ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કલ્પેશ પટેલ/કાઠું વરહ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} બસના ખખડાટે ભાગોળની શાંતિને ખોરવી નાખી. ઓટલા પર બેઠેલા બે-ચાર...") |
(No difference)
|
Revision as of 09:04, 19 June 2021
બસના ખખડાટે ભાગોળની શાંતિને ખોરવી નાખી. ઓટલા પર બેઠેલા બે-ચાર વડીલો જરા સળવળ્યા. બસમાંથી ત્રણ મુસાફર ઊતર્યા. દરવાજો વાસી કંડક્ટરે તરત જ ઘંટડી મારી દીધી. આવી હતી એ માર્ગે બસ પાછી વળી ગઈ…
— ‘ઓંહોં, લીલાબુન! ઘણે દને આયાં ને કાંય!’ બસમાંથી ઊતરનાર સ્ત્રીને વડીલોએ ઓળખી આવકાર આપ્યો.
— ઓવ્વ કાકા! નવરી પડું ત્યારે આવું ને!
— અમે તો તાણં નવરાધૂપ છીએ. કાઠા વરહમાં ઓટલા તોડીએ છીયેં… આધેડ વયના પુરુષે નિસાસો નાખવા જેવું કર્યું.
— તોયે તમારે ભેજોમાં તો કાંકેય હારું છં કાકા! અમારી બાજુ તો લોક પાલી જયું બિચારું!
— ‘બુનની વાત હાચી છં’ ત્યારનો ચૂપ હતો એવો એક પુરુષ બોલ્યોઃ ‘’આપડા બોર તો એટલા ઊંડા નંઈ. મોટરેય ઓછા પારવની જોવે. જ્યારે બુન ઈયાંની મૅર તો લાખ રૂપિયા હોય તાણં બોર થાય. અનં એય કરમમાં પોંણી ના હોય તો રહીએ કોરા ધાકોર!’
— કાઠા વરહમાં હઉંને કાઠું છં, ભા! ઉપર પોંણી હોય કેં ઊંડે, મૂળે વહરાત જ ના આવે પછી કરીએ જ શું? શેતીમાં શાર ના આવં એકઅ્ ધંધા-રોજગારવાળાય નવરા જ થઈ જોંય ને! પરાંતીની બજાર પે’લાં ચ્યેવી ધમધમતી’તી. અતારે જઈને જુઓં તો મોંખો માર છ વેપારીઓય!
— ભૈ એ તો કૂવામાં હોય તો અવાડામાં આવે. કે’વતમાં કીધું જ છં નં! કણબી પૂંઠે કરોડ, કણબી કોઈની પૂંઠે નંઈ!
વડીલો કાઠા વરહની ચર્ચામાં પડી ગયા પણ આગંતુક બહેનને ઉતાવળ હતી એટલે કહેઃ ‘મુંયે ચાર (ઘાસ) માટે જ આઈ છું, કાકા! કીધું કે, હવાર-હવારમાં ભૈને ભેગી થતી આવું… એકાદ ટ્રૅક્ટર ચાર આલં તો હાલ પૂરતું તો ગાડું ગબડે!’
— ઓવ્વસ્તો, ભા! બુન છં તે ભઈની કને જ આશા રાખે ને!
— બુનને તો આલીએ એટલું ઓછું, ભા!
— આલવાનો જીવેય જોવે, હોં કે!… એક ડોસાએ ખાંસી ખાઈ લઈને ઉમેર્યું: ‘બાકી ઘણાંને તો હોય તોય આલતાં જોર આવે!’
