રંગ છે, બારોટ/12 ખાનિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|12 ખાનિયો}} '''ઈરાન''' દેશના બે ઉમરાવ દલ્લીના પાદશાહની કચેરીમા...")
(No difference)

Revision as of 12:55, 14 May 2022

12 ખાનિયો


ઈરાન દેશના બે ઉમરાવ દલ્લીના પાદશાહની કચેરીમાં એક દિવસ આવીને ઊભા રહ્યા. દલ્લીના પાદશાહે તો બહુ માનપાન દીધાં છે, અને પછી પૂછ્યું છે, કે “કહો, આવવાનું કારણ શું છે?”

ત્યારે ઈરાનના ઉમરાવે કહ્યું કે “જહાંપના, અમે આ બે પૂતળિયું લાવ્યા છીએ. અમારો સવાલ એ છે કે બે પૂતળિયુંમાં અસલ કઈ અને નકલ કઈ? એનો જવાબ આપવાનો છે. અને એ જવાબ આપો તે પછી અમારા ચાર સવાલ છે તેનો ખુલાસો આપો. એ ચાર સવાલ આ છે કે —

જાતની કજાત કોણ?
કજાતની જાત કોણ?
કચેરીના કુત્તા કોણ?
મહેફિલના ગધ્ધા કોણ?

