ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માવજી મહેશ્વરી/ગ્રહણ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} આસો માસના વૈભવ જેવી શરદપૂનમની સાંજ પડી. સૂરજે ચંદ્રને મોકળું...") |
(No difference)
|
Revision as of 07:32, 19 June 2021
આસો માસના વૈભવ જેવી શરદપૂનમની સાંજ પડી. સૂરજે ચંદ્રને મોકળું મેદાન આપ્યું. શણગારેલું છાત્રાલય છોકરીઓના કલશોરથી ગાજી ઊઠ્યું. પંદરેક દિવસથી તૈયારીઓ કરતી છોકરીઓ આજે ઉત્સાહથી થનગનતી હતી. પાંત્રીસેક જેટલી છોકરીઓનો આ આવાસ આજે સાવ બદલાઈ ગયો હતો. પાંચમાંથી બારમા ધોરણની છોકરીઓ અહીં રહેતી હતી. જો કે બારમાની પાંચ જ છોકરી હતી. પણ એ પાંચ થકી છાત્રાલયના ગૃહમાતા અંજનાબહેનને ઘણી નિરાંત હતી. સફાઈથી શિસ્ત સુધીની બધી વ્યવસ્થાઓમાં એ પાંચ જણીની ખાસ્સી મદદ અંજનાબહેનને મળતી. અને આજના કાર્યક્રમની વ્યવસ્થા જળવાય તે માટે અંજનાબહેને એ પાંચ જણીને જ ક્યાંય નહોતી રાખી. પાંચમાંથી સ્મિતા જરા નારાજ દેખાતી હતી. સ્મિતા આમેય બોલકી હતી. એ પોતાની નારાજગી છાની નહોતી રાખી શકતી. અંજનાબહેને નોંધ્યું કે સ્મિતાએ આજે આખોય દિવસ હસીને વાત નહોતી કરી. જો કે અંજનાબહેનને સ્મિતા ગમતી. છાને ખૂણે થોડો પક્ષપાત પણ ખરો. જો કે સ્મિતા હતી પણ એવી કે કોઈનેય ગમી જાય. થોડી ચંચળ, હસમુખી અને અત્યંત દેખાવડી. છતાં સ્મિતા લુચ્ચી નહોતી, ડાહી હતી. પણ ચતુર નહોતી. અંજનાબહેનને ક્યારેક ચિંતા થતી.
આમ તો આ છાત્રાલય અનાથ છોકરીઓ માટે હતું. ખાનગી ટ્રસ્ટ દ્વારા ચાલતા આ છાત્રાલયમાં દરેક છોકરીની અલગ અલગ કથા હતી. કોઈના મા-બાપ નહોતા એટલે તેઓ અનાથ હતી તો કોઈ છતે મા-બાપે અનાથ હતી. સ્મિતા એમાંની એક. એના મા-બાપ છૂટા પડી ગયા હતા. સ્મિતા એની મા સાથે રહેતી હતી. એની દેખાવડી મા એક પુરુષને ગમી ગઈ. પણ પેલાએ છોકરી સ્વીકારવાનો ઈન્કાર કર્યો. થોડું થોડું સમજવા લાગેલી સ્મિતા નાનપણમાં કોઈનો સ્નેહ પામી નહોતી. અને જ્યારે અંજનાબહેન છાત્રાલયમાં આવ્યા તે પછી સ્મિતા અંજનાબહેનને મા સમજવા લાગેલી. બહારનાં કામો સ્મિતા કરી આવતી. ટ્રસ્ટીઓને ઘેર જવું હોય કે કોઈ કચેરીમાં જવું હોય સ્મિતા હંમેશાં તૈયાર રહેતી.