— ના હોં, અમારે રણછોડભૈ તો હારા છં. ખોટું શું કોંમ બોલું? ભાઈનું ઉપરાણું લઈ બહેન આગળ ચાલી. એને તરસ લાગી હતી. સવારે રકાબી ચા પીઇને એ ઘરેથી નીકળેલી. રસ્તામાં કશેય પાણી પીવાય નહોતી ઊતરી. સવાર-સવારમાં ભાઈને મળી લઈ ચારની વાત કરી લેવાય તો એના જીવને ટાઢક થાય એમ હતી. બને તો બપોર પહેલાં જ પાછાં વળી જવાની એની ગણતરી હતી. ભાઈને ત્યાં ‘મહેમાનગતિ’ નહોતી કરવી એને. નાહક ભારે શું કામ પડીએ? ઘી ચ્યેટલું મોંઘું છં આજકાલ? ભાભી કાઢી નાખવા જેવી તો નથી પણ બળતરાવાળી તો ખરી જ! ભઈ તો દિલનો દિલાવર છં નકર! ભાભી તો ગમે એમ પણ પારકી. ભઈને બલે એટલું એને ઓછું બળે? ઇમ તો ટ્રૅક્ટર ચાર આલતાંય એને કાઠું જ પડવાનું… પણ, ભઈ આગળ ઈનું હેંડે નંઈ એટલે… હશેં… લોક કરતાં હારું છં તોયે… એમ વિચારતી લીલા વાસની દિશામાં વળી. બે-ચાર ઘર મૂકીને જ ભાઈનું ઘર હતું. એણે છેટેથી જ નજર કરી. ભાભી વાંકી વળીને આંગણું વાળતી હતી. નણંદ સામે નજર કરી લઈનેય એ સાવરણો ફેરવતી રહી.
— ચ્યમ, ભાભી? લીલાએ જ પહેલ કરી.
— આવોં બુન! ખાટલો નમાવીને બેહાં! આવું છું, અબઘડી! લીલાએ ઓશરીમાંનો ખાટલો ઢાળ્યો, હાશ કરતીકને બેઠી. પછી તરત જ ઊભી થઈ અંદર જઈ પાણી પી આવી.
— ભઈ નથી?
— શેમમાં જ્યા.
— મગફળી કાઢી તે?
— ના.
— હારી અશીં, નંંઈ?… ભાભી તરત સજાગ થઈ ગઈ: ‘હમજ્યા જેવું… ખરચો નેંકળ! ઉણ તો વાઈ એવામાં મોટર બળી જઈ’તી. એટલે એક પોંણીની તૂટ પડી. શું કરીએં પણ! વાઈ એકઅ્ લેવી તો પડે કે નંઈ…!’
લીલા થોડીએક વાર મૌન જ રહી. બોલવા માટેના શબ્દો શોધતી હોય એમ… ભાભી પક્કી છે એમ તો. મોર્ય-મોર્યથી આડ બાંધતી હશે. એના મનથી એમ કે, બુન આયાં છં કે કાંક ને કાંક માગવા જ આયાં હશીં! માગવા આવી હોઈશ તોય ભઈના ઘેર આઈ છું. કોય તરઈ (પારકા)ના ઘેર નથી આઈ, હા! પિયોરમાં તો હક્ક છે છોડીનો… ભાભીને કુણ કે’ પણ? આંય ભરી પથારી ઉપર બેશી જ્યાં છં એકઅ્! બાપના ઘેર તો હાંલ્લાં કુસ્તી કરં છં! અમે તો ઝેણપણમાં મજૂરી કૂટી-કૂટીને મરી જ્યાં છીએં. તાણં તો ઘર અધ્ધર આયું છં! મારો ભઈ તાણં તો નખ જેવડો અતો!…
ગઢી પાસે હાથ ધોઈ ભાભી ચોપાડમાં આવી. પાલવથી હાથ લૂછતાં કહે: ‘ચા મેલું લીલાબુન થોડી?’
— મરવાં દ્યાં ને ભાભી!
— ચ્યમ ઈમ? ચા તો તમોંને બઉ વા’લી! થોડી પીજો!
— હારું તાણં મેલાં. પણ, રકાબી જ હોં!… ભાભી બોલ્યા-ચાલ્યા વિના રસોડામાં ગઈ.
— દૂધણું છં?
— એક દો’વા દે છં વળી! બે તો ઉતચી (વસૂકી) જઈ. એક વેચી દીધી તમારા ભઈએ!
— ચ્યમ ઈમ?
— ચારની રોંમાયેણ. કાઠા વરહમાં નથી પોંકતી! શું કરીએં? દીવાલની આડશ હતી પણ વાતો ચાલતી રહી. પોતપોતાને સાચાં ઠેરવવા સામસાી દલીલો થતી રહી.
