ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાજેન્દ્ર પટેલ/જૂઈની સુગંધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} કૉફીન જ્યારે વહેલી પરોઢે ઍરપોર્ટ ઉપરથી મેટાડોરમાં સંજયના બં...")
(No difference)

Revision as of 06:39, 19 June 2021

કૉફીન જ્યારે વહેલી પરોઢે ઍરપોર્ટ ઉપરથી મેટાડોરમાં સંજયના બંગલે આવ્યું ત્યારે અમે બધા છૂપી ઉત્સુકતાથી ટોળે વળેલાં. છેલ્લાં પાંચ દિવસથી હું સંજયના પડછાયાની જેમ રહેલો. કૉફીન તેના બંગલે આવે તે પહેલાં આખા કમ્પાઉન્ડમાં, ગાર્ડનમાં તે ઘરના રૂમેરૂમે અગરબત્તી સળગાવી વાતાવરણ બદલી કાઢેલું. સફેદ કપડાંથી સજ્જ ડાઘુઓથી બંગલો હકડેઠઠ ભરેલો હતો. એક જડબેસલાક નિઃશબ્દતા છવાઈ ગઈ હતી. જાણે કૉફીનની અંદરનું વાતાવરણ બહાર ના ફેલાઈ ગયું હોય! પણ કૉફીન આવ્યું ત્યારે મારી ઉત્સુકતા મારી આગળ નીકળી ગઈ. હું સંજયને ગાર્ડનમાં જ મૂકીને ગેટ તરફ દોડ્યો. ઝાંપા પાસે આવીને ઊભેલી મેટાડોરમાંથી ભારે કૉફીન નીચે કેમ ઉતારવું તેની ચિંતામાં સૌ હતાં. ક્ષણ બે ક્ષણ મને જૂઈનો ચહેરો અલપઝલપ વરતાઈ આવ્યો.

જ્યારે પહેલવહેલાં હું ને સંજય, સંજય માટે તેને જોવા ગયેલા ત્યારે આવું જ કંઈ થયું હતું. તેનો સુંદર, ગોળ, સફેદ હસતો ચહેરો મારી અંદર ત્યારથી જ છવાઈ ગયો હતો. તેને જોઈ ત્યારે તો એમ જ લાગેલું કે જાણે હું ઘણા સમયથી તેને જાણતો ના હોઉં! અતિચિરપરિચિતતા ખીલી ઊઠી હતી મારી ભીતર. પણ અત્યારે જાણે જૂઈએ રોપેલા ગાર્ડનના છોડ ઝાડ રડી રહ્યાં હતાં.

હું કૉફીનને એક કાળી મોટી પેટીમાં પેક થયેલું જોઈ નિરાશ થયો. સાતઆઠ જણ એ મસમોટી પેટી ઉતારવાં ઝોડની જેમ વળગેલાં. એક જણ તો રીતસર પેટીને ખસેડવા કોશ વાપરતો હતો. પેટીની અંદર કૉફીન, ને કૉફીનમાં સૂતી જૂઈને કશીય તકલીફ થાય તે મને ગમે તેવું ન હતું. હું દોડ્યો ને બધાને વઢી કાઢયાં. હું બરાડ્યો, ‘ધીરે ધીરે ઉતારોને યાર’ મારા કહેવાથી હોય કે પ્રસંગની ગંભીરતાથી હોય, પેટીને ધીરેથી નીચે ઉતારી સંજયના બંગલાની ડાબી બાજુના પોર્ચમાં મૂકવામાં આવી. જોતજોતામાં તેની આસપાસ ડાઘુઓની ભીડ જામી ગઈ. હું પરાણે શ્વાસ લેતો બધાને ધક્કા મારી બહાર નીકળી ગાર્ડનમાં સંજય પાસે આવી બેઠો. હું સંજયનો જીગરી દોસ્ત એટલે મને સૌથી વધુ ચિંતા તેની હતી. મેં તેની આંખમાં આંસુ જોયા. કૉફીનવાળી પેટીની આસપાસ ટોળે વળેલાં લોકોને વિખેરવાં મારી નિઃસહાયતા વ્યક્ત કરવા મે તેનો હાથ પકડ્યો. ત્યાં તે રડમસ અવાજે બોલ્યો, ‘રમેશ, જૂઈને આ શું થઈ ગયું? જૂઈ કેવી અથડાતી કુટાતી છેક અમેરિકાથી કાર્ગોમાં અહીં આવી હશે? અનેક વખત તે પેટી સાથે અથડાઈ હશે ને નધણિયાતી પડી રહી હશે ઘણી વખત. જૂઈને આ શું થઈ ગયું?’ મેં જોયું કે ચારેબાજુ અકળ સન્નાટો છવાઈ ગયો હતો. ટોળે વળેલાં લોકો પણ હવે બોલતાં ન હતાં અથવા બોલી શકતા ન હતા.

