ચૂંદડી ભાગ 1/ચૂંદડીના રંગો લગ્નનાં લોકગીતો 1: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચૂંદડીના રંગો લગ્નનાં લોકગીતો 1| }} {{Poem2Open}} <center>[‘ચૂંદડી’ (ભાગ 1)...") |
(No difference)
|
Revision as of 04:46, 17 May 2022
દિવસ મટીને રાત્રિ આવે છે. રાત્રિ વીતીને દિવસ ઊગે છે. રોજે રોજનો, રોજ બબ્બે વખતનો એ ફેરફાર છે. જળ ત્યાં થળ અને થળ ત્યાં જળ કરનાર કોઈ ભૂમિકમ્પ જેવો એ ફેરફાર છે. બન્ને પરસ્પરનાં કટ્ટાં વિરોધી : એકની પ્રકૃતિ પ્રકાશમય, તપનશીલ અને ચૈતન્યદાયી : અન્યની પ્રકૃતિ ઘન અંધકારમય, શીતવાહી ને નિશ્ચેતનામાં સુવાડનારી : છતાં બન્નેનું સવાર-સાંજ બદલાવું કેવું સ્વાભાવિક લાગે છે! બે શત્રુઓ પરસ્પરની ગરદન વાઢતા હોવાને બદલે બે પ્રેમીજનો પરસ્પરનું ગાઢ-પ્રગાઢ મિલન સાધતા હોવાનું શું એ ઉત્સવ-દૃશ્ય નથી બની જતું? એકનાં જ્વાલાઝરતાં કિરણોને બીજીના શીતળતા વર્ષતા તારલા તદ્દન સ્વાભાવિક જ કાં લાગે? એકના સર્વદર્શી અજવાળાને બદલે અન્યનો સર્વગોપન અંધારપછેડો પણ કેટલો બધો સ્વાભાવિક ને સુસંગત લાગે છે! આવું પ્રચંડ પરિવર્તન, ને છતાં એને લગારેય આંચકો ન મળે : આવો બળવાન પ્રત્યાઘાત છતાં તેનો જરીકેય અવાજ ન સંભળાય; આવો વિરાટ પલટો, છતાં જગતના કરોડો જીવ જરાયે ચોંક્યા વિના તેને આધીન બને છે; એમાં સુખી લહેરો અનુભવે છે; એમાં વિશ્રામ અને સ્ફૂર્તિ પામે છે. એ શા માટે? એટલા માટે કે એ પરિવર્તનનો આંચકો ન લાગવા દેનારી મૃદુલ એક કાલ-તનયા ત્યાં વચ્ચે આવીને પોતાનાં કોમલ અંગો આડાં ધરે છે. એનું નામ ઉષા–સંધ્યા. કલહઘેલા માવતર વચ્ચે ઊભી રહેનારી કો ડાહી દીકરી સરખી એ બહુરંગી ઉષા–સંધ્યા દિવસ–રાત્રિના વિગ્રહને પોતાની ચૂંદડી આડે સંતાડી રાખે છે. ધીરે ધીરે, ધીરે ધીરે ધીરે જાણે દિવસની પાંખો સંકેલાઈને રાત્રિરૂપી માળામાં છુપાય છે. ધીરે ધીરે, ધીરે ધીરે ધીરે જાણે બાળક માતાની મીઠી ગોદમાં લપાય છે. ધીરે ધીરે ધીરે જાણે પ્રિયતમ પ્રિયાના ભુજપાશમાં સમાય છે. ધીરેથી જાણે એક પીગળીને અન્યમાં ઓતપ્રોત થાય છે. એ જાણે યુદ્ધ નથી, મિલન છે; પરિવર્તન નથી, ઐકાત્મ્ય છે; જય–પરાજય નથી, અન્યોન્ય આધીનતા છે; મૃત્યુ નથી, પ્રાણમાં પ્રાણનું નિમજ્જન છે; આંચકો નથી, આલિંગન છે. અને એ અસ્વાભાવિકને સ્વાભાવિક બનાવનાર, એ અસંગતની સંગતિ યોજનાર, એ દારુણને કરુણામય કરી મૂકનાર કેવળ અધ-પા કલાકની ઉષા–સંધ્યા જ છે. દિવસ રાત્રિ, ઉભયના રંગોને ધારણ કરીને એ મિલન-સખી આભને આરે ઊભી રહે છે. એણે અબજો પુનરાવર્તન પછી પણ ઉદય–સંધ્યાની રમ્યતાને જૂનીપુરાણી થઈ જવા દીધી નથી. નિત્ય નિત્ય નૂતનત્વ અને નિગૂઢત્વની કોઈ નવરંગી ચૂંદડી ઓઢીને પોતાના ઝલકતા પાલવ ઉરાડતી એ ઉષા–સંધ્યા રોજરોજની અજાણી બની આભ–ધરતીને અમીરસ પાયા જ કરે છે. થાક એને લાગ્યો જ નથી. અબજ વર્ષે પણ થાક એને લાગતો નથી. થોડી વાર આપણે એ ચૂંદડીનું ધ્યાન ધરીએ. એ ચૂંદડીના રંગો આંખો વાટે ભરી ભરી પીએ. પછી એ ચૂંદડીના સોહાગ ફોરતી કોઈ બીજી ચૂંદડી પૃથ્વી પર ક્યાંયે હોય તો તેને શોધી કાઢીએ.
એકલ દશા ને યુગલદશા : માનવજીવનની એ પણ બંને વિરોધી દશાઓ : દિવસ અને રાત્રિ જેવી : વિચારીએ તો ભયંકર વિગ્રહ-તત્પર બે વિરોધીઓ જેવી ગણાય. બન્ને દશાનાં સ્વભાવ ને સ્વરૂપ કેટલાં બધાં જૂજવાં! બંનેના મેળને અવકાશ જ ક્યાં છે? આજનો એકલ વિહારી, ઉન્મત્ત કે કઠોર વ્રતધારી કુમાર આવતી કાલે પરગૃહની કોઈ અજાણી કુમારી સાથે પરણી જઈ જુગલવિહારી બને એ શું પ્રકૃતિના ભુવનમાં પ્રચંડ આંચકો નથી? જેમ કુદરતમાં, તેમ જીવનમાં પણ આંહીં દટ્ટણ તો બીજે પટ્ટણ, આંહીં જળ તો બીજે થળ, આંહીં માયા તો બીજે મિટ્ટી બનાવી મૂકનાર એ ઘટના નથી? ત્યાગમાંથી ઉપભોગમાં લસરાવતું એ મહાન વાવાઝોડું છે. અનેક આત્માઓની ચાહના ત્યજાવીને એક જ માનવી પર આખું અંતઃકરણ ઢોળાવનાર એ એક વિકટ દશાન્તર છે. નર્યું લગ્ન એ એક કેવું જોખમકારક પરિવર્તન છે. એ નવા મિલને ઘણા જૂના ગાઢતર સ્નેહસંબંધોને રદ કરાવ્યા છે. એણે સંયમ ભુલાવી લાલસાના દોર છૂટા મેલાવ્યા છે. એણે સમતા છોડાવી મદોન્મત્તતા જન્માવેલ છે. એ પરિવર્તને ઘણું જૂનું ભાંગીને નવું સરજાવેલું છે. એ એનો સ્વભાવ છે છતાં એને દિવસ–રાત્રિના પલટા સમાન કોમળ, નિઃશબ્દ ને મધુર બનાવનાર કોઈ ઉષા-સંધ્યા ક્યાં હશે? હશે તો કેવી હશે? કેવી હોવી જોઈએ? લોકોએ કેવી એની કલ્પના કરી છે? એ ચૂંદડીના ભાતીગળ પાલવડા પોતાની ફોરમો ઢાળતાં ક્યાં ક્યાં ને કેવી રીતે ફરકી ગયા છે? કેટકેટલી આળપંપાળને અંતે બે પંખીના પ્રાણમાં પ્રેમ પ્રગટે છે! કેટકેટલી કુશંકાઓ અને ભીતિઓ ટળી ગયા પછી જ બે ઢોર પણ પરસ્પર હેવાયાં બને છે! માનવી તો એ સહુથી વધુ ગૂંચવણોથી ભરેલો જીવ : એને તો મિત્ર બનતાં પહેલાં પણ કેટલી અશ્રદ્ધા, ચિંતા ને ધાસ્તીમાંથી વટવું પડે છે! એથી, એ સહુથી વિકટ મનસંયોગ તો નર અને નારીનાં બે પ્રાણપંખીના સમજવા. અને એ જીવનનાં જોડાણોને કાજે નિરનિરાળા સમાજે, નોખનોખા જુગમાં નિરનિરાળી યુક્તિ–પ્રયુક્તિઓ યોજેલી દીસે છે. આજે જાણે કે યુગ બેસે છે સંવનનનો. આજે સ્નેહ-સાહિત્યનું વાચન અને ચોબાજુની સ્નેહ-સૃષ્ટિનું નિરીક્ષણ યુવક-યુવતીના અંતરમાં બેલડ-દશાની ક્ષુધા જન્માવે છે, અને મોહવશ આખો જેટલો કાંઈક વિવેક વાપરવા આપે તેટલો વાપરીને પોતાના પસંદ કરેલ પાત્રની સાથે સંવનનની રીતિએ મનમેળ ઉપજાવવા દેવાના ઈલાજો આજે નક્કી થયા છે. ધીરે ધીરે કે ત્વરિત ગતિએ, વિવેકની પાળો વચ્ચે સમતાથી વહેતી સરિતાની માફક અથવા તો ઊર્મિના પ્રબલ મારપછાડા રોકનારી કોઈ કિનારીઓ વિનાને વિકલ પંથે એક જીવન બીજા જીવનમાં ઠલવાઈ જાય છે. પ્રેમના પત્રો, કવિતાની રચનાઓ, પરસ્પર પાઠવવામાં આવતી ભેટો, પ્રતિબંધરહિત મેળાપો, સહનિવાસો, સગાંવહાલાં ને સ્નેહીજનો તરફથી સોગાદો, મધુરજનીના બેલડી-વિહારો વગેરે વગેરે રંગો ને ભાતોથી ભભકે છે આજની જીવન-ચૂંદડી. એ રંગો કાચા છે કે પાકા? એ ભાત રહેશે કે રોળાઈ જશે? નિર્ણય હજુ થયો નથી.
