ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રામચંદ્ર પટેલ/શ્યામલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} મા, છેક સુધી વળાવવા આવી હતી. બોડાકનો ટેકરો વટાવી હું આગળ વધેલો,...")
(No difference)

Revision as of 06:52, 19 June 2021

મા, છેક સુધી વળાવવા આવી હતી. બોડાકનો ટેકરો વટાવી હું આગળ વધેલો, છતાં એ ટેકરા ઉપર ઊભા રહીને મને જોયા જ કરેલો. માને છોડતાં દુ:ખ થતું હતું. કારણમાં બાપા મર્યા પછી મારા ઊછેર માટે માએ પોતાની કાયા ઘસી નાખીને જિંદગીની ઘણી પછડાટો ખાધી હતી. એનું શરીર સારું રહેતું ન હતું, છતાં એ ઘરખેતર વાડ-કાંટો કર્યા જ કરતી. શ્વાસ વાળવાય બેસતી નહીં, એટલે એને જરાક વિસામો થાય એ હેતુએ મેં મારાં લગ્ન પહેલાં પતાવી દેવડાવેલાં. મને એ વાતનો સંતોષ હતો કે ચંપા સારા ઘરની, બહુ દેખાવડી, પાછી મહેનતુ, મારી મા-ની સંભાળ રાખે એવી હતી. છેલ્લે આગળ વધતાં મા તરફ જોયેલું તો એણે ઊંચો હાથ કરીને દૂરથી ભાવભીની આશિષ પાઠવી હતી.

હું એક નેળિયામાં ચડી ગયેલો. નેળિયું ઢાળ પડતું છીછરું ઊડે ઊંડે ઊતરતું જતું હતું. શરૂમાં થોરની વાડ આવી. વાડમાં કેર-કંથાર-કાંછકીના લીલાં જાળાં. ક્યાંક બોરડી નજરે પડી. પાછો વચ્ચે દાભડો આવી ચડતો. અંઘાડીના લસરકા વાગી પણ બેસતા. વાડમાં ઝીંપટી તો ઢગલાબંધ ઊગી હતી. પંખીનો કલરવ ઓછો. હોલો ક્યાંક પરભુ તું… પરભુ તું…ની ધૂન લગાવી રહ્યો હતો.

એ ઊતરતા વૈશાખના દહાડાની સવાર હતી. હવામાન ઠંડું સર્જાયેલું. એમાં માનો ચહેરો દેખાઈ આવતો, ને ચંપા પણ સાંભરી આવતી ખરી. એ બીજા આણે આવી હતી. એનાં કલ્લાની સફેદી સૂર્યકિરણોની સાથે ધૂળમાં ચીતરાઈ જતી, ત્યારે ઘડીક ઊભો રહી પાછળ નિહાળી લેતો તો આછીપાતળી છવાયેલી શાંત રેત ઉપર પડેલાં મારાં પગલાં ઉપર કોક પોતાનાં પગલાં મૂકીને ચાલ્યું આવતું હોય એવું લાગતું હતું. વાયરો પણ હળવો વાડમાંથી ધીરે ધીરે ફૂંકાઈ રહેતો હોવાથી ગુંજનભર્યો ભાસી ઊઠતો. ચંપા સાથે હોત તો નેળિયું કેટલું બધું રળિયામણું!! મારે ઘણું આગળ જવાનું હતું, એટલે પગ ઉતાવળા ઉતાવળા કરવા પડતા હતા.

છાબડાવાડા જોયું ન હતું. ગામના એક મોભીને પૂછેલું તો એમણે ભોંય ઉપર આછો પાતળો નકશો બનાવીને બતાવેલું કે ઓતરાદા જવું પછી નેળિયું આવશે પછી લુંખો ધોંધાર જો હીંડવાવાળો હોય તોય બપોર ઊતરતા ઊતરતા ત્યાં ના પહોંચી શકે. ખટક કરવી પડે, નહીં તો રાત પડી જાય તો યે છાબડાવાડા ન પહોંચી શકાય. પેલા મોભીનું કહેલું સ્મરણે ચડતાં હું લગભગ પૂરવંત બનતો અને આડુંઅવળું જોયા વગર હેંડ હેંડ કર્યા કરતો હતો. કોઈવાર રેતનો જુલમ વધી જતો. વેગ વધારવા બે પગોના ઉપર જોહુકમી વાપરી બેસતો છતાં રેત મચક આપતી નહીં. મોજડીઓને પગમાંથી કાઢી નાંખીને હાથમાં પકડેલી, પછી ટૂંકા પણ ઝડપી પગલાં ભરવા માંડ્યો. નેળિયું ક્યારે પૂરું થઈ ગયું એ ખ્યાલમાં રહ્યું નહીં. આવેલા ચાડમાં ખરહડિયા ઊગ્યા હતા. વચ્ચે એક ચીલો. જે વાંકો ચૂંકો ખરહડિયાઓમાંથી આગળ આગળ વધ્યા કરતો હતો. વચ્ચે આવી ચડતી નાની મોટી ટેકરીઓ લાંબડાના પીળા ઘાસ સાથે ચળક ચળક થઈ ઊઠતી, ત્યારે ચંપાનું ચંદેરીમઢ્યું મસ્તક તાજપ રેડી અદૃશ્ય થઈ જતું, બપોર આકરા. ક્યાંક ઝાડ, આવળબાવળ અણિયાર કે ખીજડું-બીજડું મળી જાય તો શાંતિ, થોડીક ટાઢકની જરૂર ઊભી થઈ હતી; પણ મારું બેટું ક્યાંક ચરતું ઘેટું ય દે ચડેલું નહીં. સમસ્ત વગડો વેરાન પડ્યો હતો. વાયરાનુંય ઊનું ઘેરું આવીને લાહ્ય અડાડીને ખડ ખડ ખખડતું સૂકા ખરહડિયાઓમાંથી અલોપ થઈ સંતાઈ જતું. એ પાલતું પ્રાણીઓને ચરવા માટેનો ખરાબો હતો. એને પડતર પણ કહેવાય પછી ફૂલબાઈની દેરીને શોધી જોઈ. સામે ટીંબા ઉપર એક ટૂંઠા બની ગયેલા ઝાડની પૂંઠળ અડધીપડધો સફેદ રંગ ઉડાડતી દેખાઈ આવી હતી. એને પહોંચી વળવા ઉતાવળ કરેલી. એ ખરાબાની ઉબડખાબડ ભૂરચનાને કાપતાં કાપતાં ફૂલબાઈની દેરી પહોંચીને જોયું તો સામે ખાડામાં અનેક ઝાડવાં વચ્ચે પંખીના માળામાં પડેલા ઈંડા જેવું તડકામાં તપતું છાબડાવાડા દેખાયેલું. ત્યાં થોડુંક બેઠેલો. બારણા વગરની દેરીમાં નાનકડો ગોખ. એમાં ખાલીખટ પરણાયું પડેલું. એની જોડે નારાસડીનું ગૂંચળું અને ચુંદડીનો કટકો લબડતો હતો. બહાર કેટલાંક માટીનાં ઠીકરાં તથા નાળિયેરનાં છોતરાં આમતેમ વેરાયેલાં હતાં. મેં ત્યાં ભાતુ છોડ્યું. ડુંગળી અને રોટલો ખાધો, પછી છાંયડીમાં આડો થયો તો ઊંઘ. થાકને લીધે ત્યાં સારી એવી ઊંઘ આવી હતી. જાગ્યો ત્યારે દેરીનો છાંયો છેક સુધી પહોંચેલો. ઘડિયાળમાં જોયું તો પાંચ વાગી ચૂક્યા હતા. ચોતરફ ઉજ્જડતા વાયરાની સાથે ઊંચકાતી પછડાતી હતી. સૂર્ય પશ્ચિમ તરફ ઢળી ચૂક્યો હતો. ત્યાંથી ચાલતાં પહેલાં માતાનાં દર્શન કરવા જાઉં ત્યાં સામે ગોખમાં સળગતો દીવો, અને જોડે કુલેરની કૅપલી ભાળીને કૌતુક વ્યાપ્યું હતું. નક્કી કોઈ ફૂલબાઈના પારે આવ્યું હોય, એવું માની લઈને પગરખાં પહેરી લેવા તરફ ધ્યાન દોર્યું પરંતુ મોજડીઓ જડી ન હતી. કોક ઉપાડી ગયું હશે! પછી અડવાણા પગે કેટલીક ભેખડો વચ્ચેનો રેતાળ ઢાળ ઊતરીને છાબડાવાડા તરફ ચાલવાનું મારી મૂક્યું હતું. કોઈ આવતુંજતું દેખાયેલું નહીં. પીંખાઈ ગયેલાં ઝાડ-ઝાડવાં દૃષ્ટ પડે. આકડાઓ વિશેષ અને ક્યાંક ક્યાંક જૂથબંધ દારૂડિયાં વહેતા વાયરાની સાથે ખખડી ઊઠતાં હતાં. ધૂળ પણ ઊડતી હતી. કેટલીક ખરસોડીઓ વટાવીને આગળ વધ્યો તો સામે કેટલાક આદમી કુહાડી-કાતોર-કોસ સાથે આવતા દેખાયા હતા. એ બધાની આંખો મારા ઉપર ભાલાની જેમ મંડાઈ, છતાં ડરપોક બન્યા વગર જરાક આગળ ગયો. કેટલાંક છૂટાંછવાયાં છાપરાં આવ્યાં હતાં. છાપરાં આગળ ઢોર તથા એકાદ નાનું છોકરું નજરે પડી જતું ખરું. છાબડાવાડા ખાડામાં ધતૂરાની જેમ ઊગેલું ગામ. સામેથી એક છોકરી પોતાની ઓઢણીને વીંઝોળતી વીંઝોળતી આવતી હતી. મને થયેલું કે લાવ, એને પૂછી જોઉં તો… એના તરફ સહજ ખેંચાયેલો. એ જોસપૂર્વક મારી બાજુ.. અથડાઈ જાત પણ હું જરાક છેટો ખસી ગયો હતો.