છેલ્લાં પાંચ દિવસથી એક પળ માટે પણ જૂઈનો ચહેરો મારી અંદરથી ખસ્યો ન હતો. જૂઈ આમ તો મારા મિત્ર સંજયની પત્ની, પણ તેને મળ્યાની પહેલી મિનિટથી તે આજ સુધી એક અનન્ય પરિચિતતાથી અમે એકબીજાને ઓળખતાં હોઈએ તેવું લાગતું હતું. પહેલી મિટિંગમાં જ મેં સંજયને કહ્યું કે ‘જૂઈને હું ઓળખું છું.’ તે આશ્ચર્યથી બોલ્યો, ‘કેવી રીતે?’ હું કશો જવાબ આપી શક્યો ન હતો. પણ મેં જૂઈની પાણીદાર આંખમાં નજર પરોવી તો જાણે તે મને હા કહી રહી હોય તેવું લાગ્યું હતું અને તેથી જ તેમના લગ્ન પછી તેમના ઘેર બને ત્યાં સુધી જવાનું ટાળતો હતો. તેનું સરળ ધીમું ધીમું મલકવું, તેનો ધ્રુજતો ભીનો અવાજ, તેની પ્રેમ નિતરતી નજર, તેનો ગોરો ભાવમય નિર્દોષ ચહેરો, તેની સુગંધ, તેના સુંદર વાળ, તેનું સ્મિત, તેની નજીકતા આખા અસ્તિત્વને ભર્યું ભર્યું કરી મૂકતું. તેની અસર એટલી બધી ઊંડી અને ગાઢ બની ગઈ હતી કે જ્યારે જાણ્યું કે જૂઈનું અવસાન ડીલીવરીમાં અમેરિકાની એક હૉસ્પિટલમાં થયું છે ત્યારે હું ભાંગી પડેલો નહીં. જાણે આમ થવાથી મારા તેના સંબંધમાં કશો ફેર પડવાનો ન હતો. પણ સંજય ભાંગી પડેલો. બત્રીસ વર્ષે વિધુર થવું ને જૂઈ જેવી સુંદર સમજુ પત્ની ગુમાવવી કોઈને ય હલબલાવી મૂકે છે. બંનેની સમજ અને પ્રેમ અતૂટ હતાં પણ મૃત્યુએ એક જ ઘાએ બંનેને જુદા કર્યા. પણ મને એમ લાગેલું નહીં. પણ હાલ ઘરનું વાતાવરણ અદ્દલ અંધારી રાતના સ્મશાન જેવું થઈ ગયું હતું. જૂઈએ ગાર્ડનમાં ગોઠવેલાં યક્ષ યક્ષિનીનાં શિલ્પ ઉપર અપાર વિષાદની ઝાંય વર્તાતી હતી.

