પરિભ્રમણ ખંડ 1/અહલીપહલી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહલીપહલી}} '''ફૂલ્યોફાલ્યો''' ફાગણ માસ આવ્યો છે, આંબા મોર્યા...") |
(No difference)
|
Revision as of 11:22, 17 May 2022
ફૂલ્યોફાલ્યો ફાગણ માસ આવ્યો છે, આંબા મોર્યા છે ને કેસૂડાં કોળ્યાં છે. બારે ભાર વનસ્પતિ તો લચી પડી છે. ટાઢ ઊડી છે ને તડકા તપવા લાગ્યા છે.
સામી ઝાળે હોળી ચાલી આવી છે. આઠમની રાતથી તો કાંઈ અજવાળિયાં ખીલે છે! કાંઈ અજવાળિયાં ખીલે છે! એ અજવાળિયામાં ટોળે વળીને શેરીની નાનકડી છોકરીઓ અહલીપહલી માગવા નીકળી પડે છે. આ ઘેર જાય છે ને પેલે ઘેર જાય છે. કોણ કોણ જાય છે? અજવાળી, દીવાળી ને રૂપાળી : પારવતી, ગોમતી ને સરસ્વતી : પૂતળી, મોતડી ને મણિ : હેમી, પ્રેમી ને પરભી : કોઈ બામણની દીકરી, કોઈ વાણિયાની, કોઈ રજપૂતની તો કોઈ કણબીની : એમ ટોળે વળીને કુમારિકાઓ પડોશીને ઘેર ઘેર ઘૂમે છે. માથાં ડોલાવી ડોલાવીને તાલ દેતી દેતી લહેકાથી ગાજી ઊઠે છે કે —
અહલી દેજો બાઈ પહલી દેજો!
પહલીના પાંચ દોરા દેજો!
એટલું બોલે ત્યાં તો ઘરનાં છૈયાંછોકરાં સૌ દોટ કાઢીને બહાર આવે છે. વળી તાલ બદલે, લહેકા ટૂંકા થાય અને જોડકણું જોરથી ગાજે :
જે રે
દેશે રે
એને રે
ઘેરે રે
પાઘડિયાળો પૂતર આવશે!
નાગલિયાળી નાર આવશે!
અહાહા! પાઘડીબંધ રૂપાળો પુત્ર અને નાગણી-શા કાળા ભમ્મર ચોટલાવાળી રૂડી વહુ મળે! એવી આશિષ સાંભળીને તો કેટલી કેટલી જણ્યાં વિના ઝૂરતી પડોશણો દાણા દેવા દોડી આવતી’તી! કુંવારકાઓની આશિષો કાંઈ ફળ્યા વિના રહે! પણ આ છોડીઓ તો નખેદ! આશિષો આપે તેમ વળી શાપ પણ આપે :
જે રે
નૈ દ્યે રે
એને રે
ઘેરે રે
બાડૂડો જમાઈ આવશે!
કાણી કૂબડી ધેડી આવશે!
હળવો ફૂલ જેવો, કાલો કાલો અને ભોળા મનનો આ શાપ સાંભળતાં જ ખડખડ હસતી ઘરનાર ખોબો ભરીને બહાર આવે; કન્યાઓના ખોળામાં દાણા ઠાલવીને બોલે : “લ્યો, ટળો, નીકર જીભડી વાઢી લઈશ”. પણ બાળીભોળી છોકરીઓ કાંઈ છેલ્લો આશીર્વાદ આપ્યા વિના જાય કદી? આ અને ઓલ્યા તમામ ઘરને સૌભાગ્યની દુવા સંભળાવે છે :
આ ઘેર ઓટલો
ઓલે ઘેર ઓટલો
ઘરધણિયાણી ઓળે ચોટલો
પછી દુઝાણાંવઝાણાં અને ખેતરવાડી વગેરે સંપતની દુવા સંભળાવે છે :
આ ઘેરે રાશ
ઓલે ઘેરે રાશ
ઘરધણિયાણી ફેરે છાશ!
આ ઘેરે ગાડું
ઓલે ઘેરે ગાડું
ઘરધણિયાણી જમે લાડુ!