ડોશીમાની વાતો/નિવેદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|એક-બે વાતો|<BR>[નિવેદન]}} {{Poem2Open}} બાળવાર્તાઓથી ભરપૂર ખજાનો આપણા...")
(No difference)

Revision as of 10:16, 10 May 2022

એક-બે વાતો


[નિવેદન]


બાળવાર્તાઓથી ભરપૂર ખજાનો આપણા દેશની ડોશીમાઓ પાસે પડ્યો હતો. ધીરે ધીરે ડોશીઓ મરી ખૂટી. જે રહી તેનો બુઢ્ઢાપણનો રસ ઘરના કંકાસ તરફ ઢળી જઈ મલિન બન્યો. બાળકોના કિલકિલાટ બંધ પડ્યા. આજ બાળકોએ વાર્તાને અભાવે, જીવનમાંથી કેટલું જવાહિર ગુમાવ્યું છે તેનો આંકડો અદૃશ્ય કે અગમ્ય ભલે હોય! એક દિવસ સમજાશે કે એ નુકસાની બેસુમાર છે. બાળકેળવણી કે બાળસાહિત્યની યોજના એવાના હાથમાં સોંપાઈ કે જે બાળકોના મનોભાવ સમજી શકે નહીં. પરિણામે બાળસાહિત્ય જેવું કાં ગુજરાતી ભાષામાં રહ્યું જ નહીં. એક દિવસે આપણી આંખ ઊઘડી, જાગ્યા, બાળસૃષ્ટિ પર નજર માંડી. બાળકોના ચહેરા પર વહેલી વહેલી વૃદ્ધાવસ્થા દેખી, દુનિયાદારીનાં ડહાપણ દેખ્યાં. પણ કલ્પનાની મસ્તી ક્યાં ઊડી ગઈ? મનોરથોનાં મોજાં ક્યાં શમી ગયાં? સાહસ કરવાની આતુરતા, શૂરાતનના તનમનાટ, એ બધાં ક્યાં સંતાયાં? આપણને લાગ્યું કે બાળસૃષ્ટિમાંથી કાંઈક ખોવાયું છે — કાંઈક રસભર્યું, રમતભર્યું, અદ્ભુત અને આકાશગામી. બાળ કેળવણીનો ક્રમ ઉથલાવી પાડવા, ને નવી દુનિયા રચવા આજ કોશિશો થાય છે. પણ હજુ એ-ની એ જડબાંતોડ ભાષા, એ પાધરો બોધ દેવાની ઘેલછા, અગમ્ય વાતોને નાનાં ભેજાંમાં ખોસી ખોસીને ભરી દેવાની ઉતાવળ — આજ નવા બાલસાહિત્યમાં નજરે પડે છે. કંઠસ્થ સાહિત્ય તરફ લક્ષ્ય ખેંચાયું છે. પણ એને નવી ભાષાનાં અને નવા ભાવોના શણગાર પહેરાવીને બગાડી નાખવામાં આવે છે. નદી કિનારે કાદવમાં કે પાણીમાં મસ્તી ખેલતાં છોકરાંને જરીનો વજનદાર પોશાક જ પહેરાવ્યા જેવું એ ગણાય. એ ભય સાચો સમજાયો આપણા ગિજુભાઈને. કંઠસ્થ બાળસાહિત્યની સાચી ચાવી એમને જડી ગઈ. એમની સંગ્રહેલી બાળવાર્તાઓ આજે બાળકોને નચાવી રહી છે, અને મોટા નરનારીઓને ફરી એક વાર બાલ્યાવસ્થાનાં હાસ્યઆનંદમાં ઉપાડી જાય છે. ગિજુભાઈની વાર્તાઓ હાસ્યમય, વિનોદમય, બુદ્ધિચાતુર્યવાળી, શબ્દચાતુર્યવાળી રમતભરી છે. આ સંગ્રહમાં ભેળી થયેલી વાર્તાઓમાં અદ્ભુત રસ છે, કરુણ રસ છે, કલ્પનાના ખેલ છે, ગાંભીર્ય છે. એવી વાતોથી આપણું લોકસાહિત્ય છલોછલ ભર્યું છે. અંગ્રેજીમાં એને ‘ફેરી-ટેલ્સ’ કહેવામાં આવે છે. આમાંની કેટલીએક વાતો બંગાળાની લોકકથામાંથી લીધેલી છે. એ વાંચતાં જ આપણી જૂની સ્મૃતિ જાગે છે, ને યાદ આવે છે કે એની એ વાતો આપણે ત્યાં પણ હતી. હું માનું છું કે લગાર પ્રસંગોના ફેરફાર બાદ કરતાં ભૂમિકા એકની એક જ છે. કેમ જાણે એકનાં એક ડોશીમા બંને પ્રાંતમાં આથડીને એની એ વાતો કહી આવ્યાં હોય! ચારસો-પાંચસો ગાઉને અંતરે પડેલા પ્રાંતોનાં હૈયાનાં ઊંડાણમાં તો એક જ ધબકારા બોલી રહ્યા છે. ભારતવર્ષની એકરાષ્ટ્રતાનો આ પણ એક સબળ પુરાવો કાં ન હોય? બંગાળાની અંદર બાળ-સાહિત્યની વાડી આજ આપણા