બીડેલાં દ્વાર/6. નટીનું રમકડું: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |6. નટીનું રમકડું}} '''આ''' બધાની એક મંગલ અસર અજિતના અંતર પર પડી;...") |
(No difference)
|
Revision as of 16:53, 5 May 2022
આ બધાની એક મંગલ અસર અજિતના અંતર પર પડી; આજ સુધી એને ટોણા જ માર્યા કરનારી ને એની હાંસી જ ઉડાવનારી બહારની દુનિયા આજે પહેલી જ વાર એના સ્વપ્નને ઝીલતી, એની ભાવનાને સમજવા મથતી ને એની હડધૂત કલાને સહકારનો હાથ લંબાવતી એની નજરે પડી. આ શું જેવીતેવી કદર હતી? આ જ શું વિજય નહોતો! આટલાં આટલાં મનુષ્યો એની કૃતિની ઉપાસના કરવા લાગી પડ્યાં હતાં!
કારાવાસી કલાકારે બંધનમુક્તિ અનુભવી. બહાર નીકળીને એણે જાણે ઉન્મુક્ત આકાશની નીલિમા અને કિલકિલાટ કરતાં પંખી નિહાળ્યાં. કદરદાન દુનિયા પ્રત્યે એનું દિલ ઝૂકતું ખડું રહ્યું. પ્રેસ એજન્ટે આવીને જ્યારે ‘કવિરાજ’ની ઝીણી ઝીણી જીવન-વિગતો જાણવા માગી, ને કેમેરામેને જ્યારે એના જુદા જુદા પોઝ લીધા, ત્યારે એણે પરમ કૃતાર્થતા અનુભવી. એ કૃતાર્થતાની પરિસીમા તો ત્યારે આવી જ્યારે મિસ મૃણાલિનીએ પોતાના ખિલૌના (રમકડા) જેવા બનેલા અજિતને એક દિવસ સાંજે કહ્યું : “ક્યોં અજિત મહાશય, મહફિલ મેં ચલોગે ક્યા?” “મહેફિલમાં!” અજિત છોભીલો પડ્યો : “કેમ કરીને આવું?” “ક્યોં નહિ!” “મારી પાસે મહેફિલમાં આવવાનાં કપડાં નથી.” “કપડાં! ઓ બાપ! કવિ મહાશયોને વળી કપડાં શાં ને વાત કેવી! એવી કોઈ માગણી જ કરે નહિ ને શાયરો પાસે!” મૃણાલિની ખૂબ હસી : “વાસ્તે ચલો જી, કલ્પનાઓ કેં હી કપડે પહન કર ચલો. હમારે પ્રસન્નકુમારજી ભી બડે બેપરવાહ રંગીલે ગૃહપતિ હૈ. ચલિયે, કોઈ હરજ નહિ.” મોટરમાં મિસ મૃણાલિનીએ ‘હમારે પ્રસન્નકુમારજી’ના સંબંધમાં વિશેષ પ્રકાશ પાડ્યો : “એ બાપડા બુઢ્ઢાને માટે છાપામાં આવે છે તે બધી જ વાતો માનવા જેવી નથી, હો અજિત મહાશય!” “મેં તો એને વિશે કશું જ છાપામાં વાંચ્યું નથી.” અજિતે પોતાનું આ મહત્ત્વના વિષયમાં અજ્ઞાન કબૂલ કરી આપ્યું. એથી તો મિસ મૃણાલિનીએ વિશેષ પ્રકાશ પાડ્યો : “શેઠ પ્રસન્ન કુમાર એ મિલોના માલિક છે. ઝરિયામાં એમની એક ખાણ પણ છે. એની કંઈક ભૂલને કારણે એના એક વખતના મેનેજર મિ. ડારસીએ પોતાની સ્ત્રીને તલાક આપેલ છે. પ્રસન્નકુમાર શેઠનાં બહેનને એનો બનેવી બહુ દુઃખ દેતો હોવાથી શેઠે એને એકવાર તાજમહાલ હોટેલની બારીમાંથી ફગાવી દીધો હતો. એટલા તો લાપરવાહ બાદશાહ છે. ચમરબંધીની પણ તમા રાખતા નથી.” આવો ઇતિહાસ સાંભળ્યા પછી અજિતને રસ્તામાં જ ઊતરી જવાનું દિલ થયું. પ્રસન્નકુમાર જેવા માનવપાત્રનો સાહિત્યભાવે અભ્યાસ કરવાની પણ એની વૃત્તિ ન રહી. છતાં એનું શરમાળપણું એનું બંધન બની ગયું. રાતની એ મિજબાની પર એણે ત્રીસ વર્ષના પ્રસન્નકુમાર શેઠને વિવિધ કલાકારો, નટીઓ, દેશીઓ અને વિદેશીઓ વચ્ચે વીંટળાયેલો જોયો. ગવૈયાએ ગાન ગાયાં. કથકે કૃષ્ણનો નાચ કર્યો, એક સ્વિસ સ્ત્રીએ લોકગીત ગાયું. એક ‘પ્રોફેસરે’ ગંજીપાનાં જાદુકપટ બતાવ્યાં. અને એ રાસડા ગાનારી ઘેરદાર ઘાઘરાના દરિયા ઝુલાવતી દસ જણીઓ કોણ હતી? અજિત ચકિત થયો. કાઠિયાવાડની હરિજન બાઈઓ હતી. તે પછીની મિજબાની પર જે આસવોની રેલમછેલ બોલી તેનાં તો અજિતે નામ પણ પહેલી વાર સાંભળ્યાં. પ્રસન્નકુમાર શેઠ હિંદીમાં, ઉર્દૂમાં, મરાઠીમાં, અંગ્રેજીમાં ને ફ્રેન્ચમાં પણ વાતો કરતા ‘બડા રંગીલા’ આદમી નીકળ્યા. કવિ મહાશય પ્રત્યે પણ પોતે ઝૂકતા, ખાણીપીણીનો આગ્રહ કરતા, અને કાવ્યમય ઉદ્ગારો કાઢતા હતા. ‘દર્દે જિગર’ શબ્દ એમની જબાનમાંથી વારંવાર નીકળતો હતો. પોતે કલાકારો અને સાહિત્યકારોના આત્મગૌરવની હિમાયત કરતા હતા. દુનિયા જો પલટશે તોે કવિઓથી જ પલટશે એ એમનું વારંવારનું કથન હતું. કવિઓ કલાકારોની એક એકેડેમી આવા લક્ષ્મીથી છલકતા નગરમાં નથી તે માટે મુંબઈના લક્ષ્મીનંદનોની ‘બદમાશી’ પર તે ઊતરી પડતા હતા ને વારંવાર કહેતા કે “અગર મેરા બિઝનેસ આગેકી તરહ ચલતા હોતા, તો ઈશ્વરકી સાક્ષી, મૈં ઇન આર્ટિસ્ટોંકો રાજા-મહારાજાઓં કી તરહ જીનેકા હાલ બતા દેતા. “દેખો યે કાઠિયાવાડકી હરિજન ઓરતેં! હમારે પ્યારે મિત્ર વઝીર સાહબ ખાસ ઉનકો ઈધર લેકર આયે હૈં, ખાસ કાઠિયાવાડકી આર્ટ બતાને કે લિયે. યે આર્ટ ક્યા તુમકો કહીં ભી મિલેગી! મગર ઇનકો ઉત્તેજન-પ્રોત્સાહન દેનેવાલે કહાં હૈં! અગર મૈં કાઠિયાવાડકી એક ભી રિયાસતકા રાજા હોતા, ઇસ આર્ટકી યુનિવર્સિટી ખડી કર દેતા! “યે હરિજન લોગ કો હમ લોગ હડધૂત કરતેં હૈ. યે તો હૈ કલામંદિરકી પૂજારનેં! ઇનકા ઉદ્ધાર કોન કરેગા? ગાંધીજી તો કલાકે ખિલાફ હૈ. અચ્છા, ગાંધી કો કરને દો ઇનોંકી રોટીકી તજવીજ, હમલોગ કરેંગે ઇનોંકી આત્માકી તજવીજ.” ‘વાહ! વાહ! કમાલ!’ મહેફિલના સાથીઓએ શાબાશીના શબ્દો ઉચ્ચાર્યા. વાતમાંથી વાત મિલોમાં પડતી હડતાલો પર વળી. ત્યારે પછી પ્રસન્નકુમાર શેઠનું સાચું સ્વરૂપ પ્રગટ થયું. એ ચૂપ બન્યો, લાલચોળ બન્યો, એના હાથની મુઠ્ઠીઓ વળી. એ પોતે મુઠ્ઠીઓમાં કોઈ જીવતા માનવીની ગરદન પીસી રહેલ હોય એવી ઉગ્રતાથી બોલી ઊઠ્યો : “મૈં જબ એજન્ટ થા તબ ઇન ઍજિટેટરોંકો મૈંને બતલા દિયા થા : એક એક કરકે મૈંને ઉનકો સાફ કર દિયા થા. અબ તો મૈં નહીં હૂં, ફિર વો કાલે ઝહરી સાંપ આને લગે હૈં. યુનિયન કરને લગે હૈં, હાય હાય! કૉંગ્રેસ સરકારોંકી તો મેં ક્યા કહું! ઉહ! ફસ ગયે, લોગોં બેચારે ફસ ગયે!” મહેફિલ ક્યારે ખતમ થઈ તેની અજિતને સરત નહોતી રહી. એના વિચારો પ્રભા પાસે દોડ્યા જતા હતા. રંગરાગની વચ્ચે નટીઓ હતી, તમાશબીનો હતા, અરે નવી ઢબે ને નવી હલકે રાસડા લેનારી કાઠિયાવાડની હરિજન બાઈઓે પણ દાખલ થઈ શકી હતી. નહોતી એક પ્રભા અહીં. અહીં જે અક્કેક સિગાર પિવાઈ રહી છે તેમાંથી તો અમારાં કેટલાંય નાનામોટાં કરજ ફીટત. અહીં રેલાતા એક રાત્રિના આનંદોમાંથી તો મારું ભવનું દાળદર ભુક્કો થાત. પણ એ વાત આ પ્રસન્નકુમાર શેઠને હું કરત તો શું એ આ રાત્રિના આનંદોનું વિસર્જન કરી એક કલાકારના જીવનને ભાંગતું બચાવત? એ એકલો બેઠો હતો. બધાં ક્યારે સરી ગયાં તેની સરત ન રહી. આખરે દીવા ઝાંખા પડ્યા. અજિતે ઊંચે જોયું. એણે સામેના બારણામાં પ્રસન્નકુમારને ને મૃણાલિનીને જોયાં. બંનેએ એકબીજાના કંઠમાં હાથ વીંટાળ્યા હતા. અજિતને જોયા પછી પણ તેઓ છૂટાં ન પડ્યાં. તેઓ હસતાં જ ઊભાં. અજિત ભોંઠો પડ્યો, પણ કવિ મહાશયને પોતાનું રમકડું માનનારી મૃણાલિનીને મન કશો જ સંકોચ નહોતો. મોટરમાં બેઉ પાછાં ચાલ્યાં ત્યારે રસ્તે મૃણાલિનીએ પૂછ્યું : “કેમ, દીઠા ને અમારા બાદશાહને! તમને માલૂમ નહિ હોય કે અત્યારે તમે પોતે જ આ માણસના અહેસાન તળે છો. તમને ઇન્સાનિયતના દરજ્જા પર મૂકનાર શેઠ પ્રસન્નકુમાર જ છે.” “શી રીતે?” “તમારો ડ્રામા હું હાથ પર લઈ શકી છું તે તો એની મદદથી. એ ડ્રામા પર થનાર તમામ ખર્ચ એની તરફથી મને મંજૂર થયેલ છે. મારા ને તમારા જેવા કલાકારોને ખાતર પોતાની અત્યારની નબળી હાલતમાં પણ એ કેટલો મોટો ભોગ આપી રહેલ છે!” જ્ઞાનપ્રાપ્તિની એ પળથી જ અજિતનો રસ પોતાના નાટકના પિક્ચરમાંથી ઓસરવા લાગ્યો. એને વિમાસણ ઊપડી : આવા માણસની લક્ષ્મી સાચી કલાને શું ખરીદી શકતી હશે? એ લક્ષ્મીનાં સત્ત્વો શું કદી મારાં સ્વપ્નોને વ્યક્ત કરી શકશે? મારા નાટકનું નામ — ‘પ્રતિભાના સોદા’ — એ શું અહીં મૂર્તિમંત નથી ખડું થયેલું! અજબ છે આ સિનેમા અને રંગભૂમિ : આ ઊર્મિઓ ને લાગણીઓને વેચવાનાં હાટડાં : એની હૂબહૂ રજૂઆત કરવાને ખાતર માણસે એનો સાચેસાચ સ્વાનુભવ કરવો પડે છે. એની સાથે તન્મય બનવું પડે છે, અને સાથોસાથ એનાં નાણાં ઉપજાવવા માટેની પણ નજર જાગ્રત રાખવી પડે છે : નાણાં જેનાં ન મળી શકે તેવી ઊર્મિઓને માણસે દિલથી દૂર રાખવી પડે છે. આ પ્રેસ-એજન્ટનો દાખલો લો. આ-નું આ જ ‘પ્રતિભાના સોદા’, જેને પોતે સાચે જ પ્રતિભાશીલ કૃતિ માને છે, એ જ પિક્ચર જો ‘ધૂમધડાકા પિકચર્સ’ને બદલે ‘કડાકાભડાકા પિક્ચર્સ’ તરફથી રજૂ થતું હોત, તો એ જ પ્રેસ-એજન્ટ એને ‘સડેલું’ કહી નિંદત. શૂટિંગ, એડિટિંગ વગેરે સર્વ ક્રિયાઓ ખતમ થઈ. રૂપેરી પરદા પર રજૂ કરવાની પહેલી સંધ્યા આવી પહોંચી. અજિત પોતાની એ કૃતિને પ્રેક્ષકદૃષ્ટિએ નિહાળવા ઊંચી ‘બૉક્સ’માં બેઠો. નીચે એણે ચિક્કાર હાઉસ નિહાળ્યું. પહેલી ‘એક્સ્ટ્રા’ પંક્તિમાં એણે પ્રત્યેક ‘પિક્ચર્સ’ના માલિકોને, મૅનેજરોને, ડાયરેક્ટરોને બેઠેલા દીઠા. ઓરકેસ્ટ્રા પારસીઓથી ભરપૂર હતી, વ્યાપારીઓ ને મિંયાઓનો મધપૂડો ખદખદતો હતો. અજિતના અંતર સોંસરી એક કંપારી નીકળી ગઈ : ‘પ્રતિભાના સોદા’માં આ લોકો શું સમજશે? આદિથી અંત સુધી પ્રેક્ષકસમૂહ ઉત્કંઠિત ભાવે ચૂપચાપ બેઠો રહ્યો. આખા ચિત્ર દરમ્યાન એક પ્રસંગે કલાકાર ‘હીરો’ પેલા પાપડવાળા શેઠના માથા પર વાયોલીન પટકે છે તે પ્રસંગે — લોકો ખડખડાટ હસ્યા. ને પિટ-કલાસમાંથી ‘દે, દે સાલાને ફરી એકવાર!’ એવી કિકિયારી ઊઠી. છેલ્લી ટોકરી વાગી. જનસમૂહ ચૂપચાપ બહાર નીકળી ચાલ્યો ગયો. અને એ પહેલો જ ‘શો’ પૂરો થતાં, અજિતે તારઑફિસે જઈને પ્રભા પર તાર મૂક્યો : “‘પ્રતિભાના સોદા’નો પરમ વિજય થયો છે.” બીજો ‘શો’ તે દિવસ નહોતો રખાયો. અજિત જઈને ઘસઘસાટ નીંદરમાં પડ્યો, પ્રભાતે જ્યારે એણે છાપાં ઉઘાડ્યાં ત્યારે એણે પ્રશંસાનાં પૂર નિહાળ્યાં. છાપાંવાળા કેટલા ઉદાર! ‘પ્રતિભાના સોદા’માં પોતે વર્તમાનપત્રો પર જે કાતિલ કટાક્ષ કરેલો છે તેની પણ એમણે કદર કરી છે. એને ખબર નહોતી કે છાપાંવાળાઓને આટલા દિલાવર બનાવનાર તો હતી બબ્બે પાનાંની જાહેરખબરો. હર્ષઘેલો અજિત સ્ટુડીઓ પર પહોંચ્યો. સૌ પહેલો એને પ્રેસ-એજન્ટ જ મળ્યો. એણે અજિતને એક જ વાક્ય કહીને ઠંડોગાર બનાવ્યો : “પહેલા દિવસ પરથી ન હરખાઓ. એ તો હતું પ્રસિદ્ધિનું પરિણામ : સાચી કસોટી તો બીજા દિવસે થાય છે.” બીજા દિવસનો ‘શો’! હાઉસમાં દોઢસો જ પ્રેક્ષકો; બીજા ને ત્રીજા ‘શો’માં પચાસથી વધુ નહિ. અજિતનો જિગર-પારો 50 ડિગ્રી પર ઊતરી ગયો. છેલ્લો ‘શો’ ખતમ થયા પછી મિસ મૃણાલિની, ગોબરભાઈ, મિ. દફણિયા ને અજિતની કોન્ફરન્સ મળી. “જોયું ને!” મિ. દફણિયાએ કહ્યું : “પિક્ચર ફેઇલ ગયું.” “એકદમ ફેઇલ.” ગોબરભાઈએ મોં બગાડ્યું. “હું તો પહેલેથી જ જાણતી હતી કે ફેઇલ જ જશે.” મૃણાલિની બોલી. “ને તમે?” મિ. દફણિયાએ અજિતને પૂછ્યું. અજિતે કહ્યું : “અહીં તો એ કેવી રીતે ચાલે? પબ્લિક સંસ્કારી હોય તો ને? બંગાળમાં