— તોય ભાભી! તમારે તો ઓછા ખરચની શેતી. અમારે તો ફોતરુંય ફરી જાય છં ઓવ્વ!
— ઓછું ખરચ તો કે’વાનું બુન! ઠેરનું ઠેર છં બધું! અમારે ભેજામાં પોંણી ઉપર ખરાં. પણ જમીન તો રેતવી (રેતાળ) નંઈ? તમારે તો ચીકાશવાળી – ઉપજાઉં!
લીલાએ નિઃશ્વાસ નાખ્યો. ભાભીનો સુંવાશો ખૂણો શોધવા લાગી. બહાર જબરો તડકો ચડી આવ્યો હતો. એક કૂતરું છાંયડા પાસે આવી ભીની માટી ઉસરડીને બેસી ગયું. લીલા એને ઉઠાડવા માગતી હતી. પણ પછી, ‘છોં બેઠું’ એમ ધારી મૌન રહી.
એકાએક યાદ આવતાં પૂછ્યું: ‘દીપક ચ્યાં જ્યો?’
— રમતા હશી ચ્યાંક!
— બળ્યું. વાટમાં ચ્યાંય ઊભા રહેવાનોય વેત ના પડ્યો. આવશેં એવો ‘શીંગભૂંજિયાં’ હુંભાળીને નેંહાકો નાખશે!
— નેંહાકો તો શનો નાખં? રોજ ઊઠીને દહની નોટ વાપરં છં કુંવોર! બોલતી ભાભી સ્ટીલના કપમાં ચા લઈને આવી.
— તમે નંઈ પીવોં તે?
— મું ચ્યા પીઉ છું કો’ય દંન?
— ભાઈ માટે રાખી?
— ઈમને ચાની બઉં હાડાબારી નંઈ. હવારે જોવે બસ!… લીલાએ ચા પીવા માંડી. પસંદ ન પડી… આ તે કોંય ચા છં? દૂધ તો નાખવા ખાતર નાખ્યું છં. ભાભીનો જીવ જ એવો ટૂંકો, બીજું શું? બુન તો નકર કુના ઘેર આબ્બા? અમારે આવાએ તો બુનને ભાળીને ગાંડા ગણતર થઈ જોય… હશેં… આપડે તો ઘડી — બે ઘડી માટે આવીએં…
— ભાઈ કયા ખેતરમાં જ્યા છં? ઢૂકડા કે આઘા? લીલાએ પૂછ્યું.
— ‘આઘે જ્યા છં.’ ભાભાની આંખમાં ચમકારો ઊઠ્યો ન ઊઠ્યો ને અદૃશ્ય થઈ ગયો: ‘ઢૂકડે તો શું લેવા જોંય? લીલી ચાર વાઈ’તી તે વે’લી ખવરાઈ મેલી…!’
— ઈંમ?
— હાસ્તો! ભાભીએ કહ્યુંઃ ઉણ પડી એટલી વપત (વિપત્તિ) દો દશમનનેય ના પડજો…
— હાચમાચ એવું કાઠું છં, ભાભી? …બેનના દિલમાં તરત જ ભાઈની ચિંતા વસી. સ્વાર્થ થોડોક છેટો ગયો જરાવાર…
— ત્યારે શું મું ખોટું કે’તી હોઈશ? … ભાભીએ લહેકો કર્યો. એંઠાં વાસણ રસોડામાં લઈ જતાં બોલી — ‘તમતમારે નિરાંતે બેસો. મું ભૈડકું લઈ આવું!’
— ભૈડકું શું કોંમ?
— શીરો કરવા. ચ્યમ તે!
— પણ… મું ખાવા રોકાવાની નથી.
— ચ્યમ ઈમ? પિયોરને તો હમૂળગું ભૂલી જ જ્યાં!
— આઈશું પછી. ઘણા દનં છં આબ્બાના! આજે તો જવા જ દ્યાં પણ!
— આ રીતે રઘવામાં અવાય?