આ બે પૂતળિયું અને ચાર સવાલ લઈને અમે દેશેદેશ ફરીએ છીએ. એના ખુલાસા કોઈ આપી શક્યું નથી. દરેક દેશના રાજાએ અમને હાર્યનું લખત લખી દીધું છે. તમે પણ કાં તો ખુલાસા આપો ને કાં હાર્યનું લખત કરી આપો.” “લાવો જોઉં એ બે પૂતળિયું!” કે’, “આ લ્યો.” બેય પૂતળી જોઈને દલ્લીનો પાદશા વિચારમાં પડી ગયો. બેય પૂતળી એકસરખી છે. ક્યાંય તલભાર પણ ફરક નથી. રૂપ, રંગ, તોલ, સોનાં, બેયનાં એક જ છે. ફેરવી ફેરવીને જોવે છે પણ ખબર પડતી નથી કે અસલ કઈ ને નકલ કઈ. પાદશાહે તો પૂતળિયું પોતાની કચેરીના કાજીને ને પંડિતને, કવિને ને શાહિરને, સોદાગરને ને વેપારીને, તમામને બતાવી છે. એક હાથમાંથી બીજા હાથમાં પૂતળિયું ફરે છે, પણ કોઈ કરતાં કોઈ કળી શકતું નથી કે એમાં અસલ કઈ ને નકલ કઈ. ત્યારે ઈરાનના ઉમરાવોએ કહ્યું કે “હાંઉ જહાંપના! લખી આપો કે તમે હાર્યા!” સાંભળીને દલ્લીનો પાદશા તો સોળ કળાનો હતો તે એક કળાનો થઈ ગયો છે; કે હાય હાય! ઈરાનના પાદશાની પાસે આપણે અક્કલમાં હાર્યા ગણાશું ને મલકમાં હલકા પડશું. કાજીઓનાં ને શાસ્ત્રીઓનાં ડાચાં પણ વકાસી રહ્યાં. મોટા મોટા કવિઓ સૂનમૂન થઈ ગયા. વાઢો તો છાંટો લોહી ન નીકળે! વળી પાછા ઈરાનના ઉમરાવો બોલ્યા કે “જહાંપના, લખી આપો કે દલ્લી હાર્યું.” પાદશા કહે કે “સબૂર ભાઈ! મારી કચેરીના કાજી ને પંડિત ન કળી શક્યા તો ખેર; પણ વખત છે ને મારી વસ્તીમાંથી કોઈક પારખનારો નીકળી આવે. માટે આ પૂતળિયુંને લઈને એક સવારી કાઢો, અને દલ્લી શહેરની ગલીએ ગલીએ આ ઉમરાવોને હાથીની અંબાડીએ ફેરવો.” પાદશાનું કહેવું સાંભળીને ઈરાનના ઉમરાવોએ મનમાં મનમાં હસવા માંડ્યું. કચેરીના માણસ પણ વિચારી રહ્યા, કે અરે! દલ્લીની કચેરીનાં ડહાપણથી તો આડો આંક આવી રહ્યો. હવે વળી વસ્તીમાં કોણ વધુ ડાહ્યો ને ચતુરસુજાણ બાકી હશે તે પાદશા વધુ ભવાડો કરવા તૈયાર થયો છે! બીજે દિવસે તો સવારી નીકળી છે. ઈરાનના બે ઉમરાવ હાથીની અંબાડીએ બેઠા છે. મ્યાનામાં બેય પૂતળિયું રાખી છે અને એક થાળીમાં બીડદાર બીડું મૂકીને આગળ ચાલે છે. માર્ગે માર્ગે અને શેરીએ શેરીએ બીડદાર બોલતો જાય છે કે “હે દલ્લી શહેરનાં માનવીઓ! આ બે પૂતળિયુંમાં અસલ કોણ ને નકલ કોણ એનો જવાબ આપવાનો છે. જે જવાબ આપી શકે તે આ બીડું જમી જાય. કોઈ જવાબ આપો. કોઈ બીડું જમો, આપણા દલ્લી શહેરની ને આપણા પાદશા સલામતની કોઈ આબરૂ રાખો. નીકર આપણે હાર્યા કહેવાશું.” બીડદારના બોલ સાંભળીને હેમાશા ને મોતીશા શેઠ બહાર નીકળે છે, ભોગળ ભટજી અને ખોખલા પંડ્યા બહાર નીકળે છે, મિયાં પેપડીખાં અને હાંડીખાં બહાર નીકળે છે; પૂતળિયુંને તપાસી તપાસી જુએ છે, જોઈને પાછા ભોંઠા પડી ઘરમાં પેસી જાય છે. કોઈ કરતાં કોઈ અસલ કઈ ને નકલ કઈ તેનો જવાબ દઈ શકતા નથી. એમ કરતાં કરતાં તો સરઘસ કાજીવાડે ગયું ને બીડદારે બરાબર પાદશાના વડા કાજીની મેડી સામે સાદ દીધો કે “છે કોઈ આ બે પૂતળિયુંમાં અસલ–નકલ પારખી દેનારો? હોય તો આ બીડું જમે.” બીડદારના બોલ સાંભળીને વડા કાજીના ઘરમાંથી એક જુવાન છોકરો બહાર નીકળ્યો. એનું નામ ખાનિયો. ખાનિયો મોઢે બેઠી માખ પણ ઉડાડી ન શકે