‘જોતા નથ ચિયા મલકના સો?’

‘માતપરનો…’

‘પેલું ઉઘાડું થોડું ઢાંચી દો…’

‘મારે ગોકામુખીને મળવું છે.’

‘ઈ પસ’

ખિસ્સામાંથી કોરીકટ હાથરૂમાલ કાઢીને મેં માથે મૂકી, મારા કાળા કેશઢગલાને ઢાંકી દીધો હતો. એ મારા પ્રત્યે જોઈ રહી હતી. તડકામાં એનું ઘઉંવર્ણ મુખ દીપી ઊઠેલું. એની આંખો તો તીલકૂલ શી અને મોંઢાની માપસર બત્રીસી-દાંતની સફેદી મને સ્પર્શી ગયેલી. એના તાજા ગાલ ઉપર ચળકતા ઘીની સુંવાળપ દ્વારા હું માતપર બાજુ. જાણે ચંપાને નિહાળતો હોઉં એવું બે ઘડી લાગી આવ્યું હતું.

– ‘બોલો… શીદ જઉં સે?’

‘ગોકામુખીના ઘેર…’

‘ઇમ આણીપા જ.’

આટલું કહી એ ઝપાટાભેર બાજુના ઢાળે, ખાડમાં છવાયેલાં છાપરાં તરફ ચાલી ગયેલી. હું ત્યાંથી આગળ ઉપલા વાસમાં જવાનું ચઢાણ ચડી રહ્યા બાદ સમતલ જગ્યા આવેલી, ત્યાં સામે છ-સાત સરખી જાતનાં છાપરાં ઊભાં હતાં. વચ્ચે ઝીંઝી નીચે કોરમોર ઢોર બાંધેલાં. છાણના ઢગલા ઉપર બેઠેલા એક કૂતરાએ, મને જોતાં જ તરાપ મારેલી. સારું કર્યું કે પેલી છોકરી મારી પાછળ આવતી હતી. એણે આગળ થઈને જાફરિયા કૂતરાને વાળી દીધેલો, નહીં તો એ મને બાઝી પડ્યો હોત. હું પાછળ અને એ કૂતરા સાથે આગળ… થોડુંક ચાલ્યા પછી પોતાની ભરાવદાર પૂંઠ ફેરવીને મારા તરફ મીટ માંડતી બોલી ઊઠી હતી. –

‘કામ સ ગોકાનું?’ મારે મળવું છે. હું અહીં છાબડાવાડામાં.’ ‘તો કો ન માસ્તર સો?’ હોવે..’

પછી તો ઉતાવળી થઈને એણે પોતાના છાપરાનાં આડાં કરેલાં કમાડ ખોલી નાંખ્યાં હતાં. આંગણે ખાટલો ઢાળી દઈને ઘરમાં ગઈ હતી. હું ખાટલામાં બેઠો. મોંએ વળેલા પરસેવાને લૂછવા માથા પરનો રૂમાલ લેવા જતાં એ રસ્તામાં ક્યાંક ઊડી ગયો હશે એનું ભાન થયેલું. પેલો જાફરિયો જોડે ઊભો ઊભો પૂંછડી પટપટાવતો હતો. સામે બાંધેલી ભેંસો મારા તરફ મોઢાં ફેરવી ઊંચા કાન કરી તાકી રહેલી. છાપરાં આમ ખુલ્લાં પણ અવરજવર ઓછી. નમતા તડકાથી છાપરા ઉપરનાં નળિયા કોઈ ટોળાબંધ પંખીઓ બેઠાં હોય એવાં લાગતાં હતાં. આઘે કેટલાંક છાપરાંની પીછોતનું લીંપણ ચળકી રહેલું. એ લોટો ભરીને પાણી લાવેલી. મેં ધરાઈને પાણી પીધું હતું.

ઈ આવો માસ્તર.’ હાં.’

ઘરમાંથી બહાર નીકળતા પુરુષે આવકારો આપ્યો. એ ગોકાજી હતા. તે મારી જોડે ખાટલાની પાંગઠે બેઠા. બીજી બે-એક વ્યક્તિઓ બહારથી આવીને જોડે ઊભી રહેલી, અંધારું થતાં તો બહારથી આવીને આખો વાસ છોકરાંબૈરાંથી જાગતો બની ગયેલો, છતાં કોઈના છાપરામાં દીવો થયો હોય એવું લાગ્યું ન હતું.

માસ્તર તમે ના?’ ‘માતપરનો.’