રાષ્ટ્રજીવનને ખરે ઉનાળે ઊગી નીકળી છે. એની લીલી ક્યારીઓ ભાળીને આપણને ગુજરાતીઓને આપણાં ઉજ્જડ ખેતરોને માટે લજ્જા જ આવે. સોનબાઈ, નિર્દયાળુ અપ્સરા, નીતિવાન ચોર, રાજકુમાર–રાજકુમારીએ — એ ચાર વાર્તા આપણાં ડોસા-ડોસી પાસેથી મળી. બીજી મેળવવા દસબાર ડોશીમાઓ પાસે કરગર્યો. પણ એ છિન્નભિન્ન સ્મૃતિઓમાંથી સળંગ વાર્તાઓ શોધવી મુશ્કેલ પડી. તથાપિ તપાસ ચાલુ છે. મેળવીને ફરી એક વાર એ આપણાં નાનાં ભાઈ–બહેનોને ભેટ ધરશું. જેને જેને જડી આવે તે આંહીં લખી મોકલે તો કેવું સારું! ભાષા તો ડોશીમાની જ રાખવા કાળજી કરી છે. છતાં હું શિક્ષક નથી, બાળકોનો નિત્ય-સંગી પણ નથી. શંકા રહે છે કે સીધેસીધી આ વાતો વાંચીને નાનાં ભાઈ–બહેનો કદાચ પૂરેપૂરી ન સમજે, તેથી જ આ અર્પણ થઈ છે આપણી ભણેલીગણેલી યુવાન માતાઓને. એ બહેનો રસભેર વાંચી શકશે તેની મને અનુભવપૂર્વક ખાતરી છે. અને પછી તો, પોતાનાં બાળકની પાસે પોતાની ઢબે એ વાતો કહેવાનું જ બાકી રહે છે. મારી તો આશા છે કે નાનાં કે મોટાં, નર કે નારી, સહુને આ વાતોમાં રસ પડવાનો. ડહાપણ, ડગલે ને પગલે તર્ક, દરેક કાર્યમાં બુદ્ધિ, જુક્તિ, અને આડમ્બર — એ નિત્યના જીવનક્રમથી આપણે કેટલીયે વાર થાકી જઈએ છીએ. ધરતીના સીમાડા વટાવીને ઊંચે ઊડવા આપણી કલ્પના તલસે છે. ફરી બાળપણની રમ્ય સૃષ્ટિમાં મહાલવાનું મન થાય છે. તે વેળા આવી અસંભવ જણાતી વાતોમાં પણ આપણે તલ્લીન બનીએ, હસીએ, ને રડીએ પણ ખરાં. અને પશુપંખીઓ ઉપર પણ પ્રીતિ આવે. બાળકોનાં હૈયાંમાં ન ઊતરે તેવી કેટલીએક બીનાઓ કે પ્રસંગો આવે ત્યાં સમજાવટ કરવી ઘટે. એ પણ બાળકો શાળામાં જઈને શીખે તેના કરતાં આવી વાતોમાંથી જ સમજી લ્યે. એટલે જીવનની ઝીણી ઘટનાઓ પણ એની નજરે આવે. શબ્દો પણ બાળકોને શીખવાય. મારી આજીજી તો માતાઓની પાસે જ છે. એનાં પ્રેમલ અંતરમાંથી જ ધાવણની પેઠે આપોઆપ ઊછળેલી આ વાર્તાની ધારાઓ છે. કોઈ સાક્ષરે, કવિએ કે પંડિતે નથી જોડેલી. એમાં તો જનેતાનું હૃદય નીતરી રહ્યું છે. જે જનેતા ખોળામાં બેસાડીને ધાવણ પાય, તે જ જનેતાએ, પડખામાં ઘાલીને પોતાના સમજણા બચ્ચાંને સૂવાટાણે આ હૃદયના ધાવણની ધારાઓ પણ પાવી જોઈએ. માતાઓને ક્યારે માલૂમ પડશે કે, વાર્તા સાંભળવાને કાજે બાળકનો પ્રાણ કેટલો બધો તરફડે છે? ચિત્રોને માટે, તેમજ એ ચિત્રોવાળી વાર્તાઓને માટે, બંગાળાનાં એક બાળકપ્રેમી બહેન શ્રીમતી સુખલતાનો આપણે સહુ અહેસાન માનીએ. બંગાળાની લોકવાર્તાઓના બે-ત્રણ સંગ્રહ બહાર પાડી, પોતાની જ પીંછીથી ચિત્રો ઉપજાવી, આ અપરિચિતા બહેને બાળકોની કેટકેટલી સેવા કરી ગણાય! સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર, રાણપુર : 18-2-1923 ઝવેરચંદ મેઘાણી

[પાંચમી આવૃત્તિ]

આ પુસ્તકનું લખાણ હું 1922માં ‘સૌરાષ્ટ્ર’માં જોડાવા આવ્યો ત્યારે સાથે લઈ આવ્યો હતો. મારા લેખક-જીવનની વહેલી પરોડનું આ સર્જન આજે પાંચમી આવૃત્તિ નિહાળે છે. ઘણા વખતથી એની ચાલુ માગ છતાં એ અપ્રગટ રહ્યું હતું. રાણપુર : 3-1-’38 ઝવેરચંદ મેઘાણી