પરંતુ એવી કોઈ જીવન-ચૂંદડી જૂના કાળમાં હતી કે નહિ? આજકાલ અરક્ષિત અને પછાત વર્ગમાં ખપતા સમુદાયને એવી કોઈ ચૂંદડીનું સ્મરણ છે કે નહિ? એના માનવ-મિલનો શું કેવળ કલા-વિહીન, પ્રાણવિહીન, રંગવિહીન, મિલનો હતાં, કે કોઈ કસુંબલ ચૂંદડીની સુવાસો પણ ત્યાં મહેકતી હતી કદી? એવું કંઈક હતું ને હજુ અવશેષરૂપે જીવે છે. એ જીવે છે પ્રાચીન લોકલગ્ન-વિધિરૂપે; લોકોનાં લગ્ન-ગીતોના સમગ્ર એક ઝૂમખારૂપે. લોકસમુદાયે પોતાની સંતતિની કૌમાર અને વિવાહિત દશાની વચ્ચે આખી એક લગ્ન-રીત અને લગ્નકાવ્યનું સાહિત્ય ઉત્પન્ન કરીને પોતાને સૂઝ્યું તેવું સર્વદેશીય ભાવના-મિલન સાધવાનો યત્ન કર્યો હતો. કુટુમ્બનો પ્રેમી અને કડક બ્રહ્મચારી દશાનો પાલનહાર લોક-યુવક અથવા યુવતી, ધીરેધીરે, દિવસ–રજનીના મિલન જેટલાં જ ધીરે ધીરે, નિઃશબ્દે, વિણ-આઘાતે, વિનાકંપ્યે દંપતી-જીવનની સામી પરિસ્થિતિમાં સરી જતાં, બન્ને અવસ્થાઓનું માધુર્ય મિલાવી મિલાવીને પીવા લાગતાં. કંઈ નહિ તો એવી મિલાવટનો આશય તો આ ઝીણવટભરી રસપ્રણાલીની પાછળ ઊભેલો હતો. બે સામસામાં છાબડાં વચ્ચે સમતુલાની દોરી બાંધવાનો એ પ્રયત્ન હતો. ઉપભોગની સાથે વિશુદ્ધિને, યુગલજીવનની સાથે કુટુંબ-સંસારને, શૃંગારની સાથે કરુણતાને, ગાંભીર્યની સાથે પરિહાસને અને વિલાસની સાથે માંગલ્યને ભારોભાર બનાવી જોડવાની કોઈ જુક્તિરૂપે પ્રજાએ આ પ્રણાલી યોજી હશે એવું માનવા મન લલચાય છે. જીવન-ચૂંદડીના એવા સપ્તરંગી શણગાર લોકસાહિત્યમાં આજની ઘડી સુધી સચવાયા છે, તે બતાવવાનો પ્રયાસ આજે આપણે આ લેખમાં કરશું.
કોઈ પણ સમાજના સંસ્કારનું માપ કાઢવું હોય તો એની નિપજાવેલી લગ્ન-ક્રિયાની ને એના રચેલા લગ્ન-સાહિત્યની સામે દૃષ્ટિ કરી લેવી : જીવનની વાટ ભુલાવે તેવું ગંભીર વનરાવન આ લગ્ન છે. ત્યાં માનવીની સન્મુખ વિલાસ ઊભેલ છે. સંયમ ત્યાં શેણે સાંભરે? ત્યાં સુરા ભભકે છે — ફૂલોની ધીરી મીઠી સુવાસ ત્યાં કોને ગમે? યૌવન મદોન્મત્ત બની ઘેનમાં ઘેરાતી આંખે ઊભેલું હોય, ત્યાં નરમાશ અને નયનોની નિર્મલતા શે રહી શકે? વિવાહ અને વિષયભોગ વચ્ચે ક્યાં ઝાઝું અંતર છે? પ્રત્યેક સમાજ પોતાના તમામ ઉત્સવો કરતાં આ લગ્નોત્સવને અવસરે ઉઘાડો પડી જાય છે. એને સહજમાં સહજ તે વેળા મસ્ત બનવું, બહેકવું, તોફાને ચડવું, રંગીલારસીલા થવું ને ભાન ભૂલવું ગમે છે. પાંચેય ઇંદ્રિયો તે કાળે મોં ફાડીને ‘લાવો! લાવો! લાવો!’ની ચીસો પાડે છે. મોહિની ને મંગલતા વચ્ચે મેળ રાખવા ત્યાં દુષ્કર થઈ પડે છે. સંતોષ અને સંયમ વચ્ચે ત્યાં સંગતતા રાખવી મુશ્કિલ નથી શું? શાસ્ત્રોનું બલ ત્યાં સદાકાળ ચાલતું નથી. શાસ્ત્રો તો ચોકીદાર પેઠે કડક આજ્ઞા જ ફરમાવી શકે છે. મહાત્માઓના સદ્બોધ ત્યાં સંભળાતા નથી. એની રસહીનતા ને કઠિનતા કોઈને પચતી નથી. શાસ્ત્રો ને મહાત્માઓ પહોંચી શકે તે કરતાં ઘણી વધુ વિશાળ આંતર-સૃષ્ટિ એ સમયે હિલોળે ચડી જાય છે. ધર્મવચનોથી વાર્યા ન રહે તેવા વિકટ ભાવોનો ત્યાં ખળભળાટ મચે છે.
