બીડેલાં દ્વાર/12. છબીલભાઈ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |12. છબીલભાઈ}} '''અજિતના''' આર્થિક જીવનનો નવો તબક્કો આખરે ઉઘાડ પ...") |
(No difference)
|
Revision as of 13:15, 6 May 2022
અજિતના આર્થિક જીવનનો નવો તબક્કો આખરે ઉઘાડ પામે છે. એની કલમની કિંમત અંકાય છે. કોલસાનાં, આટાનાં, દવાનાં ને તેલ-ઘીનાં ચડેલાં બિલો ચૂકવવા શરૂ થાય છે. નોટોનાં બંડલો કાઢી કાઢીને એ દુકાનદારો પાસે જઈ ઊભો રહ્યો.
“હવે શી ઉતાવળ છે, અજિતભાઈ! પૈસા ક્યાં ભાગી જવાના છે? તમારે માટે ક્યાં કાંઈ સવાલ છે, ભલા આદમી?” નોટોનાં પરબીડિયાં દેખીને દુકાનદારોએ ફેરવી તોળ્યું. આગલા દિવસની સાંજ સુધી તેમની ઉઘરાણીઓ અને તેમનાં મેણાંટોણાં ચાલુ હતાં. “ના, શેઠ,” અજિત નોટોના ઘા કરીને કહેતો હતો : “ચોપડા તે કોણ ચિતરાવે? લઈ લો, ને બાકીનું પાછું લાવો.” “પણ અજિતભાઈ, આજ ને આજ ઉતાવળ શી આવી પડી છે?” અજિત માલદાર બન્યા પછી રખે પોતાના ચોપડામાંથી નીકળી જાય એ બીકે દુકાનદારો ને દાક્તરો કહેતા : “પરચૂરણ પાછું નથી.” “એ પછી લઈ જઈશ. નહિતર ભલે એટલા એડવાન્સમાં રહ્યા.” એમ કહી અજિત નોટો મૂકી મૂકી ચાલતો થયો. ને પ્રભા નવી સાડીઓ ખરીદવા નીકળી પડી. એણે છ મહિના પર નજરમાં રાખેલું ટેબલ-ક્લોથ ખરીદ કર્યું ને બાબાને માટે નવાં ઝબલાં કરાવ્યાં. હાર્યો જુગારી બમણું રમે, પણ જીત્યો તો સાતગણું રમે. પોતાના લખાણો ચલણી થયાં એટલે તો અજિત બેવડા શૂરાતન સાથે લેખન-પ્રવૃત્તિમાં લાગી પડ્યો, અને થોડા દિવસ તો નવી નવી ખરીદી વગેરેમાં ગુલતાન પામતી પ્રભાને આખરે વધુ કલાકોનો એકલવાસ લટકામાં મળ્યો. અતોભ્રષ્ટ અને તતોભ્રષ્ટ પ્રભાને સોબત સાંપડવાનો પ્રશ્ન સારી પેઠે વિકટ હતો. ચાલીમાં રહેતાં પાડોશીઓની બૈરીઓ સાથે ભળવું એને અરુચિકર હતું, કેમકે પોતાનામાં ઉચ્ચ પ્રતિભા છુપાએલી પડી હોવા વિશેનો ખ્યાલ પતિએ વધુ મજબૂત બનાવ્યો હતો. શિક્ષિત સ્ત્રીઓ સાથે એનો મેળ મળતો નહોતો, કેમકે તેમની વચ્ચે એ પોતાની અવહેલના અનુભવતી હતી. વધુ ને વધુ એકાકિની બનતી જતી પ્રભા એ અજિતને મન એક અતિ કરુણ દૃશ્ય હતું. અને નિરાશામાં, વિષાદમાં ખૂંચતી પ્રભા કોઈ પણ માનવીનો ટેકો લઈને ઊંચે આવે તેમ પોતે ઝંખતો હતો. સુભાગ્યે એને છબીલભાઈ મળ્યા. છબીલભાઈ નામનો એક યુવાન : મોટી સ્વપ્નભરી આંખો, ને હવામાં રમતા ગુચ્છદાર રેશમી વાળ! એક શાળામાં ચિત્રકામનો શિક્ષક હતો. અજિતનાં પુસ્તકોનો એ પ્રેમી કોઈ અપૂર્વ ભક્તિભાવે આ કુટુંબમાં પ્રવેશ પામ્યો. ‘આપની કૃતિઓનાં થોડાંક ચિત્રો બનાવી લાવ્યો છું’ એમ કહી એણે અજિતને આશ્ચર્યચકિત કર્યો. પોતાની કૃતિ સાથે આવો પ્રાણસંબંધ દાખવનાર આ પહેલવહેલો જ યુવાન નીકળ્યો. ચિત્રોમાં બેશક એણે અજિતની આબેહૂબ લાગણીઓ ઉતારવા યત્ન કર્યો હતો. ઘરમાં એ આવતો-જતો થયો. શાકપાંદડું પણ લાવતો થયો. એના પ્રત્યેક કાર્યમાં એનો વર્તાવ ભાવનામય અને નિર્મળ હતો. એ ઘણું જ ઓછું બોલતો. ને બાબાને રમાડવા માટે ચિત્રો દોરી દેતો. છબીલભાઈના સહવાસે પ્રભાનું શૂન્ય જીવન ધીરે ધીરે ભરાવા માંડ્યું. અજિતને તો એટલું જ જોઈતું હતું. એના ઘરમાં રહેવાના કલાકો ઓછા ને ઓછા થતા ગયા. છબીલભાઈને ટેકે ટેકે પ્રભા ઓરડીના જીવનમાંથી બહાર પણ નીકળતી થઈ. એણે હંમેશાં અજિતને એ જ કહ્યે રાખ્યું કે : “મારે તો ભાઈ નહોતો તે ભાઈ મળ્યો.” અજિત પણ સમજણો થયો હતો કે સ્ત્રીજીવનમાં એકલા પતિની ખૂંદાખૂંદ અકારી બને છે. પતિ પાસે ન કહી શકાતી વાતો કહેવા ઠેકાણું કોઈ ને કોઈ તો જોઈએ જ છે. પતિ અને પત્ની પરસ્પરને માટે પૂરતાં નથી. છબીલભાઈ બાબાના છબીલમામા બની ગયા. છબીલભાઈ અજિતની કૃતિઓના ભક્તહૃદય ચિત્રકાર બની ગયા. છબીલભાઈથી સૂમસામ ઘર ભર્યું ભર્યું બની ગયું. અને થોડા સમયમાં તો છબીલભાઈ અજિતની સાહિત્યભાવનાઓમાં એટલા બધા રંગાઈ ગયા કે શાળાની નોકરી એને કડવી ઝેર લાગતી ગઈ. રજા લઈ લઈને એ અજિતની યુગક્રાંતિકર ચોપડીઓનાં ચિત્રો આલેખવા બેસી ગયો. એણે શાળાને આખરે તિલાંજલિ દીધી. અજિતને એ પોતાના વિપ્લવ-દળનો પહેલો યોદ્ધો મળ્યો. પ્રભાના અંતરમાં એટલી બધી નવી ભરતી આવી, કે અજિતના વહેલામોડા આવવા વિશેનાં બુમરાણો કરતી એ બંધ પડી. શાકપાંદડાથી માંડી સાડી સુધીની કોઈ પણ ઘરખપની ચીજ લાવવાનો બોજ અજિત પર લાદતી એ અટકી ગઈ. અજિત સામે ચાલીને કહે તો પણ પ્રભા જવાબ વાળે કે ‘ના, તમે તમારું યુદ્ધ કરો. એ તો હું ને છબીલભાઈ બધું પતાવી લેશુ.’