બીડેલાં દ્વાર/3. ‘કાંઈક વ્યવહારુ!’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading |3. ‘કાંઈક વ્યવહારુ!’}} '''શિયાળાના''' કારમા મહિના સૂસવતા હતા,...")
(No difference)

Revision as of 16:44, 5 May 2022

3. ‘કાંઈક વ્યવહારુ!’


શિયાળાના કારમા મહિના સૂસવતા હતા, ને હસ્તપ્રતોમાંથી એકેયનો આશાજનક હોંકારો આવતો નહોતો. અજિત કરતાંય પ્રભાને માટે એ વધુ પીડાકારી હતું. કાંઈ નહિ તો અજિત પોતાની લાગણીઓને વ્યક્ત કરી લેવાનો સંતોષ તો મેળવી શકતો હતો. વેદના ને નિરાશાની લાગણીઓ વાણીમાં ઠાલવી નાખીને હૈયાનો બોજ હળવો કરવાનું એ સાંત્વન પ્રભાના પ્રારબ્ધમાં નહોતું. રંગ અને રસના વૈવિધ્ય વગરની એની જિંદગી એકધારીને એકસુરીલી ઘસડાતી હતી : પ્રત્યેક નવો ઊગતો દિવસ વિદાય લઈ જતા દિવસના જેવો જ વેરાનમય હતો. એકસૂરતા ઘાટી ને ઘાટી બનતી હતી. પોતાના દુઃખની કિતાબ પતિથી ગુપ્ત રાખવા એણે વસમા પ્રયત્નો કર્યા. છતાં કોઈ કોઈ વાર આંખોમાં પાણી ડોકિયાં કરી જતાં. એ આંતરિક વલોપાતે બાળકના અલમસ્ત શરીર પર અસર પહોંચાડી. એક વર્ષ સુધી બાળકનો બાંધો વધતો જ નહોતો. માનસિક વેદના માતાના ધાવણમાં ઝેર જન્માવે છે એટલીય અજિતને જાણ નહોતી.

પ્રકાશકોની દુનિયામાં ગયેલી દસેક કૃતિઓની હસ્તપ્રતો પૈકીની એકાદ એક પ્રકાશક હાથમાં લઉં લઉં કરે છે એ સમાચાર મળતાં જ અજિત ચાલુ દુઃખો ભૂલી જતો. પ્રભા પાસે હરખપદુડો બની દોડતો, “પ્રભા, આપણે આવતે ઉનાળે તો નક્કી હવે ચાંદોદ-કરનાળી જઈ શકશું. આપણે આ વખતે ત્યાં જગ્યાનાં મકાનોમાં નથી રહેવું : બસ, વડલાની નજીક એક કડબનું ઝૂંપડું જ ઊભું કરાવશું ને બાબો ત્યાં સામે જ વડલાને છાંયે રમશે.” “ધૂળમાં કાંઈ રમવા દેવાય? તમે તો કાંઈ સમજો જ નહિ ને! આપણે કોઈકની બાબાગાડી માગીને લઈ જશું.” “પણ વળી પાછી કોઈક શ્રીમંતની ગરજ કરવી ને? તુંય પ્રભા, આટલું સમજ્યા પછી પણ જડસુ જ રહી!” પછી દલીલની અનંત પરંપરા ચાલતી. પેલો કહે, ‘તું સમજે નહિ’. પેલી જવાબ આપે, ‘તમે સમજો નહિ ને!’ “અરે તું જો તો ખરી, પૈસા ભેગા થાય એટલે પહેલું તો આપણું પોતાનું જ ઘર બંધાવવું છે.” “એટલા પૈસા ક્યારે ભેળા થાય?” “કેટલા પૈસા? આપણે તો ગામડામાં જઈને માટીનું જ ખોરડું બંધાવી લેશું.” “ગામડામાં તે કાંઈ ઘર હોય? ત્યાં છોકરો માંદો પડે ત્યારે ક્યાં દોડવું?” “દોડવું શું કામ પડે? આપણે દેશી દવાઓ રાખશું. ગામડિયાઓને પણ આપશું.” “પણ ત્યાં લૂગડાં કેટલાં મેલાં થાય? માટીના ઘરને ગાર કરવામાં ને સંજવારી કાઢવામાં કેટલી મહેનત!” “પણ ત્યાં શહેરની બદીઓથી તો છોકરાને મુક્ત રાખી શકાય ને?” “પણ ત્યાં છોકરાને ભણાવવો ક્યાં?” “ગામની નિશાળમાં.” “મારા બાબાને તો મારે બાળમંદિરમાં ભણાવવો છે.” “વાહ! ત્યારે તો એને પણ તારે પોચો પોપલો જ બનાવવો છે, એમ ને? મારે એ નહિ પોષાય.” કલ્પના-જગતને કાંઠે આમ વરવહુ લડી પડતાં. અજિત પોતાની ધૂનોના ધડાકા કર્યા કરતો : મારે તો ગામડામાં એક પ્રકાશનમંદિર ખોલવું છે. મફત વાચનાલય કરવું છે. બની શકે તો ફરતાં પુસ્તકાલયો ગોઠવવાં છે. ને ગામડામાં બેઠો બેઠો હું એક માસિક કાઢીશ. મારે તો લોકોની આંખો ઉઘાડવી છે. સારા સારા સર્જનશીલ કલાકારો આપણે ઘેર મહિનો-બે મહિના નિરાંતે રહીને પોતાની કૃતિઓ સરજશે. “ને મારે એમને માટે રોટલીઓ વણ્યા કરવી, એમ ને?’ મોડી મોડી બેઉને આ બધી તકરારની મૂર્ખાઈ સમજાતી, ત્યારે બન્ને હસી લેતાં, થોડાં પ્રેમાશ્રુઓ પણ પાડી લેતાં. ઘરમાં ઘી-તેલ ને દાળ-લોટ લાવવાના પૈસા નહોતા એ બેઉને યાદ આવતું. ઉછીના રૂપિયા લેવાના સ્વમાનભંગના પ્રસંગો શલ્યની માફક ખટકતા હતા. હવે તો, સ્નેહીઓ પણ ઉછીના માગવા જતી વેળા એમ જ કહેતા કે : ‘કાંઈક ધંધાસર થઈ જાવ.’ પૈસા આપનારા કહેતા તે તો ઠીક, પણ પૈસા ન આપનારાઓએ પણ આવાં અપમાનો ને મેણાં મારવાનો હક્ક સમજી લીધેલો. બાજુની ઓરડીવાળાઓ ચાલીમાં સામાન ઠાંસતાં તેમને જરાક કહેવા જતી પ્રભા સકળ પદારથના સારરૂપ એકનું એક વાક્ય સાંભળતી કે — ‘ખાવું ઉછી-ઉધારાં કરીને, તોય બરો કાંઈ ઓછો છે, માડી!’ ‘સમકાલીનોનાં જીવનચરિત્રો’વાળું કામ ખતમ થવાની વેળા આવી, નવું કામ શોધવામાં અઠવાડિયાં ચાલ્યાં, તેવામાં સારું થજો શ્રી રમણભાઈનું, તેમણે પોતાને ત્યાં પ્રકાશન માટે આવતી — વણનોતરીને વિનાપુરસ્કારે મોકલાતી — વાર્તાઓની હસ્તપ્રતો વાંચવાનું, વાંચીને ઠીકઠાક કરવાનું કામ અજિતને આપ્યું. આ નવા કામે અજિતને આજ સુધીની એક અણદીઠી સૃષ્ટિનાં દર્શન કરાવ્યાં. અવલોકનકાર તરીકે તો એણે નિહાળ્યાં હતાં પ્રકટ થયેલાં પુસ્તકો, પણ હવે તો એને જાણ પડી કે પ્રકટ થયેલા દરેક પુસ્તકે અપ્રકટ અને અંધારામાં તરફડિયાં મારતી, ગર્ભમાં ને ગર્ભમાં મરી જતી તો સો-સો કૃતિઓ પડી હતી. કડીબંધ અર્ધશિક્ષિતો આ કે તે લેખકની કૃતિઓ વાંચી વાંચી તેમના જેવી કૃતિઓ રચવા બેસી ગયા હતા : સ્ટેશનનો સિગ્નલર પણ નોવેલ લખતો, ફર્નિચર-શોપનો ગુમાસ્તો પણ વાર્તાઓ લખતો, દાક્તરના કમ્પાઉન્ડરે પણ કલમ ચલાવી હતી. એ તમામને તાલેવાન થઈ જવાની આશા હતી. લેખકોની ચોપડીઓ તો લાખો મોઢે ખપે છે. તેમને તો એકાએક મોટી ઇસ્કામત થઈ જાય છે, એવી માન્યતાનો પવન આવાં કેટલાંય ભેજાંઓના સઢોને ફુલાવી રહ્યો હતો — પણ જવાનું છે જે દિશામાં તેનાથી સામી જ દિશાએ તેમનાં વહાણ ખેંચાતાં હતાં. આ હસ્તપ્રતોમાં પૂંઠા પરનાં નામઠામ, અર્પણપત્રિકા, પ્રવેશક, આભારવચન અને લેખકની પોતાની યશસ્વી જીવન-પિછાન પણ અકબંધ લખાઈને શામિલ થયેલી જ હોય. પ્રકાશક તરફથી થનારા પોતાના જીવનપરિચયમાં આ લેખકો એટલે સુધી નિખાલસ બનતા કે : શ્રી… છેલ્લાં વીસ વર્ષથી સાહિત્યસેવા કરી રહેલ છે; એમને પ્રેરણા આપનાર એમનાં માતુશ્રી છે; એમનું સાહિત્યઝરણ પોષનાર એમનાં પત્ની સૌ… બાઈ છે; એમની શૈલી મુનશીને નહિ પણ પ્રેમચંદજીને મળતી છે; એમણે સાહિત્યદીક્ષા શરદબાબુને ચરણે બેસીને (અર્થાત્ શરદચંદ્રની કૃતિઓ વાંચીને) લીધી છે; ‘રાસ્તગોફતાર’ અને ‘કૈસરે હિન્દ’માં તેમજ ‘સમાલોચક’ અને ‘વીસમી સદી’માં તેમની વાર્તાઓ વીસ વર્ષ પર બહુ હોંશથી વંચાતી; વિધાતાની જ ભૂલથી તે ભાઈ અત્યારે સ્થાનભ્રષ્ટ છે. વ્યાપાર એમની ખોટી દિશા છે; ઉત્તેજન મળે તો એ ગુજરાતના બીજા રમણલાલ બની શકે, વગેરે વગેરે. બીજા કોઈ ભાઈએ એક આશા આપતા ગુર્જર શાયર તરીકે પોતાની પિછાન રાખી હતી. એમની ઉપમાઓ અને કાલિદાસની ઉપમાઓ વચ્ચે કેટલું કેટલું સામ્ય હતું તે પણ પોતે જ દેખાડ્યું હતું, જ્ઞાતિના હસ્તલિખિત વાર્ષિકમાં તેમની અમુક કવિતાએ જબ્બર ચકચાર મચાવેલી; ઉત્તેજન મળે તો એ નવા યુગના નર્મદ બને; આ કવિતાઓ તો એમણે ગેસ-મીટરના ઇન્સ્પેક્ટરનું કામ કરતે કરતે લખી છે; કવિને છ બાળકો છે. તેમનામાં પણ જન્મથી જ કાવ્યસંસ્કારો જાગી ઊઠ્યા છે, વગેરે વગેરે. લેખક તરીકે લખલૂટ પૈસા રળવાની ભ્રમણા સેવતા આવા તો હજારો હશે! આમ વિચારતો અજિત લજ્જિત બન્યો. હું પણ એ ખદબદતી જીવાત માયલો એક છું ને! હું પણ મને એક સંદેશવાહક સમજનાર અને હજારોનાં માથાં પર ચડીને આ પરાજિત ખોપરીઓના પુંજ પર ઊભો થવાની મહત્ત્વાકાંક્ષા સેવનાર જ છું ને! એ અણઅવતરી કૃતિઓમાં અજિત જે સુધારાવધારા કરી દેતો તેની છાપ પ્રકાશક શ્રી રમણભાઈના મન પર સરસ પડી. રમણભાઈએ કહ્યું : “તમેય, અજિતકુમાર, ધારો તો આવી લોકપ્રિય વાર્તાઓ બેલાશક લખી શકો. જો તમારી આદર્શઘેલછાઓને અળગી રાખીને