માટે જ ત્યાં લોક-સમુદાયે નવીન જ જુક્તિ નિપજાવી કાઢી. એ કટ્ટાકટ્ટીની જીવન-દશામાં જૂજવા જૂજવા તમામ માનવ-ધર્મોનો મધુર મેળ યોજવા આપણા રસિક પૂર્વજોએ આપણી લગ્નસંસ્થા ને લગ્ન-કવિતાની ફૂલવાડી ઉગાડી દીધી. એ ફૂલવાડીની વચ્ચે કર્તવ્યભાનમાં દેવાલય ચણ્યાં. ફૂલોને રખે ચૂંટીએ તે કાજે મંગળતારૂપી માલણની ચોકી મેલી. કાવ્યદેવીએ પંપાળી પંપાળી પોતાના કોમલ કરસ્પર્શે જાણે કે પરણનાર બેલડીનો વિશુદ્ધ રસસમાગમ યોજવા યત્ન કર્યો હોય. એ લગ્નમાં ઉતાવળ નહોતી, પરણીને પરબારાં સર્વ સ્વજનોથી દૂર કોઈ ચોર વા બંડખોરની માફક એકલ વિલાસ માણવા નાસી જવાની એ વિધિમાં જગ્યા નહોતી. ધીરે ધીરે એ કુમાર–કુમારીનાં અંત:કરણોને એક દુનિયામાંથી અન્ય દુનિયામાં ઉપાડી જવાની એ સ્નૈહ-નૌકા રચાયેલી હતી. ત્યાં ખાનપાનના સમારંભો સામે વર–કન્યાના ઉપવાસ પણ છે; વસ્ત્રાભૂષણના ઠાઠમાઠ સામે શ્વેત પાનેતરના વલ્કલ-શા સાધુવેશ પણ છે; ત્યાં તેલસિંચન, સુગંધી પીઠીનાં મર્દન, અને સુખકારી સ્નાન છે, તો આદિત્ય–રાંદલ સરીખાં તેજસ્વી અને પરિશુદ્ધ દેવયુગલની સાક્ષી પણ હાજર ઊભેલી કલ્પાઈ છે; ત્યાં માનવમેદનીની હાજરી છે, તો તે સઘળી મેદનીની વચ્ચે જ વર–વધૂના પ્રથમ પ્રેમલ હસ્તમેળાપ પણ છે; એક બાજુ સમાજની લાજ-મરજાદ છે, તો બીજી બાજુ હાથેવાળા વાટે પરસ્પર દેહ-વીજળીના ચાલતા મધુર સંચાર પણ છે. દૂધેભરી થાળીમાં બન્ને હાથ કોડીની રમતો રમી રહ્યા હોય તો તે સામે ગોત્રીજ દેવીની પાપ-ડારતી જ્યોત પણ બળતી રખાયેલી હોય છે; સહુનાં દેખતાં વર–વધૂનું પહેલી જ વારનું સહભોજન પણ ત્યાં જ છે. તે સામે અગ્નિદેવની ચોકી પણ ત્યાં જ ઊભી હોય છે. પતિની સાથે ચાલ્યા જવાના ઉલ્લાસની સાથોસાથ જ પિતા–માતાથી જુદા પડવાના મર્મવેધક પ્રસંગો પણ ત્યાં જ ખડા છે. પુરોહિતના ધર્મ-મંગલ મંત્રોચ્ચારની જોડાજોડ જ સગાંવહાલાંના મીઠા પરિહાસ ત્યાં ચાલે છે : શરીર-વૈભવની વચ્ચે ધર્મના મંગલ ઘંટારવ ત્યાં સતત બજતા સંભળાય છે. વિવાહિત જીવનના વિહાર-સરોવરમાંથી પાણી ઝાલક મારીને બહાર ન વહ્યાં જાય તે માટે ચોપાસ કર્તવ્યની પાળ બંધાઈ જાય છે.
એમાંથી જ કવિતા ઊઠી છે. ને કવિતા લગ્નમાંથી ન જાગે તો પછી બીજે ક્યાંથી જાગે? સર્વ કાવ્યોનું મહાકાવ્ય તે લગ્ન : સર્વ રસનું સાચું ઝરણ ને જીવનના સર્વ રુધિરની ધોરી નસ તે આ લગ્ન : એમાંથી કવિતા જાગી પણ એ તો સરિતા જેવી જાગી. કોઈ એકાદ બગીચાના નાના નળ જેવી એ નહોતી : એકાદ કોઈ ભણેલગણેલ કે પ્રેમની પોપટિયા વાણી ગોખેલ યુગલને સંતોષવા અથવા દેખાડો કરવા માટેની એ ‘રસ’ શબ્દના અતિરેકે ઊભરાતી કવિતા નહોતી; એ તો નાનાંમોટાં ને ઊંચાંનીચાં તમામ ખેતરોમાં રેલી જનારી સર્વસ્પર્શી કાવ્ય-સરિતારૂપે જ રેલી હતી. એ કવિતાએ તો રાયથી રંક સુધી તમામ વરકન્યાને એક જ સરખી રીતે લાગુ પડી મનધાર્યા મનોભાવ જગાવે તેવાં શબ્દચિત્રો આલેખ્યાં. એ કવિતામાં તો માતા–પિતા, ભાઈ–બહેન, સાળા–બનેવી વગેરે સર્વ કુટુંબીઓને સ્થાન મળ્યું. એ એની એક પ્રકારની સર્વદેશીયતા : બીજી સર્વદેશીયતા એના ભાવ-મિશ્રણની — કહો કે ભાવોના એકીકરણની. એટએટલી કુલમરજાદમાં મુકાયેલા એ સમાજજીવનની વચ્ચે થઈને પણ સંવનનનો ઝીણો એક જ ધારો, અખંડિત સૂર ચાલ્યો આવે છે. છૂટાંછવાયાં, જુદી જુદી વિધિઓ વખતે ગવાતાં એ ગીતો મોટે ભાગે તો ખુદ વિધિનો કાંઈ અર્થ ઉઘાડો કરવાને બદલે જાણે કે છાનાંમાનાં વરવધૂના જ પ્રેમાલાપની અથવા સંદેશાની, સાંત્વનની અથવા સમુલ્લાસની વાણી ઉચ્ચારે છે. જાણે કે કવિતા પોતે કોઈ પ્રેમસખીનો પાઠ ભજવતી, છૂપી છૂપી, અન્ય પ્રસંગોની ઓથે રહીને વરવધૂના મનમેળના પ્રયાસો આદરે છે.
એ પ્રેમસખી થનારી કવિતાનું સ્વરૂપ કેવું છે? એના આખા પ્રયાસની વિલક્ષણતા શી છે? આ પુસ્તકમાં એનું સ્વરૂપ કંઈક રીતે નક્કી કરવામાં આવ્યું છે. છૂટાંછવાયાં. પ્રાસંગિક વા અપ્રાસંગિક, ગાવામાં આવતાં એ સવાસો જેટલાં ગીતોમાં જાણે કોઈ ગુપ્ત સંકલના વહેતી માલૂમ પડે છે. જાણે કે કોઈ બે વર–કન્યાનાં ભાવનાલગ્નની સળંગ એક વાર્તા વર્ણવાય છે. બે યુવાન સ્ત્રી–પરુષ જીવનમાં પ્રથમ વાર —
દૂધે તે ભરી તલાવડી, મોતીડે બાંધી પાળ,
ઈસવર ધોવે ધોતિયાં, પારવતી પાણીડાં જાય.
એ સ્થિતિમાં કોઈ જળાશયને તીરે મળ્યાં, પરસ્પર મન ઠર્યાં અને
હળવા તે ધોજો, ઈસવર, ધોતિયાં, છંટાશે મારાં ચીર,
અમ ઘેર દાદોજી રિસાળવા, દેશે માતા મોરી ગાળ.
એવા લગાર ફફડાટ પરથી —
નહિ તારો દાદોજી રિસાળવા, નહિ દેશે માતા તારી ગાળ
આપણા બેઉ મળી પરણશું, વૈશાખ મહિના માંય.
એવા પરસ્પર પરણવાના કોલ દેવાય. ત્યાંથી માંડી કન્યાએ જળેભરી આંખડીએ ચિંતાતુર પિતા પાસે —
એક ઊંચો તે વર નો જોજો રે દાદા!
ઊંચો તે નત્ય નેવાં ભાંગશે!
એક નીચો તે વર નો જોજો રે દાદા!
નીચો તે નત્ય ઠેબે આવશે!
એક કાળો તે વર નો જોજો રે દાદા!
કાળો તે કુટુંબ લજાવશે!
એક ગોરો તે વર નો જોજો રે દાદા!
ગોરો તે આપ વખાણશે!
એક કડ્ય રે પાતળિયો ને મુખ શામળિયો
તે મારી સૈયરે વખાણિયો!
એવા પોતાની પસંદગીના મધ્યમ કોટિના પુરુષ સાથે પરણવાની આકાંક્ષા બતાવી; પુરુષે પણ ઘેર જઈ —
લાંબી લાંબી તે સરવરિયાની પાળ
એ રે પાળે રે મોતી નીપજે
મોતી તે લાધ્યું…ભાઈ વર હાથ
ઘેરે રે આવીને ઝઘડો માંડિયો
દાદા દાદા મોરા મુજને પરણાવ
મુજને પરણ્યાની દાદા હોંશ જો
એવી રઢ્ય લીધી : બન્નેનાં પિતામાતાએ અનુમતિ દીધી. વેવિશાળ થયાં, ગળિયા ગોળ વહેંચાયા, લગ્ન માટે —
ઘડીએ ઘડીએ લાડણ વહુ કાગળ મોકલે
રાયવર, વેલેરો આવ
સુંદર વર, વેલેરો આવ
તારાં ઘડિયાં લગન રાયવર વહી જશે.