. બહારથી કોઈ મળવા આવનાર અજિતને કલાકોના કલાકો સુધી વાતોમાં ને ચર્ચામાં રોકી રાખે, તોપણ પ્રભા છેડાય નહિ. મહેમાનનું મંડળ અંદર બેઠું હોય તો બહાર, અને બહાર બેઠું હોય તો અંદર, એ અને છબીલબાઈ સાથે બેસીને ગંજીપે રમ્યા કરે. ગંજીપો! અજિત તો હેરત પામી ગયો, કે પરણીને આવ્યા પછી એક પણ રમતનું કદી નામ પણ ન લેનારી પ્રભા ગંજીપામાં અજબ રસ પામવા લાગી, ઘડીભર એને પ્રભાનું ગંજીપે રમવું છોકરમત જેવું લાગ્યું. એની તો એક જ કલ્પના હતી કે પ્રતિભાસંપન્ન નારી પ્રભા નિવૃત્તિ મળે તો કાં તો મોટા ગ્રંથો વાચે, અથવા તો પોતાનું કૌમારાવસ્થામાં ત્યજાયેલું સંગીત ફરી હાથ ધરી તેની ઉપાસના માંડે. કશા જ ગંભીર ઉદ્યમને બદલે ગંજીપો! ગંજીપાની રમતો પણ પાછી તદ્દન બાયડીશાહી! અજિત તો મનમાં મનમાં ખૂબ હસ્યો. ને ઘેર વહેલોમોડો આવી, ચાલીમાં હોય ત્યાંથી જ એ ટીકા કરતો : “કાં, સતિયાબાજી ચાલે છે કે ચાનસબાજી!” અંદર બન્ને ગંજીપાની રમતમાં ગરકાવ હોય. છબીલભાઈ તો બિચારો પ્રભાને રમાડવા પૂરતું જ બેસતો દેખાતો. એને કાંઈ ગંજીપામાં રસ નહોતો. પણ અજિત તરફથી તો આ ગંજીપાને પૂરું પ્રોત્સાહન મળ્યું. રવિવારો અને તહેવારોમાં પણ હવે અજિતને એની હરકોઈ સાહિત્યસભા, સંગીત પરિષદ, અથવા યુગક્રાંતિ સાથે સંબંધ ધરાવતા હરકોઈ સંમેલનમાં પ્રભા હસતે મુખે જવા દેતી. પોતે બિલકુલ અંતરાયરૂપ ન બનતી, ને અજિતનાં ખાનપાન તેમ જ પોશાક-પહેરવેશની ઝીણામાં ઝીણી સંભાળ લેતી. અજિતને માટે નવા ‘સૂટ’ પોતે જ સિવડાવી લાવતી. હજામત વધી છે કે નહિ તેની ખબર પણ પોતે જ રાખીને વખતસર અજિતની સામે સર્વ ક્ષૌર-સાધનો મૂકી દેતી. અજિતને માટે નહાવાના ઉમદા સાબુ પણ એણે જ ખરીદવા શરૂ કર્યા. છબીલભાઈના કુટુંબ-પ્રવેશ પછી અજિતના જીવનમાં પ્રભા નવીન જ રસ લેતી થઈ હતી, તેથી અજિતને તો ઊંડે ઊંડે ય કશી આશંકા નહોતી ઊગતી. શંકા-સંશયો તો દૂર રહ્યા, એનું હૃદય ઊલટું છબીલ પ્રત્યે આભારભાવે ભીનું રહેતું. વાત પણ સાચી જ હતી કે છબીલના દર્શનમાં કે વર્તનમાં, છબીલના બોલવામાં કે હાવભાવમાં ભક્તિભાવ વગર અણુમાત્ર અન્ય કશું નહોતું. એનામાં દંભ નહોતો, બનાવટ નહોતી, એનામાં ચાવળાઈ નહોતી, કે નહોતી ઉપર પડતા જવાની ચાલાકી. છબીલના મોં ઉપર પણ આ કુટુંબમાં આવ્યા પછીથી અવનવા રંગોની સુરખી ઊઠવા લાગી. એ જુવાન નિર્મળ મોતી જેવો આબરૂદાર હતો. અજિતના ઘરની વાતો એ ક્યાંયે કરતો નહોતો. જેટલો ઓછાબોલો એ મૂળે હતો તે કરતાં પણ વધુ બનતો ગયો. એના સંબંધને