‘ભલ્લ, જો માસ્તર નેંતાળમાં છિયા-બિયાં નંઈ આવ, તું તાર એકલો ઈમાં રે જે મારા જેવો કોક જો આવ તો હિસાબ હાચો કરી આપજે હોં, ઈમાં પત્યું.’

કેમ કાકા ગામનાં છોકરાં માટે તો

‘ભલાદમી ભણાવવાની ના નથ. છિયાંને અમી બઉ કીજીએ છીએ. માળા ભોટ નૈહાળમાં પેસતાં જ નથ. ઉપરથી કેશે કઈ પડ તો વગાડી બેહ’.

‘કાલથી બધાંને.’

મારી તો હા સ. છોડી, માસ્તરને નેહાળ બતાવી આય. ઈ જોંય તંઈ રાત પડ્યો રહે..’

હું ઊભો થયો. ઝીંઝી નીચે બાંધેલી ભેંસો અંધારાના ઢગલા જેવી લાગતી આવી હતી. સામેના છાપરા આગળ દેવતા પ્રગટેલો. ત્યાં નાનાં-મોટાં બૈરાછોકરાં પોતપોતાનાં વાસણ લઈ એકઠાં થયાં હતાં. કશુંક રંધાતું હોય એવું માની લઈને હું ફળિયા બહાર નીકળી જવા ઉતાવળો થતાં પેલી છોકરી આગળ થઈને ચાલવા માંડી હતી. એ ઘાઘરા કબજાના દેખાવમાં ઠીક લાગતી હતી. મારગ ખાડા-ટેકરાવાળો, પાછું અંધારું એટલે મને હીંડતાં તકલીફ થતી તો એ ઊભી રહેતી ખરી, કેટલાંય છાપરાંના વળાંક વટાવ્યા બાદ એક ઢાળકાંઠે બંને આવીને ઊભાં રહ્યાં હતાં.

‘લ્યો..’

શું…’ ‘ચાવી. પેલી નૈહાળ રઈ. હાચવીને જ…’

એણે હાથમાં ચાવી મૂકી. એનો ભાર વજનદાર લાગ્યો હતો. ચાવી આપ્યા પછી એ તરત પાછી વળી ગયેલી, ત્યારે મને એકલાપણું ખટકેલું ને અંધારું તો બાજુ આલાપાલામાંથી બેઠું થઈને મારી આગળ આગળ દોડવા માંડ્યું હતું. નિશાળ જવા માટેની સાંકડી વાટ એની બે બાજુએ અવાવર સૂકી વનસ્પતિ, વળી વચ્ચે કાંટાળા ઝાંખરાં આવતાં હોવાથી કાળજી લેવી પડતી હતી. ઉઘાડા પગે કદીય આટલું ચાલ્યો ન હતો. નિશાળ પાસે આવ્યો, ત્યારે ખૂણામાં કોક ભૂંડની જેમ સિસકારા બોલાવતું હોય એવું લાગ્યું. હું ત્યાં જઈ પહોંચેલો. અંધારામાં કોક ચિવું પડેલું જણાયું. દારૂની તીવ્ર વાસ આવતી હતી. પાછો વળી જઈને નિશાળનો એક ઓરડો ખોલી નાંખ્યો. એનાં કમાડ બંધ કરી, હળવેથી બારીઓ ઉઘાડી દીધી હતી. બારીઓને લોખંડના સળિયા ન હતા. એ વર્ગખંડમાં થોડુંક ઘૂમેલો, ધૂળવાળો હોય એવું અંધારામાં ય કળી શકાતું હતું. પછી ખીંટીએ ભરાવેલા મારા થેલામાંથી ચાર કાઢી, ઝાપટીને ઊંઘવા જેટલી જગ્યા ચોખ્ખી કરી શેતરંજી પાથરી. એના ઉપર આડો થયો. મને ભૂખ તો લાગી હતી. જો બપોરના ભાતામાંથી કટકો રોટલો રહેવા દીધો હોત તો.. બે-ત્રણ પડખાં બદલેલાં. ઘડિયાળમાં જોવા પ્રયત્ન કરેલો છતાં કેટલા વાગ્યા હશે એની સમજ પડેલી નહીં. રાત વધી રહી હતી. વાયરોય બારીમાંથી ફૂંકાઈ આવતો હતો. બહાર થતા અવાજો રહી રહીને અથડાઈ ઊઠતા હતા. મને ઊંઘ આવે એમ ન હતી. એવામાં કોઈએ બારણું ખખડાવ્યું.

માસ્તર…’

એ અવાજ પરિચિત લાગતાં મેં બારણું ખોલ્યું. તો ગોકાકાકા અંદર દાખલ થયા એ પહેલાં એમનાં હાથમાં રહેલી ફાનસનું અજવાળું વર્ગખંડમાં પહેલું પથરાઈ ગયું હતું. ખૂણામાં ધારિયું ઊભું કર્યા પછી ફાનસ નીચે મૂકીને મારી પાસે બેઠેલા. પાછળથી એમની દીકરી આવી પહોંચી હતી.

લ્યો અમી લાયાં છીએ.’

‘શું?’ ‘તમે તો અમારા પરોણા કેવાઓ. આ મુઠ્ઠી ટોઠા ને દૂધ…’ પણ મને ભૂખ લાગી નથી.’ ઈવું ના બોલાય, માસ્તર, ખાધા વિના રાત નાં જાય. ખાઈ લ્યો.’

પછી મેં બોલ્યાચાલ્યા વગર આગળ મૂકેલા તાંસળામાંથી ટોઠા ખાવાના શરૂ કરેલા, એની સાથે કાચ તૂટેલી ફાનસ રહીરહીને ભભકવા માંડેલી. એના હાલતા અજવાળામાં ગોકાકાકાનું મેલું બાંડિયું ચીતરાઈ ઊઠતું હતું. પેલી છોકરીનો પહેરવેશ પણ. એ મારા તરફ આંખોની પાંપણોને થંભાવી દઈને એકીટસે નિહાળી રહી હતી. હું ટોઠાની મીઠાશમાં ડૂબેલો તો ગોકાકાકા મારી શેતરંજીના એક છેડાને પકડીને તપાસતા હતા. મેં દૂધ લીધું ન હતું.

દૂધ તમારા માટે સ પીજાં બધું.’

‘ના.’

ઈના પૈસા નંઈ બેહ.’ બસ ઘણું થયું.’

ગોકાકાકા કરતાં એમની દીકરીએ ઘણું પ્રેમથી દબાણ કરેલું છતાં ખાધા પછી દૂધ પીધેલું નહીં. દૂધનો લોટો એમનો એમ ભરેલો પડી રહ્યો. એને માઠું લાગ્યું હોય એવું મને દેખાયેલું. આખરે એ ખાલી તાંસળું પકડી લઈને ચાલતી થઈ હતી. ઘડીક પછી ગોકાકાકા પણ ઊઠ્યા હતા. નીચે પડેલો દૂધનો લોટો લેવા જતાં ફાનસ ભભકેલું. પાછું એ ભપ દઈને ઓલવાઈ જતાં અંધારું બહારથી દોડી આવીને આખા ઓરડામાં ખીચોખીચ ભરાઈ બેઠું હતું.

