રંગ છે, બારોટ/10. ભેરિયો ને ભૂજિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|10. ભેરિયો ને ભૂજિયો}} {{Poem2Open}} જેસલમીરના રાજકુંવરને ગારુડીવિદ...")
(No difference)

Revision as of 16:22, 13 May 2022

10. ભેરિયો ને ભૂજિયો

જેસલમીરના રાજકુંવરને ગારુડીવિદ્યાનો નાદ લાગ્યો છે, રાજકાજમાં ધ્યાન નથી. મોરલી વગાડવામાં જ મશગૂલ રહે છે. એની મોરલીએ મણિધર ફણીધર ડોલે છે. ગારડી વિદ્યાના મંતર જંતર હાથ કરવા રાજકુંવર ભેરિયો દેશદેશમાં ભમે છે. જુવાન થયો, ભૂચર, ખેચર અને અગોચર વિદ્યાને એણે સાધી લીધી. પગની ઘૂંટી સુધી ઢળકતી એક ભગવી રેશમી કફની પહેરી, ઝૂલતાં જુલ્ફાં માથે ભગવો ટૂંકો ફટકો બાંધી, હાથમાં હીરાજડિત મોરલી લઈ અને સોને મઢેલ ચાખડીએ ચડીને ભેરિયો એક દિવસ ભર્યાં ભર્યાં રાજપાટને છોડી માબાપથી છાનોમાનો મહેલ બહાર નીકળી ગયો. મોરલીના સૂરને માથે જંગલોનાં પશુપંખીને ડોલાવતો ભેરિયો ગારડી પંથ કાપ્યે જાય છે. એમાં એક વાર પોતે એક ઠેકાણે ઊભો રહ્યો. ભૂચર વિદ્યાનો સાધેલ ખરો ને, એટલે ભૂતળમાં કોઈક વાતો કરતું લાગ્યું. હેઠે બેસીને એણે કાન માંડ્યા. પૃથ્વીના પેટાળમાં કોક બે જણા વાતો કરે છે. શું વાતો કરે છે? એક જણ બીજાને કહે છે કે, “હે સિદ્ધ! સિંધુના કાંઠાની લાખી ગુણિકા નવસો ને નવ્વાણું જાતના નાગને સાધીને બેઠી છે. બેઠી બેઠી કોઈક એ નવસે નવ્વાણું નાગના નાથનારની વાટ જુએ છે. છે તો ગુણિકાનું દૂધ, અને રૂપજોબન દેહમાં માતાં નથી, પણ વિદ્યાની સાધનામાં એવી ચડી ગઈ છે, કે એના નાગને નાથનારો આવે તો જ વરે, નીકર બાળેવેશ બેઠી આયુષ્ય કાઢશે એવાં તો એણે વ્રત લીધાં છે.” ત્યારે બીજા સિદ્ધે જવાબ દીધો કે “યોગીરાજ! જેસલમીરનો રાજકુંવર ભેરિયો ગારડી બન્યો છે, ગારડી વિદ્યાને માટે તો તેણે રાજપાટ અને માબાપ છોડી દીધાં છે; રૂપ તો બેય એકબીજાને ઝંખવે તેવાં છે. બેયનું જોડું જામી પડે….. પણ.” એ ‘પણ’ શબ્દને સાંભળવાની ધીરજ ભેરિયો ન રાખી શક્યો. એણે સાંભળ્યું પણ અધૂરું સાંભળ્યું. એની સોનાની ચાખડીઓ સિંધુનાં નીર ઢાળી વહેતી થઈ. રસ્તામાં એણે ચાર ચેલા કર્યા. ચારેયને પોતે કહી રાખ્યું કે “દેખો ચેલા! મારી ગારડી-સાધનામાં કોઈ વાર પણ જો મને સાપડંશથી મૉત મળે, તો મારા શબને તમે બાળશો નહીં, દાટશો નહીં, પણ તળીને ભક્ષ કરી જજો.” ચેલાઓએ કબૂલ કર્યું, પણ કારણ કાંઈ પૂછ્યું નહીં, જુવાન ગુરુએ કારણ કહ્યું નહીં. થોડે દિવસે સિંધુનો કાંઠો આવ્યો. આ કાંઠે ભેરિયાનો પડાવ, ને સામે કાંઠે લાખી ગુણિકાના ડેરા-તંબૂ. સામે કાંઠે ઊડવા માટે ભેરિયે ખેચર વિદ્યા અજમાવી. પણ ઊંચે ઊડીને પાછો પડે. ઊડે ને પાછો પડે. કારણ શું? કારણ કે સામેથી લાખીની ખેચર વિદ્યા એને અટકાવે છે. ઊડવા ન દીધો. થાકીને ભેરિયો ભોંયે સૂતો. પડખે રત્નજડિત મોરલી પડી છે, સોનાની ચાખડી પડી છે. ભગવા રંગની રેશમી કફનીએ દેહ ઢંકાણો છે. મોં ઉપર કમ્મરબંધ ઢાંક્યો છે. મોવાળા ભોંય માથે પથરાઈ ગયા છે. ભેરિયો ઊંઘે છે. અધરાત થઈને લાખી ઊડીને આવી. ઊંઘતા ભેરિયાના મોં માથેથી પાંભરી ખસેડીને રૂપ નીરખી રહી. વાય રૂપ! વારી રૂપ! સાચો બત્રીશલક્ષણો. જેની વાટ હતી તે જ આવી પહોંચ્યો ને શું? પગનો અંગૂઠો હલાવ્યો : “ઊઠ રે જુવાન! ઊઠ. તારી જ વાટ જોતી’તી. નાથી દે મારા નવસો ને નવાણુંને; પછી આપણે ચાર મંગળ વરતીએ.” ઊડીને સામે કાંઠે ગયાં. નવસો ને નવાણું કરંડિયા ગોઠવીને લાખીએ રાખ્યા હતા. ઢીંચણભર થઈને ભોરિયો મોરલી મંડ્યો ખેંચવા. એક એક કરંડિયો ઊઘડે છે, એક કરતાં એક અદકા અજાજૂડ નાગ ઊઠે છે, પૂંછડી માથે ટટ્ટાર થઈ જઈને સૂપડા સૂપડા જેવડી પહોળી ફેણ માંડે છે, ફૂં! ફૂં! ફૂંફાડે છે, આંહીં મોરલીના સૂર માથે ને નાગની વરાળ નાખતી આંખો સામે ભેરિયો એકધ્યાન છે. અરે!