પોર્ચમાં ટોળે વળેલા ડાઘુઓના ટોળાને અમે બંને દિમૂઢ બની જોઈ રહ્યાં. સંજયે મને ધીરા અવાજે કહ્યું, ‘રમેશ, જાને બધાને કહે શાંતિથી બધું કરે. મારાથી ત્યાં જવાશે નહીં.’ મનેય આમ તો જૂઈને જલદી જોવાની ઇચ્છા હતી. કારણ કે છેલ્લાં વર્ષથી તો મેં તેને જોઈ સુધ્ધાં ન હતી. અમેરિકા ડિલિવરી કરવા જતાં પહેલાં તેનો ફોન આવેલો, તે મને કહે, ‘રમેશભાઈ, સંજયને સમજાવો. આ વખતે મારે અમેરિકા નથી જવું. ધૈર્યને જન્મતાં જ અમેરિકન સીટીઝન બને તે માટે ડિલિવરી કરાવવા ત્યાં ગઈ હતી. પણ આ બીજી વખતે જવાનું મન માનતું નથી. સંજયને તમે સમજાવો, મારે નથી જવું. કહી તે ચૂપ થઈ ગઈ હતી. એ ક્ષણબેક્ષણની ચૂપકીદી ભારેખમ હતી. તે બોલી, ‘હલ્લો, શું વિચારો છો તમે?’ સહસા કહ્યું, ‘હું સંજયને કહેવા પ્રયત્ન કરીશ પણ તું જાણે છે તે જિદ્દી છે નહીં માને. તારું જવાનું નિશ્ચિત જ છે તેમ માન.’ કહી હું ચૂપ થઈ ગયો. અત્યારે મને શબ્દો ખૂંચતા હતા. શા માટે મેં આમ કહ્યું હતું? હું સમજી શકતો નથી. તેને હેજ ભીના અવાજે કહ્યું, ‘હલ્લો, રમેશભાઈ તો તમે મને જતાં પહેલાં એકવાર મળી જશો?”

મેં કહ્યું, ‘હું પ્રયત્ન કરીશ.’ પણ હું જઈ શક્યો નહીં. સંજયે જૂઈના ગયા પછી મને કહેલું, ‘જૂઈ છેક પ્લેન ચડતાં સુધી તારી રાહ જોતી હતી.’ મેં ખોટું કહ્યું, ‘હું ભૂલી ગયો હતો.’ પણ હું એક પળ માટેય તેને ભૂલી શકું તેમ ન હતો.

હું સંજયનો હાથ પકડી ગાર્ડનમાં બેસી રહ્યો. જે ગાર્ડનમાં કદાચ જૂઈ તેના સાંનિધ્યમાં અનેકવાર બેસી હશે. આજે ત્યાં તે બહાવરોબહાવરો એકલો બેસી રહ્યો હતો. તેના પપ્પાએ મને સૂચના આવેલી કે તેને એક મિનિટ પણ એકલો છોડવો નહીં. હું વારેવારે જૂઈની સ્મૃતિમાં ખેંચાઈ જતો.

જ્યારે સંજયના કાકાએ મારે ત્યાં ફોન કરીને જૂઈના અવસાનની વાત કરી ત્યારે હું થોડીક ક્ષણ તો હચમચી ગયો હતો. ત્યારે તરત જ હું મારા રૂમમાં ગયો ને ટેબલ ઉપર અગરબત્તી સળગાવી ચૂપચાપ બેસી રહ્યો. ‘જૂઈ હવે ક્યારે મળીશું?’ એ વિચાર મારા સમગ્ર અસ્તિત્વને છોડતો ન હતો. તે સમયે અચાનક જૂઈના ફૂલ જેવી સુગંધ ચોફેર ફેલાઈ ગઈ. હું ઊંડા શ્વાસ લેતો તેને માણી રહ્યો ત્યાં ધીરેથી મને સાંભળવાનો

અહેસાસ થયો. ‘હું અહીં જ છું,’ કદાચ આ મારો ભ્રમ હોઈ શકે પણ મને ચોક્કસ લાગતું હતું કે રૂમમાં મારા સિવાય કોઈની હાજરી જરૂર છે. સમી સાંજના તે અનુભવે પહેલાં રૂંવાડા ખડા કરી નાખ્યાં, પણ જૂઈના અવાજે જાદુ કર્યો. બધું સુવાસિત અને સહજ લાગવા માંડ્યું. મને સંજય યાદ આવ્યો ને હું સફાળો ઊભો થયો.