જુવાન માસ્તર, મેં વાત કઉં. અડધો પગાર મુંને આલજ્યો પછે તમતમારે છિયાં વનાની નૈહાળમાં મજેથી પડ્યા રેજો નં. ડેપોટી આવ તો મુંને બોલાવજો. સાંપડો મેજમાં સ ક નંઈ, છિયાંની લંગાર ભેળી કરી દેશું હોં.’

હું હા કે ના કશું બોલી શકેલો નહીં. એમના ગયા બાદ બારણાંને બરાબર બંધ કરી દીધાં. પેટમાં નાખેલો જુવારના ટોઠાનો ભાર ખટકવા માંડેલો. જરાક કોકનું ખાધું કે પીધું એટલે ઓશિયાળા બની ગયા સમજો. મને આખી રાત ઊંઘ આવેલી નહીં. પરસેવો વળેલો. પડખાં ઉપર પડખાં ફેરવ્યા કરી, બે આંખોને છેક સુધી દબાવી પડ્યો રહ્યો હતો. ક્યાંક કૂકડો બોલી ઊઠતાં બેઠો થઈ ગયેલો. ઊઠીને બારી બહાર જોયું તો ઊગતો સૂર્ય દેખાયેલો નહીં, કેટલાંક છાપરાં વચ્ચે વચ્ચેથી એનો લીંપણિયો તડકો બહાર નીકળી આવી આગળ આગળ ફેલાતો જતો હતો. આઠેક વાગતાં વાગતાં હું આખા છાબડાવાડાના છાપરે છાપરે ફરી વળવા લાગ્યો હતો. વચ્ચેથી ગોકાકાકાની પેલી છોડી સાથે થઈ. એ એક ઢાળ ચડે ને બીજો ઊતરે છાપરાં ય છ-સાતના ટોળામાં હોય. દરેક છાપરા આગળ ખુલ્લામાં ભેંસો બાંધેલી. ભેંસો આગળ ઓગાઠના ઢગલા, પાછળ ઉકરડા, ઉકરડાઓ આગળ નાગપુંગાં મેલાં રખડતાં છોકરાં દેખાઈ ઊઠતાં. કોઈના હાથમાં તીરકામઠું હોય, તો કોઈના હાથમાં ગોફણ. વળી મેલા ફાટેલા પહેરણવાળા દસબાર વરસના છોકરા તો કુહાડી, ફરસી પથરા સાથે ઘસતા જોયા હતા. કોઈ વાસમાં જઈને ઊભા રહીએ એટલે ભણવાવાળાં છોકરાં તો મને ભાળીને રફુચક્કર થઈ નાસી જતાં. મોટા માણસો મળતાં ખરાં. પુરુષોનાં હાથમાં ધારિયું હોય અને સ્ત્રીઓના હાથમાં છેટલું. કોઈ કોઈ સ્ત્રીપુરુષ જોડાબંધ ચાલતાં બહાર વગડે જતાં દૃષ્ટ પડ્યાં હતાં.

‘તારું નામ શું?’

‘શામલી.’

‘લે તારા છાબડાવાડામાં કોઈ ભણવાવાળું નથી. હું તો થાકી ગયો.’

‘મુંને ભણાવઠ્યાં…’

‘હેંડ..?

શ્યામલી તો મારા ઉપર એકદમ ઘૂંકીને હસતી હસતી એના વાસ તરફનો ઢાળ ચડવા માંડી હતી, અને હું નિશાળ બાજુ વળી ગયેલો. તાળું ખોલીને વર્ગખંડમાં પેઠો. વિદ્યાર્થીઓ વગર શાળામાં રહેવું મને ઉચિત લાગ્યું ન હતું. પાછું ગામમાં કોઈને ભણતર તરફ મોહ ન હતો. મેં મેંજનું ખાતું ખોલેલું તો અંદર રજિસ્ટર હતું. એને બહાર કાઢી, ખોલી અંદર એંસી સંખ્યા ગણેલી. છેલ્લી તારીખ સુધી એ છોકરાંની હાજરી પુરાયેલી હતી. હું નિરાશ થયો. પછી બે-ચાર આંટા માર્યા હતા. ભૂખ તો લાગેલી. લાવને, પાંચેક રૂપિયા લઈને પેલા મેમણ પાસેથી દાળ-તાંદળા લઈ આવું.’ ખીંટીએથી થેલો ઉતારી, એમાં પાકીટ લેવા હાથ નાંખ્યો તો એ જડેલું નહીં. કપડાં બહાર કાઢીને ખંખેરી જોયાં, બગલથેલામાં પાકીટ ન હતું. જરૂર કોક પેસી ગયું હશે, પણ વર્ગની બારીઓ તો બંધ કરી હતી. મેં ફરી વાર બારીઓને તપાસેલી. એક બારી સ્ટોપર વિનાની માલૂમ પડી હતી. જેને મેં રાત્રે પણ ખોલેલી નહીં. નક્કી મારું પાકીટ ચોરાઈ ગયું હતું. બપોરે એકલો ભૂખ્યો-તરસ્યો ઊંધ્યો. મોડે જાગ્યો ત્યારે વાવાઝોડું ચડી આવ્યું હતું. એમાં શાળાની આગળ બે આદમી લથડિયા ખાતા જોયા હતા. ઓરડાનું બારણું વાખીને અંદર બેસી રહ્યો. ઊંચે ફૂટેલા નળિયામાંથી હવા ફૂંકાઈ આવતી હતી.

સાંજ પડી એટલે બગલથેલા સાથે બહાર નીકળેલો. છાપરા પર રહ્યુંસહ્યું અજવાળું ઊડી રહ્યું હતું. ચાલતો ગોકાકાકાના છાપરે આવ્યો. ઘરમાં મંછીમા હતાં. મને એમણે આવકારો આપી ખાટલો ઢાળીને બેસાડવો. અંધારું વળવા લાગેલું. ઝીંઝીની પેલી બાજુ કોક ભેંસ દોહી રહ્યું હતું.

‘ગોકાકાકા નથી?’ ‘ના, માસ્તર બડોઉં ગ્યા સે. કાંય કામ અતું?’

‘ના.’

મંછીમા મારી પાસે ભોંય ઉપર બેઠાં. સામે એમની ભેંસ બાંધી હતી. એના તરફ એમની આંખ મંડાયા કરતી હતી. ભેંસને નવમો ઊતરી ચૂક્યો હતો. એ વિયાવામાં બે-ચાર દહાડા કાઢે એવું મને લાગ્યું. આમેય છાબડાવાડાના લોકોને ભેંસો તરફ વધારે મમતા. ઘરમાં દીવો પ્રકટ્યા પછી ખ્યાલમાં આવ્યું કે શ્યામલી તો ઘરમાં હતી. એ બહાર નીકળીને પછી મારી પાસે ઊભી રહી. પાછી સામેના ઢોરાં વચ્ચે પેસીને ઓગાઠ આઘું પાછું કરવા માંડી હતી. હું ઊઠેલો, પણ મંછીમાએ જવા દીધેલો નહીં, એમણે જમવા માટેનું દબાણ કર્યું હતું.