લોકોને પચે એવી વ્યવહારુ શૈલીએ લખોને, તો તમે કમાલ કામ કરો, હો! તમારા આદર્શો પણ એમાં લોકો ધીરે ધીરે જીરવી શકે તેવી ચાલાકીથી થોડા થોડા પ્રમાણમાં મૂકી શકો. તમારી ‘કળા’નો આખો કોળિયો લોકોના મોંમાં સમાવો તો જોઈએ ને! એવું કાંઈક લખો તો પૈસા પણ મળે. કાંઈક હળવું ને લોકપ્રિય લખો.” કાંઈક હળવું ને લોકપ્રિય લખવાની એવી એક યોજના અજિતે રમણભાઈ પાસેથી લીધી. એમાં આટલો મસાલો તો અવશ્ય જોઈએ : બાપ દીકરીને ઉચ્ચ કેળવણી આપે : પણ પછી પરણવાનું સ્વાતંત્ર્ય ન આપે : સ્ત્રીને પુરુષ ફસાવે, ને પછી ગર્ભ રહી જતાં પુરુષ સ્ત્રીને ત્યજી દે. “પણ સ્ત્રી પુરુષને ફસાવે એવું કેમ ન આવી શકે વાર્તાઓમાં?” અજિતે પ્રશ્ન કર્યો. “તો સ્ત્રીઓ એ પુસ્તકને અડશે જ નહિ. ને આજે તો ચોપડીઓનું બજાર સ્ત્રી-વાચકો ઉપર જ નભી રહેલ છે.” “વારુ.” “પછી સ્ત્રીને સમાજસુધારક ફસાવે, ડૉક્ટર ફસાવે, ધર્મગુરુ ફસાવે, ને આખરે સ્ત્રીને વેશ્યા બનવું પડે.” “પણ મને વેશ્યાજીવન વિશે ખબર નથી.” “હું તમને એક એવું પુસ્તક વાંચવા આપું કે જેમાં વેદકાળથી લઈ આજ સુધીનો, આખી દુનિયાની વેશ્યાવૃત્તિનો ચિતાર છે. એમાંથી ઉઠાવજો ને! બાકી તો ‘યામા : ધ પિટ’ નામની રશિયન વેશ્યા-વાર્તામાંથી ઠીકઠાક કરીને મૂકી દેજો ને, યાર! બધેય સ્થિતિ તો એક જ છે ને! વ્યવહારુ ને લોકપ્રિય કૃતિ રચવામાં આ તત્ત્વો જરૂરી છે. સાથે સાથે તમે ‘સેક્સ’નો વિષય ગૂંથી શકશો તો પુસ્તક ચલણી સિક્કો બની જશે. તમારી કલમમાં શૈલીનું તેજ છે, માટે હું તો કહું છું, લખતા હો તો જાહેરાત કરું.” અજિત થોડો વિચારગ્રસ્ત બન્યો. પોતાની મૂંઝવણ એ ઉચ્ચારી શકતો નહોતો. “એક મહિનામાં લખી આપો તો આપણી માળાના પહેલા મણકા તરીકે આપીએ.” “પણ એટલી ઝડપે ક્યાં બેસીને લખું?” “કેમ?” “ઘરની ઓરડીમાં તો દિવસરાત બાળકને ઉછેરવાની ધમાલ લાગી પડેલ છે. રાતે ઉજાગરા કરવા પડે છે.” “ક્યાંક બહારગામ નીકળી જાવ. ગરમીના દિવસ છે, કોઈ ઠંડી જગ્યામાં જઈને બેસી જાવ. છે કબૂલ? તો આ લ્યો રૂ. 50 પુસ્તક પેટે એડવાન્સમાં આપું.” રૂપિયા પચાસ એડવાન્સમાં મળવાનું પ્રલોભન તો ફાંસીની સજા પામેલને માફી મળવાની વધાઈ જેટલું જ મજબૂત બન્યું. ઓરડીનું ભાડું ને કરજ ચૂકવતાં બાકી થોડાક પ્રભાને ખરચી આપવા માટે બચશે. ને એક મહિનામાં લેખન પતાવ્યે બીજી રકમ મળશે, એટલે હું મહિના પછી પ્રભાને કોઈ શીતળ સ્થાનમાં લઈ જઈશ. રૂપિયા પચાસના ઉપાડ પર પોતાની