અંજનાબહેનને અહીં બે વરસ થઈ ગયાં હતાં. બે વરસમાં તેમણે છાત્રાલયને અંદર અને બહાર બેય રીતે બદલી નાખ્યું હતું. મોટાભાગે ચૂપ રહેતા, ખપ પૂરતી વાત કરતા. સાવ સાદાં કપડાં, કોઈ ટાપટીપમાં ન માનતા અંજનાબહેનને જોઈ ટ્રસ્ટીઓને નવાઈ લાગતી કે આ યુવતીમાં એવું તે શું છે કે છોકરીઓ એનો પડ્યો બોલ ઝીલી લેવા તૈયાર રહે છે. જો કે ઈન્ટરવ્યુ વખતે જ ટ્રસ્ટીઓને ખ્યાલ આવી ગયો હતો કે આ સ્ત્રી જરા જુદી માટીની છે. પહેલું કારણ એ હતું કે એમને જ્યારે પૂછવામાં આવેલું – કેટલા પગારની અપેક્ષા રાખો છો? ત્યારે તેમણે કહેલું – મને કામ કરવા દો. મારું કામ જોઈને નક્કી કરજો કે મને પગાર આપવો કે નહીં?… અને આમ પગાર વગર ચાર મહિના વીતી ગયા. સામાન્ય કામકાજ માટે એકાંતરે છાત્રાલયમાં આવતા એક ટ્રસ્ટીના હોઠ પર રોજ આ વાત આવે પણ તે અંજનાબહેનને કહી ન શકે. છાત્રાલય બરાબર ચાલતું હતું. છોકરીઓ ભણતી હતી. એટલું જ નહીં પહેલાં કરતાં વાતાવરણમાં એકદમ પલટો આવી ગયો હતો. કોઈ ફરિયાદ નહોતી. અંજનાબહેનને કોઈ અપેક્ષા નહોતી. ટ્રસ્ટીઓ મુંઝાયા. વેતન વગર કામ કરતી આ યુવતી પાસેથી ક્યાં લગી કામ લેવું? ટ્રસ્ટીઓની મિટીંગ થઈ. અંજનાબહેનને ફરી પૂછવામાં આવ્યું. ફરી અંજનાબહેને ટ્રસ્ટીઓને મુંઝવ્યા. આખરે ટ્રસ્ટીઓના અતિ આગ્રહથી તેમણે મહિને માત્ર હજાર રૂપિયા લેવાની હા પાડી. ટ્રસ્ટીઓ માટે આ યુવતીનું આશ્ચર્ય અને રહસ્ય વધતું જતું હતું જેના દેખીતા પણ કેટલાંક કારણો હતાં.
બે વરસમાં ન તો અંજનાબહેન ક્યાંય ગયાં હતાં કે ન તો એમને મળવા કોઈ આવ્યું હતું. અંજનાબહેન પોતે ત્યકતા હતાં. પોતે મહેસાણા જિલ્લાના વતની છે એવું ઈન્ટરવ્યુ વખતે કહેલું. એમના અભ્યાસના પ્રમાણપત્રો પણ એ તરફના જ હતા. છતાં પ્રશ્નોના જાળાં હતાં, જે ટ્રસ્ટીઓને સમજાતાં નહોતાં. હા, અંજનાબહેનનો છોકરો એમની સાથે રહેતો હતો. ટ્રસ્ટીઓ તેમના કામથી ખૂશ હતા. એમને ઝાઝી પડપૂછમાં પડવું નહોતું. અંજનાબહેને બે વરસમાં છાત્રાલયને ખરા અર્થમાં એક છાત્રાલય બનાવ્યું હતું. ટ્રસ્ટીઓને તેમના પર વિશ્વાસ બેસી ગયો હતો.
આ શરદપૂનમની રાતે નાનકડો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, ટ્રસ્ટીઓ હાજર રહે, શહેરનો અન્ય વેપારીવર્ગ હાજર રહે એવું આયોજન થયેલું. છોકરીઓ હરખની મારી સરખું જમી પણ નહોતી. પણ આજે ચંદ્રગહણ હતું અને રાતની શરૂઆતમાં જ હતું. એટલે ગ્રહણ પત્યા પછી કાર્યક્રમ શરૂ થવાનો હતો. ગ્રહણ દરમિયાન પ્રાર્થના-ધ્યાન જેવી પ્રવૃત્તિઓ ગોઠવાઈ હતી. અંજનાબહેને બધી છોકરીઓને હૉલમાં ભેગી કરી. હારબંધ બેઠેલી છોકરીઓએ આંખો બંધ કરી. સામે પલાંઠી વાળીને બેઠેલા અંજનાબહેને ઊંડા શ્વાસ ભર્યા. આંખો બંધ કરી. છોકરીઓએ ઓમનાદ શરૂ કર્યો. બહાર ક્યાંક રમતો તેમનો દીકરો એકદમ દોડી આવ્યો. અને જોરથી બોલ્યો: ‘મમ્મી, ગ્રહણ એટલે શું?’
