ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ભૂપેન ખખ્ખર/વાડકી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} જમના ખાટલા પર ચત્તીપાટ સૂતી સૂતી ખિન્ન મને સફેદ ભીંત તરફ તાકી...") |
(No difference)
|
Revision as of 08:50, 19 June 2021
જમના ખાટલા પર ચત્તીપાટ સૂતી સૂતી ખિન્ન મને સફેદ ભીંત તરફ તાકી રહી હતી. એને અસુખ હતું. એણે ઘરનું ધ્યાન ખંતથી રાખેલું. જમનાદાસ અને પોતે બે જણ ઘરમાં હોવાથી ઝાડુ, વાસણ, કપડાં જાતે જ કરી લેતી. લગ્ન પછી તરત બન્ને જણે કરાર કરી લીધા હતા. લગ્ન પછીના જીવનની કલમો, પેટા કલમો દસ્તાવેજી કાગળ પર લખી સહી-સિક્કા પણ કરેલાં. જમનાદાસ અને જમના — બન્ને પાસે એની નકલો પણ હતી. અનંગરંગની મસ્તીમાં આવી મોટી રાત્રે જમના બાળકની ઝંખના કરતી ત્યારે જમનાદાસ દસ્તાવેજી કાગળની નકલ વાંચી કહેતી:
કલમ ૧૧, પેટાકલમ (અ)
આથી અમે બન્ને કરારનામામાં સહી કરનાર જમનાદાસ બાપાલાલ અને જમના જમનાદાસ કબૂલ કરીએ છીએ કે અમારા અંગત સંબંધો, ચેનચાળા, રતિક્રીડા, ચુંબનો, બાહુપાશ, કોકશાસ્ત્રનું પઠન બાળકના જન્મની ઇચ્છામાં પરિણમશે તો એ બધી જ પ્રવૃત્તિઓનું સભાનપણે દમન કરી, શીતલ જળમાં કટિસ્નાન કરી મનમાંથી એ ઇચ્છા જડમૂળથી ઉખેડી નાખશું.
આ કલમના પઠન અને આચરણ પછી પુત્રપ્રાપ્તિની પ્રવૃત્તિ મંદ થઈ જતાં જમનાના પગ વાસ્તવિક જીવન પર મુકાતા. ચર્ચા ને વિચારણાના અંત રતિસુખ માટેના બુધ તથા શનિ દિવસો નક્કી થયા, દસ્તાવેજ પર સહીસિક્કા થયાં તે પહેલાં તો જમનાની ઇચ્છા અઠવાડિયાના ત્રણ દિવસ ઊજવવાની હતી. તેમનો સંવાદ:
જમના: તમને વાંધો ન હોય તો કલમ ૧૦, પેટા કલમ (બ)માં સુધારો કરશો?
જમનાદાસ: કઈ રીતે સુધારો કરવો છે?
જમના: તમે શારીરિક સંબંધ માટે બુધ તથા શનિ સૂચવ્યા છે. મને લાગે છે કે અઠવાડિયામાં ત્રણ દિવસ એ કાર્યક્રમ રાખીએ તો આ દેહને રતિક્રીડાનો આનંદ વધારે મળી શકે. ગુરુ, શનિ ને રવિની મને ઝંખના છે.
જમનાદાસ: યુવાનીને ધ્યાનમાં રાખીએ તો તારી વાત યોગ્ય જ છે. મારા બાપુજી બાપાલાલે પચાશ વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે ઘરે સુથારને બોલાવ્યો. અમારી હાજરીમાં જ ડબલ બેડ વચ્ચેથી કપાવ્યો.
જમના: કેમ?
જમનાદાસ: કારણ મારી બા જોડેનું આકર્ષણ ક્ષીણ થઈ ગયું. શક્તિ ઘટી. તે દિવસથી બાપુજીનો ખાટલો દીવાનખંડમાં બારી પાસે ને બાનો અંદરના રૂમમાં.
જમના: તો આપણે શું કરવું?
જમનાદાસ: લાંબો સમય આનંદનો ઉપભોગ કરવો હોય તો અઠવાડિયામાં બે દિવસ રાખવા પડે. તે પણ બુધ અને શનિ.
જમના: એ જ દિવસો શા માટે?
જમનાદાસ: રવિવારે રજા હોવાથી આગલી રાતે મનગમતી પ્રવૃત્તિમાં નિદ્રાવશ થતાં મોડું થાય તોપણ ચિંતા નહીં. સોમ તથા મંગળ નજીક છે.
જમના: ગુરુવારે કેમ નહીં?
જમનાદાસ: ગુરુ તો ઉપવાસનો દિવસ. અશક્ત શરીરમાં કામ- ઉદ્દીપનની મુશ્કેલી પડે.
જમનાએ ચર્ચા બાદ શનિ તથા બુધનો સ્વીકાર કર્યો. આજે જમનાદાસને બાવન થયાં તે છતાંય ડબલબેડને સુથારે હાથ સુધ્ધાં લગાડ્યો નહોતો. જમનાદાસની સૂઝ અને દૂરંદેશીને લીધે હજુ સુધી તેઓ શનિ ને બુધની ઉજવણી કરતા.
કલમ ૧૦, પેટાકલમ (બ)નું બંધારણ નીચે પ્રમાણે કર્યું:
કલમ ૧૦ (બ) આ દસ્તાવેજી પર સહી કરનાર અમે પતિપત્ની કબૂલ કરીએ છીએ કે શારીરિક સંબંધો જમનાદાસ બાપાલાલની ઉંમર પચાશ થાય ત્યાં સુધી દર શનિ તથા બુધવારે ઊજવશું. ત્યાર બાદ જમનાદાસ પોતાની શક્તિ અને વીર્યબળને ધ્યાનમાં રાખી સુથારને બોલાવી ડબલબેડની બરોબર વચ્ચે કરવત મુકાવી શકે.
કલમ ૧૦ (ક) આ ઉપરાંત અમે કલમ ૧૦ (બ)ને ધ્યાનમાં રાખી સહી કરનાર બન્નેની સહમતીથી પૂનમ, અમાસ, છઠ, વર્ષગાંઠની રાત્રિઓ પરસ્પરની મંજૂરીથી સ્વેચ્છાએ ભોગવીશું.
લગ્નબંધારણની કલમો અનુસાર તેઓ સુખી જીવન જીવતાં હતાં. ત્યાં સોનાની થાળમાં લોઢાની મેખ પડી.
દર શનિવારે જમનાનું હૃદય હીંચ લેતું. આજે એ ગુમસૂમ ખાટલા પર પડીને સફેદ ભીંત જોતી હતી. મનમાં ઉલ્કાપાત હતો. જમનાદાસ બપોરે ઘેરે જમવા આવ્યા. કઢીનો સબડકો લેતાં શનિવારનો ઇશારો કરતાં આંખ મીંચકારેલી, શેરબજારમાં શેરના ભાવ કેવા આસમાને ચઢ્યા છે તેની વાત મનોમન કરતા હોય તે રીતે જાહેર કરી જમીને ખિસ્સામાંથી કેવેન્ડર કાઢી રૂમમાં ગોટેગોટા ઉડાવેલા. છતાંય જમનાના મોં પર સ્મિત આવ્યું નહીં. જમનાને સિગરેટ પીતા જમનાદાસ ગમતા. એ કહેતી, ‘તમો ગોગલ્સ પહેરી સિગરેટ પીઓ છો ત્યારે અસલ અશોકકુમાર જેવા દેખાવ છો.’
ખાટલા પર સૂતીસૂતી જમના વિચારવા લાગી. બદરિકાશ્રમ માળામાં રહેતા પાડોશીઓ તેના દુઃખનું કારણ છે: પોતાને સુબંધ હોય તેવાં કુટુંબ કેટલાં? આંગળીને વેઢે ગણી શકાય. બદરિકાશ્રમમાં ત્રીસ કુટુંબ હતાં તેમાંથી છ કુટુંબ જોડે એને વ્યવહાર રહેતો.
એમાં સવિતા જોડે ઘર જેવો સંબંધ. બે દિવસથી એ ભાઈભાભી પાસે પિયર જાઉં છું કહીને ગઈ છે: ભગવાન જાણે ક્યાં ગઈ હશે. ભાભી જોડે તો ડાંગે માર્યાં વેર છે ને બે વર્ષ પહેલાં તો ત્યાં કદીય નહીં જવાના સોગંદ લીધેલા. એ ક્યાં ગઈ હતી? કોની સાથે ગયેલી? લોકોની આંખમાં ધૂળ નાખી કે? આ પ્રશ્નો જમનાને મૂંઝવતા.
શનિવારે બપોરે બે વાગ્યા હતાં. સવિતા આજે સવારે જ ઘરે આવી હતી તેથી ઘરનું બધું કામ પતાવતી હતી. વિમળાબહેન તેને મળવા આવ્યા ત્યારે રાંધણિયામાં પોતું કરતી હતી. વિમળાબહેનને જોઈ સવિતાને ધ્રાસકો પડ્યો — પોતાની ત્રણ દિવસની ગેરહાજરીથી ઊલટતપાસ શરૂ થશે.
સવિતા: આવો વિમળાબહેન. આ પોતું કરીને તમારે ત્યાં જ આવવાનું વિચારતી હતી. (સ્વગત) મારે તારી જોડે શી લેવાદેવા કે આવીને ઠોયા જેવી ઊભી રહી?
વિમળા: હું પણ હમણાં જ પરવારી. તમારા ભાઈ ઑફિસે ગયા તો થયું ચાલ ઘણા દિવસથી મોં જોયું નથી તો મળી આવું.
સવિતા: (સ્વગત) મારા ડાચામાં શું જોવાનું છે! ઊલટતપાસ કરવા આવી છે તે શું મને ખબર નથી કે? (મોટેથી) મને પણ મળવાનું મન થયું.
વિમળા: (સ્વગત) જુઠ્ઠાડી, તું તો આવવાની જ નહોતી, ક્યાં ગયેલી બે દિવસ? મારે તો એ જાણવું છે. (મોટેથી) કેમ છે ભાઈ-ભાભી?
સવિતા: (સ્વગત) બે દિવસ બહારગામ ગઈ તેમાં ચૂંકાઈ ગયું ખરું? (મોટેથી) પિયરમાં માંદું-સાજું હોય તો બોલાવે જ ને? ભાભીને ઠીક નહોતું તે ગયેલી.
વિમળા: (સ્વગત) લબાડ. બે દિવસ રખડીને આવી છે. કોને શીશામાં ઉતાર્યો છે? (મોટેથી) બૈરાંનો જનમ, અહીં ઠામડાં ઊટકવાનાં કે ઠાસરામાં બધું જ સરખું. પણ હવે ભાભીને કેમ છે?
સવિતા: પંદર દિવસમાં કાગળ નહીં આવે તો જવું પડશે.