તેવો મુફલિસ હતો. એણે રસ્તામાં આવીને કહ્યું કે “ઊભા રો’, લાવો ઈ બે પૂતળિયું.” ખાનિયે પૂતળિયું જોવા માગી ત્યારે આ બધા હસી પડ્યા; કે કોઈ નહીં ને આ કાજીના ચાકર ભૂખલ્યા ખાનિયાને શૂરાતન ચડ્યું! પણ ફકર નહીં. આંઈ દલ્લી શે’રમાં તો રાઈનો કણ સૌ સરખો. લે ખાનિયા! તું યે જોઈ લે બાપ! તારી પાછી મનની મનમાં ન રહી જાય! પૂતળિયુંને ફેરવી ફેરવી તપાસીને ખાનિયે કહ્યું : “મને આ પૂતળિયું થોડીક વાર ઘરમાં લઈ જાવા રજા છે?” કે’, “હા, રજા છે.” ખાનિયે પૂતળિયુંને અંદર લઈ જઈને પછી જોયું કે બેયને બેય કોર કાનમાં ઝીણાં વીંધાં છે. ખાનિયે તો એક તાર લીધો, લઈને એક પૂતળીના કાનના વીંધમાં તાર નાખ્યો. તારને ઊંડો ને ઊંડો પેસાર્યો. ત્યાં તો તાર એક કાનેથી બીજા કાનમાં થઈને સોંસરવો બહાર નીકળ્યો. ઠી…ક! હવે બીજી પૂતળીના કાનમાં નાખી જોઉં. બીજી પૂતળીના કાનમાં તાર નાખ્યો. નાખ્યો, નાખ્યો, ખૂબ નાખ્યો, પણ એ તાર બીજા કાનમાં તો ન નીકળ્યો, પણ પૂતળીના પેટમાં ને પેટમાં ઊતરતો ગયો. ખાનિયાનું મોઢું મલકાઈ પડ્યું. એણે તો બહાર આવી, ચટ દેતુંક થાળીમાંથી બીડું ઉપાડી ટપ દેતુંક મોંમાં મૂકી દીધું. “અરે હાં! હાં! હાં! ખાનિયા! આ તો પાદશાહી બીડું! ખોટું ખાનારને પાદશા ઘાણીએ ઘાલી તેલ કાઢશે!” એમ માણસો કહેતા રહ્યા, ને ખાનિયો તો બીડું ચાવીને પેટમાં ઉતારી પણ ગયો. હોઠ તો એના રાતાચોળ થઈ ગયા. “અરે ખાનિયા! આ શો ગજબ!” કે’, “ગજબ ને ફજબ! હાલો પાદશા સલામતની હજૂરમાં, અસલ-નકલનો જવાબ આપું.” સવારી તો પાછી વળી. મોઢા આગળ ખાનિયો ને વાંસે માણસોની ઘીંઘર : મનખ્યો તો ક્યાંય માય નહીં, ને શેરીએ શેરીએ વાતું થાય કે “મૂઓ કાજીનો ગોલો ખાનિયો ન કરવાનું કરી બેઠો. અરેરે! મૂઆને કાંધ મારશે પાદશા.” કચેરીમાં આવી બીડદારે જાહેર કર્યું કે બીડું ખવાણું છે. એટલે તો પાદશાને બત્રીસ કોઠે દીવા થઈ ગયા છે. પણ એ બીડું તો કાજીને ગોલે ખાનિયે ખાધું એ જાણ થાતાં જ કાજીએ પોતાની દાઢી ખંજવાળવા માંડી. પાદશા પૂછે છે કે — “હેં કાજી! તમારો ખાનિયો એવો ચતુરસુજાણ છે!” કાજીની આંખની પાંપણ ધરતી ખોતરવા મંડી ગઈ. શેક્યો પાપડ પણ ન ભાંગી શકે એવો ખાનિયો આ શું ગાંડપણ કરી બેઠો! લાવો ખાનિયાને. ખાનિયો કચેરીમાં આવ્યો, પણ આવતાંની ઘડીએ જ એની સૂરત બદલી ગઈ. જે મોઢે માખ બણબણતી એ જ મોઢું ઝગારા મારવા મંડ્યું. ચીંથરાનો હતો તે હીરામોતીનો બની ગયો છે. કોઈની બીક વગર ખાનિયો તો પાદશાની કચેરીમાં ઊભો છે. અને એના માલિક કાજી સાહેબ તો કાપ્યા હોય તો લોહી ન નીકળે એવા થઈ ગયા છે. ‘અરરર, આ ખાનિયે તો મારી ઓખાત બગાડી દીધી!’ પાદશા પૂછે છે કે “ખાનિયા, આ બીડું તેં ખાધું?” કે’, “હા જહાંપના.” કે’, “બીડું શાને માટે ખાવાનું હતું ઈ જાણ છ?” કે’, “હા જહાંપના. પૂતળિયુંમાં અસલ કોણ ને નકલ કોણ તેની પરખ કરવા માટે.” કે’, “બોલ ત્યારે, અસલ કઈ, ને નકલ કઈ.” કે’, “જહાંપના! આ છે તે અસલ.” એમ કહીને ખાનિયે બેમાંથી એક પૂતળીને માથે હાથ મૂક્યો. બાદશાહે ઈરાનના શહેનશાહના ઉમરાવો સામે જોયું. ઉમરાવો તો તાજુબ થઈ ગયા. “સાચી વાત!” બેઉએ ડોકાં હલાવ્યાં. “અને