— શું કરું? આયા વગર ચાલે એવું જ ન’તું ભાભી! … લીલાથી ઢીલાં થઈ જવાયું. ગરીબડા સ્વરે બોલી: ‘ઘરમાં ચારના નોંમે તખલુંય નથી. એકઅ્ મનં થ્યુ, ભઈને ભેગી થતી આવું… ઢોરાંનાં ઓશિયાળાં મુઢાં જોવાતાં નથી, ભાભી! એકાદા ટ્રૅક્ટરનો જોગ થાય તોય ઉનાળો ટૂંકો થાય. આગળ ઉપર તો જોયું જશેં પછી! મીં તમારા નણદોઈને કીધું કે, ભઈને ફોન કરોં. પણ ઈંમની તો ખબર જ છં નં? સાળાને કે’તાં મૂછ નેંચી પડી જાય તો? એકઅ્ પછી મારે જ આવવું પડ્યું… ભાભી રસોડામાંથી ખાલી ડબ્બો લઈ આવીને બોલી: ‘જીવ તો ઘણો બળં છં, બુન! પણ, ચારનું તો એવું છં કં… ના કીધું? ઉણ તો અમારં જ કાઠું છં. પછી તમને તે ચ્યેવી રીતે આલી શકીએ? તોયે તમારા ભઈને પૂછજો… તમારી ભઈ-બુનની વાતમાં મું મોંથું નંઈ મારું!’
— મું તો ચ્યેટલી આશા લઈને આઈ’તી ભાભી!… લીલાને રોવાનું જ બાકી હતું. મનમાં તો અનેક વિચારો આવી ગયા. ચારને વેત નંઈ પડે તો એવાએ (પતિ) તો ઊંધું જ બોલવાના. કે’શી, પિયોર-પિયોર કરતી મોટા ઉપાડે જઈ’તી ને! આઈ ને હાથ હિલોળતી પાછી? તારો ભાઈ કશું પરખાવે એમ નથી. તું નાહક એને માટે જીવ બાળે છે…
— ઑમ ઢીલાં ઘેંશ થઈ જ્યા વગર બટાકા શમારોં હેંડાં! ચાલશીં કે લીલું શાક લઈ આવું? ગોંમમાં વળી આ શાકની તો નિત ઊઠીને લોળી!
— મારે તો જે અશેં એ ચાલશેં, ભાભી! શીરોય મરવા દ્યાં મું તો કઉં છું!
— મરવા દેવાતો અશેં? તમારા ભાઈ જોયા છં? ચાંબડું ઉતારી નાખે ઓવ્વ!… કહેતી ભાભી અંદરથી બટાટા ને ચપ્પુ લઈ આવી.
— ‘લ્યોં! મું આવું અબઘડી!’ … ભાભી ઝપાટે ગઈ. લીલા રસોડામાંતી તાંસળું લઈ આવી. બટાટા ધોઈ નાખ્યા. સમારવા બેઠી. ગણગણાટ તો ચાલુ જ હતો: ‘પાછાં કી ’છં, ભાઈ ચાંબડું ઉતારી લે. ભાઈ તો બિચારો ગરીબ ગાય જેવો છં. એટલે તો તમોને મોકળું મેદાન મળી જ્યું છં. બાકી, એક ફેરો ચાર તે કોંય મોટી શોગાત કે’વાય? એટલું ખહલું (ચાર) તો લોક અમથુંય ભેળાઈ મેલં છં. અને આ તો માની જણી બેનને આલવાની છં. ઈમાં વળી હા-ના થાય?’
— ‘ફઈ! તમે ચ્યાણં આયાં?’ દીપક દોડતો આવ્યો.
— અબ્બી હાલ બેટા! ચ્યાં જઈ આયો તું?
— શેતરમાં.
— એકલો?
— ના. પપ્પાનં બે.
— આઘે કે ઢૂકડે.
— ઢૂકડે.
— તારા પપ્પા તો આઘે નથી જ્યા?
— ના. કાલે જ્યા’તા. બે દનં તો ઢૂકડે જ જવાનું. મફફળીઓ લેવાઈ જાય ને!
— ગપ્પાં. ઢૂકડે વળી મફફળી જ ચ્યાં વાઈ છં?
— બેયે ખેતરમાં વાઈ છં. પણ ફઈ! શીંગ ભૂંજિયાં ન લાયાં મારી ઓલે?