હું સંજયની પાસે પહોંચ્યો ત્યારે તેના હોલ ખરાબ હતા. તે પાગલ દશામાં હતો. મને જોતાં જ વળગી પડેલો. રડતાં રડતાં બોલી ઊઠ્યો,

‘રમેશ, જૂઈ ગઈ, જૂઈ ગઈ.’ મેં તેને સંભાળ્યો. ક્યારેક તેના પપ્પા, મમ્મી, તો ક્યારેક વૈર્ય, તો ક્યારેક ડિલીવરી દરમ્યાન બચી ગયેલી દીકરીને યાદ કરાવી તેને કહેતો કે, ‘તું ભાંગી પડીશ તો તેમનું શું થશે?’ તેને ગમે તેમ થોડોક સ્વસ્થ કરવા મેં અથાગ પ્રયત્ન આદર્યા. કારણ કે જૂઈની ડેડ બોડીને અહીં આવતાં પહેલાં પાંચ દિવસ કાઢવાના હતાં.

જૂઈને હવે ધેર્યની ખૂબ માયા. તેને અહીં મૂકી અમેરિકા તેના દિયરના ત્યાં બીજી ડિલીવરી કરાવવા જવાનું મન થતું ન હતું. પણ તે સંજય અને તેના પપ્પા આગળ લાચાર હતી. હું મનમાં ઘણી વખત બબડતો કે, ‘ના જૂઈ ના, તું ખરેખર નિયતિ સામે લાચાર હતી.’ પણ હવે જૂઈ નથી જ. પણ ઘરમાં ગોઠવાયેલાં તેનાં ચિત્રો, ફૂલદાનીઓ, ડેકોરેશનમાં તે હાજરાહજુર હતી. પોર્ચમાં ઘણી સાવચેતીથી ગોઠવાયેલાં સિરામીક્સના કૂંડાં ઉપરનું તેનું ચિત્રકામ એવું હતું જાણે હમણાં જ તે રંગીને અંદર ગઈ હશે. તેની હાજરી સહજ વર્તાતી હતી. બેચાર ડાઘુઓ ત્રણેક માસ ઉપર વાવેલાં છોડને કચડતાં ક્યારામાં ઊભા હતા. મને જૂઈ પાછળથી કાનમાં કહી રહી હતી કે પેલાઓને દૂર કરો. મારી પાછળના છોડ એવી રીતે હસતા હતા. જાણે હમણાં કોઈ ત્યાંથી પસાર થયું હશે. મને એકાએક એ હલતા છોડનાં પાંદડાંઓને વહાલ કરવાનું મન થઈ આવ્યું. બાકી આખા ઘરનું વાતાવરણ ભયંકર લાગતું હતું. ભર્યોભર્યો મસમોટો બંગલો વર્ષો જૂનાં ખંડેર જેવો લાગતો હતો.

