું. પણ પછી કાંઈ વાવડ નથી. ને મૂળ વાત તો એ કે આવા ઉજડમાં થઈને મરવા કોણ આવે?
‘ના રે, તમારે શું તૂટો છે. તમારા જોગું કોક મળી જાય.’
‘બોન, મારા નસીબમાં જ નંઈ. બાકી હતી તો સાક્ષાત્ લખમી. એના પરતાપે ઓટલો ને રોટલો બેય મળ્યા. પણ ઉપરાઉપરી કહવાડમાં બચાડી ધોવાઈ જઈ. છેલી છોડી તોપેટમાં જ મરી જઈ ને માનેય લેતી જઈ. મરે હૈયે હમાણી પણ ભાગમાં નો હમાણી.’ કહી બાબુભાઈએ બીજો ઓરડો ખોલ્યો.
મને થયું કે મારો બીજો ખભો પણ નમવા લાગ્યો છે. થાકીને ફસડાઈ પડું એ પહેલાં— ‘ચાલો ત્યારે’ કહેતાં હું ઊભી થઈ ગઈ.
‘ઊભી રે, બોન, એમ નો જવાય.’ પાસે આવીને કહે, ‘બેટરી કર તો. લે આ ચંપલ પેરી જો. તને થઈ રે’શે.’
કોઈ બાર વર્ષની બાળકીનું માપ હતું. મને થયું હું એમની કોટે વળગીને રડી પડીશ. આંસુ ખાળતાં હું બોલી — ‘હાલો.’ (‘ઇન્ડિયા ટુડે’ માર્ચ-એપ્રિલ ૧૯૯૬માંથી)