— લાબ્બાની જ અતી, બેટા! પણ, એશ.ટી. ઊભી જ ના રહી. લે, મું પઈશા આલું તે તું લઈ આય! લીલાએ પાકીટમાંથી પૈસા કાઢીને આપ્યા. છોકરો દોટ મારતો ગયો. લીલાની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં: ‘મેર મૂઈ! તું તો ભાભી છં કં ગયા જલમની વેરવી. સગ્ગી નણંગ આગળ જૂઠ? ના આલવી હોય તો મુઢામુઢ ના પાડવી’તી… પાછી, મને કે’, લીલી ચાર વાઈ’તી. જૂઠ કો’યનું છૂપું રહ્યું છં તે તારું રે’શે? પાપ તો છાપરે ચડીને પોકારે… લીલા ઊભી થઈ. શાકનું તાંસળું અંદર મૂકી આવી. મનમાં તો એવી નફરત ઊઠી કે, અબી હાલ પાછી જતી રહે. નથી ખાવો તમારો શીરો. આવાં જુઠ્ઠાં લોક સાથે તો સંબંધ હોય કે ના હોય બધું સરખું… પણ, ભાઈ? ભાઈ જોંણે તો ઈને ચ્યેટલું દુઃખ થાય? શેર લોહી બળી જાય બિચારાનું… ભલે ને બળે… એનેય ખબર તો પડે કે — હગ્ગી બુનના નેંહાકા લે એ ચાલે કાંઈ? તમારે તો કાઠા વરહમાં બુનને ટેકો કરવાનો હોય એને ઠેકાણે આવી રમત રમો એ ચાલે? મનમાં અનેક વિચારો ચાલતા રહ્યા તોય લીલાએ શાક વઘારવાની તૈયારી કરી લીધી. ભાભીયે ભૈડકું લઈ આવી ગઈ.
— તમે શું કોંમ રસોડામાં પેઠાં? મું નથી કરનારી? પંખા હેઠા બેહાં નિરાંતે…!
— મેં કું નવરી બેશી રઉં ઈના કરતાં એકાદું કોંમ કરું તો તમારે એટલી ઓછી ધમાલ…
— ઈંમાં શાની ધમાલ? છોડીઓ તો કુના ઘેર આબ્બા? કહેતી ભાભી શીરાની તજવીજમાં પડી.
— બુન—બુન! મું શીંગ-ભૂંજિયાં લાયો! છોકરાએ દોડતા આવીને કહ્યું.
— કુણે લઈ આલ્યાં?
— ફઈએ.
— તમનેય શું કે’વું લીલાબુન! છોકરાંને બગાડી મેલશાં.
— કાંય બગડી જતોં નથી. ફઈ કાંય રોજ આવીને બશી રે’વાની અતી? લીલા બોલી. મનમાં તો બીજા જ શબ્દો ઊગ્યા — ‘બગાડશોં તો તમે. જૂઠું બોલતાં શિખવાડીને!…’
— તમતમારે બેહાં. મું કરું છું હળવે-હળવે… લીલા વળી ખાટલામાં બેઠી. ગરમી વધી ગઈ હતી. એણે નિસાસો નાખ્યોઃ ‘ચ્યેવો તપ્યો છં! બે મઈના કાઢવા જબરા કાઠા! કુણ જોંણે શુંયે થશેં? ઓછામાં પૂરાં આવાં કાળજાબૈણાં (કાળજું બાળી નાખે એવાં) વરહ, રોંમ જોંણે ચ્યમ કરીને જિવાશેં?’ લીલાએ ફરીથી નિસાસો નાખવા જેવું કર્યું. એટલામાં રણછોડ આવ્યો. દૂરથી જ બેનને જોઈ. સુક્કા રણ જેવા એના ચહેરા પર લીલારો ફરી વળ્યો: ‘ઓહોહો! લીલાબુન આયાં છં! આવોં બુન આવોં! હાજાંનરવાં તો ખરાં ને?’
— અમને તે શું થવાનું હતું, ભૈ?
— તે એકલાં જ આયાં? ભાંણિયાને ના લાયાં?
— ઈનું ભણતર ના બગાડાય ને! આ તો મારે આયા વિના ચાલે એવું નો’તું એટલે થયું કે, જઈ આવું ઊભાઊભ!