બતાવશો ત્યારે કદર થશે.” “એનો કશો જ અર્થ નથી.” પ્રેસ-એજન્ટે કહ્યું : “કલકત્તા તો એને ત્યાં ને ત્યાં દફનાવી દેવાનું.” “ચોક્કસ.” ગોબરભાઈએ ટાપશી પૂરી. “હું તો પહેલેથી જ ધારતી હતી.” મૃણાલિની ફરી વાર બોલી. “તો હવે તમે શું કરવા માગો છો?” અજિતે ફાળભર્યા સ્વરે પૂછ્યું. “પિક્ચરમાં ફેરફાર કરી જ નાખવો પડે.” “કેવી રીતે?” “મિસ મૃણાલિનીએ તમને પહેલેથી જ સૂચવ્યું હતું તે રીતે.” “શું બોલો છો?” અજિત ચોંકી ઊઠ્યો. “ફેરવવું જ પડશે.” ગોબરભાઈએ કહ્યું. “છૂટકો જ નથી.” મિ. દફણિયાએ કહ્યું. “હું તો પહેલેથી જ કહેતી હતી.” મૃણાલિનીએ કહ્યું. “પણ હું એમાં બિલકુલ સંમત નથી.” અજિત ઊકળ્યો. “બીજો ઇલાજ નથી.” ગોબરભાઈએ મક્કમ ઘાંટો કાઢ્યો. “હું નહિ કરવા દઉં.” અજિત ઉશ્કેરાયો. “તમે શું કરશો?” “હું કોર્ટે જઈશ. ઇન્જંક્શન મેળવીશ.” “કોન્ટ્રાક્ટમાં એવી કોઈ કલમ નથી કે પિક્ચર ન બદલી શકાય.” “અરે શું બોલો છો ગોબરભાઈ શેઠ!” અજિતે કહ્યું : “આપણી વચ્ચે સ્પષ્ટ સમજણ થઈ છે.” “એંહ!” ગોબરભાઈએ ચશ્માંની આરપાર ડોળા ઘુરકાવ્યા : “એ તમે સાબિત કરજો ને ત્યાં કોર્ટમાં.” “એટલે શું તમે આપણી વચ્ચે થયેલ સ્પષ્ટ વાત પર પાણી ફેરવશો?” “ત્યારે શું અમે ખરચેલા પોણાલાખ ઉપર પાણી ફેરવીએ એમ તમારું કહેવું છે?” દર્દભરપૂર ચહેરે અજિત મૃણાલિની તરફ ફર્યો : “આપણા કરારનો ભંગ થશે?” “પણ બીજું શું થઈ શકે?” મૃણાલિનીએ ઠંડા સ્વરે કંટાળાભેર કહ્યું : “તમે જોતા નથી કે આમાં મારી આખી ‘કેરીઅર’ પર કુઠાર લાગી ગઈ છે!” અજિત જોઈ રહ્યો — ઘડીક આની સામે, ઘડીક પેલાની સામે. એણે જોઈ લીધું કે પોતે ખતમ થઈ ચૂકેલ છે. એને માટે કોઈ ઠેકાણે જઈ વકીલાતી સલાહ લેવાનુંય સાધન નહોતું; એના ગજવામાં રૂપિયા ફક્ત દસ હતા. “એટલે તમે શું કરશો?” એણે પૂછ્યું. “અમે કાઠિયાવાડના ગેંગડા ગામે ક્યારનો તાર કરી દીધો છે.” “કોને?” “મિ. ઉરાટીને — જેમણે સિનેમા જગતને બસો સ્ટોરી આપી છે.” “એ શું કરશે?” “એ આવીને પિક્ચરને ‘પ્રૅક્ટિકલ’ બનાવવા માટે જરૂરી સુધારાવધારા કરી આપશે.” તે પછી ‘પ્રતિભાના સોદા’ની શી વલે થઈ તે જાણવાની પરવા કર્યા વગર અજિત રાજનગર ગયો. ત્યાંથી એણે જાણ્યું કે પિક્ચરમાં નવા ફેરફારો ઉમેરાયા છે : હીરો-હીરોઇનને પરણાવવામાં આવેલ છે. એક કરતાં વધુ વાર હીરોઇનને હીરોના આલિંગનમાં ઢળતી બતાવી છે વગેરે વગેરે. છ મહિને અજિતને ગોબરભાઈનો કાગળ મળ્યો. લખ્યું હતું કે પિક્ચરનાં આવક-ખર્ચનો હિસાબ કર્યો છે. દસ હજારની ખોટ નીકળી છે. એટલે દસ્તાવેજની રૂએ કશું આપવાનું રહેતું નથી.