મને શ્યામલીએ ખાવા આપ્યું. તાંસળીમાં ડોડીની મરચાભેર ભાજી અને જુવારનો રોટલો હતો. ઘર આમ લીંપણવાળું ચોખ્ખું. રાચરચીલામાં ઝાઝું કાંઈ નહીં. માટીના પાણિયારા ઉપર પાણીનું બેડું, બે લોટા. એક એલ્યુમિનિયમનું કાના વગરનું તૂટેલું તપેલું. લાલ મરચું ઘૂંટવાનો ખેલ, તવી, શીકું અને ખાડા પડતા ઓરડાની આગળ ઊભેલી બે કોઠીઓ. એકના ઉપર પિત્તળની ચરૂડી હતી. ઓછી વસ્તુઓ છતાં ઘર વ્યવસ્થિત. મારી જોડે મંડીમાં બેઠેલાં, સામે ઊભી હતી શ્યામલી. હું ભાજશાક ખાઈ રહ્યો. એનો ખ્યાલ આવતાં જ એ દેગડા સાથે દૂધ આપવા આવી હતી.

મારે દૂધ નથી જોઈતું…’ ઈમ હેંડતું હશે, આજ તો દૂધ ‘હું કદી લેતો નથી શ્યામલી…’ લોને થોડું, થોડું મારા સમ્મ, અમી તો દૂધ પાવાનાં બૂડ્યાં.’

છતાં તાંસળામાં રેડેલું દૂધ પડી રહ્યું. મંછીમાની ઘણી આજીજી હોવા છતાં દૂધ પીધું ન હતું. આખરે હું ઊભો થયો. ઘરમાંથી નીકળતાં શ્યામલી તરફ જોયું તો એ ઢીલી, ભીની આંખે મને તાકી રહી હોય એવું દીવાના આછા પ્રકાશમાં જણાયું હતું. બહારનું હવામાન ગરમ હતું. ઢાળેલા ખાટલામાં બેઠા પછી મંછીમાની રજા લઈને નિશાળ તરફ વળ્યો. રસ્તામાં ખાસ્સે ઘાટું લાગ્યું. ક્યાંક ચીબરી ચડભડી ઊઠતી હતી. નિશાળનો ઓરડો ખોલીને અંદર પેસી આંટા માર્યા. શ્યામલી અંધારામાં ય તાકી રહી હોય એવું દેખાઈ ઊઠતું હતું. પાછળથી લાગેલું કે દૂધ પી લીધું હોત તો બહુ સારું, પરંતુ આમ કોકના ઘેર ખાધા કરવું એ ય ક્યાં બરોબર હતું. પાકિટના પંચાવન રૂપિયા સાંભરેલા. એ ય ઉછીના કોકની પાસે માગીને મા લાવી હતી. જો અહીં લૂંટાવાનું હોય તો કાલ ને કાલ ઘેર જતા રહેવામાં સુખ. બગલથેલો ઓશીકે મૂકીને હું ઊંઘવા લાગેલો. પણ ઊંઘ આવી ન હતી. મોડી રાત્રે ઝોકું આવેલું ખરું, ઊઠ્યો ત્યારે હાથે બાંધેલું ઘડિયાળ જણાયું નહીં. આજુબાજુ શોધી જોયું. પણ નીચે પડ્યું હોય તો હાથમાં આવે ને? હું વ્યગ્ર બની ગયેલો. શેતરંજી વાળી બગલથેલામાં ઘાલી દઈને ઝટપટ વર્ગ બહાર નીકળી બારણે તાળું મારીને સીધો ગોકાકાકાને છાપરે ઊપડેલો. ઘરમાં મંછીમા હતાં. એમના હાથમાં નિશાળની ચાવી મૂકી હતી.

‘લ્યો ત્યારે હું જાઉં. મા.’

‘શીદ?’

‘ઘેર, પછી આવીશ.’

‘બે દા’ડા ય નથ થ્યા ન ઇટલામાં.’

‘યામલી નથી.’

ના. કૂવે ભેંસ પાવા ગે સે’ તો એ આવ તો આવ તો આપજો. લ્યો મારા તરફથી.’ યું.’

મેં સવા રૂપિયો એમના ચરણમાં મૂક્યો હતો. ભરભાંખળું ઊઘડેલું. ઝીંઝીની લીલી ડાળડાળખી દેખાવા લાગી હતી. હું વાસ બહાર ચાલવા માંડ્યો. મંજીમાં છેક સુધી વળાવવા આવ્યાં હતાં. મારા પગ ઘેર જવા માટે અધીરા બન્યા હતા. ઢાળ પણ ઝપાટાબંધ ઊતરી ગયો. પાછળ દેખ્યું તો ફળિયાના નાકે મંછીમાં ઊભાં રહ્યાં હતાં.

આવજે. શરીર હાચવજે હોં. ‘સારું માં.’

જોતજોતામાં છાબડાવાડાની ભાગોળ વટાવી દઈને ઉતાવળી ગતિ પકડી લીધી. પૂંઠ વાળવાય ઊભો ન રહ્યો. સામે કેટલાક આદમી મળેલા. એમના એકેક હાથમાં કાતોર, ધારિયા હતાં. પવન બિલકુલ ન હતો. ધીરેધીરે ઉબડખાબડ જમીન ઉપર ચોટેલા કૅર-કંથારનાં જાળાં સ્પષ્ટ થવા માંડ્યાં હતાં. ઉજ્જડ પડેલો વગડો એકસામટો ખૂલી આવ્યો. પેલી ભેખડો વચ્ચેનો ધૂળિયો મારગ ઝપાટાબંધ ચડી જઈને ફૂલબાઈની દેરીએ પહોંચીને શ્વાસ વાળ્યો હતો. ત્યાં તડકો પડી ચૂકેલો. માતાનાં દર્શન કરવા જતો હતો ત્યાં મારા કાને કોકનો અવાજ અથડાયો. પાછળ ભેખડીવાળા ઊંડા રસ્તામાં નીરખેલું તો કોક બાઈ લાંબો હાથ કરી કરીને બેબાકળી દોડી આવતી હતી.

‘માસ્તર. ઊભા રહાં મેં યાંમલી સું માસ્તર..’

હું ઊભો રહ્યો. એ શ્વાસભેર મારી નજીક, સાવ નજીક આવીને થંભી ગયેલી. ઊગતા સૂર્યના પ્રતાપે એની નિર્દોષ ગોળ મુખરચના ચમકી ઊઠેલી. છાતી ઉપર તડકાએ લસરકો મારેલો હોવાથી એનો દેહ મદઝલ્લો લાગતો હતો. પગ ઉઘાડા પણ ઘૂંટણે ચાંદીનાં કલ્લાં ઝગી રહેલાં. લીલો ઘાઘરો અને લાલ સાડલો જીર્ણ હોવા છતાં એના પહેરવેશથી આખું વેરાન ચાડ શોભી ઊઠ્યું હતું. શ્યામલી તો મને ટગરટગર જોઈ રહી હતી.

‘લ્યોં ભેગા થવા નાં ઊભા રયા’

એમાં શું ભેગા થવું હતું? વેળાસર.’ તમને માઠું તો નથી લાક્યું ન…’ ‘શાનું?’ હંભાળી ત્યાં તમારી ચીજો.’

