બીડેલાં દ્વાર/18. મુક્તિનો નિર્ણય: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading |18. મુક્તિનો નિર્ણય}} '''અજિત''' વિચારે ચડ્યો. લગ્નજીવનનો એણે એ...") |
(No difference)
|
Revision as of 12:02, 9 May 2022
અજિત વિચારે ચડ્યો. લગ્નજીવનનો એણે એક નિયમ ગણેલો કે પત્ની જ્યારે કશું સહન કરી રહી હોય ત્યારે પોતે પણ સહેવામાં સહભાગી બનવું જોઈએ. પત્નીની સુખદુઃખની ઊર્મિના સાચાખોટાપણાનો પ્રશ્ન કરવાનું એને મંજૂર નહોતું. પત્નીના હાસ્યમાં હાસ્ય ભેળવવું ને રુદનમાં રુદન મિલાવવું એ જ એના દાંપત્યનો કાયદો હતો. પોતે તો પોતાની સુખદુઃખની ઊર્મિને રૂંધી, દબાવી શકતો, અમૃત કે વિષનો પ્યાલો પોતે પી પચાવી શકતો — પણ પ્રભા એમ કરવા અશક્ત હતી એટલે પછી અજિતને પણ એમ કરવા રજા નહોતી. જો અજિત કાબૂમાં રહે તો ‘હૃદયહીન’ ‘પથ્થર’ ‘કઠોર’ જેવો દેખાતો. એવું પતિસ્વરૂપ પ્રભાને ભય પમાડતું. પ્રભાના ધિક્કારને પાત્ર બનતું.
આ અકળામણ પર વિચારતો એ દિવસો ગાળતો હતો. પ્રભાની પાસે પોતે જાય ત્યારે તો પ્રભાને ગમગીન ચહેરે આકાશ સામે નજર માંડીને જ બેઠેલી નિહાળવાનું હોય. એના મધુર મોં ઉપર જાણે કે વણઝર્યાં આંસુ તોળાઈ રહ્યાં છે. એને શું ઠપકો દેવો? શું એને એના આ તલસાટ રૂંધી નાખવા કહેવું? એટલું કરીને તો એને દુઃખની અતલ ખાઈમાં જ ધકેલી દેવી ને? ત્યારે શું એની પાસે આવીને પોતાના પ્રેમના પ્રલાપ વહેતા મૂકી એને ફરી પાછી પોતા તરફ ખેંચી લેવી? એ માનતો હતો કે આમ કરવું અશક્ય નહોતું. પોતાના વાણીપ્રભાવ વડે અને આત્માના સામર્થ્ય વડે થોડા જ દિવસમાં પ્રભાના દિલમાંથી દીવેશ્વરને ઘસીભૂંસી નાખવાનું પોતાને માટે મુશ્કેલ નથી એવું અભિમાન એને હતું. પણ એટલું કરી લીધા પછીય પોતાને જવાનું તો હતું જગતના માનસમાં ક્રાંતિકારી પલટો કરાવવા માટે. અને પાછળ પ્રભાની શી ગતિ? પ્રભાને જોઈતો હતો સાચો અને અવિરત વહેતો પ્રેમ; પ્રેમની કેવળ ‘ઇંદ્રજાળ’ નહિ. એને જરૂર હતી માનવીના પ્રેમની, કલાકારના પ્રેમની નહિ. એને દીવેશ્વરનો મોહ છોડાવ્યા પછી તો ઊલટાની વધુ નિરાધાર બનાવી દેવાશે. પોતાની સામે બે યુવાન માનવી હતાં. બેઉ પ્રેમમાં હતાં. અને નીતિના કાયદાને ધોરણે એ બેઉએ ભવ્ય ત્યાગ કરવાનો નિશ્ચય ધર્યો હતો. પરસ્પરને મળવાનું પણ બેઉ બંધ કરતાં હતાં. પરંતુ અજિતને માટે એ બેઉનો પરસ્પર ત્યાગ જ બસ નહોતો. પ્રભાને જ્યારે જતી કરવાનો વિચાર આવતો ત્યારે જ અજિતને ભાન થતું કે પોતે પ્રભાને કેટલી બધી ચાહતો હતો. પ્રભાને મુક્ત કરવાના વિચારની સાથે જ યાદ આવતાં બેઉએ પરસ્પર લીધેલા મરી ફીટવાના બોલકોલ, ને મૃત્યુ પર્યંત સહજીવન ગાળવાની પ્રતિજ્ઞાઓ. પ્રભાને માટેનો એ પાતાળકૂટ પ્રેમ — એ પ્રેમે જ અજિતને સ્વધર્મ સુઝાડ્યો : પ્રભાને મુક્ત કરી દે. ને અજિતે એ અવાજ મીઠાશથી સાંભળ્યો. પ્રભાને એ ચાહવાને ખાતર જ ચાહતો હતો, પ્રભા એને સામો પ્રેમ આપતી તેને ખાતર નહિ : એ ચાહના જો સાચી હોય તો તે પ્રભાને સુખી જોવા જ ઇચ્છે. એ પ્રેમ સાચો હતો માટે જ એણે ઇચ્છી પ્રભાની મુક્તિ, પ્રભાની પ્રગતિ, પ્રભાની અભિવૃદ્ધિ. પ્રભાનો જો વિકાસ થતો હોય તો તેને ખાતર પોતે કહો તે કુરબાન કરવા તૈયાર હતો. આત્મપ્રતીતિની એવી અનેક ક્ષણો આવી ગઈ હતી કે જ્યારે પોતે પ્રભાને કદી સુખી નહિ કરી શકે એ સૂઝી ગયેલું. પ્રભાના ધણી બનવાની લાયકાત પોતાનામાં નથી એ એના આત્માનો અનેક પળોનો એકરાર હતો. આવું આવું જે પોતે બોલતો હતો, તે પોતે આચરી બતાવવા પણ ઇચ્છતો હતો. એ બતાવવાની ઘડી એને આવી ગયેલી ભાસી. ઘણાય પતિઓ પોતાની પત્નીઓના વાંકમાંથી નીકળી જવાની અને વહાલા થવાની કરામતરૂપે બોલતા હોય છે : ‘હું તારો ધણી થવા લાયક નથી. તું મારા કરતાં ઉચ્ચ અધિકારોવાળી છે.’ પણ તેઓની દાનત પોતાનો અધિકાર જતો કરવાની નથી હોતી. અજિતે તો નિશ્ચય કરી લીધો આત્મપ્રતીતિને વળગી રહેવાનો. આચરણમાં મૂકી દેવાનો. આમ એક દિવસના તરફડાટને અંતે અજિતે મરણિયો નિરધાર કર્યો, ને રાતે જ્યારે બધાં ઊંઘતાં હતાં ત્યારે પોતે કાગળ-કલમ લઈ પોતાની સન્મુખ દીવેશ્વરના આત્માનું આવાહન કર્યું : મહાશય, આવો ચોંકાવનારો ને અસામાન્ય કાગળ લખવાનો નિર્ણય મેં ઘણા આંચકા ખાધા પછી કરેલ છે અને એમાં મારી પ્રાર્થનાપૂર્ણ સચ્ચાઈ આલેખન પામી છે એટલું માનવા હું તમને વીનવું છું. તમારી ને મારાં પત્નીની વચ્ચે ઊભી થયેલી પરિસ્થિતિની જાણ મને બહારગામથી આવ્યા પછી થઈ ચૂકી છે. દુનિયામાં બીજી બધી બાબતોનાં કરતાં એનું કલ્યાણ હું વધુ કિંમતી ને વહાલું ગણું છું. ને એ દૃષ્ટિએ વિચાર કરી જોયા પછી જ મેં નક્કી કર્યું છે કે મારી ને એની વચ્ચે જે સંબંધ પ્રવર્તે છે તેની મારે તમને જાણ કરવી. બીજી કોઈ રીતે તમે એ ન જાણી શકો, કેમકે એ સંબંધ અસામાન્ય પ્રકારનો છે. પ્રભા દુઃખી છે એટલું તો તમને જણાવવાની જરૂર નથી એમ હું માનું છું. મારી સ્ત્રી તરીકે એ કદી સુખી થઈ નથી ને મને ભય છે, કે કદાપિ થશે પણ નહિ. પ્રકૃતિથી જ એ ઉષ્માવંત હૃદયની છે. પ્રેમ અને સહવાસ માટે તલસનારી છે. એથી ઊલટી રીતે, હું તો પ્રકૃતિથી જ અતડો, અંગત તત્ત્વથી રહિત ને આત્મનિમજ્જિત છું. મારા જીવનકાર્યની જરૂરિયાતોએ મને મારી આસપાસના જીવનથી ને જગતથી વિચ્છિન્ન થઈ જવાની ફરજ પાડેલ છે. આવી આત્મપ્રતીતિ મને મારાં લગ્ન પૂર્વે જ થઈ ચૂકી હતી; પણ એનાથી એને બચાવવાની