સહી કરીને ગરમાગરમ ગજવે અજિત ઘેર ઊપડ્યો. રસ્તામાંથી બેચાર સાડીઓ અને બાબાના ઝભલા માટેનું મુલાયમ કાપડ ખરીદી લીધું, કે જેથી આ પોતાના એકલા બહાર જવાની પ્રભા સાથેની વાટાઘાટનો પંથ લીસો બને. જીવતા ને જીવતા બાફી નાખતી પાટનગરની ચાલીની ઓરડીમાંથી ગરમીના દિવસ પૂરતા છૂટવાની એક આશા — નવી ચોપડી. પ્રભાની સામે અજિતે એક સુવર્ણસ્વપ્ન પાથરી દીધું. અજિત ને પ્રભા પરણ્યાં તે પછી ચાર દિવસ પણ વિખૂટાં નહોતાં પડ્યાં. માબાપનો સમૃદ્ધિ-છલકતો ખોળો છોડવાની હિંમત પ્રભાએ જ્યારે કરી હતી ત્યારે એની કલ્પના કવિ પુરુષ ને સંગીતકાર સ્ત્રી એ બેઉના જગત-અજવાળતા કોઈ અપૂર્વ કલા-લગ્નની હતી. આજે પુરુષ રોટીને ખાતર બહાર જવા માગતો હતો, કેમકે લગ્ન-જીવન જ એની સાહિત્યોપાસનાની આડે આવતું હતું. આજે એ શીતળ સ્થાન પર જતો હતો, ને પ્રભાને લલાટે બાળકની બીમારી અને ઉજાગરા ખેંચવાની એની એ ઓરડી રહેતી હતી. જોડકા ઊગેલા બે રોપાને એકબીજાથી જુદા પાડવા માટે તેમને ઉતરડવા પડે છે. આજે પોતે અજિતથી ઉતરડાઈને જુદી પડતી હોય તેવો વેદનાનુભવ પ્રભાને થયો. જીવનમાં આવા કોઈ પ્રસંગની એણે કદી ભીતિ રાખી નહોતી. “તમે મને ભૂલી તો નહિ જાઓ ને?” એ આસ્તેથી કરગરી ઊઠી. “ના રે બાપુ! કદી જ નહિ.” કહીને અજિતે પ્રભાનો પંજો વધુ જોરથી દાબ્યો. “પણ.” પ્રભાએ ભય બતાવ્યો : “મારા વગર રહી શકવાની તમને ટેવ તો પડી જશે ને! — અને આજે જ્યારે તમારી મારે ખરેખરી જરૂર છે, તે જ ટાણે…” “તું રાજી થઈને રજા ન આપી શકતી હો તો હું ન જાઉં, વારુ!” “ના, ના, એ તો હું સહી લેતાં શીખીશ.” અનુકમ્પાથી દ્રવતા અંતરમાં અજિતને એક પ્રબળ આવેગનો અનુભવ થયો. પોતાના હાથમાં એનો હાથ લઈને અજિત ઘૂંટણિયે નમી પડ્યો, ને એના હોઠ કશીક પ્રાર્થના બબડવા લાગ્યા. પ્રાર્થના જેવી કોઈ વસ્તુ અજિતના જીવનમાં આજ સુધી પ્રવેશી નહોતી. પ્રાર્થનાને હાસ્યાસ્પદ ગણવાનું શીખ્યાં પણ અજિતને વર્ષો થઈ ગયાં હતાં. પ્રાર્થના કરનારા એને વેદિયા ને વેવલા લાગતા. છતાં એ ક્ષણે અજિતને અંતસ્તલમાંથી અસ્પષ્ટ, સાદા, બાળકની બોલી જેવા બોલોનું સ્તોત્ર વછૂટ્યું. એ પ્રાર્થનામાં ધર્મ નહોતો, તત્ત્વજ્ઞાન નહોતું, પ્રભુ પણ નહોતો. દેવોને ખોળે એ પ્રાર્થના ઠલવાતી હતી? પ્રાર્થનાકાર પોતે જ જાણતો નહોતો. છતાંય પ્રાણની અંદરથી કરુણા અને માર્દવની જાણે સરવાણીઓ સળવળતી હતી : ને પ્રભા અજિતને ખભે મસ્તક ઢાળીને ધ્રૂસકા નાખતી હતી.