ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પ્રભુદાસ પટેલ/ફારગતી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} રમતુડાના કૂણા-કોમળ હૈયામાં નાનપણથી જ પશુ-પંખીની માયાનો પટ લા...") |
(No difference)
|
Revision as of 06:49, 19 June 2021
રમતુડાના કૂણા-કોમળ હૈયામાં નાનપણથી જ પશુ-પંખીની માયાનો પટ લાગી ચૂક્યો’તો. તેણે પા-પા પગલી ભરવાનું શરું કર્યું ત્યારથી જ તે ચીં…ચીં… કરતી ચકલીઓ કે …મેં …મેં… કરતાં લવારાં પાછળ દોડતો-પડતો-રડતો ને પાછી રમત માંડતો. પ…ણ બતુડો જન્મ્યો એના પછી તો તે જ રમતુડાનો ખાસમખાસ બની ગયેલો. તે ખાય, પીએ, વાગોળે કે કૂદાકૂદ કરી મૂકે. તેની બધી જ ક્રિયાને હરકતોમાં રમતુડો સક્રિયસાક્ષી બની રહેતો. માટલાનું ઠીબું બનાવી તેને પાણી પાય રમતુડો. ને હોંશેહોંશે મગરીએથી પાલો-પાંદડાં લાવે ને પેલાં બતુડાને પછી જ બકરાં-પાંડરાંને ધરે. તેની પ્રતિક્રિયામાં બતુડો કાન સરવા કરી, પૂંછ ઉછાળતાં કૂદાકૂદ કરી મૂકતો. ક્યારેક રમતુના પગમાં માથું નાખી ખંજવાળતો, શિંગડાં ટેકવીને અમથો અમથો મારવાનો ઢંગ કરતો ને અ…ને છેલ્લે ચાટલા માંડતો ત્યારે અનેરૂ સુખ અનુભવતો રમતુ આંખો મીંચીને ડોલવા માંડતો. રમતુડાની ઉંમરનાં બધાંય છોકરાં નિશાળે જવા માંડ્યાં ત્યારે દીકરાની-પશુઓ માટેની લગન-મમત જોઈ બાપ ખેમલો વિચારે ચડી જતોઃ ‘હાળું પાંચેય ભાંડુરાંમાં એક રમતુડો સ કૈ અલગ માટીનો થવાનો કે હૂં?’
— ને ખેમલાની એ આશંકા સાચી જ ઠરેલી. ચાર-ચાર છોકરાંને નિશાળે વાળવામાં નહોતું વીત્યું તેટલું એકમાત્ર રમતુડામાં… અને એય છેવટના તો…! રમતુના ટાંટિયા નિશાળમાં ઠરે તો ને?
ઃ ‘આઈ, મારે નહ ભણવા જાવું.’
ઃ ‘હત્તાંયે ઉશે ઉશે (હોંશે હોંશે) નિહાળમાં જાય. ને તને અંગારિયું આવતું હે?’
ઃ આઈ, મું ગોવાળે જા’શ પણ નિહાળમાં તે નૈ’સ.’
— ને છેવટે તો રમતુનું જ ધાર્યું થયેલું. પછી તો ખેમલો તેને ગોવાળે લઈ જવા માંડેલો. અને બે જ વરસમાં રમતુને એવી તો હથોટી બેસી ગયેલી કે એકલો એકલો જ… પણ ગોવાળું એટલે ગોવાળું જ! ગોવાળું જ તેનો શોખ. ને એજ જાણે ઉત્સવ! ના મેળામાં જઈને, તો ના કોઈ વાર-તહેવારે મ્હાલવાના કોડ કે શૉૃખ. તે તો ગોવાળું કરીને ઘરે આવે ત્યારે ય નવરો પડે તો ને? ઢોરને ચારનિરણ, દૂધ દોહવું ને નવરાશ મળે કે બતુડાના પૂંછડે…પૂંઠે…શિંગડામાં અને ખૂંધે ખંજવાળતો રહે અને બાથે વળગીને ક્યાંય સુધી ખોવાયેલો ખોવાયેલો જ રહે.
ક્યારેક તો બાપના ખોલરે બેઠેલાં બયાંય ટોકે-ટપારે.
ઃ ‘એ લા રમતું, તું તો ઢૉઢાં વાંહે સ ર્યો? તું મેળામાં નઈ કે કુઈનાં લગ્નાંમાં યે નઈ?’
ઈમ તો પછે તને કુણ ઓળખવા-પાળખવાનું?
ન ખેમલોય ગંભીર ભાવે સમજાવતોઃ ‘બેટા, મોહણને ટેમ હંગાતે બદલાવું સ પડે! ને ઈમ ના કરીએ તો પછે ટેમનો વાયરો ચૂંહી ચૂંહીને નોખી દે!’
— આવું આવું તો ઘણાય દહાડા પણ રમતુડો કાને ધરે તો ને?
— તે તો ખોવાઈ જતો લીલાછમ્મ વગડાને ડુંગરામાં. તેમાં ચરતાં ઢોર-બકરાંમાં અ…ને? લીલાંછમ ઝાડવાંએ હેલ્લારા લેતો ડુંગરો… ને ટાઢોટાઢો વાયરો. પંખીઓનું ઉલ્લાસભર્યું ગાણું, દૂર દૂર સંભલાતા ડૂબતા હોય તેવા પશુઓના અવાજો. અ…ને એ મન-મેળા આગળ કોઈનું કહ્યું-ટોક્યું જામે તેના કાને ટકરાઈને પાછું પડી જતું.
— આ તો ઘરની વાત પણ ગોવાળ ગયો હોય ત્યારે?
ઢોર હાંકતાં ઉતાવળે આગળ વધી રહેલા રમતુને રોકવા ગોવાળીયાં મજાકે ચડતાં
ઃ ‘એલા રમતુ, ગોવાળું તે ભઈ અમે ય વળી ક્યાં નહ કરતાં? પાંણ ભેગું ભેગું રમ્બાનું યે કરીએ હો! તું યે ભેગોભેગો રમ્બા આતો ઓય તો?’
ઃ પાંણ…ણ મને તો કાંય રમ્બુ સ નહ ગમતું ને!’
ઃ ‘તો ભઈ કે’જો, અમારા રમતુભઈને હૂં ગંમતેલું હે?’
તેમના પ્રત્યુત્તરમાં રમત નીચું જોઈ લાકડી પંપાળવા માંડતો ને બધાંય તેના ચાળાપાડી, ‘બતુડો’… ‘બતુડો’ના પોકાર પાડી ખિખલી ચડી જતાં. રમતુડો શરમ…શરમ થઈ બિડાઈ જતો. તેને ઓગળી જવાની ઇચ્છા થઈ આવતી. વિલાયેલા ચહેરે તેના પગ ડગમગવા માંડતા. પછી ના-છૂટકે જાતને સંભાળી લેતો તે ઢોરને હાંકી દૂરદૂર ચાલ્યો જતો, પણ એવું શરૂશરૂમાં… પછી તો સામામોઢે કે પીઠ પાછળ… કશાયને ગણકાર્યા વિના પોતાની ધૂનમાં જ વ્યસ્ત રહેવાનું તેને કોઠે પડી ગયેલું.
શરૂશરૂના બે-ત્રણ કલાક ઢોર આમતેમ ચરાણે ઘૂમી વળે તે દરમ્યાન ઊંચા ઝાડની ડાળે ડેશથી બેસી ગયેલો રમતુડો પાવાની ગૂંજે આખાય વગડાને ગૂંજતો કરી મેલતો. ને તેમાં ય ધરવ ના થાય ત્યારે ગીતો લલકારવામાં મસ્ત બની જતો. તેના પાવાના સૂરે કે ગીતોની ગુંજે બપોરીવેળાનો ડુંગરો અને વાગોળે ચડેલા બતુડાની રણકતી ટોકરીના નાદે તે ઘેલો બની જતો. ઝાડ ઉપરથી ઉતરીને તેની ડોક સામે બેસી પડતો. અ…ને બતુડા સાથે વાતે ચડતો રમતુ? જાણે પશુની નાતનો ના બની ગયો હોય! તેનું ખંજવાળવું, ચાટવું ને…! ખોવાયેલા જગતમાંથી પાછો ફરે ત્યારે. રમતુને થઈ આવતુંઃ ‘વાગોળે ચડેલો ડુંગરો ય જાણે હાંફે ના ચડ્યો હોય!’