બધા કૉફીન જે પેટીમાં હતું તે પેટી તોડવામાં મશગૂલ હતા. કોઈ ડીસમીસ, તો કોઈ હથોડી લઈ પેટી જલદી તોડવા વળગ્યા હતા. છેક અમેરિકાથી કૉફીનની પેટી અહીં આવી ત્યાં સુધી એક લસરકો પડ્યો ન હતો. તે જોઈ તેના પેકિંગ ઉપર મુગ્ધ સંજયના કાકા બધાને પેટી જલદી તોડવા પ્રેરતા હતા. દસેક જણાં મચ્યાં ત્યારે પેટી તૂટી. અંદર ગેલ્વેનાઈઝની પેટી નીકળી. ઉપરથી રેણ કરેલી. તે તોડવામાં આવી. બધા એકાએક શાંત થઈ ગયા. દરેકના કદાચ ધબકારા વધી ગયા. અંદર ગ્રે કલરનું મખમલનું સુંદર કૉફીન હતું. અસલ જૂઈને શોભે તેવું. સંજય ગાર્ડનમાં ખુરશીનો હાથો મબજૂત પકડી બેસી રહ્યો હતો. કૉફીન ઊંચકીને બાજુમાં મૂકયું. એવું શોભતું હતું કે આખો પોર્ચ ઝૂમી ઊઠ્યો. કાળા ગ્રેનાઈટના ફૂલોરિંગ ઉપર ગ્રે કલરનું મખમલી કૉફીન જાણે અતિમૂલ્યવાન વસ્તુ મૂકવાની મોટી દાબડી જેવું લાગતું હતું. અંદર જૂઈનું સૌંદર્ય જાણે કૉફીનમાં ચોફેર ફરી વળ્યું હતું. બધા ઉપર જાદુઈ અસર થઈ. પગરવ પણ ન સંભળાય તેમ બધા સ્તબ્ધ થઈ ગયા. કેટલાકને બીક લાગતી હશે તો કેટલાકને દુર્ગધવાળું બોડી હશે તેની ચિંતા હતી. કારણ કે જૂઈનું મૃત શરીર અહીં છ દિવસે આવેલું. તેના દિયરના કહેવા મુજબ જૂઈને ડીલીવરીનું પેઇન ઊપડ્યું એટલે ગુરુવારે દાખલ કરી. રાતના અચાનક તેના ધબકારા ઘટવા માંડ્યા. ડૉક્ટરોએ દોડાદોડ કરી પણ છેવટે બાળકને ઊંચકી લેવા ઑપરેશન કર્યું. પણ જૂઈ ગુજરી ગઈ. તેને બીજા દિવસે માંડ હામ આવી કે શું કરવું. મોટાભાઈને આખી વાત કેમ કરવી તેની ગડમથલમાં શુક્રવાર જતો રહ્યો. શનિ, રવિ અમેરિકામાં કોઈ કશું કરે નહીં. એટલે છેક સોમવારે એક સેનેટરની ઓળખાણથી જૂઈની ડેડ બોડીને ઇન્ડિયા લઈ જવાની પરવાનગીના પેપર્સ તૈયાર થયા. છેક મંગળવારે તેનું કૉફીન રવાના કર્યું. ને બુધવારે અહીં આવ્યું. પણ આ છએક દિવસ અમારે માટે છવાર મૃત્યુની વેદના વેઠવા જેવા હતા.

કૉફીન સંજયના બેડરૂમમાં મૂકવામાં આવ્યું. અમે ચારેક જણ અંદર રહ્યા. બેડરૂમનું બારણું બંધ કર્યું. છાતીના ધબકાર કાબૂમાં રાખી એક જણે કૉફીન ખોલ્યું. બધા અવાચક. હું કૉફીનના ખૂલતા ઢાંકણાને એકીટશે તાકી રહ્યો. જાણે વર્ષો જૂના મમીને ખોલતાં થતો રોમાંચ, બીક અને આકર્ષણ બધું એકસાથે અમારામાં ઊભરી આવ્યું. ઢાંકણ ખૂલી ગયું. – એક અદ્ભુત સુવાસ ચોફેર ફરી વળી. જૂઈ બેબીલોનની રાજકુમારી હોય તેમ નિરાંતે સુંદર પોષાકમાં મેકઅપ કરી આરામથી સૂતી હતી. તેનું રૂપ ઝગારા મારતું હતું. તેના હસુ હસુ થતાં હોઠ હમણાં જ મારું નામ બોલશે તેમ લાગતું હતું. તે જાણે કે સાવ જ જીવતી લાગતી હતી. એમ લાગતું હતું કે તે આંખ મીંચીને પડી રહી છે. તેની ચારેબાજુ વાયોલેટ રંગના મખમલના ઓશીકાં ગોઠવાયેલાં હતાં. અમે બધાએ તેના શરીરને કૉફીનમાંથી ઊંચકી ડબલબેડ ઉપર મૂક્યું. મેં જીવનમાં પહેલી વાર તેના શરીરને સ્પર્શ કર્યો. લાગ્યું જાણે હું મારા જ શરીરને ઊંચકું છું. જાણે તે જીવતી છે ને હું મરેલો. કેટલું ફ્રેશ તેનું શરીર! ગાર્ડનમાં આજે જ ખીલેલા ફૂલ જેવું સુવાસિત સુંદર. જો કે પાછળથી તેના દિયરે સ્મશાનમાં બેત્રણ વાર કહેલું કે, ‘ખાસ્સા પાંચ હજાર ડૉલર ખર્ચાને જૂઈના બોડીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરાવેલી. ત્યાં આવી કંપનીઓ હોય છે. પૈસા આપો, હૉસ્પિટલનું સરનામું આપો, મૃત માણસનું નામ આપો, કેટલોગ જોઈ ડ્રેસ નક્કી કરો, જ્યાં મોકલવાનું હોય તેનું સરનામું ને લાગતાવળગતા કાગળિયા આપો એટલે વાત પૂરી. તમે છૂટા. બોડી નવડાવી ધોવડાવી નવા કપડાં સિવડાવી, પહેરાવે પરફ્યુમને લાલી લિપસ્ટિક, મેકઅપ, હેરસ્ટાઈલ કરી વેલ પેક કરી તમે જ્યાં મોકલવાનું કહો ત્યાં પહોંચાડવાની બધી વ્યવસ્થા કરે. પ્રોફિટ મેકીંગ આ ધંધો છે.