વેળા તે વખતે નહોતી રહી. જે બનવું અશક્ય હતું તે કરવાની ધૂને મને ચડાવનારો જે મારો એના પ્રત્યેનો અનહદ ઉત્કટ પ્રેમ, એ તો એ બાપડીનું કમનસીબ જ બન્યો. એને પ્રસન્ન અને સુખી કરવાના આ અશક્ય કામમાં હું સફળ બનું છું એવી સતત આત્મભ્રમણાનો હું ભોગ બન્યો રહ્યો છું; ને એ રીતે હું પ્રભાને પણ સતત ભ્રમણામાં નાખી રહ્યો છું. જે કંઈ હોય તેની ચર્ચા કશો જ અંતરપટ રાખ્યા વગર, નિ:સંકોચપણે તલેતલ વિગતવાર કરી નાખવાનો અમારો બેઉનો નિયમ છે, પણ આ એક એવું સત્ય હતું કે જેનો ખુલ્લો નિર્દેશ કરતાં અમે બેઉએ હમેશાં આંચકો જ ખાધા કર્યો છે. ને એ ચૂપકીદી, એ સંકોચ અમારા જીવનમાં અનિવાર્ય ઊગનારાં વિષવૃક્ષનું એક બીજારોપણ હતું એમ મેં માનેલ છે. બેશક, પ્રભા કોઈક દિવસ બીજા પુરુષ સાથે પ્રેમ કરશે એવી શક્યતાનો તો મેં બેવકૂફે કદી વિચાર જ કર્યો નહોતો. પણ એ તો હવે બની ચૂક્યું છે ને મેં યથાશક્તિ તેનો ઉકેલ વિચારી કાઢ્યો છે. પ્રભાના પ્રેમનો જે અધિકારી હોય તે માણસ આવા સંજોગોમાં પ્રભા પ્રત્યેની પોતાની ઊર્મિઓને છૂંદી નાખવાની લાગણીમાં દોરવાઈ જાય એ સાવ સહજ છે. પરંતુ અમે જ્યારે પરણ્યાં હતાં ત્યારે અમારી વચ્ચે સ્પષ્ટ સમજપૂર્વકનો કરાર હતો કે અમારું આ લગ્ન જ્યાં સુધી ઉભયના આત્મ-કલ્યાણને સુસંગત હોય ત્યાં સુધી જ રહે. આ કરારનું અમારે સદાસર્વદા પાલન કરવું રહે છે. આ લખવામાં મારો ઉદ્દેશ તમને જણાવવાનો છે કે તમારી સાથેના પ્રભાના સંબંધની અટકાયત કરી શકાય એવો કોઈ પણ હક્ક પ્રભા પર મારો છે નહિ; ને જો સમય જતાં એવું દેખાય કે પ્રભા મારી સ્ત્રી કરતાં તમારી સ્ત્રી થવાથી વધુ સુખી થઈ શકે તેમ છે, તો હું મારી ફરજ તમારી બેઉની વચ્ચેથી ખસી જવાની સમજું છું. આટલું લખ્યા પછી મને મારો સ્વધર્મ પૂરો થયો લાગે છે. તમારી સચ્ચાઈ અને શુદ્ધબુદ્ધિ પર સંપૂર્ણ વિશ્વાસ સાથે હું આખી વાત તમારા પર છોડું છું. કાગળ લખાઈ રહ્યો. લખ્યા પછી અજિત એ બે વાર વાંચી ગયો. તોપણ એક રાત એના ઉપર જવા દેવાનો નિર્ણય કર્યો. રાત વીતી. વળતા પ્રભાતે જ્યારે એણે એ ફરી વાર વાંચ્યો ત્યારે એ ચોંકી ઊઠ્યો. કાગળ ભયંકર લાગ્યો. એ કાગળે પોતાની આંખો સામે ભાવિ જીવનનો પંથ ખુલ્લો કર્યો. એ પંથ પર એકલતા અને રુદનની કંદરાઓ આડી પડી હતી. સાથોસાથ એ પંથ પર સ્વતંત્રતા અને વિજયનાં સુવર્ણશિખરો પણ ઝળહળી ઊઠ્યાં. એકવાર આ કાગળ ટપાલની પેટીમાં પડી જશે, પછી તો તીર છૂટી જશે. એના પરિણામે પ્રભાને પોતે ગુમાવી બેસશે એવી સંભાવના પણ સામે ઊભી હતી. પ્રભાને ગુમાવવાની તૈયારી કરી શકાય તેમ છે? એના વેગભર્યા વિચારો સુસવાટા મારતા જુદાઈની ઘડી પર જઈ ઊભા. એની આંખોમાં