પણ હવે તો રમતુડો લવરમૂછીયો થઈ ગયો’તો. ને તેની ચિંતા ખેમલાને થવા લાગી’તી.
ઃ ‘રમતુડા, તને કોઈ છોરી પર્સન્દ નહ પડતી?’
રમતુડો તો નીચું જોઈને ભોંય ખંજવાળતો જ રહી ગયેલો. ઊંડો નિસાસો નાખતા ખેમાએ બીડી-બાકસન આશરો લીધો. ને એકસામટા બે-ત્રણ કશ ખેંચતાં ધીમેથી કહ્યું.
ઃ ‘બેટા, તૈણ તૈણ ઠેકૉણેથી માગાં પાછાં પડ્યાં ઈમાં… ઈમાં… તારો જ…!’
ઘડીક તો જામે સોપો પડી ગયો. પણ રમતુડાએ જેવું જિરણ શિરણ થઈ ગયેલા સુક્કા પાંદડા જેવા બાપના મોઢાને જોયું કે કલેજાં બળું બળું થઈ ગયાં. ને તેનાથી બોલી પડાયુંઃ
‘બાપા, તમે પૈણાબ્બા જ માગતા હો તો…!’
લાગણીમાં આવી ગયેલા રમતુડાથી બોલતાં તો બોલાઈ ગયું પણ લગ્ન પછી?
ચારેક મહિના દરમ્યાનના ત્રણ-ચાર આણા સુધી તો ઉંહકારો ય ન સંભળાયેલો, પણ એક રાત્રે રોતી-કકળતી નાથી બાપને ઘેર ચાલી ગઈ ત્યારે ખોલેરાંમાં કેવો સળવળાટ વ્યાપી ગયેલો?
બૈરાંમાં ય જૂદુ ને આદમીઓમાં ય…
ઃ ‘ઉ તો લગ્નાં થ્યાં ઇ પેલ્લાંથી સ… પાંણ આદમી ઓસુ હાંભળવાના’તા?’
ઃ ‘પાંણ બાઈ રે બાઈ! કટમ્બના ફજેતા કે બીજું કાંય?’
ઃ ‘બાપા હહરાને ઇમ કે આજ નઈ તો કાલ નૅકનાં પૉણી ખેતરમાં… પાંણ જોયા ભવાડા?’
ઇ બધું ઢોરાંમાં સ ઠિંગરાઈ ગ્યું!’
ઃ ‘ઇ યે બાપડી હૂ કરે? ઇણે ડાબે ડોળે ય…પૂછે ભૂખ્યા પેટે ઑડકારા હૂં કૉમના?’
રાંડો, હૂં ભેડવા (દળવા) બેઠી હો? બે-તૈણ ઑણામાં ઓસું…? ને આદમીઓના કૉને વાત ગઈ તો તા…!
અને ખેમલાના ખોફના રંગે બધાય પિત્તળ થઈ ગયેલા ભાઈઓએ તો રમતુને બરાબરનો ખબેડ્યો. એ દહાડનો રમતુ જાણે મૂંગો! ના બોલવું-ચાલવું, હળવું-ભળવું કે નજરે મિલાવવી. તે તો તેના નિત્યકર્મમાં જ… થોડાવીર ગમાણમાં તો થોડીથોડી વારે મગરીની ખૂલ્લી જગ્યાએ આડો થઈને, આભલાને તાકતાં-તાકતાં ઊંડા ઊંડા નિસાસા નાખ્યા કરે.
નવરાત્રિના દહાડા તે ખેમલો મનોમન ખોતરાયા કરેઃ
ઃ ‘હાળું નવા દા’ડા તે નક્કી ભૂત-પલિત કે ચળિતર જેવું…’
ઃ ‘ના, ના. એ ઓય તો ઝંપ્યા થોડાં રે’?’
ઃ ‘તો? નક્કી રાંડ ડાકેણનું સ કૉમ!’