પાછી બોડીમાં કોઈ વિકાર ઉત્પન્ન ન થાય તેની ૩૦ દિવસ સુધીની ગેરંટી.’

પછી તો તેના શરીરને નનામી ઉપર મૂકયું. તેના માથા ઉપર લગ્ન સમયે મૂકવામાં આવતો મોઢ મૂક્યો ત્યારે મને હસતી લાગતી હતી. હજુ ચારેક વર્ષ પહેલાં જ તો મેં તેમનો પહેલી રાતનો બેડરૂમ સજાવેલો. ત્યારે જૂઈ મારી સામે જોતી નહીં. કદાચ તેને મારું આવું ‘ઇન્વોલમેન્ટ’ ગમ્યું નહીં હોય. પણ હા, અત્યારે નનામી શણગારું છું. ત્યારે તે કેમ સંકોચ પામે છે? તે મને સમજાતું નથી. હું ચૂપચાપ તેની તૈયાર નનામીની બાજુમાં સંજય જોડે બેઠેલો ત્યારે મને પીઠ પાછળના કિચનમાં તે આમતેમ આંટા મારતી હોય તેવું કેમ અનુભવાતું હતું? અને ગળે શોષ પડ્યો. મને એકાએક બૂમ પાડવાનું મન થયું કે ‘જૂઈ પાણી પાને’ પણ જીભ ઊપડી નહીં. સંજયે ત્યાં પડતું મૂક્યું. હું સમજી ના શક્યો કે સંજય કેમ આટલો બધો ગાંડો થાય છે? જૂઈ તો પહેલાંની જેમ કદાચ તેથીયે વધુ જીવતી છે. તેને કારપેટ ઉપર સળ પડે તે બિલકુલ ગમતું નહીં. દૂર પેલા બે ડાઘુઓ જે રીતે કારપેટ દબાવીને બેઠા છે તે જોતાં જૂઈને જબરો રોષ થતો હશે.

સ્મશાનમાં જ્યારે જૂઈના શરીરને ચિતા ઉપર મૂક્યું ત્યારે તે તો જીવતી હોય તેવી જ લાગતી હતી. મને કચવાટ થયો. આટલા બરછટ લાકડાં ઉપર તેની કાયાને કેવું થતું હશે? ત્યાં આગ ચંપાઈને ધુમાડાના ગોટામાં ને પીળી લાલ જ્વાળામાં બધું ઢંકાઈ ગયું. મને થયું જૂઈની હાજરી અત્યારે કેમ વર્તાતી નથી. પછી લાગ્યું કદાચ તે ઘેર ધર્યની આસપાસ હશે. ત્યાં મારી નજર સંજય ઉપર પડી. તે રડમસ ચહેરે ઊભો હતો. હું તેની પાસે ગયો. ત્યાં ચિતામાં જૂઈની ખોપરી કે કશુંક ફાટવાનો અવાજ આવ્યો. હું ચોંકીને તે તરફ જવા જતો હતો ત્યાં સંજયે મારો હાથ પકડીને તેની પાસે ખેચ્યો. ધીરેથી મારા કાનમાં કહે, ‘રમેશ, ત્યાં પેલા છસાત જણાં ઊભા છે તેમાં સૌથી ઊંચા ને ચશ્માવાળી વ્યક્તિ તે રમણ ભંડારી. તેને ૨૦૦૦ કરોડનો ધંધો છે.’ હું અચંબાથી તેની સામે તાકી રહ્યો. સંજયનો કરોડોનો ધંધો હતો અને અનેક વગદાર પૈસાદાર માણસો સ્મશાનમાં હતા. તેથી હવે તેને સારું લાગતું હતું. તે ધીરે ધીરે સ્વસ્થ થતો જતો હતો. જ્યારે ચિતા લગભગ પતવા આવી ત્યારે તેને ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો ને ઘરે ફોન કરી પૂછ્યું, ‘બૈર્યને કેવું છે?જવાબ સાંભળી મને ઉદ્દેશીને કહે, ‘હાશ, કામ થઈ ગયું. મને ચિંતા થૈર્યની હતી. તેને કોઈ તકલીફ ના થવી જોઈએ.’ હું ધીરેથી જૂઈના દિયર પાસે આવ્યો.