એમ કન્યાએ પોતે જ પોતાના સુંદર વરને વહેલા ઝટ આવવા માટે ઘડીએ ઘડીએ કાગળો મોકલ્યા. વરે પણ વિનોદ કરીને સામા —
હું તો કચરાની ચોરીએ નહિ પરણું
ઘડીએ ન વહેલો પરણીશ
ઘડીએ ન મોડો પરણીશ
હમણાં હમણાં ત્રાંબાની ચોરી નીપજે
અથવા તો —
ચૈતર વૈશાખના તડકા રે પડશે
ધોરી બળદના પગ રે તળવાશે
ગોરા જાનૈયા રજે ભરાશે
ગોરી જાનડીઓ શામળી થાશે
ભાઈ રે…ભાઈનાં ફૂલડાં કરમાશે
એવા ઊર્મિભર્યા ઉત્તરો પાઠવ્યા. પંદર દિવસ સુધી પરોઢે પરોઢે મીઠાં મંગલ પ્રભાતિયાં સાંભળતો, કાગાનીંદરમાં સુમિષ્ટ સ્વપ્નાં જોતો, હેમવરણી પીઠીનાં મર્દન લેતો, મેઘવરણા વાઘા પહેરી કેસરભીનાં છાંટણાં વડે શોભતો, ઘોડીને પાગડે પગ દઈ કન્યાને નોતરે જવા નીકળતો પુરુષ –
કિયે ગામ ગડ્યાં રે નિશાન
કિયા ગામને પાદર, મોરી, રાજવણ
તંબૂ તાણિયા રે!
એવા ડેરા તંબૂ નાખીને સાસરવાસી ગામને પાદર મુકામ કરે છે. લેલર માંડવેથી ‘ચોળ ચૂંદડી’માં સજ્જ થયેલી વધૂ જોઈ રહી છે કે
આવે આવે રે વાસુદેવનો નંદ
પૂનમ કેરો ચંદ
દીવા કેરી જ્યોત
વિવા કેરી વરધ
કે વર આવ્યે અંજવાળાં રે
એવાં અજવાળાં પાથરતો પોતાની જીવન-પૂર્ણિમાના ચંદ્ર-શો, જીવનદીપની જ્યોત-શો વર આવે છે. એટલેથી સંતોષ ન પામતાં
ઊંચા ઊંચા મોલ મારે ઘર રે વીવાતા
એથી ઊંચેરા ગઢના કાંગરા રે
કાંગરે ચડીને બેની…બા જોશે
કેટલેક આવે વરરાજિયા રે
કન્યા કાંગરે ચડીને નિહાળે છે : દાદાજીની મેડીએ, કાકાની મેડીએ, નિકટ ને નિકટ આવતી આવતી નિહાળે છે : અન્ય સગાંની સંસારી આંખો વર રાજિયા, વર રૂપલા, વર લાડકા, વર હોંસીલા વગેરે કહી વખાણે છે, પણ પોતે તો —
દાદા, અમે જોયા ચતુરસુજાણ
છત્રીસ વાજાં વાગિયાં
— એ રામ-સીતાના મનોભાવથી રંગાતો પોંખાવા આવે છે. અને
ઢોલ ઢમક્યાં ને વરવહુના હાથ મળ્યા
જાણે ઈસવર–પારવતીના સાથ મળ્યા
જગત્પિતા અને જગદમ્બાની જોડલીનું સ્મરણ કરાવતો એ હસ્તમિલાપ : આવતી કાલે માવતરથી વિખૂટાં પડવાનું છે એ વાતના અફસોસમાં પુત્રીની —
અમે રે લીલા વનની ચરકલડી
ઊડી જાશું પરદેશ જો
આજ રે દાદાજીના દેશમાં
કાલે જાશું પરદેશ જો!
એક તે પાન દાદા તોડિયું
દાદા નો દેજો ગાળ જો!
એવી ઓશિયાળી, દયામણી મનોદશા : પિતા પાસે પહેરામણી માગતી પુત્રીનું —
સંપત હોય તો દેજો, દાદા મોરા
હાથ જોડી ઊભા રે’જો!
હાથ જોડી ઊભા રે’જો, દાદા મોરા
જીભડિયે જરા લેજો!
એવું રુદનભીનું કથન : ઘૂંઘટની અંદર છાના વિલાપ કરતી પ્રિયાને
આછેરું કંકુડું ઘોળ્યે રે લાડી
આછેરી પીળ્ય કઢાવું!
તારા બાપનાં ઝૂંપડાં મેલ્ય રે લાડી
દાદાજીના મોલ દેખાડું!
એવાં સ્વામી તરફથી અપાતાં પ્રલોભનો : અથવા એથી પણ અધિક
મેં તો ડુંગર કોરીને ઘર કર્યાં રે
મેં તો કાચનાં જડિયાં કમાડ રે હો લાડડી!
હજી રે સમજ મારી કોયલડી
એવાં, આ વિવાહ પરત્વેનાં પોતાનાં વસમાં વીતકોનો ચિતાર દેતાં મર્મગામી આશ્વાસન : તે પછી વિદાય થતી પુત્રીને સ્વજનો તરફથી
ડેલી વળામણ મારા દાદાજી, દીકરી ડાયલાં થાજો!
હૈડે તે જડજો સોના સાંકળાં, મનડાં વાળીને રે’જો!
સસરાનો સરડક ઘૂમટો, સાસુને પાયે તે પડજો!
જેઠ દેખી ઝીણાં બોલજો, જેઠાણી વાદ ન વદજો!
નાનો દેરીડો તે લાડકો, એનાં હસ્યાં રે ખમજો!
નાની નણંદ જાશે સાસરે, એનાં માથડાં ગૂંથજો!
માથા ગૂંથીને લેજો મીઠડાં, બેનને સાસરે વળાવજો!
— એવી કરુણાર્દ્ર શિખામણો : એવી શિખામણો પામીને વધૂ પતિને ઘેર પહોંચી. પિયરના વિરહની વેદના શમી ગઈ. દંપતી-જીવનના પ્રથમ પૂર્ણોદયની પહેલી રાત્રિએ —
હાં હાં રે હમલી, લીલી ડાંડીનો ઝમરખ દીવડો
— એવો ઝમરખ દીવડો લઈને નવવધૂ રૂમઝૂમતા મેડીએ ચડ્યાં. પ્રશ્ન પુછાય છે કે —
વગર તેડ્યાં ગોરી શીદ આવ્યાં!
છલ છલ શૃંગાર-નીતરતો ઉત્તર મળે છે : નિર્મળ શૃંગારની લહરીઓ વાય છે :
આછી પછેડી ઓઢવા આવ્યાં!
— પ્રિયતમના સ્નેહની એવી આછી પછેડી ઓઢી લઈ, સુખનિદ્રામાં પોઢેલી કુલવધૂએ ગહન મીઠાં સ્વપ્નો દીઠાં, સ્વામીએ સમસ્યાભર્યા સુંદર અર્થો બેસાડ્યા : કુલવધૂએ પોતાના એવા ચતુરસુજાણ સ્વામીની શરણાગતિ પુકારી :
હું તો મારગડાની ભૂલી રાજ બંદલા!
મને મારગડો દેખાડો રાજ બંદલા!
એક વાર એ મારગડો — એ કર્તવ્યનો પંથ — ભુલાયો પણ બતાવવામાં આવ્યો :
શ્રી પરભાતને પો’ર કૌશલ્યાએ દાતણ માગિયાં
માગ્યાં વાર બે વાર, સીતાજીએ શબ્દ ન સાંભળ્યો.
મોહવશ મનોદશામાં અન્યમનસ્ક બનેલી વહુવારુએ માગણી ન સાંભળી. ચિત્ત કેવળ ઉપભોગની લહેરમાં ડોલતું હશે! કર્તવ્ય ચુકાયું ને સ્વામીદેવે એ ‘મારગડાની ભૂલી’ સ્ત્રીને માર્ગ દેખાડ્યો :
મારા નાનેરા લખમણ વીર, ગંગાને કાંઠે ઘર કરો!
ત્યાં કાંઈ રાખોને સીતાજી નાર, માતા વચન શીદ લોપિયું!