મોટાભાગની છોકરીઓની આંખો ખૂલી ગઈ. અંજનાબહેને કોઈ જવાબ ન આપ્યો. તેમણે સ્મિતાને ઈશારો કર્યો. સ્મિતા જ અંજનાબહેનના છોકરાને રમાડતી. સાચવતી. સ્મિતા છોકરાને કાખમાં તેડી ચાલી ગઈ. છોકરીઓએ ફરીથી આંખો બંધ કરી. ઓમનાદ કર્યો. હૉલમાં છોકરીઓનો એક સરખો લય ગુંજતો હતો. પણ અંજનાબહેને કેટલોય પ્રયત્ન કર્યો છતાં હંમેશની જેમ છોકરીઓ સાથે જોડાઈ શક્યા નહીં. એમની બંધ આંખો સામે ખીલેલા ચંદ્રને ધીમે ધીમે લાગતું ગ્રહણ દેખાતું હતું. છોકરીઓ આંખો બંધ કરી ધ્યાનમાં બેઠી હતી. અંજનાબહેનની આંખો એમની જાણ બહાર ખુલી ગઈ. પ્રાર્થના-ધ્યાન પૂરાં થયાં. બહાર ટ્રસ્ટીઓ આવી ગયા હતા. સ્મિતા ત્યાં હતી. થોડીવારે તે અંજનાબહેનના છોકરાને લઈને પાછી આવી. અંજનાબહેનને સમજાયું નહીં કે સ્મિતાનો ઊતરેલો ચહેરો અચાનક શા માટે ખીલી ગયો હતો? એની નારાજગી દૂર થઈ ગઈ હતી. તે ચંચળ હરણીની જેમ વ્યવસ્થા માટે આમતેમ ફરવા લાગી.
છાત્રાલયનું કાર્યાલય મહેમાનો અને ટ્રસ્ટીઓથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. છોકરીઓને વ્યવસ્થા સોંપી અંજનાબહેન કાર્યાલયમાં ગયાં. ગૃહમાતાના નાતે તેમણે આજના આખાય કાર્યક્રમની વિગત આપી. ટ્રસ્ટીઓ સાથે જરૂરી વાતચીત કરી. એક ખુરશી પર બેસી ગયાં. સૌને ખબર હતી કે અંજનાબહેન ઓછું બોલે છે. એટલે બીનજરૂરી વાતો અંજનાબહેનની હાજરીમાં ભાગ્યે જ થતી. ટ્રસ્ટીગણમાં જેમનું વધુ વજન પડતું હતું તેમણે અંજનાબહેન સામે જોતાં કહ્યું: ‘બહેન, કાર્યક્રમ પત્યા પછી હું સ્મિતાને તેડી જઈશ.’
થોડીવાર અંજનાબહેન એમની સામે જોઈ રહ્યાં. એમણે કોઈ જવાબ ન આપ્યો.
ટ્રસ્ટીએ પૂછ્યું: ‘શેના વિચારમાં પડી ગયાં બહેન?’
અંજનાબહેનના કપાળમાં સળ પડ્યા. બોલવું ગમતું ન હોય એવો આછો ભાવ આવ્યો છતાં તેમણે કહ્યું: ‘રાતના ક્યાં તેડી જશો?’
ટ્રસ્ટીએ જરા સ્મિત સાથે કહ્યું: ‘બહેન, તમે તો જાણો છો એ છોકરીએ અમારા સૌના દિલ જીતી લીધાં છે. મારા ઘરના સભ્ય જેવી જ બની ગઈ છે, સ્મિતા. મારા છોકરા-છોકરીઓને સ્મિતા વગર ગમતું જ નથી. એમણે સામે દરિયાકિનારે ઊજવણીનો કાર્યક્રમ બનાવ્યો છે. મારા છોકરાએ કહ્યું છે કે સ્મિતાને તેડતા આવજો.
‘એ નહીં બને.’ અંજનાબહેનના જવાબથી ઑફિસમાં સોપો પડી ગયો. એકબીજાના શ્વાસ સંભળાય એટલી શાંતિ પથરાઈ ગઈ. ટ્રસ્ટીના કપાળની નસો ખેંચાઈ. એમણે જે સાંભળ્યું તે એમના ધાર્યા બહારનું હતું. છતાં એમણે મોં હસતું રાખીને પૂછ્યું: ‘કેમ બહેન, તમને શો વાંધો છે?’
‘વાંધો છે. સખત વાંધો છે.’