— એવું તે શું કોંમ અતું બુન?… રણછોડ બોલીય નહોતો રહ્યો ને રસોડામાંથી બૂમ પડી: ‘કઉં છું… ખાંડનો ડબ્બો ઉતારી આલજો!’
— તમારાં ભાભીનું આ જ દુઃખ. સખેથી બેસવા જ ના દે! ભઈ-બુન બે ઘડી નિરાંતવાં બેઠાં તને ના જિરવાણાં?
— પોંકાતી નથી. નંઈ તો તમોંને ના કહું!
— હા ભઈ હા! આ ઊભો થ્યો લે. રણછોડ ઊભો થઈ રસોડા ભણી ગયો. લીલાએ યાદ કરાવ્યું: ‘પણ ભાભી! ખાંડનો ઝેણો ડબ્બો તો ભરેલો છં!’
— ખાંડ ચ્યાં, મુંય ભૂલકણી છું બુન! એ તો ચોખા ઉતારવા’તા! રણછોડના અંદર ગયા પછી ઘૂસપૂસ જેવું સંભળાયું. રણછોડ બહાર પણ તરત આવ્યો. લીલાએ એનો ચહેરો વાંચવાનો પ્રયાસ કર્યો. પણ ખાસ કશું વાંચી ન શકી.
— બાકી બધું ચ્યમ છં બુન — કે’?
— કીધાજોગું નથી ભૈ! એટલે તો આઈ છું! લીલા પાછી ઢીલી થઈ ગઈ.
— ઢીલી થઈ થ્યા વગર કે’, વાત શી છં?
— કે’વા બેશીએ તો… રોંમાયણ છં આખી! પણ, ઈમ તો મું કુની છોડી છું! કપાઈ જાઉ પણ નમું નંઈ હા! પણ, આ તો ચારના વખે આઈ છું. ગમે તે કરોં પણ એકાદું ટ્રૅક્ટર ચારનો હાંધો પાડી આલોં ભૈ!
— તમેય ખરોં છોં બુન! ચાર નો’તી તો વે’લાં ના કહીએ? તૈણ ટેલર ચાર નેંકળ ઈમ છં. બે ટેલર તો મારે પોતાને રાખવી પડશેં. બાકી, એક ટેલર નરશંગને આલવાનું છં… હવે એ રહ્યો આપડો ભાગિયો. આખા વરહથી કહી મેલ્યું હોય ને આપણે ના પાડીએ તોયે ખોટું પડે. આજે તો પાછો બોંનુંય આલી જ્યો. આ રહ્યા જો બસો રૂપિયા!
— ત્યારે તો મારે ધરમ-ધક્કો જ ને?
— પણ, લીલાબુન, તમે એટલાં કાચાં તો ખરાં જ. એક ફોન ના કરી દેવાય? દિલાની દુકોંને? હલાવ્યા વિના દાઝે તે ઓંનું નોંમ!
રસોડામાંથી અવાજ આવ્યો: ‘તે બોં’નું પાછું આલી દ્યાં. નરશંગને પઈશા ખરચીને જ લેવાનું હોય તો બીજેથી લેશે. બુનને નેંહાકો પડે એવું કરાય?
— બધીય વાત હાચી પણ જુબોંનની કિમ્મતનું શું? બોલીને ફરી જતાં મને તો ન ફાવે!
લીલા મૂંગી રહી. મગનું નામ મરી ન પાડ્યું એણે. થોડી વાર આડીઅવળી વાતો ચાલી. પણ ખાસ કાંઈ જામ્યું નહિ. ‘ચાર’ની વાતનું ભારણ રહ્યા કર્યું…
— લ્યોં હેંડાં બુન! હાથ ધોઈ લ્યોં!… પરાણે ઊઠતી હોય એમ લીલા ઊઠી. હાથ ધોઈ આવી. આંખ સામે ભેંસોનાં ગરીબડાં મોઢાં વલવલતાં હોય એમાં શીરો તે ગળે ઊતરે? બહુ ખાવું નહોતું તોય ભાઈ-ભાભીએ મનવર કરી-કરીને ખવરાવ્યું. બધાંના ખાઈ લીધા પછી વાસણ ઊટકવામાંય લીલાએ ભાભીને મદદ કરી.