એ નિષ્ઠુર કર્તવ્ય કરતાં પણ પોતાની અનન્ય પ્રીતિનું કરુણાર્દ્ર વચન :
ગોરી તમે મારા હૈયાનો હાર, માતા-વચન કેમ લોપિયું!
રાખીશ રાખીશ માસ છ માસ, છઠ્ઠે માસે તે તેડાં મોકલું!
એમ સહદુઃખી બનીને સજા દેવાની, સીતાપતિનું સ્મરણ કરાવતી કર્તવ્ય-ભાવના પ્રગટ થાય છે. અને આખરે લગ્ન-જીવનનું શ્રેષ્ઠ ફળ પોતાના ઉદરમાં ધારણ કરીને પિયર પળતી પત્નીનું છેલ્લું દૃશ્ય : જાણે માવતરઘરની કુંજની કોયલ આવી.
કાળી-શી કોયલ શબદે સોહામણી
આવે રે કોયલ આપણા દેશમાં
એવી સોહામણી કોયલને સખીઓએ સમસ્યાયુક્ત પ્રશ્ન પૂછ્યો :
કેમ કરી કોયલ એ વન વાસ્યાં?
કેમ કરી સૂડો રાણો રીઝવ્યો!
ઉત્તર પણ મોઘમ જ મળ્યો :
આંબા આંબલિયે એ વન વસ્યાં ને
ટૌકલે સૂડો રાણો રીઝવ્યો!
પછી સ્પષ્ટ પૂછ્યું :
કેમ કરીને બેનીબાએ ઘર વાસ્યાં?
કેમ કરી નાહોલિયો રીઝવ્યો?
અને લગ્ન-જીવનની લોક-કલ્પેલી મનોરથસિદ્ધિ દાખવતો જવાબ નીકળ્યો કે
દીકરા દીકરીએ એ ઘર વાસ્યાં
નેણલે નાહોલિયો રીઝવ્યો!
સંતતિ-જનન અને નયનનીતરતી પ્રીતિ : એ બે જીવન-સાફલ્યનાં અંગો : અથવા
ઓરડા-ઓસરિયે એ ઘર વાસ્યાં
છોરુડે નાહોલિયો રીઝવ્યો!
લગ્ન તો જનનને કાજે : જગત્પિતા સમીપની એ લોક-કલ્પેલી અમુલખ ભેટ : સૃજનના મહિમાની એ સાર્થકતા : લગ્નના આશયની એ અસલ મનાયેલી પૂર્ણાહુતિ : આજે, અલબત્ત, એ ભાવના આદર્શભ્રષ્ટ થઈ લેખાય, કેમ કે, યુગપલટો એ માગી રહ્યો છે. એક જ યુગલની જીવન-યાત્રાનું જાણે વૃત્તાન્ત કહેતી કહેતી કવિતા આટલી આટલી ભૂમિકાઓ ઓળંગાવતી આપણને આંહીં સુધી લઈ આવે છે. લગ્નગીતોની એ સંકલનાબદ્ધ યોજના આ લેખમાં સંપાદકની પોતાની જ જવાબદારી પર ગ્રહણ કરવામાં આવી છે. લોકધોરણે નક્કી થયેલા સ્નહ-લગ્નનો સળંગ ઇતિહાસ એમાં પ્રતિબિમ્બિત થયેલો જોઈ શકાશે. લોકગીતનું વાસ્તવ આવું ભાવનાલગ્ન લોકજીવનમાં ક્યાંયે પ્રવર્તતું હતું ખરું, કે કેવળ કાવ્યમાં જ એનાં ભભકાભર્યાં ચિત્રો ખડાં કરી, લોકસમુદાય પોતાના ઊલટેરા અસંતોષભર્યા જીવનમાં એક જાતની ઊણપ હતી તેને પૂરી લેતો? લોકજીવનમાં શું હતું કે શું નહોતું તે પ્રશ્ન આપણે સમાજશાસ્ત્ર અને સમાજ-ઇતિહાસના અભ્યાસીને માટે જ રાખી મૂકીએ. અમુક યુગના પ્રજાજીવનનો ઇતિહાસ ઉકેલવા માટે તે સમયે સૃજાયેલું સાહિત્ય સાક્ષીરૂપે વપરાય છે તેટલું આપણે જાણીએ છીએ. સાહિત્યને સામાજિક જીવનનું પ્રતિબિમ્બ લેખવાનો શિરસ્ત્તો લાંબા સમયથી ચાલ્યો આવે છે. અને આપણે આટલું ઉમેરી પણ શકીએ કે અન્ય સાહિત્યના સર્જનમાં તો સમાજનું ચિત્ર ઝીલવાની મુખ્ય દૃષ્ટિ એ સાહિત્યના સર્જકની હોતી નથી. એ પોતાની એકલાની, અથવા અમુક ટૂંકા સમુદાયની જ જીવનકથા વા કલ્પના હોઈ શકે, પરંતુ લોકસાહિત્ય તો એના સ્વભાવે ને લક્ષણે કરીને સર્વ દેશોમાં સમાજજીવનના જ સૂરો કાઢતું — એનાં જ ચિત્રો ખેંચતું — મનાયું છે. કોઈ ગહન કલ્પનાશક્તિ નહીં, કોઈ સાચા કે મિથ્યા કાવ્યપુંજમાંથી આનંદ લઈ લેવાની એકાકી રસવૃત્તિ જ નહીં, પણ સમાજજીવનનું ઊર્મિજનક વાસ્તવ જ આ લોકસાહિત્યનું પ્રથમ પ્રેરક હોય છે. એટલે જેમ સાસુ-વહુ કે સ્ત્રી-પુરુષની કરુણાજનક કલહ-ઘટનાઓ આલેખતાં ગીતો પરથી આપણે તે યુગના ગૃહક્લેશનાં અનુમાનો પર જઈએ છીએ, તેમ ન્યાયને ખાતર આપણે આ ‘લગ્નગીતો’ જેવા સંસ્કારી સાહિત્યની પાછળ પણ કોઈક એવું રમ્ય વાસ્તવ હોવાનું કબૂલ રાખવું ઘટે છે. એ ન્યાયતુલા આપણને એવી માન્યતા પર દોરે છે કે લોકદૃષ્ટિમાં કોઈ સાચેસાચ બનેલા ભાવના-લગ્નની જ આ ગીતોમાં તસવીર પાડવામાં આવી છે, ને એ લગ્નચિત્ર કેવળ કોઈ કલ્પનાવિહારી કવિનું નિપજાવેલું અવાસ્તવિક ચિત્ર નથી. સ્નેહલગ્નની સંભાવના પરંતુ તે તો આપણે સમાજ-ઇતિહાસના સંશોધકોને સોંપીએ. ઘડીભર માની લઈએ કે લોકજીવનમાં આવા ઉન્નત બનાવો બનવા અસંભવિત છે! વર-કન્યાની સ્વતંત્ર પસંદગીની તો વાત ત્યાં શી હોઈ શકે? લાકડે માંકડું જોડી દેનારાં માબાપો તે વળી પોતાના સંતાનોની સ્વયંવર-પ્રથામાં પોતાની સંમતિ કદી નોંધાવે? પોતાના પતિની પસંદગી વિશે કન્યા પોતાના બાપને સલાહ આપે, પોતાના સ્વામીને પરણવા આવવાની કંકોત્રી લખે, એ તે શું સંભવિત વાતો છે? સ્નેહલગ્નના છેલ્લામાં છેલ્લા શોધાયેલા નવા યુગના આદર્શો તો પશ્ચિમમાંથી આવેલા છે, અથવા એ લગ્નભાવના તો કવિ ન્હાનાલાલને ખાતે જમા થવી જોઈએ, તેને બદલે તમે આ યશ એ અંધકારમય મધ્યયુગનાં અડબૂત માનવીઓને અર્પણ કરતા શરમાતા નથી? આ ટાયલાંમાંથી આવી સત્ય ઘટનાઓ ઉકેલવા જતાં શું તમે તમારી નરી પુરાણપ્રિય ઘેલછાનું જ પ્રદર્શન કરતાં નથી? વગેરે મહેણાંના હુમલા લાવનારાઓની સામે વાદમાં ન ઊતરતાં એ પ્રશ્ન એના ખાસ અભ્યાસીઓને સોંપીએ. સાચો સંકેત છતાં એક વાત તો ઊભી જ રહે છે : પ્રશ્ન ઊઠે છે કે તો પછી શા હેતુથી સ્નેહલગ્નનાં પ્રબળ આંદોલન જગાવનારાં આવાં ગીતો રચવામાં આવ્યાં? રચ્યા પછી એને એક સાહિત્ય ભેટ તરીકે કોઈ થોડાંઘણાં રસિકજનોના રસ-ડોલનને કાજે અલાયદાં રાખી મૂકવાને બદલે પ્રત્યેક વર્ષે કે છ માસે, રાયથી રંક સુધી પ્રત્યેક કુટુંબના લગ્ન-પ્રસંગે ગાઈ શકે તેવી પ્રત્યેક સ્ત્રીના કંઠે, બરાબર હોઈ હેતુપૂર્વકની યોજના હોય એવે સ્વરૂપે શા માટે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં? એ પ્રથા પાછળ કોઈ ગંભીર સંકેત તો હશે? હોવો જોઈએ : કાં તો – 1. ગીતોમાં મુકાયેલી ભાવના પોતે જ લગ્નનો આદર્શ હોય. એટલે પછી લગ્નકાળે વાસ્તવિક પરિસ્થિતિ ગમે તેટલી ચાલતી હોય છતાં ગવાય તો આદર્શોની જ ગાથા : એટલે કે તે સમુદાય આવા મર્યાદામય સ્નેહલગ્નને આદર્શરૂપે આરાધતો હતો. અથવા તો — 2. માનસશાસ્ત્રની કોઈ મજબૂત વ્યવહારદૃષ્ટિ આ ગીતોની સાચવણ પાછળ ઊભી હતી : કેવી રીતે? એ રીતે કે પરણનાર સ્ત્રી પુરુષને, પરણતાં પરણતાં એ પંદર-વીસ દિવસો દરમિયાન, સ્નેહલગ્નની, સંવનનની, કરુણાર્દ્રતાની, કુટુંબ-ઋણની, વાત્સલ્યની — એવી એવી જેટલી બની શકે તેટલી ભૂમિકામાંથી માનસિક રીતે પસાર કરાવી જવાં જોઈએ, કે જેને પરિણામે ખરી રીતે તો પોતાની સંમતિ વિના કેવળ વડીલોના નિર્ણયને આધીન બનીને જોડાતાં છતાં એ યુગલ એ પંદર-વીસ દિવસની લગ્ન-સૃષ્ટિમાંથી એ ગીતોની જ ઉન્મુક્ત ઊર્મિઓનો અનુભવ કરી કાઢે અને પરસ્પર મોહિત બનીને જ મુક્ત મને પરણતાં હોય તેવો આંતરિક મીઠો ઉમળકો માણી શકે. પરિણામે શું ફાયદો મળે? મનમાં સંકોચ, અન્યોન્ય અજાણપણાના ઉચાટ, સામસામા અણગમાના સંશયો, પારકાના નિર્ણયનું દબાણ ઈત્યાદિ બોજા અંતઃકરણ પરથી સરી પડે, કાવ્યદેવી જાણે કોઈ જીવંત પ્રેમસખીનો પાઠ ભજવતી પરસ્પર બે અજાણ્યાં હૈયાંનો મેળાપ કરાવે, નેત્રોમાં અમૃત આંજે, હૃદયમાં મોહિની છાંટે, રોમેરોમમાં પ્રીતિનો આવેશ પ્રજ્જ્વલાવે, ને છતાં મરજાદ, મંગલતા, વિશુદ્ધિ, દેવસાક્ષી, ધર્મ વગેરે વગેરે ન મૂકવા દે; દિવસ–રાત્રિનું નિઃશબ્દ સુંદર સંમિલન નિપજાવે. એવો કંઈક હેતુ હશે? કરમાતી વાડી એમ શા માટે ન હોય? ઘણા સમય સુધી એ ફળીભૂત પણ થયો હશે. લોકસાહિત્યના બીજા બધા રોપ કરતાં આ લગ્ન-ગીત રૂપી આસોપાલવનાં મૂળ ઊંડાંઊંડાં, સહુથી ઊંડાં રોપાયાં હશે. નહિ તો આજ સુધી પણ એ વૃક્ષ પોતાનાં ડાળ–પાંદડાં સમેત આજના યુગની ખારી બનેલી ભૂમિમાં ખડું ન રહ્યું હોત. બેશક આજે એ વૃક્ષને નવો ફાળ આવતો બંધ થયો છે. નવી ટશરો ફૂટતી નથી. નવી કૂંણી કૂંપળો બેસતી નથી. એ આંબે તાજા મૉર નીકળતા નથી અને જૂનાં જે ડાળપાંદડાં છે તે પણ કરમાઈને સૂકાવા લાગ્યાં છે. એની લીલી મીઠપ જતી રહી છે. આજે તો કેવળ રૂઢિની જડ પોષવાને કારણે જૂનાં ગીતો દિવસ–રાત આરડીને કંટાળેલી સ્ત્રીઓ પોતાનાં ગળાંને સોજા ચડાવે છે. જૂનાં લગ્નની બધી રીતિઓ અને વિધિઓ જેમ જટિલ જણાય છે, જૂનાં લૂગડાંના ઢગલા ને અલંકારોના થથેરા જેમ બોજારૂપ બની ગયા છે, જૂનાં સ્નેહ-મમતા જેમ આજે શિષ્ટાચાર અને દંભમાં પરિણમ્યાં છે, તેમ આ ગીતોની એક વાર મંદ મધુર મહેકતી ફૂલવાડી પણ આજે ઉજ્જડ અવસ્થાએ ઊતરી ગઈ છે. ગાનારાં એક જ સામટાં ગળાં ભરડીને ગાય છે. એક ગાય ને અન્ય સહુ ઝીલે તે પદ્ધતિમાંથી મળતી વિશ્રાંતિને અને એમાં સ્વયંભૂ ઉદ્ભવતી ઊર્મિને આ લગ્નગીતો ગાવાની પ્રથામાં અવકાશ નથી. એના અર્થો સમજવાની તો શું, પણ સ્પષ્ટપણે શુદ્ધ–અશુદ્ધ શબ્દ-રચના તપાસવાની પણ કોઈને ખેવના નથી. પુરુષો તો પ્રકૃતિથી જ સ્ત્રીઓના સાહિત્ય તરફ બેદરકાર રહ્યા, એટલે તેઓ ભાગ્યે જ એ ગીતોના મર્મ તપાસવા થંભ્યા છે. પુરુષોના મનમાં એવી ભ્રમણા પેસી ગઈ છે કે આ વેવલી સ્ત્રીઓ ભેગી મળી કેવળ વડી–પાપડનાં ટાયલાં જોડકણાં અથવા મશ્કરીનાં બેમરજાદ ફટાણાં જ ગાય છે! ફટાણાં નિર્મળાં મીઠાં નીરની એક નદી અનેક ગામોને પાદરથી ચાલી જાય છે. પણ ગામનાં બધાં ગામલોકો એકસમાન રસવૃત્તિનાં નથી હોતાં. કોઈએ એ પ્રવાહને કાંઠે આંબાવાડિયાં ને ફૂલવાડીઓ ઉઝેર્યાં, તો કોઈએ એના પટની અંદર ચીભડાંના વાડા ઉગાડી પાણીએ રૂંધી રાખ્યું. કોઈએ રૂપાળા ઘાટ-આરા ચણાવી એની પાળે દેવાલયો બાંધ્યાં, તો કોઈ માછીમારોનાં ગામડાંએ પાણી ગંધવી માર્યું. કોઈએ પ્રભાતનું પૂજાનાં પુષ્પો અથવા ઘીના દીવા એ પ્રવાહમાં તરતા મેલ્યા, તો કોઈએ પોતાની ગંદકીની ગટરો જ એમાં ઠાલવી દીધી. લોકગીતોની — લોકસાહિત્યની પણ — આવી એક સરિતા જ વહે છે. લોકકાવ્યો રચવાનું કે લોકવાર્તા યોજવાનું સંસ્કાર-ઝરણું અસલથી જુદા જુદા યુગો વાટે જુદી જુદી જનતાનાં જીવન સોંસરવું થઈને ચાલ્યું જાય છે. કોઈ એકાદ વ્યક્તિ, એકાદ સમુદાય કે એકાદ સમયનાં રચેલાં એ ગીતો–વાતો નથી. કાવ્યરચનાની તાકાત અને વૃત્તિ, અલબત્ત, સહુ સમુદાયોમાં હતી; કાવ્યોર્મિને જાગ્રત કરનારા અવસરો પણ સહુને માટે ચાલ્યા આવતા. પછી તો એ અવસર મળતાં જે સમુદાયની જેવી અભિરુચિ હતી તેવી કાવ્યરચના એણે નિપજાવી કાઢીને પરંપરાની ગીત-સરિતામાં વહેતી મૂકી દીધી. એટલે રસવૃત્તિ હીન થતી ગઈ હશે તેમ તેમ પરિહાસ પણ ઊતરતો ગયો હશે. એમાંથી પ્રથમ જરા બુદ્ધિશાળી માર્મિક વિનોદગીતો જન્મ્યાં હશે. પછી વળી વધુ સ્થૂળ, ઓછો માર્મિક ને વધુ કુરુચિમય હાસ્યરસ પેદા થયો હશે. અને પછી, છેક જ અધમતામાં અને અશ્લીલતામાં એ પરિણમ્યો હશે. પરિહાસ, નર્મરસ, માર્મિકતા, વિનોદપ્રિયતા એ બધાં તો બેશક જનસ્વભાવનાં જ અંગો છે. સાહિત્યમાં એ પ્રકૃતિએ તો મોટો ફાળો આપેલ છે. એ વગર સાહિત્ય એકપક્ષી અને ફિક્કું જ થઈ પડત. અને લોકગીત એ લોકપ્રકૃતિનું નિખાલસ પ્રતિબિંબ હોવાથી એ પરિહાસ ગીતોમાં ઊતર્યા વગર રહી જ ન શકે. એટલે પ્રથમ તો એમાં અત્યંત નિર્દોષ નિર્મળ નર્મરસ જ ઝલક્યો હશે. દાખલા તરીકે —
પે’લી પીઠી ચડશે રે જિયાવરને
ઊતરતી ચડશે રે ઓલી છોડીને.