પરિણામે અજિત-પ્રભા વિશે કોઈ વક્રોક્તિ કરે કે કુટિલ હાસ્ય મલકાવે એટલું પણ આ પરામાં એ સંબંધને ચેરાવાપણું નહોતું. બે-ચાર મહિના વીત્યા. એક દિવસ રાતે અજિત ઘેર આવ્યો. ઘેર આવે ત્યારે હંમેશાં નવીન સાહસો અને નવા તરંગો પ્રભા પાસે વર્ણવવાની એની આદત હતી. પણ એ દિવસે તો પ્રભા જ પોતાનું કશુંક સાહસ કહેવા તૈયાર થઈ હતી એવું પ્રભાના મુખભાવ પરથી પોતે જોઈ શક્યો. અજિતને જમવાનું પીરસીને પ્રભા સામે બેઠી, મીટ માંડીને જોઈ રહી. પછી એણે કહ્યું : “મારે કંઈક કહેવું છે. પણ શરૂ કેમ કરવું તે જ સમજ પડતી નથી.” આ શિષ્ટાચાર અજિતને છેક નવીન લાગ્યો. “એવું તે વળી શું છે?” “ભયંકર છે. મને બીક લાગે છે કે તમે ગુસ્સે થશો.” “પણ એવું તે શું છે?” અજિત કશું અનુમાન કરી શક્યો નહિ. “મને પોતાને જ મારા પર ધિક્કાર છૂટ્યો હતો. પણ અત્યારે એ ઊતરી ગયેલ છે. ને તમે પણ મહેરબાની કરીને સમજીને સાંભળજો, હો વહાલા!” “હાં, ચલાવો.” “અજિત, વહાલા!” થોડી ખમચાઈને એ હળવે સ્વરે બોલી : “છબીલની —” “છબીલની? છબીલની શું વળી!” “એ અહીં આવતો. મને કોણ જાણે કેમ પણ એ ગમતો. મને એનામાં ઉચ્ચ સંસ્કાર અને પ્રેમાળ હૃદય લાગેલાં.” “ને તું એની નિર્મળી સ્વપ્નભરી આંખો વિશે પણ મને કહેતી ખરું?”અજિતે ઉમેર્યું. “તમને બેશક મશ્કરી સૂઝશે. પણ બનાવ બહુ કરુણ છે. તમને ખબર નથી, પણ એણે આ પહેલાં મારા જેવી કોઈ સ્ત્રી દીઠેલી નહિ.” “એ હું ન માની શકું, વહાલી.” “એટલે કે વિચારવાળી સ્ત્રી. એ મને કલાકો સુધી પ્રશ્ન પૂછ્યા કરે ને અમે તમામ બાબતો વિશે ચર્ચા કરતાં. એટલે એકવાર અમે પ્રેમનો પ્રશ્ન પણ ચર્ચેલો ને એણે મને પૂછેલું કે — કે તમે સુખી છો?” “અહો!” અજિતે મર્મ કર્યો : “ને તેં તો બેશક જવાબ દીધો હશે કે તું અત્યંત દુઃખી છે.” “મેં બહુ કશું કહ્યું નહોતું. મેં ફક્ત એટલું જ કહેલું કે તમારું કામ ઘણું સખત છે, ને હું એની સામે હંમેશાં પૂરી હિંમત ટકાવી શકતી નથી. મેં ખૂબ વેઠ્યું છે તે તો કોઈ પણ જોઈ શકે ને!” “ખરું છે બાપુ! હાં, પછી?” “પછી તો એક દિવસ ગયા શુક્રવારે બપોરે એ એક ગાડી લઈને મને ફરવા લઈ જવા આવ્યો. હું એની સાથે ગઈ. મને અત્યારે લાગે છે કે મારે નહોતું જવું જોઈતું, પણ તે વખતે મને સૂઝેલું નહિ. ચોમાસાના રૂપાળા બપોર હતા, ને એ મને