ફરી અંજનાબહેને બધાંને સ્તબ્ધ કરી નાખ્યા. તેઓ જેમની સાથે વાત કરી રહ્યા હતા એ ટ્રસ્ટી કોઈ સામાન્ય વ્યક્તિ ન હતા. પણ ઓચિંતું વાતાવરણ બદલાયું. બે વરસથી ચાલતો લય થોડી ક્ષણોમાં જ ખોરવાયો. ટ્રસ્ટીની ભાષામાં સત્તાની છાંટ તેજ થઈ. દઝાડી નાખે તેવી ઠંડકથી તેમણે કહ્યું: ‘બહેન, તમે કોની સાથે વાત કરો છો એ ભૂલી ગયા લાગો છો!’
અંજનાબહેને ઝુકાવેલી નજર ઊંચી કરી. ટ્રસ્ટીની આંખોમાં આંખ નાખીને કહ્યું: ‘હું અહીંની ગૃહમાતા છું. પાંત્રીસ છોકરીઓની મા છું એટલું મને બરાબર યાદ છે.’
જાણે ભરબજારે કોઈએ થપ્પડ મારી હોય એવા ભાવ ટ્રસ્ટીના મોં પર આવી ગયા. તેમણે આસપાસ જોયું. કોઈને વચ્ચે પડવાનું સૂઝતું ન હોય એમ બધા ચૂપ બેઠા હતા. એ ટ્રસ્ટીએ જરા અવાજ ઊંચો કરીને કહ્યું: ‘તમે કાલે કદાચ અહીં ન હો એ યાદ હોય એવું લાગતું નથી. તમે કોણ છો, એની ખબર નથી તમને! ‘મને મારા કર્તવ્યની ખબર છે. હું રાતના કોઈ છોકરીને ક્યાંય જવા નહીં દઉં. અને રહી મારા અહીં હોવાની વાત તો હું હમણાં જ મારું રાજીનામું લખી આપું છું. પછી તમને યોગ્ય લાગે તેમ કરજો.’
વાત એકદમ જુદે પાટે ચડી ગઈ હતી. આખાય કાર્યક્રમનો આનંદ છેદ છેદ થઈ જશે એવું લાગતાં મુખ્ય ટ્રસ્ટી જે એકધારું અંજનાબહેનને જોઈ રહ્યા હતા તેમણે શાંત સ્વરે કહ્યું : ‘બહેન, હું તમારી ફરજને વખાણંવ છું પણ આ તો આપણા ટ્રસ્ટી છે. એમની સાથે કોઈ છોકરી જાય તો ય તમને વાંધો છે? કારણ શું?’
અંજનાબહેન ચૂપ થઈ ગયા. બહારથી એમનો છોકરો દોડી આવ્યો. અંજનાબહેને છોકરા સામે જોયું. એમની પીઠ જરા ટટ્ટાર થઈ. આંખોમાં સહેજ પાણી ફરી વળ્યું. ઑફિસમાં ભયંકર સન્નાટો ફેલાઈ ગયો હતો. અંજનાબહેન હવે શું કહેશે તે તરફ સૌ તાકી રહ્યા હતા. બોલવામાં શ્રમ પડતો હોય તેમ તેમનું ગળું ખેંચાયું. એમણે છોકરાના માથા પર હાથ ફેરવતાં કહ્યું: ‘સાહેબ, બધી બાબતોના દેખીતા કોઈ કારણ ન પણ હોય. હા, આજે કેટલીક સ્પષ્ટતાઓ બધાંની વચ્ચે જ કરી દઉં. તમે લોકોએ ઘણી વખત પૂછ્યું છે કે કેમ હું ક્યાંય જતી નથી, કોઈ મને મળવા આવતું નથી? પણ મારું કોઈ છે જ નહીં. હું અનાથ હતી. છાત્રાલયમાં જ ભણતી હતી. આ છોકરો મારો છે પણ…
તેઓ ક્ષણેક અટક્યા. બધા એમને તાકી રહ્યા. ‘હું ભણવામાં તેજ હતી. મારી ગૃહમાતા અને ટ્રસ્ટીઓને વહાલી હતી. પણ મારી ગૃહમાતા ગાફેલ હતી. હું એટલી ગાફેલ નથી. મેં મારી વાત કહી દીધી છે હવે તમારે જ નિર્ણય લેવો હોય તે લઈ શકો છો.’ અંજનાબહેનની આંખો ભાવશૂન્ય બની ગઈ. ઑફિસમાં સ્તબ્ધતા હતી. બહાર ચંદ્ર ગ્રહણમુક્ત બની ગયો હતો.