વિમળા: (સ્વગત) પાકું ગોઠવીને જ આવી છે. (મોટેથી) મારા ભાઈની દરરોજ ખબર કાઢવા જતી હતી.
સવિતા: (સ્વગત) એ હું ક્યાં નથી જાણતી? લાંબા લાંબા હાથ કરીને વાતો કરવી બહુ ગમે છે. (મોટેથી) એ તો તમારાં વખાણ કરતાં થાકતા જ નથી. ખૂબ ધ્યાન રાખેલું તમે. (વાત બદલીને) જમના આવેલી.
વિમળા: (સ્વગત) લુચ્ચી, વાત બદલી ને? (મોટેથી) હા, એની લાડકી ખોવાઈ છે ને!
સવિતા: એ શું ધારી બેઠી છે? હું વાડકીચોર છું? ત્રણ દિવસ પહેલાં તો વાડકી પાછી આપી દીધી — જ્યારેત્યારે કૂલા હલાવતી શું પૂછવા આવે છે? બધા ચોર ને એ એકલી જ શાહુકાર છે કે
વિમળા: તમને તો એના સ્વભાવની ખબર છે.
સવિતા: તો શું મારે એની જોડે જન્મારો ઓછો કાઢવો છે?
વિમળા: વહેમીલી છે. જમનાદાસ જોડે કોઈ વાત કરે તોપણ ઢાલ જેમ આગળ આવીને ઊભી રહે.
સવિતા: (સ્વગત) તારાં કારસ્તાનો શું હું નથી જાણતી? (મોટેથી) બે વાર રસોડાની જડતી લઈ ગઈ ને આજે સવારે આઠ વાગે પાછો ટહુકો કર્યો.
વિમળા: તમારે ઘર જેવો સંબંધ એ તમારા સારા સ્વભાવને લીધે ટકી રહ્યો છે.
સવિતા: આખા માળામાં કોઈ એને હડકાવવા જતું નથી.
વિમળા: પહેલેથી જમનાનો જીવ ટૂંકો. એક વાડકી ખોવાઈ ને આખું બદરિકાશ્રમ માથે લીધું.
સવિતા: (સ્વગત) તારી સાંડસી ખોવાઈ ગઈ હતી ત્યારે તેંય બદરિકાશ્રમને માથે લેવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. રોજ જડતી ને પૂછાપૂછ. (મોટેથી) તમે એકાદ વાર પૂછેલું.
વિમળા: નસીબમાં હોય તો ક્યાંય જાય નહીં.
સવિતા: (સ્વગત) ક્યાંથી જાય! પેલા શિવલાને બદામ નાખેલા ગરમાગરમ દૂધ આપવા જતી હતી તે તો આખો માળો જાણે છે. (મોટેથી) પછી તો સાંડસી ક્યાંથી મળી?
વિમળા: આજે અજાણી થાય છે? (સ્વગત) આખો માળો તો તેં ગજવેલો કે શિવલાલને ત્યાં ગરમાગરમ દૂધ ને જલેબી આપવા જાઉં છું.
સવિતા: આ તો ઘણો વખત થયો ને એટલે ભૂલી ગઈ’તી.
વિમળા: હું અહીં વાતોના તડાકા મારું છું ને બપોરે જગલો નાસ્તો માગશે ને કંઈ જ તૈયારી કરી નથી. (સ્વગત) ચોક્કસ કોઈને શીશામાં ઉતાર્યો લાગે છે. કોણ છે તે શોધવું પડશે.
જમના ખાટલા પરથી ઊભા થઈ. ટેબલનું ખાનું ખોલી કાગળ- પેન્સિલ કાઢ્યાં. પેન્સિલની અણી ચપ્પુ વડે ધારદાર કરી. ખુરશી પર બેસી કોરા કાગળમાં લખ્યું:
તા. ૨૦-૩. સોમવાર: બપોરે વાડકીમાં સવિતાને ત્યાં બટાટાપોંઆ આપવા ગઈ ત્યારે સવિતા હીંચકા પર બેસી લેંઘાનાં લટન સીવતી હતી.
૨૨-૩. બુધવાર: સવારે ૯-૦૦ વાગ્યે વેઢમી માટે દાળ ઓરવા મૂકી હતી ત્યારે બંકુમાસી વાડકી ભરી ચણાનો લોટ લઈ ગયાં. ઉતાવળમાં હશે. સાંજે ટપુડા જોડે વાડકી મોકલી આપી હતી.
૨૩-૩. ગુરુવાર: વિમળાબહેનને ત્યાંથી જગલો ચાંદીની વાડકી ને આચમન લેવા આવેલો. સાંજે તેમને ત્યાં સત્નારાયણની પૂજા રાખી હતી. રાતે ૯-૦૦ વાગ્યે વાડકી ભરી શીરો ને આચમન મોકલી આપેલાં.
૨૫-૩. શનિવાર: સાંજે મેળવણ ખૂટી જવાથી વિમળાબહેન આવેલાં. ચમચી મેળવણ આપ્યું. સવારે ચમચી પાછી મોકલી હતી.
૨૬-૩. રવિવાર: સવિતાએ વાડકી ભરી અડદની દાળ મોકલી હતી. એના કહેવા મુજબ એ મારી જ વાડકી હતી. વાડકી આવી ત્યારે બંકુમાસી હાજર હતાં. એમને વાડકી આવ્યાનું યાદ છે, પણ વાડકી કેવી હતી તે ખ્યાલ નથી. ચપટી ધારવાળી વાડકી હું વાપરતી જ નથી.