કહે કે હું તમારે ખાતર જ છૂપું છૂપું એક મિત્રની ગાડી ચલાવવાનું શીખી લાવ્યો છું. મને પણ પહેલી જ વારનો એ અનુભવ હોવાથી ખૂબ આનંદ આવ્યો. આવો આનંદ કદી નહિ આવેલો. અમે જંગલમાં નીકળી ગયાં. ત્યાં બેઉએ ફૂલો વીણ્યાં. પછી એક ઝરણાને કાંઠે બેઠાં. થાક્યા વગર કે થોભ્યા વગર અમે તો વાતો જ કરતાં રહ્યાં. વાતોમાં ને વાતોમાં, ખબર પણ ન પડી ને સૂર્યાસ્ત થઈ ગયો; ને ઘરથી તો અમે ઘણાં દૂર હતાં.” “હાં, પછી?” અજિતે એને અચકાતી જોઈને કહ્યું. “અમે પાછાં ફર્યાં. મને તે વખતે તો ખ્યાલ નહોતો રહ્યો. પણ અત્યારે મને ચોખ્ખું યાદ આવે છે કે હું એની બાજુમાં બેઠી હતી. એનો સ્વર ધીમો પડતો હતો ને એ જે કાંઈ બોલતો હતો તેમાં સ્પષ્ટતા નહોતી. પછી એણે એક જ હાથે ગાડી હાંકવા માંડી ને એનો બીજો હાથ મારી બેઠકની પાછળ લંબાયે જતો હતો. મને તો એ વાતનું ધ્યાન પણ નહોતું રહ્યું. પણ પછી તો પછી — પછી —” “પછી શું? બેધડક કહ્યે જા.” “એકાએક એ બન્યું.” બોલતાં બોલતાં પ્રભાના ગાલ રાતાચોળ બની ગયા. “મને લાગ્યું કે એનો હાથ મારી ફરતો લપેટાઈ ગયો. એકદમ હું બેબાકળી બની, એની સામે ફરી, ફાટી આંખે જોઈ રહી : એનું મોં મારા મોંની નજીક હતું, ને એની આંખો ચમક ચમક કરતી હતી.” એટલું કહીને એ અટકી ગઈ. અજિતે પૂછ્યું : “ને તેં પછી શું કર્યું?” “મેં એની સામે શાંતિથી તાકીને કહ્યું, ‘શું કરો છો? આટલી બધી મગદૂર!’ એટલે એણે એકદમ હાથ ખેંચી લીધો. એ ટટ્ટાર બનીને બેસી ગયો. ને એણે કહ્યું, ‘મને માફી આપો. હું ભાન ભૂલી ગયેલો.’ પછી ઘર આવતાં સુધી અમારા બેમાંથી કોઈ એક શબ્દ પણ બોલ્યું નહિ ને આવતાં જ હું તો ગાડીમાંથી કૂદી જ પડી. ‘આવજો’ એટલુંય કહ્યા વગર હું ઘરમાં દોટ કાઢી ચાલી ગઈ.” આટલું કહીને પ્રભા પતિ સામે ફાટેલી, ઉત્સુક આંખે બેઠી રહી. “બસ, એટલેથી જ અંત આવ્યો?” અજિતે શાંતિથી પૂછ્યું. “આજે મારા પર એનો કાગળ આવેલ છે. લખે છે કે હું પરગામ જાઉં છું, ને જે બની ગયું તેને માટે મરવા જેવું થાય છે. મને માફી દેજો. બસ, એટલું જ.” થોડીવાર બેઉ શાંત બેસી રહ્યાં. પછી પ્રભાએ પૂછ્યું : “હેં, તમે ગુસ્સે થયા છો?” “ગુસ્સો તો નથી થયો, પણ સ્વાભાવિકપણે જ આવી વાત મનને સંક્ષુબ્ધ કરે. તારે આવા અનુભવોમાં મુકાવું પડે એ મને ગમતું નથી.” “અજબ જેવી વાત છે.’ પ્રભાએ કહ્યું, “પણ મારો એ રોષ લાંબી વાર રહ્યો નહિ. મને અતિશય દુઃખ લાગેલું ને એને પણ ખૂબ સંતાપ થયો હશે એવું મને લાગે છે. નવાઈ જેવું તો એ છે કે હું એને ફરીવાર મળું એવું મને થયા કરે છે. આથી હું વિશેષ અકળામણ પામી છું. એક તરફથી થાય છે કે એ મને કોઈ રઝળુ છોકરીની માફક આલિંગન કરે તેથી તો હદ આવી રહી. પણ વળી પાછું —” આ વાતની ચર્ચા બે’ક અઠવાડિયાં સુધી ચાલી. અજિત આશા રાખતો હતો કે આવા ‘નિર્મળી આંખોવાળા ને ફરકતાં જુલ્ફાંવાળા’ જુવાન છોકરાઓ પ્રત્યે પ્રભા પોતાનો ભાવ બદલાવી નાખે એવું કાંઈક પોતે પ્રભાને સમજાવી શકશે. પ્રભાને ગળે ઘૂંટડો ઉતરાવવા પોતે ઘણી મહેનત કરી, પુરુષોના મનોભાવો પોતે વિશેષ સમજી શકેલો છે, અને શું ચિત્ર-શિક્ષકોનું કે શું હરકોઈ બીજા ધંધાદારી પુરુષોનું, સૌનું આ સરખું જ લક્ષણ હોય છે. પણ મુખ્ય મુદ્દો તો છબીલભાઈ પાછા આવે ત્યારે એના પ્રત્યેનું વર્તન નક્કી કરવાનો હતો. એક વાત તો સાફ દેખાઈ આવી કે પ્રભા છબીલભાઈને ક્ષમા આપી ચૂકી છે : એના પશ્ચાત્તાપપૂર્ણ પત્રની અસર પ્રભાના અંતર પર પડી ચૂકી છે. પ્રભાએ એવો અભિપ્રાય આપ્યો કે ગઈગુજરી બિલકુલ ભૂલી જવી, ને અગાઉની માફક સંબંધ ચાલુ રાખવો. પણ અજિતે મક્કમ મત જણાવ્યો કે અગાઉનો સંબંધ ફરી પાછો જેવો ને તેવો સ્થાપી શકાય જ નહિ. ને હવે એની સાથે મળવાનું પણ મુનાસબ ન ગણાય. “પણ તો તો એ બાપડો આઘાત પામશે ને એનું જીવતર ઝેર થઈ જશે.” “ત્યારે શું તારું એમ કહેવું છે કે મારે એની સાથે મીઠો સ્નેહસંબંધ રાખવો, ને તારે એની સાથેનો તારો સુંવાળો સહચાર ચાલુ રાખવો છે માટે મારે એને આદરમાન આપવા!” “આમ કેમ બોલો છો?” “ત્યારે આનો બીજો શો અર્થ થાય છે? તમારા બેઉના સંબંધ ચાલુ છે એ વાતથી મારી માનસિક શાંતિ કેવીક સચવાશે?” જવાબમાં ઊંડો નિઃશ્વાસ નાખીને પ્રભા બોલી : “તમે તો કહેતા હતા કે તું મુક્ત છે! તું તારા દિલની મુખત્યાર સ્ત્રી છે! સ્વતંત્ર સ્ત્રીની તમારી કલ્પના તો છેવટે આ જ ને? તમે પણ જૂની ઘરેડના ઇર્ષ્યાળુ ધણીનો જ પાઠ ભજવી રહ્યા છો કે બીજું કાંઈ?” આ એક જ અનુભવે અજિતના જીવન-ચક્રને જુદો આંટો લેવરાવ્યો. જગતની બુદ્ધિનાં ‘બીડેલાં દ્વાર’ ઉઘાડવાના અહોનિશ જાપ જપનારને પોતાનાં સંસારનાં બીડેલાં દ્વારની ખબર પડી. પણ ચાવી પોતાની