પોતાના સાડલાના એક છેડામાં કશુંક લપેટીને છાતીએ દબાવી રાખેલું, એ એણે એકદમ મારી આગળ ખુલ્લું કરી દીધું તો મારી ગુમ થયેલી વસ્તુઓ પાકીટ-ઘડિયાળ-રૂમાલ ફાઉન્ટન પેન અને મોજડીઓ જોઈને હું તાજુબીમાં ડૂબી ગયેલો. એણે ચાર વસ્તુઓ મારા હાથમાં મૂકીને પછી મોજડીઓ પહેરાવી ત્યારે વાયરાનાં હળવાં હળવાં લહેરાં વહેવા માંડયાં હતાં. ક્યાંક પંખીઓનો કલરવ છૂટો થઈને આનંદભર્યો વહેવા લાગ્યો હતો.

‘મીં હાથ કરીને છાંનાછપને ઉઠાવી અતીં.’ આમ છુપાવાનું કારણ…’ ગોંમમાંથી નહાડવા નંઈ, કોક દમન આટલું ભાળીને તમન…’

‘તેં પહેલેની મારી…’

મારા પર વસવાસ મૂકાં ખરા. ઈ તો ફૂલબાના પારે જોયા ત્યારથી જ મું તમારી સંભાળ લેવા લાગી અતી. પણ આવું થશે ઈવું મોં ધારેલું નંઈ. તમે તો આમ વ્હેલા વ્હેલા…’

માએ કહ્યું હશે…’ હાસ્તો, હેંડો પાછા..’ ના.’ ‘તો ભણાવવાનું.’ કોઈ બીજો.’ અવું તમે મારે ગોંમ…’

‘આવીશ, ચોક્કસ, હું છાબડાવાડા આવીશ. તારા હાથનું દૂધ પીવા હોં. બધાંને યાદ આપજે. લે ત્યારે જાઉં?’

પછી એ કશું ય આગળ બોલી ન હતી. બહુ ઢીલી લાગેલી ખરી, એની આંખો ભીની બની ઊઠે એ પહેલાં હું ચાલવા માંડ્યો હતો. છેક એ ઉજ્જડ ચાડના છીછરા ખાડામાં ઊતર્યો ત્યાં સુધી એ મને તાકી રહેલી. ખરેખર શ્યામલી મારું છાબડાવાડાનું સંભારણું બની બેઠી. છેક સાંજે ઘેર આવ્યો ત્યાં સુધી એ મને ભુલાઈ ન હતી. રાત્રે ખાતાં ખાતાં મેં મારી માને છાબડાવાડાની વાત ઉકેલેલી. તો એણે ત્યાં જવાની સાફ ના પાડી દીધી. પછી તો બીજે ઠેકાણે નોકરીએ ગયેલો નહીં. ચંપા સાથે ખેતરમાં જતાં-આવતાં ખેતરકામમાં જોતરાયો. ચોમાસુશિયાળું ખેતી કરવી એ મારો વિષય બની બેઠો. દોઢેક વરસ બાદ મારી મા પણ મૃત્યુ પામી. ચંપાની પૂંઠું સારી એટલે હું હતાશ થયેલો નહીં. ઘેર ભેંસ. ચંપાને ભેંસ પર લેણુ વધારે. એક ભેંસ વેચી બીજી ભેંસ રાખવા વિચાર થતો. મને થયેલું કે, ‘લાવ છાબડાવાડા પહોંચી જાઉં ને ગોકાકાકાને મળી એક નવી જાતવાન ભેંસ લેતો આવું.’ ત્યારે શ્યામલીનું સાંભરણ આંખે જબરું ચડી બેઠું હતું.

લગભગ સાડા ત્રણ વરસ બાદ હું છાબડાવાડા ગયો. ઘેર ગોકાકાકા ન હતા, પણ મંછીમાએ મને ઓળખી કાઢેલો ખરો. ખાધા પછી રાત્રે મોડા સુધી અમે બેઠાં. ભેંસો બાબતની વાતવાતમાં શ્યામલીની વાત અચાનક ઊઘલી પડી હતી. પોતાની એકની એક દીકરી સાંભરી આવતાં મંછીમાની પાંપણોમાં આંસુ ઊભરાયેલાં. હું પણ ઢીલોઢપ બન્યો હતો.

ભૈ, તારા ગયા પછી તીજા દા’ડે શ્યામલીને કોગળિયું વળક્યું ન ભોંયભેળી… ચાંગળું પોંણીય માંગવા ઊભી રઈ નો’તી. તાકડે ભેંસ પણ વિયાણી અતી. ઈની આ પાડી ઘરની ઓધ્ય. તને ગમ તો દોરી જા… નવમો કાલ ઊતરી રેહ. પછ જેટલા દહાડા કાઢ ઈટલા ઓછા.’

મંછીમા મને તો એ જ આપોને જે કિંમત લેવી હશે એ હું…’ ‘દોરી જા તું તાર હોનાની રેંટી છ હોં.’

એ રાતે ગોકાકાકા મોડા આવેલા. એ પેલીયાત ભેંસને વેચવી ન હતી. ઘણી રકઝક કર્યા બાદ એમણે નવસો રૂપિયાનું બાનુ હાથમાં લીધું હતું. સવારે ભેંસને દોરી જવાનું નક્કી કરીને અમે સૌ ઊઠ્યાં. એ રાત્રે મને સરસ ઊંઘ આવી. મંછીમાએ જગાડ્યો, ત્યારે જ હું ખાટલામાંથી બેઠો થયો હતો. ચા-પાણી પતાવ્યા પછી ઘરના ઉંબરે નવસો રૂપિયા ગણી આપીને ભેંસ પાસે ગયો. એ મને થોડીક દુબળી લાગી હતી. ભેંસ તો મારા તરફ જોઈ રહી હતી. એની પીઠે મેં હાથ મૂક્યો તો એ આખી ઉખરાંટી થનગની ઊઠી હોય એવું મને લાગેલું. ગોકાકાકાએ અછોડો છોડીને મારા હાથમાં મૂક્યો. એ વળાવતાં એ બોલી ઊઠ્યા હતા,

‘માસ્તર તને માર યામલી સોપું સું. જોજે હો ઈ એક હોટું ય મારતો નંઈ.’ ઈને હાચવજે ભૈ.’

સારું.

મંછીમા રોઈ પડેલાં ને ઢીલા ઢીલાં ગામની ભાગોળ સુધી ભેંસ સાથે ખેંચાયેલાં. ગોકાકાકા તો છેક ફૂલબાઈની દેરી સુધી મૂકવા આવ્યા હતા. સમય પણ એ જ હતો. શ્યામલી જ્યાં ઊભી રહેલી એ જગ્યાએ ભેંસને ઊભી રાખીને માતાનાં દર્શન કર્યા હતાં. અંદર ટકો નાંખ્યા પછી ભેંસ ઉપર વહાલ ઊભરાઈ આવેલું એની ડોકે, પીઠે ચોટેલી ધૂળને ખંખેરવા માંડતાં એ ચાર પગ ખાંગા બનાવીને પોતાના મોંઢા વડે મને પંપાળવા લાગી હતી. પછી એને આગળ દોરી તો એ મારી આગળ આગળ હૈડવા લાગી. થોડુંક ચાલ્યા બાદ એ મારી પાછળ પાછળ રેગલાતી આવી હતી. ઝાક વળતાં વળતાં અમે બંને મારા ગામ આવી પહોંચ્યાં. ઘેર, ગમાણ આગળ બાંધી ત્યારે આખો મહોલ્લો જોવા-પારખવા આવ્યો હતો. નાગોરી, ખંભેણ વિનાની, પૂંઠે ભારે, બાવલું બહાર તરતું, ખરીઓની ચાખડિયો ગોળ, પૂછડું પાતળું-લાંબું; છેડે છડીદાર, દેખીને લોકો ભેંસને વખાણવા લાગેલાં, તેથી બીજા દિવસે ચંપાએ તો એના કંઠે ડુંગર મહારાજની આણ મૂકી, કાળા ઊનનો ધાગો બાંધી દઈને રજકાનું નિરણ દીધું હતું. નવમાં દહાડે ભેંસે પાડાને જન્મ આપ્યો હતો. એનું ખરાટું ચંપાએ ખેંચી કાઢેલું. અધમણ ગોળ, પછી મહિના સુધી વનસ્પતિ ઘી નાંખીને લાપસી બનાવીને ખવડાવેલી. દૂધ જોયું હોય તો દસ શેરનું દેગડું, સાંજ-સવારે ભરાઈ જતું. એની કાયા એવી ખીલેલી કે આકાશને ય જગ્યા આપવી પડે. ચંપા, બે વખત બહાર ભાગોળ સુધી લઈ જતી. તળાવમાં નવડાવતી. એની કાળજી રાખવામાં એણે પાછું વળીને જોયું નહિ. હું બહારથી આવું તો ભેંસ ‘ઑય.’ ઉચારીને પાછી બેઠી હોય તો ઊભી થતી. એની પીઠે હાથ ફેરવી, ગમાણમાં પડેલા ઘાસને આઘુંપાછું કરવા લાગતો તો એ મારા શરીર સાથે ગમ્મતે ચડી ચાટવા માંડતી. ચારેક મહિના ભેંસે ચંપાને સારી દાદ આપી હતી. પછી કોણ જાણે એના તરફ ખિજાયેલી અને મહોલ્લામાં, રસ્તામાં જતા-આવતી સ્ત્રીઓ તરફ ફંગરીને મારવા ધસી પડતી હતી. હાથમાંથી સાંકળ મુકાવરાવી દઈને આડેધડ દોડી ક્યાંક નાસી જતી તો કોકની મદદ વડે એને વાડામાં બંધાવીને ચંપા ઘેર આવતી. ખરેખર ભેંસથી એ કંટાળી ગઈ હતી.

આઉ ડોબું માર આંગણે નાં જોય…’ કેમ?’ બેરાં-છોકરાંને મારવા દોડ છે.’ ‘તને?’

જોજોને કાલ ઊઠીને મને…’ ‘એ તો સારું ના કહેવાય.’

થોડા દહાડામાં બન્યું પણ એવું. ચંપા વાડામાં બાંધેલી ભેંસને છોડવા ગઈ. જેવી છોડી નથી ને એ ધસી પડીને નાસતાં નાસતાં એક ભેટું મારી દીધું હતું. ઘેર નસીબ કે પડોશીનો છોકરો લક્ષ્મણ દોડી આવ્યો નહીં તો ચંપાને દવાખાના ભેગી કરવી પડી હોત. એના થાપાના હાડકાને ફ્રેક્ટર થયેલું નહીં, છતાં એકાદ મહિના સુધી દુખાવો રહ્યો. પછી એ ભેંસને છોડવા બાંધવાનો હવાલો મારે સંભાળી લેવો પડ્યો. હું આગળ જતો હોઉં તો એ કોઈને મારવા જતી નહીં, બસ મારા પાછળ પાછળ આવ્યા જ કરતી. જો તળાવમાં પડી હોય તો હું બોલાવું ને તરત બહાર નીકળી આવતી. વગડે કોઈ ઝાડ નીચે બેઠો હોઉં તો મને જોઈ જોઈને ઘાસ ચર્યા કરતી. વેળા થાય એટલે મારી પાસે આવી પહોંચતી પછી હું અને ભેંસ બંને એક સાથે ઘેર પાછાં ફરતાં હતાં. દોહવામાં એણે એક ટંક ગાળ્યો ન હતો, ફક્ત મારે આડી રહેવું પડતું. એક વાર મારે વેવાઈવળોટમાં ગામેતર જવું પડ્યું. બીજા દિવસની રાતના મોડા ઘેર આવ્યો. ભેંસને વાડાના બદલે ઘરની ગમાણે જ બાંધી રાખી હતી. મોજડીઓ કાઢી નથી ને તરત ઊભી થઈ ગઈ હતી. મેં ઘરમાં ચંપાને મળી લઈને પૂછયું હતું.

‘ભેંસે દીધું?’

ના રે ના… મૂઈ ભેંસ, ચ્યાંથી આવી હગલીન.. ‘તો હૈડ દેગડું લઈને બેસી જા…’

હું ગમાણમાં આડીએ બેઠો. પરસાળમાં ફાનસ બળતું હતું. એના અજવાળામાં ભેંસે મને જોઈ લઈને એણે મારા ખભે માથું મૂકી દીધેલું ત્યારે મને ગોકોકાકાની દીકરી શ્યામલીનું સ્મરણ તાજું થયેલું. એના હાથનું દૂધ બે વખત પીધેલું નહિ એ સાંભરેલું. શું એની એ પોતાની અધૂરપને પૂર્ણ કરવા મારા આંગણે આવી ચડી હતી! એનો ઉમળકો તો મારી સંભાળ રાખવાનો હતો. એ રાત્રે ભેંસના ચહેરાને રમાડે રાખેલો. ભેંસ દોવાઈ ગયા પછી ય હું ગમાણમાંથી ઊઠેલો નહીં. ઘણી વખત મને એ ભેંસની આંખોમાં પેલી શ્યામલી ટગર ટગર જોઈ રહી હોય એવું લાગતું હતું.

વચ્ચે આસો દહાડાઓમાં, એના શિંગડાઓના મૂળમાં કીડા પડ્યા. પહેલી જાણ થયેલી નહીં, પરંતુ એ, મારા તરફ ખેંચાયા પછી પોતાના પાછલા એક પગ વડે માથે ખણવા માંડી હતી. બે-ચાર વાર એણે ઇશારા ચાંપેલા. થયું કે કોઈ દિવસ નહીં ને આમ ભેંસ શા માટે કરતી હશે. મેં માથે હાથ મૂક્યો તો પોતાનું માથું મમતાથી નમાવીને દેખાડ્યું હતું. સારું થયું કે શીંગડે લોહી નીકળેલા ભાગ ઉપર એક કીડો સળવળતો જણાતાં મને વ્યથાનો ઝાટકો વાગેલો. ભેંસને પશુ દવાખાને લઈ જવા ઘણા પ્રયત્નો કરેલા પણ એણે ચમક આપી ન હતી. થાકીને ટર્પેન્ટાઈન લાવીને રેડેલું તો લૂખા વિચારો જેવા પુષ્કળ કીડા ઊભરાયા. દવાનાં પોતાં મૂકે રાખેલાં બંને શીંગડાના મૂળમાં સારું થઈ ગયા પછી ય જો ભેંસને કશુંક થાય તો ચંપા કરતા મારો જીવ ઊંચો થઈ જતો ને એવી સેવા કરવા તત્પર મંડી પડતો, ખરેખર એ ભેંસ ન હતી મને યામલી લાગ્યા કરતી હતી.