તેની આસપાસ ટોળે વળેલા ડાઘુઓને તે અમેરિકાની કશીક વાત કરતો હતો. તેના કહેવા મુજબ જૂઈના મૃત્યુ પછી એક ખતરનાક સમસ્યા ઊભી થઈ હતી. જૂઈ મરી ગઈ પણ બેબીને બચાવી લેવાઈ. પણ બેબીનું પઝેશન મળતું નહીં. હૉસ્પિટલના નિયમ મુજબ મા-બાપ સિવાય કોઈને આપે નહીં. નવજાત બાળકને ત્રણચાર દિવસમાં કોઈ લઈ ના જાય તો અનાથાલયમાં સોંપી દે. પછી તેના વાલીએ તેને દત્તક લેવું પડે. પણ લાગવગ કરાવી બધું પતાવ્યાનો તેનો આનંદ તેના મોં ઉપર વર્તાતો હતો. તે મને કહે, ‘રમેશભાઈ, સાલું આ ઇન્ડિયામાં ખૂબ પ્રોગ્રેસ થયો છે. જુઓને સ્મશાનમાં આવેલા લોકોમાં કદાચ ૧૦૦ પાસે તો મોબાઈલ છે. અમેરિકામાં એકીસાથે એક જગ્યાએ આટલા માણસોને મોબાઈલ વાપરતાં જોયા જ નથી.’ હું કંટાળ્યો ને બીજા ટોળા તરફ ગયો. ત્યાં વળી સંજયના કાકા જૂઈના શરીરને જે સરસ અને પરફેક્ટ પેકિંગ કર્યું હતું તેનું નખશિખ વર્ણન કરતા હતા. તેની વાત કરતાં તેમને ખૂબ મઝા પડતી હતી. જોકે આ પેકિંગ અને કૉફીન મુવી કેમેરામાં ના ઉતાર્યું. તેનો રંજ હતો. વળી તે ટોળાની પાસેના બીજા નાના ટોળામાં અમારો કોમન ફ્રેન્ડ પંડિત કંઈક વાત કરતો હતો. બધાને હસુ આવતું હતું ને દબાઈને આડું જોઈ હસી લેતા હતા. પંડિતનું કહેવું એમ હતું કે, ‘ડિલિવરી કરાવવા અમેરિકા થોડું જવાય. ત્યાંના ડૉક્ટરોને એક્સપિરિયન્સ કેટલો? અહીં ડૉક્ટર મહિને જેટલી ડિલિવરી કરાવતો હોય તે ત્યાંના ડૉક્ટરે આખી જિંદગીમાં કદાચ ના કરાવી હોય!’

છેવટે હું ખસીને નદી કિનારે આવ્યો. સુક્કી નદીને જોઈ રહ્યો. સવારના પહેલાં નદી ગમે તે શહેરની હોય પણ નદી જ રહે છે. એ જ લહેર, એ જ પક્ષીના કલશોર અને એ જ શાંતિ. દૂર નદીનો પેલો કિનારો ધીરે ધીરે સ્પષ્ટ થતો હતો. નવા શહેરનાં ગગનચુંબી મકાનો આખું આકાશ ભરી દેતાં હતાં. તેના રંગબેરંગ રંગને જાતભાતની ડિઝાઇન બધું ભર્યું ભર્યું કરી મૂકતાં હતાં.