પાસે નહોતી. ચાવીઓનો આખો ઝૂડો સાચી ચાવી વગરનો માલૂમ પડ્યો. પ્રભાની સુખની આ નવી ઉદ્ભ્રાંતિઓમાંથી બચાવી લેવા પોતે પ્રભાને પોતાની સવિશેષ સોબતમાં ખેંચી. પોતે વહેલો ઘેર આવતો થયો. પોતે પ્રભા માટે ફૂલની વેણી ને થોડાં થોડાં અત્તરો લાવતો થયો; પોતે પ્રભા પાસે છાપાંનું વાંચન કરતો થયો. પણ પ્રભાના જીવન-દ્વાર વધુ ને વધુ બિડાતાં ગયાં. એની એકલતા વધુ ને વધુ ઘાટી ઘૂંટાઈ. અજિત ઘણી વાર પોતાની જાતને પ્રશ્ન પૂછતો થંભી જતો, કે પ્રભાને બચાવી લેવાનો આ પ્રયત્ન છે, કે પોતાની પુરુષસહજ ઇર્ષ્યા કામ કરી રહી છે? નારીસ્વાતંત્ર્યનો પૂજારી અજિત આ પ્રશ્ન પરત્વે તો નારીનો સત્તાધીશ સ્વામી જ દેખાયો. સ્ત્રીઓના આત્માની અંદર સંઘરાયેલી ગુપ્ત શક્યતાઓ સંબંધમાં એનું મન ગોટાળે ચડ્યું. ઘણી ઘણી વાર એણે કલ્પના કરી હતી, કે પ્રભાને પોતે અન્ય પુરુષના આલિંગનમાં ભિડાએલી નજરોનજર નિહાળે તોપણ એને ગુસ્સો ન આવે; કેમકે એ તો સ્ત્રી-જીવનનો સ્વાધીન ઇચ્છાપ્રદેશ છે. ઘણીવાર એણે વિચારો પ્રચારેલા કે લગ્ન તો એક કાયદેસરનું વેશ્યાગાર છે; સ્ત્રીની સ્વયંભૂ પુરુષભક્તિને વિકસાવવાનો એમાં અવકાશ નથી. સતત એની માન્યતા હતી કે પ્રભા અને પોતાની વચ્ચેનો લગ્નપાયો તો શુદ્ધ, સ્વયંસ્ફુરિત અને સદાનો સ્વતંત્ર પ્રેમ જ છે. એનાં એ ચક્ષુ-પડળો હવે ઊઘડી ગયાં. ને છબીલભાઈનો નામોચ્ચાર પણ જો કે આ ઘરમાંથી નાબૂદ થયો, પણ પ્રભા તો એકલતાની ઊંડી કંદરામાં ધકેલાઈ ગઈ. રમૂજી વિચારો પણ અજિતની હાંસી કરી રહ્યા : સ્વતંત્રતા અને સ્વયંસ્ફુરણાના માર્ગ કરતાં ધાર્મિક શિક્ષણ અને સોળ સતીઓનાં ચારીત્રોનો અભ્યાસ સ્ત્રીપુરુષના જીવનની શાંતિને વિશેષ સહાયકર નથી શું? દંપતી-જીવનમાં ફરજિયાત વફાદારીનો શાસ્ત્રાદેશ બુદ્ધિપૂર્વકના બંધનમુક્ત પ્રેમની બડી બાતો કરતાં વધુ સુખદાયી નહિ હોય શું? પત્નીઓને પંપાળ પંપાળ કર્યા વગર સખતાઈથી કામ લેતાં લેતાં ચુપકીદી ને ચાલાકીથી પ્રેમ સેવનારા મારા સ્નેહી-મંડળવાળા પુરુષો મારા કરતાં વધુ શાણા ને તેમની સ્ત્રીઓ પ્રભા કરતાં વધુ સુખી નહોતી શું? અને આ હુતાહુતીના અતિ વધુ પડતા આળા સંસારમાં જે સ્વાધીનતાની કલ્પના મેં કરેલી તે કરતાં વધુ સ્વસ્થતા કુટુંબીજનોની આડીવાડી વચ્ચેની થોડીક વેઠવી પડતી ગુલામીની અંદર નહિ હોય શું?