અથવા બનેવી કે વેવાઈનો વિનોદ કરવાની આપણી કુદરતી વૃત્તિ પ્રમાણે —
વચ્ચે રે મારે બેનડ બાઈની વેલ્યું
કે માફા ઝળકે મશરૂ તણા.
વાંસે રે મારે ભટ્ટજી પુરબિયા
કે કમર બાંધીને ખાસડ ખડખડે.
એ મુજબ, લગ્ન પર આવેલ બહેનના પતિનું ટીખળ કરવાની સહજ વૃત્તિ જરા વધુ ઘાટા રંગો પૂરીને એક ચિત્ર જન્માવે છે :
આલા લીલૂડા વાંસ વઢાવો રે તેની નાની-શી ટોપલી ગૂંથાવો રે ટોપલી આપો એની બેનીબા વર હાથ રે ગોલો વેચી-સાટીને ઘેર આવ્યો રે ઓરડે ઊભાં બેનીબા લેખાં લે છે રે તમને આવડલી વાર ક્યાં લાગી રે! તમારા દાદાને ઘેર હતા વિવા રે અરધી રાતનાં દળણાં દળાવ્યાં રે પાછલી રાતનાં પાણીડાં ભરાવ્યાં રે સૂરજ ઊગ્યે દાતણિયાં નખાવ્યાં રે પો’ર દી ચડ્યો ને છોરુડાં પખવાળ્યાં રે અમને આવડલી વાર ત્યાં લાગી રે!
આટલે સુધી તો વિનોદ જાડો છતાં નિર્દોષ છે. પ્રકૃતિગત છે. જીવનમાં એ જ વસ્તુ જુદે જુદે સ્વરૂપે સર્વત્ર દર્શન દે છે. પરંતુ તેથી આગળ ચાલતાં જે દુર્ગંધ મારતો પ્રદેશ આવે છે, તે ફટાણાંનો પ્રદેશ. એમાં કુસંસ્કાર છે, મર્મ નથી :
તારી તે માની લાડડી તારાં લૂગડાં ઉતારે છે કોણ રે ઊડણ ભૂંડણ ભૂંકતી જાણી શેઢાની શિયાળ રે! અથવા એથી વધુ કુરુચિમય
લાડી લાડો જમે રે કંસાર, લાડીની માડી ટળવળે રે દીકરી મને આંગળી ચટાડ, કંસાર કેવો ગળ્યો લાગે રે માડી, તું તો પરણી છો કે નહિ, કંસાર નવ સાંભરે રે!
આવી હીન રુચિનું મોજું સર્વત્ર આવ્યું હશે. સૂરતી ગીતોમાં પણ
વેવાણ ઊતરની તું હેઠી રે, તારા પેટે પડી છે બેટી રે તારા ચૂલા પછાડી ગારો રે, તને દીકરી જણ્યાનો વારો રે તું તો દીકરી જણી જણી થાકી રે, આંબાની કેરી પેઠે પાકી રે
એટલું જ બસ નથી. કન્યાની વિદાય જેવા મર્મવેધક પ્રસંગે જો આવું ફટાણું ગવાય તો તો એ બહુ ઘાતકી કહેવાય :
તારાં ઢીંગલા પોતિયાં લેને લાડી ચાલ હવે વહેલી મારું સાજન ખોટી થાય રે લાડી ચાલ હવે વહેલી તારો ભાઈ ભઠિયારો રે લાડી ચાલ હવે વહેલી તારી બેન ચેણ રે વાડી ચાલ હવે વહેલી તારી માશી માછેણ રે લાડી ચાલ હવે વહેલી તારી કાકી કોલણ રે લાડી ચાલ હવે વહેલી [સૂરતી લગ્નગીત]
આવાં ફટાણાં જ્યારે ગામડામાં લગ્ન વખતે માંડવા નીચે જ સામસામા રહીને બન્ને પક્ષની સ્ત્રીઓ ગાય છે, ત્યારે એ સામસામી ગાળાગાળી અને વઢવાડનું જ રૂપ ધરે છે. અનેક કુરૂઢિ માંહેલી એ એક કુરૂઢિ છે. એ ક્યારે પેસી ગઈ તે શોધવું સહેલું નથી. રસ-સાહિત્યમાં એને સ્થાન નથી. સંગ્રહ તરીકે જે પુસ્તક તૈયાર થતું હોય, તેમાં તો સર્વદેશીયતાની દૃષ્ટિએ આવાં ફટાણાં પણ સંઘરી લેવાં જ જોઈએ. લગ્નગીતોનું સંગીત વનવાસી પશુપંખીઓના અને વનસ્પતિના દેહ ઉપર જેમ રંગોની વિલક્ષણ ભુલભુલામણી છે, કયો રંગ પ્રધાનપણે છે એટલું જ જેમ એ વિષયમાં બોલી શકાય છે, તેમ આ લગ્નગીતોમાં પણ જૂજવા રાગોની કોઈ સ્વયંભૂ મિલાવટ છે. તેમાં પ્રધાન સૂરો સારંગના છે. અને સૂરોના શાસ્ત્રવેત્તા સમજાવે છે કે સારંગ એટલે ઉષાનો સૂર : એ ગરમી પ્રગટાવે છે, હૂંફ આપે છે. ચેતનાનું પ્રેરણ કરે છે. સારંગ રાગની આ શાસ્ત્રભાખી પ્રકૃતિ. સાચી વાત : લગ્નગીતોમાં એ રાગનું પ્રધાનપદ સાર્થક છે. જીવનની ગુપ્તતમ ઉષ્મા બન્ને પરણનારાં યુવાન-યુવતીના પ્રાણમાં જાગ્રત કરવી એ મુખ્ય ઉદ્દેશ જેમ ગીતના શબ્દોનો છે, તેમ રાગનો પણ હોવો જ જોઈએ. અને સારંગ તો બન્ને જાતની આંતરિક ઉષ્મા જગાડે છે : આનંદની ને શોકની. જાણકારો કહે છે કે મારવાડીઓના મૃત્યુ પરના વિલાપોમાં પણ સારંગના જ સૂરો ભરેલા છે. એનો અર્થ એ છે કે સારંગ કોઈ છકેલો માતેલો રાગ નથી. એ તો ગંભીર ભાવોથી ભરેલી ઉષ્માનો આપનાર છે. એ હર્ષશોકના મિશ્ર આવેશ સૃજનાર સારંગનું લગ્નગીતોમાં અત્યંત ઉચિત સ્થાન છે. એ ઊર્મિઓને બહેકાવતો નથી, તેમ બુઝાવી પણ દેતો નથી. એ તો ધીરી ધીરી કરુણાભરી, ગંભીરતાભરી, ઉષ્મા સીંચે છે. સોરઠી લોકજીવનમાં શાસ્ત્રીય સંગીત પદ્ધતિનો પ્રચાર ક્યાંયે હતો એવું દેખાતું નથી. તેમ આ ગીતો કોઈ ગવૈયાઓએ આપેલા સૂરો પરથી જ રચાયાં હોવાની કશી સાબિતી નથી. એટલે ગીતો ને ગીતોના રાગો પણ જો સ્વયંભૂ જન્મ્યાં હોય તો સારંગનો આવિર્ભાવ કેવળ સ્ફુરણાગત જ હોવો જોઈએ. લોકના ગળામાંથી નહિ, પણ પ્રાણમાંથી જ સારંગ આપોઆપ બહાર નીકળ્યો હશે. એ વાત પણ સ્વયંસ્ફુરિત સંગીતના આખા વિષય પર કોઈ સંગીતકારને આકર્ષી જનારી થઈ પડશે. ગાવાની શૈલી સૂરો એક જ સરખા છે. ગીતો પણ લગભગ ઘણીખરી કોમો માટે સર્વસામાન્ય જ છે. બેશક, કોમ કોમ પરત્વે કાંઈક પાઠાન્તરો થતાં હશે. કોમોની ખાસ પ્રકૃતિ પણ કંઈક નિશાનીઓ મૂકતી હશે. દાખલા તરીકે :
લાંબી તે લાંબી સરવરિયાની પાળ આ…હે…એ રે પાળે મોતી નીપજે! મોતી તે લાધ્યું …ભાઈ વર હાથ આ…હે…ઘેર આવીને ઝઘડો માંડિયો.