બીજા દિવસથી જૂઈની પાછળ મહારાજને બોલાવી કથાવાર્તા શરૂ કરાવી. મહારાજ કોઈક વાર્તા કહેતાં કહે, ‘પછી ગુરુએ શિષ્યને કહ્યું કે સામેના વડનો ટેટો લાવ, ને તેને ભાગ.’ શિષ્ય તે મુજબ કર્યા પછી તેમને પૂછ્યું, ‘કહે તને શું દેખાય છે?’ શિષ્ય કહ્યું, ‘અંદર નાનાં નાનાં બીજ છે.’ ગુરુએ પાછું કહ્યું કે, ‘તે એક બી લઈને ભાગ.’ શિષ્ય તેમ કર્યા પછી ગુરુ તેને પૂછે છે કે, ‘તેમાં શું દેખાય છે?’ શિષ્ય કહે, ‘કશું નહિ.’ ગુરુએ ઉપદેશ આપતાં કહ્યું, ‘એ નાના ભાગેલા બીમાં એક પ્રચ્છન્ન આકાશ છવાયેલું છે. તે જોવાથી બધું જોવાઈ જશે. તે જાણવાથી બધું જણાઈ જશે…’ મને કોણ જાણે કેમ તે ક્ષણે પેલું કૉફીન યાદ આવ્યું. પેટીની અંદર ગેલ્વેનાઈઝનો ડબ્બો ને તેની અંદર કૉફીન ને તેની અંદર જૂઈ ને જૂઈની અંદર… અચાનક મને જૂઈની નવજાત બેબી યાદ આવી. બહુ સુંદર દેખાય છે તે. અસલ જૂઈ જ જેવી. કૉપ્યુટરમાં તેનો સ્કેન કરેલો ફોટો આવેલો. તે ફોટો જોતાં મને જૂઈના ફૂલની વાસ આવેલી. મને સંજયે તેનું નામ પાડવાનો આગ્રહ કરેલો તેથી મારાથી બોલાઈ જવાયું હતું ‘અંશુ.’ પેલા મહારાજે વાર્તાનું સમાપન કરતાં કહ્યું કે, ‘જે કંઈ નરી આંખે દેખાતું નથી, એમાંથી જ આ વડનું વૃક્ષ થયું છે. આ એ બીજ શક્તિ છે. તેને જાણવાનો પ્રયત્ન કરે તે જ આત્મા છે તે જ તું છે.’ પણ મારું મન વારેઘડીએ અંશુમાં અટવાતું હતું.

થોડાક દિવસો પસાર થયા હશે. ત્યાં એક દિવસ મારો મોબાઈલ રણકયો. સામે સંજય હતો. કહે આ કૉફીનનું કંઈક કર. ઘરના બધા ગભરાય છે. બધાને એમ છે કે આનો નિકાલ કરો કારણ કે તેના લીધે જૂઈની યાદ જતી નથી. બધું ભારે ભારે ને ગંભીર લાગે છે. મેં કહ્યું, ‘હું તેને લઈ જઈશ પણ મારી એક શરત છે!’ સંજય કહે, ‘પણ કૉફીનનું તું શું કરીશ?’ મારાથી સહસા બોલી જવાયું કે, ‘કૉફીનને, રાખીશ, સાચવીશ અને એક એવી સંસ્થાને આપીશ જે બિનવારસી લાશની માનભેર અંતિમ ક્રિયા કરતી હોય.’ તે વચ્ચે બોલ્યો, ‘ભલે, પણ તારી શરત શું છે?’ મેં કહ્યું, ‘એ જ કે અંશુ મને દત્તક આપી દે.’ તેનો હકારાત્મક જવાબ સાંભળું ન સાંભળું ત્યાં ફરીથી જૂઈની સુગંધ ચોફેર ફરી વળી. આ વખતે એમ લાગ્યું કે જાણે તેની સુગંધ મારી અંદરથી આવતી હતી.