૨૯-૩. બુધવાર: વા સાથે પણ વઢાય એવી સવિતાને વાડકીનું પૂછવા ગઈ તે એણે છાશિયું કર્યું. અજાણી થઈ કહે કે તમારી વાડકી સંતાડીને મારે શું ધનના ઢગલા કરવા છે? બે વરસ પહેલાંની વાત છે… શાક લેવા ઝોળી લીધેલી. ત્રણચાર વાર ઝોળીનું પૂછ્યું તો આંખ આડા કાન કરે. એ ઝોળી કઢાવતાં તો નાકે દમ આવી ગયો. જુઠ્ઠાડીને બધું કૂલા નીચે દબાવી દેવું ગમે છે.
૧-૪, શનિવાર: હમણાં નક્કી કર્યું, વિમળાબહેનના જગલાને પાંચ પિપરમીટ આપી બધાંના ઘેર વાડકીઓ જોવા મોકલીશ. જો એ રીતે નહીં મળે તો હું જાતે બે દિવસ રહી બધાંના રસોડાની જડતી લઈશ.
લૂગડાને છેડે કાગળ મૂકી, ગાંઠ મારી ફરી જમના ખાટલા પર પડી. ત્યાં જ બારણું ખખડ્યું. હાથમાં ભમરડો, ઘાસની ગંજી જેવા ઊભા વાળ ને ભડક કપડાંમાં સાક્ષાત્ શેતાન દાખલ થયો.
જમના: કોણ?
જગલો: એ હું જગલો.
જમના: તને હમણાં જ યાદ કરેલો.
જગલો: (દોરી ભમરડા પર વીંટાળી હાથજાળ લઈ) તો તો ચોક્કસ મારું કામ હશે.
જમના: જગલા, તને પિપરમીટ જોઈએ છે?
જગલો: કામ કઢાવવાનું હોય ત્યારે જ તમે પિપરમીટ આપો છો, કહી કમ્મર પરની મ્યાનમાંથી તલવાર કાઢતો હોય તેમ બોલ્યો, હમે કુબૂલ નહીં હૈ, મંજૂલ નહીં હૈ. ક્યા કામ હૈ? સવિતાની ચિઠ્ઠી આપવાનો રૂપિયો ભાવ ચાલે છે. પાંચ પિપરમીટથી કામ કઢાવવાના દિવસો ગયા.
જમના: પચ્ચીસ પૈસા.
જગલો: હમ ભિખારી નહીં હૈ. આઠ આનાથી ઓછું બોલતાં જ નહીં.
જમના: સવિતાની ચિઠ્ઠી કોને આપવા ગયો હતો?
જગલો: નામ કહેવાનો રૂપિયો. બોલો, તમારું કામ?
જમના ઊભી થઈ કબાટ ખોલતાં બોલી: રૂપિયો આપું છું, પણ તારે બધું જ કહેવું પડશે. મારું કામ પૂરું થાય પછી જ આઠ આના.
જગલો રૂપિયો ખિસ્સામાં મૂકી બોલ્યો: અઠવાડિયા પહેલાં સામેના વિઠ્ઠલસદનમાં શાંતિલાલને ત્યાં ચિઠ્ઠી આપવા મોકલ્યો હતો. તમારા સિવાય મેં કોઈને કહ્યું નથી. હવે તમારું કામ બોલો?
જમના: જો આપણા માળાનાં પાંચ કુટુંબનાં નામ હું લખું છું. એમને ઘેર રસોડામાં જઈને વાડકીઓ પર નામ જોવાનાં. જમનાદાસ બાપાલાલ નામ હોય તો કોને ત્યાં એ વાડકી છે તે મને આવી જણાવજે.
જગલો: આમાં લૉટ ઑફ વર્ક છે. રૂપિયો ચાર્જ તો ઓછામાં ઓછો થશે. દરેકને ઘેરે જઈને તેમના છોકરાઓને પટાવવા પડશે.
જમના: ભલે રૂપિયો લઈ લેજે. મને બીજી તારીખે સાંજે ખબર પડી જવી જોઈએ.
સવિતાએ શાંતિલાલ જોડે ચિઠ્ઠી વ્યવહાર શરૂ કર્યો. એની જોડે જ બે દિવસ બહાર ગઈ હોય તો નવાઈ નહીં. શાંતિલાલની બૈરી બે મહિનાથી પિયરમાં સુવાવડ કરવા ગઈ છે તેમાં સવિતા પેધી ગઈ લાગે છે. માણસના હૃદયની કંઈ ખબર પડતી નથી. કોણ કોના પ્રેમમાં પડે ને નીકળી પણ જાય.
દર શનિવારે જમના ધૂપ કરતી. ત્રણ ખૂણાઓમાં સુગંધિત અગરબત્તી સળગાવતી. અંબોડામાં વેણી પહેરતી. સાંજના ખાસ દાળઢોકળી બનાવતી ને પછી વહેલી તેમના રૂમની લાઇટ બંધ થઈ જતી. શનિ અને બુધવારે રાત્રે જમનાદાસ ઓટલે બેસવા જતા નહીં.