એ ગીતમાં કોઈ મોતી વણનાર, એટલે કે વૈશ્ય પ્રકૃતિના પુરુષની છબી આવી. એટલે એ વાણિજ્યપ્રધાન કોમમાં ગવાતી પંક્તિઓ દીસે છે. હવે એ જ ગીતનું પાઠાન્તર :
લીલુડી ઘોડી પાતળિયો અસવાર આ… હે.. ચૌદ રતનનો વીરને ચાબખો. ઘોડી તે બાંધી આંબલિયાની ડાળ આ…હે…ચાબખડો વળગાડ્યો આંબા ડાળખી.
તે પછી તો બન્ને ગીતોમાં
દાદા તે મોરા, મુજને પરણાવ આ… હે… મુજને પરણ્યાની હોંશ ઘણી
એ જ પંક્તિ આવે છે. આપણે ભેદ સમજી શકીએ છીએ. બીજામાં રાજપૂતીનો ભાવ પ્રદીપ્ત થાય છે. એ જ રીતે જે જે ગીતોમાં ધાર્મિકતા, પવિત્રતા, દેવોનું આહ્વાન વગેરે આવે તે ગીતોની પ્રથમ ઉત્પત્તિ બ્રાહ્મણ જેવી જાતિમાં જ થયેલી માની શકાય. વધુ પ્રમાણમાં એ ગીતો ત્યાં જ ગવાય. વૈશ્ય જાતિઓને હીરા, સોનારૂપા વગેરેના ભાવો વધુ સ્પર્શે. અને ક્ષત્રિયોને?
તરવાર સરખી ઊજળી રે ઢોલા! તરવાર ભેટ્યમાં બિરાજે રે વાલીડા વીરને! એવી રે હોય તો પરણજો રે ઢોલા! નીકર ફરીને પરણાવું રે વાલીડા વીર ને! i તજ સરખી તીખી રે ઢોલા! તજ મુખમાં બિરાજે રે વાલીડા વીરને! એવી રે હોય તો પરણજો રે ઢોલા! નીકર ફરીને પરણાવું રે વાલીડા વીરને!
આ રાજપૂત ગીત : એ પોતાની કન્યામાં તરવારની તેજસ્વિતા, વટની તજ સરખી તીખાશ વગેરેની અપેક્ષા રાખે છે, અને એક પસંદ ન પડી તો બીજી તરત પરણવાની લગ્નપ્રથા સૂચવે છે. અથવા રાજપૂતીની બીજી પણ કેટલીક છાપો પડેલી જુઓ :
માલણ ગૂંથે જાવંતરીના ફૂલ રે માળીડો ગૂંથે વીંઝણો રે i ઠાકોર પોઢ્યા પિત્તળિયે પલંગ રે વહુ…બા ઢોળે વીંઝણો રે
અથવા
કિયે ગામ ગડ્યાં રે નિશાન કિયા ગામને પાદર મોરી રાજવણ! તંબૂ તાણિયા રે.
આ બધી રાજપૂત ભાવોની સરવાણીઓ વહે છે. જેમ શબ્દોમાં એ જાતિગત સંસ્કારો તેમ જ સ્વરોમાં. એટલે કે ગાવાની શૈલીમાં. બ્રાહ્મણ-વૈશ્યની સ્ત્રીઓને ગાતાં સાંભળો, તો સાદાસીધા, કાંઈ ખાસ ઊર્મિ ન જગાડનારા સૂરો કાને પડશે. કણબણો ગાતી હોય ત્યારે એમના વ્યવસાયની, રીતભાતોની ને સંસ્કારોની સ્થૂળતા, કાંઈક મારવાડી ગાણાંને સ્મરાવે તેવા ત્વરિત આરોહ-અવરોહમાં અને સાંકડા-પહોળા ઉચ્ચારોની ધમધમતી ઉતાવળમાં પ્રગટ થાય છે. પરંતુ હવે સંભારો : કોઈ વેલડામાં બેઠેલી પાંચ કાઠિયાણીઓને ચારણીઓને અથવા ખવાસણોને ગાતી સાંભળો : ધીરે ધીરે સંપૂર્ણ સ્વસ્થતાથી શરૂ થતા, જાણે અનંત કાળ સુધી પૂરાં નહિ જ થાય તેવાં અખંડિત આંદોલનોની ધારા રચીને ચાલુ રહેતા અને કશીયે ત્વરા ન હોય તેવી ખામોશીથી, સંધ્યાના આરા તરફ વળતાં સૂર્યકિરણોની માફક ધીરે ધીરે મધુર સમાપ્તિમાં વિલીન થતા એ સૂરોને સંભારો :
તરવાર સરખી ઊજળી રે ઢોલા! તરવાર ભેટ્યમાં બિરાજે રે વાલીડા વીરને!
અથવા પેલા, ચાર–પાંચ ગાઉના સીમાડાને છલોછલ ભરી દેતા પ્રશાંત જાજરમાન, ઓજસભર્યાં,
મોર, જાજે ઉગમણે દેશ મોર, જાજે આથમણે દેશ વળતો જાજે રે વેવાયુંને માંડવડે હો રાજ!
એ સ્વરોને યાદ કરો. અથવા પરણવા આવનાર ક્ષત્રિયનું મદભર્યું, મલપતું સ્વાગત-ગીત મો’લ પધારો રાજ! મો’લ પધારો રાજ! તમે સોનાની શરણાયે મો’લ પધારો રાજ!
એના સ્વરોને યાદ કરો. અથવા ગામને પાદરથી નીકળતી રાજપૂત જાન સાથે એકલી વાગતી શરણાઈના પ્રલંબિત સૂરો સંભારો : સમજાઈ જશે કે રાજપૂતી સ્વરોમાં કયા સંસ્કાર નીતરે છે, અંતઃકરણની સ્વસ્થતા, વીર જાતિનું પ્રશાન્ત ગૌરવ, જાજરમાન વ્યક્તિત્વ અને વિશાળ સીમાપ્રદેશ પર રાજ કરવાની અભિલાષા : એ સંસ્કારોમાંથી આવું સ્વસ્થતાભર્યું સંગીત જન્મે છે. આ બધા સંસ્કારોનું એકીકરણ લગ્ન-ગીતોમાં થઈ ચૂકેલું હતું. જ્ઞાતિઓનાં ગીતો જુદાં નથી રહ્યાં. સહુએ પોતપોતાની વિશિષ્ટતા સાચવીને પણ એ બધી ગીત-લક્ષ્મીને સહિયારી કરી કાઢી છે. વાડા કે પંથો તેમાં રહ્યાં નથી. ગીતો વાટે સોંસરવા નીકળી જશું એટલે સમજાશે કે એ મિલાવટ કેવી મધુર બનેલ છે. લોકસાહિત્યમાં જે ‘ડેમોક્રસી’ (લોકતંત્ર)નું તત્ત્વ છે તે આ છે ને આવે કંઈક રૂપે દેખાયા કરે છે.