— ઘડીક આડાં પડોં, બુન!
— મારે તો નેંકળવું પડશેં.
— આવા તાપમાં જવાતું અશેં?
— તાપને ગણકાર્યે ઓછું ચાલશેં? બીજે ચ્યાંક ચારની તપાસ કરાવું ને! તમારા બનેવી તો વિશ્વામાં ર્યા હશે ને?
— મનમાં ઓછું ના આણતાં બુન! કાઠા વરહમાં દશા જ એવી છં કં કુણ કુને મદદ કરે? જેમ-તેમ કરી ચોમાહા ભેગા થઈ જઈએ એકઅ્ નિરાંત!
— હારું ત્યારે મું નેંકળું!
— નેંકળવું જ છં બુન? રણછોડ ઢીલાઢસ અવાજે બોલ્યો—
‘એ તે કાંય આયું કે’વાય બુન?’
— ‘તે મું ચ્યાં મેમાંનગતિ કરવા આઈ’તી ભૈ તે રોકાઉં?’
વળી, પાછો એનો એ આકરો સવાલ!
— હારું ત્યારે બુન! આવજો. બનેવીને રામ રામ કે’જો મારા વતી. ભોંણિયાને પરીક્ષા પતે એટલે રે’વા મોકલજો! મેલી જઉં ભાગોળ લગી?
— ના… ના! તમતમારે આરોંમ કરોંય. હું તો જતી રહીશ. ચ્યાં અજોંણ્યું હતું?
— રોં’ બુન!… ભાભી દોડીને આવીઃ ‘ચ્યા જઈ થેલી?’
— આ રહી ચ્યમ?
— કાચી કેરીઓ છં, લઈ જાઓં થોડી! અનં… કારેલાં આલું? શેઢા-પડોશીના ત્યાંથી આયાં છં…
— પૂછવાનું હોતું અશેં? છોંનીમોંની લઈ આય!… રણછોડે છાશિયું જ કર્યું. ભાભી દોટ મારીને કારેલાંય લઈ આવી. લીલાની થેલી ભરાઈ ગઈ. એના ચહેરા પર પહેલી જ વાર સંતોષ ઝળકી ઊઠ્યો: ‘ચ્યાં જ્યો દીપક?’
— ટી.વી. જોવા જ્યો અશેં, બાજુમાં. લીલાએ પાકીટ કાઢ્યું.
— રે’વા દ્યાં શું કરોં છોં, બુન?
— ભત્રીજો તો માગં નં!
— કાંય આલવા નથી હેંડાં!… લીલાએ પરાણેય દશ રૂપિયાની નોટ ખાટલામાં મૂકી: ‘જઉ તાણં ભૈ! બઉં ચિંતા ના કરતા. શું? એ તો થઈ પડશેં!’ કહેતી પીઠ ફરી ગઈ. રણછોડ પણ તરત અવળો ફરી ગયો. શું કરે? આંખોમાં પાણી વહેવા માંડ્યાં હતાં પછી… પત્ની જોઈ કે જાય તો આંખ કાઢે પાછી! ચુપચાપ અંદરના ઓરડામાં જતો રહ્યો એ. ખાટલામાં પડતું નાખ્યુંઃ જાહ રે જાહ રણછોડિયા! બુન જેવી બુન આગળ જૂઠ! કીડા પડશીં નેંનડિયા કીડાં! વરહાત આવતો હશેં તોય આઘો જશેં! કાઠું વરહ તો હૂઈ જ્યું પણ છપનાનેય ભુલવાડે એવો કાળ પડશેં…! મુંય શું કરું પણ? હા પાડું તો બૈરું કકળાટ કરે. બાકી, કુંવાશીંને બે ગાલ્લાં ચાર આલ્યામાં આપણે કાંઈ ભિખારી ઓછા થઈ જવાના હતા? … રણછોડ આંખો મીંચીને પડ્યો રહ્યો. એની આંક સામે ભૂતકાળ વળ ખાઈને બેઠો થયો. આ જ બેન પોતે ભૂખી રહી મને ખવરાવતી! બળિયાબાપે બાધા કરવા જતાં ત્યારે ઢીંચણસમાણી રેતમાં કેડ્ય પર બેસાડી લઈ જતી. મારે માટે થઈને આખા મહોલ્લા સાથે કજિયા કરતી. હું રિસાતો ત્યારે કેટકેટલાં વાનાં કરતી! એ જ બેને માગી માગીને શું માગ્યું આજે? ચાર જેવી વસની શી શોગાત?… અને છતાંય… બૈરાની બીખ રાખીને ચ્યાં લગી જીવીશ રણછોડ?