સાંજે જમનાદાસ જમવા બેઠા. જમનાએ દાળઢોકળી કરી નહોતી. લગ્નજીવનની શરૂઆતથી દર શનિવારે દાળઢોકળી ને બુધવારે વેઢમી બનાવવાનો નિયમ હતો. ઢોકળીમાં મોણ નાખી નરમ પૂરી જેવી ઢોકળી બનાવતી. ને વેઢમીમાં તો ચમચા ચમચાએ ઘી નાખી આગ્રહ કરી ખાવાનું પીરસતી. આજે આગ્રહ, ઉત્સાહ, પ્રેમ કશું જ નહીં. જમનાદાસે મોં નીચું કરી હડફડ ખાઈ લીધું. હાથ ધોઈ સોપારી કાતરતા:
જમનાદાસઃ શું થયું છે આજે કે આ તોબરો ચઢ્યો છે?
જમના બોલ્યા વિના ચોકડીમાં વાસણ મૂકવા ગઈ.
જમનાદાસઃ હું કહું છું કે મારા પર ગુસ્સો કેમ છે? આજે શનિવાર ભૂલી ગઈ કે?
જમનાઃ કોણે કહ્યું કે તમારા પર ગુસ્સો છે?
જમનાદાસ: તો પછી દૂધી-બટાટાનો જુલમ કેમ કર્યો? આજે તો દાળઢોકળીનો નિયમ છે.
જમના: મને ખબર છે.
જમનાદાસ: તને એ પણ ખબર ચે કે દૂધી-બટાટાનું માંદલું શાક હું ક્યારેય ખાતો નથી.
જમના: વાસણ ચોકડીમાં મૂક્યાં ત્યારે જોયું કે એને તમે હાથ પણ લગાડ્યો નથી.
જમનાદાસ: તને શું થયું છે?
જમના: પૂછો તમારા બદરિકાશ્રમના પાડોશીઓને. એ લોકોએ મારા પર સિતમ ગુજારવામાં કંઈ બાકી રાખ્યું છે?
જમનાદાસ: શું થયું?
જમના: શું નથી થયું એ પૂછો.
જમનાદાસ: પૂછ્યું.
જમના: તમને ખબર છે કે પાંચ વર્ષ પહેલાં આપણે ધનતેરસને દિવસે સ્ટેનલેસ સ્ટીલની વાડકીનો સેટ લેવા ગયેલાં?
જમનાદાસ: ક્યારે?
જમના: કેમ મોટાભાઈને ત્યાં નીતુનો જન્મ થયેલો તે જ વરસે નવરાત્રમાં તમને હાથે ફ્રૅક્ચર થયેલું. તે જ દિવાળીમાં આપણે છ વાડકીનો સેટ એંસી રૂપિયામાં લીધો હતો.
જમનાદાસ: તેનું શું છે?
જમના: એમાંની એક વાડકી મળતી નથી.
જમનાદાસ: કંઈ નહીં; નવી લઈ આવીશું.
જમના: એવો સેટ હવે મળતો નથી.
જમનાદાસ: એનાથી સારો મળતો હોય એ લઈશું. પણ તું આમ જીવ બાળ નહીં.
જમના: આપણી વાડકી કોઈ પચાવી બેસે ને આપણે હરખપદૂડા થઈ બીજો સેટ લઈ આવીએ? મારે તો એ જ વાડકી જોઈએ છે, ને શોધવું છે કે કોણે દબાવી રાખી છે?
જમનાદાસ: તું તારે એ લમણાઝીંક કર્યા કરજે. હું માથું નહીં મારું. નવો સેટ જોઈએ ત્યારે મને કહેજે.
જમનાદાસે પાન બનાવ્યું. મોંમાં મૂકી નીચે ઓટલે અડધો કલાક બેસવા ચાલ્યા ગયા. તે રાત્રે બન્ને જણ પડખું ફેરવી સૂઈ ગયાં. જમનાએ વિચાર્યું કે જે સ્ત્રી કોઈનો વર ચોરી જાય તેને વાડકી ચોરતાં શી શરમ?
બીજી તારીખે સાંજે મોકાણના સમાચાર લઈ જગલો આવ્યો. એણે રિપોર્ટ આપ્યો કિ ચિઠ્ઠીમાં લખેલાં પાંચે કુટુંબોમાં તપાસ કરી. કોઈને ત્યાં જમનાદાસ બાપાલાલના નામ-અંકિત વાડકી દેખાઈ નહીં. જગલાએ પોતાની ફી અંગે દોઢ રૂપિયો માગ્યો. ચાર ઘેરે ચાર ચાર પિપરમીટની લાંચ આપી દોસ્તારો પાસે કામ કઢાવ્યું. એને માટે તો આ ખોટનો ધંધો થયો. જો જમના દોઢ રૂપિયો નહીં આપે તો માળાની બધી જ ભીંત પર સવિતા વાડકીચોર ચીતરી જમનાની ફજેતી કરશે. જમનાએ દોઢ રૂપિયો હાથમાં રમાડતાં કહ્યું:
તારી મહેનતનો દોઢ રૂપિયો તો આપવો જ પડે. તારે મને એટલું કહેવું પડશે કે સવિતા તથા શાંતિલાલ ક્યાં મળે છે? જગલાની આંખ દોઢ રૂપિયા પર હતી. એણે ઝડપથી કહ્યું: સાંજે દર્શન કરી પાછા આવતાં માધવબાગના બગીચામાં તેઓ મળે છે. એણે દોઢ રૂપિયો ગજવામાં ઘાલ્યો ને રૂમની બહાર.