આંસુ ઊભરાયાં. પ્રભાના મૃત્યુની સંભાવના વિચારતાં જે પ્રેમોર્મિ ઊમટી હતી તે જ પાછી ઊછળી. ફરી પાછો ઉલ્લાસનો રોમાંચ આવ્યો. પોતાની અંદર પુરાયેલા કેસરી સિંહે જંગલની હવાની સોડમ લીધી, કારાગારના સળિયા ખખડાવ્યા ને ત્રાડ પાડી. કાગળ લઈને એ પોસ્ટ ઑફિસને પંથે પળ્યો. અરધે રસ્તે આવતાં એ થંભ્યો. નહિ નહિ, આ પગલું ન ભરી શકાય; ઘેલછા છે — નરી ઘેલછા. ફરી પાછો ચાલ્યો. નિશ્ચય દૃઢતર બન્યો. પોસ્ટઑફિસની ટપાલપેટી સામે એણે આમતેમ આંટા માર્યા. એકાદ કલાક સુધી એણે હિંમતને સ્થિર કરવા યત્ન કર્યો. એક વાર તો એ પાછો પણ ફર્યો. એકાદ દિવસ હજુ વિચારી જોવા મન થયું. પણ પાછો ગયો ને કાગળ એણે ટપાલ કર્યો. તે પછી દિલમાં એક સબાકો નીકળ્યો. આ શું કર્યું! ઘર ભણી જતાં આખી વાટ એણે પાછા જઈને પોસ્ટમાસ્તરને એ કાગળ પાછો આપવા વીનવવાની ઊર્મિ સાથે બથોબથ યુદ્ધ કર્યું. આ કાગળ દીવેશ્વરને આજે બપોરે મળવો જોઈએ, એવી ગણતરી બાંધીને વળતા દિવસ સવારની ટપાલમાં આવનાર જવાબને માટે એ પોસ્ટમેનની સામે ચાલ્યો. જવાબનો કાગળ એના હાથમાં આવ્યો. ખોલીને એ વાંચવા લાગ્યો —
તમારો કાગળ મળ્યો. જવાબ હું તત્કાળ વાળું છું. એ કાગળે મને જે મનોવેદના કરાવી છે તેનું વર્ણન હું નથી કરી શકતો. આમાં એક ભયંકર ગેરસમજ ઊભી થઈ છે. ને હું આશા રાખું છું કે એ ગેરસમજ દૂર ન થઈ શકે તેટલી બધી આગળ નથી વધી ગઈ. તમારા અનુમાનને આધારભૂત ઠરાવે તેવું મારી ને તમારાં પત્નીની વચ્ચે કશું જ નથી બન્યું તેની હું ખાતરી આપું છું. તમારાં પત્ની એક કારમી આત્મવેદનાનાં ભોગ થઈ પડ્યાં હતાં ને મેં તેમને મળી શાતા આપવા યત્ન કર્યો હતો. મારા જેવા ધાર્મિક માણસની એ ફરજ હતી, ને મેં એથી વિશેષ કશું જ કર્યું નથી. તમે મને તેમજ તમારાં પત્નીને અન્યાય કર્યો છે. તમારાં પત્ની એક નિર્દોષ સુકોમળ અને વિશ્વાસુ આત્મવાળાં સન્નારી છે. તમારા પ્રત્યે તે પૂર્ણપણે પ્રેમપરાયણ છે, અને મારા તેમના પ્રત્યેના સેવાભાવી વર્તનથી તમારામાં આટલી ગેરસમજ પેદા થાય એ વિચાર તો મને કલ્પનાતીત લાગે છે. મારું લખેલું આ સ્વીકારી લઈને ઘાતકી સંશય તમારા અંતરમાંથી અળગો કરવા હું તમને વીનવું છું. તમારા સંસારનો સર્વનાશ અને પ્રભાબહેનનો જીવન-ધ્વંસ કરવાનું જો હું નિમિત્ત બનતો હોઉં તો એ મારે માટે અસહ્ય વાત છે. લગ્નસંબંધના પાવિત્ર્યમાં હું માનનારો છું અને એ લગ્નધર્મો પર આક્રમણ કરે એવો વિચારમાત્ર સેવવામાંયે હું ઘોર પાપ માનું છું. ફરી ફરી કહું છું કે તમારી કલ્પના નિર્મૂલ છે, ને તમે એ દૂર કરજો; ને આટલું તો ખાતરીપૂર્વક માનજો કે ભવિષ્યમાં કોઈ પણ સંજોગોમાં હું તમારાં પત્નીને ફરી મળીશ નહીં.