બાપુ! આ રહી તે નકલ.” એમ કહીને ખાનિયે બીજી પૂતળી બતાવી. પાદશાહે ઈરાનવાળા ઉમરાવોની સામે જોયું. “સાચી વાત!” ઉમરાવોએ ડોકાં હલાવ્યાં. ને આખી કચેરી તો સડક! પણ એમ ન ચાલે. ઈ તો ખાનિયે અઠે અઠે અસલ નકલ કહી દીધી હોય ને સાચું પડી ગયું હોય. કે’, “ખાનિયા! અસલ–નકલ કેમ પારખી તેનું કારણ કહેવું જોશે.” “ખાસી વાત!” કહીને ખાનિયે પોતાના ખીસામાંથી તારનો ટુકડો કાઢ્યો. તારનો ટુકડો વળી શેનો? આ તે ખાનિયો કાંઈ રોનક કરે છે! કચેરીવાળા બીજા બધા તો કાંઈ સમજ્યા નહીં, પણ ઈરાનવાળા ઉમરાવોએ કળી લીધું કે આ ખાનિયાએ ખરી પરીક્ષા કરી લાગે છે! ત્યાં તો નકલ કહી હતી તે પૂતળીને હાથમાં ઉપાડીને ખાનિયે એના એક કાનેથી તાર નાખ્યો તે બીજે કાને છેડો નીકળ્યો. એ એણે બાદશાને, ઉમરાવોને, આખી કચેરીને બતાવીને પછી કહ્યું કે “જહાંપના! જોઈ લ્યો આ નકલ! માણસને એક કાને જે મરમની વાત પડે, તે પડ્યા ભેળી બીજે કાનેથી બહાર નીકળી જાય, જાણેલી વાત જરી વાર પણ પેટની અંદર ન ટકે, એનું નામ નકલ માણસ, એ સાચું ઇન્સાન નહીં — ભલે પછી ઘાટે-ઘૂટે એ રૂડું-રૂપાળું માણસ હોય, સોને-રૂપે શણગારેલું માણસ હોય, બીજી બધી રીતે ઠીકઠાક હોય.” “વાહ ખાનિયા! વાહ ખાનિયા!” આખી કચેરી તો ચિતરામણમાં આલેખાઈ ગઈ ને કાજી સાહેબની નાડ્યુંમાં પાછો જીવ આવ્યો. પછી ખાનિયે બીજી પૂતળી ઉપાડી. નાખ્યો તાર એના કાનમાં, ને પેસાડ્યો અંદર. એક હાથ જેટલો તાર અંદર હાલ્યો ગયો, પણ બહાર ન નીકળ્યો. ક્યાં સમાઈ ગયો તેની પણ ખબર ન પડે! ખાનિયો કહે કે “જોઈ લ્યો જહાંપના! જોઈ લ્યો, જે અસલ ઓલાદનું ઇન્સાન હોય તેની વાત. એને કાને જે વાત આવે તે બહાર ન નીકળે, પણ ક્યાં ઊતરી જાય? પેટમાં. બહાર ન પડે, પણ પારકી વાતું પેટમાં ને પેટમાં સમાય. છે તો આ યે ઓલી પૂતળીના જેવી. ચહેરે-મોરે, સાજે-શણગારે, સોને-રૂપે, કરામતે-કારીગરીએ, અદલ એકસરખી. પણ ફરક ફક્ત આ છે. એમ ઇન્સાન હોય છે તો સરખાં. તેવતેવડાં, તફાવત કાંઈ ઉપર તો છે નહીં; છતાં જેના પેટમાં વાતું સમાય તે અસલ, ને જેને કાને પડ્યા ભેળી સામે કાને બહાર નીકળી જાય તે નકલ.” પાદશાહે ઈરાનના બે ઉમરાવો સામે જોયું. ઉમરાવો કહે કે “નામદાર! સાચો જવાબ. શાબાશ છે પરખનારને. અમારા રઝળપાટ ફળ્યા છે. દુનિયામાં ડાહ્યો માણસ મળ્યો છે. દલ્લી શહેરને સાત સાત રંગ છે.” “રંગ છે ખાનિયાને.” એમ કહીને પાદશાએ ઊભા થઈ જઈ, ગાદી માથેથી હેઠા ઊતરી, ઊભેલા ખાનિયાની પાસે જઈને, એની પીઠ થાબડી એનો હાથ ઝાલ્યો. એને પોતાની ગાદી પાસે લઈ આવ્યા ને જમણે હાથે આસન આપ્યું. કચેરીમાં તો “રંગ છે! રંગ છે! રંગ છે ખાનિયા ને!” એવા લલકાર થઈ રહ્યા. અને ઓલ્યા વડા કાજી સાહેબ જેને ઘેર ખાનિયો નોકર હતો, તેની આંખોમાંથી તો હરખનાં આંસુની ધાર ચાલી : કે વાહ મારો ખાનિયો! પોશાક મંગાવો! પોશાક આવ્યા. સમશેર મંગાવો! સમશેર આવી. ખાનિયાને પાદશાહે પોશાક આપ્યો, તલવાર આપી, ને ખાનખાનાન એવું નામ આપ્યું. ઈરાનના ઉમરાવ કહે કે “હવે નામદાર! અમારા ચાર સવાલનો જવાબ આપો :

જાતની કજાત કોણ?
કજાતની જાત કોણ?
કચેરીના કુત્તા કોણ?
મહેફિલના ગધ્ધા કોણ?