જમના વિચારે ચઢી. એને યાદ આવ્યું કે સવિતાને ત્યાં બપોરે બટાટાપૌંઆ આપવા ગઈ હતી ત્યારે એ લેંઘાનાં બટન સીવતી હતી. સવિતાનો વર તો ધોતિયું પહેરતો ને છોકરા અડધી ચડ્ડી પહેરતા. જરૂર લેંઘો શાંતિલાલનો જ હશે. સાંજે ફરી સવિતાને મળી હતી ત્યારે એને સંવાદ યાદ આવ્યો:
સવિતા: મારાથી તો આવા સુંવાળા નરમ બટાટાપૌંઆ થતા જ નથી.
જમના: (સ્વગત) તેલની કંજૂસાઈ કરે એટલે સુક્કા જ થાય ને? (મોટેથી) એમાં શું — બધાં જ આવાં કરે છે. ખોટાં વખાણ નહીં કર.
સવિતા: ચાલ, હું ખોટાં વખાણ કરું છું, શાંતિલાલને જૂઠું શા માટે બોલવું પડે?
જમના: કોણ શાંતિલાલ?
સવિતા: સામે વિઠ્ઠલસદનમાં પહેલે માળે આલીશાન ફ્લૅટ છે ને તે.
જમનાને લાગ્યું જો વાડકી શાંતિલાલને ત્યાં બારોબાર પધરાવી તો ક્યારેય નહીં જડે.
જમનાએ બાવીસમીનો વિચાર કર્યો. બંકુમાસી ચણાનો લોટ લેવા આવેલાં ત્યારે એની આંખમાં પાણી હતાં. તે દિવસ તો બે મિનિટ પણ રોકાયાં નહીં. બિચારી દુખિયારી સ્ત્રી છે. વાંક વગર એનો વર એને ઝૂડી નાખે છે. સાંજે એનો બાબો વાડકીમાં ચણાનો લોટ પાછો આપી ગયેલો. એનું મોં પણ ઊતરેલું હતું. સાંજે વેઢમીનું પૂરણ પણ ખાવા રોકાયો નહીં.
પચ્ચીસમીએ સાંજે વિમળાબહેન દહીંનું મેળવણ લેવા આવેલાં. ઘણી વાતો કરી હતી:
વિમળા: તમારી વાડકી સવિતા પાસે રહી ગઈ હશે.
જમના: બે વાર જઈ આવી તો ઘર બંધ.
વિમળા: કહેતી હતી, ભાઈ-ભાભીએ બોલાવી છે.
જમના: ભાભી સાથે તો ઊભે બનતું નથી.
વિમળા: તો એ ક્યાં ગઈ હશે?
જમના: એ તો તાકે ક્યાં ને ઉરાડે ક્યાં તેની તમને કે મને ખબર પડે નહીં.
વિમળા: આપણે તો રહ્યાં ભોળાં. કોઈ જે કહે તે સીધેસીધું માની લઈએ.
જમના: ડોસી મરી ગઈ તેનો શોક નથી, પણ જમ ઘર ભાળી ગયો તેનું દુઃખ છે.
વિમળા: મારી સાંડસી ખોવાઈ હતી ત્યારે કેવું વીતેલું? શાક, દૂધ, ભાતની ગરમ ગરમ તપેલીઓ મસોતાથી ઊંચકવાની. દસ દિવસે છેક શિવલાલભાઈને ત્યાંથી મળી.
જમના: (સ્વગત) આખું ગામ જાણે છે કે શિવલા પાછળ તું ઘર પણ બાળી મૂકે. (મોટેથી) એમ, શિવલાલભાઈને ત્યાંથી મળી? મને તો યાદ જ નહીં.
વિમળા: (સ્વગત) તું પણ સવિતાથી ઓછી નથી. (મોટેથી) બે વરસ થયાં એટલે ભૂલી જવાય. મારે ત્યાં સત્નારાયણની પૂજામાં ચાંદીની વાડકી ને આચમન મગાવેલાં.
જમના: એ તો યાદ રાખીને તમે સત્નારાયણના પરસાદ જોડે મોકલી જ આપેલા. મેળવણની ચમચી પણ આવી ગઈ. છેલ્લા મહિનાથી કોઈને ટિફિન પણ મોકલ્યું નથી. આ જો બગાસાં ખાય છે.
વિમળા: સવિતાનો સ્વભાવ જ બેદરકાર.
જમના: એની દાનત ખોરી. મારી થેલી કઢાવતાં નાકે દમ આવી ગયો. બટાટાપૌંઆ માટે વાડકી મોકલી’તી. હવે એ જો બારોબાર શાંતિલાલને ત્યાં ચાલી ગઈ હશે તો ક્યારેય હાથ નહીં આવે.
વિમળા: શાંતિલાલ કોણ?
જમના: હું ઓળખતી નથી. સવિતા કહેતી હતી કે સામે વિઠ્ઠલસદનમાં પહેલી માળે એનો આલીશાન ફ્લૅટ છે.
વિમળા: જોયા એને. સવિતા ખરી છે. ઊડતાં પંખીને પાડે. આપણે તો પંખી જોયું પણ ન હોય.
જમના: મને હજુ શાંતિલાલની કંઈ ખબર નથી. એટલું ખરું કે તમારા ભાઈ ઊભા હોય ત્યારે ચાગલી થઈને નખરાં કરવાનું છોડતી નથી.