— ઘેનાઈ ગયા કે શું, શીરો ખાઈને?
— ઊંઘ તે કાંય વાટમાં પડી છં?
— ચ્યમ ઈમ? આડા દંન તો ઘડીમાં નસકોરાં બોલાવોં છોં!
પત્નીના અવાજમાં સુંવાળાશ હતી એટલે રણછોડનો રોષ કાંઈક ઘટ્યો: ‘કઉં છું!’
— શું છં? રણછોડે અણગમાથી પૂછ્યું.
— મન નથી લાગતું ને? … રણછોડ મૂંગો રહ્યોઃ ‘મનંયે નથી સોરવતું… તમે ઝટ ઊભા થાઓ ને!’
— ચ્યમ?
— લીલાબુન હજી ટેશને જ બેઠાં હશે; ભલું હશેં તો! કે’તા આવોં કે ચારની ચિંતા ન કરે, કે’જો કે, એક ફેરો ચાર અમારામાં આઈ જઈ. મફળીઓ લેવાઈ જાય એકઅ્ જાતે આઈને નાખી જઈશું…
રણછોડ ગળગળો થઈ ગયો. એને તો વિશ્વાસ જ ન આવ્યો—
— ‘ખરેખર?’
— ત્યારે ખોટું કહેતી હોઈશ? લ્યોં, હેંડાં… મોડું કર્યા વગર, ઊપડાં!
હાથે ચડ્યું એ પહેરણ પહેરી રણછોડે હડી કાઢી. સામો મળનારો તો નવાઈ પામ્યા વિના નહિ રહ્યો હોયઃ ‘ટાઢો હેમ રણછોડ આજે આટલો રઘવાયો કેમ?’ રણછોડનું મન રણછોડ જાણતો હતોપણ! દોડતી વખતે એનું મન તો વળી ઘોડાની પેઠે જ દોડતું હતું: ‘ના, ના! દીપલાની મા ઉપર ઉપરથી કઠાટ લાગે એટલું જ. બાકી હાવ કાઢી નાખ્યા જેવી તો નથી જ. એ તો અસ્તરી માત્ર ઝેણા જીવની તો હોય.. શું છં કં, સંસાર ઈને જ ચલાવવાનો ને! આપણે તો શું? જીભ હલાઈને છૂટા! ગમે એમ પણ છેવટે જતાં એની એ જ પલળી ને!’
રણછોડ ભાગોળમાં પહોંચ્યો ત્યારે સૂનકાર હતો. માત્ર બે નવરા માણસો લીંબડા હેઠળના બાંકડા પર બેસી પત્તાં ટીચતા હતા. પૂછતાં જવાબ મળ્યો: ‘બૂનને તો અબી હાલ રફીકની જીપમાં બેહાડ્યાં અમે!’
એકદમ તો રણછોડ ઢીલો થઈ ગયો. બિચ્ચારી! લૂખ લાગે એવા તાપમાં જીવ બાળતી જઈ, તમારા પાપે રણછોડિયા!’ … પણ, તરત જ એણે મન વાળી લીધુંઃ ‘ગઈ તો શું વાંધો છં? હાંજના દિલાની દુકાનેથી ફોન રમરમાવું એટલી વાર! ચારની ચિંતા નં કરતા બનેવી! કાઠું વરહ હશેં તો શું થ્યું? તમારો હાળો પાંચ વરહનો બેઠો છં! …ને પછી પત્તાં રમનારાઓ પાસે આવી બોલ્યો: ‘જગા કરોં લ્યા, મારી! દો-તીન-પાંચ રમી નાખીએં!…’