છંટાયા બાદ દહાડા ચડતા ગયા. એણે આઠેક મહિના દૂધ આપ્યું હતું. ચંપા તો ભેંસને ટૂંઢાના ભાવે ખારાપાટે કાઢી મૂકવા તૈયાર થઈ હતી. હું એને વેચી મારવાની ના પાડતો તો એ ચીડ ઉછાળી બેસતી. ભેંસને આપી દેવાની છે એ મતલબનું ગામમાં ચંપાએ જોરશોરથી ઉપણવાય માંડ્યું. ગોવા રબારીને એણે પહેલેથી કહી મૂકેલું કે જો ભેંસને લેવાવાળો આવે તો મારા ઘેર બેલ્લાસક લઈને, આવજો. ભેંસ વેચાશે તો હું તમને રાજી કરીશ. જો મને મારી ભેંસ બાબતનું કોઈ પૂછતું તો એ વેચવાની નથી એવું બરાડી ઊઠતો ખરો, છેવટે મેં ય મારું વલણ બદલેલું. ભેંસોના વેપારી મારી ભેંસને જોવા-પારખવા આવે તો અજાણ્યા માલિક તરફ ખીલેથી ફંગરીને એ શીંગડા નમાવી મારવા ધસી પડતી. લેવાવાળો કિંમત પૂછવા ય ઊભો રહેતો નહીં. આમ ને આમ ભેંસને નવમો ઊતરવા આવ્યો. ચંપાને એ નહીં વેચાય તો? એણે ફૂલબાઈ માની બાધા પણ માની લીધી હતી. બે-ચાર દહાડા પછી એક મુંબઈગરો દૂધારો ભેંસોનો ડબ્બો ભરવા માટે માતપુર ટેમ્પો લઈને આવી ચડ્યો. મેં મારી ભેંસને દેખાડેલી એનું દૂધઝળું બાવલું જોતાં જ બારસોનું બાનું આપીને એણે ખરીદી લીધી હતી. ભેંસને જાળવી ખીલેથી છોડી, પણ કોણ જાણે એની ચકોર આંખને જાણ થઈ ગઈ હોય કે કેમ તરત એ ઘાસવાડાની વાડ તોડીને નાઠેલી. હું પાછળ પડ્યો હતો. એને પરાણે પકડી લાવીને ફોસલાવી-પંપાળીને ટેમ્પામાં ચડાવી દીધી. ટેમ્પો તો ચાલુ થયો. ભેંસ મારા તરફ જાણે શ્યામલી! પોતાની બે કીકીઓ માંડીને મુંને દગો કર્યો, કહેતી દૃષ્ટિ નાખતી નાખતી ઊપડી ગયેલી. હું બહુ દુઃખી થયો હતો.

રસ્તામાં કોક બોલી ઊઠેલું કે, ‘દુધારાંને ડોબા નાં અલાય ભૈ, ઈ તો પઇસ્યોમાં કતલખાને મોકલી દોય છે. આ સાંભળીને મને થયું કે લાવ, દોડીને. પરંતુ ટેમ્પો તો શ્યામલીને પકડી દૂર દૂર નાસી નીકળ્યો હતો. ઘેર આવતાં આવતાં મને ચક્કર ચડ્યાં. ધરતી ફરતી લાગતી હતી. ઘરમાં પેસતાં પેસતાં તો ચંપાના ખભા પર માથું મૂકી શ્યામલીને સંભારી સંભારી રડી પડ્યો હતો.

છેલ્લો દાવ ગોઠવી જોયો. દેણપથી બે-ત્રણ જણા બૈરાના વેશમાં આદમીઓ ભડજુવાનિયા ભટી ભત્રીજી લઈને ચાલતા ચરેડીમાં આયા. આપણા લોકોએ જાણ્યું કે બૈરાં પરગામ જતાં હશી. તાણ બાઈ માંણહને કોય હાથ અડાડી રોકટોક ના કરે. સતાવે પણ નંઈ. જતાં બૈરાંને બધા ભાળી રહ્યા. ઈ તો હારબાઈ પાંહેથી નેહળ્યા, તંઈ ભટી ભત્રીજીએ ફઈ કઈ બૂમ પાડી પાડીને, દોડી હારાને બાઝી પડી. હગી ભત્રીજી દેખીને ફોઈ પણ રાજીરેડ. બેય એવાં ભેટ્યાં ક જોવા જેવાં. પેલા બેરાના વેશમાં આવેલા બાયલા, ફાતડાઓએ હારબાઈના પેટમાં છરીઓ મારીને નાઠા, દગો, ભોંય પડતાં પડતાં હારબાઈએ છેલ્લી કાતોર ઈવી હણહણાઈ એનો જ ધણી ઈના અડફેટમાં રણકાઈ-ટીંચાઈ પડ્યો. ધૂળ ચાટતો હેઠો. પછ તો ઉમતા ગોંમ જોરબંધ ઈવું ધર્યું-ઊછળ્યું કે દેણપના નાકે, પહેલા મહોલ્લા મોંઢે ખીલો મારીને સરહદ નક્કી કરીને જ જંપ્યા.

હારબાઈનો પરાંણ ગયો. આ જગ્યા પર મર્યા હતાં. ઈમન થઈ ગ્યાં ખાસ્સા દા’ડા થ્યા. થોરિયા તો લીલા લીલા પછ ચરેડીને ભડાઈ નોંમ પડ્યું. પેલી રાંધણને ભટી, ત્યારથી ચાડ આપણું ઉમતા ગોંમનું આજેય કોયનો હક્કદાવો ચાલતો નથ. વાર-તહેવારે હારબાઈને બે પંથકનું લોક પૂજવા આવ છે. દેવીમાં બનીને હાર ફઈ આજેય ગોંમસેમાડો હાચવી લે છે. શું ગોમનો તરતાપ.

કાળુભા ઊઠ્યા. ત્યારબાઈના સ્થાનક પાસે જઈને બે હાથ જોડ્યા. ઘીનો દીવો બળતો હતો. ચળકી રહ્યાં હતાં કંકણ-બલૈયા. કંકુમાંથી રાતોચટ્ટાક રંગ ઊડી આવતો હતો. ચૂંદડીના ફડ ફડ થતા ચોરસ ટુકડામાંથી મા પ્રકટીને ત્રણેયના હાથ જોડાઈ બેઠી હતી.

ફરીવાર અમે હારબાઈના આગળ માથું નમાવીને ચૂપચાપ, ને દેવી હારબાઈને ચઢાવેલી પેલી કોપરાની કાછલીમાં આંખ માંડીને ઊભા. ત્રણે ભેરુડા ધન્ય ધન્ય.

‘તમેય દીચરા ગોંમના છો તો ઉમતાને જાળવજો, હાચવજો હોં. ત્યાં પેલી દેવીમાને ચડાવેલી પરસાદ કૂલર અને ટોપરાની શેષ ઉપાડીને ખાઈ લો ઈ તમને સઉને સહાય કરશે, તેમાંય તમારું ભલું.’

કાળુભા પહેલા હેડડ્યા, પછી અમે. પતૃ-પૂજિયો તો ભટી રાયણ ઉપર ચઢી બેઠા. હું દેખી રહ્યો ચરેડીચાડ. એ આખું સૂનકારમાં રણે ચડી ચગી રહ્યું હતું…