રવિવારે સવારે તા. ૨ એપ્રિલને દિવસે જમના પતિવ્રતા નારીના ઉદાત્ત દૃષ્ટાંતને ખ્યાલમાં રાખી ટી.વી. પર રામાયણ જોતી હતી. એની નજર દરવાજા પર વારંવાર જતી. એ જમનાલાલે નોંધ્યું. રામ જ્યારે વાનરોનું સૈન્ય ભેગું કરી રાવણનગરી લંકાના સામે કિનારે ભેગા થાય છે એ જ વખતે વિમળાબહેન આવ્યાં. એણે આંગળીનો ઇશારો કર્યો. જમનાદાસને જોવામાં ખલેલ ન પડે એ રીતે જમના રૂમ બહાર સરકી ગઈ.
વિમળા: હમણાં જ મારા ઘરે ચાવી આપવા આવી હતી.
જમના: કશુંક બોલી?
વિમળા: ના રે. રાણીસાહેબાનો તો શું વટ હતો! શિફોનની સાડી, મોં પર લિપસ્ટિક ને આખા શરીરે અત્તરનો લેપ કરેલો. મારા હાથમાં ચાવી મૂકવા આવી ત્યારે તો મઘમઘતો મધપૂડો જોઈ લો!
જમના: ક્યાં ગયાં છે? ક્યારે આવશે?
વિમળા: શાંતિલાલને ત્યાં કલર ટીવીમાં રામાયણ જોવું છે, તે પૂરું થશે કે સવાદસે હાજર થઈ જશે.
જમના: સામેના ઘેરે અડધો કલાક જવું તેમાં આવો ભપકો!
વિમળા: એ તો શાંતિલાલની આંખમાં ધૂળ નાખવા ગઈ છે.
જમના: ચાલો; તો આપણે કામ પતાવીએ.
વિમળા: હું બહાર કઠેરા પર ચોકી કરું છું. કોઈ આવશે તો ત્રણ વાર ખાંસી ખાઈશ.
જમના: તો મારે તરત બહાર આવી જવાનું.
વિમળા: કોઈને ખબર પડે નહીં એમ.
જમના સવિતાના ઘરનું તાળું ખોલી રૂમમાં દાખલ થઈ. એણે રસોડાની જડતી લેવાનું શરૂ કર્યું. પાણિયારું, અભરાઈ, ચોકડી, તપેલી, બરણી, તેલના ડબ્બા, ઘીનો વાડકો, અનાજની કોઠી, બધાંની ફરતે. ઉપર, નીચે, જમનાદાસ નામ-અંકિત વાડકીની તપાસ કરી. મળી નહીં. દીવાનખંડમાં ટેબલ, ખુરશી, લૅમ્પ, ચોપડી, ફાઈલ, કાંડાઘડિયાળ કાર્પેટ, ડબલબેડ, પંખાની ઉપર-નીચે-આજુબાજુ બધે તે ફરી વળી. નિરાશા! સંડાસ, બાથરૂમ, સ્ટોરરૂમમાં ખાંખાંખોળા કર્યા. અડધા કલાક પછી જમના મોંએ રાખ ચોપડેલ સાધુની જેમ બહાર આવી ત્યારે કઠેરા પરથી કોઈને આવજો કહેતી વિમળા ચોંકી ઊઠી.
વિમળા: કોણ, કોણ છો?
જમના: અલી, એ તો હું.
વિમળા: તો આ મોં પર લેપ શેનો લગાડ્યો છે?
જમના: આખા ઘરમાં કાર્પેટ જેટલી ધૂળનો થર જામેલો છે. ગામ આખામાં ભટકવામાંથી ફુરસદ મળે તો ઘરનું ધ્યાન રાખે ને! ફૂવડ.
વિમળા: મળી?
જમના: ના રે ના.
વિમળા: ક્યાંય સગેવગે કરી નાખી હશે.
જમના: અહીં ખૂણેખૂણો જોઈ લીધો. આ ઘરમાં તો વાડકી નથી.
વિમળા: ચાલ, વખત થઈ ગયો. નહીં તો જમદૂત જેમ આવીને ઊભી રહેશે.
રવિવાર સાંજ પણ દુઃખકર્તા બની. ખાટલામાં ફસડાઈ પડેલી જમના સફેદ ભીંત સામે તાકી રહેલી. જમનાદાસથી આ દુઃખ સહન થયું નહીં. ખાટલા પર બેસી એણે જમનાનું માથું ખોળામાં લીધું.
જમનાદાસ: શા માટે જાતને પીડે છે? વાડકી ગઈ તો નવી આવશે. એ માટે થઈ લાખ્ખો રૂપિયાનો જીવ અમથી બાળે છે, ને મને પણ હેરાન કરે છે.
જમના: આપણા સુંવાળા બટાટાપૌંઆ ખાય તેની સાથે મારે ક્યાં ઝઘડો છે? એની જોડેની વાડકી આઘીપાછી કરી દે તે સહન થતું નથી. મારે હવે બદરિકાશ્રમમાં રહેવું નથી. બીજી જગ્યાએ બે સારી રૂમ શોધી લો.
જમનાદાસ: પાડોશીઓ હશે તો આ જ મોંકાણ રહેવાની. ફ્લૅટમાં તને એકલું લાગશે.
જમનાદાસ ખાટલા પરથી ઊઠી જમના માટે પાણીનો ગ્લાસ લાવ્યા. જમનાએ માથું ધુણાવી ના પાડી. રવિવારની ફિલ્મનો વખત થઈ ગયો હોવાથી ટીવી શરૂ કર્યું. અશોકકુમારની ફિલ્મ હતી. બીજા કોઈ દિવસે જો જમનાને અશોકકુમારની ફિલ્મ વિશે ખબર પડી હોત તો ટીવી પાસે જ સાંજનું જમવાનું ગોઠવી દેત. જમનાદાસ અન્યમનસ્કે ફિલ્મ જોવા લાગ્યા. બળાપો કરી રિસાઈ ગયેલી જમનાનું દુઃખ ઓછું નહોતું.