પછી તો ભોપા-મંડળાં-કૂકડા ને દારૂ…
— ને અબોલ જીવોના મોતની વાતે રમતુડાનાં કાળજાં બળે-કકળે.
‘હાળું દખ ક્યાં ને ડૉમ ક્યાં? મારા હાટું બસ્સારા કેટલા જીવને…!’
અને ના-છૂટકે રમતુ બોલતો-ચાલતો થઈ ગયેલો. પણ દીકરો સાજો થયાના ખ્યાલે ઉત્સાહમાં આવી ગયેલો ખેમો એક દિ’ ફરી વેવાઈને કાલાવાલા કરીને નાથીને… પણ ગોવાળું કરીને પાછા ફરેલા રમતુએ તેને જોઈ ત્યારે? ઊનાઊના નિસાસા નાખતો રમતુ કેંટલોય સમય ગમાણના ઝાંપે જ બેસી રહેલો. થોડીવારે મનોમન ગાંઠ વાળીને ઊભો થયેલો રમતુડો સીધે સીધો બાપાના છાપરે જઈ બેઠો અને એકજ વાત રટ્યા કરીઃ ‘બાપા, મારે નથી હંગાત્યે ફારગતી…’
ખેમાનું માથું ભમી ગયું…લોહી ઉકળી ઉઠ્યું પણ અગાઉના બનાવની યાદે મનોમન સમસમતો જ રહી ગયો. દરરોજની જેમ, રાત્રે બધાં જ ખેમાને ખોલરે ભેગાં થયાં ત્યારે ખેમાએ કકળતા સૂરે પેટછૂટી — વાત કરી. મંગુથી સહન ના થયું. ‘હાહરા ઢાંઢા, તું બાપનું મૂંઢું કાળું કરવા બેઠો હે?—કહેતાં બરાડ્યો— અને ખેમાં રોકે તે પહેલાં તો રમતુને ત્રણ-ચાર ધબાધબ… પણ ઉંહકારો ય શેનો? જાણે કશુંય ના બન્યું હોય તેમ, રમતુડો તો માત્ર ભોંય તાકતો જ રહી ગયેલો. થોડીવારે રમતુએ પોતાના ખોલરા તરફ ડગ માંડ્યા ત્યારે સૌને હાશકારો થયો કે હવે રમતુ… નવી દીલાસા પામેલી નાથી યે ખોલરા તરફ ગઈ. પણ સવાર થઈ ત્યારે? એ જોતાં જ હબકી ગયેલી નાખીએ રોકકળ મચાવી મૂકી. અને જોતજોતામાં તો આખુંય ગામ રમતુના ખોલરે ઠઠેઠઠ ઉભરાયું. ગમાણમાં જે જગ્યાએ બતુડો બેઠો હતો એ જ જગ્યાની ઉપર રમતુડો લાશ બનીને લટકી રહ્યો’તો. તેની અર્ધી જીભ બહાર લટકી ગયેલી. તો ફાટફાટ ડોળા?
જાણે સફેદ વાનમાં શોભી રહેલા બતુડાની ઘાટીલી-રૂપાળી ખાંધ ને ત્યાંથી છેક પૂંઠ સુધી નાગબાવસીની જેમ ઉપસી આવેલી ઝાંયને નિરખી રહ્યા ના હોય!
અત્યાર સુધી ફાટફાટ ડોળે તાકી રહેલો ખેમલો તો ખૂંટાની જેમ જડાઈ જ ગયેલો. કોઈએ તેની પીઠ પર હાથ મૂકતાં કહ્યુંઃ ‘ખેમાભઈ, ધીર્જ ધર્ય. થાનારું તો…’
અને છાતી-માથું કૂટતાં, ડુંગરો હલીજાય તેવી પૉક મૂક્યા પછી ખેમલાને મનોમન જ થઈ આવ્યુંઃ ‘બેટા રમતુ, તે તો ખરી ફારગતી લેઈ લીધી!’
(ગુ. સા. પરિષદ (પાક્ષિકી)માં રજૂ કરેલ વાર્તા)
તા. ૬-૨-૧૪