દૃશ્યમાં ગણિકા નૃત્ય કરતી કરતી ગીત ગાઈ રહી હતી. બનાવટી પીધેલી હાલતમાં અશોકકુમાર એની નજીક આવ્યો. બીજા મુજરામાં બેઠેલાઓને ખબર ન પડે તે રીતે ગણિકાએ અશોકકુમારના હાથમાં કશુંક સરકાવી કાનમાં ગુફતેગો કરી લથડતી હાલતમાં ત્યાંથી બહાર ગયો. સ્વસ્થ થઈ ભોંયતળિયે જઈ બારણું ખખડાવ્યું. ગણિકાએ આપેલી વસ્તુ સરકાવી રસ્તા પર ચાલ્યો જાય છે. દૃશ્ય જોતાં જમનાદાસ ચમકી ગયા. વીંછીએ ડંખ દીધો હોય તેમ ખુરશી પરથી ઊભા થઈ ગયા. ચંપલ પહેરી વીજળીવેગે જગ્ગુની અદાએ દાદર કૂદતા એમણે ભોંયતળિયે પહોંચી શિવલાલના ઘરનું બારણું ઠોક્યું. કલપ લગાડેલ વાળવાળા શિવલાલે દરવાજો ખોલ્યો.
શિવલાલ: આવો. કેમ આજે પિક્ચર અડધું છોડીને આવવું પડ્યું?
જમનાદાસ: શિવલાલ, બન્યું છે જ એવું. પિક્ચર જોવું કે જમનાની ઠાઠડી જોવી?!
શિવલાલ: એવું તે શું થયું?
જમનાદાસ: બે દિવસથી લાંઘણ પર છે.
શિવલાલ: દસ દિવસ તો કાંઈ વાંધો નહીં આવે. મેદ ઓછો થશે.
જમનાદાસ: મારો જીવ જાય છે ને તને મશ્કરી સૂઝે છે.
શિવલાલ: તું ફોડ પાડીને કહે તો ખબર પડે ને?
જમનાદાસ: તને યાદ છે, અઠવાડિયા પહેલાં રોટલી બનાવવા તને તેલનું મોણ જોઈતું હતું?
શિવલાલ: તેનું શું છે?
જમનાદાસ: ઓટલા પર રાતે બેસવા આવેલો ત્યારે હું લઈ આવેલો.
શિવલાલ: હા, તે રાતે જમના ગરબામાં ગઈ હતી.
જમનાદાસ: એ વાડકી ખોવાઈ છે.
શિવલાલ: મારે ત્યાં જ પડી હશે. બેસો હું શોધી કાઢું. શિવલાલે રાંધણિયામાં જઈ વાડકીની શોધમાં ધમાચકડી મચાવી.
જમનાદાસ: મળી કે?
શિવલાલ: શોધું છું.
જમનાદાસ: એ નહીં મળે તો ઝેર પીવાનો વખત આવશે.
શિવલાલ: વાડકી ચોક્કસ વિમળાને ત્યાં ગઈ હશે. એને કહી આવતી કાલે સવારે તમારે ત્યાં મોકલી આપવાનું કહીશ.
જમનાદાસ ઉપર આવ્યા ત્યારે ટી.વી. ચાલુ હતું. જમના ઘસઘસાટ ઊંઘતી હતી. ત્રીજી એપ્રિલ સોમવારે બપોરે જમનાદાસે છાશ પીતાં પીતાં પૂછ્યું: શું થયું પેલી વાડકીનું? મળી કે?
શિવલાલ: સવારે જ વિમળાબહેન આપી ગયાં.
જમનાદાસ: હવે તો હાશ થઈ ને?
જમના: શું ધૂળ હાશ થાય!
જમનાદાસ: કેમ?
જમના: વાડકી મળી જ નહીં હોત તો સારું થાત.
જમનાદાસ: શું વાંકું પડ્યું?
જમના: વાડકી શિવલાને ત્યાંથી મળી.
જમનાદાસ: કેવી રીતે?
જમના: કોણ જાણે ત્યાં કેવી રીતે ગઈ! મને તો એ દીઠો ગમતો નથી. વાળમાં કલપ લગાડી નરમ નરમ, ચીપી ચીપીને બોલે છે ત્યારે તમાચો મારવાનું મન થાય.
જમનાદાસ: આમ માણસ તો ઠીક લાગે છે.
જમના: તમે તો ભોળાભટાક છો. વિમળા તો એને માટે એનું ઘર બાળી મૂકવામાં પણ પાછી પડે નહીં. એ પરથી જ સમજી જાવ ને!
જમનાદાસ: શું?
જમના: વિમળાને લાગશે કે શિવલા સાથે હવે હું મીઠા સંબંધ બાંધું છું. વાડકી મળી નહીં હોત તો ખોટા વહેમનું આળ તો માથા પર ન રહેત ને?
જમનાદાસ: મેં તને કંઈ કહ્યું છે?
જમના: મારે શોધવું તો પડશે જ કે આ વાડકી ત્યાં ગઈ કેવી રીતે?
જમનાદાસ: છોડને લપ. વાડકી મળી ગઈ એટલે ગંગા નાહ્યા.
જમના: કહો છો તો તમારા વેણ મારે આંખ-માથા પર.
જમનાદાસે નિરાંતનો દમ લીધો.